કલાના અનન્ય ઉપાસક – મૃગેશ શાહ

સમાજમાં ક્યારેક એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિને રોજગારીની સમસ્યા હોય તો એ માટે સ્વૈચ્છિક સંગઠનો કે સંસ્થાઓ તેને પૂરતી મદદ પૂરી પાડે છે. ક્યારેક કોઈને વ્યક્તિગત મદદ પણ મળી રહેતી હોય છે. ઘણી સંસ્થાઓ એવી છે જે આ માટે આવકનું સાધન પૂરું પાડવાનું કાર્ય કરતી હોય છે. જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ યોજના અંતર્ગત સિલાઈ માટે સંચો કે શાકભાજીની લારી અથવા અન્ય કોઈ આવકનું સાધન મેળવી આપવામાં આવે છે. પરંતુ કોઈ વ્યક્તિને પોતાની કલાના વિકાસમાં મદદની જરૂરત હોય તો એ તેને ભાગ્યે જ મળી રહે છે ! રેંકડી મેળવી આપનાર મળી રહે છે પણ સિતાર ખરીદવામાં કલાના ઉપાસકને ક્યારેક ભારે સંઘર્ષ કરવો પડતો હોય છે. એ જ બાબત રમતગમતના સાધનો કે ટ્રેનિંગ માટેની છે. ક્યારેક તો સાધનોના અભાવે કલાનો વિકાસ રુંધાતો હોય એવું નજરે પડે છે. આ પ્રકારના કારણોને લીધે, લાંબાગાળે રાષ્ટ્રને એક પ્રતિભાશાળી વ્યક્તિ ગુમાવ્યાની ખોટ જાય છે અને આ એવી ખોટ છે જે નફા-નુકશાનના માપદંડોથી માપી શકાતી નથી.

કંઈક આવી જ વાત વડોદરાના કશ્યપભાઈની છે. (નામ બદલ્યું છે.) નાનપણથી શરૂ થયેલો લેખન-વાંચનનો શોખ એમને આર્ટ્સ વિદ્યાશાખા તરફ દોરી ગયો. તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન (ફીલોસોફી) સાથે તેમણે એમ.એ ફર્સ્ટ કલાસ કર્યું. અભ્યાસ બાદ મનમાં એવી ઈચ્છા થઈ કે વિદ્યાર્થીઓને ખૂબ ઉત્તમ રીતે તત્વજ્ઞાન ભણાવવું છે પરંતુ નસીબજોગે તત્વજ્ઞાન વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટવા લાગી. પરિણામે કલાની અભિવ્યક્તિનો મોકો મળે તે પહેલાં જ પૂર્ણવિરામ મુકાઈ ગયું ! ખૂબ ઓછા વિદ્યાર્થીઓને ભણાવવાનું હોઈને કોઈ યુનિવર્સિટી તેમને કાયમી ધોરણે રાખવા તૈયાર ન થઈ. જ્યાં થોડુંગણું કામ મળતું હતું ત્યાં પણ લાગવગશાહીના જોરે તેમને પગ મૂકવા દેવામાં ન આવ્યો.

ભારતીય તત્વદર્શન, સમાજ અને વ્યક્તિગત ઉન્નત જીવન માટેના પોતાના વિચારો વ્યક્ત કરવા માટે તેઓ હાર્યા વગર સતત માર્ગ શોધતા રહ્યા. છેવટે કેટલાક લેખો તૈયાર કરીને અમુક સામાયિકો અને અખબારોમાં મોકલવાનું શરૂ કર્યું. મનમાં એક દ્રઢ સંકલ્પ હતો કે વિચારોની પ્રક્રિયાને કદી બંધ ન પડવા દેવી અને ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢવા સતત કોશિશ કરતા રહેવું. તેમની આ મહેનતને થોડું બળ મળ્યું. અખબારોમાં પ્રકાશિત થયેલા કેટલાક લેખો વાંચીને નાની-મોટી સંસ્થાઓ તરફથી તેમને વ્યાખ્યાતા તરીકે બોલાવવામાં આવ્યા. હજુ આજે પણ કેટલીક સંસ્થાઓ તેમને આ માટે નિમંત્રિત કરે છે. પોતાના વાંચન, ચિંતન અને મનન દ્વારા સમાજને કશુંક નવું આપવાની અદમ્ય ઈચ્છા સાથે તેઓ સતત કંઈક નવું વિચારતા રહે છે.

વ્યાખ્યાતા તરીકેનું તેમનું કાર્ય નાના પાયે શરૂ તો થયું પરંતુ તેમને એનાથી સંતોષ નહોતો. મનમાં કશુંક ઘુંટાતું જતું હતું અને તેને યોગ્ય માર્ગ આપવાનું જરૂરી લાગ્યું. આથી, થોડા વર્ષો પહેલાં તેમણે તત્વજ્ઞાનના વિષયોને લઈને ઉત્તમ પ્રકારના આશરે 40 જેટલાં લેખો ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને નવોદિત પુસ્તક પ્રકાશન યોજના હેઠળ મોકલી આપ્યા. તેમના આ સુંદર લેખોને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો અને પરિણામે બે સુંદર પુસ્તકો ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થયા. જો કે પુસ્તક પ્રકાશન માટે થોડુંક યોગદાન અકાદમી તરફથી મળે પરંતુ બાકીની વ્યવસ્થા તો પોતે કરવી પડે એમ હતું. કોઈપણ પ્રકારના નિશ્ચિત આવકના સ્ત્રોત વગર તેમણે એ સાહસ પણ કર્યું. આટલું કર્યા બાદ પણ હંમેશની જેમ એક નવી સમસ્યા મોં ફાડીને સામે ઊભી જ હતી ! પુસ્તક તો પ્રકાશિત થઈ ગયું પરંતુ તેના વેચાણનું શું ? વેચાણ માટે ઊંચા કમિશનો આપવા ક્યાંથી ? પુસ્તકને મોટા વિક્રેતાઓ સુધી પહોંચાડવું કેવી રીતે ? સર્જકને જ્યારે ધંધાકીય બાબતોનો સંઘર્ષ વેઠવાનો આવે ત્યારે તેની સર્જનશક્તિને ઘણી હાની પહોંચતી હોય છે. આ સંઘર્ષથી દૂર રહીને પોતાનું સર્જકપણું બચાવવા માટે કશ્યપભાઈ જાગૃત હતા. આથી તેમણે આ બધી જાંજાળને એક બાજુએ મૂકીને પોતાના બાપદાદાની નાનકડી ખોલકી જેવી સોનીની દુકાનમાં બેસી જવાનું ઉચિત માન્યું. ઘણા વર્ષો આ રીતે લખ્યા વિના જ પસાર થઈ ગયા અને એક અંકુરિત થતું બીજ, યોગ્ય વાતાવરણના અભાવમાં સુકાવા માંડ્યું. આમ છતાં, રોજેરોજ પુસ્તકાલય જવાનું, વાંચવાનું અને નવું ચિંતન તો ચાલુ જ રહ્યું. માત્ર અભિવ્યક્તિ તેઓ ટાળતા રહ્યા.

આ દરમિયાન મારે એક દિવસ લાઈબ્રેરી જવાનું થયું. લાઈબ્રેરીયન તરીકે ફરજ બજાવતા બહેને મને કશ્યપભાઈના સંપર્કની વિગતો આપી. આજથી ત્રણેક વર્ષ પહેલાં મારી એમની સાથે પ્રથમ મુલાકાત થઈ. વિવિધ વિષયો પર તેમના વિચારો અને ચિંતન સાંભળીને મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. મેં તેમને અખબારમાં કોઈ કટાર લખવાનું સૂચન કર્યું. જવાબમાં તેમણે જણાવ્યું કે તીવ્ર સ્પર્ધાના આ યુગમાં જીવનપ્રેરક વિચારોને ઉત્તેજન આપે એવું પ્લેટફોર્મ મળવું અશક્ય છે. એ પછી થોડા સમયબાદ જ્યારે તેમના બંને પુસ્તકોમાંથી મેં કેટલાક મનનીય લેખો રીડગુજરાતી પર પ્રકાશિત કર્યા ત્યારે વાચકોના પ્રતિભાવ મેળવીને તેમને પહેલીવાર પોતાના સર્જન વિશે સંતોષ અનુભવાયો. એમાંય, એક વાચકના પ્રતિભાવથી એમને એક આખા પુસ્તકનું બીજ મળ્યું અને એ તેમણે પૂરી નિષ્ઠાથી મહેનત કરીને પૂરું કર્યું. એ રીતે ફરીથી વર્ષો બાદ લેખનનો પ્રવાહ શરૂ થયો. જાતે મહેનત કરીને તેઓ ગુજરાતી ટાઈપિંગ શીખ્યા. એ પછી તેઓએ નવો માર્ગ અપનાવ્યો. વિચારોને કાગળ પર ઉતારીને તેમણે સાયબરકાફે જવાનું શરૂ કર્યું. ત્યાં લેખો ટાઈપ કરીને તેઓ સી.ડી. પર પોતાના મિત્રોને વહેંચવા લાગ્યા અને એ રીતે પોતાની કલાને સતત જાગૃત રાખવા તેમણે પ્રયત્ન કર્યો. ઓછામાં ઓછા ખર્ચમાં તેઓ પોતાના રસને આજે પણ ટકાવી રાખવા મથામણ કરે છે.

જ્યારે રીડગુજરાતી પર તેમનો પહેલો લેખ પ્રકાશિત થયો ત્યારે તેમણે મને પોતાના ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું હતું. એકવાર એ તરફથી પસાર થતાં એમના ઘરે જવાનું થયું. એક રૂમમાં જ રસોડાસહિત સામાન્ય ઘરવખરીથી ચાલતું તેમનું સાદગીભર્યું જીવન જોઈને મને ‘simple living and high thinking’ નું સુત્ર ચરિતાર્થ થતું લાગ્યું. પત્ની અને બે બાળકો સાથે આટલી સામાન્ય સ્થિતિમાં સ્વસ્થ અને સંતુષ્ટ તો માત્ર સર્જક જ રહી શકે. કદાચ જે અંદરથી પ્રસન્ન રહે તેને પછી કોઈ અભાવ નડતા નથી. તેમણે મને એ દિવસે કહ્યું હતું કે : ‘રીડગુજરાતી પર મારો લેખ આવ્યો ત્યારે અમે તો લાપસીના આંધણ મૂક્યાં હતાં !’ નાનકડી ખુશીને પણ જે ઉત્સવનો પ્રસંગ બનાવી શકે તેના આનંદને શું કહેવું ? પોતાના નાનકડા એવા ઘરના આંગણામાં ઝાડ નીચે એક ખુરશીમાં બેસીને હું એમને લખતા જોતો ત્યારે મનમાં સહજ રીતે તેમને ઉપયોગી થવાની ઈચ્છા થઈ આવતી. પરંતુ એ માટે કરવું શું ? ઘણા મનોમંથન બાદ મારા મનમાં એક વિચાર સ્ફૂર્યો અને મેં મારાથી બનતી મદદના ભાગ રૂપે, સામાજિક કર્તવ્ય સમજીને એક વેબસાઈટ એમને તૈયાર કરી આપી જેથી તેઓ પોતાના લેખો એમાં મૂકી શકે.

આજે કશ્યપભાઈ નિયમિત સાયબરકાફે જાય છે અને પોતાના વિચારોને લેખ રૂપે તૈયાર કરીને પોતાની વેબસાઈટમાં સંગ્રહિત કરે છે. થોડા વિશેષ લેખો તૈયાર થઈ જાય ત્યારબાદ તેમનું એ વેબસાઈટ વિધિવત શરૂ કરવાનું આયોજન છે. મને એમ લાગ્યું કે પોતાની ભાષાના લેખન અને અભ્યાસ માટે આટલો સંઘર્ષ કરી રહેલા કશ્યપભાઈને વધારે અનુકૂળતા તો ત્યારે થાય જો તેઓની પાસે પોતાનું એક કમ્પ્યુટર હોય. જો એટલી અનુકૂળતા થાય તો તેઓ અડધી રાત્રે ઊઠીને પણ પોતાનું લેખનકાર્ય કરી શકે અને અનેક વાચકો સુધી પોતાના વિચારો પહોંચાડી શકે. વળી, શિક્ષિત-પોસ્ટગ્રેજ્યુએટ હોવાને નાતે, વિવિધ દેશોના તત્વજ્ઞાનનો ઈન્ટરનેટના સહાયતાથી વિશેષ અભ્યાસ તેઓ કરી શકે. મને લાગે છે કે સ્વમાની વ્યક્તિ તો ક્યારેય કશું ન બોલે પરંતુ તેને શું જરૂરિયાત છે તે જાણીને તેને મદદરૂપ થવું એ આપણું સામાજિક કર્તવ્ય છે. સારા વાંચન દ્વારા મેળવેલા સંસ્કારોને ચરિતાર્થ કરવાનો આ મોકો છે.

મિત્રો, કશ્યપભાઈના વ્યક્તિત્વનો પરિચય પામીને મને લાગ્યું કે તેમની કલાને યોગ્ય આધાર મળે તે માટે મારે તેમને કોઈક રીતે મદદરૂપ થવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં સામાન્ય કોમ્પ્યુટરની કિંમત આશરે 20,000 થી 25,000 રૂ. સુધીની હોય છે. આપણે સૌ જો ફૂલ નહીં ને ફૂલની પાંખડીરૂપે આ નિમિત્તે મદદરૂપ થઈ શકીએ તો કેટલું સારું ! રીડગુજરાતીનો ઉદ્દેશ સામાજિક ઉત્કર્ષમાં મદદરૂપ થવાનો પણ છે અને એના જ ભાગ રૂપે આ અગાઉ પણ સૌ વાચકમિત્રો દ્વારા એક વિદ્યાર્થીનીને અભ્યાસ માટે કોમ્પ્યુટર અને એક વૃદ્ધાશ્રમમાં ફ્રીજની સુવિધા પહોંચાડવામાં નિમિત્ત બનવાનો લ્હાવો મળ્યો હતો. આજે ફરી આ શુભકાર્ય માટે ઉપયોગી થવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે ત્યારે મને કવિ મકરન્દ દવે યાદ આવે છે. તેઓ કહે છે : ‘મેં તો બીજ વેરી દીધાં, હવે વાદળ જાણે અને વસુંધરા જાણે….’ અસ્તુ.

[નોંધ : અહીં લેખમાં કાલ્પનિક નામ રજૂ કરવામાં આવ્યું છે પરંતુ જે મિત્રો, આ બાબતે સહાયતા કરવા ઈચ્છતા હોય તેઓ કૃપયા મને shah_mrugesh@yahoo.com પર લખીને તેમના સંપર્કની તમામ વિગતો મેળવી શકે છે.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તારસ – હરિશ્ચંદ્ર
જીવનધર્મ – સંત પુનિત Next »   

11 પ્રતિભાવો : કલાના અનન્ય ઉપાસક – મૃગેશ શાહ

 1. trupti says:

  Very touchy and emotional article. There are many uncut and unpolished diamonds in our society, but they retain their original position as they have not found the knowledgeable jeweler to cut them and polish them, Mrugeshbhai, by publishing this article, you have become one of the important tool to give the shape to uncut and unpolished diamond. Please continue to serve the society as well as our mother tongue the way you are doing at present.

 2. જગત દવે says:

  શ્રીમૃગેશભાઈઃ

  ઈશ્વરકૃપાથી ગુજરાતમાં વાદળો પણ વરસે છે અને ગુજરાતની વસુંધરામાં કલ્પવૃક્ષ પણ ઊગાડી શકાય તેટલો રસ છે.

  અને રીડ-ગુજરાતીનાં વાંચકોની સંવેદનાનું ઝરણું પણ સતત વહેતું જ રહે છે.

  મને વિશ્વાસ છે કે આ લખું છું ત્યાં સુધીમાં તો આપના વેરેલા બીજ વૃક્ષ બની ને ફળો થી લચી પડ્યા હશે.

 3. ધીરજ ઠક્કર

  આભાર મૃગેશ ભાઈ

  કશ્યપ ભાઈ ની કથા સાંભળી ને સ્વામી આનંદ ની એક પુસ્તક ની યાદ આવી ગઈ એમાં પણ આવા નાના નાના વિસ્તારો માં રહેતા નાના નાના સામાન્ય માનવી ની અસામાન્ય માણસાઈ ની વાત આવે છે

 4. Maurvi Pandya says:

  what a nobel thought!!! There are so many good person are arround u who work a tourch bearrer for other life…I qppreciate ur efforts too to support him and bringing the matter into focus.

 5. yogesh says:

  Dear Mrugeshbhai,

  i support your effort and i would like to contribute so kashyapbhai can work on his dream. I will email u for sure about it but the reason i wrote my response so hopefully other readers continue their support helping people like kashyapbhai.

  Not necessorily they have to contribute but its about helping someone directly and knowing that your money will be used where it should be, unlike some organizations or politicians asking so called NRIs to donate millions of dollars for “ભુ કમ્પ પી ડિતો માટે” but then filling their own pockets.

  Thankyou

  yogesh

 6. Veena Dave. USA says:

  પ્રથમ તો મૃગેશભાઈ આપના ઉમદા કાયૅને બિરદાવવાનુ મન થાય છે. અભિનંદન.
  જેના કાયૅનો આશય સારો તેને પ્રભુનો સાથ.

 7. Daxita says:

  Thanks for giving us opportunity to help some one.

 8. Rajni Gohil says:

  ભારતને આવા સપૂતોની જ જરુર છે. ભગવાન આપણને નિંદ્રામાથી જગાડવા અને કલાના અનન્ય ઉપાસક જેવાને સહાયભૂત થવાનો આવા ઉમદા કાર્ય કરવાનો મોકો પણ આપતા રહે છે. આ તક આપવા માટે ભગવાને મૃગેશભઇને પોતાનું હથિયાર બનાવ્યું તે ReadGujarati.com ના વાંચકો માટે આનંદની વાત છે. ભગવાને આપણને સુંદર મઝાની આંખો અને વિચાર રૂપી પાંખો આપી છે. હવે ન ઉડીએ જો આભ ભણી તો આપણ જેવું કોણ અભાગી? આપણે માનવમૂલ્યોને આભ તરફ ઉંચે જ ઉઠાવવાના છે ને!

  વહેલામાં વહેલી તકે કલાના અનન્ય ઉપાસકને ભગવાનની પ્રસાદીરૂપ મદદ મળી જશે જ અને ભગવાન પણ ખુશ થશે.

 9. Edior says:

  પ્રિય વાચકમિત્રો,

  આપ સૌની સહાયતાથી તાજેતરમાં શ્રી કશ્યપભાઈ પોતાનું નવું કોમ્પ્યુટર મેળવી શક્યા છે જે ખૂબ આનંદની વાત છે. આમ, આ પ્રોજેક્ટ અહીં સફળતાપૂર્વક પૂરો થયો છે આથી આ નિમિત્તે કૃપયા આપનું યોગદાન ન મોકલવા વિનંતી.

  આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
  લિ.
  તંત્રી, રીડગુજરાતી.

 10. Gajanan Raval says:

  Dear Mrugeshbhai,
  You are the person who is at my bosom by read gujarati and your noble spirit to enhance best values makes you a person apart. I’mhappy to know that Comp. has been provided to Kashyapbhai… When I come to India ( pro..Dec)
  this time I’ll certailly meet you.
  With immense love & best wishes,
  G. Raval
  Greenville-SC,USA

 11. આપનુઁ આ કાર્ય ખરેખર ખૂબ જ
  બિરદાવવા જેવુઁ છે.આપની આ
  પ્રકારની સહાયક પ્રવૃત્તિ ઉમદા
  જરૂર છે.અભિનઁદન ! આભાર !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.