બ્રહ્માંડ એટલે ખરેખર શું ? – ડૉ. પંકજ જોષી

[ભારતના વૈજ્ઞાનિકો પૈકીના એક ડૉ. પંકજભાઈ જોષીએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત વિશે પી.એચ.ડી. કર્યું છે. હાલમાં તેઓ ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ’માં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક અને સંશોધક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ વિદેશમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ અવારનવાર જાય છે. તારાઓનાં ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની તેમની ‘ફાયરબોલ’ થીયરી આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ પામી છે. ભૌતિક વિજ્ઞાનમાં તેમનાં અનેક સંશોધનપત્રો અને અંગ્રેજી તેમજ ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમની પ્રસ્તુત કૃતિ ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2010માંથી સાભાર લેવામાં આવી છે. આપ ડૉ.પંકજભાઈનો આ સરનામે સંપર્ક કરી શકો છો : psj@tifr.res.in ]

બ્રહ્માંડ એટલે ખરેખર શું ? અને બ્રહ્માંડ વિશેની આપણી સમજણ કેવી રીતે વિવિધ વિચાર, અનુભવ, અવલોકનો, પ્રયોગો અને ગણિત દ્વારા વિકસતી જાય છે આ વિજ્ઞાન તથા તત્વજ્ઞાનનો પાયાનો પ્રશ્ન છે. પણ અહીં બીજી એક મહત્વની વાત એ આવે છે કે આ બ્રહ્માંડ, અથવા વિશ્વ કે આપણી આજુબાજુની દુનિયાને સમજનાર તે કોણ છે ? અલબત્ત એ તો માનવ પોતે જ છે. અંતે તો મનુષ્ય જ જ્યારે પોતાની આજુબાજુના વિશ્વનો અનુભવ કરે છે ત્યારે તેના વિશે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછતો જાય છે અને જવાબો શોધે છે.

પરંતુ માનવ આ કામ વાસ્તવમાં કેવી રીતે કરે છે ? બ્રહ્માંડને આ પ્રકારે સમજવાની મૂળ પ્રક્રિયા શી છે ? તે ખરેખર કેવી રીતે થાય છે ? મનુષ્ય અને બાહ્ય વિશ્વ વચ્ચેનો સંબંધ શો છે ? આ બધા અતિ રસપ્રદ પ્રશ્નો છે જેના વિશે આજનું વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિત, બાયોલોજી, સાઈકોલોજી વગેરે બધા વિચારી રહ્યા છે. ખરેખર તો બ્રહ્માંડની સઘળી ઘટનાઓને આપણે આપણી પાંચ ઈન્દ્રિયોથી જોઈએ અને અનુભવીએ છીએ. આ રીતે બાહ્ય વિશ્વનું પ્રતિબિંબ આપણે આપણી અંદર ઝીલીએ છીએ. આ સઘળાં અનુભવો, માહિતી અને અવલોકનોને આજે તો હવે અનેક વૈજ્ઞાનિક ઉપકરણો, ટેલિસ્કોપ અને એવાં એવાં અનેક વિવિધ સાધનોની મદદ મળે છે. આ અનુભવો અને માહિતી આપણા માનસપટ પર અંકિત થાય છે અને વિવિધ સ્પંદનો જગાડે છે. આ સઘળી માહિતી એકસાથે જોઈને અને તેનું સંકલન કરીને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ જગત કેવી રીતે કામ કરે છે, અને તેના પાયામાં કોઈ મૂળભૂત નિયમો રહેલા છે કે કેમ. એક વાર આ નિયમો સાચી રીતે સમજીએ એટલે પછી તેમને જુદી જુદી કેવી રીતે વાપરવા તેનો રસ્તો ખુલ્લો થાય છે અને તેમનો ઉપયોગ કેમ કરવો તેનો ખ્યાલ આવે છે. આમ જ જ્ઞાન-વિજ્ઞાનની વિશેષ પ્રગતિ થતી જાય છે.

વિશ્વની ઘટનાઓને જોતાં જ આપણા મનમાં એ વિચાર, ભાવના અને આશ્ચર્યયુક્ત પ્રશ્ન જાગે છે કે આ બધું શું છે અને કેવી રીતે ચાલે છે ? આ સમજવાની જિજ્ઞાસા અને બ્રહ્માંડ વિશેનું આશ્ચર્ય એ જ દરેક જ્ઞાન-વિજ્ઞાનનું ઉદ્દભવ સ્થાન છે. પરંતુ, ઈન્દ્રિયો અને વિવિધ સાધનો, ઉપકરણોની મદદથી બ્રહ્માંડ અને વિશ્વની જે માહિતી અને ચિત્ર આપણને મળ્યાં અને જે વધુ ને વધુ અવલોકનો દ્વારા સતત મળતાં જાય છે, તેને સમજવાનું કાર્ય, તેમાંથી બ્રહ્માંડના પાયાના મૂળભૂત નિયમો પ્રાપ્ત કરવાનું કાર્ય કેવી રીતે થાય છે ?

બાહ્ય દષ્ટિએ જોતાં, આ સઘળું સમજવાનું અને સંકલનનું કાર્ય આપણું મગજ એટલે કે માનવમસ્તિષ્ક કરે છે. માણસનું મગજ તે આપણા શરીરનો એક અત્યંત જટિલ અને ભારે રસપ્રદ અવયવ છે. તે આશરે દશ હજાર કરોડથી પણ વધુ ન્યુરોન એટલે કે ચેતા કોષોનું બનેલું છે. આ દરેક કોષ અદ્દભુત આંતરિક રચના ધરાવે છે. વળી તે બધા પાછા એક-બીજા સાથે સંકળાયેલા છે અને આ બધા કોષો વચ્ચે આશરે દશ લાખ અબજથી પણ વધુ જોડાણો અસ્તિત્વ ધરાવે છે ! આ બધાં જોડાણો અથવા વાયરિંગને સીધી લીટીમાં રાખીએ તો તેની આશરે 32 લાખ કિલોમીટરથી પણ વધુ લંબાઈ થાય ! આશરે દોઢેક કિલો વજનના આપણા આ મગજને સમજવા માટે આજે દુનિયાભરના વિજ્ઞાનીઓ રાત-દિવસ મથી રહ્યા છે અને મહેનત કરી રહ્યા છે ! માનવનું મગજ કેવી રીતે કામ કરે છે તેની સમજણ મેળવવી તે આજના વિજ્ઞાન અને જીવવિજ્ઞાન સમક્ષનો મોટામાં મોટો પડકાર છે.

એમિલી ડિકિન્સન નામની કવિયત્રીએ લખ્યું છે કે માનવમસ્તિષ્ક તો આકાશથી પણ વિશાળ છે અને સાગરથી પણ ગહેરું છે. એ જે હોય તે, પણ આજના વિજ્ઞાનીઓ જેઓ મગજનો અભ્યાસ કરે છે, અને જેમને ‘ન્યુરો-સાયન્ટિસ્ટ’ કહેવાય છે, તેમને તો તે ‘એટલું નજીક, અને છતાંએ એટલું જ દૂર’ જણાય છે ! પરંતુ છેલ્લા દોઢથી બે દશકોમાં ન્યુરો વિજ્ઞાનમાં અનેકાનેક પ્રયત્નો અને વિકાસ થઈ રહ્યા છે. મન મસ્તિષ્ક તથા તેની કાર્યપ્રણાલીને સમજવા માટે આજે કરોડો રૂપિયાને ખર્ચે પ્રયોગો થઈ રહ્યા છે. આ બધાને અંતે પણ આજે તો મગજ અને તેની કાર્યપ્રણાલી વિશે આપણને ભાગ્યે જ કંઈ સમજ છે તેમ કહી શકાય. મગજનું કાર્ય એટલું બધું જટિલ છે કે તે એક નવા બ્રહ્માંડને સમજવા જેવી જ વાત છે તેમ કહેવામાં અતિશયોક્તિ ન થાય. ખરેખર તો એક એક ન્યુરોન અથવા ચેતા કોષને સમજવો અને તેનાં કાર્યોને જાણવાં એ એવરેસ્ટ શિખર ચઢવાથી પણ અઘરું કામ છે ! મગજના કાર્યની ગહરાઈ, સૂક્ષ્મતા અને જટિલતા જોઈએ ત્યારે ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ એ સૂત્રની યાદ આવે તેવું છે, કારણ કે તેના એક એક કોષમાં પણ જાણે આખાય બ્રહ્માંડ જેટલાં રહસ્યો સમાયેલાં છે !

ખરેખર તો બ્રહ્માંડ વિશેના આપણા જ્ઞાનની સ્થિતિ દરિયામાં તરતા પેલા બરફના પહાડ જેવી છે. તેની ટોચ માત્ર જોઈએ છીએ પણ મોટો અજ્ઞાત ભાગ તો પાણીની અંદર જ છુપાયેલો રહે છે ! આટ-આટલા પ્રયત્નો પછી પણ આજે બ્રહ્માંડ વિશેનું આપણું જ્ઞાન આખા પર્વત પરના રજકણ માત્રને જાણ્યા જેટલું જ છે. આ જ વાત માનવમસ્તિષ્કની કાર્યરચનાની આપણી સમજણ માટે પણ સાચી છે. પરંતુ સામે આવા પડકાર હોય ત્યારે જ માનવનું શૌર્ય ખીલી ઊઠે છે ! આ કારણે જ આજે ન્યુરો વિજ્ઞાનમાં વધુ ને વધુ સંશોધનો થવા લાગ્યાં છે. અને આવી સમજણ માટે મહેનત કરવાના લાભ પણ ઘણા મોટા છે. મગજના અનેક પ્રકારના રોગો માટે આજે વિજ્ઞાનની આટલી પ્રગતિ છતાં પણ આપણી પાસે ખાસ કોઈ સમજણ કે સારા ઉપાયો નથી. અલ્ઝાઈમર, પાર્કિન્સન અને તેવા મગજના અનેક રોગો માટે આજે પણ મોટા ભાગે કેવળ અનુમાનો પરથી જ દવાઓ અપાય છે. આથી જેટલું બ્રહ્માંડની રચના સમજવાની જિજ્ઞાસા માટે, તેટલું જ માનવજાતિના કલ્યાણ માટે પણ મગજને સમજવું જરૂરી બની જાય છે. જેમ આપણું સરેરાશ આયુષ્ય વધતું જાય છે તેમ તેમ આવા રોગોની સંખ્યા અને પ્રશ્નો પણ વધતા જાય છે.

આ ધ્યેયને પામવા માટે આજે ન્યુરો સાયન્સનું સંશોધન અનેકાવિધ વિજ્ઞાન શાખાઓ અને સાધનોનો ઉપયોગ કરવા લાગ્યું છે. તેમાં રસાયણ અને ભૌતિક વિજ્ઞાન, કમ્પ્યુટરની ગણતરીઓ અને અણુ-પરમાણુની વર્તણૂંકનો પણ સમાવેશ થાય છે. માનવ મસ્તિષ્ક ભારે અટપટું હોવાને લીધે મગજના કાર્યને અનેકવિધ સ્તરે સમજવું જરૂરી બની જાય છે. આથી જ અહીં ઘણા વિજ્ઞાનોનો એકસાથે ઉપયોગ કરવો જ પડે છે. ખાસ કરીને, ન્યુરોનનાં અંદર અંદરનાં જોડાણો અથવા ‘નેટવર્ક’ને સમજવા માટે તો ગણિતની પણ જરૂર પડે છે. આ રીતે જોતાં જ્યારે બ્રહ્માંડને સમજવાની વાત આવે, ત્યારે બધું જ્ઞાન એકરૂપ જ છે તેનો આપણને અહીં પાકો ખ્યાલ આવે છે અને ખોટા અને કૃત્રિમ વિભાગો પાડી શકાય તેવું નથી એ પણ એકદમ સ્પષ્ટ થઈ જાય છે.

આપણું મન, બુદ્ધિ કે જેને અંત:કરણ કહીએ છીએ તે, માણસના મગજનાં કાર્યો સાથે કેવી રીતે સંકળાયેલાં છે, અને આ બધા સાથે આપણી સમગ્ર વર્તણૂંક કેવી રીતે જોડાયેલી છે એ પણ આ બધી વાતમાં એક મહત્વનો પ્રશ્ન બને છે. અહીં એ નોંધવા જેવું છે કે માનવને સહન કરવા પડતા સઘળા રોગોમાં લગભગ ત્રીજો ભાગ મગજ સાથે એક અથવા બીજી રીતે લાગુ પડતા રોગોનો છે તેવું કહેવાય છે. આ વાત વિકસિત તથા વિકાસ પામતા એમ બંને પ્રકારના દેશો માટે સાચી છે. આમાંની ઘણી ખરી તકલીફો વિશે આપણે આજે ખાસ સારી રીતે જાણતા-સમજતા નથી. આથી જ તેમના યોગ્ય ઉપાયો કે દવાઓની પણ આપણને ખાસ ખબર નથી. આથી આજે આવા રોગોમાં મોટા ભાગની દવાઓ રોગ મટાડવાને બદલે તેમાં કેવળ રાહત થાય એટલા પૂરતી જ હોય છે. આ પરિસ્થિતિ ઘણી અસંતોષકારક છે.

આમ કંઈ કાયમ માટે ન ચાલે અને આપણે મગજની વધુ ઊંડી સમજણ મેળવવી જ પડે, જો આવા રોગોનો સાચો અને કાયમી ઉપાય શોધવો હોય તો. આમ બ્રહ્માંડનાં રહસ્યો સમજવા હોય કે પછી માનવજાતિનાં રોગો અને દુ:ખો દૂર કરવાનાં હોય, આ બંને એકબીજા સાથે જોડાયેલી અને અભિન્ન બાબતો છે તે અહીં અતિ સ્પષ્ટ થાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું ઈશ્વર ન બન્યો – ડૉ. પ્રદીપ પંડ્યા
સ્ત્રીનું ચોથું સ્વરૂપ : સાસુ – દિનકર જોષી Next »   

14 પ્રતિભાવો : બ્રહ્માંડ એટલે ખરેખર શું ? – ડૉ. પંકજ જોષી

 1. Balkrishna A. Shah says:

  ડો. પંકજ જોષીનો લેખ વાંચ્યો. સામાન્ય વાંચક માટે આ બધુ અઘરુ છે. પરંતુ પંકજભાઈની વિદ્વતાને સલામ.

 2. hardik says:

  Dear Pankajbhai,

  With due respect i am not able to get the core of this essay. It starts with what is “Brahmand” and ends up with “neuron science”. I was expecting some fundamental analysis on haldron properties and other particle physics related stuff. But still what you’re trying to explain is commendable.

  Regarding comparing human brain with “Brahmand” figuratively and relatively is right but not in reality. As we have perception about “brahmand and brain” and we think there are lot of similarity so we say both have analogy. but it could be we don’t have information about other source of information or our knowledge is short.

  cheers,
  Hardik

  • Chirag says:

   I agree with Hardik,

   I am so lost as well… First I thought it will give us some more info about space, researches and technology but it started going bit philosophical and it went else where… All over the place… I’d rather enjoy Si-Fi story.
   Sorry Pankajbhai… Did not enjoy at all. Please do not take it personally –

  • Pankaj S. Joshi says:

   I completely agree with Hardikbhai,Chetanbhai and Chiragbhai!!

   Actually, this is first of a series of three articles, the next two will
   come in next issues of Navnit-Samarpan. In fact, the title should have
   been related to brain, which will be the main topic of these articles..

   What happened was in a hurry, I sent in the article without title,
   and some one might have put in the title what he/she thought best fits.
   Probably I do not mind it too much.

   In any case, please read the article more than once, then you may
   enjoy it better–and also do see the next two articles!

   • hardik says:

    Pankajbhai,

    Not at all. These are your thoughts and it’s yours. It’s really good.
    I will be waiting for your next articles. And also expecting some correlation between physics and intellect behind it. Kudos for your article and work.

    cheers,
    hardik

   • Chetan Tataria says:

    Respected Pankaj Bhai,

    Thanks for replying to our comment and making the doubt clear. As I said article is really nice.
    Apologize if you have been hurt. My comment was only for the “Appropriate title” and not for the article.

    I am eagerly waiting for the next two articles in the series. All the very best and thanks again.

    Take care.

 3. જગત દવે says:

  ડો. જોષીએ જે સવાલો ઊઠાવ્યા છે તે સવાલો હજારો વર્ષોથી માનવ સભ્યતાઓ ને મુંઝવી રહ્યા છે. આપણા યજુર્વેદ અને ઈશાવાસ્ય ઊપનિષદ એ પણ અંતે ગાવું પડ્યું છે કે………

  “પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાતૂ પૂર્ણમુદ્છ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણામેવ વષિશ્યતે”

  દરેક જવાબ એક નવા સવાલને જન્મ આપે છે. આ ક્રિયા માનવ સભ્યતાનાંઆ અંત સુધી ચાલુ જ રહેવાની છે. વિજ્ઞાન અને દર્શન ત્યાં ફરી મળી જાય છે. એટલે જ કદાચ મોટાભાગનાં વૈજ્ઞાનિકો ને આ બ્રહ્માંડની અવ્યવસ્થામાં પણ વ્યવસ્થાનાં દર્શન થાય છે અને તેઓ ફરી આ વ્યવસ્થા ને જન્મ આપનાર વિષે વિચારતા થઈ જાય છે. આવા વિચાર-મંથનમાંથી જ ‘ઈશ્વર’ નામની માન્યતાએ જન્મ લીધો છે અને તેને ‘ધર્મ’ માં બાંધવાની કોશિષ કરી છે. કોશિષ કરતાં તેને ગુસ્તાખી કહેવી વધુ યોગ્ય છે તેમ મને લાગે છે.

  છેલ્લે વધુ એક સવાલ………..’ઈશ્વર’ની શોધ સમગ્ર માનવ-સભ્યતાને કેમ ઊર્ધ્વગામી નથી બનાવી શકી? માનવ-સભ્યતાની દરેક ‘પ્રગતિ’ અંત તરફ ભરાતું પગલું હોય તેવું કેમ લાગે છે?

  • જય પટેલ says:

   શ્રી જગતભાઈ

   ઈશ્વરની શોધ….આપનું મનોમંથન અને વ્યથા દરેકની છે. ઈશ્વરના નામે સૌપ્રથમ યુરોપમાં યુધ્ધ અને
   આજે નવા સ્વરૂપે છજ્ઞયુધ્ધ ખેલાઈ રહ્યું છે આમાં માનવ-સભ્યતા તો ક્યાંય નજરે ચડતી નથી…!!

   ક્લૉનના આવિષ્કારે બાકીની કસર પૂરી કરી દીધી. એકસાથે ૫૦ જય પટેલ લેબોરેટરીમાં સર્જન કરવાની તાકાત
   વિજ્ઞાને હાંસલ કરી છે…..કહેવાતા ઈશ્વરનો ક્લૉન પણ બની જાય તે દિવસો દૂર નથી.

   • nayan panchal says:

    શ્રી જયભાઈ,

    હજી સુધી મનુષ્ય કૃત્રિમ લોહી નથી બનાવી શક્યો. હજી સુધી શરદીની રસી નથી શોધી શક્યો. જો કાલે તે એઈડ્સની દવા શોધી કાઢે તો લખી રાખજો કે તેના ભાથામાં કોઈ નવુ તીર તૈયાર જ હશે.

    ઈશ્વરનો ક્લોન બનવુ માનવ માટે અશક્ય છે.

    આભાર,
    નયન

    • જય પટેલ says:

     શ્રી નયનભાઈ

     આપે ખુબ સરસ ત્રણ મુદ્દા રજૂ કર્યા છે.
     હા…સાચી વાત મનુષ્ય લોહી બનાવી શક્યો નથી. આપની જાણમાં જો હોય તો
     આજની હોસ્પિટલો હવે દર્દીને બ્લડ આપવાને બદલે મહદઃઅંશે બ્લડ કૉમ્પોનંટ આપે છે.
     વિજ્ઞાનના આ નવા આવિષ્કારે બ્લડની માગ હવે ખુબ જ મર્યાદિત કરી દીધી છે.
     હા…બ્લડ કૉમ્પોનંટ માટે પણ બ્લડની જરૂર તો પડે જ..!!

     શરદીની રસી ના શોધાય તે મનુષ્યના હિતમાં જ છે.
     સમયાંતરે આવતી શરદી શરીરનું સમીકરણ જાળવવામાં મદદ કરે છે.
     સામાન્ય રીતે શરદી ત્રણ દિવસે આપોઆપ જતી રહે છે.

     એઈડ્સની દવા કદાચ કદીય નહિ શોધાય.
     કોઈક જગ્યાએ વાંચવામાં આવેલું કે પશ્ચિમે એઈડસના જંતુ અશ્વેત પ્રજાના નિકંદન માટે
     સર્જેલા અને હકિકતે આનો સૌથી વધુ ભોગ કમનસીબે અશ્વેતો જ બનેલા છે….સાચું ઈશ્વર જાણે.
     વિજ્ઞાનની શોધ આટલી બેરહમ પણ હોઈ શકે ?

     વિવેકરૂપી લગામ વિના વિજ્ઞાન શ્રાપરૂપ છે.

 4. some time ago i have complain about science articals are not publish in read gujarati but today i am happy to read dr pankaj joshi s artical about bramand khub khub aabhar

 5. Chetan Tataria says:

  Really nice article. But somewhat agree with Hardik Bhai and Chirag bhai. Title doesn’t go with Article.
  If article would have been more focused on “બ્રહ્માંડ”, then it would have been more interesting.

  Personally, I am always being fascinated with “બ્રહ્માંડ”. In news paper also when some articles comes about “Mars” or other expedition, I always read that 1st. When human mind thinks about the scope of “બ્રહ્માંડ” and its existence and its functionality, it gets stuck at some point and not able to go beyond that. And I guess, from there the spiritual world starts.

 6. Chirag says:

  પન્કજભાઈએ જેમ જણાવ્યુ એમ, બ્રહ્માન્ડ કે માનવચેતના/મસ્તિષ્કને સમજવામાં વીજ્ઞાનની દરેકે દરેક શાખાઓ અને સાથે તત્વજ્ઞાનની પણ જરુર પડવાની જ. મને આ સ્વાભાવીક જ લાગે છે કે, કોઈ એકની વાત (ભૌતીક, જીવ, તત્વ) દરેકે દરેક વીગતોમાંથી જ પસાર થાય છે.

 7. nayan panchal says:

  પંકજભાઈ,

  મને તો ટાઈટલ પણ યોગ્ય જ લાગે છે, જો મગજને બ્રહ્માંડ સાથે સરખાવીએ તો…

  શું તમે subconcious, superconcious અને concious વચ્ચેનો ભેદ સમજાવી શકશો?? મને ખબર નથી કે વિજ્ઞાનીઓ તેના માટે શું વિચારે છે.

  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.