મારાં સંસ્મરણો – ગંગાબહેન પટેલ

[ઈ.સ. 1964માં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસાગરને તીરે’ પુસ્તકમાંથી સાભાર. લેખિકા તે સમયની જાહેર પ્રવૃત્તિઓમાં ખૂબ તેજસ્વી કાર્ય કરનારાં હતાં. સમાજસેવા, દુર્ભાગી દુ:ખી નારીઓ પ્રત્યે એમની સક્રિય સહાનુભૂતિ, ગાંધીજીની રાષ્ટ્રીય લડતમાં એમની પરાક્રમભરી કારકિર્દી તેમજ સાંતાક્રુઝ ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળની પ્રગતિમાં તેમનું ઘણું મોટું પ્રદાન હતું. તેમના જીવનના સંસ્મરણોરૂપે લખેલ આ પુસ્તકમાંથી આપણે પહેલું પ્રકરણ માણીએ. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.]

જૂનાં સંસ્મરણોને ઢંઢોળવાનો સમય હંમેશાં નિવૃત્તિમાં જ આવે છે. એવો સમય મને પણ લાંબી માંદગીને લીધે આવ્યો; અને સાધારણ રીતે સૂતાં સૂતાં આગલા પાછલા વિચારો આવે છે તેમ, મને પણ મારું બાળપણ આંખ આગળ રમવા લાગ્યું.

મારા દાદા શંકરભાઈ તળશીભાઈ તે વખતમાં એટલે કે 1890ના સમયમાં બહુ જ જાણીતા આગેવાન ગણાતા. દાદા સ્વભાવે ભોળા અને ઉગ્ર હતા. એમની એક બૂમે ત્યારે ઘરનાં માણસો થરથરી જતાં. પરંતુ સાથોસાથ દાદાના હૃદયમાં પ્રેમ અને નરમાશ પણ એટલાં જ હતાં. એ કોઈને દુ:ખી દેખી શકતા નહિ; એટલે અમારે બારણે હંમેશા ધારાળા અને બારૈયાનું ટોળું બાપાથી દૂર ચોકમાં બેઠેલું જ હોય. કોઈને બાપનું બારમું કરવા રૂપિયા જોઈતા હોય, કોઈને મા માંદી હોય એના વૈદા માટે પૈસા જોઈતા હોય, કોઈને દૂઝણું જતું રહ્યું હોય તો ભેંસ જોઈતી હોય, કોઈને ખેતરની દાણ ભરવાની હોય ને મુદત વીતી જતી હોય, કોઈનાં લૂગડાં ફાટી ગયા હોય, કોઈ વળી અમારો જ ખેડૂત હોય ને માગતું આપી શકતો ન હોય તે માફ કરાવવા આવ્યો હોય…. આવા માણસો ખાસા પલાંઠીવાળીને ચોકમાં બેસી રહેતા. અને યાદ આવે છે કે દાદા ‘હા’,’ના’ કરતા, બૂમો પાડતા, બધાનું મન તૃપ્ત કરતા.

આમ કરતાં સ્વાભાવિક રીતે જ તડકો થઈ જતો. પછી મારાં દાદા જરા ડોકું કાઢીને કહેતાં :
‘આ બિચારા અત્યારે બેચાર ગાઉ જઈને ક્યારે રોટલો ખાશે ? ભલાડા ગામ કંઈ અહીં પડ્યું છે ! અલ્યા સોમા, (અમારા ચાકરોમાંથી એકનું નામ સોમો હતું.) પેલો ચૂલો સળગાવીને નાનો ચરુ મૂક પાણીનો.’ એમ કહીને લગભગ દસથી બાર શેરની ખીચડી એ ચરુમાં ધોવડાવીને મૂકી દેતાં.

ખીચડી થાય તેની સાથે જાડી છાશ અને અથાણું તથા ‘અન્ન પવિત્ર’ કર્યા વિના અપાય નહિ એટલે થોડું ઘી. અને મારાં દાદીમાનું ‘થોડું ઘી’ એટલે આજના જમાનાનું શેર ઘી. અને એ આપે એમાં નવાઈ પણ શું ? કારણ કે અમારે ઘેર, પાછળના વાડામાં, ભેંસોની મોટી લાઈન રહેતી અને દરરોજ અમારે ત્યાં વલોણું થતું. એક મોટી માટીની ગોળી મોટા સૂંથિયા પર મૂકી બધું દહીં તેમાં નાખવામાં આવતું અને એમાં મોટો રવૈયો મૂકી એ રવૈયો કાંઠલા સાથે બાંધવામાં આવતો. એ બધી ક્રિયા હું કુતૂહલથી જોતી. મારા દાદાનું ઘર એટલે સંયુક્ત કુટુંબ. મારાં ત્રણ કાકી, બે ફોઈ અને ફોઈનાં બાળકો, કાકાનાં બાળકો, તદુપરાંત કોઈ ને કોઈ સગાસંબંધી આવેલાં જ હોય. એટલે ઘરમાં મોટો સમૂહ રહેતો. ઘરમાં ચારપાંચ નોકરો પણ હતા. એ લોકો રવૈયાની બે બાજુથી નેતરાં પકડીને વિધિસર ખેંચતા. અમે બાળકો કાનમાં આંગળીઓ નાખી દઈએ, તેથી તેનો અવાજ સંભળાતો બંધ થઈ જાય; અને આંગળી કાઢી નાખીએ એટલે એનો છંમછંમ અવાજ સંભળાય. અમે થોડી થોડી વારે વલોણું થતું એ ઓરડામાં ડોકિયું કરી આવતાં, અને દાદીમા ક્યારે માખણ કાઢે અને ક્યારે અમને આપે તેની વાટ જોતાં. આખરે એક મોટા તાંસળામાં માખણનો પીંડો નીકળતો અને બાળકોને હાથમાં માય એટલું માખણ મળતું. મારા દાદાના ઘરમાં એક કાયદો હતો કે અમારાથી ખડકીની બહાર રમવા ન જવાય.

અમારું ઘર વિશાળ હતું. બે ઓરડા, આગળ મોટો ચોક, ખડકી, ખડકીની બાજુમાં દાદાની બેઠક, રવેશી, પરસાળ, ઓરડો ઓળંગીને પાછળ અગાશિયું અને વાડો હતાં; એટલે સામાન્ય રીતે અમને વડીલોની આજ્ઞા આકરી લાગતી ન હતી. એક બીજો રિવાજ હતો કે કોઈ પણ જાતનાં જમણમાં અમને જવા દેવામાં આવતાં ન હતાં. તે જમાનામાં તો કોઈ મોટી ઉંમરનું માણસ મરી જાય તો પાંચસાત દહાડા જમવાનું ચાલતું. એટલે અમારા મહોલ્લાનાં બીજાં છોકરાઓ જ્યારે જમવા જતાં ત્યારે ઘણી વખત મનમાંના ભાવ દબાવીને અમે તેમને જોઈ રહેતાં. એ ટેવ મોટાં થતાં પણ રહી ગઈ તેથી આજે પણ મોટા સમારંભમાં જમવા જવાનું હોય તો મન સંકોચાય. મારા દાદાનો ધર્મ માધવગીરનો હતો, એટલે અમારે ત્યાં સાધુસંત બહુ આવતા અને ઘણી વખત દાદાની પાસે ધર્મ સંબંધી અનેક જાતની ચર્ચાઓ ચાલતી. ઘણી જ નાની ઉંમર હોવા છતાં, એમાંની કેટલીક વાતો આજે પણ મને યાદ આવે છે.

દર સાત દિવસે, એટલે કે રવિવારને દિવસે, વાળંદણ સવારના પહોરમાં વહેલી આવતી અને ચૂલા ઉપર મૂકેલા મોટા દેગડા નીચે સળગાવતી. ત્યારથી અમને છોકરીઓને મોટો ધ્રાસકો પડતો કે આજે માથું ચોળાવવું પડશે. તે પ્રસંગ પણ આજે યાદ આવે છે કે જ્યારે અમે અમારાં બાળકોને વઢીએ છીએ ત્યારે, અમે પણ કેટલું તોફાન કરતાં હતાં તે જો યાદ કરીએ તો વઢવાનું મન ન થાય.

મારા દાદાનું ગામ સોજિત્રા. તે ગાયકવાડી રાજ્યમાં આવેલું. મહારાજા સયાજીરાવે સ્થળે સ્થળે કન્યાશાળાઓ ઉઘાડેલી અને રસોઈવર્ગો પણ ઉઘાડેલા. મારાં ફોઈ વગેરે એ વર્ગોમાં રસોઈ શીખવા જતાં. સંયુક્ત કુટુંબનો આનંદ કંઈ જુદો જ હતો. આટલાં બધાં છોકરાંઓ, પણ ‘આ મારાં, આ પેલાંનાં’ એવું સાંભળતાં જ નહિ. બધાને સમાનભાવે જ રાખવામાં આવતાં. અને તે પણ માત્ર સમાન રાખવાની ઔપચારિકતાથી નહિ, પણ કુદરતી રીતે જ બધાં સમાન છે એવી સાહજિકતાથી. મારા સૌથી મોટા કાકા ઈશ્વરભાઈ શંકરભાઈ ઘણા બુદ્ધિમાન હતા. એમનો દેખાવ પણ આકર્ષક હતો. ઊંચા, શરીરે પહોંચતા, મોટું કપાળ, તેજસ્વી આંખો, ઊજળો વાન : એમને જોતાં જ હાથ જોડવાનું મન થાય એવા દેખાતા હતા. મારા મોટા કાકાની રહેણીકરણી ઘણી જ ગૌરવભરેલી હતી. મને યાદ છે કે હંમેશાં તેઓ ચાંદીની થાળીમાં જ જમતા. એમનાં નાહવાધોવા, સૂવા બેસવા, ખાવાપીવા વગેરે બાબતોમાં ખૂબ જ કાળજી રાખવી પડતી. પગમાં પાવડી વિના કદી ભોંય પર પગ મૂકતા નહિ. એમણે એટલું બધું વાંચેલું હતું કે મોટા વિદ્વાનો આવી, એમની પાસે બેસી, એમની સાથે ચર્ચા કરવામાં આનંદ લેતા. અમે પાટીદાર હોવા છતાં, અમારા કુટુંબમાં જનોઈ પહેરવાનો રિવાજ મારા કાકાએ દાખલ કરાવ્યો હતો. તેઓ પાઠપૂજા કરવા બેસતા ત્યારે ખરેખર પૂજ્યભાવ થતો. એ ચાર ભાઈઓમાં મારા પિતાશ્રી ત્રીજા હતા. મોટાકાકાથી નાનાભાઈ મથુરભાઈનું મગજ જરા નબળું પડવાથી તેઓને કુટુંબના ભારમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને એમને જુદું ઘર અને જમીન આપી અલગ કર્યા હતા. જોકે એમનું ઘર અમારી લાઈનમાં જ હતું. ત્રણ ભાઈઓને એક એક દીકરી અને નાનાભાઈ કશીભાઈને છ દીકરીઓ હતી.

દાદાનું મોસાળ કરમસદ રામદાસ મોટાના કુટુંબમાં હતું. નાનપણમાં થોડું કરમસદમાં રહેલા હોવાથી એમનામાં હિંમત ખૂબ હતી. તેઓ અડધી રાત્રે પણ બહાર નીકળે તો ચોકિયાતને ઉઠાડતા નહિ, પણ એકલા નીકળી પડતા. પણ એમનો ચોકિયાત અભેસિંગ એટલો કાળજીવાળો હતો કે દાદા બહાર નીકળે કે હાથમાં ધારિયું લઈને ચૂપચાપ તેમની પાછળ નીકળી પડતો. તે દહાડે આટલાં બધાં ઘર નહોતાં. ફક્ત આઠ-દસ ઘર હતાં, એટલે જરા ચોરનો ભય હતો.

દાદાની જમવાની રીત પણ નિરાળી હતી. એ સવારમાં કંઈ ખાતા નહિ. નહાય ધુએ, કંઈ ભગવાનનું નામ દે, કોઈ આવ્યું ગયું હોય તો તેની સાથે વાત કરે. કોઈ વખત અમારાં દાદીમા તેમને આગ્રહ કરીને શિયાળામાં મેથીના લાડુ કે ગુંદરપાક કે મઠિયાં આપી જાય તો તેઓ અમને બોલાવીને ખવરાવી દેતા. અને દાદીમા કહેતાં, ‘બળ્યું, તમારે તો કોઈ દહાડો ખાવું જ નહિ. છોકરાંને તો આપીએ છીએસ્તો. શું કરવા વહેંચી દીધું ?’ છતાં વળી કોઈ વાર દાદીમા ખાવાનું આપી જતાં ને અમે ઉજાણી કરી જતાં. તેઓ બરાબર બાર વાગ્યે જમવા બેસતા. અને જમતાં ખાસી વીસ પચીસ મિનિટ કાઢતા. એમના જમવામાં હંમેશાં કંઈક ગળપણ જોઈએ જ. છૂટું ચૂરમું કે કંસાર હોય તો તેઓ ઘીમાં સારી રીતે ચોળીને, દૂધમાં બોળી દેતા અને એ દૂધ પણ ચાળીસ તોલાથી ઓછું તો નહિ જ. કાંસાની મોટી તાંસળીમાં ભીંજવીને ચમચાથી જમતા. રાત્રે વાળુ કરવામાં પણ બશેરેક દૂધ, બે-ત્રણ બાજરીનાં રોટલાંની ભૂકી અને તેમાં પતાસાં નાખતા. તાંસળીમાં અડધા કલાક પહેલાં આ ભીંજવી મૂકવામાં આવતું. પછી એ જમતા. એમને ફરસાણ કે એવા કાથાકબલા ગમતા નહિ. જમી રહ્યા પછી બપોરે બે કલાક ઊંઘતા અને રાત્રે બે કલાક બેસતા. જમી રહીને જ્યારે ઓડકાર ખાતા ત્યારે અમારા ઘરથી દૂર, લગભગ બે ફલાંગ છેટે કૂંડ છે ત્યાં એમનો ઓડકાર સંભળાતો અને જાણકારો કહેતા કે સારાકાકા જમીને ઊઠ્યા ! જેમ પોતે જમી જાણતા તેમ બીજાને જમાડી જાણતા. એમને બહારગામ જવાનું બહુ ગમતું નહિ. અને જ્યારે જતા ત્યારે પૂરા ઠાઠથી જતા. એમનો બોલ કોઈ પાછો વાળે તે એમનાથી જરાય સહન થતું નહિ. તે સમયના લોક પણ કંઈક વ્યવહારકુશળ હોવાથી એમની સાથે વિવેકથી વાતચીત કરતા. એ કોઈ દિવસ જૂઠું વચન આપતા નહિ, એ વાતનો એમને ગર્વ હતો. અને ઘણી વખત અમે સાંભળતાં કે, ‘અલ્યા, આ તો શંકરભાઈ તળશીભાઈનો બોલ છે, તું સમજે છે શું ?’ આવું તેમને પોતાના શબ્દો માટે માન હતું.

મારા દાદાને ત્યાં કોઈ પ્રસંગ આવે ત્યારે સૌને બોલાવવામાં આવતાં, એટલે નાના અવસરમાં પણ ભવ્યતા લાગતી. દાદાજીનો સ્વભાવ ભોળો અને આકરો હોવાથી એમનાથી બધાં ડરતાં પણ ખરાં અને એમનો લાભ પણ ઉઠાવતાં. આવી રીતે એમના સંબંધીઓમાં, એટલે કે મિત્રોમાં તેઓ ઘણી વખત આર્થિક બાબતમાં ગૂંચવાઈ જતા. મને યાદ છે કે અમારે ત્યાં એટલું બધું અનાજ આવતું કે ચોકમાં તેના મોટા મોટા ઢગલા કરવામાં આવતા, અને ઢગલામાં કોઈ ન દેખે એવી રીતે અમે બાળકો કૂદાકૂદ કરતાં.

હવે આજ લાગે છે કે અત્યારે જેમ હાજરમાલ વિનાનાં વાયદાનાં બજાર ફોગટિયાં ચાલે છે તેવી રીતે તો નહિ, પણ તૈયાર માલના તે વખતે સટ્ટા ચાલતા હશે. કારણ કે મારા દાદાએ એક વખત કાબરી નામનાં તેલીબિયાંનો સેંકડો મણનો સોદો કરેલો, એટલે કે ખરીદી કરેલી. તેની અંદર એમના કેટલાક મિત્રો ભાગીદાર હતા. પરંતુ આજના જમાના જેમ એ વખતે લખતપત્રક કરવાનો રિવાજ નહિ હોવાથી વચનને વિશ્વાસે જ વહેવાર ચાલતો. બન્યું એવું કે અચાનક કાબરીના ભાવ ખૂબ ઘટી ગયા, અને મારા દાદાને ન ધારેલી ખોટ આવી. કારણ કે જે મિત્રોએ ભાગ રાખવાનું કબૂલ કર્યું હતું તેમણે પોતાનો એ બોલ પાછો ખેંચી લીધો. એટલે એ મિત્રોને ભાગે આવેલી ખોટનાં નાણાં પણ મારા દાદાએ જ ચૂકવવા પડ્યા. મિત્રો વેપારી સ્વભાવના હોવાથી થોડા વખત પછી મારા દાદાના નામનું ખાતું ચોપડામાં શરૂ કરી દીધું. દાદાએ કંઈ વાંધો ન લીધો અને વ્યાજ ચાલુ થઈ ગયું. દાદા પાસે ભલાડામાં અને તરમોવાડ નામના ગામમાં ઘણી જમીન હતી, પરંતુ તે મોટે ભાગે ધારાળા અને બારૈયા ખેડતા. એટલે જોઈએ તેટલી એની આમદાની આવતી નહિ. મારા મોટા કાકા જૂનાગઢ સ્ટેટની નોકરીમાં ગયા પછી મારા પિતાશ્રી પણ ગયા અને નાનાકાકા ભાવનગર સ્ટેટમાં ગયા. એટલે દેખરેખ રાખનારું ખાસ કોઈ રહ્યું નહિ. પરિણામે એક સમય એવો આવ્યો કે દાદાજીના મિત્રોએ પેટલાદની કોર્ટમાં તેમની સામે દિવાની દાવા દાખલ કર્યા.

અજબ જેવી વાત તો એ હતી કે આ દાવામાં પેટલાદ મુદત હોય ત્યારે મારા દાદા પોતાના મિત્રોને અમારી જ બળદગાડીમાં પેટલાદ લઈ જતા. એટલું જ નહિ, પણ આખો દિવસ ત્યાં ગાળવાનો તેથી આખા દિવસનું ખાવાનું-પૂરી અને ઢેબરાં અમારે ત્યાંથી કરાવી લેતા; અને જમવાની વખતે ખૂબ પ્રેમથી અથાણું, ઢેબરાં, દહીં વગેરે પોતાના મિત્રોને જમાડતા. ઉપરથી મગસનાં ચકતાં પણ આગ્રહ કરી પીરસતા. દાવો લઢીને બધા મિત્રો સાંજ પડ્યે દાદાની જ ગાડીમાં ઘેર આવતા. તે વખતમાં અમારી કોમમાં શંકરભાઈ તળશીભાઈનું નામ ખૂબ આગળ પડતું ગણાતું.

આજથી દોઢસો વરસ પહેલાં, જ્યારે કોઈ પરિષદો કે સંમેલનો કે સુધારાઓ લગભગ જાણતાં નહિ તે કાળમાં મારા દાદાએ ડાકોરમાં પાટીદારોનું સંમેલન કરેલું અને જ્ઞાતિના રીતરિવાજો માટે બંધારણ ઘડેલું, અને ઠરાવો પસાર કરેલા. એમણે એ ઠરાવોની એક નાની સરખી ચોપડી પણ છપાવેલી, જે હજી પણ અમારા ઘરમાં છે. તેઓ એટલા બુદ્ધિશાળી હતા કે તે સમયે કુશળતાની કસોટી સમી ગણાતી શતરંજની રમતમાં એક્કા ગણાતા. અને એ રમત રમતા એમને વડોદરાથી શ્રીમંત ગાયકવાડનું આમંત્રણ આવતું. તેઓ અવારનવાર જીતતા તેથી ખુશ થઈ શ્રીમંતે તેમનું ખૂબ સન્માન કરેલું.

મારાં દાદી, જોરાભાઈ બાપાનાં દીકરી ગુજરી ગયાં પછી દાદાનાં લગ્ન ફરીથી ઉત્તરસંડામાં થયેલાં. તે લોકો પણ મોટા જમીનદાર અને શ્રીમંત હતા, એટલે મારાં દાદીમાનો સ્વભાવ ખૂબ ઉદાર હતો. તે દહાડે અનાજ, ઘી કે દૂધની તો ખોટ હતી જ નહિ, એટલે સૂપડું ભરીને ડાંગર કે બાજરી અને પાટિયો ભરીને ઘી આપતાં દાદીમા કદી અચકાતાં નહિ. અમારે ત્યાં મોટું આંબાવાડિયું હતું. તે સમયમાં ફળ કે રસ-ઘી, દૂધ, દહીં-પાટીદાર કદી વેચતા નહિ. એટલે મને યાદ છે કે, મોટા ટોપલાઓ ભરીને નોકરો કેરી લઈ જતા. સાથે લાંબી યાદી લખેલી હોય. અને નામ પ્રમાણે ગોર દરેકને ઘેર કેરીઓ પહોંચાડતા.

મારાં ત્રણ કાકીઓનું પિયર અને મારાં માતુશ્રીનું મોસાળ તારાપુર હતું. એટલે મારાં ત્રણે કાકીઓને અમે બધાં છોકરાં માસીના નામથી સંબોધતાં. આ માસીઓનું વહાલ હજી પણ યાદ આવે છે. નવડાવતાં, ખવડાવતાં, સુવડાવતાં એ કાકીઓ હજી જાણે દષ્ટિગોચર થાય છે. કેટલો સ્નેહ હતો ! કેટલું મમત્વ હતું ! મોટી ઉંમર થયા પછી પણ સાસરે જવાનાં હોઈએ ત્યારે માટલી કરવાની, પૂરી કરવાની, પેટી ગોઠવવાની, એ બધું જ કાકીઓ કરતાં. એ કરતાં કરતાં એમના મુખ ઉપર જે આનંદ અને વાત્સલ્ય દેખાતાં તે અજોડ હતાં.

અમારાં કૌટુંબિક ઘરો ગામની વચ્ચે દરવાજામાં હતાં, પણ મારા દાદાએ ‘બદાવડા’ નામના ખેતરમાં નવાં ઘરો બાંધેલાં તેથી તે ઘરો ‘નવાં ઘરો’ અથવા તો ‘બદાવડું’ એ નામથી પ્રચલિત છે. દરવાજાનું જૂનું ઘર દાદાના મોટાભાઈ ઝવેરભાઈ તળશીભાઈની પાસે રહેલું. એટલે આ ‘બદાવડા’માં ખુલ્લી હવામાં રહેવામાં અને મોટી વિશાળ જગ્યાઓ વાપરવામાં અમને તો ખૂબ આનંદ આવતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્યમેવ જયતે – સંકલિત
વિશ્વાસની પકડ – કલ્યાણી ત્રિવેદી Next »   

9 પ્રતિભાવો : મારાં સંસ્મરણો – ગંગાબહેન પટેલ

 1. Milin Shah says:

  Very very nostalgic article. Everyone would slip back to their childhood days where one would have spent time together with their grand parents back into their native places.

  I am disappointed that in today’s world, because of the nuclear family system the coming generation would only have these experiences read in the literature but never felt.

  Really, those were the days.

 2. Pravin V. Patel [USA] says:

  આ છે સંયુક્ત કુટુંબની ભાવનાશાળી મંગલ ગાથા.
  નર્યા પ્રેમની સરવાણી..
  આજના સંજોગોમાં દુર્લભ છે, આ ગંગાની ધારા.
  પ્રભુને પ્રાર્થીએ————રાજી રહો, દયા કરો, કૃપા વરસાવો.
  આભાર.

 3. Sakhi says:

  Very nice Artical.

 4. Gopal Shah says:

  સુરજ બરજાતીયા નિ કોઇ ફિલમ ની કહાની સાંભળતા હોયે એમ લાગ્યું. આજ ના યુગ માં અને એ પણ આજ ના યંત્રવત જીવન માં આવુ ઘર અને આવો પરીવાર તો ભાગ્યેજ સાંભળવા મળે તો પછી જોવા ની તો ક્યાં વાત જ રહી…. જો આવું ઘર હોય તો એ ઘર ફક્ત એક ઘર નથી રહેતું પણ્ એક મંદીર બની જાય છે….

 5. Dhrutika says:

  This is my childhood story….with my Ba & Dadaji in Nadiad…
  Really…those were the days….100% pure…

 6. જય પટેલ says:

  સંયુકત પરિવારના મૂલ્યો વ્યકત કરતા યાદગાર સુસ્મરણો.

  દાદાનું મોસળ કરમસદ રામદાસ મોટાના કુટુંબમાં હતું. નાનપણમાં થોડું કરમસદમાં રહેલા હોવાથી
  એમનામાં ખુબ હિંમત હતી….લેખિકાનાં સ્મરણો.

  મારા કરમસદના પાણીમાં જ કંઈક છે. કરમસદની ધરતીનું પાણી જે પીવે તે અચૂક નિર્ભય બને.
  રામદાસ મોટાનું નામ અમારા…છ ગામ પાટીદાર સમાજમાં…ખુબ માનથી લેવાતું.
  આ કુંટુંબ રામદા મોટાના નામે સુવિખ્યાત હતું. રામદા મોટાના કુંટુંબમાં કન્યા આપવી
  તે ગૌરવની વાત ગણાતી.

  વલોણું….માખણ વાંચી મારા મોસાળ નડિયાદમાં વલોણામાંથી નીકળેલ તાજા માખણની જ્યાફત
  બાળપણમાં માણેલી તે દ્રષ્ય આજે આંખો સમક્ષ આવી ગયું અને ગમાણમાં ભેંસની લાત
  ખાધેલી તે તો કેમ ભુલાય ?

  લખાવાડ વિસ્તારમાંથી મારા મામા ભેંસોને લઈને નીકળતા તે આજેય યાદ છે.

  માતૃભુમિ કરમસદને ભાવભર્યા વંદન.
  સર્વેને નમ્ર સ્મર્ણાંજલિ.

 7. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Mesmerizing. I always ask questions to my parents about their childhood and enjoy all the stories even today… many times the repeat once. Now my daughter is doing the same.

 8. Harshad Patel says:

  Sojitra is my native place and I do have vivid memories of my home town. In education it was leading in the area. Many mayors and vice chancellors are from Sojitra. I do admire the prominent people and their contribution to Gujarat.

 9. Ramesh Desai. USA says:

  To Harshad Patel, Are you from Alabama? If so, I am from New Jersey and my mom is from Sojitra. Very good article.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.