ગુજરાતી લઘુકથાસંચય – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ
[સાહિત્યમાં લઘુકથાનું સ્વરૂપ અનોખું છે. તે થોડામાં ઘણું કહી જાય છે. ક્યારેક તેનો અંત ચોટદાર અને આશ્ચર્યચકિત કરી મૂકે તેવો હોય છે. આ લઘુકથાના જનક એવા શ્રી મોહનલાલ પટેલનું લઘુકથાના આરંભ અને વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેમણે શ્રી પ્રફુલ્લભાઈ રાવલ સાથે મળીને કુલ 76 જેટલી સુંદર લઘુકથાઓ ચૂંટીને ‘ગુજરાતી લઘુકથાસંચય’ રૂપે આપણને આ સુંદર પુસ્તક પ્રાપ્ત કરાવ્યું છે. આજે તેમાંથી માણીએ કેટલીક લઘુકથાઓ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] ખેલ – વિનોદ ભટ્ટ
પછી એ માણસ રસ્તા પર પડેલ ઈંટાળાનો ભૂકો કરીને ખાવા માંડ્યો. આખુંય ટોળું એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યું. થોડીક ખીલીઓ ને ટાંકણીઓ લઈ તે પાપડની જેમ બડુકા બોલાવતો ખાવા લાગ્યો. લોકો તેની સામે મુગ્ધભાવે જોતા હતા. અને સોડા-વોટરની એક બાટલી જમીન પર પછાડી, ફોડીને જ્યારે તેણે કાચના ટુકડા ખાવા માંડ્યા ત્યારે તો કેટલાક લોકો મોંમાં આંગળાં ઘાલી ગયા. એક-બે જણાએ તો તેને આવું કામ કરતાં વારવા પ્રયત્ન કર્યો. કેટલાકે દયાથી પ્રેરાઈને પોતાના ખિસ્સામાંથી ચાર-આઠ આનાના સિક્કા કાઢીકાઢીને પેલાએ પાથરેલ શેતરંજી પર નાખવા માંડ્યા. પૈસા આપીને બધા વેરાવા માંડ્યા.
સામેની દુકાનમાં બેઠેલા ગીધુકાકા આ બધું તદ્દન નિર્લેપભાવે જોતા હતા. એમના મોં પરના ભાવો જરાય બદલાયા નો’તા. પેલો ખેલ કરનાર ગીધુકાકા પાસે આવી હાથ લાંબો કરતાં બોલ્યો : ‘શેઠ, આઠ આના-રૂપિયો જે કંઈ આપવું હોય એ આપો, મા-બાપ…..’
‘પણ શેના ભૈ ?’ ગીધુકાકાએ પૂછ્યું.
‘આ મેં ઢેખાળાના ટુકડા, ઈંટાળાનો ભૂકો, લોખંડના ખીલા, કાચ –એ બધું ખાધું એ તમે જોયું નહિ ?’
‘એમાં ભાઈલા, તેં ધાડ શી મારી એ કહીશ, જરા ?’
‘એટલે ?’
‘આ બધો ખેલ તો અમે રોજ કરીએ છીએ. ફેર એટલો કે તું જે જાહેરમાં કરે છે એ અમે ખાનગીમાં કરીએ છીએ.’
‘સમજાયું નહીં, શેઠ…..’
‘તને નહીં સમજાય…… અમે જેવી ચીજો ખાઈએ છીએ એવી તો તુંય નહીં ખાતો હોય…. ઘીમાં ડુક્કરની ચરબી, મરચામાં લાકડાનું ભૂસું, ધાણાજીરામાં ઘોડાની લાદ, લસ્સીમાં બ્લોટિંગ પેપર-બોલ, આવી બધી વસ્તુઓ તેં કદીય ખાધી છે ?’
….ને પેલો પોતાનો ખેલ કરવા બીજા લત્તા તરફ ચાલતો થયો.
[2] કૂતરાં – મનસુખ સલ્લા
પત્રકારત્વમાં મનીષને આવો થાક ક્યારેય લાગ્યો નહોતો. ધરતીકંપનું પ્રલયકારી રૂપ જોઈને તેનું મગજ બહેરું બની ગયું હતું. થાકીને તે એક ઘર પાસે ઊભો રહી ગયો. ઘર વળી શાનું ? તૂટી પડેલા કાટમાળ વચ્ચે વાદળી રંગના પ્લાસ્ટિકની આડશ કરી હતી. નીચે એક ડોશીમા બેઠાં હતાં. વગર માગ્યે જ ડોશીમાએ ઊભાં થઈને પાણીનો લોટો ભરીને આપ્યો. એકીશ્વાસે મનીષે લોટો ખાલી કર્યો. પાણી પીને તે બેસી રહ્યો. કોઈ પ્રશ્ન સૂઝતો ન હતો. ત્યાં ડોશીમાએ પૂછ્યું : ‘હેં દીકરા, તું અમદાવાદથી આવ્યો ?’
‘હા માજી, પરંતુ અમદાવાદ અને કચ્છ વચ્ચે બહુ ફરક છે.’
‘મેં સાંભળ્યું છે કે તમારા અમદાવાદમાં સરકાર કૂતરાં લાવી હતી ?’
‘હા માજી. એ તાલીમવાળાં કૂતરાં હતાં. દટાયેલો માણસ દેખાતો ન હોય તો એ કૂતરાં એને શોધી કાઢે.’
‘હશે દીકરા. પણ તમારી સરકાર આંયાં કૂતરાં નો લાવે ?’
‘લાવી શકે, પરંતુ અહીં ક્યાં માણસો દટાયેલાં છે ?’
‘માણસો તો નથી દટાયાં, પણ તંબૂ દટાઈ ગ્યા સે.’
‘તંબૂ દટાઈ ગયા છે ? ક્યાં ?’
‘અમને બધાયને કીધું’તું કે બધાયને તંબૂ આપશે. હજી સુધી એકેય તંબૂ અમારા ગામને મળ્યો નથી. તંબૂ તો ઝાઝા બધા આવ્યા’તા. તો વચમાં ક્યાંક દટાઈ ગ્યા હશે ને ? કૂતરાં આવે તો ગોતી કાઢે.’
મનીષની આંખ ફાટી રહી. ‘કૂતરાં…..!’ તે વાક્ય પૂરું ન કરી શક્યો.
[3] લાડવો – નટવર આહલપરા
આછું અંધારુંય ને આછો ઉજાસેય કળાતો હતો. સવાર પડી. અમરત ઊઠી. ન્હાવા-ધોવાનું પતાવી કાયમ પ્રમાણે ઘરના ઉંબરે સાથિયો પૂર્યો. સૂરજદાદાને અને સાસુ-સસરાને પગે લાગી. કૂતરાને સાનકી નાખી. ફળિયામાં બાંધેલી ગાયને ઘાસ નીર્યું. બાજરાનો લોટ લઈ કીડિયારું પૂર્યું. ધરતીમાને લાપસી જારી. સાસુ-સસરાને શિરામણ કરાવ્યું.
ત્રણ વરસના દીકરા માવજીને ઘોડિયામાં સુવાડ્યો. હાથમાં દોરી લઈ અમરતે માવજીને હીંચકાવતાં વાત શરૂ કરી : ‘એય માવલા, હું તને એટલે હીંચકાવું છું કે, તું મોટો થા ને ઈ વેળાએ જો ધરતીનો આંચકો આવે તો તને બીક નો લાગે, સમજ્યો ? મેં સાંભળ્યું છે કે ગગા, શે’રમાં (શહેરમાં) આંચકા આવ્યા, ત્યારે ઊંચા-ઊંચા ઘોલકી જેવા મકાનમાં રે’તા માણસોને આવી ટાઢમાં ઠૂંઠવાઈને તંબૂ તાણી રે’વું પડ્યું’તું. તારા જેવા છોકરાનું શું થાતું હશે ? એની મા ન્યાં ઘોડિયાં ગોતવા ક્યાં જાય ? એના બાપને સૂવા ખાટલો ક્યાંથી મળે ? આપડે કાંઈ ઉપાધિ ? ભગવાનની ઘણી દયા આપડે માથે છે. આપડે તો ઘરનાં ઘર. લીલી વાડી, દૂઝણાં, ઘરમાં ધરમ-ધ્યાન ને સુખ-શાંતિ. પણ માવજી, મને ઈ સમજાતું નથી કે, આપણને બધું સુખ મળ્યું છે તોય તારા બાપુ મને, તને, બા-બાપુને અને આપડી જનમભોમકાને છોડીને શહેરમાં સું લાડવો લેવા ગ્યા હશે ?’
[4] ઘરનું ઘર – જિજ્ઞાસુ દક્ષિણી
હીંડોળા પર હીંચકા ખાતાં ખાતાં ગુણવંતરાય છાપું વાંચી રહ્યા હતા. કોઈ જૂનું છાપું હાથમાં લઈ છ વર્ષનો બિટ્ટુ આવી ચડ્યો અને કહે : ‘દાદા ! ‘ઘરનું ઘર’ એટલે શું ?’ અને ગુણવંતરાય બિટ્ટુને જવાબ વાળવાને બદલે અતીતમાં સરી પડ્યા. બિલાડીની માફક અનેક મકાનો બદલી બદલીને જીવન ટકાવી રાખનાર ગુણવંતરાયને અસંખ્ય ખાટાં-તૂરાં-કડવાં સ્મરણો તાજાં થઈ ગયાં….
તેમણે લગ્ન પછી તરત ભાડે રાખેલી છાપરાંવાળી નાનકડી ઓરડીથી માંડીને પચીસ વર્ષ સુધી ચાલેલી બધી જ ઘટમાળ તેમની નજર સામેથી પસાર થવા લાગી… ‘મુશ્કેલી’, ‘સમસ્યા’, ‘અગવડ’….. આ બધા શબ્દો તો સાવ નાના અને ફિક્કા લાગે તેવી પરિસ્થિતિમાં ગુણવંતરાય, તેમનાં પત્ની અંજનીદેવી અને સંતાનો પચ્ચીસ, હા, પૂરાં પચ્ચીસ વર્ષ જીવ્યાં હતાં. તેમણે જ્યારે પોતાના લગ્નની રજતજયંતીએ ‘ઘરનું ઘર’ ખરીદી તેની ચાવી પત્નીના હાથમાં સોંપી ત્યારે અંજનીદેવી બોલ્યાં હતાં : ‘આ કરવાની ક્યાં જરૂર હતી ? માંડ માંડ તો દુ:ખ સહન કરવાની ટેવ પડી છે ! હવે સુખ સહન કરવાની ટેવ પડતાં બીજાં પચ્ચીસ વર્ષ લાગશે !!’
બિટ્ટુએ ગુણવંતરાયનો ખભો હલબલાવ્યો : ‘દાદા, કહોને ! ‘ઘરનું ઘર’ એટલે શું ?’ દાદા વહાલસોયા પૌત્ર સામે જોઈ રહ્યા અને તેના માથે હાથ ફેરવી બોલ્યા : ‘જા બેટા ! તારી દાદીને પૂછી લે !’
[5] પાણી – પ્રફુલ્લા વોરા
મમ્મીના મૃત્યુ પછી દસમા ધોરણમાં ભણતી અલ્પા તેના પપ્પાનું ખૂબ ધ્યાન રાખતી. પપ્પા સ્કૂલમાં પટ્ટાવાળાની સામાન્ય નોકરી કરતા. ઓછી આવકમાં પણ અલ્પા સારી રીતે ઘર ચલાવતી. રોજ સાંજે પપ્પા થાકીને આવ્યા હોય કે તરત અલ્પા પાણી આપે, પછી ચા.
ઘંટ વાગ્યો ને અલ્પા પરીક્ષાખંડમાં બેઠી. પેપર વાંચીને અલ્પા ખુશ થઈ, નિરાંતે પેપર લખવામાં મશગૂલ થઈ ગઈ. પહેલો કલાક પૂરો થયો. વિદ્યાર્થીઓને પાણી પાવા માટે પટ્ટાવાળા આવ્યા. અલ્પા પેપર લખવામાં મશગૂલ હતી.
‘પાણી !’
અલ્પાએ સફાળા ઊંચે જોયું. પાણી લેવા હાથ લંબાયો. રોજ પપ્પાને પ્રેમથી પાણી આપનારો હાથ ધ્રૂજવા લાગ્યો. હાથથી ગ્લાસ છૂટી ગયો. ગ્લાસમાંના પાણી સાથે અલ્પાની આંખમાંથી ટપકતાં આંસુ પણ ભળી ગયાં…. અને પપ્પા જોઈ રહ્યા !
[6] વાસી ખબર – પ્રકાશ. બી. પુરોહિત ‘નિર્દોષ’
પત્નીની પ્રસવવેદનાની ચીસો ઓરડાની બહાર સાંભળતા, આમતેમ આંટા મારતા હર્ષદરાયને આવીને દાયણે વધાઈ ખાધી : ‘બાબલો જન્મ્યો છે.’ સાંભળી હર્ષદરાયે તેને પાંચની નોટ બક્ષિસમાં આપી દીધી, અને ફળિયા વચ્ચોવચ્ચ થાળી વગાડી નાચી ઊઠ્યા.
પચ્ચીસ વર્ષ પછી હર્ષદરાય અને તેમનો સુપુત્ર સુગમ મેટરનિટી હૉમના બાંકડે બેઠા હતા. નર્સે આવી કહ્યું : ‘પુત્ર જન્મ્યો છે, તમે દાદા બન્યા છો !’ સાંભળી ખિસ્સામાં હાથ નાખવા જતા હર્ષદરાયને આંખના ઈશારાથી ના પાડી સુગમ બોલ્યો : ‘સારું, સારું તું હવે અહીંથી જા. અમને ખબર જ હતી, પુત્ર જન્મશે એની.’
[કુલ પાન : 102. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય અકાદમી. જૂનું વિધાનસભાભવન, સેકટર નં 17. ગાંધીનગર-382017. ફોન : +91 79 23256797 અને +91 79 23256798.]
Print This Article
·
Save this article As PDF
Ghani j saras, thoda ma ghanu
બધીજ લઘુકથા ઓ સરસ.
ખુબ જ સુંદર. “પાણી” વાળી વાત આંખમાં પાણી લાવી ગઇ
ચોટદાર.
ગાગરમાં સાગર.
અસરકારક.
દરેક અમૂલ્ય.
ખુબ જ સરસ.
Badhi j laghukathao undi chhe.binduma sindhu.
૪,૫ અને ૬ આંખ મા આંસુ સાથે સમજણ આપે તેવી લઘુકથાઑ..
૧,૨,૩ “Reality check”..
સરસ સંકલન મૃગેશભાઈ અને આભાર લેખકશ્રી
બહુજ સુન્દર બોધક કથા.
વસ્તુઓમાં ભેળસેળ, ભ્રષ્ટાચાર અને પૈસા પાછળની આંધળી દોટ
લગભગ દરેકના જીવનની સમસ્યા. કટાક્ષ ખૂબ સરસ.
આભાર
my laghukatha ‘varasagat’ is also there in this laghukatha sanchay.regards durgesh b oza 1 jalaram nagar narsang tekri porbandar 360575
ખુબ જ સરસ વાર્તાઓ
સરસ મ્રુગેશ ભાઈ . . .
મને લાગે છે કે આ બધી વારતાઓ જો આપણી આજની પેઢીઓ વાંચશે તો આવતી કાલ ખુબ જ સારસ હશે . . .
બહુજ સરસ વાર્તા..
very nice we can simply say “Sweet and Short”
ઘણી વખત આખી પુસ્તક વાંચી જાય છતાં કઈ મજા ના આવે અને આવી નાની નાની વાર્તા વાંચીએ અને જલસો પડી જાય
movie અને tv ની તો વાત જ ના કરાય
મને એમ લાગે છે કે લઘુકથાઓ સાહિત્યની ૨૦-૨૦છે ઝટ પરિણાઅમ્!
દરેક કણિકાઓ મનને ઝંકૃત કરનારી.
પાણી….માં પટ્ટાવાળો અને વ્હાલી દિકરી
પિતા…પુત્રીનું મનોવિજ્ઞાન અવ્યક્તામાં વ્યક્ત કરે છે.
ઘણીવાર મૌન પણ બોલકું હોય છે.
આઝાદીના દશકાઓ પછી પણ આપણે સેવા ક્ષેત્રને માનવીય ગરિમા બક્ષી શક્યા નથી.
પટ્ટાવાળો….કારકુન….નોકર….નોકરાણી….આયા જેવા શબ્દોથી માનવતાનું હનન થાય છે.
બ્રિટીશ સામ્રાજ્યમાં રાજા-રાણીનો મોભો જાળવી રાખવા બીજાને નીચો બતાવવાની મેલી મુરાદ હતી.
અમેરિકામાં રસ્તા પર પેટ્રોલિંગ કરતા કૉંસ્ટેબલને ( આપણું પેંદુ )
પોલિસ ઑફિસર જેવા ગરિમાપૂર્ણ શબ્દોથી બોલાવામાં આવે છે.
થોડા શબ્દો….
બ્રિટીશ અમેરિકન
કોંસ્ટેબલ…………પોલિસ ઓફિસર
શોપ થીફ…………શોપ લિફટર
બેગર………………પેન હેંડલર
પૉસ્ટ મેન…………લેટર કેરિયર ( જેમાં સ્ત્રી-પુરૂષ બંન્ને આવી જાય )
આજના યુગની વિચીત્રતા
બ્રિટનની રાણી જ્યારે અમેરિકન પ્રમુખ સાથે હાથ મિલાવે ત્યારે
સફેદ મોંજા સાથે હદયનો ઉમળકો વ્યકત કરે છે…!!!
શ્રી જયભાઈ,
ખુબ સરસ સૂચન કર્યું છે તમે……ગુલામી સામે લડાઈ લડીને સ્વરાજ તો મેળવ્યું પણ મન પર તો ‘ગુલામી’ હજુ પણ જ હાવી રહી છે.
મારા બાપૂજી (મોટા કાકા) સરકારમાં ઊચ્ચ કક્ષાનાં હોદ્દા પર હતાં. વિશાળ બંગલો અને સાથે ૧૦-૧૨ માણસો પણ વિવિધ સેવાઓ આપવા માટે દિવસભર બંગલામાં જ સતત તત્પર રહે. અમે નાના હતાં પણ વેકેશન માણવાં અચૂક બાપૂજી ને ત્યાં જવાનું બને. પરંતુ એ ૧૦-૧૨ માણસોનાં બધાં જ મદદગાર સ્ટાફ ને ક્યારેય કોઈએ પણ તું-કારે નહી બોલાવવાનાં કે અપમાનિત પણ નહી કરવાનાં તેવો વણલખ્યો નિયમ. મારા મોટી-બા ઘરનાં મોભી અને એ આ બાબતનું ખાસ ધ્યાન રાખે અને રખાવે. ઘરનાં સભ્યો જેવું જ તેમની જોડે વર્તન કરાય.
મારા બાપૂજી નાં બંગલા પર ડ્યુટી મળે તે માટે રીતસર સ્પર્ધા થાય અને જેને મળે તે પોતાને ભાગ્યશાળી માને.
આ સંસ્કારોનો ફાયદો મને કાયમ મળ્યો છે……. અને આજસુધી ઘર અને ઓફીસનાં બધા જ મદદગારો તરફથી પ્રેમ, મદદ, વફાદારી બધું જ મળ્યું છે.
“Men are respectable only as they respect”……આ નાનકડું સુત્ર સર્વે એ સર્વદા યાદ રાખવા જેવું
શ્રી જગતભાઈ
આપનો આભાર.
માનવીય ગરિમા બક્ષતી સંસ્કારિતાનો વારસો આપના પરિવારમાં જળવાઈ રહે તેવી અભ્યર્થના.
૫-૭ વર્ષ પહેલાં અમે પાવાગઢ દર્શને જતા હતા. વડોદરાથી પાવાગઢ તરફ જતા રસ્તામાં એક
હોટલમાં ચા-નાસ્તો કરવા અમે રોકાયા. નાસ્તો કરતી વેળાએ મારું ધ્યાન સામેની દિવાલ પર
અંકાયેલા સૂત્ર તરફ ગયું.
ગ્રાહકોને વિનંતી….નોકરોને ટીપ આપવી નહિ.
બીલ ચૂકવી બહાર નીકળતી વેળાએ શેઠને મેં કહ્યું કે આપ નોકરની જગ્યાએ કર્મચારી શબ્દ મુકશો
તો ગ્રાહકોને અને આપના નોકરોને પણ ગમશે.
કઈંક અપરાધભાવના સાથે મારી સામે જોઈ કહ્યું કે આપનુ સૂચન ધ્યાનમાં રાખી શબ્દ બદલીશું.
થોડાક માણસોને માનવીય ગરિમા બક્ષવામાં નિમીત્ત બન્યાની લાગણી સાથે વિદાય લીધી..!!
સરસ્.
જ્યારે ધરતીકંપ થયો અને પછી આ તંબુવાળી વાત સાંભળેલ અને મારાથી બોલી જવાયેલ કે ભગવાન તંબુ લઈ જનારને તંબુ ખરેખર ઉપયોગમા આવે એવી લીલા કરજે.
રાહતકાયૅના કાયૅકર દુકાળ પડે એવી વાત કરે ત્યારે હે ભગવાન………….
આન્ખ મા આસુ આવિ ગયા સુન્દર
ખુબ જ હદય્સ્પર્શિ લઘુકથાઓ.
લઘુકથાઓ વાંચીને હ્રદયમાં ગુરુ હલચલો થઈ.
REALLY A MASTER STROKE TYPE STORIES —-AND IN THE LANGUAGE OF CRICKET WE CAN SAFELY SAY
THAT IT IS 20 – 20 FORMAT —A FEW WORDS BUT THEY ARE SO EFFECTIVE THAT EVEN A NOVEL OF 500 PAGES CAN NOT GIVE SUCH EFFECT —
CONGRATS TO ——- સાહિત્યકાર : પ્રફુલ્લ રાવલ, મોહનલાલ પટેલ —ALL THE BEST
AND CONTINUE TO CONTRIBUTE LIKE THIS —
બધી જ લઘુકથાઓ હ્રદયસ્પર્શી. જલ્સો પડી ગયો બાકી. પુસ્તક ખરીદ્યાવગર છુટકો નથી.
હ્રદયસ્પર્શી અને એકદમ ચોટદાર લઘુકથાઓ. દરેક રચના અત્યંત સુંદર.
દરેક વાંચકો એ નોંધવા લાયક વાત એ છે કે દરેક વાર્તા (સત્ય ઘટનાઓ?) આપણી સામાજીક નબળાઈઓ તરફ ધ્યાન દોરે છે.
થોડું વિચારીએ અને આપણાં જીવનમાંથી તે દૂર થાય તેવો આપણે સહું પ્રયત્ન કરીએ.
બધી જ લઘુ કથાઓ ખૂબ જ સારી અને ચોટદાર રહી.
વર્ષો પેલા દૂરદર્શન પર “મીટ્ટી કે રંગ” નામ ની સીરીઅલ આવતી , જેમાં જુદી જુદી લઘુ કથાઓ ને દર અઠવાડિયે દર્શાવતા. જુના દિવસો યાદ આવી ગયા, આંખ માં થોડા આંસુ સાથે.
આજ ના જમાના ની સીરીઅલો જોઈ ને દુખ થાય છે કે આવનારી પેઢી ને સમજણ અને જીવન જીવવા માટે નું માર્ગદર્શન કેવી રીતે મળશે?
મોહનલાલ પટેલ અને પ્રફુલ્લ રાવલ નો ખૂબ ખૂબ આભાર સાથ મૃગેશ ભાઈ નો પણ આભાર, કે ગુજરાતી માં લઘુ કથાઓ નું સંકલન કર્યું અને અમને એ કથાઓ વાંચવા નો લાભ મળ્યો.
– મીતલ
Short and sweet… very nice
મર્મસ્થાને ચોટ કરતી લઘુકથાઓ…
પાણી અને વાસી ખબર અદભુત.
kudos to all stories .. specially earthquake and peon and last1. …..
lamba samay sudhu vicharta kari muke evi – ghar nu ghar etle su ?
sathe j munnabahi movie yad avi gayu jema ek 6okri sagai karvani na padi de 6 karan k pelo 6okro waiter ne AAII chhichch ..sisoti thi bolave 6 ..
let us read some more short stories
વાહ્..ખુબ સરસ…