પાંદડે પાંદડે ઝાકળ – સં. મહેશ દવે

[ શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે’ શ્રેણીમાં તાજેતરમાં ‘પાંદડે પાંદડે ઝાકળ’નામનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે. હંમેશની જેમ સુંદર બોધપ્રદ કથાઓના આ પુસ્તકમાંથી માણીએ કેટલીક કૃતિઓ. શ્રી મહેશભાઈનો આપ આ નંબર પર +91 9427606956 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ]

Picture 093[1] બધું જ યંત્રવત

ઉત્તરપ્રદેશનું એક નાનકડું ગામ. ગામમાં એક જ સ્કૂલ હતી. શાળાના ઘરડા થઈ ગયેલા શિક્ષક પ્રાચીન સાહિત્યનો વિષય શિખવાડતા હતા. આજે એ રામાયણ ભણાવતા હતા. વર્ષોથી એ રામાયણ ભણાવતા આવ્યા હતા. તુલસીદાસની ચોપાઈઓ મોઢે હતી. ચોપાઈમાં જોવાની જરૂર નહોતી. પહેલાં ચોપાઈ બોલે અને પછી એને ગદ્યમાં સમજાવે.

કોઈ વિદ્યાર્થીનું શિક્ષક પર ધ્યાન નહોતું. શાનું હોય ? ઉત્તરપ્રદેશમાં રામનો મહિમા ભારે. બાળપણથી રામકથા સાંભળતા આવ્યા હતા. દાદા-દાદીએ કથા કહી હતી. કથા કરવા આવતા મહારાજે એ કથા સંભળાવેલી, રામાયણની ફિલ્મ જોયેલી, ટીવી પર રામાયણની સિરિયલ અનેક વાર આવી ગઈ હતી. ફરી ફરી રામકથા સાંભળવામાં વિદ્યાર્થીઓને રસ નહોતો. કોઈનું ધ્યાન શિક્ષક પર નહોતું. કેટલાક ઊંઘતા હતા, કેટલાક ઝોકે ચડ્યા હતા, કેટલાક બારી બહાર ઢોર, પક્ષીઓ અને વૃક્ષો જોતાં હતાં. અને કેટલાક અંદરોઅંદર વાતો કરતા હતા. શિક્ષક પણ બેધ્યાનપણે બોલ્યે જતા હતા. પોતે શું બોલે છે તેનું પોપટને જેમ ધ્યાન કે ભાન હોતું નથી તેમ શિક્ષક કંઠસ્થ થઈ ગયેલી ચોપાઈઓ અને કથા રટ્યે જતા હતા. ઊંઘમાં કે ટેપ કરેલી રેકર્ડની હોય તેમ ગબડાવ્યે જતા હતા.

એવામાં શાળામાં સરકારી ઈન્સ્પેક્ટર (નિરીક્ષક) ‘સરપ્રાઈઝ ઈન્સ્પેકશન’ (ઓચિંતા નિરીક્ષણ) માટે આવી ચડ્યા. બધા સફાળા જાગ્રત થઈ ગયા. ઈન્સ્પેક્ટરે શિક્ષક સાથે થોડી વાતચીત કરી. પછી શિક્ષણ અને વિદ્યાર્થીઓની આવડત જાણવા સવાલ પૂછ્યો, ‘શિવનું ધનુષ્ય કોણે તોડ્યું ?’
એક વિદ્યાર્થી ડરતાં ડરતાં ઊભો થયો, ‘તમારા કહ્યા વગર ઊભા થવા માટે માફ કરજો સાહેબ, પણ મેં ધનુષ્ય તોડ્યું નથી. શાળામાં ગમે ત્યારે કંઈ તૂટે-ફૂટે તો મારું જ નામ આવે છે, તેથી ઊભો થયો છું. હું પંદર દિવસથી શાળામાં ગેરહાજર હતો, કારણ કે માંદો હતો. મેં ધનુષ્ય તોડ્યું નથી.’ નિરીક્ષકે આશ્ચર્યથી શિક્ષક સામે જોયું. બારણા પાછળથી શિક્ષકે સોટી કાઢી, કહ્યું, ‘હમણાં બે સોટી પડશે ને એટલે કબૂલ કરશે. શાળામાં બધી જ તોડફોડ સાલો એ જ કરે છે.’ નિરીક્ષકને વધારે અચંબો થયો. એ હેડમાસ્તર પાસે ગયા. બધી વાત કરી. હેડમાસ્તરે કહ્યું : ‘હવે મેલોને વાત. વિદ્યાર્થીને દંડ કરી નવું ધનુષ્ય લાવીશું. ગ્રાન્ટમાંથી પૈસા નહીં વાપરીએ. બોલો શું લેશો ચા કે કૉફી ? નાસ્તામાં શું ચાલશે ?’ નિરીક્ષકે લમણે હાથ દીધો.

આપણું શિક્ષણ આમ યંત્રવત ચાલી રહ્યું છે. શિક્ષક યંત્રવત ભણાવે છે, છોકરાઓ યંત્રવત સમજ્યા વગર સાંભળે છે, વહીવટ યંત્રવત ચાલે છે. આવા શિક્ષણમાં પ્રાણ ક્યાંથી આવે ?

[2] ભીતરમાં નિહાળો

રમણ મહર્ષિ પાસે એક ભક્ત આવ્યો. એ અત્યંત દુ:ખી હતો. એનો એકનો એક યુવાન પુત્ર અચાનક મૃત્યુ પામ્યો હતો. હંમેશની સ્વસ્થતાથી રમણ મહર્ષિએ સલાહ આપી, ‘આત્માની અંદર ઝાંકીને જો : ખરેખર કોણ દુ:ખ અનુભવી રહ્યું છે ?’ પણ ભક્તને સાંત્વન ન મળ્યું ત્યારે મહર્ષિએ ‘વિચારસાગરમ’માંથી નીચેની કથા કહી :

વર્ષો પહેલાંની વાત છે. તે સમયે ટપાલ, તાર, ટેલિફોન જેવી આજે છે તેવી સગવડો નહોતી. રામ અને કૃષ્ણ નામના બે જુવાનિયા સાગરપારના દૂર દૂરના દેશોમાં ધન કમાવા ગયા. થોડા સમય પછી એમનામાંનો એક અચાનક મૃત્યુ પામ્યો. બીજો પુષ્કળ ધન કમાયો અને સુખચેનમાં રહેવા લાગ્યો. દેશમાં પાછા જતાં એક વેપારી સાથે તેણે પોતાના વતનમાં સંદેશ મોકલ્યો. જણાવ્યું કે પોતે બહુ કમાયો છે ને ખુશીમજામાં જીવન ગાળે છે. તેની સાથે આવેલો બીજો યુવાન મૃત્યુ પામ્યો છે, એ સમાચાર પણ મોકલ્યા. વતનમાં પહોંચી વેપારીએ સંદેશો આપ્યો, પણ માહિતી આપવામાં ગરબડ કરી. જે જીવ્યો હતો અને મોજ કરતો હતો તે મરી ગયો છે એવું વેપારીએ તેનાં મા-બાપને જણાવ્યું અને જે મરી ગયો હતો તે સુખચેનમાં ગુલતાન છે, એવા સમાચાર એણે આપ્યા !

જે મરી ગયો હતો પણ જીવતો છે એવા સમાચાર જે કુટુંબને અપાયા તે યુવાનનાં માતાપિતા ખુશ થયાં અને એવી આશામાં જીવવા લાગ્યાં કે તેમનો પુત્ર ખૂબ સંપત્તિ સાથે પાછો આવશે અને તેમને સુખી કરશે. જેમનો પુત્ર જીવિત હતો પણ તે મરી ગયાના સમાચાર જે કુટુંબને અપાયા, તેનાં માતાપિતા દુ:ખી દુ:ખી થઈ ગયાં અને અફસોસમાં જીવન ગુજારવા લાગ્યાં. બેમાંથી એકેય માતા-પિતાનો પુત્ર કદી પાછો આવ્યો જ નહીં, પણ બંને વાલી – દંપતીઓ અને કુટુંબોએ તેમને મળેલા (ખોટા) અહેવાલ પ્રમાણે સુખ ને દુ:ખમાં જીવન વ્યતીત કર્યું. પુત્ર મરી ગયો હતો કે જીવતો રહી કમાયો હતો તે ઘટનાની માતાપિતાના જીવન પર કંઈ અસર થવી જોઈતી નહોતી, પણ ‘મારો પુત્ર, મારો પુત્ર’ એવા ‘મામકા:’ મનોભાવને કારણે એક કુટુંબ ખુશી થવાને બદલે દુ:ખી થયું. બીજું કુટુંબ દુ:ખી થવાને બદલે સુખી રહ્યું !

એ જ રીતે ચિત્ત ખોટા સંદેશા આપે છે તે પ્રમાણે આપણે સુખ ને દુ:ખ અનુભવી જીવ્યે જઈએ છીએ. ચિત્તના ખોટા સંદેશાને અવગણીને જીવીએ તો અંતરાત્મા પોતાના નિજ આનંદમાં નિમગ્ન રહે.

[3] લાંબા જીવતરનું અભિમાન

બ્રહ્માને એક વાર અભિમાન થયું : ‘મારા જેટલું લાંબુ જીવનાર કોણ છે ?’ એમણે ભગવાન વિષ્ણુ પાસે જઈ બડાઈ મારી, ‘હું ચિરંજીવ છું. મારું જીવન લાંબામાં લાંબું છે.’ વિષ્ણુએ કહ્યું : ‘એવું નથી, તમારા કરતાંય લાંબુ જીવનારા છે.’ બ્રહ્માએ કહ્યું, ‘એ કેવી રીતે બની શકે ? મેં જ તો બધાને સર્જ્યાં છે !’ વિષ્ણુએ કહ્યું, ‘મારી સાથે ચાલો.’

વિષ્ણુ બ્રહ્માને રોમસ મહામુનિ પાસે લઈ ગયા. વિષ્ણુએ મુનિને તેમની ઉંમર પૂછી અને તેઓ કેટલું લાંબું જીવવાના છે, તે પણ પૂછ્યું, મહામુનિએ જવાબ આપ્યો, ‘એક યુગમાં હજારો વર્ષનો સમાવેશ થાય છે. એ બધાં વર્ષોને ભેગાં કરો ત્યારે બ્રહ્માનો એક દિવસ ને રાત થાય. આવા યુગોના બનેલાં દિવસ-રાતનાં 100 વર્ષ પછી બ્રહ્માનું મૃત્યુ થાય. આવા એક મૃત્યુ સમયે મારો એક વાળ ખરે છે. આ રીતે મારા થોડા વાળ ખર્યા છે, પણ ઘણા વાળ હજી ખરવાના બાકી છે. એ બધા ખરી જશે ત્યારે હું મૃત્યુ પામીશ.’ બ્રહ્મા તો આભા થઈ ગયા. વિષ્ણુ તે પછી બ્રહ્માને અષ્ટાવક્ર મુનિ પાસે લઈ ગયા. તેમનાં આઠ અંગો વાંકાંચૂકાં હતાં. વિષ્ણુએ તેમને તેમના આયુષ્ય વિશે પૂછ્યું, અષ્ટાવક્ર મુનિએ જવાબ આપ્યો, ‘રોમસ મહામુનિ મૃત્યુ પામે ત્યારે મારું એક અંગ વાંકામાંથી સીધું થાય છે. એ રીતે આઠે અંગો સીધાં થશે પછી હું મૃત્યુ પામીશ. ટૂંકમાં, આઠ રોમસ મુનિઓના લાંબા કાળે મૃત્યુ પછી મારું મૃત્યુ થશે.’ હવે આગળ જવાની બ્રહ્માની તૈયારી નહોતી. શરીર અને આયુષ્યના લાંબા હોવાનો તેમનો ગર્વ ઊતરી ગયો. લાંબા જીવનની કે શરીરના લાંબું ટકવાની કોઈ મહત્તા નથી.

કેટલાક લોકો લાંબુ જીવવા માટે ગૌરવ અનુભવે છે. ‘હું તો એંસી વર્ષનો થયો.’ એમ કહી અભિમાન કરે છે. કેટલું જીવ્યા એનું મહત્વ નથી. વિશ્વને, સૃષ્ટિને, માનવજાતને, પ્રાણીજગતને જીવનમાં શું આપ્યું એનો મહિમા છે. શંકરાચાર્ય, વિવેકાનંદ, ઝવેરચંદ મેઘાણી, કલાપી અને વિશ્વના કેટલાય નામાંકિત વિજ્ઞાનીઓ બહુ નાની ઉંમરે મૃત્યુ પામ્યાં. છતાંય આજે તેઓ તેમના કામથી અમર છે. 100 વર્ષ કે તેથીય વધુ જીવનારાઓએ કોઈક ‘રેકર્ડ’ સર્જ્યો હશે, પણ તેથી શું ? પથ્થરો હજારો વર્ષ જીવે છે. યૌગિક વ્યાયામથી મનુષ્યજીવન લંબાવીએ તેથી જ્ઞાની થવાતું નથી. ખરેખર તો જ્ઞાનીને શરીરનો મોહ હોતો નથી. શરીર પોતે જ એક વ્યાધિ છે. સમય આવે ત્યારે શરીર નષ્ટ થાય એ જ ઈષ્ટ છે.

[4] લાંબા હોવું વિ. ઊંચા હોવું

ખલીલ ધનતેજવી ગુજરાતી અને ઉર્દૂના મોટા ગજાના શાયર છે. તાજેતરમાં જ તેમનો નવો ગઝલસંગ્રહ ‘સારાંશ’ પ્રગટ થયો. ખૂબીની વાત એ છે કે તેમના મનમાં ગઝલની રચના થાય ત્યારે તરત એ ગઝલને કાગળ પર ઉતારી લેતા નથી. એ ગઝલ એમની સ્મૃતિમાં જ રહે. જ્યારે ગઝલસંગ્રહ કરવાનો હોય ત્યારે સ્મૃતિમાંથી એ ગઝલો કાગળ ઉપર ઉતારે. મુશાયરાઓમાં ગઝલ રજૂ કરવાનો ખલીલભાઈનો એક અજબ અંદાજ અને શૈલી છે. પુસ્તક, ડાયરી કે કાગળમાં જોઈ એ ગઝલ વાંચતા કે બોલતા નથી. એમ ને એમ જ ઉપરા-છાપરી એ શેર અને ગઝલોની તડાફડી બોલાવે. હજી એક શેર પર ‘વાહ, વાહ’ થતી હોય ત્યાં તરત જ બીજો શેર છૂટે ને ફૂટે. ફરી ‘ક્યા બાત’, ‘બહોત અચ્છે’ને એવી બધી ‘દાદ’નો મારો ચાલે. તમે દાદ આપતા થાકો, પણ એમની ગઝલો ન ખૂટે.

એક જમાનામાં ખલીલભાઈ ફિલ્મ-પત્રકાર હતા. જુદા જુદા સ્ટુડિયોમાં જાય. નિર્દેશકો, કલાકારોને મળે. કોઈ નવી વાત જાણવા મળે તો તેના પર સામાયિકો કે છાપાં માટે ‘સ્ટોરી’ કરે. તેમના પ્રભાવ, સ્વભાવ અને શેરો-શાયરીને કારણે એ જુદા તરી આવે. ઘણા કલાકારો સાથે પરિચય અને નિકટ સંબંધ બંધાય. અમિતાભ બચ્ચનના શરૂઆતના ગાળાથી જ ખલીલભાઈને તેમની સાથે સંબંધ. અમિતાભ તે વખતે હજી નવા-સવા હતા. એમની ફિલ્મોને હજી ધારી સફળતા મળી નહોતી. એ સમયગાળામાં એક વાર સ્ટુડિયોમાં ખલીલભાઈને અમિતાભ ભેટી ગયા. અમિતાભને સહેજ ટીખળ સૂઝ્યું. તેમણે ખલીલભાઈને કહ્યું : ‘ખલીલભાઈ, મૈં આપસે ઊંચા હૂં.’ ખલીલભાઈ ખાસ્સા લાંબા છે પણ અમિતાભ વધારે લાંબા, છતાં ખલીલભાઈએ જવાબ આપ્યો, ‘નહીં, બચ્ચનસા’બ આપ મેરે સે ઊંચે નહીં.’ અમિતાભ કહે : ‘ક્યોં નહીં ? દેખિયે…’ એમ કહી અમિતાભ ખલીલભાઈની બાજુમાં ઊભા રહ્યા. અમિતાભ બેએક આંગળ વધારે લાંબા હતા, પણ ખલીલભાઈએ કહ્યું : ‘આપ મેરે સે લંબે હો, ઊંચે નહીં.’ અમિતાભે ખેલદિલીથી કાનની બૂટ પકડી, ‘હાં….યે બાત તો સહી હૈ. મૈં લંબા હૂં, ઊંચા નહીં.’ કવિએ લંબાઈ અને ઊંચાઈનો ભેદ બરાબર બતાવી દીધો.

‘ઝંઝીર’ રિલીઝ થઈ ને સુપરહિટ થઈ. એ પછી ‘દીવાર’…. અને કંઈક સફળ ફિલ્મોમાં અમિતાભ ઝળક્યા. સુપર હીરો બની ગયા. ફરી એક વાર ખલીલભાઈ અને અમિતાભની એક પાર્ટીમાં મુલાકાત થઈ ગઈ. ખલીલભાઈ તો અગાઉની ઘટના ભૂલી ગયેલા, પણ અમિતાભને ઘટના બરાબર યાદ હતી. એ ખલીલભાઈ પાસે આવ્યા ને બોલ્યા, ‘અભી તો મૈં ઊંચા હૂં ન ?’ ખલીલભાઈએ ઉલ્લાસ ને સ્મિતસહ વાત સ્વીકારી અને અમિતાભને ભેટ્યા.

લંબાઈ કે ઉંમરમાં બડ્ડપન તો ઈશ્વર દ્વારા ને વારસામાં મળે છે, પણ ઊંચાઈ આપણે પોતે મેળવવી પડે છે. અમિતાભે ચડતી-પડતી-ચડતી જોઈ છે. એમાં ટકી રહેવું અને ઊંચાઈ માટે મથ્યા કરવું એ પણ એક વિરલ ગુણ છે.

[કુલ પાન : 44. (મોટી સાઈઝ) કિંમત રૂ. 35. પ્રાપ્તિ સ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સૅન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504. ઈ-મેઈલ : info@imagepublications.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતી લઘુકથાસંચય – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ
સ્વાદ-સોડમ – મૃદુલા હિતેનભાઈ ગણાત્રા Next »   

9 પ્રતિભાવો : પાંદડે પાંદડે ઝાકળ – સં. મહેશ દવે

 1. Mirage says:

  અદભૂત…

 2. Rakesh Thakkar, Vapi says:

  મહેશભાઇને સુઁદર પુસ્તક બદલ અભિનઁદન અને આભાર.

 3. Neha Shah says:

  મને પ્રુથ્વી પર કેટલો સમય મળ્યો એના કરતા એ સમય માં મે શું કર્યુ એ વધુ મહત્વનુ છે.આજની શિક્ષણપ્રથા પરની કટાક્ષિકા અને ઊંચાઇ – લંબાઇ ની રમૂજ ખૂબ સરસ.
  બધી જ વાતો અર્થસભર.
  આભાર.

 4. Veena Dave. USA says:

  સરસ વાતો.

 5. Chirag says:

  ૧ – ૨ કથા -3 idiots – જેવિ વાત થઇ. જે કામ કરવા માં મજા આવે એ કામ કરવુ – પછી એ કામ નહી પરંતુ ખેલ બની જાશે…. અને ALL IZ WELL.
  ૩ કથા – થોડા વખત પહેલા મેં એક ફિલ્મજોઇ હતિ…. અભિષેક બચ્ચનની…. Bluff master…. એમા એક ખુબ સરસ લાઇન હતી – Its not important how long you live – its important how WELL do you live….
  ૪ કથા – “One who never forgets from where he came from – the one who never gets lost.” – Baa Baa Chirag 🙂

 6. Ami Patel says:

  I am planning to buy this book. Does somebody know what other books from this series are available in market?

 7. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Thought provoking…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.