ગાંધીજીના પાવન પ્રસંગો – લલ્લુભાઈ મકનજી

[‘ગાંધીજીના પાવન પ્રસંગો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] હાથમાં છોડું જ રહી ગયું !

Picture 089હિંદુસ્તાન જેવા મોટી વસ્તીવાળા દેશમાં પ્રજાની ગરીબાઈ અને બેકારીના નિવારણ અર્થે રેંટિયો અને ગ્રામોદ્યોગની ગાંધીજીએ હિમાયત કરી હતી. ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ દેશભરમાં ચાલે તે માટે તેમણે અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરી હતી અને કાર્યકર્તાઓને પ્રત્યક્ષ દોરવણી આપવા માટે સંઘના વડા મથક મગનવાડીમાં રહેવા ગયા.

આશ્રમની ઢબે જ મગનવાડીમાં કેટલાંક રોજિંદાં કાર્યો ચાલતાં હતાં. આશ્રમના નિયમો જાણી લીધા પછી ગાંધીજીએ પોતાનો દૈનિક કાર્યક્રમ તે પ્રમાણે ગોઠવી દીધો. તે વેળા મગનવાડીમાં એક નિયમ હતો કે દરેક વ્યક્તિએ કેટલીક પ્રવૃત્તિમાં ભાગ લેવો. તેમાં ગાંધીજી પણ અપવાદરૂપ ન હતા. એક દિવસ ગાંધીજીના ફાળે રસોડાનાં વાસણો માંજવાનું કામ આવ્યું. ગાંધીજીને શરીરશ્રમનાં બધાં જ કાર્યો પ્રત્યે રસ. એટલે નક્કી કરેલ સમયે તેઓ રસોડામાં વાસણ માંજવા આવી પહોંચ્યા. તે દિવસે ગાંધીજીના સાથી તરીકે કુમારપ્પાનો વારો હતો. બંને જણ વાસણો ઊંચકી કૂવા પાસે લઈ ગયા. પાસે રાખ અને માટીની ઢગલી મૂકી. હાથમાં નાળિયેરનું છોડું લઈ બંને જણ વાસણો માંજવા લાગ્યા.

ગાંધીજીના ઓરડામાં તેમની ગેરહાજરી જોઈ કસ્તૂરબા વિચાર કરવા લાગ્યાં : ‘અરે ! બાપુ ક્યાં ગયા હશે ?’ એકાદ જણને પૂછીને બાપુ વિશે તેમણે જાણી લીધું એટલે તરત જ તે કૂવા તરફ ચાલી નીકળ્યાં. દૂરથી કૂવા તરફ આવતાં કુમારપ્પાએ તેમને જોયાં. ગાંધીજી વાસણ માંજવા ગયા છે એ વાત સાંભળી બા અકળાતાં હતાં. આ ઉંમરે વધુ પડતા શ્રમથી ગાંધીજીની તબિયત બગડે તેની બાને ખૂબ ચિંતા હતી. આવી કેટલીક બાબતોમાં ગાંધીજીનો આગ્રહ બાને ગમતો ન હતો. પાસે આવી રોષ અને ઠપકાભરી આંખે થોડી મિનિટ સુધી ટગર ટગર તે ગાંધીજી તરફ જોઈ રહ્યાં. પણ ગાંધીજી તો કામમાં એવા મશગૂલ કે આંખ ઊંચી કરી બા તરફ તેમણે જોયું પણ નહીં ! બાથી આ દશ્ય સહન થતું ન હતું. તે રોષમાં ગાંધીજીને ઠપકો આપતાં બોલ્યાં : ‘અરે ! આ કામ સિવાય તમારા જેવાને કંઈ બીજો ધંધો નથી ? ઘણાં મહત્વનાં કામો તમારે કરવાનાં છે તે કરો ને. આવું કામ કરનારાં તો બીજાં ઘણાં છે.’ બાના ઠપકાથી રમૂજ અનુભવતા ગાંધીજી સ્મિત કરતા કરતા વાસણ માંજ્યે જતા હતા. બાની ધીરજનો હવે અંત આવી ગયો. ‘હવે તમે ઊઠો અહીંથી….’ કહી ગાંધીજીના હાથમાંથી બાએ એકદમ વાસણ ઝૂંટવી લીધું. ગાંધીજીના હાથમાં માત્ર એક છોડું જ રહી ગયું. બાની વાસણ ઝૂંટવી લેવાની ચપળતાથી જાણે ભોંઠા પડી ગયા હોય તેમ એક હાથ માટી અને રાખથી ખરડાયેલો અને બીજા હાથમાં પેલું છોડું પકડી ગાંધીજી કુમારપ્પા તરફ જોઈ બોલ્યા :
‘કુમારપ્પા ! તમે સુખી માણસ છો. કારણ કે આ રીતે તમારા પર રાજ કરવા તમારે પત્ની નથી. પણ મારે તો મારા ઘરની શાંતિ જાળવવા માટે બાની આજ્ઞાનું પાલન કરવું જ રહ્યું. તેથી તમારા કામમાં જોડીદાર તરીકે બાને મૂકી જાઉં તો તમે મને ક્ષમા કરશો.’

પોતાની જીવનસાધનામાં આડે ન આવે એવી બાબતોમાં ‘બાને માઠું લાગશે’, ‘રખેને બા ઠપકો આપશે.’ એવો બાની લાગણીનો વિચાર કરી ગાંધીજી બાને નમતું આપતા. આમ બાની લાગણીને વશ થઈ ગાંધીજી હાથપગ ધોઈ પોતાની ઓરડી તરફ ચાલ્યા ગયા. પછી બાએ કુમારપ્પાને મદદ કરી વાસણો માંજવાનું કામ પૂરું કર્યું. ત્યાંથી પરવારી બા ગાંધીજીની ઓરડીમાં સીધાં જ પહોંચ્યાં અને કંઈ પણ બોલ્યાચાલ્યા વિના મૂંગા મૂંગા ઊભાં રહ્યાં. ‘હું જીવતી બેઠી છું ત્યાં સુધી તમને આવું કામ નહીં કરવા દઉં.’ એમ તેમનું હૈયું બોલતું હતું. પણ ‘હવે પછી આવું કરશો ?’ એવો ઠપકો તેમની પ્રેમ નીતરતી આંખો આપી રહી હતી.

બ્રિટિશ સામ્રાજ્ય જેવી મહાન સલ્તનતને નમાવનાર વિશ્વપુરુષને ઠપકો આપવાનો અધિકાર બા જેવી આર્ય સન્નારીએ મેળવ્યો હતો તેના મૂળમાં તેમની આવા પ્રકારની સેવા અને અનન્ય પતિભક્તિ હતી.

[2] સ્વચ્છતાનું મહત્વ

બિરલા કુટુંબ સાથે ગાંધીજીને ઘણો જ ગાઢ સંબંધ હતો. દિલ્હીમાં તેઓ બિરલા ભવનમાં જ ઊતરતા. તેમના જેવા મૂડીવાદીને ત્યાં ગાંધીજી રહેતા તેથી પ્રજાના એક વર્ગને એ ગમતું નહીં. બિરલા ગાંધીજીનો ખોટી રીતે લાભ ઉઠાવે છે એવું પણ એ વર્ગ કહેતો. તેમને ગાંધીજી વિનોદમાં કહેતા કે, ‘હું પાકો વાણિયો છું. બિરલાજી મને વટાવી શકે એમ નથી.’

એક વાર બિરલા ભવનમાં ગાંધીજીનો વસવાટ હતો. સવારમાં તેઓ સ્નાનની તૈયારીમાં હતા. પણ નાહવાની ઓરડીમાં બિરલાજી સ્નાન કરતા હતા. તેઓ સ્નાન કરીને બહાર આવ્યા પછી ગાંધીજી અંદર ગયા. અંદર જઈને જોયું તો બિરલાજીનું ભીનું ધોતિયું પડેલું હતું. તેને બાજુએ મૂકીને સ્નાન કરવા કરતાં ગાંધીજીએ તે જાતે જ ધોઈ નાખ્યું અને પછી નાહવા બેઠા. બિરલાજીનો નોકર ધોતિયું લેવા આવે તે પહેલાં તો દ્વાર બંધ થઈ ગયેલું. ગાંધીજીએ પોતાનો કચ્છ પણ જાતે જ ધોઈ નાખ્યો. એ બંને કપડાં લઈ તેઓ બહાર આવ્યા અને દોરીએ સૂકવતા હતા તે દરમિયાન બિરલાજી ઉતાવળા આવી પહોંચ્યા :
‘અરે બાપુ ! બાપુ ! આ શું કરો છો ?’ કહી પોતાનું ધોતિયું ગાંધીજીના હાથમાંથી ખેંચવા લાગ્યા. આ બનાવથી તેમને માઠું લાગ્યું.
ધોતિયું સૂકવતા સૂકવતા ગાંધીજી બોલ્યા : ‘મેં ધોયું તેથી બગડી શું ગયું ? અંદર પડેલું હતું. તેના પર કોઈનો મેલો પગ પડે તેના કરતાં ધોઈને સ્વચ્છ કર્યું એ તો સારું જ થયું ને ?’
‘બાપુ…..’ બિરલાજી ગણગણ્યા. ગાંધીજી જેવા મહાપુરુષે પોતાનું ધોતિયું ધોયું તેનો ખેદ અને નાહવાની ઓરડીની તરત સાફ કરવાની બેદરકારી માટે બિરલાજીને પશ્ચાત્તાપ થવા લાગ્યો. શું બોલવું તે તેમને સમજાયું નહીં. પછી થોડી વારે તેઓ બોલ્યા : ‘આટલો બધો કામનો બોજો હોવા છતાં બાપુ ! તમે એ શા માટે ધોયું ?’
ગાંધીજી : ‘જીવનમાં સ્વચ્છતાના કાર્ય સિવાય વળી બીજું મોટું કાર્ય કયું ?’
બિરલાજી શું બોલે ?

સ્વચ્છતા વિશે ગાંધીજીના કડક આગ્રહનો ખ્યાલ બિરલાજીને હતો જ પણ સ્વચ્છતાની આટલી ઊંચી માત્રાનો અનુભવ તો આ પ્રસંગે જ થયો.

[3] ગાંધીજી અને બાળકો

ગાંધીજીનું જીવન બાળકોના જેવું નિર્દોષ, સાદું અને નિષ્પાપ હતું. બાળકોની વચ્ચે તેઓ બેઠા હોય કે તેમની સાથે ફરતા હોય ત્યારે તેઓ મહાત્મા છે એવું કોઈને લાગતું પણ ન હતું. રાષ્ટ્ર અને દુનિયાના જટિલ સવાલોનો બોજો તેમના શિરે હંમેશાં રહેતો છતાં બાળકોની હાજરીમાં તેઓ આનંદી અને હસમુખા જ જણાતા હતા. સંધ્યાસમયે ફરવા જવાનો ગાંધીજીનો ખાસ નિયમ હતો. તે વેળા બાળકો સાથે ગમ્મત કરવાની તક ગાંધીજી જવા દેતા નહીં.

હંમેશા મુજબ ગાંધીજી એક વાર સાંજે ફરવા નીકળ્યા હતા. તેમની સાથે એક સ્ત્રી પોતાનું નાનું બાળક હાથમાં લઈને ફરતી હતી. સાથે તેનો બીજો બાળક પણ પાછળ પાછળ ચાલતો હતો. ચાલતાં ચાલતાં પેલી સ્ત્રીના હાથમાંનું બાળક રડવા લાગ્યું. તેને છાનું રાખવા પેલી સ્ત્રીએ માતાની બધી કળા અજમાવી પણ બાળક રડતું બંધ થયું નહીં ! એટલે ગાંધીજીનું ધ્યાન તે તરફ ગયું. બીજા એક અંતેવાસીને પોતાની લાકડી સોંપી ગાંધીજીએ માતા પાસેથી બાળક પોતાના હાથમાં લઈ લીધું. બાળકના મૃદુ ગાલ પર ગાંધીજીએ વહાલથી પોતાનો હાથ ફેરવ્યો અને પ્રેમભરી આંખે બાળક તરફ જોઈ હસવા લાગ્યા. બાળક શાંત થયું અને ગાંધીજીના વાત્સલ્યનો જાણે જવાબ આપતું હોય તેમ સ્નેહનીતરતી ગાંધીજીની આંખો તરફ જોઈને હસવા લાગ્યું. માતૃત્વનો આવો ગુણ જોઈ પેલી સ્ત્રી ગાંધીજી તરફ આશ્ચર્યમુગ્ધ થઈને જોઈ રહી હતી ત્યાં પાછળ ચાલતો બીજો બાળક ગાંધીજી પાસે દોડી આવ્યો અને ગાંધીજીનો એક હાથ પકડી ફૂલો હતાં ત્યાં ખેંચી ગયો. ફૂલોની નજીક જઈને તે બાળક બોલ્યો : ‘બાપુ ! આ કેવાં સુંદર ફૂલો છે !’
ગાંધીજી : ‘હા, ઘણાં જ સુંદર ફૂલો છે.’
એટલામાં ત્યાંથી પસાર થતા એક કૂતરા તરફ બાળકનું ધ્યાન ગયું. તેને જોઈ તે બોલી ઊઠ્યો : ‘બાપુ ! પેલો કૂતરો જાય છે.’
ગાંધીજી : ‘હા, એ કૂતરાને જોયો.’
બાળક (કુતૂહલથી) : ‘બાપુ ! એને પૂંછડી પણ છે !’
ગાંધીજી : ‘હેં હેં ! એને પૂંછડી પણ છે ? તને પૂંછડી છે કે ?’
ગાંધીજીના અજ્ઞાન પ્રત્યે જાણે હસતો હોય તેમ બાળક બોલ્યો : ‘બાપુ ! તમે તો ઘણા મોટા થયા છો અને એટલું પણ નથી સમજતા કે માણસને પૂંછડી હોતી નથી ! તમે તો કંઈ જ જાણતા નથી.’

ગાંધીજી વિશેનો બાળકનો અભિપ્રાય સાંભળી આખી મંડળી હસી પડી.

[4] બાળકનો પ્રશ્ન

આશ્રમમાં પણ બાળકો ગાંધીજીની આસપાસ અનેક વાર વીંટળાઈ વળતાં. કોઈક વાર તો તેઓ ગાંધીજીને તાત્વિક સવાલો પણ પૂછી બેસતાં. પણ આ બધી ગમ્મત ગાંધીજી ફરવા નીકળે ત્યારે જ ખાસ થતી. એક વાર ફરતાં ફરતાં એક બાળકે પૂછ્યું :
‘બાપુ ! એક સવાલ પૂછું ?’
ગાંધીજી : ‘હા, જરૂર પૂછો.’
બાળક : ‘અહિંસાનો અર્થ બીજાને દુ:ખ ન દેવું એવો થાય ?’
ગાંધીજી : ‘હા, એવો જ થાય.’
બાળક : ‘તમે હસતાં હસતાં અમારા ગાલે ચીમટી ભરો તે હિંસા કે અહિંસા ?’
‘શાબાશ તારી હોંશિયારી !’ કહી, ગાંધીજી હસ્યા અને તેના ગાલે જોરથી ચીમટી ભરી.
‘અરે ! બાપુ ચિડાયા, બાપુ ચિડાયા…’ કહી બાળકો તાળી બજાવી હસવા લાગ્યાં. તેમના હાસ્યમાં વિશ્વવંદ્ય મહાત્માએ પણ પોતાનું હાસ્ય ભેળવી દીધું !

[5] ચોરને નાસ્તો !

પોતાના પર ઉપકાર કરનાર પ્રત્યે પ્રેમ રાખનાર અને તેનું ભલું કરનાર વ્યક્તિઓ સમાજમાં ઘણી જોવામાં આવે છે. પણ પોતાનું અહિત કરનારનું પણ ભલું થાય, તેના પર ઉપકાર કરે એવી વ્યક્તિ વિશ્વમાં વિરલ હોય છે. ગાંધીજી વિશ્વની એવી વિરલ વિભૂતિ હતા. આફ્રિકામાં પોતાના પર હુમલો કરનાર મીર આલમને ક્ષમા કરી તેના પર કેસ ન કરવો જોઈએ એવું વલણ તેમણે લીધું હતું. તેમના મૃત્યુના થોડા દિવસ પહેલાં જ પ્રાર્થનાસભા નજીક બૉમ્બ ફોડનાર પ્રત્યે પણ તેમણે કેવળ પ્રેમનાં જ વચનો કાઢ્યાં હતાં. તેઓ કહેતા કે : ‘મનુષ્યમાત્ર-દુષ્ટ અને શ્રેષ્ઠ પ્રત્યે, ધર્મી અને અધર્મી પ્રત્યે સમભાવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહીં.’ અધર્મની સામે ગાંધીજી જીવનભર ઝૂઝ્યા હતા.

‘અપકારનો બદલો અપકાર નહીં પણ ઉપકાર જ હોઈ શકે.’ એ તેમનું જીવનસૂત્ર બની ગયું હતું. એક દિવસ આશ્રમના રસોડામાં કોઈ ચોર રાત્રે પેસી ગયો. ભૂખ્યો હોવાને કારણે તે રસોડામાં પેઠો કે કેમ તે સમજાયું નહીં ! પણ કેટલાક આશ્રમવાસીઓએ તેને પકડી પાડ્યો અને એક ઓરડીમાં પૂરી રાખ્યો. સવારે તેને ગાંધીજી સમક્ષ રજૂ કરવાનું ઠરાવ્યું હતું.

સવારે પોતાનાં નિત્યનાં કર્મોમાંથી પરવારી ગાંધીજી નાસ્તો કરવા બેઠા હતા ત્યારે પેલા ચોરને તેમની સમક્ષ હાજર કરવામાં આવ્યો. કેવા સંજોગોમાં ચોર પકડાઈ ગયો તે બધી વાતો ગાંધીજીને કહેવામાં આવી. ગાંધીજી મૂંગા મૂંગા આ બધું સાંભળી રહ્યા હતા. પછી છેવટે બોલ્યા :
‘એને નાસ્તો કરાવ્યો કે ?’
આશ્રમવાસીઓ : ‘ના, બાપુ !’
ગાંધીજી : ‘પહેલાં એને નાસ્તો તો કરાવો. પછી મારી પાસે લાવો.’
‘અરે ! ચોરને નાસ્તો !’ પાસે ઊભેલા કેટલાક ભાઈઓ મનમાં ગણગણ્યા. ચોર પણ મનુષ્ય છે અને તેને ભૂખ લાગી હશે. જે આપણા બંધનમાં હોય તેને ખવડાવવાનો આપણો ધર્મ છે એવી ઉદાત્ત કલ્પના તે ભાઈઓને ન હતી. પણ ગાંધીજીનો ચોર પ્રત્યેનો પણ માનવધર્મ જોઈ આશ્રમવાસીઓને પ્રેમધર્મની નવી જ દીક્ષા મળી.

ચોરને નાસ્તો કરાવવામાં આવ્યો. પછી ફરીથી ગાંધીજી પાસે તેને લાવવામાં આવ્યો. ગાંધીજીએ તેને પ્રેમપૂર્વક સમજાવ્યું કે, ‘આવી રીતે તમારે ચોરી કરવી ન જોઈએ. ચોરી કરવી એ પાપ છે. ગરીબાઈને કારણે ચોરી કરવી પડતી હોય તો આશ્રમમાં અમે તમને કામ આપીશું.’ એક વિશ્વવંદ્ય મહાત્મા ચોરને ન્યાય કરી રહ્યા હતા. ચોરના હૃદયમાં શું ચાલી રહ્યું હશે ? અંતે ચોરને પોલીસને હવાલે ન કરતાં તેને છોડી મૂકવાનો ગાંધીજીએ હુકમ કર્યો. ચોરને ત્યારે આશ્ચર્ય થયું ! પોતે કોને ત્યાં ચોરી કરવા આવ્યો તેનો તેને ખ્યાલ આવ્યો. ચોરી ન કરવાનાં ગાંધીજીનાં વચનો સાંભળી તે આશ્રમમાંથી ચાલી નીકળ્યો.

સમાજમાં જેણે ચોરીને કર્તવ્ય માન્યું તેનો ઉપદ્રવ સહન કરીને તે આપણો ભાઈ છે એવી ભાવના તેનામાં પેદા કરવી અને તેના જીવનનું પરિવર્તન કરવું એ જ પ્રેમનો માર્ગ છે. ગાંધીજી એવા પ્રેમના માર્ગ પર જીવનભર ચાલ્યા હતા.

[કુલ પાન : 112. કિંમત રૂ. 20. પ્રાપ્તિસ્થાન : ગાંધી આશ્રમ, પ્રસિદ્ધ ગાંધી સાહિત્યની દુકાનો તેમજ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે – અનુ. દર્શા કિકાણી
સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી Next »   

11 પ્રતિભાવો : ગાંધીજીના પાવન પ્રસંગો – લલ્લુભાઈ મકનજી

 1. ખૂબ જ સુંદર સંકલન

 2. Sachin says:

  ખુબ જ સરસ્

 3. Veena Dave. USA says:

  ખુબ સરસ.

 4. જગત દવે says:

  ગાંધીજીએ ‘અહિંસા’ અને ‘સત્ય’ ને આત્મસાત કરીને તેમની આસપાસ એવું તેજોવર્તૂળ પેદા કરેલું કે તેમનાં સંપર્કમાં આવનાર દરેકને તે પ્રભાવિત કર્યા વગર ન રહે. એક નિશસ્ત્ર યોધ્ધાનું આટલા વર્ષો સુધી સઃશસ્ત્ર તાકાત સામે જીવતા રહેવું એ જ એક અકલ્પનિય ઘટના છે. અંગ્રેજો તેમની સામે હિંસા અને અસત્યને અજમાવી કેમ ન શક્યા? કદાચ ‘અહિંસા’ અને ‘સત્ય’ નું તેજોવર્તૂળ તેમની રક્ષા કરતું હતું. કદાચ તેમણે અંગ્રેજોની દુશ્મનીમાં તેમણે એવી ઈમાનદારી પેદા કરી હતી કે તેઓ પણ તેમને મીટાવી ન શક્યા. અંગ્રેજોની એ બાબત વખાણવા લાયક છે કે તેમણે ક્યારેય ગાંધીજીની હત્યા કરવા/કરાવવા જેવો વિચાર પણ ન કર્યો. (ગાંધીજીની ‘પવિત્ર દુશ્મની’ કદાચ તે માટે કરણભુત હશે?) જયારે આજે લોકો રાજકારણમાં તથા અન્ય ક્ષેત્રોમાં વિરોધકર્તા અથવા હરીફોને જ ‘પતાવી’ દેવાની તાંકમાં રહેતા જોવા મળે છે.

 5. Prutha says:

  ખરેખર જ સ્વચ્છતાના આગ્રહી એવા બાપુને માન આપતા સૌ કોઇ ભાઇ બહેનો ચાલો ભેગા મળીને બાપુના ભારતને સ્વચ્છ બનાવીએ……

 6. Bhalchandra, USA says:

  Gandhiji’s insistence on cleanliness has been useful in my life. I hope everyone in India insists,demands and obey to keep public and private property clean, like they do in Japan.

 7. Rajni Gohil says:

  આ નાના નાના પ્રસંગો પણ આપણને ઘણું શીખવી જાય છે અને પ્રેરણાત્મક બળ પુરું પાડે છે. નાના મોટા સહુને ઉપયોગી થાય તેવા પ્રસંગો પૂજ્ય બાપુની મહાનતાના દર્શન કરાવે છે. ગાંધી નિર્વાણદિન તો હમણા જ ગયો પણ તેમનું સુક્ષ્મ શરીર આજે પણ આપણને માર્ગદર્શન આપતું રહે છે. પૂજ્ય બાપુને વંદન કરી આપણે પણ “ગાંધી-માર્ગે” ચાલવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીને સાચા અર્થમા લેખકને અભિનંદન આપીએ.

 8. trupti says:

  આ બધા પ્રસંગો વાચી મને એક પ્રસંગ યાદ આવી ગયો.
  મારા પપ્પા ના મામા ચુસ્ત ગાંધીવાદી હતા અને કાયમ ખાદીજ પહેરતા અને તેમના પત્ની એટકે અમારા મામી ને પણ ખાદીજ પહેરવા નો આગ્રહ રાખતા. એકવાર બાપુ અમારા ગામ વ્યારા આવ્યા હતા અને ગામમા રેલી નીકળી હતી. ફરતા ફરતા બાપુ અમારા ગામના ઘર આગળથી પસાર થયા. મામા ગામના મોભી હતા એટલે રેલીમા તેઓ મોખરે હતા. મામાએ બાપુને મામીની ઓળખાણ કરાવી. અને વાતમા નાખી મામી ને એક સાડી આપી અને તેની સામે રૂ.૫/- વસુલકરી ગયા. તે જમાના મા એ બહુ મોટી રકમ ગણાતી હતી અને મર્યા ત્યા સુધી મામી એ મોધી (!) સાડી ને ભુલી શ્ક્યા ન હતા.

  • trupti says:

   બાપુ ની ચોખ્ખાઈ ની વ્યાખ્યા ફક્ત એક જ વાક્ય મા સમજાવી શકાય.
   બાપુ કહેતા,” માણસની ચોખ્ખાઈ તેમના ધર ના સંડાસ પરથી ખબર પડી જાય”

 9. Parth Shah says:

  તમારી આ રીત મને ગમિ , કારન કે આજના જમાનામા કોઇ ચોપડૂ ઘરે લાઈને વાચતુ નથિ પરન્તુ ચોપડિના કેટલાક લેખો તૈયાર મુકવાની રીત સરસ ચે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.