વાર્તારસ – હરિશ્ચંદ્ર
[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]
[1] મંગળની છાયામાં
સુધાએ છાપામાં વાંચ્યું : ‘આ મહિનામાં મંગળ પૃથ્વીની બહુ નજીક આવવાનો છે. નરી આંખેય જોઈ શકાશે. મહિના સુધી સંધ્યાકાળે સૂર્યાસ્ત પછી પૂર્વ ક્ષિતિજે તેનાં દર્શન થશે.’ તેણે બાજુમાં બેઠેલા સમીરને કહ્યું, પણ તેણે તો સાંભળ્યું-ન સાંભળ્યું કર્યું. પરંતુ સુધાએ નક્કી કરી નાખ્યું કે મંગળ જોવો જ. સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલાં જ અગાશી પર પહોંચી ગઈ. સૂર્ય અસ્ત થયો હતો ત્યારે પૂર્વ ક્ષિતિજ પર અત્યાર સુધી ઝાંખો દેખાનારો તારો ધીરે ધીરે ચમકવા લાગ્યો. જોત-જોતામાં તેનો રંગ લાલાશ પકડતો ગયો. બસ, આ જ મંગળ ! સુધા ખુશ ખુશ થઈ ગઈ. પછી તો ચાર-પાંચ દિવસ રોજ સાંજે મંગળને જોતી રહી.
એમને જમીનનો પ્લોટ ખરીદવો હતો. સમીરના મિત્ર જોશીએ એક જગ્યા બતાવી. તેણે પોતે પણ હમણાં જ ત્યાં એક પ્લૉટ ખરીદેલો. સમીર પણ ત્યાં જ પ્લોટ ખરીદે એવો એમનો આગ્રહ હતો. સારા પડોશી મળે. જગ્યા જોઈ. બંનેને ગમી. ત્યાં જોશીએ પૂછ્યું : ‘તમારી જન્મ-કુંડળી હશે ને !’
‘જમીન ખરીદવામાં જન્મ-કુંડળીની શી જરૂર ?’
‘ના ભાઈ, હોં ! હું તો બધું જ કામ કુંડળીને જોઈને કરું. આ જમીન ખરીદતી વખતે મેં તો મારી કુંડળીનો બરાબર અભ્યાસ કરેલો, અને પછી જ જમીન ખરીદી. તમારી બંનેની કુંડળી મને આપજો, આપણે પછી જ સોદો પાકો કરીશું.’
સુધા-સમીરે તો લગ્ન વખતેય કુંડળી-બુંડળી જોયેલી નહીં. કુંડળી ક્યાં હશે તેય ખબર નહીં. છતાં માળિયામાંથી સમીરની કુંડળી તો મળી, સુધાની ન મળી. જોશી કહે, ‘કાંઈ નહીં, તમારી જન્મ તારીખ અને જન્મનો સમય મને આપો, હું કુંડળી બનાવી લઈશ.’ જન્મ-તારીખ તો ખબર, પણ જન્મ-સમય કોને ખબર ? સુધાએ માને પૂછીને જન્મ-સમય પણ કહ્યો. અને જોશીએ એની કુંડળી બનાવી લીધી. બંને કુંડળીનો બરાબર અભ્યાસ કર્યા બાદ જોશીએ કહ્યું, ‘સુધાબહેન ! તમને મંગળ છે.’
સુધાના પેટમાં ફાળ પડી. તેણે સાંભળેલું કે સ્ત્રીને મંગળ હોય તો પતિને જોખમ ! પણ ત્યાં જોશીએ ઉમેર્યું, ‘સમીરનેય મંગળ છે એટલે ચિંતા નથી. પણ તમારો મંગળ ઉગ્ર છે, સમીરનો સૌમ્ય. એટલે કેટલાક ખેલ તો એ બતાવવાનો જ.’ બંને ગંભીર થઈ તેને સાંભળી રહ્યાં. જોશીએ સમજાવ્યું કે ઘાતક ભલે ન હોય, પણ આના પરિણામે સમીરને અકસ્માતના, દુર્ઘટનાના યોગ ખરા. સુધાએ મનોમન યાદ કર્યું કે હા, ત્રણેક વાર સ્કૂટરના અકસ્માત થયેલા. જોશીએ આગળ ચલાવ્યું, ‘સુધાબહેનના હાથમાં પૈસા ઝાઝા ટકશે નહીં. માટે મારી સલાહ એવી છે કે પ્લોટ સુધાબહેનના નહીં, સમીરના નામે જ ખરીદશો…. બીજું, સમીરે આ વરસ બહુ સાચવવાનું છે. વાહન ચલાવવામાં ખૂબ કાળજી રાખવી. અકસ્માતનો યોગ છે. વિમાન-પ્રવાસ તો ટાળવો જ. ઊંચાઈએથી પડવાનું જોખમ છે…. બાકી, જમીન ખરીદવામાં વાંધો નથી. બંનેનો મળીને જમીનનો યોગ સારો થાય છે.’
કુંડળી-બુંડળીમાં માનતા નહોતા તોયે જોશીએ આ બધું જે કહ્યું, તેની બંનેના માનસ ઉપર અસર થયેલી. જાણ્યે-અજાણ્યે એમનું વર્તન તેનાથી પ્રભાવિત થવા લાગ્યું. સમીર સ્કૂટર ચલાવતો હોય અને સુધા પાછળ બેઠી હોય તો વારે વારે કહેતી રહે કે આટલું ઝડપથી શું કામ ચલાવો છો, ધીરે ચલાવો ને ! આટલા ટ્રાફિક વચ્ચે નાહક અકસ્માત-બકસ્માત થઈ જાય. ‘સમીરને અકસ્માતનો યોગ છે’ – એ જોશીની વાત ત્યારે એના મનમાં ક્યાંક ને ક્યાંક પડેલી હોય. સમીરને ઑફિસના કામે દિલ્લી, કલકત્તા, બેંગલોર જવાનું થતું. ઑફિસ તરફથી વિમાનમાં જવાનું હોય. અગાઉ તો સુધા અડોશીપડોશીને વાત કરતાં આનો પોરસ અનુભવતી – ‘સમીરને તો વિમાન સિવાય મુસાફરી જ નહીં કરવાની. ઑફિસમાં એમના માથે બહુ જવાબદારી ! એટલે ઝટ જઈ, ઝટ કામ પતાવી, ઝટઝટ પાછા આવવાનું. ટ્રેનમાં એ શી રીતે થાય ?’ પરંતુ હવે જોશીની વાત પછી સમીરને વિમાનમાં જવાનું થયું, ત્યારે સુધા અસ્વસ્થ થઈ ગઈ. તેણે એકાદ વાર કહી પણ જોયું કે, ‘તમે ટ્રેનમાં જાવ તો ન ચાલે ?’ સમીરે તેને હસી તો કાઢી, પણ એના મનમાંયે શંકાનો કીડો જરીક સળવળી તો ગયો ! સમીર ગયો ત્યારે ‘બૅંગ્લોર પહોંચીને મને તુરત ફોન કરી દેશો’ – એમ સુધાએ તેને બેત્રણ વાર ફરી ફરીને કહ્યું.
પ્લૉટ સુધાના નામે જ ખરીદવાની વાત અગાઉ થયેલી. પરંતુ હવે સમીરે ‘આપણે પ્લોટ કોના નામે ખરીદીશું ?’ એવી વાત એક-બે વાર અચકાતાં-અચકાતાં ઉપાડેલી. જોશીની સલાહ મુજબ ‘પ્લૉટ તારા નામે ન ખરીદવો’ – એમ ચોખ્ખું કહેતાં હજી એની જીભ નહોતી ઊપડતી. પરંતુ એવું ધર્મસંકટ આવ્યું જ નહીં. પ્લૉટની ખરીદીનું લગભગ નક્કી જ થઈ રહ્યું હતું, ત્યાં સમીરના એક મિત્રએ એક દિવસ એને ચેતવ્યો, ‘આ પાર્ટીની બજારમાં શાખ સારી નથી.’ સમીરે ખરીદવાનું થોડું મુલતવી રાખીને વેચનાર વિશે તપાસ કરવા માંડી. છેવટે ખબર પડી કે ટાઈટલ કલીઅર નથી, અને આ માણસે તો અગાઉ પણ ઘણાને નવડાવ્યા છે. સમીરે જોશીને વાત કરી. એ તો ઘાંઘોવાંઘો થઈ ગયો. ‘અરે, એવું કાંઈ હોય તો મને તુરત જણાવજો. મેં તો આવી કોઈ તર-તપાસ કરી નહોતી. મારો એક હપ્તો તો ભરાઈ ગયો !’ અને ખરેખર દાળમાં કાળું નીકળ્યું. સમીર-સુધા તો બચી ગયાં, પણ જોશીનો એક હપ્તો ડૂબ્યો. બાનાખત પણ થઈ ગયું હોવાથી બિચારો ભારે દોડધામમાં પડી ગયો.
સુધાએ કહ્યું, ‘હવે આપણે જોશીની કુંડળી મંગાવવી જોઈએ. કુંડળી જોઈને પ્લૉટ ખરીદેલો, છતાં આમ કેમ થયું ?’
સમીર બોલ્યો : ‘તેની કુંડળીમાં મંગળ નહોતો ને ! આપણી કુંડળીમાં મંગળ હતો, તેથી આપણું બધું મંગળમય થયું.’ અને બંને ખૂબ હસ્યાં. સુધાએ છાપું હાથમાં લીધું તો એની નજર એક સમાચાર ઉપર ખોડાઈ ગઈ : ‘મંગળ હવે ધીરે ધીરે પૃથ્વીથી દૂર જતો જાય છે.’
(શ્રી દેવકી વળવડેની મરાઠી વાર્તાને આધારે.)
[2] આજકાલનાં છોકરાં !
હમણાં ઘણા વખતથી દીપાને થતું કે એની દુનિયા બદલાઈ ગઈ છે. એ એકલી પડી ગઈ છે. દીપકને તો જાણે પોતાના ધંધામાંથી ઊંચું જોવાની ફુરસદ નથી, પણ બાળકોયે એનાથી અળગાં થતાં જાય છે, એમની જુદી દુનિયા ઊભી થઈ ગઈ છે. દીપાને થતું, બધું સાવ બદલાઈ ગયું છે. પહેલાં તો રુચિ ને રોનક મા-મા કરતાં દીપાની આસપાસ જ ફૂદરડી ફરતાં રહેતાં. સ્કૂલમાંથી આવતા વેંત એને વળગી પડતાં. કેવી-કેવી રમત રમતાં ! ‘મા એની, જે માને પહેલું અડી જાય.’
‘મા મારી છે, હું એને પહેલો અડ્યો છું.’
‘ના, મા મારી છે, હું એને પહેલી અડી.’
દીપા બેઉને બાથમાં લઈ કહેતી : ‘અરે, લડો છો શું કામ, મા તો હું તમારા બેઉની જ છું ને !’
‘ના, તું પહેલાં મારી છો. હું તને પહેલાં અડી ગયેલો.’ રોનક કહેતો.
‘અરે, પગલા ! પહેલાં અડવાથી શું થાય ? હું તારા કરતાં મોટી છું, એટલે મા પહેલાં મારી જ છે.’ – રુચિ ડાહી-ડમરી થઈ પોતાનો કુદરતી હક રજૂ કરતી.
‘હા, હા, જોઈ વળી મોટી ! આપણી શરત તો એ હતી ને કે મા એની, જે માને પહેલું અડી જાય. પહેલો હું જ અડ્યો છું.’
દીપા બેઉને વહાલ કરતાં કહેતી, ‘હું તમારા બેઉની છું, બરાબર સરખે સરખી. જાવ હવે કપડાં બદલો અને હાથ-મોં ધોઈને નાસ્તા માટે આવી જાવ.’ નાસ્તો કરતાં-કરતાંયે બેઉને કેટકેટલી વાતો કહેવાની રહેતી ! નિશાળનાં મૅડમની વાતો, દોસ્તોની વાતો, ભણવાની વાતો, રમતગમતની વાતો – વાતો એમની ખૂટતી જ નહીં. ઘર કેટલું ભર્યું ભર્યું લાગતું ! દીપાનો ઉલ્લાસ માતો નહોતો.
પરંતુ આજે બધું જ કેવું બદલાઈ ગયું છે ! બાળકો મોટાં થઈ ગયાં છે. રુચિ કૉલેજમાંથી આવે છે અને જરીક ‘હાય, મા !’ કહીને પોતાના ઓરડામાં ચાલી જાય છે. નાસ્તા માટે આવે છે, ત્યારેય હાથમાં કોઈને કોઈ ચોપડી હોય. ખાવાનું ને વાંચવાનું સાથે સાથે ચાલે. ‘મા, તેં નાસ્તો કર્યો ?’ – અચાનક યાદ આવતાં પૂછી પાડે, પણ જવાબ સાંભળતાં પહેલાં જ ફરી ચોપડીની કથા ને તેનાં પાત્રોમાં ગરકાવ થઈ જાય. રોનક પણ નિશાળેથી આવીને તુરત ટીવી જોવામાં મશગૂલ હોય કે કાને ‘વૉકમેન’ લગાડીને એની ધૂનમાં હોય, અથવા દોસ્તારો સાથે ગપ્પાં મારતો હોય. દીપાને ઘણું મન થાય કે છોકરાંવ બે ઘડી પોતાની પાસે બેસે, બે વાતો કરે, ઘરની બાબતોમાંયે થોડોઘણો રસ લે. પરંતુ એ લોકો તો એમની જ ધૂનમાં. દીપાને થતું કે હવે એમને મારી જરીકે જરૂર નથી, બલ્કે ક્યારેક તો મારી હાજરીયે એમને ભારરૂપ થઈ જાય છે.
તે દિવસે રુચિની બહેનપણીઓ આવેલી. હાસ્ય-વિનોદ અને ગપ્પાં-ગોષ્ઠી ચાલતાં હતાં. દીપા જરીક ત્યાં જઈને બેઠી, તો તેણે જોયું કે વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું. દીપાએ એમની વાતોમાં રસ લેવાનો પ્રયત્ન કર્યો, પણ સામેથી ગાઝો પ્રતિભાવ ન સાંપડ્યો. દીપા થોડી વારમાં ત્યાંથી ઊઠી ગઈ. આમ, દીપાને થતું કે પોતે સાવ એકલી પડી ગઈ છે. કોઈને એની જરૂર નથી. એમનું ઘર ચલાવતી રહું, એમના ખાવા-પીવાનું ધ્યાન રાખું, એટલો જ મારો એમની સાથે નાતો. રવિવારે ને રજાના દિવસે પણ ક્યાં કોઈને ફુરસદ છે ? દીપાને ક્યારેક એમ પણ થતું કે રુચિ હવે મોટી થઈ ગઈ છે તો મને રસોડામાં થોડીઘણી મદદ ન કરે ? પણ ક્યાં કોઈને એની કશી પડી છે !
આવી રીતે ઉદાસ મને એ એકલી બેઠી હતી. સવારથી તબિયત નરમ લાગતી હતી. માથું ભારે અને આંખો બળતી હતી. થોડીવારમાં એના આખા શરીરે ધ્રુજારી આવી ગઈ. તેણે શાલ લીધી અને ઠૂંઠવાઈને સોફા ઉપર ક્યાંય સુધી પડી રહી. સાંજ પડ્યે એક શીળો હાથ એના માથે ફર્યો, ત્યારે એ તંદ્રામાંથી જાગી. રુચિ એકદમ બોલી ઊઠી, ‘મા તને તો ધગધગતો તાવ છે !’ તેણે તેને ઉઠાડીને અંદર ખાટલામાં સુવાડી. ધાબળો ને રજાઈ લઈ બરાબર ઓઢાડ્યું. પાસે બેસીને માથે પોતાં મૂકવા લાગી. રોનક આવ્યો કે તુરત એને દાકતરને બોલાવવા મોકલ્યો. આદુ ને તુલસીનો કાઢો બનાવીને દીપાને પાયો. પગ દાબી દીધા, વાંસો દાબી દીધો.
દીપાની માંદગી લાંબી ચાલી. ઘર બધું રુચિએ ઉપાડી લીધું. સાફ-સફાઈ, ઊંચું-નીચું, રસોઈ-પાણી બધું જ કરતી રહી. સાથે જ દીપાનુંયે એટલું જ ધ્યાન રાખતી – એની સારવાર કરવી, એને સમયસર દવા આપવી, એના પથ્યાપથ્યની કાળજી રાખવી. રોનક પણ ઊભે પગે મોટી બહેનની મદદમાં રહેતો. દીપા તો મૂંગી મૂંગી જોતી જ રહી. મનોમન હરખાતી રહી, પોતાનો ભ્રમ ભાંગતી રહી. આજકાલનાં છોકરાંવ વિશે કેવા ખોટા ખ્યાલો એણે પોતાના મનમાં બાંધી લીધા હતા ! આ નવી પેઢી આળસુ છે, એને મોજમજા કરવી છે, કામ કશું કરવું નથી, એ પોતાનામાં જ મસ્ત છે અને બીજાની એને કશી પડી નથી, માબાપ પ્રત્યે તો તદ્દન ઉદાસીન છે – આવી આવી એમના વિશેની ભ્રાંતિ એની બધી ભુંસાતી ગઈ. અલ્લડ અને પોતાની મસ્તીમાં બેખબર જણાતી આ નવી પેઢી પણ માથે જવાબદારી આવી પડે, ત્યારે પૂરેપૂરા ખંતથી ઉપાડી લે છે અને પાર પાડે છે.
પંદરેક દિવસે માને પથારીમાંથી ઉઠાડી રુચિએ વરંડામાં બેસાડી હતી. રોનક આવ્યો અને માને બેઠેલી જોઈને ખુશખુશાલ થઈ ગયો, ‘મા, તું સારી થઈ ગઈ !’ આવીને માને વળગી પડ્યો. રુચિએ યાદ કર્યું, ‘મા, અમે નાનાં હતાં ત્યારે કેવી રમત રમતાં ! મા એની, જે એને પહેલું અડે. કેવા છોકરવાદ કરતાં !’
‘અને હવે જાણે બહેનબા મોટાં હોશિયાર થઈ ગયાં. કાલે ખીચડીમાં તો મીઠું નાખવાનું ભૂલી ગયાં હતાં. અને રોટલી જાણે ઑસ્ટ્રેલિયાનો નકશો !’ – રોનકે બહેનને ચીડવતાં કહ્યું.
‘ઠીક છે બચ્ચુ, હવેથી તને ઘી ચોપડેલી ગોળ રોટલી નહીં, માખણ ચોપડેલ ચોરસ પાઉં જ ખાવા આપું છું.’ દીપાએ બંનેને પાસે લઈને બંનેનાં માથાં ચૂમ્યાં. એનું મન બધી ઉદાસી ખંખેરી હરખ-હરખ થઈ રહ્યું હતું.
(શ્રી વીના ટહિલ્યાનીની હિંદી વાર્તાને આધારે)
Print This Article
·
Save this article As PDF
બન્ને વાર્તા સરસ.
૧. અંધશ્રધ્ધા અને જોશી મહારાજો પર અંધવિશ્વાસે તો ધણા ધરો ઉજાડ્યા છે. લગ્ન વખતે કુંડળી મળે તોજ લગ્ન કરવામા માનવા વાળાના પણ લગ્ન પત્તા ના મહેલની જેમ તુટતા જોયા છે અને કુંડળી મેળ્વ્યા વગરના લગ્ન વધારે આસાની થી સફળ થતા પણ જોયા છે. કુંડળી મેળવી ને સંબધ બાંધવાની પ્રથા મારા હિસાબે હિંદુ સમાજ સીવાય કોઈ પણ સમાજ માં નહીં હોય પણ છતા પણ દરેક સમાજ મા લગ્નો સફળ થાયજ છે. હું જ્યોતીષ વિજ્ઞાનની અવગણના નથી કરતી પણ એમા બહુ વિશ્વાસ પણ નથી કરતી. મારા મતે, જો જ્યોતીષી ના બધાજ જોષ જો સાચ્ચા પડતા હોત તો તેમની દિકરીઓ કોઈ દિવસ વિધ્વા ન થાય!
૨. ઘણીવાર મા-બાપો પોતાના બાળકોને સમજી નથી સક્તા કારણ તેમના માટે તેમના બાળકો કોઈ દિવસ મોટાજ નથી થતા, માટે તેઓ એવી અપેક્ષા રાખે છે કે તેઓ એવીજ રીતે વ્રર્તે જેવી રીતે તેઓ નાના હતા ત્યારે વ્રરતતા હતા.( હું પણ એમાની જ એક છું) તેઓ ભુલી જાય છે કે તેઓ પણ ઉંમરના આવાજ દોરથી ગુજરી ચુક્યા છે અને તેમનુ વર્તન પણ મહ્દ અંશે એવુજ હતુ જેવુ તેમના બાળકોનું છે. બાળકો પણ ધણીવાર મા-બાપની ભાવનાઓ ને સમજી નથી શકતા. મારી દિકરી બે દિવસ પહેલા જરામાટે ઘરમાજ એક નાના એવા અક્સ્માત માથી બચી ગઈ અને મેં જે પ્રમાણે રિએક્ટ કર્યુ તે તેને વિચીત્ર લાગ્યુ. તેને મારુ રડવું અજુગતુ લાગ્યુ અને મારી મમ્મી ને ફરીયાદ કરતા ક્હ્યું , મમ્મા, તારી દિકરી પાગલ છે જોને આખી રાત રડી છે અને સુતી નથી.” પણ એને કોણ સમજાવે મારા પર શું વિત્યું અને મે શું ફીલ કર્યુ. જયારે અકસ્માત થયો ત્યારે હું અને મારી દિકરી ઘરમા એકલા જ હતા મારા વર કામસર બહારગામ ગયા છે.અને અક્સ્માત રાત્રે ૧૨ વાગે થયો. આજ મા અને બાળકો નો સબધ છે, એકબીજા પ્રત્યે લાગણી ના અતુટ બંધન હોવા છતા ઘણી વાર પ્રદશીત કરી સક્તા નથી.
Both story are excelent!
પ્રથમ વાર્તા વાંચીને એક વાત share કરવા માંગુ છુ.
મારા મમ્મી-પપ્પાના લગ્નને ૩૧ વર્ષ થઈ ગયા છે અને અમે એમની વચ્ચે ક્યારેય કોઇ ખટરાગ જોયો નથી..એક વાર પપ્પા ના કોઈ જ્યોતિષી મિત્ર અમસ્તા જ મમ્મી અને પપ્પાની કુંડળીઓ મેળવી ને રહસ્યોદ્ઘાટન કરતા હોય એમ કહે કે તમારા ગ્રહો સહેજ પણ મળતા નથી.. જ્યોતિષ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ લગ્નસંબંધ ટકવો શક્ય નથી.. ઘણીવાર અમે આ વાત યાદ કરીને હસીએ છીએ.
બંને વાતો ખૂબ સરસ છે.
આભાર.
સુંદર રજુઆત
[1] મંગળની છાયામાં :
જ્યોતિષ એ ગાણિતીક પધ્ધતિ થી શક્યતાઓ ની આગાહીઓ કરે છે. મારા બે જન્માક્ષર છે તે બંને ની ૮૦% વાતો સાચી નથી પડી. પણ મારા એક મિત્ર (એ સમયે મેડીકલ નો વિદ્યાર્થી) એ મારા વિષે કરેલી અમુક આગાહીઓ અચાનક સાચી પડી હતી.
મારા મતે દરેક બાબતમાં તેના શરણે જવું યોગ્ય નથી. (મે કુંડળી જોયા વગર લગ્ન કર્યા છે.) મારા મત પ્રમાણે કોઈપણ કાર્ય અથવા સબંધની શરૂઆત શંકા થી કરવી યોગ્ય ન ગણાય. લગ્ન કુંડળીઓ માં આજ કાલ વિદેશ-ગમન અને ધન-પ્રાપ્તિનાં યોગો જ વધારે જોવાય છે.
[2] આજકાલનાં છોકરાં:
હું આવનારી પેઢીઓ બાબતે આશાવાદી છું. આપણે ભુતકાળ કરતાં અનેકગણું સગવડ-સભર, શાંતિ-મય જીવન જીવીએ છીએ. એ જે તે સમયની નવી-પેઢીને જ આભારી છે. (સાધનો અને સગવડોનાં દૂરુપયોગથી પેદા થતો રઘવાટ એ વ્યક્તિગત છે તેનાં માટે સાધનને દોષ ન આપી શકાય.) વિચારોની પણ પરિપક્વતા અને સ્પષ્ટતા પણ નવી પેઢીમાં દેખાય છે. (રમતીયાળપણાં વગરનું યૌવન શક્ય નથી)
Very good story…થોડા વખત પહેલા મારો પગ તુટી જતા મારી ત્રણૅવ દિકરી ઍ જે રીતે સમજદારી બતાવી
તૅનાથી મારા મન ને પણ સતાવતા પ્રશ્ન ના જવાબ મળી ગયા. હવે થાય છે કે સારુ થયુ કે પગ તુટી ગયો મને
પણ આજ ની પેઢી ની ઓળખાણ થઈ.
jyotish vidya-grahdasha-grahkundli are all creation to make a living by applying dishonest and scary tactick.. Perticularly my Bhakta community belives and worship saint Kabirji for last couple hundred years or more. Absouletly no kriyakand -janmkundli and no brahmin required at all for birth, marrige, death or any other event and ceremonies.And still we are having a same way of life like any other hindu. If jyotish vidya is a science than why those jyotishdhurandharo can not solved or pinpont the menkind problems ahead of time.
Above story is really an eye opening but ony for those who wants to open it.
સરસ વાતો.
મંગળની છાયામાં જોષીજી વગર કારણે ઉધામા કરતા જણાયા.
પ્લૉટનું બાનાખત કર્યા બાદ એક જ હપ્તો ભર્યો છે.
બાનાખત એટલે બાનામાં આપેલા પૈસાનું ખત….બાના તરીકે આપવાની રકમની પહોંચના રૂપનો દસ્તાવેજ.
બાનાખત કર્યા બાદ આગળ જતાં બન્નેં પાર્ટીએ સંપત્તિ વેચવી જ – ખરીદવી જ પડશે જેવું કોઈ બંધન હોતું નથી.
બાનાખત બાદ આગળ જતાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો બન્ને પાર્ટી અથવા બેમાંથી એક
બાનાખત કોઈપણ સમયે ફોક કરી શકે છે.
સંપત્તિ ખરીદતી વેળાએ આકાશી ગ્રહો કરતાં પૃથ્વી પરની કાનુની પ્રક્રિયાની સમજ વધારે જરૂરી છે.
સુંદર વાર્તાઓ
જ્યોતિષમાં માનવુ કે નહિ એ અંગત પસંદગી છે. કેટલી હદ સુધી માનવુ, કોની વાત માનવી એ વ્યક્તિની બુધ્ધિમતા પર અવલંબે છે. જેવી રીતે ખૂણેખાંચરે બનાવટી દાક્તરો પોતાની દુકાન ખોલીને તબીબીવિજ્ઞાનને બદનામ કરે છે તેવુ જ જ્યોતિષશાસ્ત્ર માટે કહી શકાય. બે વિજ્ઞાનીઓએ એક સરખુ શિક્ષણ લીધુ હોય છે છતા એક સામાન્ય કલાર્ક બની રહે છે અને બીજો નીતનવી શોધો કર્યા કરે છે. બે દાક્તરો સરખુ તબીબી શિક્ષણ લેવા છતા સરખેસરખા હોશિયાર નથી હોતા.
જો જ્યોતિષશાસ્ત્ર તદ્દન બોગસ હોત તો સરકારી શિક્ષણસંસ્થાઓમાં તેમના વિશે અભ્યાસક્રમ ન ચાલત. જ્યોતિષશાસ્ત્ર એક વિજ્ઞાન જ છે, પરંતુ ખૂબ જ અટપટુ વિજ્ઞાન છે. તેના પૂરતા અભ્યાસ વગર કાચુ કપાવાનો ભય રહે છે અને મોટા ભાગે એમ જ થાય છે. જો કોઈ દાક્તરની ભૂલને લીધે દર્દી હેરાન થાય તો તેના માટે જવાબદાર દાક્તર છે, નહીં કે તબીબીવિજ્ઞાન.
માતૃત્વના અનેકરૂપો અનુભવવા “મા તે મા” પુસ્તક વાંચવાની વિનંતી કરુ છું.
આભાર,
નયન
શ્રી નયનભાઈ
મા તે મા પુસ્તક પ્રાપ્તિની વિગતો આપવા વિનંતી.
આપની નજરમાંથી પસાર થયું હોવાથી પુસ્તક પ્રાપ્ત કરવાની તાલાવેલી ટાળી શકતો નથી.
આભાર.
શ્રી જયભાઈ,
હાલમાં જ ચિત્રલેખામાં આ પુસ્તકનો રિવ્યુ છપાયો હતો. રતિલાલ બોરીસાગરજીએ તેને સંપાદિત કર્યુ છે. નાના મોટા ૨૯ લેખોનો સંગ્રહ છે. હાલમાં જ તેની બીજી આવૃતિ છપાઈ હોવાથી કોઈ પણ પુસ્તકસ્ટોરમાં મળી જવુ જોઈએ. તમારી જાણમાં પણ કોઈ સરસ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.
મૃગેશભાઈ, દર મહિને એક પુસ્તકનો રિવ્યુ આપો તો મજા પડી જાય.
નયન
શ્રી નયનભાઈ
મા તે મા….પુસ્તકની માહિતી આપવા માટે આપનો આભારી છું.
હમણાં જ અમેરિકન ભૂ. પ્રમુખ શ્રી બિલ ક્લીંટનની ઑટોબાયોગ્રાફી માય લાઈફ
મારી વાંચન પ્રવૃતિમાંથી પસાર થયું છે. માય લાઈફ પુસ્તકમાં શ્રી બિલ ક્લીંટનના
કિશોર વયમાં થયેલાં સંઘર્ષના વર્ષોનો અનુભવ આજના દરેક યુવકે વાંચવા જેવો છે.
મધ્યમ વર્ગની સિંગલ માતા પોતાના બે બાળકોને કોઈની સહાય વગર કેવી રીતે મોટા કરે છે
તે વાંચી આંખ ભીની થયા વગર ન રહે..!!
સંઘર્ષના વર્ષોએ ક્લીંટનને આક્રમણ ( મલિશીયસ કેમ્પેયન )….અનિશ્ચિતતાઓ ( આર્થિક )
સામે ઝઝુમવા માટે ફોલાદી ભુમિકા પુરી પાડી….જેણે તેમની સ્ખલન પળો વખતે સહાય કરી.
આજની અનિશ્ચિતતાઓ ( આર્થિક ) સામે ટકી રહેવા આવું ફોલાદી મનોબળ જરૂરી છે
જે માય લાઈફ….પુસ્તક વાંચવાથી વાચકોને અહેસાસ થયા વગર રહેતો નથી.
આભાર સાથે.
શ્રી જયભાઈ,
પુસ્તકની માહિતી બદલ ખૂબ આભાર.
નયન
EXCELLENT! 10/10
ખુબ સરસ.
સુંદર વાર્તાઓ
ખુબ સરસ સુંદર વાર્તાઓ. બન્ને વાર્તા મને ખુબ ગમિ
બંને વાર્તાઓ ખુબજ ગમી…..