કલાપી – યજ્ઞેશ દોશી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યજ્ઞેશભાઈનો (દાહોદ) ખૂબ ખૂબ આભાર. ]

હર્ષ શું જિન્દગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં;
પ્રેમના રંગથી જો ના રંગાયું વિશ્વ હોત આ !
(‘હૃદય ત્રિપુટી’)

આપણા ભારતવર્ષ કે દુનિયાના બીજા દેશોમાં અનેકાનેક એવા નામો છે કે જેમના જીવનનો અંત અણધાર્યો આવી ગયો હોય. ખુદીરામ બોઝ (19 વર્ષ), ભગતસિંહ (24 વર્ષ), ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ (22 વર્ષ), સંત જ્ઞાનેશ્વર (22 વર્ષ). આ કડીમાં આગળ આવીને ‘જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી’ એમ કહેનાર કલાપી (26 વર્ષ) થઈ ગયા. પેલો શે’ર યાદ આવી જાય છે :

હું એ નામાબર બૈલશાં કૈસે કૈસે
ઝમી ખા ગઈ આસમા કૈસે કૈસે

ગંગાસતીની પ્રખ્યાત પંક્તિ છે : ‘વીજળીને ચમકારે મોતી પરોવવું….’ કલાપી પણ વીજળીના ચમકારા જેવું ક્ષણિક અને દુર્લભ જીવન જીવી ગયા. સુરસિંહ નાની ઉંમરમાં કેટલો બધો વારસો છોડી ગયા ! કવિ જીવન તો ફક્ત 16 વર્ષથી 26 વર્ષ સુધીનું હતું. આ સર્જનકાળમાં સાહિત્યને અમુલ્ય ભેટો જેવી ગઝલો લખી અને પત્રો આપ્યા. ‘કાશ્મિરનો પ્રવાસ’એ અઢાર વર્ષની ઉંમરે પહોંચેલા કુમાર સુરસિંહનું પુસ્તક આપણા પ્રવાસ સાહિત્યનંક અણમોલ રત્ન છે. ‘કલાપીનો કેકારવ’ માં ઈ.સ. 1892 થી 1900 સુધીમાં 275 જેટલી ‘કાવ્ય રચનાઓ’ પ્રગટ થઈ છે. કલાપીએ પોતાના પ્રણયજીવનની કથા ‘હૃદય ત્રિપુટી’માં નિરૂપી છે. કલાપીના કાવ્યોનો રશિયન ભાષામાં અનુવાદ થયેલ છે. આ કોઈ નાનીસૂની વાત નથી… ને અચાનક 26માં વર્ષે કહી દીધું :

હું જાઉં છું ! હું જાઉં છું ! ત્યાં આવશો કોઈ નહીં !
સો સો દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં !

મ્હારો હિસાબ વિધિ પાસ કશો ન લાંબો,
જીવ્યો, મરીશ, જ્યમ તારક ત્યાં ખરે છે.

કલાપીનો જન્મ તા. 26મી જાન્યુઆરી 1874ના સોમવારના રોજ લાઠીમાં રાજકુટુંબમાં થયો હતો. એમનું નામ ‘સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ’ હતું. ‘કલાપી’ એમનું ઉપનામ હતું. ‘કલાપી’ એટલે પિચ્છસમુહ (કલાપ)થી શોભતા મયુર. એટલે કે મોર. કલાપી ખરા અર્થમાં કલાપી હતા. સ્થૂળદષ્ટિએ જેમ રંગરંગના અંબાર સરખો મયુર મોહિત કરે છે તેમ કલાપીની કલમે લખાયેલી રંગબેરંગી કવિતાઓ આજે એક સદી પછી પણ કવિતાપ્રેમીઓને મોહિત કરે છે. એમના પિચ્છસમુહમાં રાજા, પતિ, પ્રણયવીર, કવિ, પ્રકૃતિપ્રેમી, સાહિત્યપ્રેમી અનેક પિચ્છ શોભતા હતા. ગુજરાતી સાહિત્યમાં કદાચ મેઘાણીને બાદ કરતા કલાપી જ લોકહૃદયમાં રહેલા કવિ છે. માતા રમા બા, પિતા ઠાકોર તખ્તસિંહજી, ત્રણ રાજકુમારોમાં એ વચેટ. મોટાભાઈ ભાવસિંહજીના અવસાનના કારણે કલાપી જન્મતાંની સાથે જ રાજ્યના વારસ તરીકે જાહેર થયા હતા. 1879માં માત્ર પાંચ વર્ષની વયે સુરસિંહને માથેથી પિતાનું છત્ર ઝુંટવાઈ ગયું. 1888માં ચૌદમે વર્ષે માતાની સ્નેહ સરવાણી સુકાઈ ગઈ.

માતાના મૃત્યુને હજુ દોઢ વર્ષ નથી વીત્યું ત્યાં તો પંદર વર્ષની વયે એમનાથી સાત વર્ષ મોટી વયના કચ્છના રોહા સંસ્થાનની બાવીસ વર્ષની રાજકુમારી રાજબા અને કોટડાસંગાણાની સત્તર વર્ષની કેસરબા (આનંદી બા) સાથે એક સાથે બે લગ્ન થયા. કલાપીને રાજબા પ્રત્યે વિશેષ પ્રીતિ હતી. તેમણે તેમનું નામ ‘રમા’ પાડેલ. રાજબા ભણેલા હતા. તેમનો કંઠ મધુર હતો. સાહિત્ય, સંગીત, ચિત્રકળામાં એને અત્યંત રસ હતો. તે સાધારણ પદો, ગીતો, કવિતા રચી શકતા હતા. કલાપી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કરતાં પણ તેમનું દિલ લાઠીમાં વિશેષ કરીને રમામાં જ રહેતું. કલાપીની કવિ જીવનની શરૂઆત રાજબાના પત્રોમાં થાય છે. એક પ્રેમપત્રમાં કવિ રમાને ઉદ્દેશીને લખે છે :

‘અહો પ્યારી મારી, શોક ન કરજે જરી હવે
દિવસ તેર રહ્યા છે, મળવા પ્રિય મારી તને’

‘લોહચુંબક લોઢાને ખેંચે છે જ્યમ નિજ ભણી,
તેમજ પ્રીતિ તારી ખેંચે મુજને તુજ ભણી.’

સમગ્ર દેશના રજવાડાઓમાં વ્યાપેલું સડેલું વાતાવરણ લાઠીમાં પણ હતું. લાઠીના નાનકડા સંસ્થાનના આ રાજવીને પણ પોતાના રાજમહેલની ભીતરમાં ચાલતી ખટપટ, પ્રપંચો, કાવાદાવા અને દાવપેચનો ભોગ બનવું પડ્યું હતું. તેમના પિતાનો દેહાન્ત ઝેર પાવાથી થયો હતો. માતાનું મૃત્યુ પણ તેમ જ થયું હતું. રજવાડાના હિંસક વાતાવરણમાં કવિની કલમે ‘શિકારી’ ને ઉદ્દેશ્યું :

રહેવા દે ! રહેવા દે આ સંહાર યુવાન ! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ ઝરણાં, તરું,
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં, વિશ્વ સૌંદર્ય કુમળું.

ગાંધીજીના આગમન પહેલા ભગવદગીતાનો ‘અહિંસા’નો સંદેશ એક કવિ જ સમજાવી શકે એ રીતે કલાપીએ સમાજને આપ્યો છે. રોહાવાળી રાણી રાજબાની સાથે તેમની દાસી તરીકે મોંઘી નામની એક નાનકડી બાળા આવેલી. મોંઘી લાઠી આવી ત્યારે એક ખીલતી કળી જેવી બાલિકા હતી. કલાપીએ મોંઘીને ‘શોભના’ એવું નામ આપ્યું હતું. કલાપીએ અભણ મોંઘીની ભાષા સુધારીને તેને ભણાવેલ. તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા ત્યારે રમા પરના પત્ર સાથે મોંઘી પર ટૂંકા પત્રો લખતા રહી તેના ભણતરને ઉત્તેજન આપ્યું હતું. કાશ્મીરના પ્રવાસેથી પાછા ફર્યા બાદ પછી લગભગ 1894થી કલાપીનો મોંઘી પ્રત્યેનો વાત્સલ્યભાવ પ્રણયભાવમાં પલટાયો હતો.

અતિ મોડું મોડું, વદન તુજ ‘ચાહું’ કહી શક્યું,
અને મારું હૈયું, સમજી નવ વહેલું કંઈ શક્યું.
હતી તું તો શિષ્યા, રમતમય એ ચાગ તુજ સૌ,
અહો ! કોડે-હેતે, હૃદય મમ એ લાડ પૂરતું.

ગુજરાતના સાહિત્યરસિકોએ કલાપીને શોભનાના સ્નેહમાંથી પેદા થયેલો કોઈ અવધૂત, એ લયલાનો કોઈ મજનુ અથવા એ શિરિનની પાછળ પાગલ બનેલો કોઈ ફરહાદ – એ રીતે ઓળખ્યા છે. શોભનામાંથી પ્રેરણા ન મળી હોત, શોભનાના પ્રણયની ઝંખના ન થઈ હોત તો કલાપીમાં કવિતા પ્રગટત નહીં એમ માનનારો વર્ગ પણ આપણે ત્યાં છે. ‘કલાપીથી શોભના કે શોભનાથી કલાપી ?’ રમાબાથી એ વાત છાની નહોતી. ઠાકોર સાહેબ પોતાની દાસી મોંઘી સાથે લગ્ન કરે એ વિચાર જ એમનાથી સહી શકાય તેમ નહોતો અને એમની સંમતિ વગર લગ્ન તો શક્ય જ નહોતા. રમાબાને સમજાવવાના કલાપીના પ્રયાસ સફળ ન થયા. લગ્ન થાય તો પણ પોતાના હૃદયમાં રમાનું સ્થાન જે હતું તે જ રહેવાનું હતું.

તુંને ચાહું, ન બન્યું કદી એ.
તેને ન ચાહું, ન બને કદી એ.
ચાહું છું તો ચાહીશ બેયને હું,
ચાહું નહિ તો નવ કોઈને હું.

નીતિભાવના, સમાજ, રાજા તરીકેનું કર્તવ્ય અને ન્યાય વગેરે કલાપીને શોભનાથી દૂર રહેવાનો અનુરોધ કરવા લાગ્યા. બીજી બાજુ શોભનાનો પ્રેમ, સૌંદર્ય અને આકર્ષણ રોજરોજ વધતા જ ગયા.

‘પ્રણય ઘસડે તોડી દેવાં અહો સહુ પિંજરા !
ફરજ ઘસડે કેદી થાવા અને મરવા દુ:ખે !’

‘અક્કલ કહે છે છોડવા, હૈયું કહે છે એ ના બને.’

રમાબાએ શોભનાને ઠાકોર સાહેબથી દૂર કરવાનો નિર્ણય કરી લીધો. રમાબાએ રોહાથી રામજી લખમણ ખવાસ નામાના જુવાનને તેડાવી શોભનાના લગ્ન તેમની સાથે કરાવી આપ્યા.

કપાવી માશુકે ગરદન અમારી કોઈને હાથે !
વળી છે રિશ્તે દૂર રખાવ્યો મોતને હાથે !

ખુદાએ પાથરી આપ્યું ફૂલોનું આ બિછાનું ત્યાં,
લઈને પાંખડી તોડી રખાવ્યા માશુકે કાંટા !

‘એક ઘા’ કાવ્યમાં શોભનાથી પોતાને દૂર કર્યા પછી જે પશ્ચાતાપ અનુભવે છે, તે દર્દ બનીને ટપકે છે :

તેં પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તેને અરર ! પડી ફાળ હૈયા મહીં ને !
રેરે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
નીચે આવ્યું તરૂ ઉપરથી પાંખ ઢીલી થતાં માં

‘પશ્ચાતાપ’ કાવ્યમાં કવિ લખે છે :

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે;
ઓહો ! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે !
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે !

પરંતુ શોભનાનું લગ્નજીવન દુ:ખી હતું. તેનો પતિ તેના પર જુલમ ગુજારતો હતો. એ માંદી પડી. મરણતોલ થઈ ગઈ. એવી દશામાં તેણે સુરસિંહજીને છેલ્લી સલામની ચિઠ્ઠી લખી. એમણે મોંઘીને નજરે જોઈ. શોભનાને બચાવવી એ પોતાનો ધર્મ છે તેમ એમને લાગ્યું. આખરે 1898ના જુલાઈની 11મીએ શોભના સાથે 24 વર્ષની વયે કલાપીનું લગ્ન થયું. કલાપી લગ્ન બાદ પોતાના કાવ્યો શોભનાને સમજાવતા અને પોતાની કોટી સુધી ઊંચકી જવાનો પ્રયત્ન કરતા. પરંતુ શોભનાનું ઘડતર એવા તત્વોનું નહોતું અને પોતે નીચી કક્ષાએ ઊતરી શકે તેમ નહોતા. આ સ્થિતિ એકાદ વરસમાં જ આવી પહોંચી. ડ્રાઈડનની પેલી પ્રખ્યાત વાત છે ને : ‘એ એક મર્ત્ય માનવીને નભોમંડળ સુધી ઊંચકી ગયો, તેણીએ એક ફરિસ્તાને જમીન પર ખેંચ્યો.’. વડીલોએ કહ્યું જ છે ને કે જેટલો સ્નેહ એટલો સંતાપ.

‘ગ્રામમાતા’ ખંડકાવ્યમાં સીધી સાદી શૈલીને અનુસરીને કલાપીએ ચમત્કાર સર્જ્યો છે. કલાપી સીધા સાદા શબ્દોમાં શબ્દચિત્ર ખડું કરી દે છે :

વૃદ્ધ માતા અને તાત તાપે છે શગડી કરી
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દિસે !
ત્યાં ધૂલ દૂર નજરે ઉડતી પડે છે
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વ કુતુહલે સહુ બાલ જોતા !

શેરડીના ખેતરે રસનો પ્યાલો પીધા પછી રાજાના મનમાં થયું કે આવા સમૃદ્ધ લોકો પર વેરો નાખી શકાય. બીજી ક્ષણે રસનો પ્યાલો ભરાતો નથી.

માતા કહે છે :
‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે ?
કે પછી :
‘રસહીન ઘરા થૈ છે, દયાહીન થયો નૃપ,
નહીં તો ના બને આવું.’ બોલી માતા ફરી રડી. રાજા પોતાની રૈયતના રખોપા કરવાને બદલે કર્તવ્યભ્રષ્ટ થઈને એમનું શોષણ કરે ત્યારે ધરતી પણ રસકસ વગરની થઈ જાય છે એવું આ પંક્તિ સૂચવે છે. અત્યારના રાજા એટલે રાજકારણીઓના અનેક કૌભાંડ જોઈને ‘નૃપ’ની જગ્યાએ ‘મંત્રી’ શબ્દ મૂકી દઈએ તો આ પંક્તિ આજની પરિસ્થિતિમાં પણ બંધબેસતી છે એમ નથી લાગતું ?

‘સનમની શોધ’ માં કવિ લખે છે :

પેદા થયો છું ઢૂંઢવા તુને, સનમ !
ઉમ્મર ગુઝારી ઢૂંઢતા તુને, સનમ !

બીજી એક વાત. જે જન્મે છે તે જાય છે. આપણે બધા Unconfirmed Retured Ticket લઈને આવ્યા છીએ. પાછા જવાનું નક્કી જ છે. પણ કેવી રીતે ? અને ક્યારે ? તે નક્કી નથી. આ બાબતે શામળ ભટ્ટની 19મી સદીની રચના કંઈક આ પ્રકારે છે :

કોઈ આજ કોઈ કાલ કોઈ માસે કોઈ ખટ માસે
કોઈ વર્ષે દસ બાર, કોઈ પચ્ચિસે પચાસે,
કોઈ સાઠ સિત્તેર, કોઈ પોણોસો એંસી,
જે જીવ્યું તે જાય, નથી રહેવાનું બેસી.

જવાનું નક્કી છે પણ જે પાછળ વાંચવા જેવું, વિચારવા જેવું, જીવનમાં ઉતારવા જેવું છોડી જાય છે એ લોકોના દિલમાં, જિગરમાં અને દિમાગમાં જીવે છે. કહેવાય છે કે ‘કસ્તુરી મૃગ’ની નાભીમાં કસ્તુરી હોય છે. તેની સુગંધ ચારે બાજુ ફેલાય છે. મૃગ તે સુગંધને મેળવવા માટે વન-વન, વૃક્ષ, છોડ, ફૂલ વગેરેને સૂંઘે છે અને જિંદગી પૂરી કરે છે. કવિ દુલા ભાયા કાગે 16 વર્ષની ઉંમરે કવિ જીવનની શરૂઆત કરતા સવૈયો લખેલો :

દોડત હૈ મૃગ ઢૂંઢત જંગલ
બંદ, સુગંધ કહાં બન બાસે ?

આ બાબતે કલાપી લખે છે કે :

તું તો વનનું રૂપ, મૃગલા ! તું જ સુમેઘ સ્વરૂપ !
કાં તુજ નયનો ફૂલ વિણ વ્યાકુલ ? તુજમાં વસ્તુ અનુપ !

‘આપની યાદી’ ગુજરાતી સાહિત્યનું અણમોત મોતી છે અને આજ એક સદીએ પણ અજોડ રહેલું છે. એમાં શંકા નથી. કલાપીની તે છેલ્લી અને ઉત્તમ કૃતિ છે :

અનંત યુગનો તરનાર યોગી
મોરલો મરત લોકમાં આવ્યો
મોરલા એવડા તે રૂપ ક્યાંથી લાવ્યો ?

પૂર્વસંચિત કર્મ અનુસાર કોઈ સંન્યાસીનો જીવ રાજવીના ખોળીયામાં આવીને વસ્યો હોય તેમ કે એમના ‘જલંધર અને ગોપીચંદ’ એ સંવાદમાં ગોપીચંદનો જ જીવાત્મા વાસનાના નિતાન્ત નિર્મૂલ્ય પહેલા તેને છેલ્લી વાર ભોગવી લઈ ખપાવી નાખવા જાણે આવ્યો હોય…. ચૌદ વર્ષની વયે રાજ્ય છોડી જંગલમાં જઈને રહેવાની વૃત્તિ આ રાજકુમારમાં જાગી હતી. પ્રિયાથી શરૂ થયેલા હૃદયભાવ અંતે પ્રભુમાં પર્યાવસાન પામે છે. કવિ સૃષ્ટિના એક એક કણમાં ઈશ્વરને સ્મરે છે. ગાંધીજીના આશ્રમ ભજનોમાં ‘આપની યાદ’ને સ્થાન મળેલું છે.

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !
માશુકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની !

કલાપી સજ્જનતાની મૂર્તિ હતાં. એ કોઈનું બૂરું ન કરી શકે ને ઈચ્છી પણ ન શકે. બલ્કે સૌનું કલ્યાણ વાંછતા. કવિને કોઈની બુરાઈની હવે ફિકર નથી. કારણ કે બધે પ્રભુની ક્ષમા રૂપી ગંગા વહે છે.

દેખી બુરાઈ ના કરું હું, શી ફીકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે, ગંગા વહે છે આપની !

અને એટલે જ કવિ અંતમાં ગાઈ શકે છે :

કિસ્તમ કરાવે ભૂલ તે ભૂલો કરી નાખુ બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !

પ્રિય કવિતાને છેલ્લું આલિંગ્ન :

ત્હારા બહુ ઉપકાર ! રસીલી ! ત્હારા બહુ ઉપકાર !
તું ઉરનો ધબકાર ! રસીલી તું અશ્રુની ધાર !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હરિગુણ ગાતાં – પ્રિતમદાસ
હું ઈશ્વર ન બન્યો – ડૉ. પ્રદીપ પંડ્યા Next »   

11 પ્રતિભાવો : કલાપી – યજ્ઞેશ દોશી

 1. જય પટેલ says:

  કવિશ્રી કલાપીની જીવન ઝાંખી કરાવવા બદલ આભાર.

  હા..પસ્તાવો વિપુલ ઝારણું સ્વર્ગથી ઉતર્યું છે…રચના કલાપીના ઓળખની પર્યાય છે.
  શાળામા જીવનના ગૂઢાર્થ સમજાવતી આવી કવિતાઓ બાળકોને આવનારા સંઘર્ષ માટે
  માનસિક રૂપે તૈયાર કરે છે.

  આભાર.

 2. સુંદર કલાપી નું જીવન દર્શન.

 3. જગત દવે says:

  કવિ કલાપીની ગુજરાતી ભાષાને (આ બધી જ રચનાઓ આજથી સવાસો વર્ષ પહેલાની છે તે યાદ રહે) આજની ગુજરાતી રચનાઓ જોડે સરખાવી જુઓ…….તેની મહાનતા આપઆપ સમજાય જશે.

  આટલો ભાષા વૈભવ કોઈ પણ કવિએ નથી આપ્યો. ‘શું શા પૈસા ચાર’ ગણાતી ગુજરાતીને સૌંદર્ય સામ્રાજ્ઞી બનાવવાનું શ્રેય તેમને જાય છે.

  તેમનું અલ્પ આયુષ્ય ગુજરાતની કમનસીબી ગણાય…….રવિન્દ્રનાથ ટાગોરની કક્ષાનો કવિ આપણે (ગુજરાતે) ભર જુવાનીમાં ગુમાવી દીધો.

  ‘કલાપીનો કેકારવ’ દરેક ગુજરાતી ઘરોમાં ગુંજવો જોઈએ.

 4. snehi yagneshbhai,
  jay shri krishna,
  read gujarati par dahodnu namvanchi gamyu.
  huy tyano j..ahi bhopalma job karu chhun.
  kavi kalapi visheno aalekh khub saras chhe. congrats…….!
  Aavajo..

 5. જગત દવે says:

  તેમની તે સમયની લોકપ્રિયતાનો અંદાઝ આજની પેઢીને તો કયાંથી હોય? પણ કલાપીની રચનાઓ મારા મોટી-બા અને નાની-બા ને કંઠસ્થ હતી (જે ત્રણ કે ચાર ચોપડી જ ભણેલા)…..હજુ આજે પણ ભાવનગરમાં તેમનાં સ્વમુખે સાંભળેલ ‘ગ્રામ-માતા’ અને ‘એ પંખીની ઉપર પથરો’ ની પંક્તિઓ કાનમાં ગુંજે છે.

  ‘એ પંખીની ઉપર પથરો’ તો અમારા અભ્યાસ ક્રમમાં હતી અને એ ભણાવતી વખતે અમારા શિક્ષિકા અને તેમની સાથે આખો કલાસ રડેલા તે યાદ આવે છે.

 6. Veena Dave. USA says:

  વાહ.
  આભાર.

 7. Veena Dave. USA says:

  આ લેખ અહિ લખાયાના બે દિવસ પહેલાની મારી કોમેન્ટ્… દરેક પ્રધાનને શપથવિધિ વખતે ‘રસહિન થઈ ધરા કે દયાહિન થયો નૃપ’ કવિતા શિખવાડવિ જોઇએ.

 8. trupti says:

  શ્રી કલાપી ની વાત આવે એટલે તેમની પ્રખ્યાત કવિતા રે પખીડા………….. યાદ આવ્યા વગર ન રહે.

 9. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Did not know much about Kalapi’s personal life. Thanks for sharing.

  Ashish Dave

 10. Ramesh Patel says:

  ખૂબ જ આનંદ થયો આટલી સરસ રીતે કલાપીનો કેકારવ રીડગુજરાતી દ્વારા માણતાં.
  આપે જહેમતભરી રીતે સાહિત્યની સુગંધ ફેલાવી છે.
  આભાર અને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. panchal kalpesh says:

  વાહ ભઇ વાહ મનેઆ લેખ બહુ જ ગમ્યો ચે. ખુબ્જ સરસ વચે આવા જ લેખો નિ વધારે જરુર ચે. વેરિ ગુડ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.