અનોખી સિદ્ધિ – ચંદ્રિકા થાનકી

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

mdravidનાનપણથી સંઘર્ષ કરીને જેણે ઉંમરના આઠ દાયકા વિતાવ્યા હોય એવી મહિલા 81મા વર્ષે શું કરતી હોય, એવો પ્રશ્ન જો કોઈને પૂછીએ તો એવો જવાબ મળે કે આ ઉંમરે મહિલા બહુબહુ તો પ્રભુભજનમાં સમય વ્યતિત કરતી હોય, સવારસાંજ દેવદર્શને જતી હોય, પોતાનાં પૌત્રો-દૌહિત્રોને રમાડતી હોય અને એ રીતે સમય પસાર કરતી હોય – પણ જો વાત મંદાકિનીબેન દ્રવિડની હોય તો તેમને આ બધું બહુ ઓછું લાગુ પડે છે. સામાન્યપણે 81મા વર્ષે સ્ત્રી જે કંઈ કરતી હોય કે કરી શકતી હોય તેના કરતાં તેઓ કંઈક જુદું જ કરી રહ્યાં છે અને તેઓ જે કંઈ કરી રહ્યાં છે અને કરી શક્યાં છે એ જોઈને માત્ર તેમની ઉંમરની જ નહિ, તેમનાથી ઘણી નાની ઉંમરની મહિલાઓને પણ તેમની ભારોભાર ઈર્ષ્યા આવે તેવું છે. ગયા વર્ષે મંદાકિની દ્રવિડને પૂણે યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે.

આ ઉંમરે પી.એચ.ડી. થવું એનો અર્થ શો એ ભાગ્યે જ કોઈને સમજાવવું પડે તેમ છે. તેઓ પોતે આ સિદ્ધિને એક જંગ જીતવા સમાન ગણાવે છે. કારણ કે આ ઉંમરે પી.એચ.ડી. થવું કેટલું મુશ્કેલ હોઈ શકે એ કહાણી તેમની પાસેથી સાંભળીએ તો જ ખ્યાલ આવે. તેઓ આ થિસિસ તૈયાર કરતાં હતાં એ દરમ્યાન જ તેમના એકમાત્ર પુત્રનું અવસાન થયું હતું. થિસિસ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા પછી વાઈવા આપ્યા બાદ પણ જાણે એવું લાગતું હતું કે યુનિવર્સિટીનો નિર્ણય આવતાં જાણે યુગો સુધી રાહ જોવી પડશે. મંદાકિનીના કહેવા મુજબ તેમણે 2006માં પોતાનો થિસિસ સબમિટ કર્યો હતો અને 2008ની 8 એપ્રિલે વાઈવા લેવાયો હતો. એ પછી બે માસ વીતી જવા છતાં યુનિવર્સિટી તરફથી કોઈ હિલચાલ ન થતાં ગયા 2008ના જૂનના અંતે તેમણે કંટાળીને બૉર્ડ ઑફ કૉલેજ ઍન્ડ યુનિવર્સિટી ડેવલપમેન્ટના ડિરેક્ટરને એક પત્ર લખ્યો. પછી તેમને જાણવા મળ્યું હતું કે યુનિવર્સિટીમાં સંબંધિત કલાર્કની આળસને કારણે તેમનું કામ ખોરંભે પડ્યું હતું. ડિરેક્ટરને જેવો પત્ર મળ્યો કે તરત આદેશો છૂટ્યા અને મંદાકિની દ્રવિડના થિસિસને માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાઈ ગયો.

મંદાકિની દ્રવિડે તેમનાં ગાઈડ સુનંદા કૌશિકના માર્ગદર્શન હેઠળ ‘મેડિકલ ઍન્ડ સાઈકિયાટ્રિક સોશિયલ પ્રેક્ટિશનર્સ પ્રોસેસ ઍન્ડ એનાલિસિસ’ વિષય પર થિસિસ લખ્યો છે અને વધુ મહત્વની વાત એ છે કે આખો થિસિસ તેમના અંગત અનુભવો પર આધારિત છે અને તેમાંનો એક ફકરો પણ કોઈ સંદર્ભ સામગ્રીમાંથી લેવાયો નથી. આજે પૂણે સ્થિત એન્જિનિયરિંગ અને એનર્જી કંપની ‘થર્મેક્સ’ સાથે કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતાં મંદાકિની કહે છે, ‘મારા ચાલીસ વર્ષના અનુભવોને કારણે થિસિસ પૂરો થઈ શક્યો. મેં જે કંઈ કામ કર્યું છે એ સંપૂર્ણ અધિકૃત છે અને મારાં ગાઈડના સતત પ્રોત્સાહનને કારણે એ બધું શક્ય બની શક્યું છે. તેમણે જ મને કહ્યું કે મારી પાસે જે અનુભવો છે તે કાગળ પર ઊતરવા જોઈએ, જેથી નવી પેઢીને તે કામમાં આવી શકે અને તેમના માટે માર્ગદર્શન રૂપ બની શકે. એટલે આ કામ કરતી વખતે મારી ઉંમર તેમાં જરાય અવરોધક બની નહોતી કારણ કે મારી પાસે જે અનુભવોનું ભાથું છે અને જે કંઈ મારા દિમાગમાં છે એ બધું જ કાગળ પર અવતર્યું છે.’

આફત અને ઉંમર દઢ સંકલ્પને કશું કરી શકતાં નથી એનું મંદાકિની દ્રવિડ જીવંત ઉદાહરણ બની ગયાં છે. પરિસ્થિતિને આધિન કે નસીબમાં માંડ્યું છે તેમ માનીને જીવવાનું તેમણે કદી મંજૂર રાખ્યું નહિ. તેમણે ક્યા સંજોગોમાંથી પસાર થઈને આ સિદ્ધિ મેળવી અને કેવો કેવો સંઘર્ષ કર્યો એ જાણ્યા પછી આ વાત વધુ સારી રીતે સમજી શકાય.

મંદાકિની માત્ર તેર વર્ષનાં હતાં ત્યારે પિતાનું અવસાન થતાં એમને માથે ઘણી મોટી જવાબદારી આવી પડી હતી. લગભગ સાતેક દાયકા પહેલાંના સમાજમાં એક ગરીબ પરિવારની કિશોરીની કલ્પના કરી જુઓ. માતા, બે નાના ભાઈઓ, દાદી અને કાકી એ બધાંનો આધાર આ તેર વર્ષની છોકરી હતી. એ કમાય તો કુટુંબ ખાઈ શકે એવી સ્થિતિ હતી. આથી એણે સ્થાનિક જિલ્લા કલેકટરની કચેરીમાં નોકરી કરવાનું શરૂ કર્યું. ભણવાનું ચાલુ રાખવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેણે શાળાને તિલાંજલિ આપવી પડી. એકાદ વર્ષ તો મહિનાના 25 રૂપિયાના પગારે એણે નોકરી કરી. તેની મહેનત જોઈને તેના મામા પ્રભાવિત થયા. તેમણે થોડી આર્થિક મદદ કરવા માંડી એટલે મંદાકિનીએ ફરી ભણવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. 1945નું એ વર્ષ હતું. તેઓ 16 વર્ષનાં થઈ ચૂક્યાં હતાં એટલે તેમનાં લગ્ન કરી દેવાયાં. તેમનો પતિ હથિયારોની ફેકટરીમાં કામ કરતો હતો. આ લગ્નજીવનના પરિપાક રૂપે 1949માં તેઓ એક પુત્રનાં માતા બન્યાં. તેનું નામ દિલીપ રખાયું. દરમ્યાનમાં તેમના લગ્નજીવનની નાવ સતત હાલકડોલક થતી રહેતી હતી. પુત્રની માતા બન્યા પછી પણ લગ્નજીવનનું ગાડું કોઈ રીતે થાળે પડે એવું ન લાગતાં છૂટાછેડા લઈ લીધા.

1949ના એ વર્ષે જ તેમણે પૂણેની સાસુન હોસ્પિટલમાં જુનિયર કારકુનની નોકરી મેળવી લીધી. તેઓ નોકરીએ જતાં ત્યારે બાળકની સંભાળ દાદી અને માતા રાખતાં. હોસ્પિટલમાં દર્દીઓની પથારીની વ્યવસ્થા સંભાળવાનું કામ કરવા સાથે તેમણે ફરી ભણવાનું ચાલુ કર્યું અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે સ્થાતક થયાં. હોસ્પિટલમાં પોતાના કામ દરમ્યાન તેઓ દર્દીઓની વેદના અને એકલતાના જગતમાં વધુ ઊંડા ઊતર્યાં. તેને એમ થતું કે આ દર્દીઓની માનસિક સ્થિતિનો વિચાર કરવો જોઈએ. માત્ર એમના માટે એલોપથી દવાઓ જ પૂરતી નથી. એ પછી એમણે માનસિક બીમારીથી પીડાતા દર્દીઓના જીવનમાં રસ લેવા માંડ્યો. 1959માં તેમણે બે વર્ષની રજા લીધી અને મુંબઈમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સીઝમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. 1962માં ફરી પાછાં દર્દીઓની વચ્ચે આવેલાં મંદાકિનીને લાગ્યું કે માનસિક રીતે બીમાર દર્દીઓના કિસ્સાઓમાં પશ્ચિમના સિદ્ધાંતો ભારતીય પ્રશ્નોનો પૂરી રીતે ઉકેલ આપી શકે તેમ નથી. એથી તેમણે માનસિક રીતે બીમાર દર્દીઓને કેવી સારવાર આપવી જોઈએ એ વિષે સંશોધન શરૂ કર્યું. તેમના સંપર્કમાં જે દર્દીઓ આવતા તેમની સામાજિક અને પારિવારિક સ્થિતિઓનો પણ તેઓ અભ્યાસ કરતાં ગયાં. તેમના ધ્યાનમાં એવી ઘણી બાબતો આવતી ગઈ જે દર્દીની જે તે બીમારી સાથે દેખીતી રીતે સીધી સંકળાયેલી ન લાગતી હોય પણ કોઈક સ્તરે તે માટે જવાબદાર તો હોય જ.

મંદાકિનીએ 1964માં ગરીબ દર્દીઓને બ્લડ ડોનેશન અને આર્થિક તથા દવાઓની મદદ કરી શકાય તે માટે ‘સોસાયટી ઑફ ધ ફ્રેન્ડઝ ઑફ સાસુન હોસ્પિટલ’ની સ્થાપના કરી. હોસ્પિટલે તેના માટે જરૂરી જગ્યાની વ્યવસ્થા કરી આપી અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેને માટે ફંડ ઊભું કરવા ચેરિટી કાર્યક્રમોનું આયોજન કર્યું અને દાતાઓ પાસે ટહેલ નાંખી. 1965માં ફુલબ્રાઈટ સ્કોલરશિપ મળતાં મંદાકિની છ મહિના અમેરિકા ગયાં. ત્યાં કેલિફોર્નિયામાં ખૂબ સારા પગારે તેમને નોકરીની ઓફર થઈ, પણ તેનો ઈન્કાર કરીને તેઓ સાસુન હોસ્પિટલમાં પરત આવી ગયાં. હોસ્પિટલમાં નવજાત બાળકોને તરછોડી જવાના કિસ્સા વધી રહ્યા છે એ ધ્યાન પર આવતાં 1974માં એક અનાથાલય અને દત્તક કેન્દ્ર ‘શ્રી વત્સ’ શરૂ કરવા તેમણે હોસ્પિટલના સત્તાવાળાઓને સમજાવ્યા. સાસુન હોસ્પિટલમાં મંદાકિની દ્રવિડની સેવાઓની અને પ્રવૃત્તિઓની એવી સુવાસ ફેલાયલી છે કે તેમના વિચારને તરત અમલમાં મૂકી દેવાય છે. આજે ‘શ્રીવત્સ’ પૂણેનું એક અગ્રણી દત્તક કેન્દ્ર બની ગયું છે.

સાસુન હોસ્પિટલમાંથી 1985માં તેઓ નિવૃત્ત થયાં પછી પાર્ટ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે થર્મેક્સમાં જોડાયાં. કંપનીનાં ચેરપર્સન અનુ આગાએ તેમને કહી દીધું છે કે જ્યાં સુધી તેમની ઈચ્છા હોય ત્યાં સુધી તેઓ તેમનું આ કામ ચાલુ રાખી શકે છે. આજે આ કામ કરતાં પણ તેમને લગભગ અઢી દાયકા થવા આવ્યા છે. થર્મેક્સમાં પાર્ટ ટાઈમ જોડાવા સાથે મંદાકિની મુક્તાંગન રિહેબિલિટેશન સેન્ટર ફોર ડ્રગ એડિક્સ, કોઢવા, લેપ્રસી હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલ સાથે પણ કામ કરતાં રહ્યાં. એ દરમ્યાન કંપનીના સેંકડો કર્મચારીઓના દારૂની લતથી માંડીને અનેકવિધ પ્રશ્નો ઉકેલવામાં તેઓ મદદરૂપ થતાં રહ્યાં છે. સુનંદા કૌશિક મંદાકિનીનાં સહાધ્યાયી રહી ચૂક્યાં છે. મંદાકિની 40 વર્ષનો જે અનુભવ ધરાવે છે તેનો ભાવિ પેઢીને પણ લાભ મળે તે માટે થિસિસ લખવા તેમને પ્રેર્યાં. પોતાનું કામ ચાલુ રાખવા સાથે આ નવું કામ પણ શરૂ કરી દીધું. એ દરમ્યાન 2002માં તેમના પુત્રનો કેન્સરે ભોગ લીધો. પુત્રના કસમયના મોતે તેમને હચમચાવી દીધાં, પણ થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ફરી દિવસે થર્મેક્સનું કામ અને રાત્રે થિસિસનું કામ કરવામાં લાગી ગયાં.

તેમનાં ગાઈડ સુનંદા કહે છે, ’81 વર્ષની ઉંમરે કોઈ આવું થકવી નાખનારું કામ કઈ રીતે કરી શકે એ ખરેખર નવાઈની વાત છે, પણ મંદાકિની દ્રવિડ આ કામ કરીને અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયાં છે. આ થિસિસમાં માનસિક રીતે બીમાર દર્દીઓની સંભાળના સંદર્ભમાં બાબતો તેમણે આવરી લીધી છે તે એટલી મહત્વની છે કે એક દિવસ એવો પણ આવશે કે આ થિસિસનું વાચન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવી દેવાશે.’

આજે તેમની પુત્રવધૂ અને બે દૌહિત્રી 24 વર્ષીય સોનિયા અને 20 વર્ષીય મિતાલી મુંબઈમાં રહે છે. જીવનભર બીજાઓને ઉપયોગી થનારી આ મહિલા મંદાકિની દ્રવિડને 81 વર્ષની ઉંમરે એકલતા સાલે છે ખરી ? – જવાબમાં તેઓ કહે છે, જરાય નહિ. મને મારી જ કંપની પૂરતી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભગવાન આજ્ઞા કરે તેથી થોડું મનાય ! – હરેશ ધોળકિયા
ડો. જે.સી. કુમારપ્પા – મીરા ભટ્ટ Next »   

18 પ્રતિભાવો : અનોખી સિદ્ધિ – ચંદ્રિકા થાનકી

 1. ખુબ જ સુંદર. મંદકીનીબહેનની હિંમત ને દાદ દેવી પડે.

 2. Jayesh parekh says:

  Aafat ane ummer dradh sankalp ne kasu kari sakata nathi.
  Proud for mandakini ben.
  Khub saras.

 3. જગત દવે says:

  (૧.) આપણાં દેશમાં જ્યારે ૫૮-૬૦ની ઊંમરનાં સ્ત્રીઓ ને અને પુરુષોને (ખાસ કરીને સ્ત્રીઓને) ‘ધાર્મિક નિષ્ક્રીયતા’ વિટંળાઈ વળે છે ત્યારે મંદાકિનીબેનની ૮૧ વર્ષે પહોચ્યાં પછી પણ ‘સમાજોપયોગી સક્રિયતા’ પ્રેરણાત્મક ગણાય.

  (૨.) “1965માં ફુલબ્રાઈટ સ્કોલરશિપ મળતાં મંદાકિની છ મહિના અમેરિકા ગયાં. ત્યાં કેલિફોર્નિયામાં ખૂબ સારા પગારે તેમને નોકરીની ઓફર થઈ, પણ તેનો ઈન્કાર કરીને તેઓ સાસુન હોસ્પિટલમાં પરત આવી ગયાં.”

  ———>આ એ સમય હતો જ્યારે ભારત એક ગરીબડો દેશ હતો અને એવા સમયમાં અમેરીકા રહ્યા પછી અને ડોલર ને ‘ચાખ્યા’ પછી પણ ત્યાંની ‘માયા’માં થી છુટવું ૧૯૬૫માં તો લગભગ અશક્ય એવું કામ ગણાય. અમેરીકામાં એ સમયમાં નોકરીની તક છોડવી એ બહું મોટો ત્યાગ ગણાય અને દેશપ્રેમનું ઘણું જ ઊમદા ઊદાહરણ પણ. ભારતીય સમાજ આવા ભેખધારીઓ નો ઋણી છે.

  મંદાકિનીબેન દ્રવિડનાં વતન-પ્રેમને ૨૬મી જાન્યુ. ની પૂર્વસંધ્યાએ સલામ.

  • trupti says:

   Jagatbhai,

   While reading the article the same thought came in to my mind about not accepting the lucrative job in the USA at the time when India was suffering from scarcity of many day-to-day required things. I was about to write the same thing what you have written about the sacrifice of Mandakiniben and you have given the wordings to my thoughts. Thanks for your comments.

   • જગત દવે says:

    આભાર તૃપ્તિબેન.

    મને ‘રીડ-ગુજરાતી’ ની આ જ વિશેષતા આકર્ષે છે કે વાંચકો લેખ વાંચ્યા પછી મનમાં ચાલતાં વિચાર વમળોને તરત જ વાચા આપી શકે છે.

    મને એટલે જ ફક્ત બે જ શબ્દોમાં અભિપ્રાય આપવું પસંદ નથી. ઘણાં વૈચારીક લેખોમાં પણ જ્યારે વાચકો બે જ શબ્દોમાં ‘બહુ સરસ’ બસ એટલું જ લખે ત્યારે મુંઝવણ થાય અને તેમની વૈચારીક સ્વતંત્રતા પર પણ શંકા જાય.

 4. કલ્પેશ says:

  મને મારી જ કંપની પૂરતી છે – સરસ વિચાર.

 5. hiral says:

  Mandakiniben => my message is my life.
  truly touching….

 6. kantibhai kallaiwalla says:

  Ounce of action is more valuable than tons of talks, where as we can see here tons of action and ounce of talk that is why this is superb excellent excellent excellent. many salutes and congratulations to mandakiniben

 7. Chintan says:

  ખુબ પ્રેરણાદાયક વાત.
  મંદાકીનીબહેન ને ખુબખુબ અભિનંદન.

 8. nayan panchal says:

  લેખની છેલ્લી લાઈને આ સમયની અનેક મુશ્કેલીઓનો રામબાણ ઈલાજ આપી દીધો.

  આવા રીઅલ ‘મહાનુભાવો’થી જ ભારતની ભૂમિ ધન્ય છે.

  ખૂબ આભાર, મંદાકિનીબેનને શત શત પ્રણામ.
  નયન

 9. Jagruti Vaghela says:

  મંદાકિનીબહેનને ખૂબ ખૂબ અભિનંદન સાથે પ્રણામ
  એક આદર્શ ઉદાહરણ…
  પ્રેરણાદાયી લેખ

 10. Veena Dave. USA says:

  મા. મંદાકિનીબેન ને અભિનંદન. પ્રેરણા આપતો લેખ.
  કારકુનની આળસ….. અરે મગજ તપી જાય એવિ વાત પર તો….
  છતાં ધીરજથી આટલી સિધ્ધિ અને આટ્લુ ઉમદા કાયૅ કરવુ એ મહાનતા છે. ભગવાન તેમને સ્વસ્થ દીઘૅ આયુષ્ય આપે તેવી પ્રાથૅના.

 11. Ramesh Desai. USA says:

  મંદાકિનીબેનને મારા સલામ. રમેશ

 12. જય પટેલ says:

  સ્વ સાથે નિકટતા કેળવાય એટલે બાહ્ય પરિબળો ગૌણ બની જાય.

  મંદાકિનીબેનના લગ્નજીવનની નાવ ખોરંભે પડી અને નારી તું નારાયણીનો પુર્નજન્મ થયો.
  દુઃખી લગ્નજીવનની ભઠ્ઠીમાંથી બહાર નિકળેલ સોનું ચળકાટ માર્યા વિના ના જ રહે.
  ભૂતપુર્વ પતિએ મંદાકિનીબેનના હદયમાં જે આગ ભરી હતી તેને નવી દિશા મળી….નવા સ્વરૂપે..!!
  વિચારોને મુક્ત વિચરવા મોકળું મેદાન મળ્યું અને દેશને મળી એક લાગણીશીલ…પરદુખભંજક નારાયણી.

  આપણા દેશમાં નિવૃતીની વ્યાખ્યા બદલવાની જરૂર છે. દેશમાં જે ઉચ્ચ શિક્ષીત વયસ્કો છે તે જો
  મંદાકિનીબેનની જેમ લાંબા સમય સુધી કાર્યરત રહે તો દેશને તેમના અનુભવોનો લાભ મળે.
  મંદિરોમાં પ્રભુભજન કરવા કરતાં દેશની ઉત્પાદકતા વધે તે વધુ યોગ્ય છે.

  નવી પેઢી અનુભવી વયસ્કોના હાથ નીચે વહેલી તૈયાર થાય અને
  દેશનું સુકાન સંભાળે તેનાથી રૂડું શું હોઈ શકે ?

  મંદાકિનીબેનનું જીવન નવી પેઢીને પ્રેરણા આપનારૂં બની રહેશે.

 13. Chetan Tataria says:

  Truly Inspirational story. મંદાકિનીબેનને કોટિ કોટિ વંદન.

  Today only I was reading article in the newspaper about PadmShri, PadmaBhushan award and their eligibility criteria. I was wondering why it has not been given to person like Mandakini Ben who have done wonderful work for the society and set good example and inspiration for youth and new generation.

 14. Natu says:

  Fullbright scholarship come with condition that after complating your study or traning in USA. you have to go back to your country and serve certain time period..

 15. Harish S. Joshi says:

  ચન્દ્રિકા બેન થાન્કિ ,નિશ્ચિત પણે સાધુવાદ ને પાત્ર છે. સમાજ મા મન્દાકિનિ દ્રવિડ જેવિ પ્રતિભાવાન મહિલાઓ છે,જેવો એવિ કેડિ કન્ડારિ જાયે છે જે માઇલ સ્ટોન બનિ જાયે છે જે અનુકરિણય હોયે છે..૮૧ વર્શે પન એક દ્રુઢ ઇચ્છ્આ શક્તિ,કઠિન પરિશ્રમ્ એકાગ્રતા,ખન્ત અને લક્શ્ય નિ પ્રાપ્તિ એ સાધારણ વાત ન કહેવાયે ! સ્વ સાથે મિત્ર્તા એજ મોટિ ઉમરે સાચો સન્ગાથ્. નિશ્ચિત રુપે મન્દાકિનિ બહેન એક સાચા ”
  “યુગ મહિલા ” બનિ ગયા આવા વ્યક્તિત્વ શતાયુ હો એજ પ્રભુ પ્રાર્થના.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.