નીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી

Picture 083[રોજ સવારના અખબારથી લઈને રસ્તા પરના હોર્ડિંગો અને છેક રાત્રી સુધીના ટીવી કાર્યક્રમો સુધી આપણી આંખમાં એવા ઉતેજક દ્રશ્યો નજરે પડે છે જે મનને ક્ષુબ્ધ અથવા વિચલિત તો કરે જ છે સાથે સાથે એટલી હદ સુધી નબળું બનાવી મુકે છે કે આપણને લાગે છે કે ‘આ બધું તો આમ જ હોય !’ પ્રતિકાર કરવાની વાત તો બાજુએ, અજાણતાં જ એનો સ્વીકાર થઈ જાય છે ! પરિણામે સમાજનું માનસિક સ્વાસ્થ્ય કથળતું જાય છે. આ પ્રકારની નાજુક બાબતોમાં મહાપુરુષોની આંગળી પકડીને ચાલવું વધારે હિતાવહ છે. યુવાનોને આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળે અને તેઓ તેજસ્વી તેમજ ઊર્જાવાન બને એ માટે ‘યંગ ઈન્ડિયા’ નામના સામાયિકમાં ગાંધીજી એક કોલમ લખતા હતા. તેમના લેખો પરથી ‘નીતિનાશને માર્ગે’ નામનું પુસ્તક 1921 માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકના કેટલાક પ્રકરણોમાંનો અંશ આપણે ભાગ-1 અને ભાગ-2 રૂપે 2006માં માણ્યો હતો. આજે માણીએ વધુ એક પ્રકરણ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી. ]

[1] સંયમને શાની જરૂર હોય ?

એક વિવાહ કરવાને ઉમેદવાર થઈ રહેલ ભાઈ મને લખે છે કે : ‘આપ લખો છો કે સંયમના પાલનમાં એકને બીજાની સંમતિની જરૂર ન હોય – શું આ વધારે પડતું નથી ? પત્નીને પણ પોતાના જ્ઞાનમાં ભાગી બનાવી શકે ત્યાં સુધી તો રાહ જોવી જોઈએ ને ? આપનો લેખ ‘પતિનું કર્તવ્ય’ ફરી ફરી વાંચ્યા છતાં હજી ખુલાસો જોઈએ છે. હું હજી અવિવાહિત છું. લગ્ન થોડા વખત પછીથી છે. આપની પાસેથી ખુલાસો મેળવવા લખું છું.’

એ ભાઈને મેં લખ્યું કે : ‘જે સંયમને બીજાની સંમતિની જરૂર હોય તે સંયમ ન ટકી શકે એવો મારો અનુભવ છે. સંયમને જરૂર કેવળ અંતર્નાદની જ હોય છે. સંયમનું જોર હૃદયબળ ઉપર રહેલું છે અને જે સંયમ જ્ઞાનમય અને પ્રેમમય હોય છે, તેની છાપ આસપાસના વાતાવરણ ઉપર પડ્યા વિના રહેતી જ નથી. છેવટે વિરોધ કરનાર પણ અનુકૂળ થાય છે. આવું પતિપત્નીને વિષે પણ છે. પત્ની તૈયાર ન હોય ત્યાં સુધી જો પતિએ રોકાવાપણું હોય, અને જ્યાં સુધી પતિ તૈયાર ન હોય ત્યાં સુધી પત્નીએ રોકાવાપણું હોય, તો ઘણે ભાગે બંને ભોગપાશમાંથી છૂટી જ નહીં શકે. ઘણા દાખલાઓમાં જ્યાં સંયમને સારુ એકબીજાના ઉપર આધાર રખાય છે ત્યાં છેવટે તે ભાંગી પડે છે. તેનું કારણ જ આ મોળાશ છે. વધારે ઊંડે ઊતરીને આપણે તપાસીએ તો માલૂમ પડશે કે જ્યારે એકબીજાની કે બીજાની કે બીજીની સંમતિથી રાહ જુએ છે, ત્યારે ત્યાં સંયમની ખરી તૈયારી નથી અથવા તેને સારુ ખરેખરી ધગશ નથી. તેથી જ નિષ્કુળાનંદે લખ્યું છે કે, ‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના.’ વૈરાગને જો રાગના સાથની જરૂર હોઈ શકે તો સંયમ પાળવા ઈચ્છનારને ન ઈચ્છનારની સંમતિની જરૂર હોય.

[2] કામરોગનું નિવારણ

વિવાહ વિષેના થર્સ્ટન નામે લેખકના નવા પુસ્તકના મુખ્ય ભાગનો અનુવાદ પરિશિષ્ટમાં છાપ્યો છે તેનું ધ્યાનપૂર્વક મનન દરેક સ્ત્રીપુરુષ કરે એ ઈચ્છવાજોગ છે. આપણામાં પંદર વર્ષના બાળકથી માંડી પચાસ વર્ષના પુરુષમાં અને બાળક અથવા તેથી નાની વયની બાળાથી માંડી પચાસ વર્ષ લગીની સ્ત્રીમાં એવી કલ્પના રહેલી છે કે વિષયભોગ વિના રહી જ ન શકાય. તેથી બંને એની માટે લાલાયિત રહે છે. એકબીજાનો વિશ્વાસ નથી કરતાં અને સ્ત્રીને જોતાં પુરુષ વિષયભોગની દષ્ટિએ આકર્ષિત થઈ જાય છે અને સ્ત્રી પુરુષને જોઈને તેવી થઈ જાય છે. આથી કેટલાક રિવાજો એવા પડી ગયા છે કે જેથી સ્ત્રીપુરુષો નમાલાં, રોગી ને નિરુત્સાહી જોવામાં આવે છે, ને આપણી જિંદગી મનુષ્યને ન શોભે એવી હલકી થઈ પડી છે.

વાસ્તવિક રીતે મનુષ્યમાં વિવેકબુદ્ધિ હોવાથી તેનામાં પશુના કરતાં વધારે ત્યાગશક્તિ ને સંયમ હોવાં જોઈએ. છતાં પશુ નરમાદાની મર્યાદાનો પ્રકૃતિનો જેટલો કાયદો પાળે છે એટલો મનુષ્ય નથી પાળતો, એ આપણે રોજ અનુભવીએ છીએ. શાસ્ત્રો તો પોકારીને કહે છે કે વિષયભોગ કેવળ પ્રજોત્પત્તિને માટે જ કરાય. આ આજ્ઞાનું ઉલ્લંઘન પ્રતિક્ષણ કરવામાં આવે છે, અને રોગો થાય ત્યારે એનાં બીજાં કારણો શોધવામાં આવે છે ! વિવાહ એક મિત્રતા છે. સ્ત્રીપુરુષ સુખદુ:ખનાં સાથી બને છે, પણ વિવાહ થયા એટલે પહેલી જ રાત્રે દંપતિએ ભોગમાં આળોટીને જિંદગી બરબાદ કરવાનો પાયો ન ખોદવો જોઈએ.

[3] કામ કેમ જિતાય ?

વિકારને જીતવાનો પ્રયત્ન કરનાર એક વાચકે મને લખ્યું કે : ‘આપની ‘સત્યના પ્રયોગો’ વાંચી. આપે કોઈ પણ બાબત છૂપી રાખી નથી તેથી હું પણ આપની આગળ કંઈ છૂપું રાખવા માંગતો નથી. આપની ‘નીતિનાશને માર્ગે’ ચોપડી પણ વાંચી, તેથી વિષયોને જીતવાનું ખાસ કારણ મળ્યું. પરંતુ આ વિષયવાસના એવી ખરાબ છે કે સ્વામી વિવેકાનંદ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસના ગ્રંથો વાંચવાનું ચાલુ હોય ત્યારે કાબૂમાં રહે છે પરંતુ જેવું વાંચન બંધ થયું કે પાછું એ ભૂત મન પર સવાર થઈ જાય છે. આંખ, નાક, કાન કે જિહ્વાને તો જીતી શકાય પણ એ સિવાયની જે ઈન્દ્રિય છે એ તો કાબૂમાં જ નથી રહેતી. હું સાત્વિક આહાર રાખું છું, એક વખત જમું છું, રાત્રે દૂધ પર જ રહું છું છતાં કોણ જાણે કેમ આ વિકારો અને એના વિચારો કેમેય કર્યા નાબૂદ થતા નથી. એનું કારણ મને સમજાતું નથી. મને આપના ‘નવજીવન’ અખબાર દ્વારા જવાબ આપશો. ઘણા વખતથી આપને પૂછવામાં સંકોચ થતો હતો, પરંતુ આપના આત્મવૃત્તાંતની ચોપડી વાંચ્યા પછી લાગ્યું કે સદમાર્ગે જવામાં જે મુશ્કેલીઓ જણાય તે પૂછવામાં શરમ ન રાખવી જોઈએ.’

મેં એ ભાઈને લખ્યું : ‘જે સ્થિતિ આપની છે તે ઘણાઓની છે. કામને જીતવો મુશ્કેલ છે, અશક્ય નથી. પણ જે કામને જીતે છે એ સંસારને જીતે છે અને તરે છે એવો ઈશ્વરનો કોલ છે. આ બાબતમાં ધીરજની જરૂર છે. અભ્યાસમાં જેટલી ધીરજની જરૂર હોય એના કરતાં અનેકગણી ધીરજની જરૂર આ બાબતમાં છે. આ તો થઈ ધીરજની વાત. પણ કામને જીતવાના ઉપચાર વિષે પણ આપણે એટલા જ ઉદાસીન રહીએ છીએ. સામાન્ય રોગને મટાડવા માટે અનેક ડૉક્ટરો પાસે જઈએ છીએ પરંતુ આ કામરૂપી મહારોગ માટે આપણે કોઈ ઉપચાર કરતા નથી. હકીકતે તો આપણને આ વિકારો મટાડવાની ખરા દિલથી ઈચ્છા જ નથી. શિથિલતાને આપણે સ્વીકારી લીધી છે. એ વાત સાચી છે કે નિરાહારી વ્યક્તિના વિકારો શમે છે પરંતુ અંતે તો આત્મદર્શન વિના આસક્તિ જતી નથી. પણ તેથી કંઈ નિરાહાર રહેતાં થાકવું નહીં. મન, વચન અને કાયાનો સહયોગ હોવો જોઈએ. એ હોય તો વિકારો શાંત થાય જ. પણ નિરાહારના પહેલાં બીજાં પગલાં ઘણાં બાકી છે. એ લેવાતાં વિકારો શાંત નહીં થાય તો ઢીલા તો પડશે જ. ભોગવિલાસના પ્રસંગમાત્રનો ત્યાગ કરવો જોઈએ. એ પ્રત્યે અભાવ કેળવવો જોઈએ. એવા ચિત્રો અને સાહિત્યથી દૂર રહેવું જોઈએ જે આપણામાં રહેલી આ વૃત્તિઓને ઉત્તેજે. જે જે વસ્તુથી વિકાર ઉત્પન્ન થાય તેનો ત્યાગ કરવો જોઈએ.

આહારનો પ્રશ્ન આને અંગે બહુ વિચારવા જેવો છે. એ ક્ષેત્ર અણખેડાયેલું છે. મારી માન્યતા એવી છે કે વિકારોને શાંત કરવા ઈચ્છનારે ઘીદૂધનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ફળો અને ઘણી લીલોતરી વગરરાંધેલી ખાઈ શકાય. મીઠાઈમસાલા વગેરેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આટલું સૂચવ્યાં છતાં હું જાણું છું કે, ખોરાકથી જ કંઈ બ્રહ્મચર્યની પૂરી રક્ષા થઈ શકતી નથી. પણ વિકારોત્તેજક ખોરાકને ખાતાં છતાં માણસ જો બ્રહ્મચર્યના પાલનની આશા રાખે તો એ વ્યર્થ છે.

[4] વ્યક્તિસ્વાતંત્ર્યની દલીલ

બ્રહ્મચર્યનો તાત્કાલિક લાભ યુવાનો વધારે જોઈ શકશે. સ્મૃતિ સ્થિર અને સંગ્રાહક બને છે, બુદ્ધિ તેજસ્વી અને ફલવતી બને છે. સંકલ્પશક્તિ બળવાન બને છે અને તેના ચારિત્ર્યમાં એવો રણકાર આવી જાય છે જેવો ભોગવિલાસમાં જીવનારના સ્વપ્નમાંયે ન હોય. એની દષ્ટિ જ એવી પલટાઈ જાય છે કે પોતાની આસપાસની વસ્તુઓ પણ તેને ઈશ્વરરૂપ ભાસે છે. સંયમિત જીવન જીવનાર યુવકના આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતાયુક્ત આત્મશ્રદ્ધા ક્યાં અને વિષયોના દાસ બનેલા વ્યક્તિના અશાંતિ અને ઉન્માદ ક્યાં ? ભોગોના વિચારોમાં ડૂબેલો માનવી આંતરિક રીતે નબળો પડતો જાય છે. ક્યાં બ્રહ્મચારીનું સુદ્રઢ નિરોગી શરીર અને ક્યાં સ્વેચ્છાચારીનું સડેલું, રોગધામ શરીર !

એક સમાજશાસ્ત્રના વિદ્વાન આ બાબતે એમ કહે છે : ‘સમાજજીવન જ એવી અખંડ-સજીવ-વસ્તુ છે જેમાં સ્વતંત્ર અને વ્યક્તિગત કહેવાય એવી એકે પ્રવૃત્તિ નથી. ગમે તે કાર્ય કરીએ તેનો પડઘો અજાણી અને અકલ્પ્ય દિશાઓમાં ફેલાય છે. મનુષ્યના મનુષ્યત્વમાં જ તેનું સામાજિક હોવાપણું રહેલું છે. એકેય એવું ક્ષેત્ર નથી – ધર્મ, રાજ્ય, સમાજ – કે જેમાં વ્યક્તિના કાર્યની અસર આખા સમાજ પર પડતી ન હોય. માણસના દરેક કાર્યની અસર આખા સમાજ પર પડતી હોય છે, પછી ભલે ને એ કાર્ય ગમે એટલું ગુપ્ત કેમ ન હોય. જો માણસને અમુક સંજોગોમાં રસ્તા પર થૂંકવાની છૂટ ન હોય તો તેને તેના વીર્યને જ્યાં ત્યાં વાપરવાની છૂટ શી રીતે હોઈ શકે ? એ કાર્ય જેટલું મહત્વનું છે તેટલી જ સમષ્ટિના ઉપર એની વધારે અસર પડે છે. એક યુવક અને યુવતી ભલે ને એમ માને કે એક ઓરડામાં ભરાઈને તેઓ મોજમજા માટે જે કૃત્ય કરે તેની સાથે જગતનો કશો સંબંધ નથી; એમ માનવું એ નાદાની છે. દેશ-દેશ પ્રજા-પ્રજાને માનવતાનું અખંડ તત્વ એવી રીતે બાંધી લે છે કે ગમે તેટલું ગુપ્ત કાર્ય ગમે તેવી અભેદ્ય દીવાલોને ભેદીને અને ગમે તેવી વિશાળ સીમાઓને ઓળંગીને બહાર નીકળશે. ગર્ભાધાન અટકાવવાનો અને વિષયભોગને ખાતર જ પોતાના વીર્યનો ઉપયોગ કરવાનો હક પ્રતિપાદન કરનાર યુવાન ઈચ્છાએ કે અનિચ્છાએ સમાજમાં અવ્યવસ્થા અને કુસંપનાં બીજ વેરે છે. મનુષ્ય પોતાના કૃત્યની જવાબદારીમાંથી ખસી નહીં જાય એ વાત ઉપર જ આખું સમાજનું મંડાણ મંડાયેલું છે. તે માણસ પોતાની જવાબદારીમાંથી નીકળી જઈને સમાજની વ્યવસ્થાને છિન્નભિન્ન કરે છે, અને સમાજનો ચોર બને છે.’

[5] ઉપસંહાર

મિ.હેર નામના વ્યક્તિએ આ બાબતો વિશે ઘણી સુંદર વાતો લખી છે. તેઓ કહે છે કે : ‘નિરંકુશ વિષયાસક્તિથી કેટલું ભયંકર નુકશાન થાય છે એ આપણે વિચારવાનો વિષય છે. પ્રજોત્પતિનું વેર મરણમાં વળે છે. વિષયભોગના મૂળમાં જ મરણોન્મુખ ગતિ રહેલી છે – પુરુષની ભોગની ક્રિયામાં અને સ્ત્રીઓમાં સંતતિપ્રસુતિની ક્રિયામાં. સંયમિત જીવન જીવનાર માણસ વીર્યવાન, પ્રાણવાન અને નીરોગી હોય છે. આંતરિક શક્તિનો કેવળ ભોગમાં વ્યય થાય તો ધીમે ધીમે શરીરના અવયવોની શક્તિ ઘટશે અને ધીમે ધીમે શરીરનો નાશ જ થતો જશે.’ આ લેખક સંતતિનિયમનના સાધનોની પણ વિરુદ્ધ છે. તેઓ લખે છે કે : ‘એ સાધનોને પરિણામે પોતાનો સંયમ રાખવાની શક્તિ ઘટશે અને વિવાહિત જીવનમાં બુઢાપાની અશક્તિ આવે અને વિષયેચ્છા બંધ થાય ત્યાં સુધી ભોગોને તૃપ્ત કરવાનું ચાલુ રખાય છે. લગ્નની બહાર પણ એની દુષ્ટ અસરો તો પહોંચ્યા વિના રહેવાની નથી જ – એનાથી અનિયમિત અને નિરંકુશ વ્યભિચારોનું દ્વાર ઉઘડે છે અને આવા વ્યભિચાર તો આધુનિક ઉદ્યોગ, સમાજશાસ્ત્ર અને રાજકાજની દષ્ટિએ અતિશય ભયંકર છે. એટલું જ કહેવું બસ થશે કે ગર્ભનિરોધક ઉપાયો લગ્ન બાદ અતિશય સંભોગ અને અવિવાહિત દશામાં વ્યભિચાર સહેલો કરી મૂકે છે અને મારી શરીરશાસ્ત્રની ઉપરની દલીલો સાચી હોય તો તેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને પારાવાર હાનિ રહેલી છે.’

મૉ. બ્યૂરો પોતાના પુસ્તકને જે વાક્યથી ઉપસંહાર કરે છે તે દરેક યુવકે પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવું છે : ‘ભાવી સંયમી અને સતપ્રતિષ્ઠિત પ્રજાઓને જ હાથ છે.’

[કુલ પાન : 109. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-14 તેમજ અન્ય તમામ ગાંધીસાહિત્યના પુસ્તક વેચાણકેન્દ્રો પરથી પ્રાપ્ય.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્ત્રીનું ચોથું સ્વરૂપ : સાસુ – દિનકર જોષી
શક્તિ અને શાતાનો સ્ત્રોત – પુરુષોત્તમ ગણેશ માવળંકર Next »   

18 પ્રતિભાવો : નીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી

 1. ખુબ સુંદર લેખ

  અને એટલોજ ચર્ચાશપદ. જે વાચકોએ સ્વામી સચ્ચિદાનંદ ને વાંચયા હશે તેમને થોડો વિરોધાભાસ નો અનુભવ થયો હશે.

  જોકે હું પણ બ્રહ્મચર્ય ની શક્તિઓ ની તરફેણ કરુ છુ તેમ છતાં કેટલાક લોકો એવુ માને છે કે બ્રહ્મચર્ય થી ઉલટુ નુકશાન થાય છે. દા.ત.સ્વામી સચ્ચિદાનંદ

  આપ શુ માનો છો?

  • જગત દવે says:

   સ્વામી સચ્ચિદાનાં વિચારો પણ તેમની જગ્યાએ સન્માનનીય છે પણ મારા મતે આ વિષયે કેળવણીની વધારે આવશ્યકતા છે. આધેડ વયે પહોંચેલ વ્યક્તિઓ દ્રારા કરાતાં વર્તનનાં સમાચારો વાંચ્યા પછી સમાજનાં માનસિક સ્વાસ્થ્ય વિષે પણ વિચાર કરવો જોઈએ તેવું નથી લાગતું? (ખાસ કરીને ભારતની શિથીલ ન્યાય વ્યવસ્થા જોઈને)

   મુકત સમાજની સ્થાપના કરતાં પહેલા એ જરુર નિશ્ચિત કરવું જોઈએ કે તે મુકત-જંગલ તો નહી બની જાય ને.

   આડવાતઃ ભારતમાં આપણે લોકશાહીનાં જે હાલ કર્યા છે તે પણ સર્વને વિદ્યમાન છે. કેળવણી વગરનાં સમાજને આદર્શ વ્યવસ્થા અપાય તો પણ તે અવ્યવસ્થામાં (Chaos) કેવી રીતે પરિવર્તિત થઈ જાય તેનું સાક્ષાત ઉદાહરણ આપણી લોકશાહી વ્યવસ્થા છે.

 2. જગત દવે says:

  આજથી લગભગ ૧૬ વર્ષ પહેલાં આ પુસ્તક વાંચેલું. તેનાં ઘણાં વિચારો કદાચ આજનાં યુવાનોને જુનવાણી લાગે છતાં પણ વાંચ્યા પછી માનસીક સ્વાસ્થ્ય પર તેની સારી અસર નો અનુભવ તેઓ પોતે કરી શકે છે. તંત્રીશ્રીની પ્રસ્તાવના પણ અસ્થાને નથી. તંત્રીશ્રીની આ લેખની પસંદગીને પણ હું બિરદાવુ છું.

  આજનાં મુકત-મીડીયાનાં યુગમાં યુવાનીમાં પગ મુકતાં કિશોર-કિશોરીઓને ‘સેકસ’ નો પરિચય…બળાત્કાર, અમુક વિસ્તારો-સોસાયટીઓ માં પોલીસનાં દરોડાઓ, ડાન્સબાર અને ભગાડી જવાનાં સમાચારોથી થાય છે……..તેનાં કરતાં આવા પુસ્તકો વાંચીને થાય તો ભવિષ્યની પેઢીનાં માનસીક સ્વાસ્થ્ય પર જરુર સારી અસરો છોડી જાય. પાઠયક્રમમાં આવા પુસ્તકોનો સમાવેશ કરાય અને યોગ્ય વ્યક્તિઓ દ્રારા જો શિક્ષણ અપાય તો તે એક સારી પહેલ ગણાશે.

  સમગ્ર પ્રાણી-જગતમાં ફક્ત માનવી જ સંભોગ ક્રિયાનો ઉપયોગ ફક્ત આનંદ મેળવવા ખાતર કરે છે. અને તેનાં દૂરોગામી માઠાં પરિણામોથી પહેલાં પશ્ચિમનાં દેશો અને હવે ભારત પણ વાકેફ થઈ રહ્યું છે. અહીં સેક્સથી આભડછેટ રાખવો જરુરી નથી પણ તેની યોગ્ય સમજ યોગ્ય ઊંમરે મળે તે વધુ જરુરી છે. સેકસ બાબતે રુઢીચુસ્ત ગણાતાં સમયમાં (૧૯૫૦ -૧૯૬૦માં) ભારતની વસ્તી ફ્કત ૧૦ વર્ષનાં ગાળામાં બેવડાઈ ગઈ હતી. તે જે તે સમયની પેઢીનાં સેકસનાં બાબતનાં દંભને અને માનસિકતાને પણ પ્રતિબિંબિત કરે છે.

  • Veena Dave. USA says:

   જગતભાઈ,
   આ લેખ વાંચીને મને પણ પહેલો વિચાર એ જ આવ્યો કે આ પુસ્તક્નો પાઠ્યક્રમમા સમાવેશ કરી ‘યોગ્ય્’ વ્યક્તિ દ્વારા શિક્ષણ અપાય.
   સરસ કોમેન્ટ્ છે આપની.

 3. Chintan says:

  લેખની પસંદગી બદલ મૃગેશભાઈનો ખુબ આભાર.

  જગતભાઈએ કહ્યુ તે પ્રમાણે જો આજની શિક્ષણ પ્રણાલીમા ફેરફાર કરવામા આવે અને આ તેમજ આ રીતનાં બીજા પુસ્તક દ્વારા માધ્યમિક શિક્ષણ આપવામા આવે તો હજુ પણ મોડુ નથી થયું. જરુર છે આ રીતનાં દૂરંદેશી નિર્ણય લઈ ને અમલમાં મુકી શકે તેવા સક્ષમ રાજકારણની.
  સમાજહિત માટે સૌ પક્ષ એકત્રિત થઇ ને જો ભારતની આજની શિક્ષણ વ્યવસ્થા વિષે વિચારશે તો જ આવનાર ભવિષ્યમાં કંઇક નક્કર પરિણામ જોઇ શકાશે.

 4. nayan panchal says:

  જગતભાઈના વિચારો સાથે સહમત. આ વિષય જ એટલો વિવાદાસ્પદ છે કે ચર્ચાઓ થઈ જ જાય.

  ઓશોનુ ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તક વાંચીએ તો તે આ લેખથી તદ્દન વિરુધ્ધ લાગે પરંતુ તે પુસ્તકમાં લખેલી વાતો પણ એટલી જ મૌલિક અને બુદ્ધિગમ્ય છે.

  કામ એ તો એક કુદરતી લાગણી છે. એ વાત સાચી કે માત્ર માનવી જ આનંદ માટે સંભોગ માણે છે, પરંતુ તે વાત તો પ્રાચીનકાળથી સત્ય છે. જો એવુ ન હોત તો વાત્સયયાન ઋષિએ કામસૂત્ર શા માટે લખ્યુ હશે. મને જેટલો ખ્યાલ છે તે મુજબ પ્રાચીનકાળના ભારતમાં સેક્સ માટે આવો કોઈ છોછ ન હતો, પરંતુ પછી ભારતીય સંસ્કૃતિમાં સેક્સ વિશેના ખ્યાલો બદલાઈ ગયા, તેને લઈને ઘણી બધી સીમાઓ આંકવામાં આવી અને કાળક્રમે ‘સેક્સ’ વિષય એક પ્રતિબંધિત વિસ્તારમાં સમાઈ ગયો. આજે સેક્સને લઈને જે પણ અપરાધો થાય છે તેની પાછળ આડકતરી રીતે કદાચ આ બધુ પણ કારણભૂત હશે.

  માનવીને વૈરાગ્ય બે રીતે આવી શકે, સંપૂર્ણ ભોગ વડે અથવા સંપૂર્ણ દમન વડે. સંપૂર્ણ દમન વડે વૈરાગ્ય ગાંધીજી જેવા મહાપુરુષ લાવી શકે, સામાન્ય મનુષ્ય માટે તે થોડુંક મુશ્કેલ ખરું.

  પહેલા તો લગ્ન નાની ઉંમરે થઈ જતા હતા. જ્યારે મનમાં જાતીય આવેગો ઉઠતા હતા ત્યારે તેમની પાસે સાથીદાર રહેતો હતો. આજે લગ્ન મોડા થાય છે, લગ્ન પહેલાના સંબંધો ભારતીય સમાજમાં અસ્વીકાર્ય છે અને શરીર તેનુ કામ કરે છે. તેથી એક સ્વસ્થ સમાજ માટે લોકોની જાતીયતા પ્રત્યેની માનસિકતા યોગ્ય રીતે કેળવાય તે ખૂબ જરૂરી છે.

  આભાર,
  નયન

  • જગત દવે says:

   નયનભાઈઃ
   લગ્ન પહેલાનાં અને લગ્ન બહારનાં સબંધો ભારતીય સમાજમાં જ નહી પણ કોઈપણ સમાજમાં અસ્વીકાર્ય છે. સેકસની બાબત મુકત કહેવાતા સમાજમાં પણ બિલ ક્લીન્ટન અને ટાઈગર વુડ્ઝ નાં લગ્નજીવન અને જાહેર-જીવન ખતરામાં પડી જાય છે તે સૌ જાણે છે.

   નાની ઊમરે થતાં લગ્ન પણ માનસિક સ્વાસ્થયની ખાત્રી ન આપી શકે. અગાઊ મેં કહ્યુ તેમ ૧૯૫૦ -૧૯૬૦માં ભારતની વસ્તી ફ્કત ૧૦ વર્ષનાં ગાળામાં બેવડાઈ ગઈ હતી. ત્યારે લગ્નો નાની ઊમરમાં જ થતાં. એ સમયની માતાઓની મજબુરી અને જીવન સંઘર્ષથી આ બ્લોગ વાંચનારાઓ માંથી ઘણાં વાકેફ જ હશે જેમને ૮-૧૦-૧૨ ભાઈ ભાડુંઓ હશે. આ જ લેખમાં ગાંધીજીએ કહ્યું છે તેમ “એક યુવક અને યુવતી ભલે ને એમ માને કે એક ઓરડામાં ભરાઈને તેઓ મોજમજા માટે જે કૃત્ય કરે તેની સાથે જગતનો કશો સંબંધ નથી; એમ માનવું એ નાદાની છે”

   માનસિક સ્વાસ્થ્ય માટે કેળવણી ની આવશ્યકતા છે……. આજે પણ જે ઘરોમાં વાંચન-ચિંતન-મનન-સંવાદનો માહોલ છે તે કિશોર-કિશોરીઓ ની ભટકી જવાની શક્યતાઓ ઘટી જાય છે. અભ્યાસક્રમમાં જો આ બાબતને સમાવી લેવાય તો બાકીનાં ઘણાં કમનસીબ કિશોર-કિશોરીઓ નું ભવિષ્ય અને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય.

   આપણી બીજી બધીજ ઈન્દ્રીયો પર ઊપર કાબુ રાખવા માટે કેળવણી અપાય છે જેમ કે અપશબ્દો ન બોલાય, ઘોંઘાટ ન કરાય ન સંભળાય, ભુખ લાગી હોય તો પણ અંકરાતીયાની જેમ ન ખવાય, ખરાબ ગંધથી કે દ્રશ્યો થી દૂર રહેવાય, ગુસ્સો આવે તો પણ મારા-મારી ન કરાય વિગેરે…… અર્થાત બધાજ કુદરતી આવેગનો ઊપયોગ તેની મર્યાદામાં રહી ને જ કરાય જેથી તમારી આસપાસનાં લોકોનું અને તમારું અંગત જીવન સ્વસ્થ બને.

   ગાંધીજીનાં અમુક વિચારો સાથે હું પણ સંમત નથી જ જેમ કે તેમણે “કામરોગ” શબ્દનો ઊપયોગ કર્યો છે પણ અંગત રીતે કામ એ રોગ નથી તેવું હું અને મોટાભાગનો વાચકવર્ગ માનતો હશે. પણ અમુક બાબતો જરુર વિચારવા યોગ્ય છે.

   • nayan panchal says:

    જગતભાઈ,

    લગ્ન પહેલાના સંબંધો પશ્ચિમમાં સ્વીકાર્ય છે. તેને એક છોછ કે અપરાધ તરીકે જોવામાં નથી આવતુ. લગ્નેતર સંબંધો માટેની તમારી વાત સાથે સહમત છું. બિલ ક્લિન્ટન અને ટાઈગર વુડ્ઝ લગ્નેતર સંબંધોમાં સંડોવાયેલા હતા.

    મારી અંગત માન્યતા મુજબ સેક્સ જો પ્રેમ સાથે જોડાયેલો હોય તો તે સ્વીકાર્ય છે, પછી તે લગ્ન પહેલાનો હોય કે પછીનો. ઘણા લોકો વાસનાને પ્રેમનુ નામ આપે છે અને પછી સેક્સ માણે છે તે અયોગ્ય જ છે. ઘણા પતિપત્ની વચ્ચે મનમેળ કે આદર નથી હોતો છતા તેઓ સેક્સ માણે છે, તેના વિશે શું કહીશું ? ભગવાનનુ બનાવેલુ કશુ જ અપવિત્ર નથી. સેક્સ પણ એક દૈવી અનુભવ છે પરંતુ તેના પાયામાં વાસનાને બદલે શુધ્ધ પ્રેમ હોવો જોઇએ. ગાંધીજીએ પોતે હરિલાલ માટે એવુ કહેલુ કે તે મારા વિકારોનુ પરિણામ છે.

    જો સેક્સમાં Lust ને બદલે Love હશે તો પછી તેની યોગ્યતા કે પવિત્રતા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સમાજની સ્વીકૃતિ અમુક ધારાધોરણોને ધ્યાનમાં રાખીને હોય છે. જરૂરી નથી કે સમાજના આ ધારાધોરણો હંમેશા સાચા જ હોય.
    નયન

    • બાપુએ પ્રેમની અને વાસનાની ભેળસેળ કરી નાંખેલ. તો જ એઓ કહેઃ હરિલાલ મારા વિકારોનુ પરિણામ છે.

     આપની વાત સાથે સો ટકા સહમત છું કે જો સેક્સમાં Lust ને બદલે Love હશે તો પછી તેની યોગ્યતા કે પવિત્રતા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સમાજની સ્વીકૃતિ અમુક ધારાધોરણોને ધ્યાનમાં રાખીને હોય છે. જરૂરી નથી કે સમાજના આ ધારાધોરણો હંમેશા સાચા જ હોય.

     નયનભાઈ, તમે એક સારા સાહિત્ય રસિક જ નથી. એક વિચારક પણ છો.

 5. કલ્પેશ says:

  દરેક વાતનુ અતિ ખરાબ પરિણામ લાવે છે.
  સેક્સની જ્ગ્યાએ ભૂખને (ભોજન) મૂકશુ તો પણ મુદ્દાઓ સમજાશે.

  જેમતેમ ઝાપટશુ/જંકફુડ/કસમયે ખાવુ
  સ્વાદ માટે ખાવુ અને સત્વ માટે નહી
  વધુ પડતી ભૂખ
  ભૂખને રોકવા હદ બહાર ઉપવાસ કરવા

  ઉપરના વાક્યોમા ભૂખની જ્ગ્યાએ સેક્સને જોઇશુ તો પણ અર્થ લગભગ સરખો આવશે.
  ભૂખ અને સેક્સમા એક ફરક એ છે કે માણસ સેક્સ વગર જીવી શકતો હોય પણ ભૂખ વગર જીવી ન શકે.

  એટલે સંયમની જરુરત છે. ત્રાજવાની કોઇ પણ બાજુએ ઝુકી જવુ યોગ્ય નથી.

  આધ્યાત્મિક દ્રષ્ટિએઃ જેમ જીવન ક્ષણભંગુર છે તેમ જીવનના ભોગો પણ.
  જે લોકો આદ્યાત્મિક પ્રગતિ કરવા ઇચ્છતા હોય એ બ્રહ્નચર્યને અનુસરે.

  બ્રહ્મચર્ય એટલે સેક્સ નહી, એવુ તો નથી જ (મારા પ્રમાણે)

  કદાચ સરળ શબ્દોમાઃ સારા ભોજન આરોગવા તો પણ શરીર માટે, જીભ માટે નહી.
  અને સ્વાદના બંધાણી ન થવુ

  ગાંધીજીએ કહ્યુ એની પાછળ એક કારણ એમ પણ હોય કે આપણે મોટેભાગે પશ્ચિમને અનુસરીને આપણી રહેણીકરણી ગોઠવીએ છીએ (જેમ જ્યા ત્યા થૂંકવાની પરવાનગી ન હોય તેમ….) અને તેથી જ સંયમનો વિચાર અને બ્રહ્મચર્યનો આગ્રહ થયો છે.
  બધા એમ ન કરી શકે પણ પ્રયત્ન તો થઇ જ શકે છે.

  ફરીથીઃ બ્રહ્મચર્ય એટલે સેક્સ નહી, એવુ તો નથી જ
  સારા ભોજન આરોગવા તો પણ શરીર માટે, જીભ માટે નહી.
  અને સ્વાદના બંધાણી ન થવુ

  આ મારુ વિચારવુ છેઃ ગાંધીજીને વાંચ્યા પછી, કામસુત્ર આ દેશમા લખાયુ એ જાણી અને અનેક વાદ/પ્રતિવાદ વિચારો સાંભળી.
  કદાચ આ દેશની એ જ મહાનતા છે કે કામસુત્ર લખવા વાળો “કામ”નો પ્રચાર ન કરતો હોય અને બ્રહ્મચર્યનો માર્ગ બતાવનાર સંપુર્ણ પણે સેક્સની બાદબાકી ન કરતો હોય?

  બુદ્ધનો વચલો માર્ગ?

 6. કલ્પેશ says:

  એક બીજી વાતઃ જેમ ભોજન પછી પાચન જરુરી છે તેમ આ વિચારો માટે ચિંતન જરુરી છે.
  બાળકો/યુવક-યુવતીઓ ને બ્ન્ને બાજુઓ સમજાવામા આવે (અને કોઇ એક જ બાજુનુ આંધળુ અનુકરણ ન થાય) તો સારુ રહેશે.

  બન્ને બાજુના વિચારો સમજીએ અને એના પર ચિંતન થાય તો દરેક જવાબદાર યુવક-યુવતી યોગ્ય પગલા લેશે.
  અને પછી કોન્ટ્રાસેપ્ટિવ્સ સમજણથી વપરાશે.

  ૧૦૦% લોકો એક સરખુ વિચારે એ કદાચ શક્ય નથી. તેથી કૃત્રિમ સાધનોનો પ્રચાર અને ઉપયોગ થશે.
  જરુર છે સમજણની, લોકોને બધી બાજુઓ સમજાવવાની, તેના પરિણામો – વગેરે

  કોઇપણ એક જ પાંસાને મોટો દેખાડવો એ fundamentalism જેવુ કહેવાશે.

 7. Veena Dave. USA says:

  આભાર શ્રી મૃગેશભાઈ.
  લેખના વખાણ માટે શબ્દો ઓછા પડે અને હુ નાની લાગુ એવો લેખ છે.
  પોતાની જાત પર સંયમ એ મુખ્ય બાબત છે.
  ૧૯૨૧ મા આ પુસ્તક લખાયેલુ તો હવે અત્યારની પરિસ્થિતિ તો………..

 8. hiral says:

  agree with Jagatbhai.

  આજનાં મુકત-મીડીયાનાં યુગમાં યુવાનીમાં પગ મુકતાં કિશોર-કિશોરીઓને ‘સેકસ’ નો પરિચય…બળાત્કાર, અમુક વિસ્તારો-સોસાયટીઓ માં પોલીસનાં દરોડાઓ, ડાન્સબાર અને ભગાડી જવાનાં સમાચારોથી થાય છે……..તેનાં કરતાં આવા પુસ્તકો વાંચીને થાય તો ભવિષ્યની પેઢીનાં માનસીક સ્વાસ્થ્ય પર જરુર સારી અસરો છોડી જાય. પાઠયક્રમમાં આવા પુસ્તકોનો સમાવેશ કરાય અને યોગ્ય વ્યક્તિઓ દ્રારા જો શિક્ષણ અપાય તો તે એક સારી પહેલ ગણાશે.

 9. જય પટેલ says:

  કામ અને બ્રહ્મચર્ય વિષેના ગાંધીજીના વિચારો ભારતીય સભ્યતાએ કદી સ્વીકાર્યા નથી.

  ગાંધી વિચારની અસરમાં આવી જઈને ઘણા અનુયાયીઓ સમજ્યા વગર તેનું અનુકરણ
  કરતા હતા. આચાર્ય રજનીશની ૫ કેસેટ…સંભોગ સે સમાધિ તક…ઉપલબ્ધ છે.
  વાચક મિત્રોને આ ઉપરાંત કામ ઑર ઉર્જા પણ સાંભળવા ભલામણ છે. રજનીશની કામ
  વિષય પરની ચર્ચા વગર કારણે ચર્ચાસ્પદ બનેલી..!!

  સંભોગ સે સમાધિ તક પ્રવચન સાંભળતા તેમાં કશું અજુગતુ લાગેલું નહિ.
  પિતા પોતાની યુવાન દિકરી સાથે આ પ્રવચનો સાંભળી શકે તેટલી વૈજ્ઞાનિક હદે આ ગહન વિષયનું
  પૃથક્કરણ કર્યું છે.

  નૈસર્ગિક પ્રકૃતિને અપ્રાકૃતિક રીતે દબાવવામાં આવે તો તે વિકૃત સ્વરૂપે પ્રગટ થાય.
  સમાજમાં વારંવાર પ્રગટ થતી વિકૃતિઓનું નિરાકરણ ૨૦-૨૩ વર્ષે લગ્ન હોઈ શકે પણ
  આજની સામાજિક પરિસ્થિતી અને રોજગારની દ્રષ્ટિએ જોતાં કદાચ શક્ય નથી.

  આજની વાસ્તવિકતા…નવરાત્રીના બે મહિના બાદ એબોર્શન ક્લિનીકની મોસમ ખીલી ઉઠે છે.
  સૌથી વધારે શિક્ષીત શહેરી વર્ગની આ વિકરાળ સમસ્યા મા-બાપની શાંતિનું હરણ કરે છે.

 10. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મના સાક્ષાત્કારની સાધના (૨) ઇંદ્રિયનો નિગ્રહ (૩) પાંચ યમ કે મહાવ્રતમાંનું એક (૪) બ્રહ્મચારીપણું(ગુજરાતી લેક્સિકોન) બી જો એક અર્થ છેઃ ઇંદ્રિયદમન.

  આમ જોવા જઈ તો બ્રહ્મચર્ય અવૈજ્ઞાનિક છે. અશક્ય છે.
  મહાત્માજીના બ્રહ્મચર્યના અખતરા પણ ચર્ચાસ્પદ હતા. પોતાના અખતરા માટે એમણે જે કસોટીઓના પગલા લીધા હતા એ પણ વિવાદાસ્પદ હતા.

  જયભાઈ સાથે હું સહમત છું. નૈસર્ગિક પ્રકૃતિને અપ્રાકૃતિક રીતે દબાવવામાં આવે તો તે વિકૃત સ્વરૂપે પ્રગટ થાય.. અને ત્યારે નીતિનાશને માર્ગે પહોંચી જવાય. એ નરી વાસ્તવિકતા છે. મહાત્મા ગાંધીજીએ પાણીના પ્રયોગો, માટીના પ્રયોગો અને સત્યના પ્રયોગો કર્યા હતા. એમ એમણે બ્રહ્મચર્યના અખતરા પણ કરેલ.

  તંદુરસ્ત ‘સેક્સ’ નો કોઈ પર્યાય નથી. એ એક કુદરતી આનંદ છે. માણવાની પ્રક્રિયા છે.

 11. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Very difficult to agree with the article.

  હમેશા મધ્ય માર્ગે ચાલવું… માનસિક સ્વાસ્થ્ય સાથે તેને કોઈ લેવા દેવા છે નહિ. પરંતુ યુવાનોને કેળવણીની ખેરખર જરૂર છે.

  Ashish Dave

 12. JIGAR SHUKLA says:

  GANDHI WAS DAME SURE AT THAT TIME, BHRAMCHARYA WILL MAKE MAN NOT ONLY POWERFULL BUT GREAT .EVERYBODY WHO WANTS BE SOMETHING MUST TAKE ADVICE FROM GANDHI’S BHRAMCHARYA.THIS IS NOT FOR COMMON MAN BUT FOR WHOM WHO WANTS DO SOME THING SPECIAL FOR SOCIETY. THIS IS DIVINE THING AND WHO IS OPPOSE THIS RULE ARE WEAK MIND MAN BECAUSE THEY CAN’T CONTROL THEM SELF AND BLAMING THE THOUGHT OF HON.GANDHI.

  I APPRECIATE THE GANDHI’S THINKING AND HIS WRITING AND HIS ALL ACTIVITY.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.