કેટલીક બાળવાર્તાઓ – સંકલિત

[1] જીવનનું ધ્યેય – સાંકળચંદ પટેલ

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

Picture-102કોઈ એક ગામમાં અજરામ નામનો એક ભાટ રહેતો હતો. તે આળસુનો પીર હતો. ખાવુંપીવું અને ઊંઘવું એમાં એ આખો દિવસ પસાર કરતો હતો. એ સિવાય એને બીજું કાંઈ કામ નહોતું. એ મોટો થયો ત્યાં સુધી એના પિતાએ એનું પોષણ કર્યું. એના પિતાએ કામધંધો કરવા એને ઘણું સમજાવ્યો પરંતુ એ માન્યો નહિ. એ તો આળસુ જ રહ્યો. એના પિતાના મરણ પછી એની કફોડી સ્થિતિ થઈ. ઘરમાં જે ધન હતું તે બધું ખરચાઈ ગયું.

એક દિવસે એની પત્નીએ એને કહ્યું : ‘આમ આળસુ થઈને ક્યાં સુધી બેસી રહેશો ? ઘરનું બધું ધન ખાવાપીવામાં વપરાઈ ગયું છે. હવે શું ખાશો. ધ્યેય વગરનું જીવન નકામું છે. જીવનમાં કોઈ ને કોઈ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે. ગમે તે બાજુ તણાઈ જાય ! બધા લોકો પોતાના જીવન સાથે કંઈક લક્ષ્ય રાખીને જીવે છે. જ્યારે તમારે તો લક્ષ્ય જેવું કંઈ છે જ નહિ. હજુ કંઈ બગડી ગયું નથી. જીવનમાં કંઈક લક્ષ્ય રાખશો તો સુખી થશો.’

અજરામ આળસુ હતો તેથી જીવનમાં મોટું લક્ષ્ય તો તેનાથી પળાય એમ હતું જ નહિ. છતાં કંઈક લક્ષ્ય તો હોવું જ જોઈએ એવું તેને લાગવા માંડ્યું હતું અને પત્ની પણ આખો દિવસ દબાણ કર્યા કરતી હતી. જીવનમાં જેનાથી ઓછી મુસીબત પડે એવું લક્ષ્ય રાખવાનો અજરામે નિર્ણય કર્યો. પત્નીને બોલાવીને તેણે કહ્યું : ‘તારી ઈચ્છા હોવાથી આજથી મેં મારા જીવનનું ધ્યેય નક્કી કરી દીધું છે. આજથી હું આપણા પાડોશી ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ ખાઈશ. જ્યાં સુધી કાન નહિ પકડું ત્યાં સુધી ખાઈશ નહિ.’ અજરામની પત્નીને અજરામની આવી પ્રતિજ્ઞા સાંભળીને હસવું આવ્યું, પરંતુ તેણે મનમાં વિચારીને કહ્યું : ‘ભલે, જીવનમાં કશું ધ્યેય ન હોય એના કરતાં કંઈક પણ ધ્યેય હોય એ સારું છે.’

હવે દરરોજ સવારે અજરામ ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ જમે છે. આવી રીતે કેટલાક દિવસો પસાર થઈ ગયા. એક દિવસે વહેલી સવારે ઊઠીને ધનજી કુંભાર પોતાના ગધેડાને લઈને દૂર માટી લેવા માટે ચાલ્યો ગયો હતો. અજરામ ઊઠ્યો ત્યારે એને ખબર પડી કે ધનજી ગધેડાને લઈને માટી લેવા ચાલ્યો ગયો છે. આજે ધનજી મોડેથી ઘેર આવવાનો હતો તેથી અજરામ ગધેડાનો કાન પકડવા માટે ધનજી જ્યાં ગયો હતો ત્યાં ચાલી નીકળ્યો. ધનજી કુંભાર જ્યાં માટી ખોદતો હતો ત્યાંથી તેને માટી ખોદતાં ખોદતાં જમીનમાંથી સોનાનો ઘડો મળ્યો હતો. જમીનમાંથી ઘડો કાઢીને ધનજી ગધેડાની ગૂણમાં મૂકવા જાય છે ત્યાં અજરામ ભાટ આવી પહોંચ્યો. અજરામને જોઈને ધનજી ગભરાઈ ગયો.
અજરામે પૂછ્યું : ‘કેમ ધનજીભાઈ, આ ઘડો ક્યાંથી લાવ્યા ?’
ધનજી કુંભારે કહ્યું : ‘માટી ખોદતાં જમીનમાંથી ઘડો નીકળ્યો છે. એમાં સોનામહોરો છે. તમે રાજાને કહેશો નહિ, નહિ તો તેઓ ઘડો પડાવી લેશે. આપણે બંને જણા અડધી અડધી સોનામહોરો વહેંચી લઈશું.’ અજરામ તો ખુશ થઈ ગયો. બંને જણા અડધી અડધી સોનામહોરો લઈને ઘેર ગયા. અજરામને એના જીવનના ધ્યેયનું ફળ મળ્યું હતું. એ પછી અજરામ ભાટ પોતાના ધ્યેય પ્રમાણે વર્તીને આનંદથી રહેવા લાગ્યો.

[2] અભિમાની કાગડો – જગદીશ ધનેશ્વર ભટ્ટ

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

સમુદ્રકિનારે મોટું શહેર હતું. ત્યાંનો વેપાર મોટો હતો. ઘણી વસ્તુઓ પરદેશ વહાણોમાં જતી અને ઘણી વસ્તુઓ આવતી. મોટે ભાગે વેપારી પ્રજાનો વસવાટ. ખાધેપીધે સુખી. રોજ સારું મજાનું ભોજન આરોગે. આવા સુખી લોકોના વિસ્તારમાં એક મોટું ઝાડ. તેના પર પક્ષીઓનો વસવાટ. કાગડાઓનાં ટોળાં તો હોય જ. તેમને રોજ એઠું-અજીઠું ખાવાનું મળી રહે. તે ખાઈ ખાઈને કાગડાઓ તગડા થયેલા. તે પૈકી એક કાગડો પોતાને કાયમ મહાન સમજે. પોતાના જેવું કોઈ બીજું પંખી ઊડી ના શકે તેવો દંભ રાખે.

Picture 101એકવાર ઝાડ ઉપરથી વેગથી ઊડનારા હંસો પસાર થતા હતા. તેને જોઈને બીજા કાગડાઓએ પેલા દંભી કાગડાને કહ્યું : ‘તું પેલા હંસો કરતાં ઉત્તમ છે.’ કાગડો ફુલાઈને પેલા હંસો પાસે ગયો. શક્તિશાળી હંસ પાસે જઈને પોતાની સાથે ઊડવાની હોડ બકવા પડકારવા લાગ્યો.
હંસોએ કહ્યું : ‘પંખીઓમાં દૂર સુધી ઊડનાર તરીકે અમારી ગણતરી થાય છે. તું કાગડો થઈને અમને આહવાન આપે તેથી અમને નવાઈ લાગે છે.’
કાગડો કહે : ‘મને જાત જાતનું ઊડવાનું આવડે છે. હું સો-સો જોજન ઊડી શકું. તાકાતવાળો છું. ઊંચે, નીચે, ગોળ, આગળ, પાછળ, ત્રાંસુ, સીધું એવું જુદી જુદી જાતનું ઊડવાનું મને આવડે. હું તમારાથી ગભરાતો નથી. તમે મારાથી ગભરાઈ ગયા ખરું ને ? હિંમત હોય તો આવી જાઓ.’ આ સાંભળીને એક હંસથી રહેવાયું નહીં. તેણે કહ્યું : ‘કાગડાભાઈ ! અમને એક જ પ્રકારનું ઊડવાનું ફાવે.’ આમ સાંભળી બીજા કાગડાઓ હંસોની મશ્કરી કરી હસવા લાગ્યા. ‘ક્યાં કાગડો અને ક્યાં તમે !’

હંસે આહવાન સ્વીકાર્યું. હંસ અને પેલો કાગડો બંને ઊડવા લાગ્યા. કાગડો ઊડતો જાય અને જુદા જુદા પ્રકારની પોતાની ઊડવાની રીતો બતાવતો જાય. હંસ તો ધીમેથી એકધારું ઊડતો હતો અને હારી જવાનો દેખાવ કરવા લાગ્યો. તેમ તેમ કાગડો વધુ ફુલાઈ જવા લાગ્યો. છેવટે હંસે દરિયા ઉપર ઊડવાનું ચાલુ કર્યું. દરિયો તો અફાટ અને વિશાળ હતો. હંસે ઊડવાની ગતિ વધારી. કાગડો પણ ગતિ વધારવા પ્રયત્ન કરવા લાગ્યો. લાખો યોજન કાપવાની હંસની રોજની ટેવ અને ક્યાં બિચારો કાગડો ! કાગડાની ચાંચ પાણીને અડવા લાગી. વારંવાર પાણીના ઉછાળા તેને વાગવા માંડ્યા. તે થાકી ગયો. મરણનો ભય પેઠો. હંસ કાગડાને મરવા દેવા માગતો ન હતો. તેણે પૂછ્યું : ‘કાગડાભાઈ આ ક્યા પ્રકારની ઊડવાની પદ્ધતિ તમે અજમાવો છો ?’ કાગડો નરમઘેંશ જેવો થઈ ગયો. બોલ્યો, ‘હંસભાઈ ! મને ઉગારી લો, હું તો પામર છું. તમને સમજ્યો નહીં. માફ કરો અને બચાવો.’

હંસે કાગડાને પીઠ પર લીધો અને તેના ઝાડ ઉપર લાવીને ઉતાર્યો. પોતાની જાતને બીજાથી ચડિયાતી માનવાનું છોડવા સમજાવ્યો. કાગડો પગે પડ્યો. હવે હું કોઈની અવગણના નહીં કરું. મારા ખોટા અભિમાને મને ખોટા રસ્તે દોર્યો હતો. ખોટી બડાશ અને દંભ વિનાશને નોતરે છે.

[3] પાણીનો ચોર – અજ્ઞાત

(‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.)

Picture 100એક નાનું સરખું તળાવ હતું. તે પાણીથી ભરેલું હતું. તેમાં કમળ ખીલેલાં હતાં. એ તળાવમાં એક પરી રહે. નાની રૂપાળી પરી. ઉનાળાના દિવસો આવ્યા. ગરમી પડવા લાગી. પરી કહે : ‘લાવ, થોડા દિવસ ડુંગર પર જાઉં ને હવા ખાઈ આવું. અહીં ગરમી બહુ પડે છે.’ એ તો સડસડાટ કરતી ઊપડી. જઈને ઊભી રહી ડુંગરની ટોચ પર. હવા ખાઈને તે બે મહિને પાછી આવી. જુએ છે તો તળાવ સુકાઈ ગયું છે. કમળ વિલાઈ ગયાં છે. હંસ ઊડી ગયા છે.

પરી તો ખૂબ ખિજાઈ ગઈ. જે મળે તેને પૂછવા લાગી : ‘મારા તળાવનું પાણી કોણ પી ગયું ?’
ચકલી કહે : ‘મેં નથી પીધું.’
કાગડો કહે : ‘મેં પણ નથી પીધું.’
સમડી કહે : ‘પરીબહેન, અમારે તો પાણી પીવા માટે દૂર દૂર જવું પડે છે.’ પરીએ કૂતરાને પૂછ્યું અને બિલાડીને પૂછ્યું, કૂકડાને પૂછ્યું ને મોરને પૂછ્યું, ગાયને પૂછ્યું અને ભેંસને પૂછ્યું, બધાંને પૂછી જોયું. બધાં કહે : ‘પરીબહેન, અમે કોઈએ તમારા તળાવનું પાણી પીધું નથી.’ પરી ખૂબ નારાજ થઈ ગઈ. તેણે ઊંચે નજર કરી. આકાશમાં સૂરજદાદા હસતા હતા. તેણે સુરજદાદાને કહ્યું : ‘સુરજદાદા, તમે બધું જ જુઓ છો. કહો, મારા તળાવનું પાણી કોણ પી ગયું ? મારાં કમળને કોણે કરમાવ્યાં ? મારા હંસને કોણે ઉડાડી મૂક્યા ? દાદા, મારો ચોર શોધી આપો.’

સૂરજદાદા ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા : ‘બેટી, હું જ તારો ચોર છું. તળાવનાં પાણી મેલાં થયાં હતાં. તે પાણી મેં જ પીધાં છે. કમળને મેં જ કરમાવ્યાં છે. હંસને મેં જ ઉડાડ્યા છે.’ પરી રડતી રડતી કહેવા લાગી : ‘દાદા, લાવો મારાં પાણી. મારું તળાવ હતું તેવું કરી આપો.’
સૂરજદાદા કહે : ‘ભલે.’
જોતજોતામાં એ તો વાદળાંમાં છુપાઈ ગયા. પવન જોરથી વાવા લાગ્યો. વાદળાં ગાજવા લાગ્યા. વરસાદ જોસમાં પડવા લાગ્યો. થોડી વારમાં જ બધે પાણી પાણી થઈ ગયું. પરી તો ખુશ થતી તળાવને કાંઠે આવી. તેનું તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું. તે રાજી થઈને બોલી ઊઠી : ‘વાહ, સૂરજદાદા, વાહ ! તમે કેવા સારા છો ! તમે ગંદું પાણી પીધું ને ચોખ્ખું પાણી દીધું. તમે થોડું પાણી પીધું ને ઝાઝું પાણી દીધું. હવે મારાં કમળ ખીલશે. હવે મારા હંસ પાછા આવશે.’ આકાશમાં સૂરજદાદા હસી રહ્યા.

[4] જાદુઈ પતંગિયાંની પાંખો – પ્રણવ કારિયા

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

હિમાલય પર્વતની હરિયાળી ગોદમાં ગંગા નદીકિનારે કસબામાં ચારુલ નામની છોકરી તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. આ કસબામાંના આદિવાસી લોકો ખેતીવાડી અને નદીમાં માછલી પકડવાનું અને પશુ-પંખીનો શિકાર કરી ગુજરાન ચલાવતા. નાનાં છોકરાઓ ખેતીકામમાં મદદ કરતાં. ચારુલ અને બીજી છોકરીઓ ખેતીકામ અને ઘરકામમાં મદદ કરતી. આ કસબાની બાજુમાં ઘનઘોર જંગલ હતું. આ જંગલમાં હિંસક પ્રાણીઓનો પાર નહોતો. રાત પડે ત્યારે દાદાજી આંગણામાં તાપણું કરી જંગલની અજાયબ વાતો કરતાં ત્યારે ચારુલની આંખો વિસ્મયથી ફાટી-મોટી બની જતી !

Picture 099એક દિવસ ચારુલ ઘરના ઓટલે બેસી, વાંસની પટ્ટીમાંથી ટોપલી ગૂંથતી બેઠી હતી ત્યારે તેણીએ એક આસમાની (વાદળી) રંગની પાંખોવાળું પતંગિયું જોયું. સોનેરી સૂરજનાં કિરણો પતંગિયાની નીલી પાંખો પર નૃત્ય કરતાં હતાં તે ચારુલ એકીનજરે ક્યાંય સુધી જોતી રહી અને મનોમન બોલી ઊઠી : ‘ઓ પતંગિયા ! તું કેટલું બધું અદ્દભુત અને સુંદર છે ! તું અજબ દુનિયાનું ગજબ પંખીડું હોય એમ લાગે છે ! મને એમ થાય છે કે હું પણ તારા જેવું રૂપાળું પતંગિયું બની જાઉં તો કેવું સારું ?!’ પતંગિયું જાણે ચારુલનું મન પારખી ગયું હોય તેમ તેની સામે ઓટલા પર આવી બેસી ગયું. ચારુલે વાંસની અર્ધી ગૂંથેલી ટોપલી બાજુમાં મૂકી; એટલી વારમાં પતંગિયું ઊડીને સામે ફૂલ-ઝાડ પર બેસી ગયું. ચારુલ પતંગિયાને પકડવા ગઈ તો પતંગિયું એક ડાળી પરથી ઊડતું બીજી ઝાડની ડાળી પર અને ઊડતું ઊડતું જંગલમાં ગયું અને ચારુલ પણ ઘેલી બની, તેને પકડવા કૂદતી, હાથ ફેલાવતી જંગલમાં ક્યાંય દૂર સુધી નીકળી ગઈ ! અને પતંગિયું જંગલની ગીચ ઝાડીમાં અદશ્ય થઈ ગયું. ચારુલે એકાએક જોયું તો તે જંગલમાં ક્યાંય દૂર દૂર નીકળી ગઈ હતી. ઘર ભણી જવાની કેડી નહોતી અને ઊંચા ઝાડનાં પાંદડાંમાં સૂર્ય સંતાઈ ગયેલો. ચારુલ જંગલમાં ભૂલી પડી ગઈ !

‘ઓ બા ! ઓ બાપા !’ ચારુલે બૂમ પાડી પણ તેની બૂમ જંગલની સૂમસામ ઝાડીઓમાં કોઈનેય સંભળાઈ નહિ.
‘અરે !’ ચારુલ મનમાં ધીરેથી બોલી, ‘હવે ઘેર જવાનો રસ્તો કેમ મળશે ?’ ચારુલ ચિંતાતુર થઈ, જંગલમાં ભટકવા લાગી. એવામાં તેણીએ ‘ટક ટક’ એવો આવાજ સાંભળ્યો. જંગલમાં કોઈ કામ કરતું હોય એમ લાગે છે – એમ મનમાં વિચારી ચારુલે આમતેમ જોયું તો એક લક્કડખોદ પંખીને ઝાડની ડાળે બેઠેલું જોયું.
‘ઓ લક્કડખોદભાઈ ! જો તમે માનવી હોત તો મને ઘરનો રસ્તો જરૂર બતાવી શકતે !’ તેણીએ લક્કડખોદ પક્ષીને કહ્યું.
‘અરે એમાં માનવી થવાની શું જરૂર છે ?’ લક્કડખોદે કહ્યું, ‘હું જેવો છું તેવો પણ તમને ઘેર જવાનો રસ્તો બતાવી શકું તેમ છું !’ ચારુલ લક્ક્ડખોદ પક્ષીની માણસ જેવી વાત કરવાની રીતથી અચંબામાં પડી ગઈ અને કહ્યું, ‘મને ઘેર જવાનો રસ્તો તમે બતાવશો કે ?!’
‘તમે જુઓ ચારુલબેન ! હું કામ કરું છું !’ લક્કડખોદે કહ્યું, ‘તમે માણસ લોકો બહુ ઘમંડી અને દંભી છો અને અમે બધા તમારી સેવા કરવા અહીં બેઠા છીએ એવું ધારો છો ! પરંતુ લક્કડખોદ પણ માણસ જેવું જ પ્રાણી છે !’ એમ કહીને લક્કડખોદ આકાશમાં ઊડી ગયું ! ચારુલ મનમાં બોલી ઊઠી કે તેનો કોઈ અસભ્ય પ્રસ્તાવ નહોતો, ફક્ત તેને ઘરનો રસ્તો જાણીને ઘેર જવું હતું !

એવામાં ચારુલે જંગલમાં એક ઘાસની ઝૂંપડીમાં રેંટિયો કાંતતી ડોસીને જોઈ અને તે ત્યાં તુરંત દોડી ગઈ અને કહેવા લાગી : ‘ઓ દાદીમા ! તમને જોઈને મને આનંદ થયો. મને આ ગાઢ જંગલથી બહાર જવાનો રસ્તો કૃપા કરી બતાવશો કે ?’ ચારુલે ડોસીમાને જેવી આ વાત કરી એટલી વારમાં રેંટિયો કાંતતી ડોશી અને ઝૂંપડી આકાશમાં ક્યાં ગાયબ થઈ ગયા તે જ ચારુલને સમજાયું નહિ. થોડી વાર ચારુલ આમથી તેમ ભટકતી રહી. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. સાંજ પડી ગઈ હતી. સૂરજદાદા વાદળ નીચે સંતાઈ ગયા હતા. ચારુલ એક ઝાડ નીચે ઊભી હતી તેવામાં તેની પર ટપ ટપ પાકાં બોર-મીઠાં મધ જેવા પડ્યાં. ચારુલે અમૃત જેવાં બોર ખાધાં અને તેની ભૂખ મટી ગઈ…. અને… અને એક વાંદરાઓનું ટોળું ત્યાં આવી ચડ્યું. વાંદરાઓ જેવા ઝાડ પરથી કૂદીને નીચે પડ્યા કે તુરત માણસ બની ગયા અને ઝાડની છાલ તેમની કમર પર વીંટાળેલ હતી ! એક નાના વાંદરાએ ચારુલને પૂછ્યું, ‘અરે બહેન, આ જંગલમાં તું કેમ એકલી એકલી રખડ્યા કરે છે ?’
‘હું નીલી પાંખવાળું પતંગિયું પકડવા ગઈ તો તે જંગલમાં ક્યાં સંતાઈ ગયું તે જ ખબર ન પડી. અને હું રસ્તો ભૂલી ગઈ અને…. સવારથી અહીં ભટક્યા કરું છું !’ ચારુલે રડમસ અવાજે એ નાના વાંદરાને આપવીતી કહી સંભળાવી.

વાંદરાએ કહ્યું : ‘ઓ બેન, તું ગભરાઈશ નહિ. આજે અમારા રાજાનો જન્મદિવસ છે. તું અમારી સાથે મહેફિલમાં ચાલ. સવારે અમે તને હેમખેમ ઘેર પહોંચાડી દઈશું.’ સૌ વાંદરાઓ તેમના રાજાના જન્મદિવસે, નાચ-ગાન અને મિજબાનીમાં ખૂબ મજા કરવા લાગ્યા. જોરજોરથી નગારાં-વાજાં વગાડતાં, ખાતાં-પીતાં મોજ કરવા લાગ્યા. ચારુલને રાત્રે સપનું આવ્યું કે વાનરોનો રાજા તેને ખાઈ જવા આવ્યો છે એટલે ચારુલ ઝબકીને જાગી ગઈ અને હાથમાં મશાલ પકડી મહેફિલમાંથી બહાર ભાગી નીકળી. મશાલના પ્રકાશમાં ચારુલ ચાલતી ચાલતી થાકીને એક ઝાડ નીચે બેસી ગઈ અને રડવા જેવી થઈ ગઈ ! અને મનમાં ને મનમાં બોલી ઊઠી : ‘અરે, આ કેવું જંગલ છે ? કોઈ આરો નહિ, ઓવારો નહિ; બહાર જવાનો કોઈ સથવારો નહિ !’
‘શું ખરેખર જંગલ એવું છે ?!’ એક ઝીણો અવાજ ચારુલને કાને પડ્યો. ચારુલે આંખો ચોળતી ઊંચે જોયું તો…. નીલી પાંખોવાળું પતંગિયું જ ત્યાં મરક મરક હસતું ઊભું હતું !
ચારુલે કહ્યું : ‘ઓ દીદી ! અહીં જેવું દેખાય છે એવું કંઈ જ નથી ! તમે મને ઘેર જવાનો રસ્તો બતાવશો કે !’
‘ઓ વ્હાલી ચારુલ !’ નીલી પાંખવાળા પતંગિયાએ કહ્યું, ‘આ તો જંગલનો જાદુ છે. જંગલની રીતભાત છે.’
‘પણ મને જંગલનો જાદુ બિલકુલ સમજાતો નથી. હું મારે ઘેર કેવી રીતે અને ક્યારે પહોંચીશ ?’ ચારુલે પતંગિયાને પ્રેમથી પૂછ્યું.
‘ઓ ચારુલબેન ! તું મારી સાથે ઊડતી-કૂદતી ચાલ. હું તને આંખના પલકારામાં ઘેર પહોંચાડી દઈશ.’

રૂમઝૂમ કરતું ઊડતું પતંગિયું આગળ અને પાછળ ચારુલ જંગલમાં ચાલવા લાગ્યાં. સવારનો રતુમડો સૂરજ ઝાડની ડાળીમાંથી ડોકિયા કરતો હતો. ચાલતાં ચાલતાં રસ્તે ખળખળ વહેતી નદી આવી. ચારુલ વિચારવા લાગી કે જંગલમાં જ્યાં નદી નહોતી આવી અને વળતાં પુરપાટ દોડતી નદી ક્યાંથી આવી ગઈ ? એક પ્રશ્નાર્થભરી આંખે તેણે પતંગિયાને પૂછ્યું. પતંગિયાએ કહ્યું : ‘ઓ ચારુલ ! તું આંખો બંધ કરી દે !’ અને પતંગિયાએ મધુર સ્વરમાં ગીત ગુંજન શરૂ કર્યું ! અને ચારુલ શાંતિથી સાંભળવા લાગી !

નીલી નીલી પાંખો, ઝાકળબિન્દુ પીતાં,
ઓ ચારુલબેન ! તમે શાથી મુજથી બીતાં !
ચાલો આવો આજે, મારી સાથે રમવા !
નાજુક રૂપ ધરીને સૌને લાગશો ગમવા !!

ચારુલે પણ આ ગીત સ્મિત સાથે ગાયું અને…. અને ચારુલ પતંગિયું બનીને, નીલી પાંખવાળા પતંગિયા સાથે નદીની સપાટી પર ઊડતું ઊડતું સામે કાંઠે પહોંચી ગયું ! અને જેવો ધરતી પર પગ મૂક્યો કે તુરત જ તે પતંગિયામાંથી ચારુલ બની ગઈ અને પોતાના કસબાની સામે નીલી પતંગિયા સાથે ઊભી રહી ગઈ ! ‘ઓ ચારુલબેન ! આવજો…. હવે તમારા મનમાં હંમેશાં જંગલની મજા રહેશે…’ એમ કહી નીલી આંખોવાળું પતંગિયું જંગલમાં ચાલ્યું ગયું અને ચારુલ એ નીલી પાંખો હૃદયમાં લઈને ઘરમાં હેમખેમ આવીને મજા કરવા લાગી. (દક્ષિણ અમેરિકાની દંતકથા પરથી)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આકાશગંગા – સંકલિત
પરિવર્તન – વત્સલા સુનીલ મનીઆર Next »   

9 પ્રતિભાવો : કેટલીક બાળવાર્તાઓ – સંકલિત

 1. સુંદર બાળવાર્તાઓ

 2. Veena Dave.USA says:

  ૧.૨.૩. સરસ્.
  સવારમા સૂયૅનો આભાર માનવા આપણે પ્રણામ કરીએ છીએ .

 3. Ramesh Desai. USA says:

  ખુબ સરસ

 4. Chirag says:

  નાનો હતો ત્યારે કોઇ વાર્તા ની ચોપડિ માં કે પછી કોઇ પાસે થી સાંભળી હોય તેમ લાગ્યું. પણ મજા આવી ગઈ….

 5. Chandu says:

  અતિ અતિ અતિ સુંદર બાળ કથાઓ.. મારી જીંદગી માં પહેલી વખત વાંચી.

 6. nayan panchal says:

  પહેલી કથામાં મજા ન આવી. બાકીની દરેક સરસ. છેલ્લી કથા માણવા માટે પરકાયા પ્રવેશ જરૂરી. આજે રાત્રે સૂતા પહેલા ફરી એક વાર વાંચીશ.

  આભાર, મૃગેશભાઈ.
  નયન

 7. afzal says:

  nice stories ,but i am still waiting for arabian night stories, arbal birbal, panchtantra, some chakrams stories

  vikram vaital, etc

  plz also make some books of stories in pdf format so when we get time then we read it

 8. Sunil Bhatt says:

  Very Nice…………….

 9. Rachana says:

  સુંદર વાર્તાઓ….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.