- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સ્વાદ-સોડમ – મૃદુલા હિતેનભાઈ ગણાત્રા

[ ‘સ્વાદ-સોડમ’ પુસ્તક ભાગ-1 તેમજ ભાગ-2માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તકો ભેટ મોકલવા માટે મૃદુલાબેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 281 2467109 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ફણગાવેલા કઠોળની કટલેસ

સામગ્રી :
મગ 1/2 વાટકી,
મઠ 1/4 વાટકી, ચણા 1/2 વાટકી,
બટેટા 4 નંગ, બ્રેડની સ્લાઈઝ 4 નંગ,
બારીક સમારેલા લીલા મરચા 1 ટેબલ-સ્પુન,
લસણની પેસ્ટ 1 ટેબલ સ્પુન,
મીઠું, લીંબુ, ખાંડ જોઈતા પ્રમાણમાં,
જલજીરા પાવડર 1 ચમચી,
બારીક સમારેલો ફુદીનો તથા કોથમરી 1/2 વાટકી,
તેલ જરૂરિયાત મુજબ.

રીત :

સૌપ્રથમ કઠોળ પલાળીને ફણગાવી લો. હવે બટેટા બાફી છાલ કાઢી તેને મસળીને રાખો. કઠોળ ને પીસીને બટેટા સાથે બાઉલમાં લઈ તેમાં બાકીનો બધો મસાલો/સામગ્રી ઉમેરી મીક્સ કરી લો. હાથેથી કટલેસને વાળો. હાર્ટનો આકાર અથવા લંબગોળ, ગોળ જે ગમે તે આકાર આપો. કટલેસના તૈયાર મોલ્ડ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય. ફ્રાયપેનમાં થોડુંક તેલ લઈને કટલેસને બંને બાજુ સાંતળી લો. ગરમ કટલેસ સોસ અથવા ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી કે ખજુરની ચટણી કે મીઠી ચટણી સાથે સર્વ કરો. બાળકોને એકલા કઠોળ કે ફણગાવેલા કઠોળ ખાવા ન ગમતા હોય તો આ રીતે કટલેસ કે પરોઠા કે તેવી અલગ વાનગીઓ બનાવવી જેથી તે સરળતાથી આરોગશે.

[2] દક્ષિણ ભારતીય સાંભાર (ઈડલીસાંભાર, ઢોંસા માટે)

સામગ્રી :
તુવેરનીદાળ બે નાની વાટકી,
લીલા મરચાં 3-4,
ડુંગળી 4-5,
મધ્યમ કદનાં ટામેટાં 7-8,
બટેટા 2-3,
દૂધી સમારેલી અડધી વાટકી,
રીંગણા 3-4, ગુવારની શીંગ 10-12 શીંગ,
મીઠું, મરચું પાવડર, હળદર, ગરમ મસાલો,
સાંભાર મસાલો સ્વાદ અનુસાર, એક ચપટી હીંગ,
એક શ્રીફળ, સરગવો-1 શીંગ,
મેથી (આખી) બે ચમચી, લીંબુ, વઘાર માટે લીમડાના પાન,
2-3 સુકા મરચાં, તજ 3-4 ટુકડાં, 5-6 લવિંગ,
રાઈ-1 ચમચી, જીરું અડધી ચમચી, તેલ, લસણ 15-20 કળી,
આદુ ટુકડો, તમાલપત્ર-2, બાદીયાના-1,
લવિંગના પાન-3, સમારેલ કોથમરી પા વાટકી,
કોકમ 4-5 નંગ.

રીત :
સૌપ્રથમ દાળ ધોઈને બાફવા મૂકો. તુવેરદાળ બાફવા મૂકતી વખતે દોઢ ચમચી આખી મેથી પણ બાફવા સાથે મૂકો. ટામેટા, બટેટા, દૂધી, રીંગણા, સરગવાની શીંગ સમારીને એક બાજુ રાખો. સરગવાની શીંગના બે ઈંચ લાંબા ટૂકડાં કરવા જ્યારે ગુવારની શીંગ સમારીને એક ઈંચ લાંબા ટુકડાં કરવા. બે ડુંગળી ઝીણી સમારવી. આદુ-લસણની પેસ્ટ બનાવીને રાખવી. લીલા મરચાં ઝીણાં સમારી લેવા. અડધું શ્રીફળ તથા ટામેટા મીક્સરમાં સાથે જ પીસી લો.

કડાઈમાં અડધી વાટકી તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હીંગ, મેથી, તજ, લવિંગ, તમાલપત્ર, બાદીયાના, લવિંગનાં પાન નાખો. આદુ, લસણની પેસ્ટ તથા મરચાં નાખો અને જરા હલાવીને ડુંગળી નાખો. ડુંગળી બ્રાઉન રંગની થયે પીસેલા ટામેટા, નાળિયેર નાખી હલાવો. તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે હલાવો. સમારેલા બધા શાકભાજી નાખી હલાવો. બે મિનિટ ઉકળવા દઈ થોડું પાણી ધીમા તાપે ચડવા દો. બધા શાકભાજી ચડી ગયા પછી બફાયેલી દાળ બ્લેન્ડર ફેરવીને જરૂરી પાણી નાખી દાળ કડાઈમાં નાખો. ત્યારબાદ બરાબર હલાવીને તમામ મસાલો સ્વાદ અનુસાર નાખીને ઉકળવા મૂકો. હવે 4-5 કોકમ નાંખો. દાળ બરાબર ઊકળી ગયે ઝીણી સમારેલ કોથમરી તથા લીંબુ ઉમેરી ઢાંકી રાખી દો. ઘરમાં ઉપયોગમાં લેવાતી હોય તો આમલી વાપરી શકાય.

નાળિયેરની ચટણી માટે : બાકી વધેલું અડધું નાળિયેર, 7-8 મરચાં, લીમડાની ડાળખી 8-10, સમારેલી કોથમરી 3 ચમચી,, મીઠું, 4-5 ચમચી દહીં, તેલ 1 ચમચી, હીંગ 1 ચપટી, 1 ચપટી લાલ મરચું, જીરું અડધી ચમચી, નાળિયેર, મરચાં, લીમડાનાં પાન, 2 ચમચી કોથમરી પીસી લો. તેમાં મીઠું, દહીં નાખી હલાવો અને એક બાઉલમાં લો. વઘારીયામાં તેલ લઈ રાઈ, જીરું, અડદની ધોયેલી દાળ, હીંગ નાખો. વઘાર થઈ ગયે ચપટી લાલ મરચું નાખી તૈયાર થયેલ ચટણી પર રેડી દો. ચટણી હલાવો અને ઉપર કોથમરી છાંટી દો. દક્ષિણ ભારતીય વાનગીમાં આ નાળિયેરની ચટણી સાંભાર જેટલી જ મહત્વની છે.

[3] કાઠિયાવાડી સેવ-ટામેટાનું શાક

સામગ્રી :
આશરે 250 ગ્રામ પાકા ટામેટા,
100 ગ્રામ સેવ,
2 ટેબલસ્પૂન તેલ,
1/2 ચમચી રાઈજીરું,
લસણની પેસ્ટ 1 ટેબલસ્પુન,
1 ટેબલસ્પુન ગોળ/ખાંડ,
ધાણાજીરું, મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું પ્રમાણસર,
2 ટેબલ સ્પુન ઝીણી સમારેલી કોથમરી.

રીત :
સૌપ્રથમ ટામેટા ધોઈ તેના મોટા ટુકડા કરીને મિક્સરમાં વાટીને ગાળી લો. એક વાસણમાં તેલ ગરમ મૂકો. હીંગ, રાઈ, જીરુંનો વઘાર કરો. લસણની પેસ્ટ નાંખીને સાંતળો. ગાળેલા ટામેટાં તેમાં નાખી દો. તમામ મસાલો નાંખી હલાવો. બરાબર ઉકળે એટલે સેવ તથા ગોળ નાંખીને હલાવ્યા બાદ ગેસ ઉપરથી ઉતારી લો. તેને બે મિનિટ ઢાંકી રાખો. ત્યારબાદ બાઉલમાં કાઢી ને તેમાં કોથમરી છાંટીને ગરમ-ગરમ પરોઠા કે રોટલા સાથે સર્વ કરો. કાચા ટામેટાનું શાક કરવું હોય તો તેને ઝીણા સમારીને, વઘાર કરી, અને થોડું પાણી નાંખી બધો મસાલો નાંખી બરાબર ઉકળવા દો. સેવ મીક્સ કરી, ઢાંકીને ગેસ બંધ કરી દો. બે મિનિટ પછી કોથમરી છાંટી બાઉલમાં પીરસો.

[4] પંજાબી સ્ટફડ પરોઠાં

સામગ્રી :
મધ્યમ કદના બટેટા 4 નંગ,
લીલા વટાણા 1/2 વાટકી,
સમારેલા કાંદા 1/2 વાટકી,
આદુ મરચાં, લસણની પેસ્ટ 2 ચમચી,
મીઠું, ગરમ મસાલો, લીબું,
સમારેલી કોથમરી, તેલ, ઘઉંનો લોટ.

રીત :
સૌપ્રથમ ઘઉંના લોટમાં તેલ-મીઠું નાંખીને કણક બાંધી લો. બટેટા, વટાણા બાફીને, બટાટાની છાલ કાઢીને માવો તૈયાર કરો. કાંદા, બટેટા, વટાણા તથા બધો મસાલો મિક્સ કરીને પુરણ બનાવો. હવે લોટનાં એક સરખા લુઆ બનાવો. પુરણનાં તેટલા ભાગ તૈયાર કરો. લોટના લુઆમાંથી પરોઠું થોડું વણીને, પુરણ મુકીને ફરીથી વણી લો. આ રીતે સ્ટફડ પરોઠું બનાવી ધીમા તાપે તેલ મૂકી પકવી લો અને ગરમા ગરમ પરોઠા સોસ, ચટણી સાથે સર્વ કરો અને કાંદા ટામેટાના સલાડ સાથે ઉપયોગમાં લો.

[5] વઘારેલી રોટલી

સામગ્રી :
ઘી ચોપડ્યા વગરની કોરી રોટલી 6 નંગ,
આદુ-મરચાં-લસણની પેસ્ટ 1 ચમચી,
કોથમરી ઝીણી સમારેલ 3 ચમચી,
તેલ 1 થી 2 ચમચી,
મીઠું, મરચું, ધાણાજીરું, ગરમમસાલો,
રાઈ, મેથી, હીંગ, જીરું વઘાર માટે.

રીત :
સૌપ્રથમ વઘાર માટે તેલ મૂકો. રોટલીના નાનાં ટુકડાં કરી લો. તેલ થઈ ગયા બાદ વઘાર નાંખો. આદુ-મરચાં-લસણની પેસ્ટ નાંખો. સંતળાયા બાદ રોટલીના નાનાં ટુકડા કરેલ તે નાખી હલાવો. બધો મસાલો નાખો. ધીમા તાપે રાખો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. બરાબર સુકું થયે ગેસ બંધ કરી દો. પ્લેટમાં કાઢી કોથમરી છાંટી સર્વ કરો.

[કુલ પાન : 112 (પ્રત્યેક ભાગનાં). કિંમત : રૂ. 77. (પ્રત્યેક ભાગની કિંમત). પ્રાપ્તિસ્થાન : ભરાડ ફાઉન્ડેશન, સરસ્વતી કોમ્પ્લેક્ષ, ધર્મેન્દ્ર કૉલેજ સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ-380001. ફોન : +91 9979908322.]