- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સરોવરોનું શહેર : ઉદયપુર – હરસુખ થાનકી

[‘સાંવરી’ સામાયિક (કોલકતા)માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી હરસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thankibabu@gmail.com અથવા +91 9427606043 પર સંપર્ક કરી શકો છો.]

‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં રાજસ્થાનના ઉદયપુરને વિશ્વનું શ્રેષ્ઠ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત સ્થાન મેળવનારું તે માત્ર ભારતનું જ નહિ, પણ દક્ષિણ એશિયાનું સૌપ્રથમ શહેર બન્યું છે. અત્યાર સુધીની આ યાદીમાં ટોચના ક્રમે અમેરિકા અને યુરોપનાં શહેરો જ જોવા મળતાં હતાં. રાજસ્થાનનું જ બીજું શહેર જયપુર આ યાદીમાં 12મા ક્રમે છે. ‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા દર વર્ષે તેના વાર્ષિક અંકમાં ‘વિશ્વના શ્રેષ્ઠ એવોર્ડ’ના ભાગરૂપે વાચકો પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવે છે. તેના આધારે વિશ્વનાં શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરવામાં આવે છે. તેમાં લેક સિટી એટલે કે સરોવરના શહેર તથા મહેલોના શહેર ઉદયપુરને ટોચનું સ્થાન મળ્યું છે. વાચકોને સીધો સાદો પ્રશ્ન કરવમાં આવે છે કે તમારે ફરવા જવાનું હોય તો વિશ્વમાં ક્યા શહેરમાં ફરવા જવાનું પસંદ કરો. ટ્રાવેલ અને ટૂરિઝમના આ મેગેઝિનની યાદીમાં ઉદયપુર પછી બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન અને ત્રીજા ક્રમે થાઈલેન્ડની રાજધાની બેંગકોકને સ્થાન અપાયું છે.

ન્યુયોર્ક શહેરને સતત નવમા વર્ષે અમેરિકાનું શ્રેષ્ઠ શહેર જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વનાં શ્રેષ્ઠ દસ શહેરોમાં ન્યુયોર્ક આઠમા ક્રમે છે. 2008માં શ્રેષ્ઠ શહેરોની સ્પર્ધામાં ઉદયપુર અને જયપુર સામેલ થઈ શક્યાં નહોતાં, જ્યારે 2007માં ઉદયપુરને એશિયાનું બીજું અને વિશ્વનું સાતમું સુંદર શહેર જાહેર કરાયું હતું. 2008માં ઉદયપુરમાં 6,12,526 ભારતીય અને 1,86,160 વિદેશી પ્રવાસીઓ આવ્યાં હતાં. હોટલ સીરીઝમાં ઉદયપુરની ઉદયવિલાસને આઠમું અને રણથંભોરની વન્યવિલાસને 14મું સ્થાન મળ્યું છે. ઉદયવિલાસને જોકે 2007માં પ્રથમ અને 2008માં ચોથું સ્થાન મળ્યું હતું. આગ્રાની ઓબેરોય હોટલને 28મું સ્થાન મળ્યું છે.

આલીશાન મહેલો, ખૂબસૂરત સરોવરો અને સુંદર બાગ-બગીચાઓ ધરાવતું ઉદયપુર ઐતિહાસિક શહેર છે. તેના માહોલમાં આજે પણ રાણાઓની શૌર્યગાથાઓ ગૂંજતી સંભળાય છે. મેવાડ પર 1200 વર્ષો સુધી મહાન સૂર્યવંશી રાજાઓનું શાસન રહ્યું હતું. એવું મનાય છે કે કોઈ પણ ક્ષેત્ર પર આટલા લાંબા સમય સુધી શાસન કરનારો આ દેશનો એકમાત્ર રાજવંશ છે. 16મી સદીના મધ્ય સુધી તેની રાજધાની ચિત્તોડગઢ હતી. અનેક ઘટનાઓથી ભરપૂર રાજસ્થાનના ભાતીગળ ઈતિહાસમાં 1557નું વર્ષ એક વિશેષ મહત્વ ધરાવે છે. એ વર્ષે એક શહેર બરબાદ થયું હતું અને એક શહેર આબાદ થયું હતું. બરબાદ થનારું શહેર હતું ચિત્તોડગઢ ને આબાદ થનારું શહેર હતું ઉદયપુર. મોગલ શહેનશાહ અકબરની રાજસ્થાન ફતેહ આડે સૌથી મોટો અવરોધ હતું ચિત્તોડગઢ. મહાકાય અને શક્તિશાળી મોગલ સેનાઓ ચિત્તોડગઢના કિલ્લાનું કંઈ બગાડી શકતી નહોતી. વારંવાર કરાતા હુમલાઓમાં નિષ્ફળતા મળતાં અંતે અકબરે 1557માં કિલ્લામાં આરપારની લડાઈ લડી લેવાનો મનસૂબો કરી લીધો અને મોગલ સેનાએ એ વખતે જે હુમલો કર્યો તેની સામે આ કિલ્લો અભેદ્ય રહી શક્યો નહિ. મોગલ આક્રમણ સામે ચિત્તોડગઢ ધરાશાયી થઈ ગયું. પણ ખુદ નેસ્તનાબૂદ થઈને પણ ચિત્તોડગઢ એક નવા અને ખૂબસૂરત શહેર ઉદયપુર માટે પાયો રચતું ગયું. પરિણામે, જ્યાં ચિત્તોડગઢની કથા પૂરી થાય છે ત્યાંથી ઉદયપુરની કથા શરૂ થાય છે.

ચિત્તોડગઢના બરબાદ થયા બાદ ત્યાંના રાજા ઉદયસિંહ અરવલ્લીના પહાડોમાં ભટકતા રહ્યા. તેમને નવી રાજધાની વસાવવા એક સુરક્ષિત સ્થળની જરૂર હતી. એક મહાત્માએ તેમને અરવલ્લીની ગોદમાં પિછૌલા સરોવરને કિનારે રાજધાની વસાવવાની સલાહ આપી. મહાત્માની સલાહ અનુસાર જોતજોતામાં કામ શરૂ કરી દેવાયું અને ઉદયપુર વસાવીને રાજા ઉદયસિંહે તેને મેવાડની રાજધાની બનાવ્યું. મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓના ગૌરવશાળી ઈતિહાસની આ ધરતી અરવલ્લીની નાની નાની પહાડીઓ વચ્ચે આવેલી છે. 1559માં આ શહેરની સ્થાપના મહારાણા ઉદયસિંહે કરી હતી અને તેમના જ નામ પરથી શહેરનું નામ ઉદયપુર રખાયું. એ સમયે નગરની સુરક્ષા માટે શહેરની ચારેકોર મજબૂત કોટ બનાવાયો હતો. તેમાં 11 ભવ્ય દ્વાર મૂકાયાં હતાં. સૂરજપોલ શહેરનું મુખ્ય દ્વાર હતું. સમયની સાથે શહેરનું સ્વરૂપ પણ બદલાયું હતું. તેના સીમાડા કોટવિસ્તારની બહાર વિસ્તરવા માંડ્યાં, પણ આજેય એ કોટનો કેટલોક ભાગ તથા બાકી બચેલાં દ્વાર એ દૌરની ભવ્યતાનાં મૂક સાક્ષી બની રહ્યાં છે. ઈતિહાસનાં આવાં જ કેટલાંક રહી ગયેલાં ચિહ્નોને જોવા સહેલાણીઓ આજે પણ ઉદયપુરની ગલીઓમાં ઘૂમતાં નજરે પડે છે.

સૌથી પહેલાં જે મહેલ તૈયાર થયો તે આજે સિટી પેલેસને નામે ઉદયપુરની ઓળખ બની ગયો છે. આમ પણ ઉદયપુરના ઈતિહાસ અને મેવાડના મહારાણાઓની ગૌરવગાથા સમજવી હોય તો સિટીપેલેસથી વધુ યોગ્ય બીજું કોઈ સ્થળ નથી. સિટી પેલેસ ઉદયપુરનો રાજમહેલ છે. મૂળ તો તે મહારાજા ઉદયસિંહનું નિવાસસ્થાન અને રાજકાજનું કેન્દ્ર હતું. મહારાણાઓની આન, બાન અને શાનને પોતાની અંદર સમેટીને ખડો આ મહેલ એ સમયગાળાની તમામ અનમોલ વિરાસત ધરાવે છે. અહીં આવતા પ્રવાસીઓ માટે આ મહેલ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. મહેલની દીવાલોમાંથી આજે પણ ભવ્ય ભૂતકાળના પડઘા સંભળાતા હોય એવું લાગે. રાજસ્થાનના આ સૌથી મોટા રાજમહેલ સિટી પેલેસમાં પ્રવેશ માટે બે દ્વાર બનાવાયાં છે. પહેલું દ્વાર ‘બડી પોલ’ કહેવાય છે. તેનું નિર્માણ ઈ.સ. 1600માં થયું હતું. બીજું દ્વાર ત્રિપોલિયા ગેટ છે. તે ઈ.સ. 1725માં બંધાયું હતું. મહેલમાં જવા માટે આ ગેટમાંથી પસાર થવું પડે છે. ઉદયપુરનો સિટી પેલેસ ખરેખર તો ચાર મોટો અને થોડાક નાના મહેલોનો સમૂહ છે. જે જુદાજુદા રાજાઓ દ્વારા જુદાજુદા સમયે બંધાવાયા હતા. પણ તેનું નિર્માણ એટલી કુશળતાથી કરાયું હતું કે તેના પર નજર નાખતાં એવો સહેજે ખ્યાલ ન આવે કે જુદાજુદા સમયે બંધાયા હશે.

હવા મહેલ, દિલખુશ મહેલ, મોતી મહેલ અને શીશ મહેલ – આ ચાર સિટી પેલેસના મુખ્ય મહેલ છે. આ તમામ મહેલોમાં નકશીદાર ઝરૂખાઓ, કમાનો અને સુસજ્જિત સ્તંભોની ભરમાર છે. એક એક મહેલની ખૂબસૂરતી નિહાળતાં એક આખો દિવસ પણ ઓછો પડે. આખો સિટી મહેલ ફરી વળીને તેમાંની એક એક કલાકૃતિઓને મનમાં બેસાડવા માટે કમ સે કમ એક સપ્તાહ તો જોઈએ જ. મહેલોની સામે સુંદર બગીચો છે. તેમાંના ફુવારા તેના સૌંદર્યમાં ઓર વધારો કરે છે. મહેલમાં પ્રવાસીઓ પ્રવેશ કરતાં જ સામે રામ આંગન છે. તે મહેલનો સૌથી જૂનો હિસ્સો છે. તેને મહારાણા ઉદયસિંહે ઈ.સ. 1565માં બંધાવ્યો હતો. રામ આંગનની દીવાલો પર રાણા પ્રતાપે લડેલાં યુદ્ધોનાં ચિત્રો છે. આ ચાર મુખ્ય મહેલ ઉપરાંત સિટી મહેલમાં બીજાં પણ કેટલાંયે આકર્ષણ છે, જે તેના વિસ્મયકારી સૌંદર્યથી જોનારાને મોહી લે છે. સૂરજ ગોખડા (સૂર્ય ઝરૂખો), બડા મહલ, ભીમવિલાસ, ચીની ચિત્રશાળા, મોર ચોક, જનાના મહલ, ફતહ પ્રકાશ, દરબાર હોલ, શંભુનિવાસ વગેરે સિટી પેલેસની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. વહેલી સવારે ઊગતા સૂરજના પ્રકાશમાં સૂરજ ગોખડાનું સૌંદર્ય જોવા જેવું હોય છે. સૂરજ ગોખડા એક પ્રકારની બાલ્કની છે. અહીં બેસીને મહારાણા પ્રજાને સંબોધન કરતા. બડા મહલ વાસ્તવમાં 90 ફૂટ ઊંચી ચટ્ટાન પર બગીચાની વચ્ચે બનેલી સુંદર ઈમારત છે. લીલાંછમ વૃક્ષોનો શિતળ છાંયો, સ્વચ્છ અને શિતળ પવન વગેરેને કારણે અહીંથી જવાની મરજી જ ન થાય.

ચીની ચિત્રશાળામાં ચિનાઈ માટીનાં વાસણોનો સંગ્રહ છે, તો લક્ષ્મીવિલાસ મહેલ અને મોર મહેલમાં જગપ્રસિદ્ધ મેવાડ ચિત્રકલાનો ખાસ સંગ્રહ છે. મોર મહેલમાં તો દીવાલો પર બનાવાયેલી મોરની જીવંત આકૃતિઓ જોઈને એવું જ લાગે કે હમણાં મોર કળા કરીને નાચવા માંડશે. વિભિન્ન મુદ્રાઓમાં બનેલી મોરોની આકૃતિઓ જુદી જુદી ઋતુઓનું પ્રતીક છે. અહીં કાચ ટાઈલ્સની કળાના ઉત્તમ નમૂના જોવા મળી જાય. માણિક મહેલમાં કાચ અને ચીનાઈ માટીની બનેલી સુંદર આકૃતિઓ જોવા મળે છે. કૃષ્ણાવિલાસમાં એક સુંદર ચિત્ર ગેલેરી છે. આ મહેલ મહારાણા ભીમસિંહની કુંવરી કૃષ્ણાકુમારીનો હતો. ઉપલા માળ પર બાડી મહેલ છે. બાડી એટલે વાટિકા. તેના ઉપલા માળ પર એક વાટિકા છે. ટેરેસ ગાર્ડન જેવી આ બાડીમાં ઘટાદાર વૃક્ષો પણ છે. તેને જોઈને નવાઈ જ લાગે. ખરેખર તો આ ટેરેસ ગાર્ડન નથી, પણ મહેલની મધ્યે એક ઊંચા ટેકરા પર બનેલો બગીચો છે. મહેલનો આ ભાગ ઊંચા ટેકરાની ચારે તરફ બનેલો છે. મહેલના ઉપલા ઝરૂખાઓમાંથી એક તરફ શહેર અને બીજી તરફ પિછૌલા સરોવરનું વિહંગમ દશ્ય નજરે પડે છે. સિટી પેલેસમાં આવેલો જનાના મહેલ ખાસ રાજપરિવારની સ્ત્રીઓ માટે બનાવાયો હતો. આજે પણ અહીં એક ચિત્ર ગેલેરી છે. અમરવિલાસ સિટી પેલેસનું સૌથી ઊચું સ્થાન છે. ત્યાં ઝૂલતા બગીચા, મિનારા અને નકશીદાર ‘બારહદરિયાં’ છે.

આમ તો સિટી પેલેસના ચારેય મુખ્ય મહેલ એટલે કે હવા મહેલ, શીશ મહેલ, દિલખુશ મહેલ અને મોતી મહેલ પોતપોતાની આગવી વિશેષતાઓ અને ખૂબીઓ માટે જાણીતા છે, છતાં તેમાં શીશ મહેલ તેની એક ખૂબી માટે બેજોડ છે. તેમાં દીવાલો પર ફરસથી માંડીને છત સુધી તથા છતો પર પણ અસંખ્ય કાચ જડેલા છે. કુલ કેટલા કાચ હશે તેની કોઈ ગણતરી કરી શકતું નથી. પિછૌલા સરોવરને કિનારે ખડા આ રાજમહેલનો એક ભાગ હવે સંગ્રહાલયમાં તબદીલ કરી નંખાયો છે. તેમાં રાજપૂતના અસ્ત્રો-શસ્ત્રો, ચિત્રો, રાજસી પ્રતિકો અને મેવાડ તથા સિસોદિયા મહારાણાઓની અંગત વસ્તુઓનો સંગ્રહ છે. મહેલના એક ભાગમાં આજે પણ અહીંના ભૂતપૂર્વ રાજાઓના પરિવાર રહે છે, જ્યારે અન્ય ભાગોને હેરિટેજ હોટલોમાં ફેરવી નંખાયો છે.

ઉદયપુરના સૌંદર્યમાં અનેકગણો વધારો કરતાં અહીંનાં સરોવરોમાં મુખ્ય છે પિછૌલા સરોવર. સિટી પેલેસની બરાબર પાછળ ફેલાયેલા આ સરોવરનું સૌંદર્યનો સિટી પેલેસમાંથી જ ખ્યાલ આવી જાય છે. રાજમહેલની બીજી બાજુ જઈને મહેલની દીવાલો સાથે અથડાતાં સરોવરનાં પાણી જોવાની લાલચ પણ રોકી શકાતી નથી. લગભગ ચાર કિલોમીટર લાંબા આ સરોવરનું નામ પિછૌલા ગામને આધારે પડ્યું હતું. સરોવરમાં આગળ એક બંધ પણ છે. પિછૌલા સરોવર ઉદયપુર શહેર કરતાં પણ જૂનું છે. રાણા લાખાના શાસનકાળમાં ઈ.સ. 1382થી 1418 દરમ્યાન તે બંધાયું હોવાનો ઉલ્લેખ મળે છે. તેના વિષે એવું કહેવાય છે કે એક વણઝારાએ તે બંધાવ્યું હતું. એ વખતે તેની ફરતે પાળો નહોતી. તેને પાકું કરવાનું કામ રાણા ઉદયસિંહે કર્યું હતું. તળાવ સાથે સંકળાયેલી બીજી એક મહત્વની ઘટના એ બની હતી કે મહારાણા ભીમસિંહના સમયમાં એક વાર ભયંકર વરસાદ પડ્યો હતો. દિવસો સુધી ચાલેલી એ હેલીમાં ઉદયપુર લગભગ અડધું પાણીમાં ડૂબી ગયું હતું. આ વાતથી વાકેફ મહારાણા જવાનસિંહે ઉદયપુર પર ભવિષ્યમાં આવું જોખમ ઊભું ન થાય તે માટે તેમણે મોટી પાળ બાંધીને આ જોખમ સામે રક્ષણ ઊભું કર્યું હતું. આ પાળ 334 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. આ પિછૌલા સરોવરની વચ્ચોવચ એક ટાપુ પર બનેલો લેક પેલેસ પ્રવાસીઓને વિસ્મિત કરી દે છે. તેનું નિર્માણ ઈ.સ. 1730માં મહારાણા જગતસિંહે કરાવ્યું હતું. સફેદ આરસનો બનેલો આ મહેલ મેવાડના રાજાઓનો ગ્રીષ્મકાલીન નિવાસ બની ગયો હતો. ખ્યાતનામ અંગ્રેજ ઈતિહાસકાર ફર્ગ્યુસને લખ્યું હતું કે મેં આનાથી વધુ સુંદર મહેલ બીજે ક્યાંય જોયો નથી. સુંદર નકશીદાર ઝરૂખાઓ અને ટેરેસ ગાર્ડનથી સજ્જ આ મહેલ સરોવરના પાણી પર તરતો હોય એવું લાગે. આ મહેલના પણ ઘણા વિભાગો છે. જેમ કે ધોળા મહેલ, ભૂલભૂલૈયા, ફૂલ મહેલ, શંભુપ્રકાશ, સર્વઋતુ મહેલ ઉપરાંત ચંદ્રમહેલનો તેમાં સમાવેશ થાય છે. ચંદ્રમહેલના સ્તંભો પર તો સોનાના રસ વડે ચિત્રકામ કરાયું છે.

ભૂરું આકાશ, સફેદ મોતી જેવો લેક પેલેસ, તેની કોતરણી, ફુવારા અને આ બધાનું સરોવરના શાંત ભૂરા જળમાં પડતું પ્રતિબિંબ એક કદી ન વિસરાય એવો નજારો પેશ કરતું હોય છે. આ શ્વેત જળમહેલને જોઈને વિદેશીઓ તો અભિભૂત થઈ જતા હોય છે. સહેલાણીઓનું આકર્ષણ જોઈને જ જગતનિવાસ મહેલને અતીત અને વર્તમાનને જોડતી એક હેરિટેજ હોટલમાં તબદિલ કરી દેવાયો છે. આ હોટલને લેક પેલેસ નામ અપાયું છે. એ જ રીતે સિટી પેલેસમાં પણ બે હેરિટેજ હોટલો છે. લેક પેલેસ સુધી પ્રવાસીઓ બોટમાં જાય છે. હોટલ રૂપી મહેલની કમાનવાળી બારીઓ અને છતરીઓ તેનું સૌંદર્ય દૂરથી જ દર્શાવતી રહે છે.

સરોવરમાં જ એક અન્ય ટાપુ પર બનેલો જગમંદિર નામનો નાનકડો મહેલ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેની વાસ્તુકળા પર મોગલ શૈલીનો ઘણો પ્રભાવ તો છે જ, એ સિવાય પણ તેનું એક ઐતિહાસિક મહત્વ એ છે કે મોગલ બાદશાહ જહાંગીરનો શાહજાદો ખુર્રમ જે પછીથી શાહજહાં નામે ઈતિહાસપ્રસિદ્ધ થયો, તેણે બગાવત કર્યા પછી આ મહેલમાં આશરો લીધો હતો. બાદશાહ સામે બગાવત કરીને શાહજાદો ખુર્રમ ઉદયપુર આવ્યો હતો અને મહારાણા કરણસિંહની તેણે સહાય માંગી હતી. કરણસિંહે પાઘડીની અદલાબદલી કરીને તેની સાથે દોસ્તી બાંધી હતી. આજે પણ આ પાઘડી અહીંના સંગ્રહાલયમાં સચવાયેલી છે. ઈ.સ. 1857માં અંગ્રેજો સામે બળવો થયો હતો ત્યારે આ જ જગમંદિરમાં મહારાણા સ્વરૂપસિંહે અનેક અંગ્રેજ અધિકારીઓને તથા તેમનાં પત્ની-બાળકોને આશરો આપ્યો હતો. આ આખો મહેલ લાલ રેતાળ પથ્થરોથી બનેલો છે. તેની તમામ દીવાલો પર કીમતી પથ્થરો જડેલા હતા, પણ અંગ્રેજો તે કાઢી ગયા હતા. હવે તેની જગ્યાએ રંગીન મસાલો ભરેલો જોવા મળે છે. અંદર ઘણી જગ્યાએ દરબારીઓ અને પશુ-પક્ષીઓનાં ચિત્રો પણ બનેલાં છે. જગમંદિરમાં એક મોટું આંગણું છે, સફેદ આરસનો બનેલો એક ગુંબજ છે અને ઊંચી છતોવાળા ઓરડા છે. ચારેકોર સુંદર હર્યાભર્યા બગીચાઓ આ સ્થાનને ગમે તેવી ગરમીમાં શીતળ બનાવી રાખે છે. અહીં જ બ્રહ્માંડનું મંદિર છે. તે બ્રહ્માંડ સ્વામીને સમર્પિત છે. રંગસાગર, સ્વરૂપ સાગર અને દૂધ તલાઈ સરોવરો પિછૌલા સરોવરો સાથે જોડાયેલાં છે. આ સરોવરો પણ આ વિશાળ સરોવરના સૌંદર્યમાં વધારો કરવાનું જ કામ કરે છે.

ઉદયપુરથી લગભગ 48 કિલોમીટર દૂર જયસમંદ નામનું એક વિશાળ સરોવર પણ જોવા જેવું છે. આ સરોવરનું નિર્માણ 17મી સદીમાં મહારાણા જયસિંહે કરાવ્યું હતું. રાજપરિવારની સ્ત્રીઓને ગ્રીષ્મ ઋતુમાં રહેવા માટે અહીં એક મહેલ પણ બંધાવાયો હતો. જયસમંદ સરોવર એશિયાનું સૌથી મોટું બીજાક્રમનું માનવનિર્મિત સરોવર છે. બીજી બાજુ 66 કિલોમીટર દૂર રાજસમંદ સરોવર છે. કાંકરોલી ડેમથી બનેલા આ સરોવરને મહારાણા રાજસિંહે 1660માં બંધાવ્યું હતું. ઉદયપુરમાં એક ઔર મોટું સરોવર છે ફતેહસાગર. તેનું મૂળ નામ દિવાળી તળાવ હતું, પણ મહારાણા ફતેહસિંહે બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાના પુત્ર ડ્યુક ઑફ કોનોટના હાથે એના નવા બંધનો પાયો નંખાવ્યો હતો. એ પછી આ સરોવર ફતેહસાગર તરીકે ઓળખાવા માંડ્યું. આ સરોવરની મધ્યમાં બનાવાયેલા નહેરૂ પાર્કમાં પણ યુવા સહેલાણીઓની હંમેશાં ભીડ રહેતી હોય છે. આ ભીડ એવી હોય છે જ્યાં ભીડમાં રહીને પણ તેઓ એકાંત મહેસૂસ કરી શકતાં હોય છે. પહાડીઓથી ઘેરાયેલા આ સરોવરમાં પ્રવાસીઓ નૌકાવિહારનો પણ આનંદ લઈ શકે છે. આ બધાં સરોવરો જ ઉદયપુરના હવામાનને ખુશનુમા બનાવવાનું કામ કરે છે. હનીમૂન પર નીકળેલાં યુગલોનું આ મનપસંદ સ્થળ હોવાનું કારણ પણ આ સરોવરો અને ઉદયપુરનું મસ્ત હવામાન છે. ખાસ કરીને સારા ચોમાસા પછી આ સરોવરોમાં છલોછલ હિલોળા લેતું પાણી યુવાન હૈયાંઓને તરબતર કરી દે છે. પણ જો ચોમાસું સારું ન હોય તો આ સરોવરોના સૌંદર્યને ગ્રહણ લાગી જવાની પણ એટલી જ શક્યતા રહેતી હોય છે.

ફતેહસાગરની સામે મોતીમગરી નામની પહાડી છે. આ પહાડી પર મેવાડના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનું સ્મારક છે. 1572માં મેવાડની બાગડોર સંભાળ્યા બાદ 1597માં તેમનું નિધન થયું ત્યાં સુધી તેઓ અનેક યુદ્ધો લડ્યા, જેમાં સૌથી મહત્વનું હલ્દીઘાટી યુદ્ધ હતું. આ સ્મારક મહારાણા ફતેહસિંહે બનાવડાવ્યું હતું. અહીં મહારાણા પ્રતાપની તેમના પ્રિય અશ્વ ચેતક પર સવાર ભવ્ય પ્રતિમા છે. પ્રતિમાની આસપાસ સુંદર બગીચો અને ફુવારા છે. આ સ્મારક સંકુલમાં જ એક નાનકડું ખંડેર છે. તે પન્ના ધાયનું નિવાસ હતું. પરિસરમાં હાકિમખાન અને ભામાશાની પ્રતિમાઓ પણ જોવાલાયક છે.

ઉદયપુરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર સ્મારકોનું એક ઓર સ્થળ છે ‘અહાર’. બીજી સદીમાં સીસોદિયા અહોરિયાની તે રાજધાની હતી. અહીં મેવાડના પૂર્વ મહારાણાઓનાં છતરી જેવાં સ્મારકો છે. દરેક સ્મારકની સાથે એક અલગ ગાથા સંકળાયેલી છે. અહીં અહાર ક્ષેત્રનો પ્રાચીન વારસો પ્રદર્શિત કરતું એક સમૃદ્ધ સંગ્રહસ્થાન પણ છે. અહારમાં 10મી સદીમાં બનેલાં બે પ્રાચીન નકશીદાર મંદિર પણ છે. મહારાણા પ્રતાપ જ્યાં મોગલ શહેનશાહ અકબર સામે યાદગાર યુદ્ધ લડ્યા હતા તે હલ્દીઘાટી ઉદયપુર શહેરથી થોડે જ દૂર છે. આ ઐતિહાસિક સ્થળને જોયા વગર ઉદયપુરનો પ્રવાસ અધૂરો જ ગણાય. આ ઘાટી 1576માં મોગલો અને મહારાણા પ્રતાપ વચ્ચે થયેલા ભીષણ અને ઐતિહાસિક યુદ્ધની સાક્ષી છે. આ સ્થળ શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર છે. ઉદયપુર શહેરમાં બીજાં કેટલાંક જોવાલાયક સ્થળો છે તેમાં ‘સહેલિયોં કી બાડી’ પણ પ્રખ્યાત છે. પિછૌલા સરોવરની ઉત્તર બાજુએ ફતેહસિંગ સરોવરને કિનારે આ ભવ્ય મહેલ રાજપરિવારની સ્ત્રીઓના આનંદપ્રમોદ માટે બનાવાયો હતો. મહારાણા ફતેહસિંહે તેનું નિર્માણ કરાવ્યું હતું. રાણીઓ અને રાજકુંવરીઓ મોજમજા અને ફરવા અહીં આવતી. ખાસ કરીને ગ્રીષ્મ ઋતુમાં તેમને માટે અહીં એવી વ્યવસ્થા કરાઈ હતી કે અહીંનું વાતાવરણ તેમને શીતળતા આપતું. સુંદર બગીચાની મધ્યમાં બનેલી છતરીઓના કિનારા પર ફુવારા મૂકાયા છે. ફુવારા ચાલુ થતાં અહીં ચોમાસા જેવો માહોલ થઈ જતો. પવનની સાથે આવતી પાણીની વાછંટ શીતળતા બક્ષતી. આ બાગમાં પુરુષોને આવવાની મનાઈ હતી. આજે પણ અહીં પ્રવાસીઓ થોડી વાર માટે એ અનુભવ કરી શકે છે. આ બગીચામાં પણ સુંદર ફુવારા છે. પાછળ એક નાનકડું તળાવ છે. તેમાં ખીલતાં કમળનાં ફૂલ આ વાટિકાના સૌંદર્યમાં ઓર વધારો કરતાં રહે છે. અનેક સ્થળોએ આરસની પશુ-પક્ષીઓની મૂર્તિઓ બનેલી છે.

મહારાણાઓ માટે બનાવાયેલો એક ખાસ મોનસૂન મહેલ સજ્જનગઢ પેલેસ એક પહાડી પર બંધાયેલો છે. અહીંથી ઉદયપુરનાં સરોવરનું મોહક દશ્ય જોવા મળે છે. મહારાણા સજ્જનસિંહે બંધાવેલો ગુલાબ બાગમાં ગુલાબની અનેક જાતો માટે જાણીતો બની ચૂક્યો છે. બાગમાં એક પુસ્તકાલય છે. અહીં કેટલીક દુર્લભ હસ્તપ્રતો અને પુસ્તકોનો સંગ્રહ છે. અહીં એક મિની ઝૂ પણ છે. રાજસ્થાનમાં કિલ્લા અને મહેલોની જેમ જ આલીશાન હવેલીઓ બનાવવાની પણ પરંપરા રહી છે. ઉદયપુરમાં બાગોરની હવેલી આ પરંપરાનું જીવંત ઉદાહરણ છે. પિછૌલા સરોવરના ગણગૌર ઘાટ પર આવેલી આ હવેલી મહારાણા પ્રતાપના પ્રધાનમંત્રી અમરચંદ બડવાએ બંધાવી હતી. ઉદયપુરમાં આવેલા વેસ્ટર્ન ઝોન કલ્ચરલ સેન્ટરે 1986માં આ હવેલીનો કાયાકલ્પ કરાવીને તેને પુન:ગૌરવવંતી બનાવવાનું કામ કર્યું હતું. ત્યારથી બાગોરની આ હવેલી એક હવેલી સંગ્રહાલય તરીકે પ્રવાસીઓને આકર્ષે છે. આ હવેલીમાં આમ તો કુલ 138 કક્ષ છે. તેમાંના અનેક કક્ષ આજે પ્રવાસીઓ સમક્ષ મેવાડની હવેલીઓનો વૈભવ ખુલ્લો કરે છે. બેઠક કક્ષ, આમોદપ્રમોદ કક્ષ, જનાના મહેલ, શૃંગાર કક્ષ, પૂજાઘર વગેરે કક્ષોમાં એ જમાનાની ચીજોથી શણગાર કરાયો છે. અહીં મેવાડ શૈલીનાં 200 વર્ષ જૂનાં ભીંતચિત્રો અને ત્રિપોલિય ઉપર બનેલા મહેલ જેવા કક્ષમાં પચ્ચીકારી વર્ક તો ખરેખર જોવા જેવું છે. આ હવેલી સિટી પેલેસથી થોડે જ દૂર છે.

ઉદયપુરની વચ્ચોવચ 350 વર્ષ જૂનું જગદીશ મંદિર પણ સિટી પેલેસની નજીક છે. ઈન્ડો-આર્યન શૈલીમાં બંધાયેલું આ મંદિર ઉદયપુરનું સૌથી મોટું મંદિર છે. શ્રદ્ધાળુઓ અને કળાપારખુઓ માટે તે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. તેનું નિર્માણ ઈ.સ. 1651માં મહારાણા જગતસિંહ પ્રથમે કરાવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની કાળા પાષાણમાંથી બનેલી પ્રતિમા છે અને મંદિરના પ્રાંગણમાં વિષ્ણુના વાહન ગરૂડની કાંસાની પ્રતિમા શોભી રહી છે. મંદિરની દીવાલો પર મગરમચ્છ, હાથી, નર્તકીઓ અને વાદકો વગેરેની બનેલી આરસની કલાત્મક પ્રતિમાઓ મંદિરની શોભામાં ઓર વધારો કરે છે. ઉદયપુરની નિકટ બીજાં કેટલાંક દર્શનીય મંદિરો પણ છે. લગભગ 22 કિલોમીટર દૂર પ્રસિદ્ધ એકલિંગજી મંદિર છે. મંદિર એક ઊંચા કોટથી ઘેરાયેલું છે. તેની અંદર નાનાંનાનાં 108 મંદિર મોજૂદ છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. મુખ્ય મંદિરના સુંદર મંડપમાં ભગવાન શિવની ચતુર્મુખી કાળા આરસની બનેલી પ્રતિમા વિરાજમાન છે. ઉદયપુરથી 23 કિલોમીટર દૂર નાગદામાં 10મી સદીમાં બનેલું સાસુ-બહૂ મંદિર પણ જોવાલાયક છે. અહીંનાં જૈનમંદિરો પણ દર્શનીય છે. નાથદ્વારા એ વૈષ્ણવો માટેનું તીર્થધામ છે. આ સ્થાન ઉદયપુરથી 48 કિલોમીટર દૂર છે. આ મંદિરનું નિર્માણ 17મી સદીના અંતભાગમાં થયું હતું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની શ્યામવર્ણી પ્રતિમા વિરાજમાન છે. આ પ્રતિમા મહારાણા રાજસિંહે મથુરાથી લાવીને પ્રસ્થાપિત કરી હતી.

રાજસ્થાનની ધરતી પારંપરિક લોકકલાઓના મામલે પણ ઘણી સમૃદ્ધ છે. ઉદયપુર ખાતેના ભારતીય લોકકલા કેન્દ્રમાં પ્રવાસીઓને આવી લોકકલાઓ જોવા મળી જાય. અહીં લોકનૃત્યો તથા કઠપૂતલી શોનું આયોજન પણ થાય છે. કલા કેન્દ્રમાં રાજસ્થાન ઉપરાંત કેટલીક વિદેશી લોકકલાઓનાં નમૂના પણ છે. માત્ર રાજસ્થાન જ નહિ, દેશના પશ્ચિમી ક્ષેત્રની લોકકલા, શિલ્પકલા અને ગ્રામજીવનની ઝાંખી જોવી હોય તો શિલ્પગ્રામથી બહેતર બીજું કંઈ ન હોઈ શકે. શિલ્પગ્રામ પશ્ચિમ ભારતનાં રાજ્યોની સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનને દર્શાવતા એક પ્રદર્શન સમાન છે. અહીં શિલ્પકારોને તેમની કળામાં મગ્ન થયેલા જોઈ શકાય છે અને સીધી તેમણે જ બનાવેલી કૃતિઓ ખરીદી શકાય છે. અહીંનો ગ્રામીણ પરિવેશ એક અલાયદો માહોલ રચે છે. વેસ્ટર્ન ઝોન કલ્ચરલ સેન્ટર દ્વારા અહીં વિભિન્ન ઉત્સવોનું પણ આયોજન કરાય છે. ડિસેમ્બરમાં યોજાતો શિલ્પગ્રામ ઉત્સવ તેમાં મુખ્ય છે.

જે લોકોને ફરવાની સાથે ખરીદીનો પણ શોખ છે તેમના માટે પણ ઉદયપુરમાં ઘણું છે. મેવાડ રાજપૂત શૈલીનાં મિનિયેચર, નકશીકામની ચીજો, નાથદ્વારાની પિંછવાઈઓ, આરસ પર પચ્ચીકારીવાળાં શિલ્પ, કઠપૂતલી, ટાઈ એન્ડ ડાઈ વસ્ત્રો, બાંધણી, ચાંદીનાં આભૂષણો ઉપરાંત વિભિન્ન હસ્તશિલ્પ અહીં મળે છે. જગદીશ ચોક, ચેતક સર્કલ, બાપુ બજાર, કલોક ટાવર, હસ્તશિલ્પ એમ્પોરિયમ રાજસ્થલી તથા શિલ્પગ્રામ સહિતનાં સ્થળો શોપિંગ માટે જાણીતાં છે. ઉદયપુરની સ્થાનિક સંસ્કૃતિના રંગ જોવાની તક મેવાડ ઉત્સવ અને ગણગૌર ઉત્સવ વખતે મળે. વસંતના આગમન વખતે યોજાતા મેવાડ ઉત્સવ વખતે એક શોભાયાત્રા નીકળે છે. એ દરમ્યાન અહીંનાં લોકનૃત્યો, લોકગીતો તથા આતશબાજી જોનારાઓને મંત્રમુગ્ધ કરી દે છે. ગણગૌર પર્વ વખતે શણગારેલા હાથીઓ અને ઘોડાઓની સાથે એક ઝુલુસમાં ભગવાન શંકરની પ્રતિમા લઈ જવાય છે. આ દિવસે સ્ત્રીઓ પારંપરિક પોશાકો પહેરેલી નજરે પડે છે. પાર્વતીની પૂજા પણ આ પર્વનો મહત્વનો હિસ્સો છે.

કુદરતના સાંનિધ્યમાં ઈતિહાસ અને લોકસંસ્કૃતિની પરંપરા સાચવીને બેઠેલા ઉદયપુરને જો વિશ્વના નંબર વન પ્રવાસધામ તરીકે પસંદ કરવામાં આવ્યું હોય તો તે યથાર્થ જ છે…. એક વાર પણ જેઓ ઉદયપુર ગયા છે તેમને ભાગ્યે જ તેમાં અતિશયોક્તિ લાગે.