સ્વાસ્થ્ય ભણી દોરી જતી સપ્તપદી – મીરા ભટ્ટ

[‘વિચારવલોણું’માંથી સાભાર.]

મનુનાં સંતાન એટલે તો માનવ ખરાં જ, પરંતુ એ આદ્ય મનુ પણ મનધારી હતો, એટલે ‘મનુ’ કહેવાયો. ‘મન’ એ મનુષ્યનું વિશિષ્ટ અંગ છે, જેના પ્રતાપે તે અનેક વણખેડેલી ક્ષિતિજોને ખેડી શકે છે. ધન એટલે કે ‘સાધન’ કરતાં પણ વિશેષ મહત્વ ‘તન-મન’નું છે, એટલે તન-દુરસ્તી અને મન-દુરસ્તી જીવનમાં પ્રથમ સ્થાન ભોગવે છે. ભારતીય ભાષામાં આ તંદુરસ્તી માટેનો એક સૂચક શબ્દ છે – સ્વાસ્થ્ય, સ્વસ્થતા, આરોગ્યવાન હોવું, નિરામય હોવું એટલે સ્વસ્થ હોવું. ‘સ્વસ્થતા’ એટલે ઘી ઘીના ઠામમાં હોય. દરેકનું પોતપોતાનું આગવું સ્થાન હોય છે, ઊભા રહેવાની બે પગ જેટલી જગ્યા. પોતાનામાં સ્થિત હોવું. તે છે સ્વસ્થતા, સ્વયંધારણા, ક્યાંક કશું જ આમતેમ માથું ન ઊંચકે, આઘુંપાછું ન થાય, સ્વયંમાં સંલીન રહે તે સ્થિતિ છે સ્વસ્થતા.

રવિશંકરદાદા કહેતા – દાળ-શાક સ્વાદિષ્ટ ક્યારે લાગે ? એમાં મીઠું-મરચું-હળદર-ધાણાજીરું, ગોળ વગેરે મસાલા એ રીતે પડે કે કોઈ એક મસાલો પોતાનું માથું ન ઊંચકે. તન-મન પાસે કામ લેવા કુદરતે વિશિષ્ટ શક્તિ આપી છે, પરંતુ પ્રત્યેક શક્તિએ વિવેકના નિયમન અને નિયંત્રણમાં રહેવું જરૂરી છે. શક્તિને આ વિવેકની લગામ લાગે તે છે સ્વસ્થતા. કુદરતે મન પાસે કામ લેવા એમાં ત્રિવિધ શક્તિ મૂકી-સત્વ-રજસ-તમસ આ ત્રિગુણ એ મનનાં અનન્ય સાધન છે. મન ધારે તે કામ એમની પાસે લઈ શકે, પરંતુ એ શક્તિ પોષક-વિધાયક બની રહે તે માટે મનને પણ વિવેકનું અવધારણ જોઈએ.

કુદરતની આ અદ્દભુત કરામત છે. કુદરતે જીવનને સાધનરૂપે તન-મન આપ્યાં, પરંતુ એ તનમનના ઘોડલાનો થનગનાટ કાબૂમાં રાખવા એક વિચિત્ર પ્રક્રિયા આપી. દેહધારીએ શરીરમાં રહીને જ શરીરથી ઉપર ઊઠવાની પ્રક્રિયા, મનધારીએ મન પાસે કામ લેતાં લેતાં જ મનથી ઊપર ઊઠવું. તનમનથી ઉપર ઊઠીને અંત:વિવેક દ્વારા આ સાધનો પાસે પર્યાપ્ત કામ લેવું – તે છે દૈહિક – માનસિક સ્વાસ્થ્ય. ગુણ અને દોષ પ્રકૃતિ સાથે જોડાયેલા છે, એ તમામનો ઉપયોગ છે. આ ઉપયોગિતાનો ‘યોગ સંભાળવો’ તેનું નામ છે – માનસિક સ્વાસ્થ્ય. માનસિક રીતે સ્વસ્થ મનુષ્યનાં લક્ષણો કેવાં હોઈ શકે ? – થોડુંક નખદર્પણ.

[1] સ્વસ્થ, સ્વાધિષ્ઠિત મનુષ્ય પ્રયોજન વગર કોઈપણ દિશાની એકપણ ગતિ નહીં કરે, પ્રયોજન ઊભું થયે ગતિ, પ્રયોજન પતે પાછા મુકામ પર પ્રતિષ્ઠિત.

[2] ફાંફાં મારવા છે જ નહીં, પછી અપેક્ષા-પ્રતીક્ષા શેની ? અને અપેક્ષા નહીં, તો અપેક્ષાભંગે ઊભા થતા રાવ-ફરિયાદ કેવા અને અપેક્ષાપૂર્તિએ ઊભરાતા મોહ-વાસના કેવા ? ફરિયાદો ઊઠવી કે અપેક્ષાઓ જાગવી તે સ્વ-સ્થાન ગુમાવ્યા તરફની ગતિ છે. નિરપેક્ષતા-નિસ્પૃહતા એ નિજપદનું મહત્વનું લક્ષણ છે.

[3] સ્વસ્થ મનુષ્ય જે રીતે પ્રયોજન વગર બહાર ગતિ નહીં કરે, એ જ રીતે પ્રયોજન વગર બહારની ગતિ-સ્થિતિને ભીતર પણ આવકારશે નહીં. એનો અર્થ એ થયો કે તે પ્રતિક્રિયામાં નહીં જીવે. એની જે કાંઈ ગતિ-કૃતિ હશે તે પોતાનામાંથી ઊભી થયેલી વિધાયક ક્રિયા હશે. જેવું ગતિનું, તેવું જ કાળનું. સ્વસ્થ મનુષ્ય પાસે, જીવવા માટે એક જ કાળ હશે – વર્તમાન પળ. એના માટે પળ એ જ શાશ્વતી છે. પળના તકાદા સંભાળી લઈ એ મહાકાળને જીતી જશે. વર્તમાની રહેવાને કારણે એના જીવનમાં ક્યારેય વિવર્તાવસ્થા પેદા નહીં થાય.

[4] સ્વસ્થ મનુષ્ય જીવન અને કેવળ જીવનને જ વફાદાર હશે. જીવન એટલે પ્રાણનો ધબકાર. પ્રત્યેક વિવિધ અવસ્થાનો એ પ્રાણમય ધબકાર ઝીલીને જીવી જવાનો પ્રયત્ન કરશે. જીવનને સામે ઉપસ્થિત થયેલી વર્તમાન ક્ષણને આખ્ખે-આખ્ખી, ભરપૂર રૂપે, અખંડિતપણે જીવવા મથશે, તેમાં શક્ય તેટલી તમામ સુંદરતા, સુરમ્યતા, પાવકતા સંયોજશે. આ જ દિશામાં ગતિ કરતાં કરતાં જીવનના મૃત્યુ નામની ઘટનાને પણ એ જીવી જશે. મૃત્યુ નામની ઘટનામાં જીવવું-એટલે જીવનમાં દ્વંદ્વરૂપે ખડા રહેતા વિકલ્પને આરપાર જીવી જાણવો. જીવન છે, એટલે દ્વંદ્વ તો આવશે જ. શુભમના જેટલો જ આવકાર કહેવાતા ‘અશુભમ’ને આપી, અશુભની આરપાર નીકળી જઈ શુભાશુભની પેલે પારનાં દ્વાર એ ખખડાવશે.

[5] સ્વસ્થ મનુષ્યનું ચિત્ત શિશુરૂપ હશે. શિશુમાં નવી ચેતના પ્રતિક્ષણ સળવળતી અનુભવાય છે. સ્વસ્થ માનવીની ચિત્ત-ચેતના જીવનનાં વિધાયક સ્પંદનો ઝીલીને મહાચેતનામાં પ્રવેશ પામશે. પૃથ્વીલોકમાં જીવવા છતાં એ આકાશપુત્ર બનીને વિહરશે. એના ચિત્તને નવા આયામો મળશે, જેના દ્વારા પૃથ્વીપુત્રનું ઈતરલોકમાં મહાભિનિષ્ક્રમણ શક્ય બનશે.

[6] રાવફરિયાદ, નિંદા-ચાડી, ઈર્ષ્યા-સ્પર્ધા, સત્તા-આપખુદી તો નહીં જ નહીં, પોતાના તરફથી કશું પણ સ્થાપિત કરવાની ચેષ્ટા નહીં, માત્ર કામ કરી રહેલા જીવનનાં વિવિધ પરિબળોને સાક્ષીભાવે જોવાં અને વિશિષ્ટ પ્રયોજન રૂપે કે સ્વધર્મરૂપે વિધાયક પરિબળોને પુરસ્કારવા સક્રિયતા કેળવવી.

[7] સ્વસ્થ મનુષ્યના ચિત્તનો પરિધ વિશ્વવ્યાપી હશે. સ્વસ્થ મનુષ્ય જ વિશ્વસ્થ બની શકશે, કારણ સ્વવિશ્વ બંનેનું કેન્દ્ર જીવનનું એપીક-સેન્ટર હશે. સ્વસ્થ મનુષ્ય વિશ્વમાનવથી છલકાતો હશે. તમામ ભેદોનાં કુંડાળાને ઓળંગી જઈ અભિન્નતા અને અનન્યતાના ક્ષેત્રમાં એ પ્રવેશી ચૂક્યો હશે.

સ્વસ્થતા ભણી લઈ જતી આ સપ્તપદી અનંતતાના સ્તરે પહોંચાડી શકશે તેવી શ્રદ્ધા છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પીળો પતંગ મારો પીળો પતંગ….. – રીના મહેતા
અત્તરનાં પૂમડાં – સંકલિત Next »   

5 પ્રતિભાવો : સ્વાસ્થ્ય ભણી દોરી જતી સપ્તપદી – મીરા ભટ્ટ

 1. સુંદર સપ્તપદી.

 2. Balkrishna A. Shah says:

  મીરા ભટ્ટના લેખો અવારનવાર વાંચવા અને માણવા મળે છે. આ લેખ પણ વાંચવો ગમ્યો.

 3. Chirag says:

  પહેલું સુખ તે જાતે નર્યા… વાહ મજા નો લેખ….

 4. Dr.Ekta.U.S.A. says:

  લગ્ન જિવન માટૅ સપ્તપદિ છે.અને આજે મન નિ સપ્તપદિ પણ જાણવા મળિ.
  જિવન મા અનુસરવા જેવા વિચારો છે..
  આભાર્.

 5. Rajendra Namjoshi,Surat says:

  સ્વસ્થ જીવન માટેના સાત સોનેરી નિયમોની સમજણ ખુબ જ સરળ રીતે સમજાવી છે. જે ખુબ ગમી.સુખી અને સ્વસ્થ રહેવા માટે થોડુંક ધ્યાન આપવાની વાત બધાએ સમજવાની જરુર છે.
  -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.