- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

રીડગુજરાતી વિશે…. – મૃગેશ શાહ

[ વિષયપ્રવેશ : માતૃભાષા વિશે આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહ કહે છે કે : ‘તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી, તો તમે ભોળા માણસ છો. તમારાં સંતાનોના સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે ? તેઓ કયું ગુજરાતી વાંચે છે ? તેઓ અડધાંપડધાં તમારાથી પરાયાં પરાયાં કેમ લાગે છે ? આપ પ્રશ્નો પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે. ગુજરાતની પ્રજાને મારી વિનંતી એટલી જ છે કે ગુજરાતી ભાષા લુપ્ત થાય તેની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહીં, આપણી જાતને બચાવવાની છે. ભાષાને નહીં, આપણી સંસ્કારીતાને બચાવવાની છે. ભાષાનું મૃત્યુ કલ્ચરનું મૃત્યુ. કલ્ચરનું મૃત્યુ એટલે એવું મૃત્યુ કે જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી.’

કંઈક આ પ્રકારના ભાવને લઈને તાજેતરમાં ગુણવંતભાઈના નેતૃત્વ હેઠળ ‘માતૃભાષા વંદના યાત્રા’ યોજાઈ રહી છે. ગાંધી નિર્વાણ દિન તા. 30 જાન્યુઆરી, 2010, ના રોજ આદ્ય કવિ નરસિંહની ભૂમિ જૂનાગઢથી શરૂ થઈને આ યાત્રા તા. 6, ફેબ્રુઆરી, 2010 શનિવારના રોજ નર્મદનગરી સુરતમાં સંપન્ન થાય તેવું આયોજન થયું. ગુજરાતનાં અઢાર નગરોમાં આ યાત્રા જાય, સભા થાય, સંમેલનો થાય, માતૃભાષાના મહિમાગાન કરતા વિવિધ કાર્યક્રમો થાય તેમજ સાહિત્ય-શિક્ષણ-સમાજના પચાસથી વધુ ટોચના મહાનુભાવો સ્થળે સ્થળે પોતાનો ટેકો કરે તેવું આયોજન કરવામાં આવ્યું. આ લખાય છે ત્યારે ગઈકાલે ‘માતૃભાષા વંદના યાત્રા’ વડોદરા આવી પહોંચી જેમાં શ્રી અંકિતભાઈ ત્રિવેદીના સંચાલન હેઠળ, શ્રી ગુણવંતભાઈ શાહ તેમજ શ્રી પ્રવીણભાઈ દરજીએ માતૃભાષા વિશે મહિમાગાન કર્યું તેમજ માતૃભાષાના સંવર્ધન અને વિકાસ માટે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા.

‘નરસિંહ થી નર્મદ’ સુધીની આ યાત્રાનું આયોજન કરનાર આયોજકોને આ સાથે એ વિચાર પણ આવ્યો કે : ‘માતૃભાષા વંદના યાત્રા પછી શું ?’ તેઓને લાગ્યું કે આ વિચાર વંદનાયાત્રામાં ભાગ ન લીધો હોય તેવા સજ્જનો તેમજ સમાજના પ્રત્યેક વર્ગના લોકો સુધી પહોંચવો જોઈએ. માતા-પિતાના ગળે આ વાત ઉતારવા માટે સાહિત્યકાર-સમાજશાસ્ત્રી-ચિંતકોના શબ્દોની જરૂર પડે. લોકોને આ વાત દિલથી સમજાય તે જરૂરી લાગ્યું. આથી આ માટે એક સંપાદન તૈયાર કરવામાં આવ્યું જેમાં અધિકૃત વ્યક્તિ વિશેષના આધારભૂત શબ્દો હોય. આ પુસ્તકનું નામ રખાયું ‘માતૃભાષાનું મહિમાગાન’. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, ફાધર વાલેસ, પ્રવીણ દરજી, રજનીકુમાર પંડ્યા, દિનકર જોષી, વર્ષા અડાલજા, અમૃતલાલ વેગડ, ભોળાભાઈ પટેલ, મણિલાલ હ. પટેલ, શાહબુદ્દિન રાઠોડ વગેરે સૌના માતૃભાષા માટેના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ સંપાદનમાં ‘રીડગુજરાતી’ વિશે કંઈક લખવાનું મને પ્રકાશક શ્રી વનરાજભાઈ તરફથી નિમંત્રણ મળ્યું. જે કંઈ સહજ લખાયું તે લેખ સ્વરૂપે આ પુસ્તકમાં સમાવિષ્ટ થયું. આજે તે લેખ આપની સામે પ્રસ્તુત કરું છું. આમ તો આ સાઈટ પર ‘રીડગુજરાતી પરિચય’ અને ‘તંત્રી વિશે’ એવા બે વિભાગો છે જ – પરંતુ રોજિંકા કાર્યને લીધે તે લખવાનો સમય રહેતો નથી ! તેથી આ લેખ અહીં પ્રકાશિત કરવાનું એ જ પ્રયોજન છે કે નવોદિત વાચકોને રીડગુજરાતીનો આછો પરિચય મળી રહે. આ પુસ્તકનું શ્રી ગુણવંતભાઈના હસ્તે 30મી જાન્યુઆરીના રોજ વિમોચન થયું છે. ટૂંક સમયમાં જ આ પુસ્તક તમામ વેચાણ કેન્દ્રો પરથી મળી રહેશે. તેમ છતાં પુસ્તક પ્રાપ્તિની વિગત પ્રસ્તુત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી, મૃગેશ શાહ.]

આજનો યુગ જેટયુગ છે. પ્રત્યેક વ્યક્તિ પાસે પોતાની માટે જ સમય હોતો નથી. ઘડિયાળના કાંટે એને દોડવાનું હોય છે. નવાઈની વાત એ છે કે જીવનની આ ભાગદોડ વચ્ચે પણ એની આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છામાં કદી ઓટ આવતી નથી. એ હંમેશા પોતાના મનને સ્વસ્થ રાખવા મથે છે. વાંચન એની માટે શ્રેષ્ઠતમ ઉપાય છે. બાહ્ય જગતના કોલાહલમાંથી થોડા સમય માટે કોઈ સાવ અલગ દુનિયામાં ડૂબી જવાની તક વાંચન આપણને આપે છે. એ દુનિયા આપણી પોતીકી હોય છે. પરંતુ સવારે નવ વાગ્યે ઑફિસે પહોંચીને રાત્રીના નવ વાગ્યે પાછો ફરતો યુવાન, કદાચ ઈચ્છે તો પણ, વાંચન માટે ક્યારે સમય ફાળવી શકે ? આનો એક જ ઉપાય થઈ શકે, જો એને એના ઑફિસ ટેબલ પર જ કંઈક ટૂંકું પણ સારું વાંચન મળી રહે – બસ, આ મથામણમાંથી જન્મ્યું રીડગુજરાતી.કોમ.

રીડગુજરાતી.કોમ એટલે જાણે કે ગુજરાતી સાહિત્યનો ફ્લાયઑવર ! સમાજના અત્યંત વ્યસ્ત એવા યુવાવર્ગ સુધી સાહિત્યને સરળતાથી પહોંચાડવાનો એક રસ્તો. સાહિત્ય તો જ જીવંત રહી શકે જો તે યુવાવર્ગના હાથ સુધી અને તે પછી છેવટે હૈયા સુધી પહોંચે. મનની શાંત પળોમાં માણેલું વાંચન મશીનમાં મુકેલા ઑઈલ જેવું કામ કરતું હોય છે. એ મનને સુસંસ્કૃત કરે છે. એ સંસ્કાર પછી પેઢીઓમાં આપોઆપ ઉતરે છે. રીડગુજરાતીનો આ સંસ્કાર વારસો જીવંત રાખવાનો એક વિનમ્ર પ્રયાસ છે.

રીડગુજરાતીનો મુખ્ય ઉદ્દેશ છે યુવાવર્ગ સુધી એવા પ્રકારનું સાહિત્ય પહોંચાડવાનો કે જે તેમને આપમેળે વાંચતા કરી દે. સૌને પોતાના જીવનનું પ્રતિબિંબ એમાં દેખાય. એક એવા પ્રકારનું વાંચન જે સૌના મનને અનેરી તાજગી અર્પે. આ હેતુથી આ વેબસાઈટ પર રોજ નિયમિત રૂપે બે ચૂંટેલા લેખો પ્રકાશિત કરવામાં આવે છે. આ લેખોમાં ટૂંકીવાર્તા, નિબંધો, સત્યઘટનાઓ, બાળવાર્તાઓ, કાવ્યો, ગઝલો, લઘુકથાઓ, પ્રવાસવર્ણનો જેવા અનેક સાહિત્યપ્રકારોનો સમાવેશ થાય છે. પ્રત્યેક લેખના અંતે વાચકો પોતાનો પ્રતિભાવ લખી શકે એવી સુવિધા રાખવામાં આવી છે આથી વાચકો અને લેખકો વચ્ચે સીધો સેતુ નિર્માણ થાય છે. પોતાને ગમતી વસ્તુ અન્યને વહેંચવાની કે કહેવાની ઈચ્છા થાય તે માનવીય સ્વભાવ છે. આપણને ગમી ગયેલી ફિલ્મ આપણે સ્વાભાવિક રીતે જ મિત્રવર્તુળમાં કહેતા હોઈએ છીએ. એવું સાહિત્યનું પણ થવું જોઈએ. આ માટે દરેક લેખના અંતે ‘E-mail To Friend’ નામની સુવિધા મૂકવામાં આવી છે. જેથી એક વાચક પોતાના મિત્રવર્તુળમાંના અનેક મિત્રોને વાંચતા કરી શકે. આ રીતે છેલ્લા સાડાચાર વર્ષથી રીડગુજરાતીના રોજના નિયમિત 5,000 થી વધુ વાચકો છે.

રીડગુજરાતીની શરૂઆત ઈ.સ. 2005માં થઈ હતી. એ પછી ટેકનોલોજીના વિકાસ સાથે તેનું સ્વરૂપ સતત બદલાતું રહ્યું છે અને વધારે ને વધારે સુવિધાઓ તેમાં ઉમેરવામાં આવી છે. છેલ્લાં સાડા ચાર વર્ષમાં આ સાઈટમાં કુલ 2800થી વધુ લેખો પ્રકાશિત થયા છે. સૌથી આનંદની વાત એ છે કે સુપ્રસિદ્ધ સાહિત્યકારોની કૃતિઓ સાથે અનેક નવોદિત લોકોના લેખો પણ એટલા જ પ્રસિદ્ધિ પામ્યા છે. જે યુવાનો વિદેશ ભણવા ગયા હોય, ક્યારેય કદી લખ્યું ન હોય – એમના દ્વારા પણ સુંદર કૃતિઓ રીડગુજરાતીને પ્રાપ્ત થઈ છે અને સૌ વાચકોમાં તે મનનીય બની છે. સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઈ તરફથી વિવિધ પ્રકારની રચનાઓ પ્રાપ્ત થતી રહે છે જેનાથી નવોદિતોને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ કંઈક અંશે સફળતાપૂર્વક પાર પાડી શકાયો છે.

આ ઉપરાંત, નવોદિતોને પ્રોત્સાહન મળે એ માટે છેલ્લાં ત્રણ વર્ષથી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા’નું આયોજન કરવામાં આવે છે જેમાં વિશ્વના અનેક દેશઓમાં વસતા ગુજરાતીઓ તરફથી વાર્તાઓ મંગાવવામાં આવે છે. જાણીતા સાહિત્યકારો આ માટે સમીક્ષક તરીકેની સેવા આપે છે અને એમ કરતાં વિજેતા થયેલા પ્રથમ ત્રણ કૃતિને રૂ. 3000, રૂ. 2000 અને રૂ. 1000 એમ પુરસ્કાર આપવામાં આવે છે. પ્રતિવર્ષ દરેક સ્પર્ધામાં 50 થી વધુ કૃતિઓ પ્રાપ્ત થતી રહે છે. આ સ્પર્ધામાં માત્ર નવોદિતો જ ભાગ લઈ શકે છે. યુવાવર્ગમાં આ સાહિત્ય વધારે પહોંચે એ હેતુથી હવે ‘રીડગુજરાતીની મોબાઈલ આવૃત્તિ’ (http://m.readgujarati.com) પણ તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા કોઈ પણ પોતાના મોબાઈલ પર ગુજરાતી લેખો વાંચી શકે છે. આ રીતે ટ્રેનમાં પ્રવાસ કરતો મુસાફર પણ પોતાના નાનકડા મોબાઈલ પર 2800 જેટલા લેખો વાંચી શકે છે ! ઈન્ટરનેટ કનેકશન ધરાવતા અને તકનીકી રીતે સુસજ્જ હોય તેવા મોબાઈલ પર આ સુવિધા શરૂ થઈ ચુકી છે. વળી, રીડગુજરાતી પર પ્રકાશિત થયેલા આ લેખો સમાજના તમામ સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચે એ માટે તાજેતરમાં જ ‘રીડગુજરાતી પુસ્તિકા’નું પ્રકાશન પણ કરવામાં આવ્યું છે.

રીડગુજરાતીને અનેક લેખકમિત્રો તેમજ પ્રકાશકમિત્રો તરફથી પુસ્તકો પ્રાપ્ત થતા રહે છે. આ પુસ્તકોમાંથી એક લેખ પસંદ કરીને પુસ્તકનો પરિચય, ફોટોગ્રાફ અને પ્રાપ્તિસ્થાનની વિગત સાઈટ પર પ્રકાશિત કરવામાં આવે છે. આ રીતે સૌ વાચકોને નવા પ્રકાશિત થતાં પુસ્તકની માહિતી મળી રહે છે અને સાહિત્યરસિકમિત્રોને એ પુસ્તક ખરીદવાની સરળતા રહે છે. વિદેશમાં વસતા ભાઈ-બહેનો આ માહિતી પ્રાપ્ત કરીને પોતાને મનગમતાં પુસ્તકો મંગાવતા હોય છે.

રીડગુજરાતીનું સ્વરૂપ ‘ઈ-સામાયિક’ પ્રકારનું છે. તેમાં પ્રકાશિત થયેલા લેખો વાચકમિત્રો ગમે ત્યારે માણી શકે છે. આથી એક રીતે તે ‘ઈ-લાઈબ્રેરી’ પણ છે. આ સમગ્ર કાર્યનો ઉદ્દેશ ઓનલાઈન વાચકો સુધી ઉત્તમ અને જીવનપ્રેરક શિષ્ટ સાહિત્ય પહોંચાડવાનો છે. નવી પેઢીને નવા માધ્યમથી સાહિત્ય તરફ વાળવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે. વ્યસ્તતાને કારણે જેઓ પુસ્તક વાંચી શકતા નથી અથવા તો વિશ્વના અન્ય દેશો કે જ્યાં ગુજરાતી પુસ્તકો ઉપલબ્ધ નથી, ત્યાંના વાચકો પણ ગુજરાતી સાહિત્યના વાંચનનો લાભ લઈ શકે તે માટે આ વેબસાઈટ પ્રયત્ન કરી રહી છે. ટેકનોલોજીના માધ્યમથી આપણી માતૃભાષના સાહિત્યને વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવાનો હેતુ આમાં સમાયેલો છે.

રીડગુજરાતી ન તો કોઈ સંસ્થા છે, ન કોઈ ટ્રસ્ટ છે. તેનો કોઈ ધંધાકીય હેતુ નથી. રીડગુજરાતી કોઈ પણ સંસ્થા કે પ્રકાશનગૃહ સાથે સંકળાયેલું કે જોડાયેલું નથી. જેમ રસ્તેથી પસાર થતા વટેમાર્ગુને ઘડીક લીમડાના છાંયે આરામ મળે છે એમ રીડગુજરાતી દ્વારા સુંદર વાંચન મેળવીને સૌ પોતાના જીવનમાં એ ઠંડક પામીને સભરતાનો અનુભવ કરી શકે તોય ઘણું છે. સમી સાંજે ગામના ચોરે બેસીને કહેવાતી આપણી લોકકથાઓ જેમ કર્ણોપકર્ણ સચવાઈ રહેતી હતી, તેમ આ આધુનિક માધ્યમથી અમૂલ્ય સાહિત્યને જાળવવાની આ પ્રવૃત્તિ છે. આમાં ફરક એટલો જ છે કે આ ચોરો જરા વિશાળ છે ! તમામ જાણીતા અખબારો, રેડિયો સ્ટેશનો અને ટી.વીના માધ્યમોએ રીડગુજરાતીની નોંધ લીધી છે તે વિશેષ આનંદની વાત છે.

ઈન્ટરનેટ ધરાવતા સાહિત્યરસિક મિત્રો રોજેરોજ આ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. આપના કૉમ્પ્યુટર દ્વારા ગુજરાતી સાહિત્યના ઑનલાઈન સાગરમાં ડૂબકી લગાવવા માટે, ટાઈપ કરો : www.readgujarati.com

[કુલ પાન : 118. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન, 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]