ખાયેગા ખાનેવાલા – બીરેન કોઠારી

[‘મધ્યાંતર’ સામાયિકમાંથી સાભાર.]

બહાર જમવા કે ખાવા જવું એ હવે નથી કળા ગણાતી કે નથી સ્ટેટસ. રસ્તે હાલતો ચાલતો, દ્વિચક્રીય વાહન પર જતો કે પછી અમુક ગુજરાતી કોલમિસ્ટોની વાર્તામાં જેમનાં નામ વારંવાર આવે છે એવી બ્રાન્ડનેમવાળી વૈભવી કારમાં જતો કોઈ પણ માણસ ગમે ત્યાં અને ગમે ત્યારે બહાર જમવા જઈ શકે છે. અત્યાર સુધી આ કામ માત્ર મુઠ્ઠીભર સમૃદ્ધ લોકો પૂરતું મર્યાદિત હોવાથી તે કળાનો કે સ્ટેટસનો દરજ્જો પામેલું હતું. બહાર જમવા જઈ શકનારાઓ તેમજ નહીં જઈ શકનારાઓ આમ માનતા અને મનાવતા.

બહાર જમવાનું એટલે હોટલ, રેસ્ટોરન્ટ, મેનુ, વેઈટર વગેરે શબ્દો વાપરવાની તક મળવી. આવો રિવાજ અત્યાર સુધી હતો. પણ બહાર જમવા જનારાઓ પોતાને અન્યો કરતાં વધુ સમજણ પડે છે એમ દેખાડવા માટે તેની અવેજીમાં હોટલ, રેસ્ટોરાં, મેન્યુ, બેરા, જેવા શબ્દોનો છૂટે મોંએ ઉપયોગ કરતા.

વૈશ્વિકરણના પ્રતાપે હવે બીજી અનેક ચીજોની જેમ આ બાબતની પણ હવે કોઈને નવાઈ રહી નથી, કેમ કે હવે તે સહુ કોઈ માટે સુલભ બની ગઈ છે. એ રીતે જોઈએ તો મૂડીવાદને કારણે સામ્યવાદ આપણા દેશમાં આવ્યો છે એમ આ બાબત પૂરતું કહી શકાય. હોટેલ, રેસ્ટોરાંના વિકલ્પે ખાણીપીણીની અનેક લારીઓ ઊભી થઈ ગઈ છે. સામ્યવાદના પ્રણેતા કાર્લ માર્ક્સે પણ ન કલ્પી હોય એવી આદર્શ પરિસ્થિતિ આને લઈને ઊભી થઈ ગઈ છે. (ઘણા એમ માને છે કે સામ્યવાદની આજની પરિસ્થિતિ પણ કાર્લ માર્ક્સની કલ્પના બહારની છે.) જેમને લારી-ગલ્લા પર જ ખાઈ શકવાનું પોષાતું હતું એવા લોકોને હોટેલ-રેસ્ટોરાંમાં જવાનું પોષાવા લાગ્યું છે, એટલું જ નહીં, એમાં ગૌરવ પણ લાગવા માંડ્યું છે. જ્યારે હોટેલમાં જમવા માટે જઈ શકતા લોકો લારીઓ પર જમવામાં ગૌરવ અનુભવવા લાગ્યા છે. આનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે લારી પર ‘મોટી’ કાર લઈને જવાથી લારીવાળો તેમજ અન્ય લોકો પણ તે કારને જોઈ શકે છે. હોટેલમાં તો કાર બહાર મૂકીને જવું પડતું હોવાથી અંદર ગયેલા સૌ સરખા જ જણાય છે. એ રીતે લારી મૂડીવાદની પોષક અને હોટેલો સામ્યવાદની પોષક બની રહી છે.

ખબર નહીં કેમ, પણ રેસ્ટોરાંમાં ઓર્ડર આપતી વખતે લોકોનો રાષ્ટ્રભાષાપ્રેમ જબરો ઉભરાઈ આવે છે. વેઈટર આવે ત્યાં સુધી માતૃભાષામાં વાત કરતા લોકો અચાનક ઓર્ડર આપતી વખતે હિન્દીમાં બોલવા માંડે છે. આની સામે વેઈટર જો અંગ્રેજીમાં પૂછવા લાગે તો ગ્રાહકોના મનમાં ખતરાની ઘંટડી વાગવા માંડે છે. નક્કી અહીં લૂંટાવાના ! (અંગ્રેજી સાથે સંકળાયેલો અહોભાવ તેમજ લૂંટનો ભાવ અંગ્રેજો ગયાના છ દાયકા પછી પણ લોકોના મનમાંથી ગયો નથી.)

બહાર ખાવાપીવામાં અનેક પદ્ધતિ, પેટા પદ્ધતિ તેમજ વિકલ્પો ઉપલબ્ધ છે, તેમ ઓર્ડર આપનારાઓના પણ વિવિધ પ્રકારો છે. અમુક લોકો તેમને આપવામાં આવેલા મેનુની જમણી તરફની કોલમ જોઈને શું મંગાવવું તે નક્કી કરે છે. કેમ કે રેસ્ટોરાંમાં પ્રવેશ કર્યા પછી તેનું ઈન્ટીરિયર, સ્વચ્છતા, વેઈટરના યુનિફોર્મની ઈસ્ત્રી વગેરે જોઈને તેમને જ્ઞાન (કે ભાન) થઈ જાય છે કે અહીં નક્કી ભાવ વધુ હોવાના. બહાર જમવા નીકળ્યા હોવા છતાં તેઓ પૈસા ખરચવા નહીં, પણ બચાવવા નીકળ્યા હોય છે. એમાંય વેઈટર અંગ્રેજી બોલતા સંભળાયા તો ખલાસ ! પોતાની ધારણાને સમર્થન મળી જાય છે. અંગ્રેજી બોલતા વેઈટર હોય એવી હોટલોમાં વધુ ભાવ હોવાનું એક કારણ એ હોઈ શકે કે તેના માલિક વેઈટરોને અંગ્રેજી વ્યાકરણના પુસ્તકો લાવી આપવાનો ખર્ચ કે ઈંગ્લીશ સ્પિકીંગના વર્ગો ભણાવવાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવા માંગતા હોય. જો કે આનો બહુ અર્થ સરતો નથી, કેમ કે મોટા ભાગના લોકો ઓર્ડરની શરૂઆત અંગ્રેજીથી કરીને તેની સમાપ્તિ હિન્દીમાં જ કરે છે.

ગુજરાતી થાળી જમવા જઈએ ત્યારની વાત જુદી છે, કેમ કે તેમાં ફક્ત થાળીની સંખ્યા જ કહેવાની હોય છે. પણ ગુજરાતીઓના ભાષાપ્રેમને ભાગ્યે જ કોઈ સમજી શકે છે. ગુજરાતની બહાર ફરવા ગયેલા લોકો રેસ્ટોરામાં જઈને ગમે તે વાનગી મંગાવે, પણ તેનો ઓર્ડર ગુજરાતીમાં જ આપે છે. ઘરઆંગણે રાષ્ટ્રભાષાનો મહિમા અને ઘરની બહાર માતૃભાષાનો મહિમા કરવાથી અસ્મિતાની સાથેસાથે રાષ્ટ્રભાવના પણ પ્રબળ બને છે. જો કે, આવો ખ્યાલ લોકોના મનમાંય નહીં હોય, કેમ કે આ ભાવના આપણાં અસ્તિવમાં એ હદે વ્યાપેલી છે કે તેના હોવાપણા વિષેની સભાનતા પણ નીકળી ગઈ છે.

અમુક લોકો મેનુની ડાબી તરફની કોલમ જોઈને વાનગીઓનો ઓર્ડર આપે છે, કેમ કે તેમનું મુખ્ય ધ્યેય પૈસા ખરચવાનું અથવા તો પોતે ખરચી શકે છે એમ બતાવવાનું હોય છે, બચાવવાનું નહીં. વાનગીઓના લાંબાલચક લીસ્ટમાં જે નામ ચિત્રવિચિત્ર લાગે તેનો તેઓ ઓર્ડર આપે છે અને પોતે કશુંક સાહસ કર્યું હોવાની અનુભૂતિ કરે છે. કોણ કહે છે કે ગુજરાતીઓમાં સાહસવૃત્તિ નથી ? તેમને વાનગીની કિંમત સાથે કશી નિસ્બત હોતી નથી. અથવા તો નિસ્બત એટલી જ હોય છે કે તે મોંઘી હોય. ડાબી કોલમ અને જમણી કોલમ જોઈને ઓર્ડર આપનારા લોકોના બે અંતિમોની વચમાં કેટલાક મધ્યમમાર્ગીઓ પણ હોય છે. આવા લોકો ન વાનગીના નામને પ્રાધાન્ય આપે છે કે ન તેની કિંમતને. તેઓ વેઈટરને બોલાવીને અમુક તમુક વાનગીઓના નામ પર આંગળી મૂકીને તેમાં શું શું નાંખવામાં આવે છે તે વિશે પૃચ્છા કરે છે. બિચારો વેઈટર પોતાને ખબર હોય એટલી વસ્તુઓના નામ બોલી જાય છે. અમુક વખતે તેને ખ્યાલ ન હોય તો તાત્કાલિક જે નામ યાદ આવે તે બોલી જાય છે, કેમ કે તેને ખાતરી હોય છે કે એક વખત વાનગી પીરસી દીધા પછી તેમાંનું કશુંય ઓળખી શકાવાનું નથી. અને માનો કે અમુક વસ્તુ ઓળખાઈ જાય તો પણ કશો વાંધો નથી. ઓર્ડર આપનાર તે વિશે પૂછે તો શાંતિથી કહી શકાય કે આજે અમુક ચીજો મળી નહીં હોવાથી તેની જગ્યાએ બીજી ચીજો વાપરવામાં આવી છે.

અમુક ચોખલિયા લોકો વળી ઓર્ડર આપતાં પહેલા જે તે રેસ્ટોરાંનું રસોડું જોવાનો દુરાગ્રહ રાખે છે. રસોડામાં બે ચાર વંદા કે ગરોળીઓ ફરતા તેઓ ન જુએ ત્યાં સુધી રેસ્ટોરાંની વાનગીઓનો સ્વાદ બરાબર નહીં હોય એમ તેઓ માને છે. કોઈ રેસ્ટોરાંનું રસોડું સ્વચ્છ હોય તે નિશાની સારી ન ગણાય. કોઈ ચિત્રકારની પ્લેટ ચોખ્ખી હોય એ બરાબર ન કહેવાય એની જેમ. કેમકે રસોડાનો બરાબર ઉપયોગ ન થવાને કારણે જ તેની દિવાલો સ્વચ્છ રહે છે એ સત્ય સહુ જાણે છે. ક્યારેક ઘણા રેસ્ટોરાંવાળા ગ્રાહકો પર પોતાની સ્વચ્છતાની છાપ પાડવા સારું પારદર્શક કાચને પછવાડે પોતાનું રસોડું રાખે છે. વાસ્તવમાં આ એક આભાસમાત્ર હોય છે. તેમનું આ રસોડું કેવળ દેખાવ પૂરતું હોય એવી પૂરી સંભાવના હોય છે, જેમાં એક-બે માણસો વાનગીઓ બનાવતા હોવાનો કેવળ ડોળ કરે છે. અસલી વાનગીઓ તો અંદરના રસોડામાં જ બનતી હોય છે. પારદર્શક રસોડામાં કેવળ પ્લેટો જ ભરાય અને ગોઠવાય છે.

જો કે, હવે ગ્રાહકો પણ સ્માર્ટ થઈ ગયા છે. તેઓ વિચારે છે કે સ્વચ્છ રસોડામાં જમવું હોય તો ઘેર બેસીને ન જમતા અહીંયા સુધી પૈસા ખર્ચવા શું કામ લાંબા થાત ? પણ સમજુ ગ્રાહકો બોલીને રેસ્ટોરાંના માલિકનો ભ્રમ તોડવા માંગતા નથી. આમ, બંને પક્ષ સામેનાને ભ્રમમાં રાખ્યાનો સંતોષ લે છે અને એ રીતે વ્યવહાર ચાલ્યો રાખે છે. સંસારની અન્ય માયાઓની જેમ અહીં પણ ‘ભ્રમ સત્ય, (દેખાતું) જગત મિથ્યા’નું સુત્ર લાગુ પડે છે, જે બીલ આવે ત્યાં સુધી ટકી રહે છે. જન્મજન્માંતરના ફેરાની જેમ જ્યારે જ્યારે પણ લોકો જમવા જાય ત્યારે આ ક્રમ ચાલ્યા કરે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શેખર – અંશુ જોશી
પીળો પતંગ મારો પીળો પતંગ….. – રીના મહેતા Next »   

9 પ્રતિભાવો : ખાયેગા ખાનેવાલા – બીરેન કોઠારી

 1. Balkrishna A. Shah says:

  મારા જેવા હોટેલ કે રેસ્ટોરન્ટમાં ન જતા વયસ્કોને વાંચવામાં મઝા પડે તેવો લેખ.

 2. Pravin V. Patel says:

  ઠાવકાઈથી કટાક્ષ ઠપકારી રમુજ વરસાવતો હળવો લેખ.
  મજાનો છે.
  અભિનંદન.

 3. Hetal says:

  સરસ લેખ ..

 4. કલ્પેશ says:

  આજકાલ તો મેનુ જોઇને રેસ્ટોરામા ખાવાનુ મન જ ઓછુ થઇ ગયુ છે.
  ક્યાં છે મોંઘવારી?

  મને તો લાગે છે કે આપણે જ મોંઘવારીને સમર્થન આપીએ છીએ, જ્યારે રેસ્ટોરામા આરોગીએ(?) છીએ ત્યારે.
  લખ્યા પછી લાગે છે કે આરોગીએ શબ્દ રેસ્ટોરા સાથે બેસતો નથી.

 5. nayan panchal says:

  મજાનો લેખ. કટાક્ષની સાથે સાથે ભારો ભાર રમૂજ.

  ખૂબ આભાર,
  નયન

 6. hardik says:

  i read somewhere which makes sense as a comment to this article..

  “I usually lump organized religion, organized labor, and organized crime together. The Mafia gets points for having the best restaurants.” – Dave Beard

 7. vimal shah says:

  આવો સરસ હળવો લેખ ઘણા વખતે વાન્ચ્યો. મઝા આવિ.

 8. Harnish Jani says:

  ઘણાં વખત પછી આવો સુંદર લેખ વાંચ્યો.-મારા જેવાને જેને ગુજરાતી રેસટોરન્ટના અનુભવ નથેી એને ઘણું જાણવા મળ્યુ>
  નીચે નો પેરેગ્રાફ તો મને ખૂબ હસાવી ગયો.
  ખબર નહીં કેમ, પણ રેસ્ટોરાંમાં ઓર્ડર આપતી વખતે લોકોનો રાષ્ટ્રભાષાપ્રેમ જબરો ઉભરાઈ આવે છે. વેઈટર આવે ત્યાં સુધી માતૃભાષામાં વાત કરતા લોકો અચાનક ઓર્ડર આપતી વખતે હિન્દીમાં બોલવા માંડે છે. આની સામે વેઈટર જો અંગ્રેજીમાં પૂછવા લાગે તો ગ્રાહકોના મનમાં ખતરાની ઘંટડી વાગવા માંડે છે. નક્કી અહીં લૂંટાવાના ! (અંગ્રેજી સાથે સંકળાયેલો અહોભાવ તેમજ લૂંટનો ભાવ અંગ્રેજો ગયાના છ દાયકા પછી પણ લોકોના મનમાંથી ગયો નથી.)

  મેં પેરીસમાં પણ હિન્દીમાં ઓર્ડર આપતા ગુજરાતીઓ જોયા છે.

 9. મજો પડી. ખરેખર સાચી વાત છે. મારે પણ ક્યારેક જ હોટેલમાં જમવા માટે જાવાનું બન્યું છે અને દરેક વખતે કોઇ ને કોઇ ભગા તો કર્યા જ છે. જેનું અત્યારે પણ હસવું આવે છે.
  વ્રજ દવે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.