સ્ત્રીનું ચોથું સ્વરૂપ : સાસુ – દિનકર જોષી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

આપણા લોકસાહિત્યમાં સ્ત્રીની ત્રણ અવસ્થા અથવા એનાં સ્વરૂપો વિશે રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ પણ સ્ત્રીનું સહુથી પહેલું સ્વરૂપ કન્યા અથવા પુત્રીનું છે. આ પુત્રી અવસ્થા સમયાંતરે ગૃહિણીમાં પરિવર્તિત થાય છે. લગ્ન પછી એ પુત્રી મટી નથી જતી પણ હવે એના સ્વરૂપમાં પત્ની અવસ્થા પ્રાધાન્ય ભોગવે છે. ગૃહિણીના આ સ્વરૂપ પછીનું જે ત્રીજું સ્વરૂપ એને પ્રાપ્ત થાય છે એને માતા કહેવામાં આવે છે. કોઈ પણ ગૃહિણી જ્યારે માતૃત્વ હાંસલ કરે છે ત્યારે એણે સંપૂર્ણ સ્ત્રીત્વ સિદ્ધ કર્યું છે એવું માનવામાં આવે છે. આમ સ્ત્રીનાં આ ત્રણ સ્વરૂપોની વાત જુદા જુદા દષ્ટિકોણથી આપણને વારંવાર કહેવામાં આવી છે.

પણ આ ત્રણ ઉપરાંત સ્ત્રીના જે ચોથા સ્વરૂપની વાત ખાસ ક્યાંય કહેવામાં આવી નથી એ એનું સાસુ સ્વરૂપ છે. વરિષ્ઠ નાગરિકો વિશે જ્યારે આપણે એનાં જુદાં જુદાં પાસાંઓની તલસ્પર્શી મીમાંસા કરી રહ્યા હોઈએ ત્યારે સ્ત્રીનું આ સાસુ સ્વરૂપ આપણા માટે વધુ મહત્વનું છે. કેટલીક વાર તો મજાકમાં એવું પણ કહેવામાં આવે છે કે વરકન્યાના મેળાપના દોકડા જે રીતે મેળવી લીધા પછી જ સંબંધ પાકો કરવામાં આવે છે એ જ રીતે સંબંધ નિશ્ચિત કર્યા પૂર્વે સાસુ વહુના મેળાપના દોકડા પણ તપાસી લેવા જોઈએ ! જોકે સંયુકત કુટુંબો હવે વિખરાતાં જાય છે પણ હજુ મોટા ભાગે નવવધૂનાં લક્ષ્મી પગલાં તો સાસુસસરાના ઘરમાં જ પડતાં હોય છે. એટલું જ નહિ, સામાન્ય મધ્યમવર્ગની વર્તમાન પરિસ્થિતિમાં નવી વહુએ થોડાંક વર્ષો સાસુની નજરબંધી હેઠળ જ રહેવાનું થતું હોય છે. આ સંજોગોમાં વરિષ્ઠ નાગરિકો એવી સાસુની ભૂમિકા બહુ મહત્વની બની જાય છે.

સાસુ જ્યારે નવવધૂ તરીકે પહેલી વાર જે ઘરમાં દાખલ થઈ હતી એ ઘરની પરિસ્થિતિ હવે સાવ બદલાઈ ગઈ હોય છે એ વાત ધ્યાનમાં લેવી જોઈએ. એ જૂનું ઘર, એ જૂની અર્થવ્યવસ્થા, એ જૂનાં સામાજિક વલણો, એ જૂની જીવનઘરેડ આ બધું હવે સદંતર બદલાઈ ગયું હોય છે. આ પરિવર્તનો આપણને ગમે કે ન ગમે પણ એના અસ્તિત્વનો ઈન્કાર કરી શકાય નહિ. એ વાત પણ લક્ષમાં લેવી જોઈએ કે આ પરિવર્તનો નવવધૂમાંથી સાસુ બનેલી પ્રત્યેક સ્ત્રીએ પણ ધીમે ધીમે પોતાની જીવનઘરેડમાં જાણે-અજાણે ગોઠવી લીધાં હોય છે. મનોભૂમિકાની દષ્ટિએ પ્રત્યેક સાસુ-અને ખરું કહીએ તો પ્રત્યેક માણસ – બે ભૂમિકા ઉપરથી પોતાના વર્તનનું નિયંત્રણ કરતો હોય છે. સાસુ જ્યારે વહુ હતી ત્યારે જે નિયંત્રણો હેઠળ એણે રહેવું પડ્યું હતું – અને એમાં એણે મોટા પ્રમાણમાં અન્યાય પણ વેઠ્યો હતો – એ બધું સંભારીને જો એ વહુ પાસેથી એવા વર્તનની અપેક્ષા રાખે તો કલહનાં મંડાણ થતાં ઝાઝી વાર નહિ લાગે. પોતે સંયુક્ત કુટુંબમાં તમામ પરિવારજનોનું કેવું વૈતરું કર્યું હતું એની ફૂલાવી મલાવીને જો એ સતત વાતો કર્યા કરશે તો એનું અસંપ્રજ્ઞાતા મન વહુ પાસેથી પણ એવા જ વહેવારની અપેક્ષા રાખવા માંડશે. આવો અપેક્ષિત વહેવાર એને નહિ જ મળે એટલે અસંતોષનો આરંભ થઈ જશે. આ અસંતોષ ધીમે ધીમે શાબ્દિક મહેણા-ટોણાંમાં પરિવર્તિત થઈ જશે અને પછી એક વાર એવું બિંદુ આવી જશે કે જ્યાં બંને પક્ષે મર્યાદા ચુકાઈ જશે.

આથી ઊલટું, મેં ભૂતકાળમાં જે અન્યાયો વેઠ્યા છે, જૂની સામાજિક ઘરેડોને કારણે મારી ઉપર જે વીત્યું છે એવું ઘરમાં નવી-સવી આવેલી વહુએ વેઠ્યું ન પડે અને એને અન્યાય ન થાય એવી સભાનતા એ સાસુની બીજી ભૂમિકા છે. મેં વેઠ્યું છે માટે તું પણ વેઠ, આ મનોભૂમિકા આખા ઘરને કલહના અગ્નિથી દઝાડ્યા વિના રહેશે નહિ. મેં વેઠ્યું એવું હવે તારે વેઠવું ન પડે, આ મનોભૂમિકાથી પારિવારિક સુખ જળવાઈ રહેવાની ઊજળી સંભાવના છે. આ સંભાવના શબ્દ ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. સાસુ મોટું મન રાખીને, વહુએ વેઠવું ન પડે એવી ભૂમિકા ભજવશે તો પણ વહુ તરફથી એને સુખ અને શાંતિ મળશે જ એની કોઈ ખાતરી હોતી નથી. આનું કારણ એ છે કે વીસ-પચીસ વરસના વય જૂથની જે કન્યાઓ ગૃહિણી બનીને સંસારમાં પ્રવેશે છે એની અપેક્ષાઓ આજકાલ એટલી બધી ઊંચી અને કલ્પના વિશ્વમાં જ ઘડાયેલી હોય છે કે એમને વાસ્તવિક વહેવારોનો ઝાઝો ખ્યાલ હોતો નથી. દુર્ભાગ્યે, વીસથી પચાસ વચ્ચેની વય જૂથનાં જે માતા-પિતાઓ પેદા થયાં છે એમણે કીટ્ટી પાર્ટીઓથી માંડીને પોતાની અંગત મહેચ્છાઓ સંતોષવા રાત-દિવસ એવી દોટ દીધી છે કે એમણે મોટા ભાગે સંતાનોને ઉચિત માત્રામાં પારિવારિક સંસ્કારો આપ્યા નથી. એમણે સંતાનોને મોંઘામાં મોંઘું, પાઠ્યપુસ્તકો દ્વારા ભણાવાતું શાળા-કૉલેજનું શિક્ષણ આપ્યું છે, નૃત્ય, સંગીત, વક્તૃત્વકળા આવું બધું શીખવ્યું છે પણ પરિવાર જીવન માટે આવશ્યક વહેવાર વર્તનનો વિવેક શીખવ્યો નથી. ફળસ્વરૂપે, સ્ત્રી સ્વાતંત્ર્યના નામે એવા બેહૂદા ખ્યાલો મનોજગતમાં ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવ્યા છે કે પરિવાર જીવનના પાયા જ હચમચી જાય. સાસુની કોઈ પણ ઉદારતાને આવી વહુ ઉદારતાથી સ્વીકારી નહિ શકે.

અહીં વરિષ્ઠ નાગરિક સાસુની આકરી પરીક્ષા થાય છે. આ પરીક્ષાનો પેપર એણે બહુ ધીરજથી લખવો પડશે. અણગમતું હોય તો પણ પુત્રના કે પરિવારના સુખ ખાતર કેટલાક ઉછાંછળા વહેવારો સામે આંખ આડા કાન કરવા પડશે. આનો અર્થ એવો નથી કે નવવધૂને ગૃહજીવન કે કુળપરંપરાને વળોટીને જેમ ફાવે તેમ જીવવાનો અધિકાર મળી જાય. આનો અર્થ માત્ર એટલો જ છે કે સાસુએ પરિવારની વરિષ્ઠા તરીકે થોડુંક સહન કરવું પડશે, કાળજીપૂર્વક અને સમજદારીથી જે કંઈ મર્યાદાહીન લાગે એની સામે આંગળી પણ ચીંધવી પડશે. આ સાથે જ રોજિંદા ગૃહજીવનની ઘટનાઓમાંથી એણે પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થતાં પણ શીખવું પડશે. આજ સુધી એ આ ઘરની ગૃહસ્વામિની હતી, હવે આ ગૃહસ્વામિનીનો ભાવ પોતાનો સુવાંગ નથી રહેતો પણ એ અધિકારમાં વહુનો પણ ભાગ છે એવી માનસિક બાંધછોડ કરવી પડશે. રસોડાથી માંડીને ફર્નિચરની ગોઠવણ સુધીની વ્યવસ્થામાં વહુનો અવાજ વધુ વજનદાર રહે તો એનાથી સાસુએ અપમાનિત થયાની ભાવના સેવવી જોઈએ નહિ. આ કામ જેટલું વાંચવામાં સરળ છે એટલું વહેવારમાં સરળ નથી અને આમ છતાં અત્યંત તેજ રફતારથી પરિવર્તિત થતા આ યુગમાં એનો સ્વીકાર કર્યા વિના પણ ચાલે નહિ. પરિવર્તન સાથે શી રીતે તડજોડ કરી શકાય એનું એક ઉદાહરણ જોઈએ.

1963માં જ્યારે મારાં લગ્ન થયાં ત્યારે માંડવામાં પાનેતર અને ચૂંદડી ઓઢીને પડખે બેસાડાયેલી 19 વર્ષની કન્યાને છેક છાતી સુધી ઘૂમટો તાણેલો હતો. લગ્ન સમયના ફોટાઓના આલબમનો કે વિડિયોનો વિચાર સુદ્ધાં કોઈને આવતો નહોતો. કોઈક મિત્ર પોતાના જૂના ખખડધજ કૅમેરાથી પાંચ-દસ ફોટા લઈ લે તોય ઘણું લાગતું હતું. આવા મિત્ર ફોટોગ્રાફરની ઈચ્છા એવી હતી કે એ માંડવામાં બેઠેલાં વરકન્યાનો એક ફોટોગ્રાફ લઈ શકે. આ માટે ઘૂમટો તાણીને બેઠેલી કન્યાનો ચહેરો એક ક્ષણ ખુલ્લો થાય એવી ગોઠવણ એણે કન્યાની પાસે બેઠેલી એની એક બહેનપણી જોડે કરી લીધી હતી. ઘૂમટો એક ક્ષણ ઊંચો લેવાયો. કૅમેરાની ચાંપ દબાઈ અને માંડવામાં હાહાકાર મચી ગયો ! સહુ વડીલોએ પેલી બહેનપણી, આ ફોટોગ્રાફર અને વરકન્યા સુદ્ધાંની ધૂળ કાઢી નાખી. સહુની ધ્રુવ પંક્તિ એક જ હતી – ‘તમને કંઈ લાજશરમ જેવું છે કે નહિ ?’ વરના માતાપિતાએ પણ વરને સારી પેઠે ઝૂડી કાઢ્યો. પાંચ વર્ષ પછી મારા બીજા ભાઈનાં લગ્ન થયાં ત્યારે કન્યા કપાળ સુધી માથે ઓઢીને માંડવામાં ખુલ્લા ચહેરે બેઠી હતી અને ફટાફટ ફોટાઓ લેવાયે જતા હતા. પાંચ વર્ષ પહેલાં લાજશરમનો હિસાબ પૂછનારાં માતાપિતા સુદ્ધાં જાણે કંઈ જાણતાં જ નથી એમ શાંતિથી બેઠાં હતાં. આ પછી પાંચ વર્ષે ત્રીજા ભાઈનાં લગ્ન થયાં ત્યારે મુંબઈમાં એનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ સત્કાર સમારંભમાં કન્યાએ બંગાળી ઢબની સાડીનો અદ્યતન પોશાક પહેર્યો હતો અને મસ્તક તથા ચહેરો સાવ ખુલ્લાં રાખ્યાં હતાં. માતાપિતાએ આ પરિવર્તન સ્વીકારી લીધું હતું અને સત્કાર સમારંભમાં વરકન્યા સાથે ઊભાં રહીને તસવીરો પણ ખેંચાવી હતી. મને ખબર છે કે બા-બાપુજીને આ બધું બહુ ગમ્યું નહોતું પણ એમણે વિરોધ નહોતો કર્યો, સહકાર આપ્યો હતો.

બદલાઈ રહેલી સામાજિક વ્યવસ્થામાં આજકાલ વ્યવસાય અર્થે પુત્રો જુદાં જુદાં સ્થળોએ વસતા હોય છે. એટલું જ નહિ, કેટલીક વાર પુત્રવધૂઓ પણ વ્યાવસાયિક હોય અથવા નોકરી કરતી હોય એવુંય બને છે. આવી પરિસ્થિતિમાં નવા રચાયેલા પરિવાર-જીવનમાં એક વધુ પરિમાણ ઉમેરાય છે. પુત્ર વ્યાવસાયિક કારણોસર બહારગામ રહેતો હોય તો ટૂંક સમયમાં જ નવવધૂએ પણ પોતાના પતિ સાથે રહેવા સ્વતંત્ર રીતે જવું પડે છે. આથી ઊલટું, પતિ-પત્ની બંને માતાપિતા સાથે રહેતાં હોય અને પોતપોતાનો જુદો જુદો સ્વતંત્ર વ્યવસાય કરતાં હોય કે પછી નોકરી કરતાં હોય ત્યારે રોજિંદા ઘરકામનો સામાન્ય બોજો પુન: એક વાર સાસુએ જ સંભાળવો પડે છે. સામાન્યત: સાસુની અપેક્ષા એવી હોય છે કે આ રોજિંદા વ્યવહારમાંથી એને હળવાશ મળે. વહુ નોકરી કે વ્યવસાય ભલે કરે પણ રસોડાથી માંડીને બાળકોને સંભાળવા સુધીની બધી જવાબદારી એની જ ગણાય એવી માનસિક અવસ્થા સાસુએ કેળવી લીધી હોય છે. આથી ઊલટું, વહુ એવી અપેક્ષા રાખતી હોય છે કે મારી આવક આ ઘરના જ જીવનધોરણને ઊંચે લાવવામાં સહાય કરતી હોવાથી મને બને ત્યાં સુધી ઘરકામના બોજામાંથી મુક્તિ મળવી જોઈએ. કેટલીક વાર માનસિક ઉચાટ નિવારવા માટે સમજદાર વહુ મોટા ભાગનું ઘરકામ સમેટીને પછી જ નોકરી કે વ્યવસાય સંભાળતી હોય છે. પણ આમ કરવા જતાં, ઘરની કેટલીક જવાબદારીઓમાં શિથિલતા આવી જ જાય છે કારણ કે એનાં સમય અને શક્તિ બંને મર્યાદિત હોય છે. આ મર્યાદાને સ્વીકારીને થોડીક સગવડ જતી કરવી અથવા વહુના કામનો થોડોક બોજો પોતે લઈ લેવો. આવી ઉદારતા જો સાસુ કેળવી શકશે તો સહજતાથી સમાધાન સાધી શકાશે. અન્યથા એવું બને છે કે આમાં પણ પ્રચ્છન્ન અસંતોષ ધીમે ધીમે વધતો જાય છે અને એમાંથી ઝાળ ભભૂકી ઊઠે છે. આમ તો આ બધી બહુ નાની નાની બાબતો છે પણ આવી નગણ્ય લાગતી વૃત્તિઓ જ ક્યારેક બહુ કપરી બની જતી હોય છે. એક વાર એ કપરી બની જાય પછી એને સંભાળવી બહુ મુશ્કેલ બની જાય છે. એ બિંદુએ પહોંચ્યા પહેલાં જ એનો માર્ગ કાઢી લેવો એમાં ડહાપણ છે.

યુગ પરિબળોનાં પરિવર્તનો સાથે સમાધાન સાધીને જીવનારા વરિષ્ઠોમાં પણ લાચારીની એક વિભાવના મનમાં ધરબાયેલી હોય છે. પોતે નાછૂટકે લાચારીપૂર્વક પોતાને જે અણગમતું છે એ સ્વીકાર્યું છે એવો ભાવ એમનામાંથી જતો નથી. બધાં પરિવર્તનો આપણને અનુકૂળ નથી હોતાં એ વાત આપણે સતત લક્ષમાં રાખવી જોઈએ. પરિવર્તનોને સહજ ભાવે સ્વીકારવાને બદલે એનો પ્રતિકાર કરવાની વૃત્તિ જોખમી છે. આનું કારણ એ છે કે હવે વયમાં વરિષ્ઠ થવાને કારણે સહનશક્તિ, પ્રતિકારશક્તિ, પોતાનું ધાર્યું કરાવી શકવાનું સામર્થ્ય, આ બધું ધીમે ધીમે દિવસે દિવસે ઓછું થતું જતું હોય છે. ફળ સ્વરૂપે પરિવર્તનોને સહજભાવે સ્વીકારી લેવામાં ગૌરવ છે. આ ગૌરવનો અર્થ શરણાગતિ નથી પણ શાણપણ છે. અંતે આ કહેવાતું પરિવર્તન પણ તમારા પોતાના જ રકતકણો જેવાં સંતાનો દ્વારા પેદા થયું છે. તમારા અનુભવ અને જ્ઞાનનો લાભ આ સંતાનો જો મેળવી શકે તો એ એમનું સૌભાગ્ય છે. પણ જો એવું ન બને તો આ સૌભાગ્ય બળપૂર્વક એમના મસ્તક પર લાદવાનો કોઈ પ્રયત્ન કરશો નહિ. આવો કોઈ પણ પ્રયત્ન સૌભાગ્ય તો દૂર રહ્યું પણ દુર્ભાગ્યને નોતરશે. સાસુ બનેલી સ્ત્રી અને નવી આવેલી વહુ વચ્ચે આ સમસ્યા વધુ ઘેરી બનતી હોય છે. આનું કારણ એ છે કે પુરુષની પ્રકૃતિ બહિર્મુખી હોવાને કારણે એ બહુધા પરિવારથી બહાર નીકળીને વિચારી શકે છે, રસ લઈ શકે છે કે વાતો કરી શકે છે. સાસુ બનેલી સ્ત્રી આટલાં વર્ષોથી મોટે ભાગે ઘરની ચાર દીવાલોને તથા પરિવારના સામાજિક રિવાજોને જ પોતાનું સામ્રાજ્ય માનીને જીવી હોય છે. ફળસ્વરૂપે આ માળખામાં છિદ્ર પડતાવેંત એની હતાશા કે રોષ વધુ ઝડપથી ઘેરાં બની જાય છે. ધીમે ધીમે એના મનમાં એવું રૂઢ થતું જાય છે કે વહુના આગમન પછી જ પોતાના આ સામ્રાજ્યમાં છિદ્રો પડ્યાં છે માટે આ વહુ જ પોતાના દુ:ખનું કારણ છે. વહુ આવું દુ:ખનું કારણ હોય તો પણ એને પોતાના પરિવારે પુત્રના સુખ માટે આ ઘરમાં આણી છે એ ભૂલવું જોઈએ નહિ.

પરિવર્તનોને આત્મસાત કરવાને બદલે વહુ સાથે ઊંચા મને જીવતી સાસુઓ સુદ્ધાં, એવી અપેક્ષા રાખતી હોય છે કે પોતાની સાસરવાસી પુત્રીઓને તો આધુનિક પરિવર્તનો પ્રમાણે જ જીવનધોરણ મળવું જોઈએ. વહુના જે વર્તનને સાસુ અણગમતું માનતી હોય છે – આમાં પહેરવેશનો પણ સમાવેશ થઈ જાય છે – એ જ વર્તન અને પહેરવેશ પોતાની પુત્રી જો એના સાસરે કરે તો આ સાસુનો દષ્ટિકોણ સાવ ભિન્ન થઈ જતો હોય છે. પોતાના ઘરમાં વહુ અને દીકરી બંને સરખાં છે એવું સુવાક્ય એક સૂત્ર તરીકે બધાં બોલે છે પણ આ સૂત્ર જ નબળા પાયા ઉપર રચાયેલું છે, પોતાને ફૅશનેબલ અને આધુનિક કે સંસ્કારીમાં ખપાવવા માટે આવું વાક્ય બોલાતું રહ્યું છે પણ આ વાક્ય કેટલું તકલાદી છે એનાં મૂળ કોઈએ તપાસ્યાં નથી. કોઈ પણ ઘરમાં પુત્રી અને પુત્રવધૂ એકસરખાં હોઈ શકે જ નહિ – હોવાં પણ ન જોઈએ. પુત્રવધૂ ઘરની લક્ષ્મી છે અને પુત્રી પારકી થાપણ છે એ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ. પારકી થાપણ અત્યંત પવિત્ર છે એટલે એને ખૂબ સંભાળપૂર્વક રાખવી જોઈએ. અને ઘરની લક્ષ્મીને ક્યાંય કાળો ડાઘ ન લાગે એમ એની હિફાજત થવી જોઈએ. પુત્રી અને પૂત્રવધૂ એકસરખાં છે એનો અર્થ માત્ર એટલો જ કરી શકાય કે ઘરમાં બંનેને એકસરખો વહેવાર પ્રાપ્ત થવો જોઈએ. દીકરીને એની પોતાની મર્યાદા હોય છે અને વહુને એની પોતાની જુદી મર્યાદાઓ હોય છે. આ બંને મર્યાદાઓનું રક્ષણ થવું જોઈએ.

આધુનિક યુગની કેટલીક નવી વહુઓને સમાજસેવાના કોડ જાગતા હોય છે. સમાજસેવા કોઈ બૂરી વાત નથી પણ આ સેવા પરિવારજનોના ભોગે ન થવી જોઈએ એટલી સમજણ કેળવવી જોઈએ. મારા એક બુઝુર્ગ મિત્રના પરિવારમાં એક એવી વહુનું આગમન થયું હતું કે જેને સમાજસેવાના ભારે ધખારા હતા. શરૂઆતમાં તો મિત્રે વહુના આ ધખારાને, એને સંતોષ મળે છે એવા ભાવ સાથે સ્વીકારી લીધા હતા પણ પછી સમાજસેવાના કેફે આ વહુને સામાજિક પ્રતિષ્ઠાનો નશો ચડી ગયો. આ નશામાં એની પાછળ પુત્ર પણ તણાયો. વહુએ વડીલોની સેવાના નામે વરિષ્ઠ નાગરિકો માટે એક સંગઠન ઊભું કરીને ખાસ્સું એવું ભંડોળ અને પ્રતિષ્ઠા બંને હાથવગાં કરી લીધાં. ઘરના માવતરોની ઉપેક્ષા કરીને પારકા માવતરોની સેવાના નામે એણે પ્રતિષ્ઠાના કેફમાં પોતાની જાતને ડુબાડી દીધી. મારા આ બુઝુર્ગ મિત્રે આ વિશે પોતાના વીતકની જે વ્યથા એમના છેલ્લા દિવસોમાં મને કહી હતી એ ભારે પીડાદાયક હતી. આ વડીલ તો હવે મૃત્યુ પામ્યા છે પણ એમનાં એટલાં જ વયોવૃદ્ધ પત્ની એકલવાઈ અવસ્થામાં દિવસો ટૂંકા કરે છે અને આ વહુ સમાજસેવાના નામે પારકા માવતરોની સેવા કરી રહી છે ! વડીલોએ આવી કોઈક પારિવારિક અવસ્થામાં પણ ક્યારેક જીવવું પડે છે. આવી કપરી અવસ્થાનો પણ સહજભાવે સ્વીકાર કરવાની માનસિક તૈયારી રાખ્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી.

સાસુવહુના સંબંધો વિશે મહાભારતમાં કુંતી અને દ્રૌપદીએ જે કહ્યું છે એ ભારે સૂચક અને ધ્યાનમાં રાખવા જેવું છે. અરણ્યવાસ દરમિયાન અર્જુન જ્યારે અન્ય ચાર ભાઈઓ અને દ્રૌપદીને છોડીને હિમાલયમાં શસ્ત્રો પ્રાપ્ત કરવા જાય છે ત્યારે દ્રૌપદીએ એને આમ કહ્યું છે – ‘હે મહાબાહુ ધનંજય ! તારા જન્મ સમયે તારી માતા કુંતીએ પોતાના મનમાં તારા વિશે જે જે અપેક્ષાઓ રાખી હોય એ બધી જ – તું પૂરી કરી શકે એવી મારી શુભકામના છે.’ અહીં દ્રૌપદીએ પોતાની કોઈ ઈચ્છાની વાત નથી કરી. પુત્ર અર્જુન દ્વારા એની જનેતા કુંતીની બધી અપેક્ષાઓ પૂરી થાય આવી દ્રૌપદીની ભાવના અહીં વ્યક્ત થઈ છે. એ જ રીતે, મહાયુદ્ધની પૂર્વ સંધ્યાએ વિષ્ટિ પ્રસંગે કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર જાય છે ત્યારે કુંતીને મળ્યા છે. માતા કુંતી પોતાના પુત્રોને તેર વર્ષથી મળ્યાં નથી. હવે મહાયુદ્ધ નિશ્ચિત છે એ જાણ્યા પછી કુંતી પુત્રોને કૃષ્ણ દ્વારા જે સંદેશ કહેવડાવે છે એમાં એમ કહ્યું છે કે ‘હે પુત્રો ! તમે દ્રૌપદીની જે કંઈ ઈચ્છા હોય એ પૂરી કરજો.’ – આમ અહીં સાસુ વહુ બંનેએ અજાણતાં જ હૃદયના ઉત્કટ ભાવથી, પોતાની નહિ પણ સામા પક્ષની ઈચ્છા પૂરી થાય એવો ભાવ પ્રગટ કર્યો છે. અલબત્ત, આ એક આદર્શ અને ઉત્તમ પરિસ્થિતિ છે અને એ સહજ કે સામાન્ય નથી. આમ છતાં આપણું મનોગત તો આ દિશામાં જ હોવું જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બ્રહ્માંડ એટલે ખરેખર શું ? – ડૉ. પંકજ જોષી
નીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી Next »   

24 પ્રતિભાવો : સ્ત્રીનું ચોથું સ્વરૂપ : સાસુ – દિનકર જોષી

 1. સુંદર લેખ. સાસુ વહુના મીઠા સંબંધો માટે બન્ને પક્ષે સમજદારી જોઇએ.

 2. Pravin V. Patel USA says:

  સારો અને સમજીને સારૂ ગ્રહણ કરવા યોગ્ય સુંદર લેખ.
  વિકટ પરિસ્થિતિમાં માર્ગ કાઢવાનું દિશા સુચન મળી શકે એવું લાગે છે.
  આભાર.
  અભિનંદન.

 3. જગત દવે says:

  આવી આદર્શ પરિસ્થિતી કયાં અને કયારે નિર્માણ થાય? આપણી નવલકથાઓ, લોક-કથાઓ અને લોક્-ગીતોનું શું થાય?
  જુનાં ત્રાસ ફેલાવતા રિવાજો અને રૂઢીઓ નું વળગણ આપણો સમાજ ક્યારેય ફેકીં શકશે?

  લડાઈ ઝારી છે……અનેક ઘરોમાં……પડઘાઓ તેનાં ગુંજે છે……કોર્ટમાં, અખબારોમાં…..શેરીઓમાં……મહોલ્લાઓમાં.

 4. darshana says:

  આવુ તો કોઇ ભાગ્યશાળી ના ઘરે જ્જ હોય્

 5. trupti says:

  જ્યા સુધી સાસુ ઓ તેમની દિકરી જોડે પોનાની વહુ ની સરખામણી કરવાનુ બધ નહી કરે ત્યા સુધી અમુક પરીસ્થીતી મા ફરક પડવો અઘરો છે. દરેક સાસુઓ એ ભુલવુ ન જોઈએ કે જેમ પાચ આગળીઓ સરખી નથી હોતી તેમ દરેક વ્યક્તિ જુદી હોય છે. પોતાની દિકરી જે વાતાવરણ મા ઉછરી છે તેના કરતા તદ્દન જુદા વાતાવરણ મા ઉછરેલી છોકરી તેમના ઘરમા વહુ તરીકે આવી છે એટલે ફરક તો રહેવાનો જ. જો બેવ પક્ષે બાન્ધ છોડ થાય તો જીવન જીવવા જેવુ લાગે. જેમ તમે તમારી દિકરીની ભુલ ને નજર અન્દાજ કરો છો તેમ તમે તમારી વહુ ની ભુલને પણ નજર અન્દાજ કરો, અને વહુ જો પોતાની માતાની વાતનુ ખોટુ ન લગાડતી હોય તેમ સાસુની વાતનુ પણ ખોટુ ન લગાડે તો ઝગડાનુ કોઈ કારણજ ન રહે. પરન્તુ જુજ ઘરો મા આવુ થતુ હોયછે એટલે બધા પ્રોબ્લેમ ઉભા થાય છે, કારણ બેવ પક્ષે સહનશીલતા નો અભાવ (તેમા હુ પણ સામીલ છુ).
  સાસુ-વહુ નો એવો ટોપીક છે કે તેમા તો લખીયે એટલુ ઓછુ.

  • જય પટેલ says:

   તૃપ્તિ

   નિખાલસતા દર્શાવવા બદલ અભિનંદન.

   સહનશીલતાનો અભાવ….પરસ્પર ભાવ ના હોય ત્યારે પ્રગટે છે.
   ભાવ….સામંજસ્યના પ્રાગટ્ય માટે જરૂરી છે ધૃણાનું વિર્સજન.
   ધૃણાનાં વાદળો વિખરાતાં ભાવ…સમતા આપોઆપ પ્રગટશે
   .

 6. anonymous says:

  સાચે જ. બહુ જ સરસ વાત કરી.. આ વાત તો દરેક સાસુમા ને સમજાવી જોઇએ. ઃ)

 7. કલ્પેશ says:

  વાત આડે જતી રહેશે અને મજાકમા કહુ છુ કે પુરુષ માટે આમ કેમ નથી લખાયુ?
  બાળક, યુવાન, વર, શ્વસુર વગેરે

  • trupti says:

   કલ્પેશ,
   પુરુષ માટે નથી લખાયુ, કરણ જેવુ વર્તન સાસુ વહુ જોડે કરે છે, તેવુ વર્તન જો દિકરીની મા જો જમાઈ જોડે કરે તો શુ થાય તે તમે વિચારીલો. એટલે જ કદા જમાઈ ને જમ જોડે સરખાવાય છે!!!!!!!!!!!! ( please take it lightly)

   • Tarun says:

    ના તદન ખોટી વાત્ …બે પુરુષ નાની વાતૉ પર ધ્યાન નથી આપતા….Also you are comparing here man with woman…”Jamai and Mother-In-law”….Plus most of the time there is respect both ways while in the case of sasu and vahu….It’s their mentality plus both do not wants to share feelings for man ( વર અને છોકરૉ. )

 8. chetan patel says:

  teach in study college

 9. chetan patel says:

  ye story school & college me teach honi chahia

 10. Chirag says:

  ક્યોકી સાંસ ભિ કભી બહુ થિ…. ઃ)

 11. Jagruti Vaghela U.S.A. says:

  આજના આજુ બાજુના સમાજમા મે એવા પરિવારો જોયા છે કે પુત્ર પારકિ થાપણ બની ગયો હોઇ અને કન્યાના માબાપ ગ્રૂહલક્ષ્મી ની જેમ પડયા પાથય્રા રહેતા હોય. ઉલટી ગંગા વહી છે બધે. તો પણ વાતતો સાસુ એજ સમજવાની. આજની સુકન્યાને શીખામણ આપતો લેખ પણ લખવો જોઇએ.

 12. જય પટેલ says:

  સાસુ – વહુના મધુર સંબધોને દિવ્યતા બક્ષવા માટે કુંતી-દ્રૌપદીનું દ્રષ્ટાંત તદ્દન યોગ્ય છે.

  આજે પરિવારો વિખરાઈ રહ્યા છે અને વૃધ્ધાશ્રમ રૉકેટ ગતિએ ઉભા થઈ રહ્યા છે
  ત્યારે તંદુરસ્ત સમાજના હાર્દ સમાન સાસુ-વહુના સંબધોનું મુલ્યાંકન આજના યુગને
  અનુલક્ષીને થવું જોઈએ.

  આધુનિક યુગમાં ભણેલી સાસુ અને ભણેલી વહુ વચ્ચે અહંકારની
  લડાઈની શક્યતા છે પણ જો સારાં પુસ્તકોનું નિયમીત આચમન કરવામાં આવે તો શક્ય છે કે
  અહંકાર…ધૃણા ધીરે ધીરે લુપ્ત થાય અને એકબીજાને સમજવા માટેનો અનુકુળ માહોલ ઉભો થાય..

  થોરામાં ઘનું
  અમારા પવિત્ર ઘરમાંથી પુણ્ય કદિ નહિ પરવારે…..આધુનિક સાસુ-વહુની પ્રતિજ્ઞા.

 13. Veena Dave. USA says:

  સરસ લેખ.
  કુંતી અને દ્રોપદીનુ ઉદાહરણ આદરણિય અને અનુકરણિય. ઘણા ઉદવેગ શાંત થઈ જાય સાસુ-વહુ એકબીજાનુ વિચારે તો….
  ટી વી સિરિયલો, બળતામા ઘી હોમે એવી નહિ જોવાની અને ઘરમા પોલિટિક્સ નહિ રમવાનુ ,
  ખુબ સરસ બાબતોની છણાવટ લેખકે કરી છે
  આ લેખ મને એટલો સરસ લાગ્યો હતો કે અખંડ આનંદમા આ લેખ વાંચીને મા.લેખકને મે ફોન કરેલો.

 14. Pritha Gupta says:

  કેહવાય છે કે.. મા નો ઠપકો મીઠો અને સાસુ નો ઠપકો મોળો….

 15. pankaj bhai mehta says:

  બહુ સુન્દર લેખ..

 16. This is a best view of today”s sas bahu type of nature in our culture.

 17. nayan panchal says:

  આ લેખે એક ખૂબ જ નાજૂક પ્રશ્નને વિસ્તારથી ચર્ચયો છે તે બદલ લેખકનો ખૂબ આભાર.

  આટલો જ નાજુક અન્ય એક પ્રશ્ન છે, નવપરિણીત પુરુષનો. તે બિચારો માતા અને પત્ની વચ્ચે બરાબરનો પીસાય છે. આ વિસ્તાર પર પણ એક ‘લેખમાળા’ મળી જાય તો ઘણા પુરુષોનો ઉધ્ધાર થઈ જાય.

  એડવાન્સમાં આભાર,
  નયન

 18. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Well balanced article.

  જતું કરવાની વૃતિ રાખીએતો ઘણા પ્રશ્નો ઉભાજ નહિ થાય…

  Ashish Dave

 19. જયકિશન says:

  ખુબજ વિચારશિલ લેખ ……

 20. Swaha says:

  સાસુ મા ના બનિ શકે ને વહુ દિકરિ ના બને. Bitter truth of the life:(

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.