સુખી જીવનનાં સાધન – અનુ. રત્નસિંહ પરમાર

[ ‘સુખી જીવનનાં સાધન’ (આવૃત્તિ : ઈ.સ. 1931) માંથી સાભાર. આ પુસ્તક ઓરિસન સ્વેટ માર્ડનના ‘ઑપ્ટિમિસ્ટિક લાઈફ’ ઉપરથી અનુવાદિત કરવામાં આવેલ છે. હાલમાં આ પુસ્તક પ્રાપ્ય નથી.]

બે માણસો એક જ કામ કરતા હોય; પરંતુ તેઓ જે જુદી જુદી રીતે કરે છે તેમાં બહુ તફાવત હોય છે. હું કેટલીક એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે ગૃહવ્યવસ્થાના કાર્યને કલારૂપ બનાવી દે છે. તેઓ રોટલી કરતી હોય, શાક કરતી હોય, ચાદર પાથરતી હોય કે રાચરચીલાં પરની ધૂળ ખંખેરતી હોય, તોપણ તેઓ તે કાર્ય કલા જાણનારની દષ્ટિથી કરે છે; અને જે કાર્યને ઈતર સ્ત્રીઓ ધિક્કારતી જણાય છે તે કાર્ય કરવામાં તેઓ આનંદ માને છે. બાળકોની સંભાળ લેવાનું કે ગૃહની વ્યવસ્થા કરવાનું કામ તેમને વૈતરા સમાન લાગતું નથી. પરંતુ કર્તવ્યબુદ્ધિને લીધે તેઓ પ્રત્યેક કાર્યને ઊંચકીને કલાના પ્રદેશમાં મૂકી દે છે. અમે કેટલીક એવી સ્ત્રીઓને ઓળખીએ છીએ કે જે સાધારણમાં સાધારણ કામો એટલી ગંભીરતા, શાંતિ અને સરળતાથી બજાવે છે કે તેમને કામ કરતી જોઈને આનંદ થાય છે. તેઓ સર્વ રાચરચીલાં અને સર્વ વસ્તુઓ વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં આનંદ માને છે. તેમના ગૃહનું સમગ્ર વાતાવરણ સંસ્કારિતા અને સુવ્યવસ્થાથી ભરેલું હોય છે. તેમાં કાંઈક એવું તત્વ રહેલું હોય છે કે જે મનને આનંદ આપે છે.

હું બીજી કેટલીક એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે ગૃહમાંના પ્રત્યેક કાર્યને વૈતરા સમાન ગણે છે અને તેનો જેમ બને તેમ શીઘ્ર નિકાલ લાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ કામથી ડરે છે; બને ત્યાં સુધી તેને મુલતવી રાખે છે અને પછી જેમ બને તેમ જલદી તેનો ફેંસલો આણવાને દોડાદોડી કરે છે. આથી જ્યારે તેઓ કામ કરી રહે છે, ત્યારે પણ ગૃહમાં લેશ પણ સુવ્યવસ્થા જણાતી નથી અને કોઈ પણ વસ્તુ જોવાથી આપણને આનંદ થતો નથી. આપણને પ્રત્યેક વસ્તુ અવ્યવસ્થિત પડેલી જણાય છે. પર્યાયમાં કહીએ તો કેટલીક સ્ત્રીઓ જ્યારે કલાવિદની દષ્ટિથી કામ કરે છે ત્યારે બીજી સ્ત્રીઓ મજૂરની દષ્ટિથી કામ કરે છે.

જે મનુષ્ય પોતાના કાર્યને ચાહે છે તેને તમે બહુ શીઘ્રતાથી ઓળખી શકો છો. તેના કાર્યમાં કાંઈક નવીનતા, નૈસર્ગિકતા, કોમળતા અને સ્વાભાવિકતા રહેલી હોય છે, કે જે વૈતરાની પેઠે કરેલા કામમાં કદી પણ જણાતી નથી. એકાદ કામવાળીબાઈ કે રસોઈયણ બિમાર પડે અથવા ગેરહાજર રહે અને પોતાને તેનું કામ કરવું પડે ત્યારે કેટલીક સ્ત્રીઓ ચીડાઈ જાય છે અને ક્રોધે ભરાય છે; જ્યારે અન્ય સ્ત્રીઓ ઉદાર હૃદય અને સહાનુભૂતિ ધરાવનારી હોવાથી તેઓ ઘણી ખુશીથી પ્રસંગોપાત પોતાની બાઈને રજા આપે છે અને રસોઈ કરવામાં તથા ઘરનું કામકાજ કરવામાં આનંદ માનતી જણાય છે. પર્યાયમાં કહીએ તો કેટલીક સ્ત્રીઓ ખુશીથી આનંદપૂર્વક, કલાવિદની દષ્ટિથી પોતાનું કામ કરે છે. તેઓ તેમાં પોતાનો આત્મા પૂરે છે; પોતાની રુચિ પ્રદર્શિત કરે છે; જ્યારે અન્ય સ્ત્રીઓ તેની સર્વથા વિરુદ્ધ રીતે પોતાનું કાર્ય કરે છે.

ઑફિસ, દુકાન અને કારખાનામાં પણ આવો જ પ્રકાર જોવામાં આવે છે. કેટલાક નોકરો જાણે જીવવું એ એક ખરેખરો બોજો સમજતા હોય તેમ તેઓ હંમેશા તમારા મન પર એવી છાપ પાડે છે કે તેઓ પોતાના કાર્યને ધિક્કારે છે અને તે પતે તો સારું એમ ઈચ્છે છે; અને અન્ય માણસો જ્યારે વિશેષ આરામવાળી જગ્યા ભોગવે છે ત્યારે તેમને જ આવું વૈતરું શામાટે કરવું પડે છે તે તેઓ સમજી શકતા નથી. આવા નોકરો પ્રત્યેક કાર્યને કઠીન ગણે છે. તેઓ પોતાના હાથમાંના પ્રત્યેક કાર્યને ધિક્કારતા જણાય છે. આવા નોકરોને જોઈને કોઈ પણ માણસને કંટાળો ઉપજ્યા વિના રહેતો નથી. પરંતુ જે નોકરો આનંદયુક્ત હૃદયથી કામ કરે છે, જેઓ હમેશાં આનંદી, આશામય અને ઉદ્યોગી હોય છે; જેઓ હમેશાં તમારે માટે કાંઈ ને કાંઈ કામ કરવાને તત્પર હોય છે, અને જેઓ તમારો ધંધો વધેલો જોવાને આતુર હોય છે; તેમને તમારી પાસે રાખવામાં તમને ખરેખરો આનંદ પ્રાપ્ત થાય છે. પૂર્ણ હૃદયથી અને અર્ધ હૃદયથી કરેલા કામમાં, ઉત્સાહપૂર્વક કરેલા અને વેઠરૂપ ગણીને કરેલા કામમાં, અને ઉલ્લાસથી કરેલા તથા બેદરકારીથી કરેલા કામમાં બહુ તફાવત હોય છે.

સહૃદયતા, આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી કામ કરનાર નોકરની ઉપયોગિતાની પ્રતીતિ પ્રત્યેક મેનેજર અને પ્રત્યેક શેઠને આપોઆપ થાય છે. તેનું કામ જોઈને તેને બહુ ઉત્સાહ મળે છે. આવા નોકરો ઉદ્યોગનું જે વાતાવરણ ફેલાવે છે તેની પ્રતીતિ શેઠને હમેશાં થાય છે. કયા નોકરો તેને સહાય કરવાનો પ્રયત્ન કરે છે તે તે જાણે છે અને જે નોકરો કામથી ડરે છે તથા તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે તેમને કદી તેમના પગાર કરતાં એક પાઈ પણ વિશેષ મળતી નથી. અન્ય પક્ષે કાળજી વિનાના, બેદરકાર, આળસુ નોકરો નિરાશા, વિલંબ, નિષ્કાળજી તથા નિરુત્સાહનું જે વાતાવરણ ફેલાવે છે તે પણ શેઠની જાણ બહાર રહેતું નથી. જેઓ ઉત્સાહપૂર્વક કામ કરે છે અને શેઠનું હિત સાધવાને પ્રયત્ન કરે છે તેમના તરફ તે આપોઆપ આકર્ષિત થાય છે અને જેઓ પોતાના શેઠના કામકાજનું શું થશે તેની દરકાર કરતા નથી તથા પોતાની જવાબદારી અને પોતાના કામથી બચવાનો પ્રયત્ન કરે છે તેમનું મોં પણ જોવું તેને ગમતું નથી.

કેટલાક મોચીઓ એવી સુઘડતા, મૃદુતા અને ઉત્તમતાથી જોડા પર થીગડું મારે છે અથવા એડી મૂકે છે કે તમને લાગે છે કે તેઓ ખરેખર કલાવિદ છે અને તેઓ અંત:કરણપૂર્વક કામ કરે છે; જ્યારે બીજા મોચીઓ એવી રીતે થીગડાં મારે છે કે જાણે તેઓ નિર્વાહને માટે જ તે કામ કરે છે અને તે કેવાં દેખાય છે તેની તેઓ દરકાર કરતા નથી. પહેલા વર્ગના મોચીઓ પોતે કામને ચાહતા હોવાથી કામ કરતા જણાય છે અને તે દ્વારા તેમને શું મળશે તેનો તેઓ વિચાર નહિ કરતાં શહેરના કોઈ પણ મોચી કરતાં વિશેષ સુઘડ કામ કરવાને આતુર હોય છે. હું કેટલાક એવા ટુંકાક્ષરી નોંધ લેનારાઓને ઓળખું છું કે જેઓ બહુ શુદ્ધિ અને આનંદપૂર્વક કામ કરે છે અને તેથી તેમના શેઠોને ખરેખરો આનંદ થાય છે. અને હું બીજા કેટલાક એવા ટુંકાક્ષરી નોંધ લેનારાઓને ઓળખું છું કે જેઓ બહુ અવ્યવસ્થા, નિષ્કાળજી અને બેદરકારીથી કામ કરે છે અને તેથી તેઓ હંમેશાં પોતાના શેઠોના મનમાં ચિંતા ઉપજાવે છે. પ્રથમ કોટિના માણસો તેમનાથી એકાદ ભૂલ થાય અથવા તેઓ પોતાના શેઠોને ચિંતા અથવા હાનિ ઉપજાવે ત્યારે જાણે કામ તેમનું પોતાનું હોય તેમ દુ:ખી થતા જણાય છે; જ્યારે બીજી કોટિના માણસો પોતાનાથી ભૂલ થાય તો તેની લેશ પણ ચિંતા કરતા જણાતા નથી.

હું કેટલાક એવા શિક્ષકોને ઓળખું છું કે જેઓ એક મહાન ચિત્રકાર ચિત્રાલેખન કરવાને જેવી રીતે પ્રવૃત્ત થાય તેવી રીતે શિક્ષણકાર્યનો આરંભ કરે છે – તેમનું સમગ્ર અંત:કરણ ઉપકાર કરવાની વૃત્તિ અને સહાનુભૂતિથી ઉછળી રહ્યું હોય છે અને તેઓ વિદ્યાર્થીઓને ખરેખરી મદદ કરવાને અતિ આતુર હોય છે. તેઓ પોતાની આસપાસ પ્રકાશ અને ઉપકારનું વાતાવરણ ફેલાવવાને પ્રયત્ન કરતા જણાય છે; શાળાનો ઓરડો તેમનો સ્ટુડિયો હોય એમ જણાય છે; તેઓ પોતાના કાર્યમાં પારંગત હોય છે; તેમનું સમગ્ર હૃદય તેમના કામમાં હોય છે; જ્યારે અન્ય શિક્ષકો એવા હોય છે કે જેમને પ્રાત:કાળમાં લાગે છે કે, શાળામાં જવું અને મૂર્ખ છોકરાંઓને શીખવવાનો પ્રયત્ન કરવો એ અતિ કંટાળાભરેલું કામ છે અને તે કરવાનું ન હોય તો સારું. તેમના શિક્ષણમાં ઉત્સાહ, ચૈતન્ય કે સહૃદયતા હોતી નથી. તેમના નિરુત્સાહની અસર વિદ્યાર્થીઓ પર થાય છે અને કોઈ પણ પ્રકારે જ્ઞાન મેળવવા માગતા એકાદ બે વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઈ પણ તેમના શિક્ષણમાં રસ લેતા નથી.

ધર્માચાર્યોની સ્થિતિ પણ આવી જ હોય છે. પ્રાત:કાળ થાય કે તરત જ પોતાના પ્રિય કામને હાથ ધરી શકાય એટલા માટે સંગેમરમરના ટુકડાને પોતાની પથારીની બાજુમાં રાખનાર માઈકેલ એન્જેલોની પેઠે કેટલાક ધર્માચાર્યો ઉપદેશ કરવાનું કાર્ય હાથમાં લે છે. તેઓ પોતાના કાર્યને એક મહાન હક્ક, એક શાશ્વત આનંદનું સાધન ગણે છે. તેઓ તેને એક કલાવિદની દષ્ટિથી કરે છે; જ્યારે ઈતર ધર્માચાર્યો પોતાના યજમાનોના કલ્યાણ વિષે બેદરકાર જણાય છે. તેઓ સંભવત: લખેલો ઉપદેશ વાંચી જવાનું કે લોકોમાં હરવા ફરવાનું પસંદ કરે છે; પરંતુ તેઓ મહાન ધર્માચાર્યોની પેઠે પરમ ઉત્સાહ અને ઉલ્લાસ, પરમ સહૃદયતા અને સહાય કરવાની કે ચૈતન્ય આપવાની વૃત્તિથી કામ કરતા નથી. આ કલાની દષ્ટિ, આ આત્માનો જુસ્સો, આ પરમ સહૃદયતા એક કલાવિદના કાર્યને એક વેઠીયાના કામથી જુદું પાડે છે.

‘હોડદ્વીપ’માં મારા પરિચયનો એક માણસ હતો. તેણે એક ચિત્રકાર પોતાનું શ્રેષ્ઠતમ ચિત્ર તૈયાર કરે તેવી વૃત્તિથી એક પાષાણની દિવાલ બાંધી હતી. તે પ્રત્યેક પાષાણને ફેરવી ફેરવીને તપાસતો; તેનો સારામાં સારો ઉપયોગ થઈ શકે એવી રીતે તેને ગોઠવવાનો પ્રયત્ન કરતો અને દિવાલ બંધાઈ રહે ત્યાર પછી તે પાંચ છ વાર દૂર ઊભો રહીને એક મહાન શિલ્પી પોતાના સંગેમરમરમાંથી બનાવેલા પૂતળાને જેટલા સંતોષથી જુએ તેટલા સંતોષથી તે તેને પ્રત્યેક ખૂણાથી જોતો. તે પોતાના ગોઠવેલા પ્રત્યેક પાષાણમાં પોતાનું ચારિત્ર્ય અને પોતાનો ઉત્સાહ પૂરતો. ગ્રીષ્મઋતુમાં હવા ખાવા માટે જતા શ્રીમંતો ઘણી વાર તે ખેડૂતને ત્યાં જતા; ત્યારે તે, કેટલી જાતના પાષાણોનો પોતે ઉપયોગ કર્યો છે; તેમનો સારામાં સારો ઉપયોગ થઈ શકે એવી રીતે તેણે તેમને કેમ ગોઠવ્યા છે અને સો વર્ષ સુધી ટકે એવી દિવાલ બાંધવામાં કેટલો શ્રમ પડે છે તે વિષે રસપૂર્વક વાત કરતો.

ટૂંકમાં, સુખી જીવનના સાધનોમાં એક સાધન કાર્ય અને વૈતરા વચ્ચેનો ફરક સમજવામાં પણ રહેલું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્ય વસંત – રાજુ મેઘા
ડાઉનલોડ – મૃગેશ શાહ Next »   

14 પ્રતિભાવો : સુખી જીવનનાં સાધન – અનુ. રત્નસિંહ પરમાર

 1. Chintan says:

  ખુબ સરસ વાત.
  ઘરનાં રોજબરોજના કર્મમાં જો કલાનુ તત્વ ઉમેરાઈ જાય તો તેવા ઘરમા એક પ્રકારની હકારાત્મક ઉર્જાનો અહેસાસ થયા વગર રહેતો નથી. જીવનનાં બીજા ક્ષેત્રોમાં પણ આ વાત એટલીજ સત્ય છે.
  આભાર મૃગેશભાઈ.

 2. જગત દવે says:

  માટે જ બાળકને નાનપણથી કલામાં ઋચિ લેતાં કરો.

  મને એક વિદેશીએ પ્રશ્ન કરેલોઃ ભારતનાં લોકોમાં કલા પ્રત્યે અપાર રુચિ જોવા મળે છે. તે પછી કલાનું કોઈ પણ ક્ષેત્ર હોય પરંતુ જાહેર સુઘડતા અને આયોજન બાબતમાં કેમ આટલી ઊદાસીન/આળસુ કેમ છે?

 3. ખુબ જ સુંદર અને સાચી વાત.

  કોઇ પણ કાર્ય જ્યારે હાથ પર લઇએ ત્યારે એટલી કાળજી પૂર્વક અને ઓતપ્રોત થઇ ને કરવું જોઇએ કે કરેલું કાર્ય દીપી ઉઠે.

  ઘરમાં કામ કરવામાં પણ “ટાઇમ મેનેજમેન્ટ”, “પ્રાયોરીટી મેનેજમેન્ટ” ની કળાની જરુર પડે છે, તો કામ સરળતાથી અને સારી રીતે કરી શકાય છે.

 4. OOOOHHHH–REALLY GREAT ONE –I AM SO SORRY THAT STILL I HAVE TO TYPE IN ENGLISH SO MUCH SLAVERY —BUT THIS IS ALSO LAZINESS –I HAVE GOT TIME FOR ALL BUT NOT FOR TYPING IN MY OWN LANGUAGE!!!!!!!!! —OR LET ME TELL SAY THAT I SERVED IN CENTRAL GOVERMENT FOR 30 YEARS IN WHICH THERE WAS NO BODY TO UNDERSTAND GUJARATI OR MARATHI —

  NOW MY KIDS ARE KNOWING ALL LANGUAGES BUT FOR ME TROUBLE IS TO UNDERSTAND ONLY IN ENGLISH –AS I AVOIDED IT FOR LONG TIME

  AND I WAS THINKING TIME MANAGEMENT IS ONLY IN WESTERN COUNTRIES –BUT AFTER READING THIS ARTICLE I UNDERSTOOD THAT WE ARE NOT BEHIND –AND THAT IS WHY I HAVE SEEN SOME PEOPLE WHO ARE HELPING IN ORGANIZING FUNCTIONS INMY CIRCLES DO THE GIVEN TASKS WITH
  SUCH A EXCELLENT WAY THAT WE HAVE TO SAY THAT THOSE PERSONS ARE MOST ESSENTIAL IN CARRYING OUT SUCH THINGS —VERY NICE ONE —

  SOMEHOW I UNDERSTOOD THIS CONCEPT BUT NOW IT IS TOO LATE AS NOW PEOPLE DO NOT ALLOW ME TO DO IT —AND SAYS NOW YOU TAKE REST —BUT IN MY MIND NOW I CONFESS THAT WITHOUT DOING ANY WORK IS ALSO A PUNISHMENT —STILL I SEE THE ONLY LADIES DOING DISH WASHING AND
  KITCHEN OR LAUNDRY WORK I AM ENERGETIC TO HELP BUT I AM GETTING REPLY THAT BABUJI PLEASE NOW TAKE REST –WE WILL DO EVERY THING ———–!!!!!!!!!!!!!!–WHAT TO DO?????????

 5. Balkrishna A. Shah says:

  સારો લેખ. કર્મ અને કલાનો સમન્વય થાય ત્યારે નિવડેલ ક્રુતિનું સર્જન થાય

 6. Harshad KAPADIA says:

  The article is great. There are people alway CRY BABY. They compain all the time. If they quit the present job and start the new job, still they will complain. They will not be happy with new job. One needs to learn, how to be happy, regardless of the present condition.

 7. Chirag says:

  If you love what you do – than you will never work another day in your life.

  Very true….

 8. Veena Dave. USA says:

  ખુબ સરસ લેખ્.

 9. Mitali says:

  My mom always used to tell us this thing when we were kids “alway enjoy whatever you do otherwise it’s not even worth doing it”. It is very true, I always try to enjoy anything that I do, I have learn that it makes it geting things done very easy, even a task which i don’t like to do, i get thru them w/o feeling bad about it.

  • rutvi says:

   મિતાલી ,
   હુ તમારી સાથે સહમત છુ., આજે જ્યારે મારા ફ્રી સમય મા મમ્મી ને રસોઇ શીખુ છુ ,ત્યારે મારી રોટલી – ભાખરી મમ્મી જેવી ના બને મારા મગજ મા chemistry, physics, biology , math — જેવા અઘરા વિષયો જલ્દીથી ઉતરી જાય પણ રોટલી- ભાખરી ના આવડે એટલે પછી કંટાળો આવવા માંડે, વ્યવસ્થિત થાય નહી , ત્યારે મમ્મી કહે કે તુ રોટલી બનાવતા પૂર્વે તેમા આનંદ થી રસ લે ,તો પછી જો તે કેવી થાય છે, જે કામ કરે તેમા રસ લઇશ તો તે કામ સારુ જ થશે …
   આભાર મ્રુગેશ ભાઇ
   રુત્વી

 10. Rajni Gohil says:

  આ લેખ વાંચીને ભગવદ ગીતાનો કર્મયોગ યાદ આવી ગયો. દાતણ (Brushing teeth) કરવાનું કામ પણ જો આપણે એવા ભાવથી કરીએ કે મારા મોંથી મારે ભગવાનનું નામ લેવાનું છે માટે હું એને સ્વચ્છ અને પવિત્ર કરું છું તો તે કાર્ય પણ કર્મયોગ બની જાય. દરેક કૃતિ કરવા પાછળનો ભાવ ઘણો જ મહત્વનો છે. નિસ્વાર્થભાવે કરેલી કૃતિની સૌરભ ચારે બાજુ પ્રસરે છે.

  આપણે પણ અહીં દર્શાવેલા સુંદર મઝાનાં સુખી બનવાનાં સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને આપણે તો સુખી થઇ શકીએ અને બીજાને પણ સુખી બનાવી શકીએ. સુંદર સંકલન બદલ આભાર.

 11. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Mhatma Gandhi once said it is the qualtiy of work that pleases God and not the quantity…

 12. Niraj Shah says:

  ખુબ જ સુંદર અને સાચી વાત.

  કોઇ પણ કાર્ય જ્યારે હાથ પર લઇએ ત્યારે એટલી કાળજી પૂર્વક અને ઓતપ્રોત થઇ ને કરવું જોઇએ કે કરેલું કાર્ય દીપી ઉઠે.

  ઘરમાં કામ કરવામાં પણ “ટાઇમ મેનેજમેન્ટ”, “પ્રાયોરીટી મેનેજમેન્ટ” ની કળાની જરુર પડે છે, તો કામ સરળતાથી અને સારી રીતે કરી શકાય છે.ખુબ સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.