ઈંડા જેવડો દાણો ! – ટૉલ્સ્ટૉય

[‘ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આ વાર્તાઓનો અનુવાદ શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ કર્યો છે. તેની પ્રસ્તાવના કાકાસાહેબ કાલેલકરે લખી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 087રજાના કોઈ એક દિવસે ગામનાં બાળકો રમતાં રમતાં ગામ નજીક આવેલી ટેકરીઓમાં જઈ ચડ્યાં. ત્યાંથી તેમને એક અજાયબ વસ્તુ મળી. આ વસ્તુનો આકાર ઘઉંના દાણા જેવો હતો અને તેનું કદ મરઘીના ઈંડા જેવડું હતું. રસ્તે પસાર થતા મુસાફરે બાળકોને નજીવી કિંમત આપી તેમની પાસેથી એ વસ્તુ લઈ લીધી અને રાજાને ભેટ આપી. આ અજાયબ વસ્તુના બદલામાં રાજાએ મુસાફરને મોટી બક્ષિસ આપી.

રાજાએ પોતાના પંડિતોને બોલાવ્યા અને આ અજાયબ વસ્તુ હકીકતમાં શું છે તે શોધી કાઢવા જણાવ્યું. પંડિતોએ રાતદિવસ એક કર્યાં અને હતાં તેટલાં થોથાં ઉકેલી જોયાં, પણ આ અજાયબ વસ્તુ શી છે, તેનો ભેદ તેઓ પામી શક્યા નહીં. એક દિવસ રાજપંડિત એ વસ્તુ સામે મૂકી તેનો ભેદ ઉકેલવા મથતા હતા ત્યાં ઓચિંતી એક મરઘી આવી ચડી અને ઝડપથી આ વસ્તુ લઈને ભાગી ગઈ. તેણે ચાંચ મારી આ વસ્તુમાં કાણું પાડી નાખ્યું. રાજપંડિતે મહામુશ્કેલીએ મરઘી પાસેથી એ વસ્તુ પડાવી લીધી. ત્યારે તેમને ખબર પડી કે, આ અજાયબ વસ્તુ તો બીજું કશું નહીં, પણ એક ઘઉંનો દાણો જ છે ! તેણે બીજા પંડિતોને બોલાવ્યા. બધા પંડિતો ભેગા થઈ રાજા પાસે ગયા અને કહ્યું :
‘મહારાજ, આ તો ઘઉંનો દાણો છે !’
આ જાણીને રાજાને વધુ નવાઈ લાગી. તેણે પંડિતોને કહ્યું, ‘આવડો મોટો ઘઉંનો દાણો ક્યાં અને કયે સમયે પાકતો હતો તે તાબડતોબ શોધી કાઢો.’ પંડિતો પાછા કામે લાગ્યા. રાતદિવસ એક કર્યાં. બધાં થોથાં પાછાં ઉથલાવી કાઢ્યાં, પણ ક્યાંય આવડા મોટા ઘઉંના દાણાનો ઉલ્લેખ સરખો મળ્યો નહીં. આખરે તેઓ રાજા પાસે ગયા અને જણાવ્યું, ‘મહારાજ, શાસ્ત્રમાં આવડા મોટા ઘઉંના દાણાનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી.’ એક શાણા પંડિતે રાજાને કહ્યું, ‘મહારાજ, કોઈ ઘરડા ખેડૂતને બોલાવીને તેને આ અંગે પૂછી જુઓ. તેના બાપદાદાએ આવો દાણો રોપ્યાની વાત તેણે કદાચ સાંભળી હોય એવું બને.’

રાજા એ ઘરડામાં ઘરડા ખેડૂતને શોધી લાવવા હુકમ કર્યો. સિપાઈઓએ એવા ખેડૂતને શોધી કાઢ્યો અને તેને રાજદરબારમાં હાજર કર્યો. આ ખેડૂતના શરીરે અસંખ્ય કરચલીઓ પડી ગઈ હતી અને તે કેડમાંથી વાંકો વળી ગયો હતો. બે લાકડીને ટેકે ટેકે તે રાજદરબારમાં આવ્યો. રાજાએ તેને દાણો બતાવ્યો પણ ખેડૂતની બંને આંખો ચાલી ગઈ હતી તેથી તે દાણાને જોઈ શક્યો નહીં. તેણે બે હાથની વચ્ચે દાણાને થોડા વખત સુધી ફેરવ્યા કર્યો અને પછી રાજાને પાછો આપી દીધો. રાજાએ તેને પૂછ્યું, ‘આવડો મોટો ઘઉંનો દાણો ક્યા મુલકમાં પાકે છે ? તમે કદી આવું બી ખરીદેલું કે વાવેલું ખરું ?’
બુઢ્ઢા ખેડૂતે કાન પણ ગુમાવ્યા હતા, એટલે તે રાજાની વાત સાંભળી શક્તો નહીં. મહામહેનતે તેને રાજાનો સવાલ સમજાવવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘ના, મહારાજ ! મેં મારા ખેતર માટે આવું મોટું બી ખરીદ્યું નથી કે વાવ્યું પણ નથી. અમે જે બી ખરીદતા અને વાવતા તે બીનો દાણો આજના ઘઉંના દાણા જેવડો જ હતો. પણ તમે મારા બાપાને પૂછી જુઓ, તેમને કદાચ આ મરઘીના ઈંડા જેવડા મોટા ઘઉંના દાણાની માહિતી હશે.’

રાજાએ આ બુઢ્ઢાના બાપને બોલાવવા માટે માણસો મોકલ્યા અને રાજાના માણસો તેને શોધી લાવ્યા. એક જ લાકડીના ટેકે ચાલતો ચાલતો આ માણસ રાજદરબારમાં દાખલ થયો. રાજાએ તેને દાણો બતાવ્યો. આ ખેડૂતની આંખ હજુ સાબૂત હતી. તેણે દાણાને ફેરવી ફેરવીને જોયો. અને પછી રાજાને પરત કર્યો.
‘બાપજી, આવો દાણો ક્યા મુલકમાં પાકે છે ? આવું મોટું બી ખરીદ્યાનું કે વાવ્યાનું તમને યાદ છે ?’ રાજાએ પૂછ્યું.
‘ના મહારાજ, મેં કદી આવું બી વાવ્યું નથી. ખરીદ્યું તો ક્યાંથી હોય ? કારણ અમારા જમાનામાં પૈસાનું ચલણ જ નહોતું ! દરેક માણસ પોતાના ખપ પૂરતું અનાજ પકવી લેતો અને જો કોઈને ભીડ પડે તો બધા તેને મદદ કરતા. આવો દાણો ક્યા મુલકમાં થાય છે તેની પણ મને ખબર નથી. એટલું ખરું કે, અમારા જમાનામાં ઘઉંનો દાણો આજના દાણા કરતાં કંઈક મોટો હતો અને તેમાંથી આજના કરતાં લોટ પણ વધારે નીકળતો. પણ આવડો મોટો – મરઘીના ઈંડા જેવડો – દાણો તો મેં આજે જ જોયો.’ આટલું કહીને તે સહેજ અટક્યો. પછી કંઈ યાદ કરતો હોય તેમ તેણે કહ્યું, ‘મહારાજ, મારા બાપા કહેતા હતા કે તેમના જમાનામાં દાણો ઘણો મોટો થતો અને તેમાંથી ઢગલો લોટ નીકળતો. તમે એમને બોલાવીને પૂછી જુઓ કે, એવો દાણો ક્યા મુલકમાં થાય છે.’

બુઢ્ઢા ખેડૂતના બાપ પણ જીવે છે તે સાંભળી રાજાને અને દરબારીઓને ભારે નવાઈ લાગી. રાજાએ તેને તેડવા માટે માણસો મોકલ્યા અને તેઓ તેને બોલાવી લાવ્યા. આટલી મોટી ઉંમરે પણ આ બુઢ્ઢાને ટટ્ટાર ચાલતો જોઈ, દરબારીઓ આશ્ચર્યમાં પડી ગયા. તેનું તેજસ્વી કપાળ, ઝગારા મારતી આંખો અને જુવાનને પણ શરમાવે તેવી ચાલ જોઈ રાજા પણ પ્રભાવિત થયો. રાજાએ તેને દાણો બતાવ્યો. દાણાને હાથમાં લેતાં જ દાદાજી હસી પડ્યા અને કહ્યું, ‘મહારાજ ! આ દાણો તમે ક્યાંથી લાવ્યા ? ઘણે વખતે મને આવું બી જોવા મળ્યું !’ આમ કહી તેણે દાણાને સહેજ તોડીને ચાખી જોયો.
‘બરાબર, અમારા જમાનામાં પાકતો તે જ આ દાણો છે.’ તેણે કહ્યું.
‘દાદાજી, આવો દાણો ક્યા મુલકમાં અને ક્યારે પાકતો હતો ? તમે આવું બી ખરીદેલું કે વાવેલું ખરું ?’ રાજાએ પૂછ્યું.
‘અરે મહારાજ, મારા જમાનામાં તો આવડા મોટા દાણાવાળું અનાજ બધે જ પાકતું, જુવાનીમાં હું આવું જ અનાજ ખાતો અને ખવડાવતો. બધા ખેડૂતો આવું બી વાવતા અને આવું સુંદર ધાન્ય પકવતા.’ દાદાજીએ કહ્યું.
‘દાદાજી, આવું બી તમે બહારથી વેચાતું આણતા કે તમારે ત્યાં જ પાકતું ?’
રાજાનો આ સવાલ સાંભળી ખેડૂત હસ્યો અને કહ્યું : ‘અનાજ જેવી વસ્તુને વેચવાનું પાપ અમારા જમાનામાં કોઈ નહોતું કરતું. એટલું જ નહીં, પૈસા જેવી વસ્તુને અમે જાણતા પણ નહોતા. દરેક માણસ પોતાના ખપ પૂરતું અનાજ પકવી લેતો.’
‘તો દાદાજી, તમારાં ખેતર ક્યાં આવેલાં હતાં અને ક્યા મુલકની જમીનમાં આ દાણો પાકતો ?’ રાજાએ અધીરાઈથી પૂછ્યું.
‘આ ધરતીમાતા તે અમારું ખેતર. હું જે જમીન ખેડતો ત્યાં મારું ખેતર થઈ જતું. બધી જમીન ઈશ્વરની માલિકીની ગણાતી. કોઈ પણ માણસ જમીનની માલિકીનો દાવો કરતો નહોતો. માણસ પાસે માત્ર એક જ મૂડી હતી, અને તે શ્રમ-મહેનત.’

‘મારે હજુ બીજા બે સવાલ પૂછવા છે.’ રાજાએ કહ્યું, ‘પહેલો તો એ કે, તમારા જમાનામાં જે ધરતીમાતા આવડો મોટો દાણો આપતી, તે જ ધરતીમાતા આજે એટલો મોટો દાણો નથી આપતી તેનું શું કારણ ? અને બીજો, તમારા દીકરાના દીકરાને ચાલવા માટે બે લાકડીના ટેકા જોઈએ છે. તમારો દીકરો એક લાકડીને ટેકે ચાલે છે, અને તમે તો આટલી ઉંમરે પણ લાકડીના ટેકા સિવાય જુવાનને શરમાવે તે રીતે ચાલો છો. આટલી ઉંમરે પણ તમારી આંખ તેજસ્વી છે, તમારો દાંત સરખો હજુ પડ્યો નથી. તમારા અવાજમાં ઘડપણની જરા પણ ધ્રુજારી નથી, તેનું શું કારણ ?’

દાદાજી રાજાના આ સવાલ સાંભળી મીઠું હસ્યા અને પછી કહ્યું : ‘રાજાજી, અમારા સમયમાં ધરતીમાતા જેવડો દાણો આપતી તેવડો આજે આપતી નથી કારણ કે, માણસે જાતમહેનત પર જીવવું છોડી દીધું છે. આજે દરેક માણસ પારકાની મજૂરી પર જીવવા માગે છે. અમારાં શરીર આટલાં તંદુરસ્ત રહેતાં કારણ અમે ઈશ્વરના કાયદાને માન આપતા. અમારા શરીરનો બાંધો પરસેવાની રોટીથી બંધાયો છે. અમે અમારા પરસેવાની રોટી જ ખાતા અને બીજાનું કંઈ પણ પડાવી લેવાની અમને ઈચ્છા સરખી થતી નહોતી. ત્યારના અને આજના જમાનામાં જે કંઈ તફાવત જોવા મળે છે, તે આને જ કારણે છે.’ આમ કહીને દાદાજી રાજાની અને રાજદરબારની રજા લઈ, ટટ્ટાર પગલે ઘર તરફ પાછા વળ્યા.

[કુલ પાન : 372. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : નવજીવન મુદ્રણાલય. અમદાવાદ. અથવા સંપર્ક કરો : http://navajivantrust.org/ ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વચનામૃતો – રવિશંકર મહારાજ
ચંપકલાલ-ટપુડાની જુગલજોડી ! – તારક મહેતા Next »   

8 પ્રતિભાવો : ઈંડા જેવડો દાણો ! – ટૉલ્સ્ટૉય

 1. Mital says:

  વાર્તા વાંચી ને સ્કૂલ ના સમય માં જી પહોંચ્યો કેમ કે આ વાર્તા અમને અમારા અંગ્રેજી ના પાઠ્ય-પુસ્તક માં આવતી.
  બાળપણ ની અને સ્કૂલ ની યાદો તાજી થઇ ગયી.
  લિઓ તોલ્સતોય ની જેમ જ O ‘Henry ની લઘુ કથાઓ પણ અમારે અંગ્રેજી ના પાઠ્ય-પુસ્તક માં પાઠ તરીકે આવતી.
  ખૂબ ખૂબ આભાર, મૃગેશ ભાઈ.

  -મીતલ

 2. trupti says:

  જાત મહેનત જીન્દા બાદ. મારા પપ્પા કાયમ કહે કે, જાવ ખેતર ખેડો અને ચાલો ખેતર ખેડ્યે એમા જમીન આસમાન નો ફરક.

 3. Prutha says:

  શાળામા લગભગ સાતમા ધોરણમા ભણતી ત્યારે હિન્દીના પાઠ્યપુસ્તકમા પાઠ સ્વરુપે ભણેલી તે બરાબર યાદ છે..
  સુન્દર વાર્તા….બાળપણ યાદ આવી ગયુ,,,આભાર….

 4. Naresh Badlani says:

  સાચિવાત્

  true inspirebal story

 5. nayan panchal says:

  ટૉલ્સ્ટૉયની વાર્તા છે પણ જોઈએ એટલી મજા ન આવી.

  આજે ભલે દરેક વ્યક્તિ સંજોગવશાત પહેલાના લોકો જેટલુ શારીરિક શ્રમ ન કરી શકે પરંતુ જો પહેલાના લોકો જેવી માનસિકતા અમુક અંશે પણ કેળવે તો ઘણી તકલીફ ઓછી થઈ જાય.
  આભાર,

  નયન

 6. Viren Shah says:

  પહેલાના જમાનામાં ક્યારે કયો રાજા કોના પર ચડી આવશે તે નક્કી નહતું.
  યુરોપ, એશિયા એમ તમામ ખંડોમાં સતત યુદ્ધો ચાલતા હતા. વિશ્વના વસતી વાળા તમામ પ્રદેશોમાં યુદ્ધો થયા જ કરતા હતા.
  આજે યુધ્ધો પ્રમાણમાં ઘટ્યા છે. માનવી ગ્લોબલ થયો છે. સાથે સાથે માનવતા રાખવી એવી સમજદારી પણ વધી છે.
  લોકોને મદદરૂપ થનારી ચેરીટી ઓર્ગેનાઇઝ થઈ છે અને લોકોને પગભર થવા માટેના શિક્ષણનો વ્યાપ વધ્યો છે.
  હમેશા “ઓલ્ડ ઇસ ગોલ્ડ” કહીને આજના જમાનાને ગાળો શા માટે આપ્યા કરવી?

 7. pradipsinh says:

  સુન્દર વાર્તા….બાળપણ યાદ આવી ગયુ,,,આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.