બારમાનું તેરમું ! – ડૉ. નલિની ગણાત્રા

[ આગામી માસમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે એને અનુલક્ષીને પ્રસ્તુત છે એક હાસ્ય લેખ, ‘હાસ્યમ શરણમ’ પુસ્તકમાંથી સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 098કૉમર્સ બાપના દીકરાવ પડોશીના પાપે અને સગાવહાલાંઓના શાપે બાર સાયન્સમાં આવ્યા હોય એવું અ-સામાજિક વર્તન પડોશીઓ અને સગાસંબંધી સાથે કરે છે. ‘બારૂ’ (બારમાનો વિદ્યાર્થી) અને તેનું કુટુંબકબીલું સમાજથી દૂર અને સ્વભાવે ક્રૂર થઈ જાય છે. પોતે તો કોઈના ઘેર જતા નથી અને કોઈને પોતાના ઘેર આવવા માટે ધૂમ્રપાનની મનાઈ કરતાંય સખત મનાઈ ફરમાવી દે છે. રસ્તામાં સામા મળે તો સ્માઈલ પણ ન આપે. મસ્તીમજાકમાં તો રીતસરનું બ્રહ્મચર્ય પાળે ! એની મુલાકાત સમયે આપણો ચહેરોય ચીમળાઈ જવો જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. જ્યારે મળે ત્યારે તમારે સહાનુભૂતિ અવશ્યમેવ બતાવવી પડે, નહીં તો એ આપણને અ-સામાજિક જાહેર કરી દે. જો કે આપણે ત્યાં ‘બારમું’ હોય ત્યારે એ લોકોય સુંદર વ્યવહારિક અભિનય કરતા હોય છે.

અમારા કોઈ જ વાંકગુના કે ઈરાદા વગર ગઈસાલ અમારો એક બાબો દસમામાં અને બીજો બારમામાં હતો. એમાં 67% જનમત આઘાત અને 33% જનમત સહાનુભૂતિ ધરાવતો હતો. લે, તમારે તો આ વખતે બેય બોર્ડ ! એવા લહેકાથી બોલે જાણે આપણે માથે બે સુંદર શીંગડાં ઊગી નીકળ્યાં હોય ! અને 33 ટકાવાળા લોકો એ જ વાક્ય કંઈક એવા લહેકાથી બોલે જાણે આપણને બેય શીંગડાંમાં ગ્લેમરસ ગૂમડાં ફૂટી નીકળ્યાં હોય….! પાછું ઉમેરે, ‘સારું પ્લાનિંગ કર્યું કહેવાય !’ એલા મૂળચંદ, અમને તો અમારા છોકરાંવ દસમા-બારમામાં આવ્યાં એના આગલા દિવસ સુધી એ કયામતની જાણ નહોતી કે આ બંને બોર્ડમાં આવ્યાં, તે પંદર-સત્તર વર્ષ પહેલાં ક્યાંથી પ્લાનિંગ કર્યું હોય ? એક તો આપણા દીકરાઓ આંય સુધી પહોંચ્યા એના આશ્ચર્યમાંથી આપણે ઊંચા આવતાં ન હોઈએ ને એમાં આ લોકોનાં આઘાત અને સહાનુભૂતિઓ સહન કરવાની ! એક બહેન તો હૉસ્પિટલના આઈ.સી.સી.યુ. વોર્ડમાં ખબર કાઢવા આવતાં હોય એટલી ગંભીરતાથી ‘બ્લેક-બોર્ડ’ જેવું મોઢું કરીને કાયમ અમને યાદ કરાવે, ‘તમારે તો ભ’ઈસા’બ, આ વખતે બબ્બે બોર્ડ નહીં ? છોકરાઓનું આ દસમું-બારમું તો…. હારું કરજો…… ભગવાન !’ આ બહેન જો સફેદ સાડીમાં સજ્જ થઈને બોલતાં હોય તો આપણું હૃદય બોંતેર બોંતેર ધબકાર એકસામટા ચૂકી જાય…..! મારી સ્થિતિ તો ટ્વીન્સની જચ્ચા (નવોદિત મા) જેવી થઈ જતી. નાચવું કે રડવું એ ખબર ન પડે ! ટ્વીન્સની માતા પાસે આપણે હરખ કરીએ કે ‘સારું થયું, તમારે એક ખાટલે બે પારણાં !’ તો કહેશે કે – ‘શું સારું ? હેરાન-હેરાન થઈ જવાય છે !’ અને કહીએ એકસાથે બે બાળકો એટલે તકલીફ પડે, નહીં ? તો કહેશે – ‘ના…રે, એક ઘામાં (સિઝેરીયનથી) પતી ગ્યું ને…..!’

બારમાનો વિદ્યાર્થી એટલે આઈ.સી.સી.યુ. પેશન્ટ, એનો સમય ન બગાડાય. એ સામેથી આવતો હોય તો એને જ એમ્બ્યુલન્સ સમજી આપણી મોટરકાર રોન્ગ સાઈડે લઈ જઈનેય એને માર્ગ કરી આપવો પડે, કારણ કે એ દસમા ધોરણ સુધી પણ દીવાલ ચડીને પહોંચ્યો હોય. બારમામાં પહોંચતાં પહોંચતાં તો એ ખુદ ‘બારમું’ સ્વરૂપ થઈ જાય છે. આવા બાળમોવાળા જેવા સુંવાળા સંતાનોના ‘દસમા’ ‘બારમા’ માટે વહાલી મા અને ‘વાલી’ પિતા જવાબદાર હોય છે. સાઠ ટકાના સંતાનને દસમાં ધોરણમાં ભૂલથી સત્યોતેર ટકા આવવાથી બળાત્કાર સ્વરૂપે એને સાયન્સમાં ધકેલવામાં આવે છે અને પછી શરૂ થાય છે દે ધનાધન…..ટ્રેજેડી…..!

દસમું તો સગાઈ જેવું સહેલું છે. સગાઈમાં ખાસ કાંઈ કરવાનું હોતું નથી. ઝાડ ફરતે ફેર-ફુદરડી ફરીને લોકગીત ગાવાનાં હોય છે. લબૂસ અને લોથપોથ થઈ જવાનો વારો લગ્ન અને લગ્ન પછી આવે છે ! અખિલ બ્રહ્માંડમાં બે પ્રકારનું ‘બારમું’ પ્રસિદ્ધ છે. એક વિદ્યાર્થીનું અને બીજું મનુષ્યજાતિનું ! આ પ્રકાર જ સૂચવે છે કે, ‘બારૂ’ (બારમાનો વિદ્યાર્થી) મનુષ્યમાં ગણાતો નથી. કારણ કે, બારૂ ઍન્ડ પરિવારનાં વાણી, વર્તન, વ્યવહાર મનુષ્યેતર જાતિ જેવા થઈ જાય છે.

બાબો બારમામાં આવે એટલે 144ને બદલે 288ની કલમ લાગુ પાડી દે છે. બારૂની આજુબાજુ બેથી વધુ માણસ ભેગાં થઈને વાત તો શું ગુપસુપ પણ ન કરી શકે ! વાત કરનારને પાસ-હત્યાનું પાપ લાગે ! ‘બારૂ’ને સાવ ‘બારમા’ જેવો કરી નાંખવામાં વાલીઓ (લૂંટારો) જવાબદાર છે. ગરોળી જીવડાંને જોઈ તરાપ મારે એમ બારૂને દીઠો નથી કે ઘૂરકે – ‘વાંચવા બેસ, વાંચવા બેસ, નહીં તો અમારું બારમું થઈ જશે…..’ આપણે ત્યાં સ્વર્ગસ્થ સ્વજનનો શોક બાર દિવસ ચાલે, આને ત્યાં બારમાનો શોક બાર મહિના ચાલે ! અને લાડુ ફેઈસ ધરાવતા ફેમિલીનું મોં ઘી વગરની લોચા લાપસી જેવું થઈ જાય છે. ટી.વી. તો છાપામાં વીંટીને માળિયે ચડાવી દે. મોળાકત (ગોર્યો) હોય એમ વાલી કહે એટલું અને એવું જ ખાવાનું. સૂચના પ્રમાણે જ જાગરણ કરવાનું અને તેઓ કહે એટલું જ ઊઠવાનું. એ ઊઠે એટલે પીઠ પાછળ ઓશીકું મૂકી દે, પછી ટેડીબેર ગોઠવતા હોય એમ બારૂને ઓશીકાના ટેકે બેસાડે. એ જ પોઝિશનમાં વાંચવાનું. જોક તો કહેવાનીયે નહીં અને સાંભળવાનીયે નહીં. કહેશે – ‘ડફોળ, બારમામાં છે ને હસે છે….?’ બારમું મજ્જાનું નહીં સજ્જાનું વરસ છે. ‘વૅકેશનમાં હસજો….’ બિચારાને નજરકેદમાં રાખી સંન્યાસી જેવો કરી નાંખે ! સ્પેશ્યલ કેરના નામે કાળો કેર વર્તાવે ! આ દીકરો સમય જતાં પોતાના પગભેર થાય એટલે પહેલું કામ એના બાપને ખાટલા સોતો ઘરડાંઘરમાં મૂકી આવવાનું કરે ! આવા વાલી એક વર્ષ પૂરતાં જો ‘વિદેશગમન’ થઈ જાય તો એંસી ટકાવાળાને નેવું ટકા આવે અને નપાસિયું પાસ થઈ જાય એની હું ભૂતપૂર્વ બારૂવાલી તરીકે ખાતરી આપું છું. પણ વિદેશગમન તો બાજુ પર રહ્યું, આ તો ગાંઠની રજા લઈને ઑફિસગમન પણ રદ કરી દે છે.

આમ બિચારાની વરસી જેવું વરસ પૂરું થાય પછી યોદ્ધાને ટીંગાટોળી કરીને પરીક્ષા આપવા સેન્ટર પર લઈ જાય. પેલો છેક અંદર પહોંચી જાય ત્યાં સુધી સલાહ આપ-આપ કરે. અને બીકનો માર્યો બારૂ બાપની સલાહ યાદ રાખવામાં બે સવાલ આખ્ખા ભૂલી જાય. પેપર છ વાગ્યે પૂરું થતું હોય તોય સ્કૂલના જાળીવાળા બંધ દરવાજાની બહાર સાડાપાંચ વાગ્યાથી બગલાની જેમ ઊંચી ડોક અને ઊંચી પાની કરીને ટીંગાઈ જાય અને પ્રથમ કિરણ જેવા પાટવી કુંવર દેખાય એટલે જાણે કે અવકાશયાનમાંથી એનો કલ્પન કે કલ્પના ચાવલા ઊતરતાં હોય એમ દૂરથી દેખાય કે તુરત જ સોનિયા ગાંધીની જેમ હાથ ઊંચો કરે. પેલો બહાર આવે એટલે તરત જ પૂછે – ‘સિંહ કે સસલું ?’ વર્ષ દરમિયાન ટીચી-ટીચીને પોતે જ એને સસલું બનાવી દીધો હોય અને રિઝલ્ટ સિંહ જેવું જોઈએ ! બારૂ જો, ‘પેપર સરસ ગયું’ એમ કહે તો શંકા કરે ! ખરાબ ગયું એમ કહે તો બઠ્ઠો તરત સાચું માની લે……!

બારમાની પરીક્ષા શરૂ થાય એ પહેલાં બાપ ભગવાનને પ્રાર્થના કરતો હોય કે બોર્ડમાં નંબર આવે એવું કરજો ! પરીક્ષા ચાલુ થાય અને એકાદ પેપર બગડે એટલે 90 ટકા અને મેડિકલમાં એડમિશન મળી જાય એવી ભગવાન પાસે ડિમાન્ડ મૂકે. પરીક્ષા પતી જાય પછી અફવા સાંભળે કે બોર્ડનું રિઝલ્ટ આ વખતે બહુ નીચું છે (36 ટકા જ છે) એટલે ભગવાનને કહેશે કે આપણા 85 ટકા રાખજો. રિઝલ્ટના આગલા દિવસે તો ભિખારી જેવો થઈ જાય. એકાદમાં ઊડી ન જાય એ જોજો ભગવાન ! ભગવાન જાણે એનો ફેમિલી દરજી હોય એમ પહેલાં આખી બાંય, પછી પોણિયા બાંય, પછી અડધી બાંય અને પછી સ્લીવલેસનો ઑર્ડર આપે !

બારમામાં હવે તો ઈમ્પોર્ટેડ ‘બેસ્ટ લક’ મળે છે તોપણ ધારી સફળતા નથી મળતી. ક્યારેક તો આ બુકીઓ (બેસ્ટ લકીયાઓ)ને કારણે સમય બગડવાથી જ બે ટકા ઓછા થાય છે. આ રિવાજની ટીકા કરનારાઓ જ કર્ટસી કરવા પહેલાં દોડી જાય છે. સારું છે કે બધા પેપરનાં બેસ્ટ લક સામટાં કહી દે છે. રોજ રોજના બેસ્ટ લક કહેવા જતા હોત તો બિચારા બારૂઓના સ્કોર સાડત્રીસ ટકાથી આગળ વધત નહીં. અને અત્યારે તો મુનીમના દીકરાનેય મેડિકલ સિવાય મોક્ષ ન દેખાતો હોય એટલે 90 ટકાથી ઓછું ચાલે નહીં અને 80 ટકાથી વધુ આવે નહીં. આવા 80 ટકાવાળાઓને મેડિકલમાં ચાન્સ મળે નહીં ને ડિપ્લોમા કરવામાં ડીગ્નીટી હર્ટ થાય ! અને બારમાના બેય બગડ્યા જેવી સ્થિતિ થાય એના કરતાં દસમા પછી ડાહ્યો થઈને ડિપ્લોમામાં ગયેલો સંસારી સારો.

બેય પ્રકારના બારમા વચ્ચે બે આંખ જેટલું સામ્ય છે. નાકની લીટી જેવો એક તફાવત એ છે કે માણસમાં કાણમોંકાણ પછી બારમું હોય અને વિદ્યાર્થીના બારમા પછી કાણમોંકાણ ચાલુ થાય. બાકી માણસના બારમા પછી જીવની દિશા અનિશ્ચિત એમ વિદ્યાર્થીની બારમા પછી જીવનની દિશા અનિશ્ચિત ! માણસ જીવતેજીવ ધારે એ કરી શકે, મર્યા પછી ઈશ્વરાધીન ! એકથી બાર ધોરણમાં જીવ સ્કૂલમાં જ ફરતો હોય અને બારમા પછી જીવ એડમિશન પ્રક્રિયામાં ભટકતો ભટકતો મેડિકલ, એન્જિનિયરિંગ કે પોલિટેકનિકમાં સ્થાયી થાય…!

બારૂઓ, તલવાર હોય તો જરૂર મહાભારતના યુદ્ધમાં જાવ, પણ ટાંકણી લઈને યુદ્ધ કરવા ન દોડો. ‘મેડિકલ સબ કુછ નહીં જિંદગી કે લિયે.’ આમેય મેડિકલમાં દસ વરસ સુધી સમય, બુદ્ધિ, હળવાશ અને પૈસાની ફિક્સ ડિપોઝિટ કરવા કરતાં અહમ, શરમ અને સંકોચ છોડીને પાણીપૂરી કે ચાની લારી ચાલુ કરી દો તો દસ વર્ષની કમાણીથી ડૉ. માઈકલની જેમ સપરિવાર એ.સી. છકડામાં વિશ્વપ્રવાસે નીકળી શકો. ઈતિ સિદ્ધમ…..

[કુલ પાન : 120. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનધર્મ – સંત પુનિત
હાસ્ય વસંત – રાજુ મેઘા Next »   

24 પ્રતિભાવો : બારમાનું તેરમું ! – ડૉ. નલિની ગણાત્રા

 1. gujarati says:

  ડફોળ, બારમામાં છે ને હસે છે….?’

 2. ખુબ જ સુંદર. 🙂

  મારા દસમા- બારમાના દિવસો યાદ આવી ગયા.

 3. કેતન રૈયાણી says:

  ઘણા સમય પછી એવુ વાંચવામા આવ્યુ કે ઑફિસમાં પણ ખડખડાટ હસ્યો…ઃ)

  આમાં બહુ મજા પડી –
  “ટ્વીન્સની માતા પાસે આપણે હરખ કરીએ કે ‘સારું થયું, તમારે એક ખાટલે બે પારણાં !’ તો કહેશે કે – ‘શું સારું ? હેરાન-હેરાન થઈ જવાય છે !’ અને કહીએ એકસાથે બે બાળકો એટલે તકલીફ પડે, નહીં ? તો કહેશે – ‘ના…રે, એક ઘામાં (સિઝેરીયનથી) પતી ગ્યું ને…..!’”

 4. Namrata says:

  બહુ મજા પડી. આ વખતે નલિનીબેનના લખાણ મા થોડી શ્રી અશોક દવે ની છાટ વરતાઈ.

 5. Neha Shah says:

  હાસ્યલેખ ખૂબ જ સરસ. તીવ્ર હરીફાઇના સમયમાં દરેક માં-બાપને પોતાના ચિરંજીવીને ટોપ પર જોવો છે ગમે તે કિંમત આપીને પણ. જાણે કે ૧૨ મા નુ પરિણામ જ જીવનનો ઉદ્ધાર કરી દેવાનુ હોય. શું આપણે એવા કિસ્સા નથી જોયા કે સામાન્ય શૈક્ષણીક કારકીર્દી ધરાવનાર ખૂબ આગળ નીકળી ગયા હોય અને ટોપર્સનો ક્યાંય પત્તો ન હોય. આંતરીક સમજણની જરુર છે.

  • trupti says:

   નેહાબહેન,

   શ્રી ધીરુભાઈ અંબાણીનો દાખલો જગ જાહેર છે. તેમને MBA ની વ્યાક્યા બહુ સરસ આપી હતી.
   મને(M)બધુ(B)આવડે છે(A).=MBA
   આજકાલ ૯૦-૯૨% લાવવાવાળા બાળકોને પણ જોઈતી કોળેજો માં એડમીશન નથી મળતુ. સામાન્ય બાળકની શું વાત કરવી?
   આખી એજયુકેશન સિસ્ટમજ ખરાબ છે. બાળકોના મગજપર કુમળી વયે કેટલો દબાવ છે. ૧૦મુ અને ૧૨ તો જાણે જંગ જીતવા જેટલુ અઘરુ થઈ ગયુ છે. આની સામે ICSE board મા ભણવા માટે એક આસ્વાસનની વાત એ છે કે ઘણી ખરી સ્કુલો મા ૧૧ અને ૧૨ ધોરણ માજ ભણવાની સગવડ હોય છે ( હું ફક્ત મુંબઈ ની વાત કરુ છું કારણ મુંબઈ મા ૧૧ અને ૧૨ ધોરણ પણ કોલેજ મા ભણવાનું હોય છે) અને સ્કુલ તેમના વિધ્યાર્થી ને પ્રેફ્રેન્સ આપે છેઈ એટલે જેમને ૧૨ મા પછી ડો. કે એન્જી. મા નથી જવુ હોતુ તેમને માટે ૧૦ અને ૧૨ મા નું વરસ તણાવ ભરેલુ નથી હોતુ.

 6. shwetal says:

  મજા આવિ ગઇ

 7. Maulik Dave says:

  મસ્ત છે !!!

 8. nayan panchal says:

  સરસ મજાનો લેખ છે. આવા લેખ અગિયારમાં ધોરણના અભ્યાસક્રમમાં મૂકવા જોઈએ.

  આભાર,
  નયન

 9. કૈલાસ ભટ્ટ says:

  સચોટ લેખ છે.

 10. Hetal says:

  Very real, very nice…Congrats to Dr. Nalini madam…

 11. Sunita Thakar (UK) says:

  બારૂ નુ ગ્રેટ observation. મજા આવી ગઈ.

 12. Veena Dave. USA says:

  સરસ લેખ્.

 13. iliyas patel says:

  આજના આ બાળકોને આ મહાન આફત માહેથિ કોન વિરલો બહાર કાઢશે
  નલિનિ બહેન અભિનદન્

 14. Urvi pathak says:

  વાહ ભઈ વાહ
  આ વખતે કોઈ બારમુ નથી એટલે હસી હસી ને લોટ પોટ થયાં

  નહી તો લાગે…. મારા ઘરની વાત કેમ લખી?

 15. જય પટેલ says:

  લેખ વાંચીને આંખો સમક્ષ મારૂં બારમું દેખાયું….( ભુતકાળનું….ભવિષ્યનું નહિ..!! )

  બારમાનો હાઉ….કઠણ કાળજાના વિરલાને પણ બારમારૂપી વૈતરણી પાર પાડવામાં હાંફા પડે છે.
  બારમા વખતે ઘરનું વાતાવરણ અને મા-બાપની હૂંફ મહત્વનો રૉલ અદા કરે છે.
  શૈક્ષણિક દ્રષ્ટિએ દરેક ધોરણ સરખાં જ હોય છે…..પરંતુ બારમાનું પરિણામ કંઈક અંશે જીવનની દિશા
  ઘડનારૂ હોવાથી તેનો ભ્રમિત ભય ઉભો થયો છે.

  બારમામાં નાપાસ વિદ્યાર્થીની દશા સમાજમાં દયનીય હોય છે.
  આજકાલ વિદ્યાર્થીઓમાં જબરજસ્ત તનાવ છે અને માનસિક તનાવ વિદ્યાર્થીઓને આપઘાત કરવા
  મજબૂર કરે છે જેનાથી તાંજેતરમાં ઘણા પરિવારો વિખરાયાં છે.

  કુમળા બાળકો આપઘાત કરી રહ્યા છે ત્યારે શૈક્ષણિક આલમ કુંભકર્ણ નિંદ્રામાં છે.
  શૈક્ષણિક ક્ષેત્રે કોઈ નવી વ્યવસ્થાની તાતી જરૂર છે.

 16. Vipul Panchal says:

  Kharekhar khubaj subnndar lekh.

  12th na divad yaad aavi gaya…Nalaniben u really rocks.

 17. જગત દવે says:

  મારી દિકરીને તેની શાળામાં હમણાં ‘Currency’ ભણાવે છે પણ તેણે સિક્કાઓ અને નોટ્સ નાં દર્શન નથી કર્યા. દાખલાઓ (Sums) માં amount લખીને બાજુમાં Rs. અથવા Ps. લખી દેવાનું બસ……..

  આલ ઇઝ વેલ!!!!!???? 🙂

 18. Mitali says:

  Nice Funny Article. Thank god I moved to USA after my 10th exam back home. I think I would have to go thru something like this if i were to do my 12th there. Why parents have these attitude toward 12th standard exam. If a student dont’ do good in this exam, life doesn’t end there, now there are many opertunity to make future brighter then just higher %. There might be many who didn’t do good in 12th exam but have done very well in path they took after that exam. things needs to change now.

 19. Dipti says:

  when I started to read I thought author might have her own experience too in this .
  And yes, she said that once in the article.
  true..true..
  we should tell student to work hard but not pressure them for only high % as in some case students get depressed and commit suicide.
  medical is not everything.
  જહાં મેં ઔર ભી હૈ રાહેં

 20. Vaishali Maheshwari says:

  Wonderful funny article.
  The author has very well written all truth in a comedy sense.
  Enjoyed a lot reading it.

  Thank you Dr. Nalini Ganatra.
  Keep writing and make us laugh all the time!!!

 21. shailesh says:

  સરસ મજાનો લેખ છે. બહુ મજા પડી..

 22. Ashish Dave, Sunnyvale, Califronia says:

  મજા આવી ગઈ… મારી નાની બહેન દસમામા હતી, હુ બારમામા ત્યારે હુ હસતો કે મારી બહેનનુ દસમુ મારુ બારમુ અને મારા મમ્મી પપ્પાનુ તેરમુ…

 23. hiral shah says:

  બહુ મજા પડી.. લેખ શરુઆતથી લઇને અંત સુધી જબરજસ્ત….મારું બારમું યાદ આવી ગયું. (ભૂતકાળનું ઃ)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.