બે લઘુકથાઓ – ધૂમકેતુ

[1] જડભરત

બધા એને જડભરત કહેતા. અમારા ગામને પાદરે એક મોટો લીમડો હતો. ત્યાં એ ભિખારી પડ્યો રહેતો. જે દિશામાં લીમડાની છાયા ઢળે તે દિશામાં લબાચો ફેરવ્યા કરે. તેની પાસે નાનકડું પોટલું હતું. એમાં એની બધી માલમતા આવી જતી હતી. તે સૂનમૂન પડ્યો રહેતો, એટલે સૌ એને જડભરત કહેતા.

એક વખત એવું બન્યું કે એ જડભરતમાં પણ થોડોક જીવ આવ્યો. અત્યાર સુધી તો એ જ્યાં પડ્યો રહેતો હતો ત્યાં એને કોઈ કટકુંબટકું રોટલો આપે તો ખાય. કોઈ ન આપે તો છાનોમાનો પડ્યો રહે. એટલે એક દિવસ આ જડભરત જેવાને અમારા ગામમાં ભીખ માગતા જોયો ત્યારે નવાઈ લાગી. હાથમાં એક ડબલું હતું ને ઘેર ઘેર ભીખ માગતો હતો. બધાને નવાઈ લાગી કે આ જડભરતને વળી ક્યો સંસાર સાચવવાનો છે તે આમ ઘેર ઘેર માગવા નીકળે છે. એનું એક પેટ ભરાય એટલું તો ગામમાંથી કો’ક ને કો’ક એને લીમડા નીચે બેઠાં આપી દેતું હતું. એને વળી આ નવી ઉપાધિ ક્યાંથી સૂઝી ? પહેલાં તો કોઈ સમજ્યું નહિ કે જડભરતભાઈ કેમ માગવા નીકળ્યા છે. પણ ધીમે ધીમે જડભરતની વાત સમજાઈ. ને વાત સમજાઈ ત્યારે તો બધાને થઈ ગયું કે….ઓહો, આ જડભરત જેવો માણસ ત્યાં સૂનમૂન પડ્યો રહેતો હતો, એનામાં પણ આવું ઉમદા જ્ઞાન છે ! આ જ્ઞાન જોઈને બધાં છક્ક થઈ ગયાં.

વાત એમ બની હતી કે, જડભરતની પાસે ભિખારણ બાઈ રહેવા આવી હતી. તે અપંગ ને આંધળી હતી. તેનાથી કંઈ ઊઠબેસ થાય તેવું હતું નહિ. જડભરતે એને જોઈ અને મનમાં વિચાર આવ્યો કે આને કોણ ખાવાનું આપશે ? પહેલાં તો એને થયું કે, કોઈને કોઈ હરિનો લાલ નીકળશે જ નીકળશે. પણ પછી કોણ જાણે શું થયું, એના મનમાં સાચો વિચાર આવી ગયો કે કોણ જાણે શું થયું – એ પોતે જ ગામમાં ભીખ માગવા નીકળી પડ્યો. ધાનનાં જે કટકાંબટકાં ભેગા થયાં એ બધાં લઈને પેલી બાઈને આપી આવ્યો. પણ એને આ કામ મળ્યું એટલે એનું મન વધારે ને વધારે સમજણ લેવા માંડ્યું. એક વખત કોઈ પણ માણસ કોઈ સારું કામ માથે લ્યે એટલે એના મનમાંથી જ એને સમજણનો દીવો દેખાતો રહે છે. એ દીવો એને માર્ગ બતાવે છે. જડભરતને પણ એમ જ થયું. પછી તો એને થયું કે મને કોઈ કામ આવડતું નથી. ભીખ સિવાય બીજો કોઈ ધંધો મને સૂઝતો નથી. હવે પાકે ઘડે કાંઠા ચડાવા જાઉં તો વખતે ફાવું કે ન ફાવું, પણ ભગવાને મને ફિકરું મજબૂત શરીર આપ્યું છે તો એ શરીરને ઘસીને જ જે કામ થાય તે કરું. એમાંથી જડભરત મોટો ભગત જેવો થઈ ગયો.

તે સવારમાં માગવા નીકળે તે છેક બપોર સુધી માગે. જે કંઈ આવે તે અપંગ જેવા, આંધળા જેવા ભિખારીઓને વહેંચી દે. એમાંથી તો એની ઊંચેરી આબરૂ બંધાણી. લોકોને પણ લાગ્યું કે આ જડભરતે તો સેવાની પરબ શરૂ કરી છે. એટલે તો એને ત્યાં પછી ચારે તરફથી લોકો કંઈ ને કંઈ દાન પણ આપવા માંડ્યા. જડભરત તો કહેવા મંડ્યો કે, ‘ભાઈઓ, તમે જે આપશો તે તમારી વતી હું એવા કોને આપી દઈશ કે જે સાચા અપંગ-નિરાધાર હોય. એમાં દાન તમારું, સેવા મારી. વસ્તુ તમારી, મહેનત મારી.’ પણ લોકોએ જ્યારે એને પૂછ્યું કે :
‘એ બધું તો ઠીક, તમે સૂનમૂન જેવા પડ્યા રહેતા હતા, એટલે અમે તો માનતા હતા કે તમારામાં કંઈ બુદ્ધિ નથી. એમાંથી અચાનક આવી વાત ક્યાંથી જન્મી ?’
જડભરતે હસીને કહ્યું : ‘એની તો મને ખબર નથી. પણ ભાઈઓ ! મને લાગે છે કે જે ઘડીએ તમારા મનમાં કોઈ સારો વિચાર આવે તેનો તે જ ઘડીએ અમલ કરો તો ભગવાન તરત વધુ પ્રકાશ આપતો રહે છે. મારો આ જાત-અનુભવ છે !’

અકસ્માત આવી ગયેલા એક સારા વિચારને માણસ જીવનમાં ઉતારે તો તો બેડો પાર પડી જાય છે. પણ ઘણા ઘણા સારા વિચાર એમ ને એમ ચાલ્યા જાય છે. આપણે પૈસાની જેટલી સંભાળ લઈએ એના કરતાં પણ ખરી રીતે વધારે સંભાળ કોઈ ધન્ય પળે આવી ગયેલા સારા વિચારની લેવી જોઈએ. આ જડભરતના જીવનમાંથી આટલું આપણે સૌએ સમજવા જેવું છે.
.

[2] વિદુરનીતિનો જન્મ

રાતોરાત ફેરફાર કરી નાખી, પાછી લોકમતની ગર્વિષ્ઠ મિથ્યા વાતો કરનારાઓની ઘણી ઘણી વાત કહી જાય છે, વિદુરનીતિની જન્મકથા. એ જન્મકથા આવી છે :

ધૃતરાષ્ટ્રને લાગ્યું કે બાર વર્ષના વનવાસને અંતે હવે પ્રગટ થઈને પાંડવો પોતાની વાત રજૂ કરવાના છે ત્યારે એમને મનાવવા માટે એમની પાસે મોકલ્યા. ધૃતરાષ્ટ્રે એમને કહેવરાવ્યું કે, ગમે તેમ તોય તમે પાંડુને કુંતિ જેવાના પુત્ર છો. તમારી પાસે તમારી સજ્જનતા છે. તમારું પરાક્રમ પણ તમારું જ છે. તમે આવતી કાલે ગમે ત્યાં રાજ જમાવી શકશો. દુર્યોધન અત્યંત હઠાગ્રહી છે. કોઈનુંય કહ્યું માને તેવો નથી. આવે સમયે જે સમજે તે સહે, એ એક જ રસ્તો છે – ધૃતરાષ્ટ્રનો આ સંદેશો સંજયે પાંડવોને કહ્યો. પણ પોતાની વાત ન્યાયની હોવા છતાં, સામો માણસ માને તેમ નથી માટે વાત છોડી દેવી એ સજ્જનતા ગણાય કે નિર્માલ્યતા એની ગડભાંગમાં પાંડવો પડી ગયા.

છેવટે યુધિષ્ઠિરે બધાની વતી જવાબ વાળ્યો : ‘સામ, દામ, ભેદ અને દંડ એ ચાર રસ્તા ન્યાયના છે. અમારે દામથી ન્યાય લેવો નથી. ભેદ જોઈતો નથી. સામથી માત્ર ન્યાયનું હોય તેટલું જ લેવું છે. પણ જ્યારે સામ કામ આપતો નથી ત્યારે જે દંડ લેતો નથી તે અન્યાયીને વધારે અન્યાયી અને જોહુકમીમાં માનનારો બનાવે છે. અને છેવટે એક દિવસ તો એને દંડ હાથમાં લેવો જ પડે છે. માટે તમે જઈને કહેજો કે પાંડવો સમાધાનમાં માને છે. પણ ન્યાયને ભોગે, સત્યને એક તરફ રાખીને, સમાધાન કરનારો માત્ર મૂર્ખ નથી, દુર્જન પણ છે; કારણ કે, એ દુર્જનતાને ઉત્તેજન આપે છે. પૈસા આપીને લૂંટારાને પાછો હાંકનારો જેમ મૂર્ખાઈની પરિસીમા બતાવે છે તેવી જ આ વાત છે. એટલે સમાધાન સૌથી પ્રથમ એમના દ્વારા જ કરવું છે. પણ એમ ન થાય તો પાંડવો દંડનીતિ ગ્રહણ કરવાના છે એ પણ નિશ્ચિત છે.’

આ સંદેશો લઈને સંજય ધૃતરાષ્ટ્રની પાસે ગયો. પણ એ હસ્તિનાપુર પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. એણે વિચાર કર્યો કે અત્યારે રાજાને સંદેશો આપવા જતાં અર્થનો અનર્થ થશે. એક તો એની ઊંઘ ઊડી જશે. બીજું, કદાચ દુર્યોધનને અત્યારે જ બોલાવશે. એમાંથી તો વાત વધારે હઠે ચડશે. એટલે એને સવારે સંદેશો આપવો વધારે યોગ્ય છે. બે પક્ષ વચ્ચે જે સંદેશા-વ્યવહાર ચલાવે છે તેણે હંમેશાં સમયની વધારેમાં વધારે માવજત કરવાની હોય છે. એકનો એક સંદેશો સવારે આપો ને રાત્રે આપો એમાં હાથી-ઘોડાનો ફેર છે. જો કે પાંડવોએ તો તત્કાલ સંદેશો આપવાનું કહ્યું છે, પણ મારી ફરજ છે કે સંદેશો સવારે આપવો. તે ધૃતરાષ્ટ્ર પાસે ગયો ત્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું :
‘સંજય, શું સંદેશો છે ? પાંડવો માનશે કે નહિ ? કે પછી સર્વનાશનો પંથ હશે ?’
‘મહારાજ ! પાંડવોએ સંદેશો આપ્યો છે, પણ એ સંદેશો સવારે આપવા જેવો છે !’
‘અશુભ છે ?’
‘ના, અશુભ પણ નથી…. ને શુભ પણ નથી. બેમાંથી એ શું થશે – તેનો આધાર આપણા ઉપર છે.’
‘તો પછી કહેવામાં શો વાંધો છે ?’
‘મહારાજ ! સંદેશાનેય પોતાનો સમય હોય છે. હું તમને સવારે કહીશ.’

આટલું કહીને સંજય તો ઘેર ગયો. પણ એણે કોઈ સંદેશો ન કહ્યો; એટલે રાજા ધૃતરાષ્ટ્રનું મન ઉલટાનું ચગડોળે ચડ્યું. એને થયું કે આ વાતનો શું મર્મ છે તે વિદુર કહી શકશે. એટલે વિદુરજીને બોલાવ્યા. વિદુરજી સંજયની વાતને તરત સમજી ગયા. ભાવિ મહાન યુદ્ધની આગાહી એ સંદેશામાં એમણે જોઈ લીધી. પણ હવે પોતાનું એક કર્તવ્ય બનતું હતું. જ્યારે પોતે સમજી શક્યા છે કે યુદ્ધ આવી રહ્યું છે ત્યારે એમણે ધૃતરાષ્ટ્રને છેલ્લેછેલ્લો ઉપદેશ આપી દેવાનો ધર્મ બજાવવાનો હતો. કોઈ સમજે કે ન સમજે, માને કે ન માને, એમની પાસે જે હતું તે એમણે આપવું જ રહ્યું. એ વખતે રાતને સમયે ધૃતરાષ્ટ્રને વિદુરજીએ શાંત રીતે ન્યાય અને સત્યની વાતનો ઉપદેશ આપ્યો. તમામ સંબંધો કરતાં સત્ય વધુ બળવાન છે એ વાત કહી. પુત્રપ્રેમ પણ સત્યની આડે આવે ત્યારે એ પુત્રપ્રેમ નથી એવી જે અદ્દભુત વાણી કહી – તે વાણી એ જ વિદુરનીતિ.

વિદુરનીતિનો જન્મ આ પ્રમાણે પુત્રમોહમાં પડેલા માણસને સત્ય આપવા માટે થયો હતો; હઠાગ્રહીને સત્ય સમજાવવા માટે થયો હતો. હઠાગ્રહ એ સત્યાગ્રહ નથી કે ન્યાય નથી, સત્ય નથી કે બળ પણ નથી એ બતાવવા માટે થયો હતો. હઠાગ્રહ એ હઠાગ્રહ છે. એ દુર્જનતા છે. એ હઠાગ્રહને રાજનીતિમાં જે પોષે છે કે વશ થાય છે તે છેવટે પ્રજાનો જ નાશ નોતરે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શક્તિ અને શાતાનો સ્ત્રોત – પુરુષોત્તમ ગણેશ માવળંકર
માર્ગદર્શન – નટવર પંડ્યા Next »   

13 પ્રતિભાવો : બે લઘુકથાઓ – ધૂમકેતુ

 1. Mital says:

  બન્ને લઘુકથાઓ ખૂબ જ સરસ અને માનવ જીવન ના મર્મ સમજવા માટે સચોટ.

  -મીતલ

 2. kantibhai kallaiwalla says:

  Both stories are showing the right path for life to walk not only to read. Both are best. Without prejudice my position, I will say I liked Dhoomketus stories(all which I read) very much.

 3. Chintan says:

  મસ્ત લેખ.

 4. Vipul Panchal says:

  બને લેખ બહુજ સારા હતા..

 5. જગત દવે says:

  [1] જડભરતઃ આપણે પૈસાની જ ઝાઝી સંભાળ લઈએ છીએ….. તેટલી જ સારા વિચારની લઈએ તો?

  [2] વિદુરનીતિનો જન્મઃ હઠાગ્રહને રાજનીતિમાં જે પોષે છે કે વશ થાય છે તે છેવટે પ્રજાનો જ નાશ નોતરે છે.

  ભારતીય રાજકર્તાઓ એ સમજવા જેવું…….ખાસ કરીને સાંપ્રત સમયમાં રાજ્યોની માંગ ને લઈને જે હઠાગ્રહ થઈ રહ્યો છે તેનાં પરિપેક્ષ્યમાં.

 6. nayan panchal says:

  બંને લેખો બહુ જ સરસ.

  સુવિચારને અમલમાં મૂકવાની સાથર્કતા અને હઠાગ્રહને અનુસરવાના દુષ્પરિણામ ઉજાગર કરતો સુંદર લેખ.

  આભાર,
  નયન

 7. yogesh says:

  મ્રુગેશ ભાઈ ને નમ્ર વિનન્તી કે જુદા જુદા પ્રકાર ના લેખો હમ્ ણા થિ નથી આપ્ તા, થોડા હાસ્ય લેખ્ નાની વાર્ત્આ ઓ મુક્વા જેટિ કરિ ને વાચકો નિ રુચી જળ્વઈ રહે ફક્ત ધાર્મીક અને ગમ્ભીર લેખ મુક્શો તો મારા જેવા ને સ્ ન્સાર મા થિ વૈરાગ્ય આવિ જશે. 🙂

  આભાર્
  યોગેશ્

 8. Veena Dave. USA says:

  સરસ લેખ.

 9. Chirag says:

  Both are good….

 10. Pravin V. Patel USA says:

  વર્ષો પહેલાં લખાયેલ લઘુકથાઓ આજે પણ એટલીજ તાજી છે.
  ઘણી ઘણી સારી વાતો.
  આભાર.

 11. જય પટેલ says:

  જડભરત પાસે અપંગ અને આંધળી બાઈ આવી અને લાગણીશીલ જડભરતના
  જીવનની દિશા બદલાઈ…!!

  કોઈપણ વ્યક્તિની મુશ્કેલી દૂર કરવા જ્યારે નિઃસ્વાર્થ પ્રયત્ન કરીએ ત્યારે
  અનાયાસે આપણે પણ કંઈક શિખતા જ હોઈએ છીએ….By Product રૂપે.

  વિદૂરનીતિના જન્મનું કારણ બનેલો ધુર્તરાષ્ટ્રનો પુત્રમોહ ઈતિહાસમાં અમર થઈ ગયો.
  આજે પણ ધુર્તરાષ્ટ્રનો પુત્રમોહ સમાજને દિવાદાંડી રૂપ દિશા ચિંધનારો બની રહ્યો છે.

 12. સરસ લઘુકથાઓ

  ધૂમકેતુ ની બધી વાર્તાઓ સુંદર હોય છે.

  વિદુરનીતી માટે ક્લિક કરો
  http://www.readgujarati.com/sahitya/?p=3461

 13. SHort Story are alwyays inspirative ,please publish more and more short storys

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.