- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ડો. જે.સી. કુમારપ્પા – મીરા ભટ્ટ

[ આજના પ્રજાસત્તાક દિને ગાંધીયુગના અમર સ્વાતંત્ર્યસેનાઓ પૈકીના એક ડૉ. જે.સી.કુમારપ્પાનું સ્મરણ કરીને સૌ સ્વાતંત્ર્યસેનાનીઓને વંદન કરીએ. જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ (વડોદરા)ની કલમે લખાયેલા 84 જેટલા મહાન વ્યક્તિત્વોનો ‘ગાંધી યુગની આકાશગંગા’ પુસ્તકમાં સમાવેશ કરાયો છે, જે પૈકી ડૉ. જે.સી. કુમારપ્પા એક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ મીરાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

કહેવાય છે કે મોર પીંછે રળિયામણો. ગાંધીજી પણ એમના એકેકથી ચડિયાતા સાથીઓથી સભરભર્યા હતા. ‘વિષ્ણુસહસ્ત્રનામ’નો પાઠ થાય તેટલા ઉચ્ચ કોટિના સાથી-અનુયાયી એમને સાંપડ્યા. આવા સાથીઓમાં જે.સી. કુમારપ્પાનું સ્થાન અનોખું છે. અત્યંત બાહોશ, વિદેશમાં ભણેલા અને ત્યાંની જ રહેણીકરણીમાં ઉછરેલા ખ્રિસ્તી પરિવારના ડૉ. જોસેફ કોર્નેસિય કુમારપ્પા જે રીતે ગાંધીની ફકીરી અપનાવી લે છે, એ ઘટના સાચે જ મુગ્ધ કરી દેનારી છે. 1891માં ચોથી જાન્યુઆરીએ તેમનો જન્મ થયો.

તામિલનાડુનું મદુરા એમનું વતન. માતા તરફથી ધાર્મિકતાના સંસ્કાર સાંપડ્યા, અને પિતા તરફથી શિસ્તપ્રિયતાના. પ્રારંભિક શિક્ષણ ભારતમાં મેળવી ઑડિટ અને એકાઉન્ટસનું સંશોધનાત્મક શિક્ષણ મેળવવા લંડન ગયા. ત્યાંથી ચાર્ડર્ડ એકાઉન્ટની ઉજ્જવળ ફત્તેહ મેળવી મુંબઈની એક કંપનીમાં જોડાયા. 1927માં અમેરિકા ફરવા જવાનું થયું તો ‘બિઝનેસ એડમિનિસ્ટ્રેશન’ની સ્નાતક ઉપાધિ અને કોલંબિયા યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ લેતા આવ્યા. અનુસ્નાતક પ્રબંધનો વિષય હતો – ભારતની ગરીબીનાં કારણો.

આ પ્રબંધ માટે જ 1929માં પહેલી વાર ગાંધીજીને મળવાનું થયું. રેશમી સુટ અને હાથમાં છડી સાથે એવા રૂઆબભેર સાબરમતી આશ્રમમાં ગયા કે ગરીબીનું એક જીવતુંજાગતું કારણ પ્રત્યક્ષ બોલતું થઈ જાય. પરંતુ ગાંધીજીની પહેલી મુલાકાતનો રંગ જ એવો ચઢ્યો કે કેવળ પોષાક નહીં, વેશભૂષા, રંગઢંગ, રહેણીકરણી તમામ બદલાઈ ગયું. ગાંધીજી એમને લાડમાં ‘કુ’ કહેતા. કુમારપ્પાને અધ્યાત્મમાં એવો રસ કે ગાંધીજીએ એમને ‘ડૉક્ટર ઑફ ડિવિનિટી’નું બિરુદ આપ્યું. તદુપરાંત, ગ્રામોદ્યોગની બાબતોમાં એટલા પ્રવીણ કે એમને ડૉક્ટર ઑફ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ D.V.I. પણ બનાવ્યા. 1956માં ઈશુ-જયંતીના દિને પદયાત્રા દરમિયાન, વિનોબાજી કુમારપ્પાજીના ગાંધી-નિકેતન આશ્રમે ગયા. કુમારપ્પાની નાનકડી કુટિરમાં દીવાલે લટકતી ગાંધીજીની છબીને વિનોબા નિહાળી રહ્યા હતા, ત્યારે કુમારપ્પા બોલ્યા, ‘આ છબી મારા સ્વામીની છે.’ પછી પડખે જ લટકતી એક બીજી છબી તરફ આંગળી ચીંધીને કહે, ‘અને આ છબી મારા સ્વામીના સ્વામીની છે.’ એ છબી એક ગરીબ ખેડૂતની હતી.

વર્ધાની મગનવાડીમાં પણ 150 રૂપિયામાં બનાવેલી વાંસ-માટીની ઝુંપડીમાં એ રહેતા હતા. સંસ્થાને રસોડે જમતા. પોતાનાં કપડાં પોતે જ ધોઈ લેતાં, પોતા થકી કોઈનું પણ શોષણ ન થાય એ અંગેની ભારે તકેદારી રાખે, પરિણામે લોકો એમની કથની-કરણીની એકવાક્યતાથી મુગ્ધ થયા વગર રહી ન શકતા.

જેલવાસ દરમિયાન ખાદીનાં કપડાં ભંડકિયામાં મૂકી દીધાં હશે, તે ઊંદરડા કાતરી ગયા. છૂટવાના દિવસે જ હાથમાં ગાંધીજીનો તાર આવ્યો કે જલદી પટણા પહોંચો. કપડાં સાંધવાનો કે નવાં સિવડાવવાનો સમય જ નહોતો. ફાટેલે કપડે જ પટણા પહોંચ્યા. દુકાળમાં રાહત માટે એકઠા થયેલા 19 લાખ રૂપિયાનો ચેક રાજેન્દ્રબાબુએ હાથમાં મૂક્યો, તો તે લઈને તરત જ પટણાની ઈમ્પિરિયલ બેંકે પહોંચ્યા. આવા ચીંથરેહાલ માણસને બેંકનો પટાવાળો કે કારકુન તો ગાંઠે જ શાના ? આખરે અંગ્રેજ એજન્ટ પાસે પહોંચી બધી હકીકત જણાવી. આ ચીંથરેહાલ વ્યક્તિ લંડનની F.S.A.A. ડિગ્રી ધરાવનાર માણસ છે, એ જાણી આશ્ચર્યદિગ્મૂઢ બની હાથ મિલાવી, ખુરશી પર બેસાડ્યા. 19 લાખ રૂપિયાનું ખાતું ખોલાવી આપ્યું અને પોતાની ગાડીમાં જ ઉતારે પહોંચાડી ગયા.

એમનું સ્વપ્ન હતું – Agro-Industrial, કૃષિમૂલક-ઔદ્યોગિક સમાજનું. પરંતુ બીમારી આવી અને કામ અધૂરું રહ્યું. અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ‘યંગ ઈન્ડિયા’ પણ સંભાળ્યું. 1935માં અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘના મંત્રીપદે નિમાયા, પછી તો વર્ષો સુધી પ્રમુખપદે રહી અનેક યશસ્વી કાર્યો કર્યા, રચનાત્મક કાર્યમાં તેમને એવી રુચિ કે સ્વરાજ્ય પછી સરદાર પટેલે કેન્દ્રિય પ્રધાન બનવા ઘણો આગ્રહ કર્યો, પરંતુ પ્રધાન તો શું, કોંગ્રેસ કારોબારીનું સભ્યપદ પણ ન સ્વીકાર્યું. લોકો એમને Gandhian Crusader (ગાંધી વિચારના ધર્મયોદ્ધા) કહેતા. વર્તમાન પાશ્ચાત્ય લોકશાહીને તેઓ Delegated Autocracy જ કહેતા. તેમને તો સાંસ્કૃતિક લોકશાહી જ મંજૂર હતી, જેમાં નાગરિક સ્વયંપ્રેરણા દ્વારા કાયદા તથા કર્તવ્યોનું પાલન કરે. એટલે ‘વિરોધ પક્ષ’ના વિકલ્પરૂપે ‘રચનાત્મક કાર્યકરોનું સુદઢ સંગઠન’ પ્રયોજતા. આ બધા વિચારોના મૂળમાં ગાંધી ઉપરાંત ઈશુનો ફાળો છે, એમ ગણાવતા.

વર્ધાથી વીસેક માઈલ દૂર સેલ્દોહ ગામમાં એમનો પન્નયી આશ્રમ 1951માં સ્થપાયો. એક વાર જવાહરલાલ નહેરુ નાગપુર જતાં થોડો વખત આશ્રમે રોકાયા, તો સ્વાગતમાં પીણું ધરાયું. કુમારપ્પાજી કહે, ‘આ કૉફી સ્થાનિક અર્જુન વૃક્ષની છાલને શેકીને બનાવેલ છે. દૂધ ગૌશાળાનું અને ખાંડ સ્થાનીય તાડના રસમાંથી તૈયાર કરી છે. કૉફીનો પ્યાલો અને ટ્રે પણ અહીંની માટીમાંથી જ બનાવેલા છે !’ પંડિતજીને આવું સો ટકા સ્વદેશી પીણું જિંદગીમાં ફરીવાર ક્યાંય પીવા નહીં મળ્યું હોય ! એના પીવડાવનારા પણ સવાસો ટકા સ્વદેશી હતા.

એમણે અર્થશાસ્ત્રનાં અનેક પુસ્તકો લખ્યાં. તેઓ અર્થશાસ્ત્રીઓમાં ખેરખાં ગણાતા. એ જમાનામાં ગાંધીની ‘માનવકેન્દ્રિત અર્થરચના’ની વાતો સ્વીકારાતી નહીં, કુમારપ્પાજીએ ગાંધીના અર્થવિચારને એવું શાસ્ત્રીય રૂપ આપ્યું કે દુનિયાભરના અર્થશાસ્ત્રીય ક્ષેત્રમાં એને આગવી માન્યતા મળી. એમનાં ત્રણ પુસ્તકો પાયાનાં છે. એક, ગ્રામ-આંદોલન શા માટે ?, બીજું, ઈકોનોમિક્સ ઑફ પરમેનન્સ અને ત્રીજું, ગાંધી અર્થવિચાર. ગાંધીના એ લાડકા સાથી હતા. 1960ની 30મી જાન્યુઆરીએ તેઓ મદ્રાસના એક દવાખાનામાં શય્યાગ્રસ્ત હતા. સાંજે મળવા ગયેલી એક બહેન કહે, ‘આજે બાપુની પુણ્યતિથિની સભા છે, તેમાં જઉં છું !’ તો કુમારપ્પાએ કહ્યું, ‘હું પણ ત્યાં હાજર રહીશ.’ પેલી બહેન વિમાસતી રહી કે આવી તબિયતે ત્યાં કેવી રીતે હાજર રહેશે ! પરંતુ સાંજ પડી અને સર્વત્ર સમાચાર ફેલાઈ ગયા કે કુમારપ્પાએ પોતાનો દેહ છોડ્યો. ગાંધીજીની શ્રદ્ધાંજલિ સભામાં નહીં, બલ્કે સ્વયં ગાંધીજી પાસે જ એમનો લાડલો સેવક બાપુના પુણ્યદિને જ પહોંચી ગયો. આવી જ ઘટના ગાંધીભક્ત ચી.ના.પટેલની બાબતમાં પણ થઈ. તેઓ 2004ની ત્રીસમી જાન્યુઆરીએ જ દિવંગત થયા.

એમને શ્રદ્ધાંજલિ આપતાં દાદા ધર્માધિકારીએ યથાર્થ કહેલું કે, ‘કુમારપ્પા આપણા જ્યેષ્ઠ સ્વજન, સમર્થ માર્ગદર્શક અને નિર્ભ્રાન્ત તત્વનિર્દેશક હતા. આજનો માણસ સંપત્તિ અને સંગ્રહ-લાલસાથી પીડાઈ માર્ગ ભૂલ્યો છે અને પોતાનું સત્વ જ ગુમાવી બેઠો છે, એ લાલસાની વ્યર્થતા અર્થવિજ્ઞાનની દષ્ટિએ કુમારપ્પાજીએ સાબિત કરી આપી હતી.’

આવા ગરીબોના બેલીને અનંત પ્રણામ !

[કુલ પાન : 373. (નાની સાઈઝ, પાકું પૂઠું.). કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : સાબરમતી આશ્રમ, અમદાવાદ તથા ‘બુકમાર્ક’, 202, પૅલિકન હાઉસ, નટરાજ સિનેમા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 26583787.]