અગ્રંથસ્થ શબ્દયાત્રા – રાવજી પટેલ

[ સુપ્રસિદ્ધ કવિ, વાર્તાકાર તેમજ નવલકથાકાર શ્રી રાવજી પટેલની કેટલીક અપ્રગટ રચનાઓને લઈને તાજેતરમાં ‘તાદર્થ્ય’ સામાયિક દ્વારા ‘રાવજી પટેલ : અગ્રંથસ્થ શબ્દયાત્રા’ નામનો વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાંની બે વાર્તાઓ આજે આપણે અહીં માણીશું. ગ્રામ્ય શૈલી અને તળપદી ભાષાના સંવાદો અને ભાવોનું વર્ણન કરતી પ્રસ્તુત વાર્તાઓ પ્રેમ અને કરુણાનો સંદેશ સરળ શબ્દોમાં રજૂ કરે છે.]

[1] પ્રીસ્ક્રીપ્શન

ડોક્ટરે છેલાને બહાર બેસવા કહ્યું. ડોસો દેવની મૂર્તિ સામે બેઠો હોય એમ ડોક્ટરને કરગરી પડ્યો. બારણા બ્હાર ફીક્કી નજર નાખીને ડોસાએ ધીમેથી પૂછ્યું : ‘દાગતર સા’બ, ઈને ખઈ રોગ (ક્ષય રોગ) તો નથ્ય ને ?’
ડૉક્ટરનો હકાર સાંભળીને ડોસાના પગ ભાગી ગયા. ધ્રૂજતે હાથે પ્રીસ્ક્રીપ્શન લઈને તે દીકરા પાસે આવ્યો. શિશિરના પાંદડા જેવો એનો ચહેરો જોઈને ડોસો એને ‘ઉઠ બેટા’ એટલું પણ ન કહી શક્યો. બન્ને ઘેર આવ્યા. પાછલી પછીતે છાણાં થાપતી છેલાની મા દોડી આવી. ડોસાનું પડી ગયેલું મ્હોં જોઈને એની ઘરડી આંખનો ખૂણો ભીનો થયો. ડોસો ત્યાં ઝાઝું ન ટકી શક્યો. ઘરમાં જઈ થોડુંક ઊભો રહ્યો અને બારણા પાછળથી લાકડી લઈને….. ‘ફકર્ય ચંત્યા ન કરતી…’ એમ બબડતો બબડતો પરસાળમાં આવ્યો. ઘરમાં ફૂટી કોડી ય નહોતી. દવા વગર છેલો નહીં બચે. આજે ચુંગી સળગાવવાનું પણ મન થતું નહોતું. પાંગેથ પર છેલાની મા બેઠી હતી. ઘેટું બેઠું હોય એવી ગરીબ. અચાનક ડોસાને ઈલાજ સૂઝ્યો. ખીંટીએથી કેડિયું ઉતાર્યું, પહેર્યું. પછેડીને છેડે પ્રીસ્ક્રીપ્શન બાંધ્યું અને વાડા પાસે આવ્યો. એને ઝાંપલી આગળ ઊભેલો જોઈને ઘેટાં બેંબેં કરવા લાગ્યાં. ડોસે વાડામાંથી નબળાં જોઈને બારેક ઘેટાં કાઢ્યાં. અને તેમને લઈને નીકળી પડ્યો….

ધૂળિયા રસ્તા પરથી સડક પર પગ મૂકતાં જ તે દાઝ્યો. સૂરજ માથે ચડતો હતો. એ ઘણીવાર શહેરમાં ઘરવખરી લેવા જતો. કતલખાના પાસેથી ઘણીવાર ગુજર્યો હતો અને તેની આંખમાં ખુન્નસ ઝલપાતું. એ ઘેટાં લઈને છેક કતલખાનાના ઝાંપા આગળ આવી ઊભો. ઝાંપે ઊભેલા માણસને કગર્યો.
‘એ બાપલિયા, ઘર્યે સોકરો ખઈમાં રિબાય સે, પાંહે દવા લાવ્યાનો પૈસો નથ્ય, આ….’ ઘેટાં ભણી જોઈને એણે નજર વાળી લીધી. ઘેટાં છેક વાડેથી પૂંઠે પૂંઠે આવ્યા અને કોણ જાણે શીય મરવાની ગંધ આવી કે ઝાંપો જોઈને ચૂપ થઈ ગયાં. સોદો નક્કી થયો. ડોસે પછેડીને છેડે બાંધેલું પ્રીસ્ક્રીપ્શન કાઢ્યું, એના પર દુ:ખી હાથ ફેરવી જોયું અને પછી એક એક ઘેટાને નજરમાં ભરી લીધું.

બધાંને અંદર ધકેલવા એણે ડાંગ ઊંચકી. એકેય ઘેટું ઝાંપાની અંદર પેસવા તૈયાર ન થયું. જિંદગીમાં પહેલીવાર ડોસાએ આ અચરજ દીઠું. ‘મુઆ સેંમાડે હતાં ત્યાણે તો બેંબાકરો કરી મેલતાં’તાં, ને નખ્ખોદિયાંને અસાનક આ શું હુઝ્યું કે ચૂપ થઈ ગયાં !’ પોતાને ડચૂરો ભરાય એ રીતે એણે ડાંગ વીંઝી. ભયાનક શાંતિ બારેય ઘેટાં પર તોળાઈ રહી. અંદરથી બીજા ત્રણ-ચાર જણ ડાંગો લઈ લઈને હડી આવ્યા ત્યારે તો ડોસાની આંખો લગભગ પલળી જ ગઈ ! ‘રહેવા દો…..રહેવા દો….ઈયાંને….’ બોલતો બોલતો એ જ ઘેટાં પહેલાં કતલખાનામાં પેઠો. અંદર ખુલ્લા ચોકમાં લીમડીનું ઝાડ હતું. એના છાંયા નીચે જઈને ડોસો ઊભો. સીમના વૃક્ષ નીચે ઊભો હોય એમ એણે ‘હિયોહ’ કર્યું. તોય એકે ઘેટું અંદર ન પેઠું. એને રડવું આવે એવી ખીજ ચડી. ઝાંપા લગી તે આવે તે પહેલાં પેલા માણસો બચારાં પર તૂટી પડ્યા. ઘેટાં બેંબાકરો કરવા મંડ્યા. ડોસો ઘડીક લીમડી નીચે ને ઘડીક ઝાંપા તરફ આવે-જાય, ને છેવટે ડાંગોની તડી સહી ન જતાં બચારાં ઘેટાંને લાગ્યું કે આના કરતાં તો મોત સારું. બાપડાં બધાંય એક એક કતલખાનામાં પેઠાં. બાપ વગરનાં છોકરાં જેવાં ઘેટાંને લીમડા નીચે આવતાં ડોસાને સીમની ખુલ્લાશ સાંભરી. બધાંય એની ચોતરફ. બધાંય જાણે એને વળગી પડ્યાં.

….ને અચાનક ડોસે રાડ પાડી અને તે ઝાંપા બ્હાર નીકળી પડ્યો. ‘હિયોહ’ કરતો લગભગ બોલી ઊઠ્યો, ‘એકને સારું બારેયને ગરદન નથ્ય મારવો…’ ક્ષણવારમાં તો બધાંય ઘેટાં ખુલ્લી સડક પર આવી ઊભાં. એક તો દોડી ગયું છેક આગળ… મુક્તિનો આનંદ એમનાં ગળામાં ઘૂંટાવા લાગ્યો. આ જોઈને ડોસે થોડેક છેટે જઈને આગલા ઘેટાને ઊંચકી લીધું. મરવાના વાંકે ખાટલીમાં સૂતેલા છેલાને ઊંચકતો હોય એમ એને બચીઓ કરી. પછી શુંય સૂઝ્યું કે પછેડીને છેડે બાંધેલું પ્રીસ્ક્રીપ્શન કાઢીને ફાડી નાખ્યું અને નાક લૂછતો લૂછતો ઘરની વાટે ચડી ગયો…
.

[2] શિવ

મારી માસી એક બારૈયાને લઈને ભાગી ગઈ એ પછી શિવનું પોતીકું માણસ કોઈ ન રહ્યું. માસો હતો પણ એ ‘માણસ’ જ ક્યાં હતો ? હરાયા પાડા જેવો ગામમાં ઘેર ઘેર રખડતો. હુક્કો ને ચા મળે ત્યાં જ ઘર કરીને પલાંઠો વાળતો. ઘેર આવીને શિવને હાથમાં આવ્યું તે લઈને જુવાર-બાજરીનાં ઠૂંઠાની જેમ ઝુડવા માંડતો. છેવટે કસાઈ જેવા બાપથી ત્રાસી-નાસીને શિવ છેવટે અમારે ઘેર આવ્યો.

એ આવ્યો ત્યારે રાત પડી હતી. બહાર વરસાદનાં ઝાપટાં પડતાં હતાં. ને અંદર હું મધુ જોડે સોળકૂટી રમતી હતી. બા-બાપુ ખેતરમાં ઓરીને આવ્યાં એની વાતે ચડ્યા હતા અને જમવાનું મોડું થયું હતું એટલે ચૂલે ખીચડી ખદબદતી હતી. આ પહેલાં એ અમારે ઘેર નહોતો આવ્યો. મેં તો એનું નામ જ માત્ર સાંભળ્યું હતું. મોસાળમાં ભણતી હતી ત્યારે મેં દાદાને મોંએ સાંભળેલું કે શિવાને એના બાપે ભણવા ન દીધો ત્યારે મેં એના ચહેરાની કલ્પના કરી હતી. એનો વાન ગોરો હશે. દાદાને મેં પૂછેલું :
‘એ કેવડોક છે ?’
‘તારા જેવડો. પણ બિચારાને એક આંખે દેખાતું નથી એટલે એનો બાપ સાલો બહુ મારે છે.’

ને મને એનું મોં જોવાનું એ વખતે મન થઈ આવેલું. મારે ભાઈ નથી… પણ હું એ આવ્યો એની વાત કરતી હતી ને ! મધુએ મારી એકેય કૂટી લીધી નહોતી. અચાનક મારે બહાર જવાનું થયું. મેં બારણું ખોલ્યું. કોથળો માથે ઓઢ્યો ને કાળી સીસમ જેવી વરસાદી રાતના ગડગડ અવાજથી હું બીધી. વાડામાં જવાની મારી હિંમત ન થઈ ને હું આંગણામાં જ બેઠી. ઊઠીને જેવી બારણા તરફ જઉં કે વીજળીના ઝબકારામાં મેં એને દીઠો. ટૂંટિયુંવાળીને કૂતરાની જેમ એ બેઠો હતો ને હું તો છળી પડી. ચીસ પાડું કે કશું બોલું તે પહેલાં જ એનો ગળગળો અવાજ આવ્યો : ‘માસી !’
હું તો બારણું ખોલીને અંદર પેસી ગઈ. બાને બધી વાત કરી. ફાનસ લઈને બાએ જોયું તો એનો ભાણિયો-શિવ.
‘તું ? ભૈ અત્યારે ? તને ઘર કેવી રીતે જડ્યું ?’ બાએ ઉપરાઉપરી લાગણીવશ પ્રશ્નો કરી નાખ્યાં.
‘મને બતાડ્યું કો’કે. પેલી પા….’ એનો ઉત્તર સાંભળ્યા વગર બાએ તો એને છાતીએ ચાંપી દીધો. રાતના વાન જેવો ભીનોભદ શિવ એ વખતે થરથરતો હતો. બાને એને ધોતિયું આપ્યું. કામળી ઓઢાડી. ચૂલે રાબ મૂકીને એના છોકરાને માથે, છાતીએ, કપાળે, લૂગડાના ડૂચાથી શેક કરવા માંડી. એની સરભરા કરતી વખતે તે કશુંય બોલતી નહોતી, માત્ર રડતી હતી.

ને શિવ….! ચોરેલા ચાસ પર સમાર દે ત્યારે દબાઈ જતી માટીની જેમ ચૂલા આગળ કોકડું વળીને બેસી રહ્યો હતો. ઘરમાં નવું માણસ ઉમેરાયું એ જોઈ બાપુજી ચૂપ થઈ ગયા હતા. બાએ જ્યારે ધોતિયું આપ્યું ત્યારે કંઈક બોલું બોલું એ થઈ ગયા. પણ જ્યારે સૌ પહેલી થાળી શિવની પિરસાઈ ત્યારે બાપુજીએ મૌન તોડીને અજુગતો પ્રશ્ન કર્યો :
‘આવતીકાલનું બિયારણ તેં રાખ્યું ?’
‘બિયારણ ? ક્યા ખેતર માટે વળી ? મનોરવાળા ખેતર સિવાય બીજાં દસવીશ ખેતરો છે કે ?’
બાપુજી ડઘાઈ ગયા. ખરું તો એ છે કે અમારાં ખેતર ગિરવે મુકાઈ ગયાં છે અને મને ભણાવવાનો ખર્ચ પણ મોસાળે ઉપાડ્યો. એમાંય અંદરખાનેથી બાના ઘરેણાં વપરાયાં એ તો અમારું મન જાણે છે. ઘરમાં ખાનારું વધે એ બાપુજીને ન ગમે એ દેખીતું છે. પણ નિરાધાર શિવને પારકો ગણવો એ બાના હૃદયને કેમ કર્યું ગમતું નહોતું. બાએ જ એને પાછો ‘નર્કમાં’ ન જવા દીધો.

એ અઠવાડિયું આખું કોરું ગયું. ગામ આખું ચિંતા કરતું હતું. વર્ષ માથે પડશે એવી આશા એકધારી સૌની આંખમાં અગાઉથી ડોકાતી હતી. પરંતુ મનુષ્યજીવનમાં દુ:ખ પણ કેવું કેવું આવે છે ! પેલી કહેવત નથી – ઘરનો દાઝ્યો વનમાં જાય તો વનમાં લાગી લ્હાય. શિવને બરાબર એવું થયું. દૈત્ય જેવો બાપ ઘેર પીડતો હતો તો અહીં પરાયાપણું એને માટે દૈત્ય બની બેઠું. મારા બાપુની કડકાઈ ઘરમાં આમેય ખૂબ વરતાતી. એ મોંમાંથી ચૂં પણ ન બોલે. પણ અમે બેય બહેનો ને બા બીધા કરતાં. એમના મૌનમાં રહેલી તીખાશ અજાણ્યો અને તેય બિચારું છોકરું શી રીતે જીરવી-સમજી શકે ? શિવના પગલામાં ઝઘડો આવ્યો. બા મીઠામરચાં માટે કંઈ કહે ને બાપુની આંખ ફાટે. લાલચોળ થઈ પગ પછાડી ઘરમાંથી નીસરી જાય. શિવ પાસે એના પહેરેલાં કપડાં સિવાય કાંઈ નહીં. શિવ કાચી ઉંમરનો ને વળી પાછો નિરક્ષર. બાપુના મિજાજને પકડી શક્યો નહિ અને એમની હાજરીમાં જ પાછો હુક્કો પીવા બેસી પડતો. શિવ ખેતરનું કામ તન તોડીને કરતો છતાંય બાપુને ન ગમતું. ખુદ મધુને પણ તે આંખમાં આવતો ને બા બિચારી બળીને બાવટો થઈ જતી. એનાથી ન રહેવાયું. છેવટે એક દિવસે કહી નાખ્યું :
‘શિવને બે જોડી લૂગડાં કરાવો.’
‘કેમ કાંઈ આટલું બધું ? બે જોડ ? એને માટે તું કહેતી હોય તો ભીખ માંગુ ?’ બાપુ ઝળક્યા.
‘હું ભીખ માંગવાનું ક્યાં કહું છું ?’
‘તો શું કરું ? ઘરમાં મરચું લાવવાનો અડધો સરખોય છે ? ખેતરમાં ઓરણ તો બળી બેઠું છે ને કુંવરને બે જોડ લૂગડાં સીવી આપો, વાહ રે !’

બા શું બોલે ? પરિસ્થિતિને એ જોતી હતી. તેમ છતાં સ્ત્રીનું હૈયું જે તરફ ઢળે છે એને માટે બીજા કશો વિચાર કર્યા વગર મીણની જેમ ઓગળ્યા વગર રહેતું નથી. પડોશણો સાથે તે વાતવાતમાં કહી બેઠી :
‘શિવ બહુ સહન કરે છે. એની મા ભલેને… પણ હું જ હવે તો… પણ દસ દિવસથી આવ્યો છે ત્યારનો પગ વાળીને નથી બેઠો.’
બાને જે કહેવું છે તે તો મનમાં ને મનમાં જ રહ્યું. મેં પૂછ્યું :
‘બા, શિવને માટે તું બહુ જીવ બાળે છે, કેમ ?’
ઉત્તરમાં તે મારી આગળથી ખસી ગઈ. એને રડવું આવ્યું હતું એ હું જોઈ શકી. બાને હૃદયનો હુમલો પહેલાં બે વાર આવી ગયો હતો. મને એનો ડર હતો એટલે મેં ફરીવાર એને સાંત્વના આપતાં કહ્યું :
‘બા, તું શિવ માટે જીવ ન બાળ. એ હવે થોડો દુ:ખી છે ? આપણા ઘેર રહેશે, ભૂખે તો નહિ મરે ને ?’
‘પણ એ આવ્યો ત્યારનો એકનું એક લૂગડું પહેરીને કામ કરે છે અને તારા બાપુને દયા સરખી નથી આવતી.’

એ સાંજે શિવનો બાપ આવ્યો. અમારા સૌના દેખતાં એને છત્રીથી માર્યો. બા તે વખતે ઉમરેઠ ગઈ હતી. બાપુ કે અમે બે બહેનોની દેન નહોતી કે શિવને છોડાવી શકીએ. બાપુ તો ન ગયા એનું કારણ દ્વેષ હતો. ભેંસવાળા કોલામાં ઝૂડતા ઝૂડતા એને લઈ ગયા. શિવના મોંમાંથી હોંકારો સુદ્ધાં નીકળતો નહોતો. થોડીકવાર પછી એ આવ્યો હતો એમ જ જતો રહ્યો ને હું શિવ પાસે ગઈ. ઊંધે મોઢે પડ્યો ઝીણું ઝીણું રડતો હતો. ફળિયાના કૂતરાને ટીપ્યું હોય એમ તેને માર્યો હતો. મેં એને બેઠો કર્યો ને હું શું જોઉં છું ! એની ડાબી આંખમાંથી લોહી દદડતું હતું. બાપુને વાત કરી તો કે’ ગોદો વાગ્યો હશે. મટી જશે. મેં મુખીકાકાના ઘર તરફ દોટ મૂકી. મુખીકાકાને કરગરી શિવને દવાખાનામાં લઈ જવા મેં કહ્યું. શિવની જીવતી આંખ એના બાપે ફોડી નાખી હતી. એને માટે દુનિયા જોવાની નહોતી. દવાખાનેથી પાટો બંધાવ્યો. મારા બાપુએ પૈસાના અભાવે એને ત્યાં રાખવા ન દીધો અને એ જ દિવસે એને પાછો ઘેર લાવ્યા.

ઘેર આવ્યા ત્યારે બા આવીને બેઠી હતી. એને કશી ખબર જ નહોતી. આવીને પાણી પીધું હતું એટલું જ. મને પૂછ્યું :
‘શિવો ક્યાં છે ?’
ને મારી આંખમાં ઝળઝળિયાં જોઈને એ તો હેબતાઈ ગઈ. બારણામાં બાપુ અને મુખીકાકા શિવને દોરીને લાવ્યા. બાએ જેવો એને જોયો કે હું બહાર આવતી હતી ને મુખીકાકાએ રાડ પાડી : ‘છોડી, તારી મા….’ હું પાછી ફરીને જોઉં છું તો બાની આંખો ફાટી ગઈ હતી. પોતાની છેલ્લી જણસ – વીંટી લઈને તે વેચીને વાણિયાને ઘેરથી શિવ માટે કાપડ લાવી હતી. એ જ શ્વેત કાપડ એના શબ પર ઓઢીને એ અમને અને અંધ શિવને મૂકીને જતી રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સામાજિક ટી.વી. સીરિયલો – આભા ટંડેલ
લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ – રમણલાલ સોની Next »   

25 પ્રતિભાવો : અગ્રંથસ્થ શબ્દયાત્રા – રાવજી પટેલ

 1. સરસ ટૂંકી વાર્તાઓ.
  ટૂંકી વાર્તાઓ લખવી અઘરી હોય છે. થોડા શબ્દોમાં ઘણુ કહેવાનું હોય છે.
  પ્રથમ વાર્તા ‘પ્રીસ્ક્રીપ્શન’ અદભુત કથા. અબોલ પ્રાણીઓની લાગણીને શબ્દોના પાતળા પણ મલમલી પોતમાં વણી છે લેખકશ્રીએ. તો ‘શિવ’ નો વાર્તાનો અંત..! દારૂણ ગરીબી અને માનો વલોપાત!

  રાવજીભાઈન ધન્યવાદ.

  • Nikita says:

   Seriously Mehta, Sorry to say but he is dead Ravji is ” આંખે કંકુના સૂરજ આથમ્યા”fame and he died at an early age 29. Get his book wherever you live, you will appreciate it to no end – he is that good.

   • trupti says:

    Nikitaben,

    It is very sad to know that Shri Ravjibhai is Late Ravajibhai. Many times, it so happens that some writer’s writing is so effective that, we are not aware of their actual existence, as by their writing they always remain alive in our heart. Thank you for sharing the information.

    • Nikita says:

     Thanks Trupti”bahen” !

    • Chirag says:

     This happens to many artist – the most famouse one is Motzart – People say you can hear music coming out of his grave – becuase he is still “De-Composing” :-). But seriously, Kishore Daa, Rafi Saab, Mukesh Ji, R.D Burman (Pumcham Daa) – all legends – all went on ever lasting jurney and will always remain in our hearts!

     Thank you,
     Chirag

 2. trupti says:

  બન્ને વાર્તા સરસ અને ભાવુક. રવજીભાઈ ને અભિનંદન.

 3. રાવજી પટૅલની એક કવિતા શાળામાં ભણતા હતા ત્યારે આવતી હતી..!

  લગભગ ૨૮ વર્ષની ભરજુવાની માં ક્ષય રોગને લીધે તેમનું મૃત્યુ થયુ હતુ, પણ ઓછા સમયમાં પણ સુંદર કૃતિઓ આપી છે.

  બન્ને વારતાનો ખુબ જ હ્રદય સ્પર્શી.

 4. Gandabhai Vallabh says:

  ખુબ જ કરુણ, દીલ વલોવી નાખે એવી બહુ જ ઓછા સચોટ શબ્દોમાં લખેલી હૃદયસ્પર્શી સરસ વાર્તાઓ. ધન્યવાદ

 5. pamaka says:

  ધન્યવાદ્,
  રવજિભૈ

 6. hardik says:

  બન્ને ખુબ સરસ વાર્તા.
  રવજીભાઈ વિશે જાણી દુખ થયુ. આત્મા જ્યાં પણ હૉય શાંતિ પામૉ એવી ઈષ્વર ને પ્ર્રાર્થના

 7. Pinki says:

  ‘એકને સારું બારેયને ગરદન નથ્ય મારવો…’ …….

  just tears come to eyes !

 8. પહેલી વાર્તા જોરદાર છે.

  દીલ બાગ બાગ થઈ ગયુ

  આભાર રાવજીભાઈ

  આભાર ર્મુગેશભાઈ

 9. Chintan says:

  વાહ..શુ રજુઆત છે..!! મજા આવી ગઈ. શબ્દોનો ખુબ અસરકારક ઉપયોગ કર્યો છે.
  આભાર.

 10. Hetal says:

  Both stories are very touchy… I found the second one best !!! Thank you Mrugesh Bhai, keep posting more stories of Late Ravji Patel.

 11. Vijay Narayandasani says:

  very nice and emotional stories.
  nice use of our gujarati talapdi langauge.
  may god give peace to soul of late ravji bhai

 12. hiral says:

  I don’t consider those r stories…I think that is the reality writer might came across in his life…..thanks to ravjibhai and mrugeshbhai for sharing very deep emotions with us…hope we really can learn compassion and feelings for all living being.

 13. Veena Dave. USA says:

  ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ઓહ, કેટલી દુખભરી વાત.
  ભગવાન, ૧૨ જીવતદાન સામે ૧ જીવતદાન તો આપ….
  અમેરિકામા ૮૦૦૦૦ ડોલર કમાતા દિકરાને ૨૦ ડોલર મહિને ખિસ્સાખચૅના આપતા બાપને મે જોયેલા છે. દિકરાને એવો ધમકાવે કે ૩૨ વષૅના છોકરાની આંખમાંથી ટપટપ આંસુ પડતા હોય્. કલિયુગ છે બાકી રાવણનેય પોતાના દિકરા વ્હાલા હોય.

 14. જય પટેલ says:

  કવિશ્રી રાવજી પટેલની બંન્ને ટૂંકી વાતાઓ હ્રદયસ્પર્શી.

  તળપદી શૈલીમાં રચિત રાવજી પટેલની કવિતાઓ…ટૂંકી વાર્તાઓમાંથી ઋજુતા ટપટપ ઝરે છે.
  ગઝલ સમ્રાટ ભૂપિંદર સિંહના સ્વરે કંડારાયેલી કવિતા…..મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…વારંવાર
  સાંભળવી ગમે તેવી છે.

  કવિશ્રી રાવજી પટેલની ઋજૂતા વ્યક્ત કરતો એક દાખલો….

  શ્રી રાવજી પટેલ ગુજરાત સમાચારના પ્રેસમાં તે સમયે કામ કરતા અને એક દિવસે માલિક
  શાંતિલાલ પ્રેસની ઓંચિતી મુલાકાતે આવ્યા અને કામ કરતા રાવજીને પુછ્યું કે કોણ છો
  અને અહિં શું કરો છો….અને રાવજીએ તુરંત નોકરીને લાત મારી દીધી. નોકરીની અત્યંત જરૂરિયાતવાળા
  રાવજીએ પાછળથી વિનોદ ભટ્ટને કહેલું કે….જે વ્યક્તિને આપણા અસ્તિત્વની જ ખબર ના હોય તેને
  ત્યાં કામ કેવી રીતે થાય ?

  આ ઘટનાનો ઉલ્લેખ વિનોદ ભટ્ટના પુસ્તક વિનોદની નજરેમાં છે.

  વલ્લવપુરા…ડાકોર…ચરોતરના કવિશ્રી રાવજી પટેલનું મૃત્યુ
  અમરગઢ…ભાવનગર ટીબીની હોસ્પિટલમાં પાગલ અવસ્થામાં થયેલું.

  રાવજીની ઋજુતાની પરાકાષ્ટા…
  ટીબીથી પોતાનું મૃત્યુ નિશ્ચિત હોવાનું જાણતા રાવજીએ પોતાની પત્નીને છૂટાછેડા માટે દબાણ કરેલું
  જેથી પત્ની વિધવા થયા સિવાય ફરીથી પરણી શકે…!!

  કવિશ્રી રાવજી પટેલને ભાવભરી શ્રધ્ધાંજલિ.

 15. trupti says:

  જય,
  રાવજી ભાઈ ની ઝીણવટ ભરી માહીતી આપવા બદલ આભાર.

 16. જીતેન્દ્ર તન્ના says:

  બન્ને લધુકથાઓ ખુબ સરસ છે.

 17. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Truly outstanding writing and heart touching stories… And thank you Jaybhai and Nikitabahen for sharing more about shree Ravjibhai.

 18. Parag says:

  બન્ને વાર્તા ખુબ જ સરસ્.

 19. રાવજી પટેલની આ બે જ વાર્તાઓ (‘પ્રીસ્ક્રીપ્શન’ અને ‘શિવ’) વાંચતાં લાગ્યું કે આ તો નોબેલ પ્રાઇઝ મળી શકે એ કક્ષાના સર્જક છે. વાર્તાઓ વાંચતાં નોબેલ પ્રાઇઝ વિજેતા જ્હોન સ્ટાઇનબેકની વિખ્યાત નવલકથા Grapes of Wrath યાદ આવી.

  રાવજી દુખમય જીવન જીવ્યા અને નાની ઉંમરે પાગલ અવસ્થામાં ક્ષયથી મૃત્યુ પામ્યા. આવા મોટા ગજાના સર્જકોને જરૂર પડે ત્યારે સ્વમાનપૂર્વક આર્થિક અને અન્ય મદદ મળી રહે એવી ગુજરાતીઓ વ્યવસ્થા કરે તો કેટલું સારું. આપણે મંદિરો જ બાંધ્યા કરીશું?

  ‘તાદર્થ્ય’ ના તંત્રીને રાવજીની અગ્રંથસ્થ કૃતિઓનો વિષેશાંક પ્રગટ કરવા માટે તથા મૃગેશભાઇને આ વાર્તાઓ પોસ્ટ કરવા બદલ અભિનંદન.

 20. Alpesh Kala says:

  Ravji Patel was a great creative story writer. He was also a great novelist. just read his Novels called – ”ASHRUDHAR” and ZANZA.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.