લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ – રમણલાલ સોની

[ જાણીતા બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીની કલમે લખાયેલી સુંદર બાળવાર્તાઓમાંથી કેટલીક ચૂંટેલી બાળવાર્તાઓનું સંપાદન તેમના પુત્રવધૂ શ્રીમતી રેણુકાબેન શ્રીરામ સોનીએ ‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ શીર્ષક હેઠળ કર્યું છે. સૌ બાળકો સુધી આ સંસ્કાર વારસો પહોંચે તે માટે કુલ 214 પાનામાં પ્રકાશિત કરાયેલી 51 જેટલી વાર્તાઓનું આ પુસ્તક રાહતદરે ફક્ત 50 રૂપિયામાં આપવામાં આવે છે. બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે તેમજ તેમને રોજ અવનવી વાર્તાઓ દ્વારા સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે દરેક માતાપિતાએ આ પુસ્તક વસાવવા જેવું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] પકડ કાન !

Picture 092એક હતો બ્રાહ્મણ. બહુ ભોળો, બહુ ગરીબ.
શ્રાવણ મહિનો આવ્યો, એટલે એ નીલકંઠ મહાદેવના મંદિરમાં જઈને બેઠો. હાથમાં માળા અને જીભે ભગવાનનું નામ. મહિનો પૂરો થયો એટલે એની તપસ્યાથી પ્રસન્ન થઈ લોકોએ એને એક ગાય આપી. બ્રાહ્મણ ગાય લઈને ઘેર જતો હતો, ત્યાં રસ્તામાં એક ઠગ મળ્યો. ગાય જોઈને ઠગ કહે : ‘અરેરે, આપણા લોકો દાનધરમ કરતાં ક્યારે શીખશે ? આવી ગાય બ્રાહ્મણને દાનમાં અપાતી હશે કદી ? આ ગાય તો માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે !’
આ સાંભળી બ્રાહ્મણને થયું કે આવી ગાય ઘેર લઈ જવા કરતાં વેચી દેવી સારી ! એણે ઠગને કહ્યું : ‘તમે જ આ ગાય વેચાતી લઈ લો !’
ઠગે કહ્યું : ‘આપણે કોઈ પાસે એની કિંમત કરાવીએ.’

નજીકમાં જ એક ઝૂંપડું હતું. ઝૂંપડામાં એક ખાટલા પર એક વૃદ્ધ બેઠેલો હતો. ઠગે અને બ્રાહ્મણે બેઉએ એ વૃદ્ધને ગાયની કિંમત કરવા કહ્યું. વૃદ્ધે પૂછપરછ કરી બધી વાત જાણી લીધી. પછી કહ્યું : ‘આ ગાય અપલખણી છે, માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે, એટલે એની કિંમત સાડા ત્રણ રૂપિયા !’
બ્રાહ્મણે કહ્યું : ‘માત્ર સાડા ત્રણ રૂપિયા ?’
વૃદ્ધે કહ્યું : ‘મારે તો ન્યાયથી બોલવાનું. ગાય ચાલીસ અઠવાડિયાં દૂધ દેનારી હોત તો હું એની કિંમત ચાલીસ રૂપિયા કહેત !’

સાડા ત્રણ રૂપિયા લઈને બ્રાહ્મણ ઘેર આવ્યો. બધી વાત સાંભળી બ્રાહ્મણી સમજી ગઈ કે કોઈ ઠગ મારા ભોળા બ્રાહ્મણને ઠગી ગયો છે. એણે નક્કી કર્યું કે ઠગ સામે ઠગાઈ કરવી. તેણે બ્રાહ્મણને કહ્યું : ‘આજ લગી તમે તમારી અક્કલે ચાલ્યા, હવે હું કહું તેમ કરવાનું છે. બોલો, કબૂલ ? તો પકડો કાન !’
‘આ પકડ્યો !’ કહી બ્રાહ્મણે બે હાથે પોતાના બે કાન પકડ્યા.
બ્રાહ્મણીએ કહ્યું : ‘તો જાઓ, આ સાડા ત્રણ રૂપિયાનું લાલ ગવન લઈ આવો !’
બ્રાહ્મણ ગવન લઈ આવ્યો એટલે બ્રાહ્મણીએ એને શું કરવાનું છે તે કહ્યું. બ્રાહ્મણીની સલાહ પ્રમાણે બ્રાહ્મણે ગવન પહેરી સ્ત્રીનો વેશ લીધો અને પેલા ઠગના ઝૂંપડા નજીક એક ઝાડ હેઠળ બેસી ઝીણે સાદે રડવા માંડ્યું. કોઈ બાઈને રડતી સાંભળી ઠગે ઘરમાંથી બહાર આવી એને રડવાનું કારણ પૂછ્યું. બાઈએ કહ્યું : ‘હું શ્રીમંતની ધણિયાણી છું ને મારા નસીબને રોઉં છું. મારો ધણી મહા કંજૂસ છે. મેં હીરાનો હાર માંગ્યો તે આપતો નથી, અને કહે છે કે સોનાનો લે ! તેથી હું રિસાઈને ઘર છોડી આવી છું.’
ઠગે કહ્યું : ‘બસ, આ વાત છે ? મને રજા આપો તો હું એને એવો દમ દઉં કે એકને બદલે બે હાર કાઢી દે ! મને એનાં નામઠામ આપો !’
‘તો એક હાર તમારો !’ કહી બાઈએ નામઠામ આપ્યાં : ‘લખમલ કરોડમલ, ઠેકાણું આડી શેરીમાં બાડી ગલી !’

ઠગને થયું કે આ મધ ભરેલો મધપૂડો છે અને પાછો માખી વિનાનો છે ! બાઈને પોતાના ઝૂંપડામાં બેસાડી એ લખમલ કરોડમલને દમ દેવા ઊપડ્યો. એ ગયો એટલે બાઈનો વેશ કાઢી નાખી બ્રાહ્મણ અસલ રૂપમાં પ્રગટ થયો. ઠગનો વૃદ્ધ બાપ ખાટલામાં બેઠેલો હતો, તેની સામે જોઈ તેણે કહ્યું : ‘ઓળખ્યો મને ? હું પેલો ગાયવાળો બ્રાહ્મણ ! મને ઠગીને તમે ગાય પડાવી છે તેનો હિસાબ લેવા આવ્યો છું.’ આમ કહી ખૂણામાં પડેલો ધોકો ઉપાડી તેણે ડોસાને ધીબવા માંડ્યો. ડોસો કહે : ‘પેલી રહી તારી ગાય, લઈ જા ! અને પણે પેલા ખૂણામાં ચોરીનું ધન દાટ્યું છે તેય લઈ જા, પણ મને છોડ !’

ગાય અને મળ્યું તે ધન લઈને બ્રાહ્મણ ઘેર પાછો આવ્યો. બીજી બાજુ પેલા ઠગે ગામમાં જઈને લખમલ કરોડમલનું ઘર શોધવા અડધી રાત કાઢી, પણ ન જડી શેરી કે ન જડ્યું ઘર. છેવટે થાકીને એ ઘેર પાછો આવ્યો, તો બાપને મારની પીડાથી કણસતો જોયો. બાપના મોઢે બ્રાહ્મણની વાત સાંભળી એ આભો બની ગયો. ડોસાએ રાત જેમતેમ કાઢી, સવારે એણે દીકરાને કહ્યું :
‘હવે નથી ખમાતું, તું કોઈ વૈદને લઈ આવ !’
ઠગ વૈદને શોધવા નીકળ્યો. એના સારા નસીબે વૈદ રસ્તામાં જ મળી ગયો. એને એ ઘેર લઈ આવ્યો. વૈદે ડોસાને તપાસીને કહ્યું : ‘મૂઢ માર છે. આને માટે ખાસ મલમ બનાવવો પડશે. તે માટે ત્રણ ચીજ જોઈશે. અકલી તકલીનાં મૂળિયાંનું તેલ, અટુંઘંટુનાં પાંદડાંનો રસ અને સસાસિંગ ને ડોસાડિંગની રાખ. શહેરમાં જેલા મોદી સિવાય બીજા કોઈની દુકાને એ નહિ મળે !

દવા લાવવા માટે ઠગ તરત જ રવાના થઈ ગયો. એના ગયા પછી વૈદ ઊભો થયો; ખૂણામાં પડેલો ધોકો ઉપાડી એણે કહ્યું : ‘ડોસા, ઓળખ્યો મને ? હું પેલો ગાયવાળો બ્રાહ્મણ ! હજી મારો હિસાબ ચૂકતે થયો નથી !’ આમ કહી એણે ડોસાને ધીબવા માંડ્યો. ડોસાએ કહ્યું : ‘જોઈએ તો પેલા ખૂણામાં દાટ્યા છે તે રૂપિયા લઈ જા, પણ મને છોડ, બાપલા !’
ડોસાને ઠમઠોળી રૂપિયા લઈ બ્રાહ્મણ ઘેર આવ્યો. બીજી બાજુ ઠગ ગામમાં જેલા મોદીની દુકાને પહોંચ્યો ને હુકમ કરતો હોય તેમ બોલ્યો : ‘એ…ઈ, અકલી તકલીનાં મૂળિયાનું તેલ આપ, અંટુઘંટુનાં પાંદડાંનો રસ આપ અને રસાશિંગ ને ડોસાડિંગની રાખ આપ !’ આ સાંભળતાં જ જેલો મોદી લાકડી લઈને ઠગને મારવા દોડ્યો. વાત એમ હતી કે છોકરાં એક જોડકણું બોલી જેલા મોદીને ચીડવતાં હતાં; આવું હતું એ જોડકણું :

અકલીતકલી ! જેલો મોદી ચકલી !
અંટુ ને ફંટુ, જેલો મોદી ઘંટુ !
ઘંટુંનું ઘિંઘ ને સસાનું શિંગ
એલા જેલા મોદી, તારું નામ ડોસાડિંગ !

જેલા મોદીની પકડમાંથી બચી ઠગ ઘેર આવ્યો ત્યારે બાપે એને વાત કરી કે આ વૈદ તો પેલો ગાયવાળો બામણ હતો ! તે જ દિવસે ઠગને રસ્તામાં એક જોષી મળી ગયો. જોષીને એ ઘેર લઈ આવ્યો. કહે : ‘મારા બાપની ગરોદશા કેમ છે તે જરી જુઓને, મહારાજ !’
જોષીએ પાઘડીમાંથી ટીપણું કાઢી વેઢા ગણી આંકડા માંડી કહ્યું : ‘તમારા માથેથી હમણાં જ મોટી ઘાત ગઈ છે.’ પછી કહે : ‘ઓહ, આ હું શું દેખું છું ! વાવ છે, વાવની પાસે મહાદેવનું દેરું છે; બાજુમાં વાંઘું છે, વાંઘાના કાંઠે શીમળાનું ઝાડ છે – એ ઝાડ નીચે કોઈ બેઠું છે – ખભે ખડિયો છે, ખડિયામાં દવાની ડબીઓ કે શી ખબર શું છે !’
‘એ જ ! એ જ ઘાત ! હમણાં જ હું એને પકડી લાવું છું. એ જગા મારી જોયેલી છે.’ આમ કહી ઠગ તે જ ઘડીએ ઊપડ્યો. એના ગયા પછી જોષીએ ખૂણે પડેલો ધોકો ઉપાડી ઠગના બાપને કહ્યું : ‘ઓળખ્યો મને ? હું પેલો ગાયવાળો બ્રાહ્મણ !’ ડોસો ફફડી ગયો. હાથ જોડી કહે : ‘પેલા ત્રીજા ખૂણામાં થોડા પૈસા દાટ્યા છે એ લઈ જા, પણ મને છોડ, બાપલા !’ બ્રાહ્મણ રૂપિયા લઈને ઘેર આવ્યો.

હવે એક વિચિત્ર વાત બની. મુસામિયાંની બકરી ખોવાઈ ગઈ. મિયાં બ્રાહ્મણને વળગ્યા કે તમારી ગાય તમે શોધી કાઢી તેમ મારી બકરી શોધી આપો ! બ્રાહ્મણે કહ્યું કે અમુક જગાએ એક ડોસો ને એનો દીકરો રહે છે, ત્યાંથી મને ગાય મળી હતી. તમે ત્યાં તપાસ કરો. મુસામિયાં પહોંચ્યા ઠગને ઘેર. બાપ અને દીકરો બેય ત્યાં હાજર હતા. મુસામિયાંએ લલકાર કર્યો : ‘એ…ઈ, લાવ મારી બકરી !’ પછી બ્રાહ્મણે કહેલું તેવું જ બોલી નાખ્યું : ‘જાણે છે હું કોણ છું તે ? હું પેલો ગાયવાળો બ્રાહ્મણ છું.’ ડોસાને અને ઠગને થયું કે બ્રાહ્મણ મુસલમાનનો વેશ લઈને આવ્યો છે. એટલે એમણે એને મારવા લીધો. મુસામિયાં ભાગ્યા, ઠગ એની પાછળ પડ્યો. દરમિયાન ઝાડ પાછળ છુપાઈને આ ખેલ જોઈ રહેલો બ્રાહ્મણ બહાર આવ્યો ને ડોસાની સામે આવી ઊભો. ડોસો ભયથી ફફડી ગયો, હાથ જોડી કહે : ‘હવે તો મને છોડો, બાપા !’
બ્રાહ્મણ કહે : ‘કોઈને નહિ ઠગું એમ કહે તો છોડું.’
ડોસો કહે : ‘હું યે નહિ ઠગું ને મારો દીકરોયે નહિ ઠગે !’
બ્રાહ્મણ હવે ઘેર પાછો આવ્યો. તેણે બ્રાહ્મણીને કહ્યું : ‘બ્રાહ્મણી, આજ લગી તારી અક્કલે ચાલી મેં ઠગની સામે ઠગવિદ્યા કરી; એણે બીજાને લૂંટ્યા, મેં એને લૂંટ્યો ! એ તો જન્મે ઠગ હતો, પણ હું જન્મે બ્રાહ્મણ છતાં એના કરતાં મોટો ઠગ સાબિત થયો એ વાત ખરી કે ખોટી ?’
બ્રાહ્મણીએ કહ્યું : ‘ખરી ! તો હવે તમારી અક્કલે ચાલો ! મારી અક્કલ બળી !’
‘તો પકડ કાન !’ બ્રાહ્મણે કહ્યું.
‘આ પકડ્યા !’ બ્રાહ્મણીએ કહ્યું.
‘હું યે કાન પકડું છું ! મારી અક્કલ બળી ! આજે મને સમજાયું કે કોઈને ઠગવામાં સુખ નથી. ઠગને ઠગવામાં પણ નહિ ! પણ ઠગને ઠગીને આણેલા આ ધનનું હવે શું કરવું ?’ બ્રાહ્મણે કહ્યું.
‘દઈ દો જેનું છે તેને પાછું !’ બ્રાહ્મણીએ કહ્યું.

બ્રાહ્મણ બધું ધન લઈને ઠગને ઘેર ગયો ને બોલ્યો : ‘સાંભળો આ તમારું ધન !’
ડોસો કહે : ‘અમારા ઘરમાંથી જે ગયું તે હવે અમારું નહિ ! અમે ભીખ માગતા નથી અને ભીખ લેતા નથી.’
બ્રાહ્મણે કહ્યું : ‘તો હવે ધનનું કરવું શું ? ઠગાઈનું ધન બ્રાહ્મણને કેમ પચે ?’
ડોસો કહે : ‘હં ! હવે તમે બ્રાહ્મણને શોભે એવું બોલ્યા !’ પછી દીકરાને કહે : ‘અલ્યા, જોઈ શું રહ્યો છે ? બ્રાહ્મણ મહારાજને પગે લાગ ! તારો મનખો સુધરી જશે !’ ડોસાનો દીકરો બ્રાહ્મણને પગે લાગ્યો. બ્રાહ્મણ એને ભેટી પડ્યો.
‘પણ આ ધનનું શું ?’ બ્રાહ્મણે ચિંતાતુર સ્વરે કહ્યું.
ડોસાએ કહ્યું : ‘શું તે દઈ દો રાજ્યને ! સૌની અલાબલા બધી રાજ્યને માથે ! બધું રાજ્યને પચે !’
બ્રાહ્મણે કહ્યું : ‘ખરું કહ્યું !’
બ્રાહ્મણે બધું ધન રાજ્યને દઈ દીધું. કહે : ‘હાશ, હવે હું હળવો ફૂલ થયો !’
બ્રાહ્મણી કહે : ‘હુંયે હળવી ફૂલ થઈ !’
બ્રાહ્મણ કહે : ‘પકડ કાન !’
બ્રાહ્મણી કહે : ‘આ પકડ્યા ! ભગવાન સૌને સદા સદબુદ્ધિ આપો !’
.

[2] લાડુની જાત્રા

અમારા ગામમાં એક ભોપુદાદા હતા.
એ ગોકુલમથુરાની જાત્રા કરી આવ્યા. જાત્રાની ખુશાલીમાં ભોપુદાદાનાં વહુએ લાડવા કર્યા.
ખાસ્સી કથરોટ ભરાઈ.
બધાં કહે : ‘વાહ, ભોપુદાદા, વાહ ! તમે ખરી જાત્રા કરી આવ્યા !’
કથરોટમાં પડેલા લાડવાઓએ આ સાંભળ્યું.
એક લાડવો કહે : ‘હુંયે જાત્રા કરવા જાઉં અને વાહવાહ લઉં !’ એ તો કથરોટમાંથી કૂદીને બહાર પડ્યો અને દડબડ દડબડ દોડવા લાગ્યો. ઘર મેલ્યું, ઊમરો મેલ્યો, આંગણું મેલ્યું, ફળિયું મેલ્યું ને ફળિયાનો ચોક મેલ્યો.

ચોકમાં લાલિયા કૂતરાની ચોકી હતી. એણે લાડવાને પકડ્યો : ‘એ…ઈ…. ક્યાં જાય છે ?’
લાડુએ કહ્યું : ‘જાઉં છું જાત્રા કરવા !’
ઘીમાં રસબસ લાડુને જોઈને લાલિયાની જીભ લબલબ થતી હતી. તેણે કહ્યું : ‘તને જોઈને મને ભૂખ લાગી છે, હું તને ખાઉં !’ આ સાંભળીને લાડુનો મિજાજ ગયો. તેણે કહ્યું : ‘જાણે છે હું કોણ છું તે ? હું લાડું છું.
મારું નામ લાડુ
તારા મોં પર ઝાડુ !’

આમ કહી તેણે જોરથી એક લાફો લાલિયાના મોં પર લગાવી દીધો. લાલિયો ધૂળભેગો થઈ ગયો લાલુ હસતો હસતો આગળ ચાલ્યો.

ગામની સીમ આવી. સીમમાં ગલબા શિયાળની ચોકી હતી.
ગલબો કહે : ‘એ….ઈ ક્યાં જાય છે ?’
લાડુ કહે : ‘ક્યાં તે જાત્રા કરવા !’
લાડુને જોઈને ગલબાની જીભ લબલબ થતી હતી. તેણે કહ્યું : ‘તને જોઈ મને ભૂખ લાગી છે. હું તને ખાઉં !’ આ સાંભળીને લાડુનો મિજાજ ગયો. તેણે કહ્યું : ‘જાણે છે હું કોણ છું તે ? હું લાડું છું.
મારું નામ લાડુ
તારા મોં પર ઝાડુ !’

આમ કહી તેણે ગલબા શિયાળના ડાચા પર જોરથી એક લાફો લગાવી દીધો. ગલબો ચાર ગલોટિયાં ખાઈ ગયો. લાડુ હસતો હસતો આગળ ચાલ્યો.

સીમ પૂરી થઈ અને હવે વન આવ્યું.
વનમાં મળ્યો એક વરુ.
વરુએ લાડુને પડકાર્યો, ‘એ….ઈ ક્યાં જાય છે ?’
લાડુએ કહ્યું : ‘ક્યાં તે જાત્રા કરવા !’
લાડુને જોઈ વરુની જીભે પાણી આવ્યું. તેણે કહ્યું : ‘હું આ વનનો દાણી છું. દાણ લીધા વગર કોઈને અહીંથી જવા દેતો નથી. દાણ લાવ !’
લાડુએ કહ્યું : ‘દાણ વળી શું ?’
વરુએ કહ્યું : ‘દાણ એટલે હું તને ખાઉં તે !’
આ સાંભળી લાડુનો મિજાજ ગયો. તેણે કહ્યું : ‘જાણે છે હું કોણ છું તે ? હું લાડુ છું.
મારું નામ લાડુ
તારા મોં પર ઝાડુ !’

આમ કહી એણે વરુના માથા પર જોરથી એક ગુંબો લગાવી દીધો. વરુ ટેં થઈ ગયો. લાડુ હસતો હસતો આગળ વધ્યો.

હવે મોટું વન આવ્યું. વનમાં એક વાઘ રહેતો હતો.
લાડુને જોઈને એનીયે જીભ લબકી. એણે કહ્યું : ‘એ….ઈ, ક્યાં જાય છે ?’
લાડુએ કહ્યું : ‘ક્યાં તે જાત્રા કરવા !’
વાઘે કહ્યું : ‘રાજા પાસેથી તેં જાત્રાનો પરવાનો લીધો છે ?’
લાડુએ કહ્યું : ‘રાજા વળી કોણ ?’
વાઘે કહ્યું : ‘કોણ તે હું ! હું આ વનનો રાજા છું. હું પરવાના વગર કોઈને જાત્રાએ જવા દેતો નથી !’
લાડુએ કહ્યું : ‘પરવાનો એટલે ?’
વાઘે કહ્યું : ‘પરવાનો એટલે હું તને ખાઉં તે !’
આ સાંભળી લાડુનો મિજાજ ગયો. તેણે કહ્યું : ‘જાણે છે હું કોણ છું તે ?
મારું નામ લાડુ
તારા મોં પર ઝાડુ !’

આમ કહી એણે વાઘના મોં પર એવી એક લાત લગાવી દીધી કે વાઘનું મોં ફરી ગયું. લાડુ હસતો હસતો આગળ ચાલ્યો.

વન પૂરું થયું. હવે બીજા ગામની સીમ આવી. સીમમાં નદી વહેતી હતી. નદી પર સુંદર ઘાટ બાંધેલો હતો. ઘાટ પર એક બ્રાહ્મણ નાહી-ધોઈને ઉઘાડા શરીરે પૂજા કરવા બેઠો હતો. ઘીમાં રસબસ લાડુને જોઈ એ ખુશ થઈ ગયો. એણે કહ્યું :
‘પધારો ! લાડુ મહારાજ, પધારો ! આ આસન પર બિરાજો !’
બ્રાહ્મણે પોતાને બહુ માનથી બોલાવ્યો અને બિરાજવાનું કહ્યું તેથી લાડુને ખૂબ આનંદ થયો. તેને થયું કે માણસ કદરદાન છે. લાડુ બ્રાહ્મણની સામે આવીને રુઆબથી બેઠો.
બ્રાહ્મણે કહ્યું : ‘લાડુ મહારાજ, આપ ક્યાં પધારો છો ?’
લાડુએ કહ્યું : ‘જાત્રાએ જાઉં છું.’
બ્રાહ્મણે કહ્યું : ‘વાહ, ખૂબ સરસ ! આપના જેવા જાત્રાળુનાં દર્શનથી મને ખૂબ આનંદ થાય છે !’
લાડુએ કહ્યું : ‘મને પણ આપનાં દર્શનથી આનંદ થાય છે !’
બોલતી વખતે બલૂનની પેઠે ફૂલેલી બ્રાહ્મણની ફાંદ ઊંચીનીચી થતી હતી. લાડુ નવાઈ પામી જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું : ‘મહારાજ, તમારી પાસે આ કોઠી શાની છે ?’
બ્રાહ્મણે હસીને કહ્યું : ‘એ તિજોરી છે.’
લાડુને નવાઈ લાગી. તેણે કહ્યું : ‘તિજોરી છે ? શું રાખો છો એ તિજોરીમાં ?’
બ્રાહ્મણે કહ્યું : ‘ઘી, ગોળ, મિષ્ટાન્ન એવું બધું !’
લાડુએ કહ્યું : ‘ત્યારે તો એ જોવા જેવી હશે !’
બ્રાહ્મણે કહ્યું : ‘જોવા જેવી જ છે તો !’

થોડી વાર રહી લાડુએ કહ્યું : ‘મહારાજ, એ તિજોરીનું બારણું કેમ દેખાતું નથી ? બારણું નથી શું ?’
બ્રાહ્મણે કહ્યું : ‘બારણું છે, પણ જેની તેની આગળ હું એ ખોલતો નથી. કોઈ લાયક મળે તો તેની આગળ આખી તિજોરી ખુલ્લી મૂકી દઉં છું.’ આ સાંભળીને લાડુનું મોં પડી ગયું. તેણે બીતાં બીતાં કહ્યું :
‘તો શું હું લાયક નથી ?’
બ્રાહ્મણે કહ્યું : ‘અરર ! એ શું બોલ્યા ? તમે લાયક નથી એવું કહેનારની હું જીભ કાપી નાખું ! મારી તિજોરી માટે તમારાથી વધારે લાયક બીજું છે કોણ ? હમણાં અહીંથી એક ખાખરો ગયો, બે રોટલા ગયા, ચાર ભાખરા ગયા, ચૌદ પૂરીઓ ગઈ, પણ કોઈની યે સામે મેં જોયું નહિ. બધાએ પગે લાગી લાગીને મને કહ્યું, પણ મેં કોઈને આસન દીધું નહિ. પણ તમને જોતાં જ હું સમજી ગયો કે આનું નામ……’
લાડુએ વાક્ય પૂરું કર્યું : ‘લાડુ.’
બ્રાહ્મણે કહ્યું : ‘લાડુ ! કેવું સરસ નામ છે ! ચાલો આવી જાઓ મારા હાથ પર ! હું તમને મારા જ હાથે, માનભેર મારી તિજોરીના બારણા સુધી લઈ જઈશ ! તમને જોતાં જ બારણું ઊઘડી જશે !’ લાડુ ખુશ થઈ કૂદીને બ્રાહ્મણના હાથમાં જઈને બેઠો. બ્રાહ્મણે હાથ ઊંચો કર્યો ને ગુફા જેવું પોતાનું મોં ઉઘાડ્યું.
એ જ તિજોરીનું બારણું.
લાડુ હરખાતો હરખાતો કૂદીને બ્રાહ્મણના મોંમાં એની જીભ પર જઈને બેઠો અને બેઠો એવો જ લીસા લપસણિયા પરથી સરકે એમ સરકીને સડસડાટ બ્રાહ્મણના પેટમાં ઊતરી પડ્યો ! હવે બ્રાહ્મણે લોટો ભરીને પાણી પી લીધું અને હોઈયાં હોઈયાં કરી હળવેથી ફાંદ પર હાથ ફેરવ્યો.

લાડુની જાત્રા પૂરી થઈ ગઈ.

[કુલ પાન : 214. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય અકાદમી. જૂનું વિધાનસભાભવન, સેકટર નં 17. ગાંધીનગર-382017. ફોન : +91 79 23256797 અને +91 79 23256798.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અગ્રંથસ્થ શબ્દયાત્રા – રાવજી પટેલ
રીડગુજરાતી વિશે…. – મૃગેશ શાહ Next »   

13 પ્રતિભાવો : લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ – રમણલાલ સોની

 1. જોરદાર

  અફલાતૂન પહેલી વાર્તા વાંચતા વાંચતા તો હુ હસી હસી ને ખુરસી પર થી પડી ગયો.

 2. Hetal says:

  Both stories are good,,especially the second one…..Laadu khava nu man thai gayu…

 3. trupti says:

  લાડુભાઈની જાત્રા બહુ ગમી.

 4. Tejas Pandya says:

  Both of the articles are good enough for not only kids but its nice for the elders,

  thanks a lot

 5. Chirag says:

  Had fun reading both stories…. Especially the “Laadu” one! My sister’s real name is Nimisha but we call her Laadu…. so I like to dedicate this story (at list from my side) to her – Jay Ho Laadu Ben ni!!!

 6. Ramesh Desai. USA says:

  લાડુની વારતા વાંચી લાડુ ખાવાની ઈચ્છા થઈ ગઈ. I will tell my 13 year old son his story. Thanks

 7. Dr.Ekta.U.S.A. says:

  લાડુ ભાઇ એ તો મજા કરાવિ દિધિ. હા હા હા.

 8. bhavin kotecha says:

  both are best… really nice… enjoy while reading…

 9. બાળવાર્તાકાર તરીકે ના એક નામી લેખક ની વાર્તા આપી, અને મોટાઓને પણ મોજ કરાવી.
  અટકચારોઃ
  “સગપણમાં સાઢુ અને જમણમાં લાડુ”
  આભાર.
  વ્રજ દવે

 10. Harubhai Karia says:

  The
  Harubhai Karia.se stories of late Ramanlal Soni who was a teacher of my riend late Pravinbhai Kadakia are excellent.

 11. Harubhai Karia says:

  એક્ષેલ્લેન્ત્ આ વર્ત વન્ચિને મન રસ તર્બોલ થૈ ગયુ.

 12. જિજ્ઞેશ શનિશ્વરા says:

  બહુ સરસ વાર્તાઓ. લાડુની જાત્રા તો અદભુત.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.