- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સામાજિક ટી.વી. સીરિયલો – આભા ટંડેલ

[‘ભૂમિપુત્ર સામાયિક’-2003માંથી સાભાર.]

આજે ચોતરફ સંસ્કારોની હોળી ખેલાઈ રહી છે. દેશી-વિદેશી ચેનલો અને ફિલ્મી મનોરંજનની ચેનલોએ દર્શકોના મનોરંજનના નામે હલકામાં હલકાં દશ્યો રજૂ કરવા માંડ્યાં છે. જાણે રીતસરની હરીફાઈ ઊપડી છે. ભારત પાસે ગરીબી અને ભૂખમરો છે. બેકારી અને બેહાલી છે. હજારો વર્ષ સુધી ટકી રહેલા સંસ્કારો અને સંસ્કૃતિ છે, પરંતુ આજે એક દીવાનખંડમાં ઘૂસી જઈને ટેલિવિઝન વિવિધ ચેનલો દ્વારા રીતસરનું આક્રમણ કરી રહ્યું છે, ત્યારે સંતો સિદ્ધિમાં, નેતાઓ મદમાં અને પ્રજા પ્રમાદમાં ડૂબેલી છે. ઉઘાડી આંખે જોઈ શકાય એમ હોવા છતાં દેશની સંસ્કૃતિની વાતો કરનારા, પેટ ભરીને ભાષણો ઠોકી સંસ્કૃતિને નામે મત માગનારાઓના પેટનું પાણીય નથી હાલતું.

ચોવીસ કલાક ટીવી ઉપર જુદી-જુદી ચેનલો દ્વારા ભાતભાતનો રસથાળ પીરસાતો રહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક ચેનલ દ્વારા દર્શાવાઈ રહેલી સામાજિક સીરિયલોના ફૂલ્યા-ફાલ્યા અજગરે સમાજના મોટા વર્ગને પોતાના ભરડામાં જકડી લીધો છે. ઝૂંપડપટ્ટીથી લઈને હાઈ-સોસાયટી સુધી, શહેરોથી લઈને નાના ગામડા સુધી ટીવી ઉપર આ સીરિયલો નિહાળનારાઓની એ એક ‘આદત’ બની ચૂકી છે જાણે.

એક સમય હતો જ્યારે અઠવાડિયામાં અડધો કલાક-કલાક દરમ્યાન આવી કોઈ સામાજિક સીરિયલ દર્શકોને મનોરંજન સાથે જીવનપ્રેરક સંદેશા આપતી. ખૂબ લોકપ્રિય બનેલી હમલોગ, ખાનદાન, સાંજા ચૂલ્હા, માલગૂડી ડેઝ જેવી સામાજિક સીરિયલો હોય, રામાયણ-મહાભારત, ક્રિષ્ણા જેવી ધાર્મિક સીરિયલો હોય કે પછી સાંપ્રત સમસ્યાઓથી ઘેરાયેલા માનવીના જીવંત પ્રશ્નોને આબેહૂબ વાચા આપતી દિગ્દર્શક જશપાલ ભટ્ટીની સીરિયલ હોય, પરંતુ એમાં ક્યાંય ભારતીય સમાજની આગવી સંસ્કૃતિનું વસ્ત્રાહરણ થયું નથી. બાવન હપ્તે પૂરી થયેલ આ સીરિયલોના કોઈ અનિચ્છનીય પ્રત્યાઘાતો પડ્યાનું બહુ જાણમાં નથી. જ્યારે આજની સામાજિક સીરિયલોની માયાજાળે સ્ત્રીઓ-પુરુષો, યુવાનોથી માંડીને બાળકો અને વૃદ્ધો ઉપર પણ પોતાની જાદૂઈ અસર ફેલાવી દીધી ન હોય તેવું લાગી રહ્યું છે. સીરિયલ નિહાળનારો એક ચોક્કસ વર્ગ રાત્રે ન વધે તેટલો દિવસે અને દિવસે ન વધે તેટલો રાત્રે વધી રહ્યો છે અને આ માત્ર સીરિયલ નિહાળવા સુધીની જ વાત હોય તો તો ઠીક, અહીં તો મોટા ભાગના દર્શકો રીતસરની ‘સીરિયલ લાઈફ’ જીવતા થઈ ગયા છે. અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવારથી ગુરુવાર સુધી રાત્રે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધી એટલે કે સતત ત્રણ કલાક અને અઠવાડિયાના ગણો તો બાર કલાક (બાકીનો હિસાબ વાચકો જાતે લગાવે) આ સામાજિક સીરિયલોનું સામ્રાજ્ય ટીવી ઉપર છવાયેલું રહે છે. જે કંઈક દેખાઈ રહ્યું છે, તેનો આછો ચિતાર રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.

સીરિયલો જોનારા પરિવારમાંથી ભાગ્યે જ કોઈ સદસ્ય અલિપ્ત રહી શકતો હશે. રાત્રે 8.30 વાગ્યે મોટા ભાગના પરિવારો સોમથી ગુરુ દરમ્યાન ટીવી સામે ગોઠવાઈ જતા હોય છે. ઘણાં તો સીરિયલનો કોઈ ભાગ ચૂકી ન જવાય એ માટે લૂસ-લૂસ જેમતેમ ભોજન પતાવી નાખે. ઘણા તો રાત્રિભોજન પણ ટીવી જોતાં-જોતાં જ પતાવે. આવી રીતે ભોજન લેનાર સીરિયલના પાત્ર અને પ્રસંગની સાથે-સાથે જ જુદા-જુદા આવેગો અને ઉત્તેજના અનુભવે. આયુર્વેદની દષ્ટિએ આવું ભોજન કેટલું આરોગ્યપ્રદ મનાય ? ગૃહિણીઓ સમયસર રસોઈ બનાવી નાખવાની વેતરણમાં સહકુટુંબ ફરવા જવાનો કે પિકનિકનો અમૂલ્ય આનંદ પણ ગુમાવે. કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા-વિચારણાનો પૂરો સમય સીરિયલો ખાઈ જાય. કોઈ બીમાર સંબંધીની ખબર કાઢવા જવાનું હોય તો ભૂલેચૂકેય આવા સમયગાળામાં ન જવાય અને જો ભૂલથી જઈ ચડ્યા તો યજમાનના ઘરના અન્ય દર્શકોના ચહેરા ઉપર રસમય હપ્તો ચૂકી જવાનો રંજ અવશ્ય જોવા મળે. અરે, ઘણી વાર તો ફરજિયાતપણે સાથે બેસીને સીરિયલ જોવાની સજા ભોગવવી પડે અને વધુમાં મળવા જવાનો મૂળ હેતુ જ માર્યો જાય.

ઘરમાં, ઑફિસમાં, બસમાં કે ટ્રેનમાં, શાળા-કૉલેજમાં, ચોરે ને ચૌટે બસ સીરિયલની જ ચર્ચા સંભળાય. એમાં પણ વળી કોઈ રસપૂર્વકની ઘટના જો અધવચ્ચે જ અટકાવી દીધી હોય તો તો દર્શકના જીવ દિવસ આખો તાળવે જ ચોંટેલા રહે. હવે પછી આમ થશે ને તેમ થશેની જાતજાતની પૂર્વધારણા બાંધ્યા કરે. સીરિયલના પ્રિય પાત્રના શોખ, હર્ષ, દુ:ખ બધું જ નિહાળનારનું પોતીકું બની જાય. જો કોઈ પ્રિય પાત્રનું મૃત્યુ થતું બતાવાય તો તે દિવસો સુધી જાણે પોતીકું સ્વજન ગુમાવ્યું હોય, એવો શોક મનાવનારાય ઓછા નથી જોવા મળતા. આ લેખ લખાય છે ત્યારે 2003 પ્રમાણે ‘સાસ ભી કભી બહુ થી’ની પાયલ કે આરતી હોય, ‘કહાની ઘર ઘર કી’ની પલ્લવી હોય કે પછી ‘કસોટી જિંદગી કી’ની કોમલિકા હોય. સીરિયલમાં ખલનાયિકાઓનું પાત્ર ભજવનારી જાણે દર્શકોની પોતાની જ સાત જનમની દુશ્મન હોય એટલી નફરત બતાવે, જાહેર ચર્ચામાં. સીરિયલમાં આવતી નવી નવી પ્રણાલિકાઓ, પહેરવેશ, સંવાદ, વર્તનનું વાસ્તવિક જીવનમાં કેવું અનુકરણ થતું હોય, તે જોવું હોય તો આસપાસના વાતાવરણનો જ અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે આજનો સમાજ કઈ દિશામાં દોરવાઈ રહ્યો છે. તુલસીની સાડી હોય, પાર્વતીની બિંદી હોય કે પછી પ્રેરણાનાં ઘરેણાં હોય. સીરિયલ દ્વારા જાહેરાત થતી સ્ત્રી શણગારની દરેક ચીજવસ્તુ બજારમાંથી ચપોચપ ઊઠી જાય છે. વળી, આ ફેશનનું આયુષ્ય પણ ખૂબ જ ટૂંકું હોય છે. ત્રણ-ચાર હપ્તા પછી તો એ જૂની ફેશન બની જાય. આવી તો કેટલી સીરિયલોવાળાંનાં ખિસ્સા ભરવા માટે હજારોનાં ખિસ્સાંનો ભાર હળવો થઈ રહ્યો છે, તે પણ ખુશી ખુશી.

પોતાના વર્તુળમાં આકર્ષણ જમાવવા માટે કોલેજિયનો સીરિયલમાં બતાવાતા નુસ્ખાઓનો આધાર લેતા જોવા મળે છે. અહીં તો આખે-આખી સ્ત્રીજાતિને જ ધરમૂળથી બદલી નાખવા માગતી ન હોય, તેમ સરેરાશ સીરિયલોમાં સ્ત્રીને જ ખલનાયિકા બતાવવામાં આવી રહી છે. ક્યાંક તે પૈસાના લોભે પુરુષને ફસાવતી પ્રેમિકા છે, ક્યાંક દેરાણી-જેઠાણી, સાસુ તો ક્યાંક પોતાનો બદલો લેવા આખા ઘરનું સત્યનાશ વાળતી વહુના પાત્રમાં. આજની સામાજિક સીરિયલોમાં કૌટુંબિક સંબંધોનું જે વરવું સ્વરૂપ મારી ઠોકીને વારંવાર દર્શાવી, દર્શકોના મગજનું ઓપરેશન કરતું જે સ્વરૂપ બતાવવામાં આવે છે, તે કેટલે અંશે સ્વીકાર્ય છે ? આ તો એક માત્ર ભારત જેવા દેશમાં જ ટકી રહેલી આગવી સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ ઉપર કરવામાં આવી રહેલો કુઠારાઘાત નથી શું ? વાસ્તવિક જીવનમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી કે ભાભી-નણંદનાં અંગત વેર-ઝેર કે અબોલા હોય કે પછી મનદુ:ખ હોય. બધી જ ફરિયાદો કૌટુંબિક સુખ-દુ:ખના પ્રસંગોએ ઊભી પૂંછડીએ ભાગી જાય છે. જ્યારે અહીં તો કાવાદાવા, પ્રપંચ અને બદલાની ભાવના એવી તો જવાળા ઓકતી બતાવાય છે કે છેવટે સામેની વ્યક્તિના મૃત્યુ પછી જ શાંત થાય. એ બધું કેટલું વાજબી ગણાય ? સીરિયલ જોનારા ઘણી વ્યક્તિઓના અંગત જીવનમાં પણ આ બધા પડઘા પડતા હોય છે. દંપતીનો અન્યોન્યને જોવાના દષ્ટિકોણમાં પણ ધરખમ ફેરફાર થતા હોય છે. ઘણી શંકાશીલ સ્ત્રીઓના મગજમાં કોઈક ‘કોમલિકા’ કે ‘પાયલ’ સતત છવાયેલી રહે છે. પરિણામ સ્વરૂપ પતિની સહકર્મચારિણી હોય કે સ્ત્રીમિત્ર હોય, વગર વાંકે દામ્પત્યજીવનમાં તિરાડ પાડવાનું કારણ બને. ઘણી વાર એથી ઊંઘું, પતિ મહાશયો પણ આનો ભોગ બને. આ સિવાય ઘણા પતિદેવો તો સીરિયલમાં બનીઠનીને રહેતી સ્ત્રીપાત્ર સાથે સતત પત્નીની સરખામણી કરી અસંતોષની લાગણી મનમાં ઘૂંટ્યા કરે. વૃદ્ધોના ભાગે તો નાના પડદે દેખાતા પ્રસંગો, કૌટુંબિક જીવન અને વાસ્તવિક જીવન વચ્ચેનું અવલોકન માત્ર કરવાનું આવે.

સૌથી બૂરી દશા બાળમાનસની થઈ રહી છે. ભારેખમ ભણતરનો બોજ માંડ-માંડ ઉપાડી શકતા કોમ્પ્યુટર યુગનાં બાળકોનો આઈ.ક્યુ ભલે ઊંચો આંક બતાવતો હોય, પરંતુ એના સર્વાંગી વિકાસના પાયા સાથે જે ચેડાં થઈ રહ્યાં છે, તે તો અક્ષમ્ય જ ગણાય. શૈશવ ખોવાઈ ગયું છે, વાંચન ગયું, પુસ્તકો ગયાં, ભાઈ-ભાંડુ સાથેનાં મસ્તી-તોફાન બંધ થયાં, શેરી-રમતો અભરાઈએ ચડી ગઈ, દાદાજીની વાર્તા અને દાદીમાના હાલરડાં ખોવાઈ ગયાં. માતા-પિતા પાસે પૂરતો સમય નથી ત્યારે ભર્યાં ઘરમાં એકલા પડેલા એ બાળકના કુમળા માનસ ઉપર સંસ્કાર સીંચવાનું કામ ટેલિવિઝને ઝૂંટવી લીધું હોય ત્યારે ભાવિ પેઢી પાસેથી આપણી અપેક્ષાઓ કેવી ફળશે ? સાત-આઠ વર્ષના બાળકને સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવી જવા લાગ્યો છે. સીરિયલનાં ટાઈટલ ગીતો કડકડાટ મોઢે થઈ જાય. મોટેરાંઓની સાથે એટલા જ રસપૂર્વક સીરિયલો જુએ. એક વાર હળવાશની પળોમાં મારી શાળામાં ભણતા ચોથા ધોરણના વિદ્યાર્થીએ અચાનક જ મને પ્રશ્ન કર્યો : ‘ટીચર, તમને સીરિયલમાં આવતી કોમલિકા ગમે ?’ હું સીરિયલ જોતી નથી છતાં આસપાસના વાતાવરણમાં થતી ચર્ચાને આધારે અમુક જાણીતાં પાત્રો વિશેની આછી માહિતી ખરી તેથી મેં પ્રતિ સવાલ પૂછ્યો, ‘તને ગમે ?’ પ્રત્યુત્તરમાં એણે ના પાડી. મેં પૂછ્યું કે કેમ ? તો કહે, ‘કોમલિકા છે ને તે બહુ ખરાબ છે. પ્રેરણા અને અનુરાગનાં લગન થવા જ દેતી નથી.’ મારી સામે ઊભેલા ભાવિ નાગરિકના આ જવાબથી હું તો સ્તબ્ધ જ થઈ ગઈ. ટીવી સીરિયલના દર્શકો અને ચાહકો મને માફ કરે. ટીવી ઉપર જોવા જેવા ઘણા કાર્યક્રમો આવતા હોય છે. વળી, સામાજિક સીરિયલોમાંથી પણ ગ્રહણ કરવા યોગ્ય વિષયવસ્તુઓ મળતી હશે, પરંતુ જે પ્રકારનું ચિત્ર ઊપસી રહ્યું છે, તે ચિંતા પ્રેરે એવું અવશ્ય છે જ. આજે નાની દેખાતી આ સમસ્યા ટૂંક સમયમાં જ મોટું સ્વરૂપ પકડે તો નવાઈ નથી. આ એક ધીમું અને લાંબા ગાળાનું ઝેર સાબિત થઈ શકે. અતિ સર્વત્ર વર્જયેત. સામાજિક સીરિયલો માટેના ચાહકવર્ગનો વધુ પડતો લગાવ ભાવિ સમાજને કઈ દિશામાં દોરી જશે, એ વિશે ચિંતા અને ચિંતન બન્ને કરવાનો સમય પાકી ગયો છે. સીરિયલ-દર્શકોની વિવેકબુદ્ધિ જ આમાંથી સાચો માર્ગ કાઢી શકે.

અગાઉ જણાવ્યું તેમ, શરૂઆતથી જ હું આવી કોઈ સીરિયલો જોતી નથી. મારી આસપાસ થતી લોકજીભે ચર્ચાતી વાતો અને આસપાસના વાતાવરણનો થોડા સમયના અભ્યાસ પછી જ મેં ઉપરોક્ત ચિતાર રજૂ કર્યો છે. માત્ર સીરિયલનાં ઉપરોક્ત કેટલાંક પાત્રો અંગેની યથાર્થતા નક્કી કરવા પૂરતી જ દસેક મિનિટ જેટલો એ સીરિયલોનો કેટલોક ભાગ જોયો છે. અગર જો કોઈ સંસ્થા દ્વારા આ વિષય ઉપર રીતસરનું સર્વે કરી અભ્યાસ કરવામાં આવે તો તેનાં તારણો ચોક્કસ આપણા સૌની આંખો ચાર કરી દેનારાં હશે જ, એવા વિશ્વાસ સાથે વિરમું છું.