શક્તિ અને શાતાનો સ્ત્રોત – પુરુષોત્તમ ગણેશ માવળંકર

[‘પ્રાર્થના’ વિષય પર વિવિધ સાહિત્યકારોની કલમે લખાયેલા લેખોના સંપાદિત પુસ્તક ‘પ્રાર્થનાની પળોમાં’થી સાભાર. આ પુસ્તકનું સંપાદન ડૉ. કાન્તિ રામીએ કર્યું છે. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 084પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના ! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહીં ! પ્રાર્થનામાં અંતરની અભિવ્યક્તિ હોય છે. પ્રભુમાં ન માનનાર વ્યક્તિ પણ પ્રાર્થના કરવાને અધિકારી છે.

જન્મથી નહીં, જન્મ પહેલાંથી, પ્રભુ-પરાયણતામાં ઊછરવાના સંસ્કાર સદભાગ્યે સાંપડ્યા છે, અને એ લહાવો આજીવન માણતો રહ્યો છું. ઘરમાં અને કુટુંબમાં ધર્મમય વાતાવરણ હંમેશ એવું રહ્યું છે કે પ્રભુની સન્નિધિ સતત છે એવો આછોપાતળો અનુભવ થતો રહ્યો છે. પરમાત્માને મેં જોયા કે જાણ્યા કેવી રીતે હોય ? પરમ દિવ્યના સ્પર્શની આંશિક અનુભૂતિ સુદ્ધાં ક્યાંથી સંભવે ? પણ ઈશ્વરમાં માનવા માટે ઈશ્વરને જોવોજાણવો જ જોઈએ એવી પૂર્વશરતની શી જરૂર ? આખી સૃષ્ટિ અને સમગ્ર જગત પ્રભુની ઈચ્છા અને મરજીથી ચાલે છે; એ વિના પાંદડું પણ હાલી શકતું નથી. માન્યતા, વિચાર, ભાવના, શ્રદ્ધા – એ બધી રીતે હું પ્રભુમાં માનું છું, અને સર્વત્ર પ્રભુનું સામ્રાજ્ય પ્રવર્તે છે તે સ્વીકારવા સાથે એને સમજવાની સદા કોશિશ કરું છું.

છેક નાનપણથી, થોડું થોડું સમજતો થયો ત્યારથી, કાલીઘેલી પ્રાર્થના કરતો રહ્યો છું અને સારી એવી સાંભળતો આવ્યો છું. મારાં પૂજ્ય દાદીમા ગોપિકાબાઈ પરોઢિયે ભગવાનને ભક્તિપૂર્વક ચા પીવડાવે અને હળવા સૂરે ને આરતભાવે એને વીનવે કે ‘ઉન ઉન ચહા, ધ્યા ગોવિંદા, ધ્યા ગોપાળા’ (ગરમ ગરમ ચા લો મારા ગોવિંદ, લો મારા ગોપાળ) અને પછી પોતે ભગવાનની એ ચા પીતાં પહેલાં એક રકાબી મને આપે ! સરસ મજાની મસાલાની ચા, અને તે પણ તાજી અને ગરમ, વધારામાં ખાસ પાછી પ્રભુની પ્રસાદીરૂપે ! ત્યારથી હું ચાનોય ભક્ત બન્યો, અને પ્રભુ-પ્રાર્થનાનું મીઠું ફળ રોજ ચાખતો થયો ! ઘરમાં સવાર-સાંજ ભોજન પહેલાં પ્રાર્થના કરવાનો રિવાજ અમારે ત્યાં પહેલેથી જ રહ્યો છે. પરંપરાગત ચાલી આવતી આ મરાઠી પ્રાર્થનાના બે શ્લોકો શ્રી સમર્થ રામદાસ સ્વામી લિખિત, ખૂબ અર્થસભર છે : ‘(1) ઉપાસના દઢપણે કરતા રહો, બ્રાહ્મણોને અને સંતોને હંમેશ વંદન કરતા રહો; સત્કાર્યો દ્વારા આયુષ્ય વિતાવો, સહુના મુખે મંગલ બોલાવો. (2) જય જય રઘુવીર સમર્થ ! મોંમાં કોળિયો લેતાં શ્રીહરિનું નામ લો, અનાયાસે નામ લેવાથી (અન્નનું) સહેજે હવન થાય છે; જીવન જીવવા માટે અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે, એ કોઈ પેટ ભરવાનું કામ નથી પણ યજ્ઞકર્મ છે એમ જાણજો.’

જમવાનું શરૂ કરતાં પહેલાં, નાનાંમોટાં સહુ એકસાથે મોટા અવાજે આ પ્રાર્થના ગાય, અને નાનપણથી જ એ રોજ બે વાર કરવાની અને સાંભળવાની અમને સહુને ટેવ. વર્ષો જતાં, પાછળથી, ‘ઑમ સહનાવવતુ’વાળી જાણીતી પ્રાર્થના પણ અમે ભોજન સમયે ઘણીવાર કરતાં. બે શ્લોકવાળી મરાઠી પ્રાર્થનાને બદલે આ નાનકડો સંસ્કૃત શ્લોક જલદી પૂરો થતો એટલે અમે ચાહીને સંસ્કૃત પ્રાર્થના કરતાં, જેથી જલદી જલદી જમવા મળે ! પૂજ્ય દાદાસાહેબ હોય ત્યારે તો અચૂક રામદાસ સ્વામીની જ પ્રાર્થના થતી; પિતાજીની ગેરહાજરીનો લાભ લઈ અમે બાળકો સંસ્કૃતમાં ટૂંકમાં પતાવતાં ! દાદાસાહેબને એની ખબર તો પડી જ ગઈ, અને એમણે જ પછી સંસ્કૃત પ્રાર્થના ચાલુ રાખીને અમારો ભાર હળવો કર્યો ! આજે પણ ઘરનાં અમે સહુ આ રીતે મરાઠી કે સંસ્કૃત પ્રાર્થના પછી જ જમીએ છીએ. થોડાં વર્ષ પહેલાં રાજકોટમાં શ્રી રામકૃષ્ણ આશ્રમમાંના એક જાહેર સમારંભ માટે હું અતિથિ-વક્તા તરીકે ગયેલો ત્યારે ત્યાંના પ્રાસાદિક ભોજન પહેલાં ‘બ્રહ્માર્પણં બ્રહ્મહર્વિર’નો ગીતાના ચોથા અધ્યાયમાંનો 24મો શ્લોક મેં સાંભળ્યો અને મને એ ગમ્યો એટલે ઘેર પાછા આવીને થોડો સમય આ પ્રાર્થના પણ ચાલી ! જોકે મારે ઉમેરવું જોઈએ કે રામદાસ સ્વામીના બે શ્લોકો ભોજનારંભે ગાવાનું વધારે ગમે છે અને પ્રસ્તુત પણ વધુ લાગે છે.

અમદાવાદમાં મારો જન્મ, અને બાળપણ તથા શિક્ષણ પણ અમદાવાદમાં જ; ગવર્નમેન્ટ મિડલ સ્કૂલમાં ત્રણ વર્ષ (1938-41) ભણ્યો ત્યારે પ્રાર્થના દર અઠવાડિયે શાળામાં ખાસ પ્રસંગે થતી ખરી પણ એ રોજ નહીં અને ખાસ લાંબી પણ નહીં. ક્યારેક સંગીતમય પદ્ય અગર ભજન હોય ખરું. પણ શેઠ ચી.ન. વિદ્યાવિહારમાં ચોથા ધોરણથી મૅટ્રિક સુધી (1941-45) રહ્યો ત્યારે દૈનિક પ્રાર્થનાની ખરી મજા અને મહત્તા જાણવા મળી. સુરીલા સ્વરો અને આસ્વાદ્ય ભજનો સાથેના સંગીતની રસલહાણ તો હોય જ, પણ વધારામાં મુરબ્બી આચાર્યશ્રી ઝીણાભાઈ દેસાઈનાં નિત્ય મધુર સવિસ્તર સંબોધનો સાથે સાથે અઠવાડિયે અનેક વાર વિશિષ્ટ વ્યક્તિઓ અને મહેમાનોના સુંદર વાર્તાલાપો વગેરે સાંભળવાની અમને વિદ્યાર્થી ભાઈબહેનોને અનેરી તક મળતી હતી. વિદ્યાવિહારના રમ્ય પ્રાંગણમાં આવેલ ખાસ વિશાળ ખુલ્લા પ્રાર્થનામંદિર (જે હવે ‘સ્નેહરશ્મિ પ્રાર્થનામંદિર’ તરીકે ગુરુવર્ય ઝીણાભાઈની સ્મૃતિને કાયમની અંકિત કરે છે.)માં રોજ અમારી પ્રાર્થનાસભા મળતી અને ત્યાર પછી જ શિક્ષણના વર્ગો શરૂ થતા. શાળાજીવનમાં પડેલા આ સુરેખ સંસ્કારની મૂડી આજીવન વપરાતી, બલકે વધતી રહી છે.

આમ, ઘરમાં અને શાળામાં, પ્રાર્થનાનું મહત્વ અને માહાત્મ્ય મને બાળપણથી જ બરાબર જાણવાસમજવા મળ્યું. પ્રાર્થના વ્યક્તિગત તેમ સમૂહમાં બંને રીતે થઈ શકે છે, અને દેશવિદેશમાં અનેક પ્રસંગોએ મેં આવી પ્રાર્થનાઓની પ્રસન્નતા તથા અર્થસૂચકતા અચૂક અનુભવી છે. એનાથી જીવનને ઘાટ અને ધાર બંને મળતાં રહ્યાનો અનુભવ પણ કરતો આવ્યો છું. દૈનિક પૂજા-પાઠ-વિધિની વાત હું કરતો નથી; એ તો ઘણાંના જીવનમાં નિત્ય હોય જ. સવારે ઊઠતાં અને રાત્રે સૂતાં પણ ઘણાં ભાઈબહેનો પ્રભુસ્મરણ અને ઈશસ્તવન કરતાં હોય છે. હું પોતે એ રીતે રોજ લાંબીટૂંકી પ્રાર્થના કરતો નથી, પણ બન્ને વાર (પરોઢિયે અને રાત્રે) પ્રભુદર્શન અને નામસ્મરણ અવશ્ય રોજ કરું છું. આવી પ્રાર્થનાથી શાતા અને શક્તિ બંને મળે છે. પૂજ્ય દાદાસાહેબે અમને સંતાનોને નાનપણથી ભગવદગીતાના, ખાસ કરીને 12મા અને 15મા અધ્યાયો કંઠસ્થ કરાવેલા તે આજે પણ પ્રાત:સ્નાન પછી રોજ પ્રાર્થનાપૂર્વક ધીમા અવાજે ગાઉં છું. એનાથી શ્રદ્ધાબળ ટકે છે અને વધે છે.

પ્રારંભમાં જ મેં જણાવ્યું તેમ, પ્રભુ પાસે કશું માગવા માટે પ્રાર્થના કરવાનું વલણ રહ્યું નથી. પ્રભુની કૃપા તો અપાર અને અસીમ છે; એ આપણા પર વરસતી જ રહે છે, પણ એ તરફ મીટ માંડવા જતાં એ સરકી જાય છે. આપણે આપણું નિયત કાર્ય પ્રામાણિકપણે અને કર્તવ્યબુદ્ધિથી કર્યે જવું; ફળ જ્યારે આવવાનું હોય ત્યારે એની મેળે આવશે જ. પણ એ ન આવે તોયે પુરુષાર્થ કર્યાનો સંતોષ અને આનંદ સ્વયમ એક ફળ નથી શું ? વળી, ઈશ્વરપ્રાર્થના અને પ્રભુકૃપાનો અર્થ એ છે કે આપણા દરેકના જીવનમાં જે કાંઈ સારું-નરસું, સુખ-દુ:ખ, તડકી-છાંયડી આવે એ બધી જ ઈશ્વરી કૃપા અને દેણ છે એમ સ્વીકારીને સમતોલપણે ને સ્વસ્થભાવે જીવનયાત્રા ચાલુ રાખવી અને આગળ વધારવી !

એટલે, પ્રભુ પાસે કશું માગવા હું પ્રાર્થના કરતો નથી. ભણતો હતો ત્યારે પરીક્ષા આપવા જતાં, કે ચૂંટણીમાં ઊભો હોઉં ત્યારે મતદાનના દિવસે, કે એવી અન્ય અગત્યની કસોટીની ક્ષણોએ, ઈશ્વરસ્મરણ કરવાનું હું કદાપિ ભૂલ્યો નથી. પણ એવે વખતે મેં ક્યારેય એવી પ્રાર્થના કરી નથી કે, ‘હે ઈશ્વર, તું મને પરીક્ષામાં ઉત્તમ રીતે પાસ કરાવજે, કે ચૂંટણીમાં મને જિતાડજે !’ બહારગામ જતી વખતે, ઘેરથી નીકળતાં અને ઘેર સુખરૂપ પાછા ફરતાં, વિધિવત પ્રાર્થના થોડી ક્ષણો કરતો રહ્યો છું, પણ એમાંયે કશું મેળવવાના ખ્યાલ કરતાં પ્રવાસની નિર્વિઘ્નતા અને સાર્થકતા બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. વિમાનની મુસાફરી અવારનવાર કરું ત્યારે જોકે વિમાન ઊડતાં અને ઊતરતાં મનોમન પ્રાર્થના થઈ જાય છે. સહીસલામત રહેવાને અને પ્રભુ કરે ને આખરી ક્ષણો આવી ઊભી હોય તો હૃદયમાં અને મુખે પ્રભુનું ધ્યાન અને નામ હોય તો ઉત્તમ એવા સ્વાર્થી ભાવે !

પણ, પ્રભુ પાસે કશુંક ખાસ માગવાની સભાન ઈચ્છા સાથે પ્રાર્થના કરી હોય એવો અવસર આવ્યો છે ખરો. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આપણા દેશમાં ‘આંતરિક કટોકટી’ લાદી અને આશરે 19 મહિના મનસ્વી રીતે એ ચાલુ રાખી તે સમય દરમિયાન પાંચમી લોકસભામાં ઘણીવાર તો લગભગ એકલા અવાજે અડગ વિરોધ કરવાની અફર ભૂમિકા મારે ભાગે આવી ત્યારે સભાગૃહની અંદર હું બોલવા ઊભો થાઉં તે પહેલાં ભગવાનને અચૂક પ્રાર્થના કરતો કે, ‘ટટાર ઊભા રહેવાની શક્તિ અને સત્યની ટેક સાથે નિર્ભયતાથી બોલવાની બુદ્ધિ, પ્રભુ, મને તું પૂરેપૂરી આપજે !’ સમગ્ર સંતત્પ રાષ્ટ્રની ભાવનાનો પડઘો પાડવાની જવાબદારી એક લોકપ્રતિનિધિ તરીકે નિભાવવાની આવી ત્યારે અંતરમાં એવો ભાવ થયેલો કે પ્રભુનો જ અવાજ પ્રજાકીય ગૃહમાં રજૂ કરવાની કામગીરી પ્રભુએ મને સોંપી છે ! સંસદીય જીવનનો એ અઘરો અને અનેરો અનુભવ આજે જ્યારે પૂરો પ્રગટ કરું છું ત્યારે એ પણ ઉમેરું કે લોકસભામાંનાં મારાં એ વખતનાં લગભગ બે ડઝન પ્રવચનો વખતે ‘શ્રીગણેશ’ની રોજની પૂજામાંની નાનીશી મૂર્તિ મારી સાથે હોય જ – ખરેખર તો, ‘શ્રીગણેશ’ની સાથે હું ગૃહમાં હાજર હતો, અને એની સાક્ષીએ બોલતો હતો ! પ્રાર્થનાની શક્તિ કેટલી અખૂટ અને અદ્દભુત છે એની જ્વલંત પ્રતીતિ મને આ પ્રવચનો વખતે વિશિષ્ટ માત્રામાં થઈ.

જીવનમાં વિવિધ ક્ષેત્રે જેમણે કશુંયે વિરલ સિદ્ધ કર્યું છે એવા ધૈર્યશીલ આત્માઓએ પ્રભુસ્મરણ અને પ્રાર્થના કરીને જ કાર્યારંભ કર્યો છે એવું કેટકેટલાં જીવનચરિત્રોમાં વાંચેલું ! આપણા પોતાના સમયમાં મહાત્મા ગાંધીનો દાખલો જીવંત અને સદાને માટે પ્રેરક છે જ. દિલ્હીમાં, ‘હરિજન કૉલોની’માં, મહારાષ્ટ્રમાં પુણે પાસે મહાબળેશ્વરમાં, મુંબઈમાં જૂહુમાં, ગાંધીજીની સાયંપ્રાર્થનામાં પિતાની સાથે જવાનું અનેક વાર થયેલું. મહાત્માજીની એ વખતની મૌન મુખમુદ્રા એવી તો અર્થપૂર્ણ અને ગૌરવભરી લાગતી ! ભલભલા અનીશ્વરવાદીઓ પણ તલ્લીન થઈ જાય એવું ભાવપૂર્ણ વાતાવરણ ! આ સામૂહિક સાયંપ્રાર્થના ગાંધીજીના જ નહીં પણ રાષ્ટ્રના જીવનમાં એક અનન્ય સંસ્થા બની ગઈ હતી. ભારત જેવા વિવિધ ધર્મી ઉપખંડમાં કોમી સુલેહ અને પ્રજાકીય સુમેળ હોય એ અનિવાર્ય છે, અને તેથી જ મહાત્મા ગાંધીએ એમની આ સાયંપ્રાર્થનામાં સર્વધર્મપ્રાર્થનાનો સમાવેશ પહેલેથી ખાસ કર્યો હતો.

પ્રાર્થનામાં શબ્દો કરતાંયે ભાવનું મહત્વ વિશેષ છે. હૃદયમાં પ્રભુ વસેલા હોય તો મુખે એક પણ શબ્દ ન આવે તોયે પ્રાર્થના સરસ થાય; નર્યા શબ્દો હોય અને હૃદયભાવ ન હોય તો પ્રાર્થના અશક્ય જ ! ઘણીવાર આપણને સાવ અણધારી રીતે પ્રભુ ઉગારી લે છે કે રસ્તો સુઝાડે છે તે હૃદયમાંની સાચી પ્રાર્થનાના બળે જ ! ગાંધીજી તો કહેતા કે પ્રત્યેક અગ્નિપરીક્ષા વખતે એમને પ્રાર્થનામાંથી જ જરૂરી પ્રેરણા અને સામર્થ્ય મળી રહેતાં ! ‘પ્રાર્થના કર્યા વિના હું એક પણ પગલું ભરતો નથી’ એવું એમણે નોંધ્યું છે. વળી, એમણે લખ્યું છે કે, ‘જિંદગીમાં પ્રાર્થનાએ મને બચાવ્યો છે. પ્રાર્થના વગર હું ક્યારનો પાગલ થઈ ગયો હોત !’

પ્રભુમાં માનનાર અને ન માનનાર હરકોઈ વ્યક્તિ પ્રાર્થના કરી શકે છે. અને એવી પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે; આખરે, મનુષ્ય પ્રભુમાં જ ન માને તોયે પ્રભુ તો મનુષ્યમાં માને જ છે ! માનવ પોતે જ પ્રભુની અનુપમ કૃતિ છે. માનવસમાજમાં પ્રભુ સત્ય અને પ્રેમ દ્વારા, નીતિ અને નિર્ભયતા દ્વારા, પ્રગટ થાય છે; પ્રભુ એટલે જ જીવન અને પ્રકાશ – સહૃદય પ્રાર્થનાથી એ સદા પામી શકાય છે.

[કુલ પાન : 64. કિંમત રૂ. 35. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી
બે લઘુકથાઓ – ધૂમકેતુ Next »   

16 પ્રતિભાવો : શક્તિ અને શાતાનો સ્ત્રોત – પુરુષોત્તમ ગણેશ માવળંકર

 1. Dr.Ekta.U.S.A. says:

  પ્રાથના એ પ્રભુ નો ખોરાક છે. એવુ ગાંધિજિ કેતા હતા એ વાત સાચિ લાગે છે.

  • એક્તા બેન
   પ્રાર્થના “પ્રભુ” નો ખોરાક નહી પણ પ્રાર્થના “આત્મા” નો ખોરાક છે એવુ ગાંધીજી કહેતા.

 2. સુંદર લેખ.

  ભગવાનમાં અતૂટ શ્રધ્ધા અને પ્રાર્થના જીવન જીવવાનું બળ પુરુ પાડે છે.

 3. Pravin V. Patel USA says:

  સાચેજ પ્રાર્થના અમોઘ શસ્ત્ર છે.
  પ્રભુ પ્રત્યેની આપણી શ્રધ્ધાનું પ્રતિક છે.
  આપણું જીવન છે.
  અતિસુંદર પ્રસ્તુતિ.
  આભાર.

 4. sunil shah says:

  prapachik sankato no samno karvanu bal prathna thi prapat thai chhe.ekalta ni bhavna dur thai chhe.

 5. Chintan says:

  સરસ લેખ છે.
  પ્રાર્થના વિષે એકદમ સરળ શબ્દોમાં લખાયેલ લેખ ગમી ગયો.

 6. nayan panchal says:

  પ્રાર્થના ઉપરનો ખૂબ જ સરસ લેખ.

  પ્રાર્થના એ તો પ્રભુ સાથેનો સંવાદ છે, તેને શબ્દો કે ભાષાની જરૂર નથી પડતી. પ્રભુને સ્મરણ કરી લઈએ એટલે તેની સાથેનો સંવાદ આપમેળે સધાવા જ માંડે. જગ્યા, શબ્દો, ભાષા બધુ જ બિનમહત્વનુ બની જાય.

  વીજળીવાળા સાહેબના પુસ્તકમાં એક સુંદર વાત વાંચી હતીઃ
  એક ચર્ચમાં બધા પ્રાર્થના માટે ભેગા થયેલા હોય છે. બધા પ્રાર્થના ગાવામાં મગ્ન હોય ત્યારે એક નાનુ બાળક મોટેમોટેથી ABCD બોલવા માંડે છે. તેને પૂછવામાં આવે છે કે તે બીજા બધાની જેમ પ્રાર્થના કેમ નથી ગાતો. બાળકે જવાબ આપ્યો કે પ્રભુ તો અંતર્યામી છે. તેઓ જાતે જ મારી ABCD માંથી પ્રાર્થના ગોઠવી દેશે.

  સુંદર લેખ બદલ આભાર,
  નયન

 7. Jagruti Vaghela says:

  ખૂબજ સુંદર લેખ

 8. Veena Dave. USA says:

  વાહ, ખુબ સરસ લેખ.
  પરિવાર અને શાળા એ પ્રાથૅનાના મૂળ સ્તોત્ર છે.
  મહાત્મા ગાંધી વિનય મંદિર, પીજ અને જ્યુબિલિ ગલ્સૅ સ્કૂલ, ઉમરેઠ મા ભણતા ત્યારે પ્રાથૅના અને ગીતાનો ૧૨મો અધ્યાય ગાતા એ યાદ આવિ ગયુ.
  જટા, દાઢી, ભગવા, ક્ન્ઠી કે તિલક કશાની જરુર નથી ( એટલે તો ગીતામા આનો ઉલ્લખ જ નથી)
  દિલથી ભાવમય ઉદભવેલા શબ્દો જ પ્રાથૅના બની જાય.
  ચા પણ પ્રસાદ તરીકે. વાહ !

  • Ashish Dave, Sunnyvale, Califronia says:

   વીણાબહેન,

   તમે ઊમરેઠમા ભણ્યા છો જાણીને અનન્દ થયો. મારા પપ્પા પણ જ્યુબિલિમા ભણ્યા હતા. સામેની H M High School મારા પપ્પાના કાકાશ્રીઍ બન્ધાવી હ્તી.

   Ashish Dave

   • Veena Dave. USA says:

    વાહ, આપના કાકાશ્રીને અભિનંદન્
    ઊમરેઠ એ સાંસ્ક્રુતિક નગર છે. જ્યાંથી ઘણી મોટી હસ્તિઓ બની છે. જે નગરની ચારે બાજુ મોટા તળાવો અને તળાવની પાળે ભવ્ય શિવાલયો બાંધેલા છે જે ખુબ પુરાણા છે. થોડા વષૅ અગાઊ શ્રી નરેન્દ્ર્ભાઈ દવે એ તેના સમારકામ માટેનુ ભવ્ય કાયૅ કરેલુ .ઊમરેઠ અને કાશી બે જ સ્થળે નવરાત્રીની આઠ્મે ભવ્ય હવન થાય જે કરાવવા વેઇટિંગ લિસ્ટ છે. નવરાત્રીના છેલ્લા દિવસે છેલ્લો ગરબો ઘડિયાળના કાંટાની જેમ ફરતી દિશા ગવાતો (ભટ્ટ્વાડી પોળે). શ્રાવણ માસના સોમવારે ભગવાન ચંદ્રમૌલેશ્વરના મંદિરે ભવ્ય ફુલવાડી ભરાય અને શિવરાત્રીએ મહારુદ્ર યજ્ઞ થાય. સવારની ૬.૩૦ ટ્રેનમા અપ્-ડાઉન કરનારા યુવાનો-યુવતિઓ અને વડિલો શ્રી વિષ્ણુસહસ્ત્રનામ્નો દરરોજ પ્રાથૅનારુપે પાઠ કરતા.
    નેવાડામા રહેતા પડોશી તરફથી આભાર્.

    • Ashish Dave, Sunnyvale, Califronia says:

     Thanks for sharing some real good information. I have been to Umreth many times but only for the short stay. Kindly give us a chace to host you when you come to SF Bay area the next time. My email is abdave@sbcglobal.net. I am assuming that you are baj khedaval and if so I am sure we are related some how. Where are you in Nevada?

     Regards,
     Ashish Dave

 9. Gopal Shah says:

  પ્રાથના પર માણસમાત્ર નો કહ છે એ વાત સાવ ખોટી…. પ્રાથના પર તો સૌ કોઇ નો કહ છે – પશુ, પંખી, જન, જનાવર, ફલ, ફુલ, વ્રુકશો વગેરે…. અને પ્રાથના ના પણ અનેક રુપ અને રંગ હોય છે… માત્ર પ્રભુ સામે હાથ જોડિ ઉભા રેવા થી કે આવડે એવા શ્લોક બોલવાથી પ્રાથના નથી થાતી…. એક માણસ એના કામ મા દિલો-જાન રેડિ દે અને સારુ પરિણામ આવે તો એ પ્રાથના ફળિ એમજ માનવુ…. એક વિદ્યારથી એના અભિયાસ મા રાત-દિવસ એક કરી દે અને પરિણામે પ્રથમ નંબરે પાર થાય તો એ પણ્ એક પ્રાથના નુજ ફ્ળ કેવાય. સંગીત પણ એક તરફ થિ પ્રાથનાજ છે…. મારા મત મુજબ – પ્રાથના એ અંતર (આત્મા) માં થિ ઉઠતો અવાજ છે જે પ્રભુ સુધિ પહોચે છે અને પ્રભુ સાંભળે છે….

 10. જય પટેલ says:

  પ્રાર્થના જેવા ભાવુક વિષય પર સુંદર લેખ.

  પ્રાર્થનાથી મનની શાંતિ પ્રાપ્ત થાય સાથે સ્વને ઓળખવાની તક સાંપડે.
  સ્વને ઓળખો એટલે વિચાર શુન્યતા પ્રગટે છેવટે
  ધૃણા…અહંકાર જેવા વળગણો આપોઆપ ખરી પડે.

  દૈનિક થોડીક મિનીટોની પ્રાર્થનાથી અલભ્ય પ્રાપ્ત થાય.

 11. Ashish Dave, Sunnyvale, Califronia says:

  ઈશ્વર સાથે સવાંદ સાધવાનુ પ્રાર્થના તો માધ્યમ છે. કશુ ન બોલીને પણ જો શાંતિથી ઈશ્વરને યાદ કરીયે તો જરુરથી તેઓ આપણને સાંભળશે. પણ જો આપણે તેમને સાંભળવા હશે તો પ્રાર્થનાથી એક કદમ ઉપર ઉઠવુ પડશે. આંખ બંન્ધ કર ધ્યાનની દિશામા આગળ વધવુ પડશે.

  Ashish Dave

 12. YOGIJI says:

  આ લેખ આલેખ બનેી રદય પર લખૈ જય તે વો ચે.
  સરહદ પાર અન્હદ મા લૈ જાય અએવો ચ્હે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.