પીળો પતંગ મારો પીળો પતંગ….. – રીના મહેતા

[સૌ વાચકમિત્રોને મકરસંક્રાંતિના પર્વની શુભેચ્છાઓ. આજના આ પર્વ નિમિત્તે રીનાબેનના (સુરત) લલિત નિબંધસંગ્રહ ‘ખરી પડે છે પીંછું’ માંથી માણીએ એક વિશેષ લેખ…. – તંત્રી.]

kite

એક સાવ નાની છોકરી પહેલીવાર પતંગ ચગાવતી છોકરીનું ચિત્ર દોરે છે, ચિત્રમાં છોકરીના બે ડાળી જેવા હાથ પર આંગળીઓ જાણે પર્ણની જેમ ઝૂલે છે. છોકરીના છુટ્ટા વાળ હવામાં લહેરાય છે. એનો પતંગ જાણે કાગળના આકાશમાં ઊડવા લાગે છે. ઊડે છે પતંગ અને ઊડે છે છોકરી ! ચિત્રમાંની છોકરી કાગળમાંથી નીકળી ચિત્ર દોરતી છોકરીમાં પ્રવેશી જાય છે.

વર્ષો પહેલાં હું પણ આવાં બાળચિત્ર દોરતી – હવે મને લાગે છે કે પેલાં ચિત્રમાંની છોકરી પણ હું જ હતી. મારે બે નાના હાથ હતા અને હાથમાં પતંગ, અરે ! કહોને, આખું આકાશ હતું ! પતંગની દોર જાણે પાંખ હતી. ભલે પછી પતંગ ચગાવતાં કદી ન આવડ્યો તેમાં શું ? પતંગનાં નામ કદી ન આવડ્યાં તેમાં શું ? આકાશ તો હતું, આકાશમાં પતંગો તો હતા ! હંમેશાં ખાલી, એકલાવાયું લાગતું નભ હમણાં આ દિવસોમાં રંગબેરંગી કોલાહલથી ભરાઈ રહ્યું છે. હવાના પડને વીંધીને રાતો દોર આગળને આગળ સરી રહ્યો છે. એ દોર ઘડીકમાં મારી નાની કુમળી આંગળીઓ પર ખટમીઠ્ઠો ચીરો પાડી જાય છે ને પછી હું સ્મરણનાં ઝીણાં રાંદેરી બોર ચગળ્યા કરું છું. વર્ષો પછી મને કેડેથી વાંકા વળી ગયેલા દાદા ખભે લાલ, મોટી ઝોળી ભેરવી નીચેથી ‘જસુ….’ના નામની બૂમ પાડતા સંભળાય છે !

યજમાનોને ત્યાંથી ભરી ભરીને આણેલી એ ઝોળીમાંથી સારી-નબળી, જાત જાતની ચીકી, તલિયા લાડું, લીલા ચણાની ઝૂડી, નાનાં-મોટાં-લાલ-પીળાં-સારાં-સડેલાં બોર, મગ-ચોખા, પિત્તળનાં નાનાં પ્યાલાં, પાંચકા-દસકાં-પાવલી બધું નીકળી પડે છે…. અમારું લાલચું બાળમન મનગમતી ચીજ લેવા પડાપડી કરે છે. ઘરડા પગે ચાલીને બિચારા દાદા તો શેરડીના કેટલાં બધાં સાંઠા અને બોર તો ગરીબ અને નાના છોકરાંઓને રસ્તે વહેંચતા-વહેંચતા આવ્યા છે. ‘નાની ! શેરડી બરાબર ચૂસજે હોં ! નહિ તો બકરીને ખાવાની મજા પડશે….’ એમ ટકોરતો એમનો હસમુખો સાદ સંભળાય છે. ઝોળીમાં અમારા કેટલાંય ભેરુઓનો ભાગ અમે પણ રાખ્યો છે, તે મુઠ્ઠીમાં કે ફ્રોકના ખિસ્સામાં ભરી-ભરી મૂકીએ ને પછી સીધી દોટ છાપરે….

આગલે દિવસે મોટાઓએ છાપરાં પર ચઢવા માટે કાથીની દોરી બાંધી સીડી તૈયાર કરી દીધી હોય છે. સીડીના પાતળા અને ઊંચા-ઊંચા પગથિયાં ચઢતાં મને હંમેશા થોડી બીક લાગતી. છાપરા પર પહોંચતાં જ આકાશે ચઢી ગયા જેવી હાશ થતી. ઘણીવાર ઘણાં એ સીડી સાથે જ નીચે પટકાયાં હતાં. હજુ એ સીડી છે. હવે તે ભાગ્યે જ બંધાય છે. કોઈ અવાવરા ખૂણે પડી પડી એ જાણે મારા બીતા-ધ્રૂજતા નાના પગની રાહ જુએ છે. અમારું છાપરું, એની જમણે સહેજ ઊંચે બીજું છાપરું અને વચ્ચેની દીવાલ પકડી ગોળ ઘૂમી હળવેકથી જવાય એવું બાજુવાળાનું છાપરું. આ ત્રણે છાપરાંઓ પર અમારી સહિયારી ઉત્તરાયણ ઉજવાતી. હવે તો આ ત્રણેય છાપરાં ગગનચૂંબી ઈમારતોની છાયામાં વામણાં બની ગયાં છે. તેમનું છાપરાપણું લુપ્ત થઈ ગયું છે.

પણ ત્યારે તો ત્રણે છાપરાં આભને અડતાં હોય એમ અમને વહાલાં હતાં. અમે છોકરીઓ ઝાડુથી એને સુંદર વાળી પણ નાંખતી. સહેજ ઊંચા, વચલાં છાપરાં પર નકામી ચાદર લટકાવી પરદો કરી અમારું નાનકડું, શીતળ છાયાવાળું ઘર બનાવતા. પેલી ઝોળીનાં તથા પોતપોતાનાં ઘરનાં ચીકી-બોરની ઉજાણી કરતાં, ઘરઘરની રસોઈ બનાવતાં – જમતાં – ટૂંટિયું વળી સૂઈ જતાં અને કદીક લડાઈ પણ કરતાં. દર વર્ષે ઉત્તરાયણ પહેલાં અમારી બીજી પરીક્ષા પૂરી થઈ જતી અને શાળામાં અઠવાડિયું રજા પડતી. એટલે ઉત્તરાયણ એક-બે નહિ પણ સાત દિવસ ચાલતી. ત્યારે તો ગલીએ ગલીએ આટલા બધા પતંગ નહીં મળતા. આગલા દિવસે ભાઈ અને તેના મિત્રો રાંદેર જઈ પતંગ લઈ આવતા અને પછી રાતે સમૂહમાં કન્ના બંધાતાં. અમે નાનાઓ જિજ્ઞાસુ મનથી આમતેમ અટવાતાં, વચ્ચે ડાફાં માર્યાં કરતાં કે નાની-નાની મદદ કરતાં.

વહેલી સવારે ખાસ્સી ઠંડીમાં હજી માંડ અજવાળું થાય ત્યારે જ પતંગવીરો છાપરે ચઢી જતાં. સૂરજ ઊગતામાં જ આખ્ખું આકાશ પતંગોથી ભરાઈ જતું. કેટલાંક પક્ષીઓ આમતેમ ગભરાઈને અટવાતાં ઊડી જતાં. પાઘડી ને બેપટ્ટો ને ફુદ્દી જાતજાતનાં નામોનો ધ્વનિ જોરશોરથી બોલાતો. અમારે છોકરીઓએ તો પતંગ શા ચગાવવાના ? પરતી પકડવાની રહેતી. નાના હાથોમાં ગોળગોળ ફરતી પરતી (ફિરકી) ગુલાબી વર્તુળ રચતી. ભાઈઓ બહેનોને સહેલ આપી રાજી કરતા. પણ સહેલ લેવામાંય મારો પતંગ તો જાણે ગોટ ખાઈ જતો. દૂર-દૂર ચગતાં પતંગનો દોર મારા નાના હાથને ભારેભારે લાગતો. સહેલ લેવાની એક-બે પળ ખરેખર સહેલ જેવી જ બની જતી. તડકો ચઢતાં ઊંચું જોઈ-જોઈ આંખો થાકી જતી. કપાયેલા પતંગ માટે ધમાચકડી મચતી. હાથ પર છે….ની કર્ણભેદી બુમરાણ થતી. ઉગ્ર સાદે ઝઘડા પણ થતાં અને છાપરાંઓ પરથી હળવો પથ્થરમારો પણ થતો. બધાંના ખીજનાં નામ પડતા. કાયપોચ….. ના સુરતી લહેકાદાર કંઠો ગાજતા. નીચેથી કામ માટે બા બૂમો માર્યાં કરતી, જે અમને સંભળાતી…. છતાં ન સાંભળતાં. છુટ્ટા વાળ પર વાદળીવાળી હેટ અને ગૉગલ્સ પહેરેલી હીરોઈન જેવી છોકરીઓને અમે નાની બાળાઓ ઘુટરપુટર તાક્યા કરતી. મોટેથી ફિલ્મી ગીતોની ટેપ વાગતી. છોકરીઓની મશ્કરી થતી. ક્યારેક ગાળો પણ બોલાતી. અમારા ત્રણે છાપરાંના સીધાંસાદાં-ડાહ્યાડમરાં સભ્યો મૂક બની જતાં.

બપોર પછી ચારેક વાગ્યે પતંગનો બીજો દોર શરૂ થતો. પવન બરાબર હોય તો પતંગબાજો બરાબર ખીલી ઊઠતાં. પવન પડી ગયો હોય તો ઠુમકાં મારી મારી કંટાળતાં. ઠેઠ અંધારું થઈ જાય, ઝાંખો-ઝાંખો દેખાતો પતંગ પણ અદશ્ય થઈ જાય ત્યાં સુધી બધાં છાપરે રહેતા. પછી અંધકારના ઓળા બધાં જ છાપરાં પર ઊતરી આવતાં. ટેપ રેકોર્ડર ધીમાં કે બંધ થઈ જતાં. કંઈક ન ગમતું છાનું છાનું છવાઈ જતું. ધૂળથી ખરડાયેલાં, ફાટી ગયેલાં હાથ-પગ ધોવા અમે નીચેની નાની અગાસીના બાથરૂમનો નળ ખળળ…. ખોલતાં ને પછી બહાર આવી ઊંચે જોતાં તો તાજાં અંધારામાં છૂટાંછવાયાં કંડિલ ટમટમતાં દેખાતાં. એનું ટમટમવું મારી આંખોમાં આજેય વિસ્મયના અગણિત વર્તુળો ઉપસાવે છે.

વાસી ઉત્તરાયણ વાસી જ રહેતી. ફેંકાયેલી-નકામી દોરીની ગૂંચ ઉકેલી પીંડુ વાળી હું બાને આપતી. સામસામે દોરી ઘસી અમે ઘિસરપટ્ટા રમતાં અને ફટ્ટ દઈ દોરી તૂટી જતી. ફાટેલાં પતંગ સાંધવા માટે અગાસીના એક કૂંડાના કાંટાળા છોડનું ટોચકું તોડતાં પટાક દઈ ગુંદર જેવું ચીકણું પ્રવાહી નીકળતું એ જોવાની મજા પડતી. ધીમેધીમે રજાના દિવસો પૂરા થતાં અને અંદર ઉત્સવ પછીનો ખાલીપો ભરાઈ જતો. ફરી કોઈક ખૂણે આવતી ઉત્તરાયણની રાહ જોવા મંડાતી.

ભૌમિક હવે મળશે ત્યારે એનો ગોરો વાન કાળો પડી ગયો હશે. આ આઠ-દસ દહાડા એ બસ અગાસીમાં જ ધામા નાંખે છે. એ ભૌમિક નહિ પણ પતંગ બની જાય છે. બાળપણમાં દરેક ઉત્સવ કે દરેક બાબતમાં થોકડે થોકડાં વિસ્મય-મુગ્ધતા અનુભવાય છે. પછી એ ધીમે ધીમે ઘટતાં જાય છે. એક તબક્કે સંપૂર્ણ લુપ્ત થઈ જાય છે. જ્યારે આ મુગ્ધતા ગુમાવી દઈએ છીએ ત્યારે જાણે જીવન પણ ગુમાવી દઈએ છીએ. પછી મોટા સાદે ‘પીળો પતંગ મારો પીળો પતંગ, આકાશે ઊડતો પીળો પતંગ….’ ગવાતું નથી. બાએ લાલ ઝોળીમાંથી ખોબો ભરીને આપેલા બોર ખવાતાં નથી, શેરડીના મધમીઠા રસમાં ઝબોળાઈ-ઝબોળાઈને ડૂબકી મરાતી નથી, પહેલી વાર દોરેલી એવી પતંગ ચગાવતી છોકરી દોરાતી નથી….

બાકી તો, જે પતંગ મેં કદી ચગાવ્યો જ નહોતો કે કદી મને ચગાવતાં આવડ્યો જ નહોતો, એય કપાઈ ગયા જેવું લાગે છે. પરંતુ મારી લુપ્ત થઈ ગયેલી એ તમામ ઉત્તરાયણો આ દિવસોમાં કોઈ એક ક્ષણે પેલા કાગળ પરના ચિત્રમાં જીવંત થઈ જાય છે. પેલી કાગળની છોકરીના વાળ, હાથ, હાથની આંગળીઓ, આંગળી વચ્ચેનો રાતો દોર અને દોરને બાંધેલો પીળો પતંગ ભૂરા આકાશે ઊડવા માંડે છે અને તે સાથે જ ઊડવા માંડે છે પેલી છોકરી…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખાયેગા ખાનેવાલા – બીરેન કોઠારી
સ્વાસ્થ્ય ભણી દોરી જતી સપ્તપદી – મીરા ભટ્ટ Next »   

26 પ્રતિભાવો : પીળો પતંગ મારો પીળો પતંગ….. – રીના મહેતા

 1. Payal says:

  વાહ મજા આવી ગઈ!!

 2. gopi bhatt says:

  Bahu j sras lekh che. Vanchi ne mane pan maru balpan yad avi gayu. Em thay k lav ne hu pan mara ghare agasi par joi avu keva patng ude che.(atyre jo k hu New Zealand ma rahu chu). Keva majana hata e divso !!!!!!! 🙂

 3. Akash says:

  ખુબ જ સુન્દર લેખ. આજ ના શુભ પર્વ પર મારી સૌને શુભેચ્છાઓ..

 4. રીનાબેન,
  મારો પણ કંઇક આવો જ અનુભવ. અત્યાર સુઘીની દરેક સંક્રાત માં મારે ભાગે તો કોઇ ને કોઇની ફીરકી જ પકડવાનું જ થયું છે. તેમાં પણ આનંદ વઘુ જ મળ્યો છે. કારણ પતંગ ઊડી જ નથી એટલે પતંગ કપાયાનું દુઃખ ક્યારે થયું નથી.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 5. Pravin V. Patel USA says:

  અહીં બેઠા ઉત્તરાયણની મોજ માણવા મળી.
  શૈશવનાં સ્મરણો આલ્હાદક છે.
  રાંદેરની સહેલ કરાવી.
  આભાર સાથે સાથે અભિનંદન.

 6. nayan panchal says:

  રીનાબહેન,

  તમે વધુ કેમ નથી લખતા ??

  અત્યારે ઓફિસમાંથી તમે મને મારા જૂના ઘરની અગાસી પર મોકલી દીધો. એમ થાય છે કે ત્યાં જ રહી જાઊં, માત્ર આજનો દિવસ.

  રીડગુજરાતીના દરેક વાચકોને, કર્તાઓને અને મૃગેશભાઈને મકરસંક્રાતિની શુભેચ્છાઓ. આપ સૌનો પતંગ ઠૂમકા માર્યા વગર ખૂબ ઉંચે સુધી ઉડે અને કદી ન કપાય તેવી પ્રભુપ્રાર્થના.

  આભાર,
  નયન

 7. Jayesh parekh says:

  Vanchine bachpan yaad avi gayu.
  Nice!

 8. Sachin says:

  Now i am in saudi arabia kharekhar ghar ni yad avi gayi
  Hu ane mari bahen savarthi patang chagavtata chadhi jata
  aje kharekhar agasi par nahi hovano afsos che.

 9. Tejal Thakkar says:

  ખરેખર, ખુબ જ સુન્દર લેખ. મને એ બોર, શેરડ અને ચીકી યાદ આવી ગયા અને એનથી વધારે “તને એ બહુ ભાવે છે એથી ખાસ તારા માટે યાદ કરી ને લવ્યા” એવુ કહેનારા મારા મા-બાપ પણ, જેમનાથી દૂર હું અમેરિકા આવી છુ.

 10. yogesh says:

  Rinaben, u took me 10 yrs back days when i was in amdavad, early bird on the top of my terrace, then we use to go to one of my friend’s house, where up until now, after almost 20 yrs, everyone from my group, gets togather, except me, though i try to go home during uttarayan, not this year and 200 % sure next year.

  I agree with other readers. India is missed when u r not in india, so i am no exception. Called my friends who are having the best time today and here i am in usa, working.:-(

  Our next generation will enjoy uttarayan, holi etc in temples only. what a sad way to celebrate. But hey, thats still a consolation price for living and choosing to live in usa.

  Wish u all a happy uttarayn.

 11. Gopal Shah says:

  ઓ હો …. ઉત્રાણની સૌને શુભેછ્છાઓ…. ૨૦૦૫ માં જ્યારે હું અને મરી ગીતા વડોદરા હતા ત્યાર્ ની યાદ આપાવી દીધિ… જોકે મારા મિત્રોના બાળકો સાથે મેં ખુબ મજા કરી હતી… મારા છોકરાઓ તો USA માં હતા એ વખતે – અને એમને મન ઉત્રાણ નું કાઇ ખાસ મહત્વ નથી… પણ બાપુ આપડે તો જલસો કરે લો…. ગોળ ચકરી, ધાણી, તલ ના લાડ્ડુ અને મારા મન પસંદ – ફાફડ અને જલેબી સાથે તળેલા લીલા મરચા અને ગરમા ગરમ ચા…. અને પછિ તો જે પતંગો ચગે અને કપાય અને “કાયપો છે…” નો સાદ ગગન મા ગુંજે…. મજા આવી જાય….

 12. પતંગ એટલે જાણે એક્લા છોકરા ઓનો ઇજારો….અમારા જમાના માપણ એવુ જ હતુ કે છોકરિઓ થિ પત્ંગ ના ઉડાડાય. એવુ કેમ તેતો આજેય પાંસઠ વરસે ય નથિ સમઝાતુ.પણ આટલા વરસો બાદ પતંગ ઉડાડિ યે જોયો અને દોર કાપિ યે જોયો.

 13. કદાચ બ્ધા વિચાર કરતા થૈ જસે કે પત્ ગ ઉડ્યો કૈ રિતે? નાના હતા ત્યારે અગાસિ મા ખુબ પત્ંગ ચગાવતા એટલે આટલા વરસે પણ આ કસબ કામ લાગ્યો.

 14. rita jhaveri says:

  આભાર, રિનાબેન.આપણા સુરતનિ ઉત્રાણની યાદ અપાવિ , આખ મા આસુ આવિ ગયા.
  આમેરીકામા આ એક દિવસ તો ખુબ અઘરૉ લાગે. મન ઊડી ને સુરત પહોચી જાય
  રીટા ઝવેરી

 15. Ramesh Desai. USA says:

  ખુબ સ ર સ ઉતરાયણની બઘાને શુભેચ્છા.

 16. Jagruti Vaghela says:

  After reading this article I really cried. I enjoyed it so much and I felt like I am in India right now.
  Thank you for writting this touching article.

 17. પતંગ સામે પવને જ ચગે
  ને માનવ સામે પવને ડગે..

  પતંગ એકબીજાને કાપે
  ને માનવ એકમેકને ઠગે..

  ઊડે ઊંચે આકાશમાં ફરફરે
  કપાય જાય તો ય ન ડરે..

  જિંદગી એક કટી પતંગ છે
  કોના કોના હાથમાં એ ફરે..

  સમયની દોરીમાં ગુંચ ઘણી
  ફીરકી કોણ મારી હવે ધરે?

  કપાય જાય સબંધો ક્યારેક
  ક્પાયેલ સબંધ ક્યાં જઈ પડે?

  પતંગ સામે પવને જ ચગે
  ને માનવ સામે પવને ડગે..

  આપણો પતંગ જ્યારે કપાય જાય ત્યારે સામે પડતી બુમ’…એ..ઈ…ઈ…કા…ઈ..પો…છે’ સાંભળીને આપણે આપણી હારને ખુશ થઈને સ્વિકારવાની શિખ પણ આ સંક્રાંત જ આપે છે.

 18. harshad dave says:

  I was reading and a film of water spread across my eyes…The essay has inherent pain nicely described… very essay…..best wishes for Ms. Rina Mehta…..

  Harshad Dave
  NJ,US

 19. ખુબ સુંદર. સાચી વાત સમય જતાં આપણે એટલા પુખ્ત થઇ જઇએ છીએ કે તહેવારનો ખરો આનંદ ઉઠાવી શકતા નથી. મને પોતાને જ યાદ નથી કે છેલ્લે ક્યારે મેં દાંતથી છોલી ને શેરડી ખાધીતી.

 20. Rajendra Namjoshi,Surat says:

  પીળો પતંગ….., ખુબ જ સરસ લાગ્યો.શૈશવના સંસ્મરણો તાજા થઈ જાય એવી રજૂઆત. ખાસ તો સુરતની ઉતરાણનો જે માહોલ શબ્દોમાં ઉતાર્યો એ ખુય્બ ગમ્યું.

  -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

 21. Sanjay Upadhyay says:

  રીના મહેતા બાલ્યાવસ્થા ના સ્મરણો આલેખે ત્યારે દરેક વાચકને પોતાનુ બાળપણ યાદ આવી જાય એમા શી નવાઈ! પતંગ ની સાથે મન આકાશ બની જાય એ જેણૅ માણ્યૂ નથી ઍની દયા જ ખાવી રહી.. પરદૅશવાસી વાચકો ના પ્રતીભાવો વાંચી સમજાય કે એમણે શું ગુમાવ્યું છે.

 22. Ashish Dave, Sunnyvale, California says:

  Reenabahen,

  It is always fun to read you. Took me back to my memory lane…

  Ashish Dave

 23. darshana says:

  હમ્મેશ નિ જેમ અતિ સુન્દર ….રીનાબેન્…

 24. મજા આવી

  “નજર સદાહો ઉંચી , શીખાતી હે પતંગ”

 25. HIREN JOSHI says:

  Dear Rinaben,

  Article was good, But you have wrote the article of Surat & you have put the photo of Ahmedabad. How come ?
  The photo which you have posted is from my terrace.

  Anyway the most important thing is that article was good to read.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.