અર્વાચીન અગસ્ત્ય (ભાગ-2) – સં. ભરત ના. ભટ્ટ

[આદરણીય લોકશિક્ષક અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ વિશે તેમના સમકાલીન મહાનુભાવો – જેવા કે સ્વામી આનંદ, કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર વગેરે એ લખેલા સુંદર લેખોનું તેમના પુત્ર શ્રી ભરતભાઈ ભટ્ટે સંપાદન કરીને તેને પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા છે. આ પુસ્તકમાં તેમના જીવનપ્રસંગો અને જીવનઝાંખીનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તકમાંથી અગાઉ આપણે એક પ્રકરણ માણ્યું હતું. આજે માણીએ કેટલાક અન્ય મહાનુભાવોએ લખેલા તેમના કેટલાંક જીવનપ્રસંગો.]

[1] જો હું અત્યારે જુવાન હોઉં તો – રતિલાલ અંધારિયા

નાનાભાઈ ભટ્ટના મૃત્યુ પહેલાં પાંચેક અઠવાડિયાં પહેલાંની આ વાત છે. ઘરઆંગણે ખુલ્લામાં ખુરશી નાખી રોજ સવારે નાનાભાઈ બેસે. અવારનવાર હું સવારના આ સમયની તક ઝડપી લઈ મળવા જતો અને અલકમલકની વાતો અમે કરતા. તે દિવસે વાતમાં ને વાતમાં મેં કહ્યું : ‘નાનાભાઈ, તમે આ ગામડાં ગામડાં કરો છો પણ ગામડાનું કામ તો ભારે અઘરું પડે એવું છે. આ જુઓ ને, હું માલધારી સહકારી મંડળીઓમાં હમણાં કામ કરું છું એમાં એક સાંધું ત્યાં તેર તૂટે છે. એમના માટે આટલું બધું કરવા છતાં અને એમને અનેક વાર સમજાવવા છતાં તેમનો ટૂંકો સ્વાર્થ અને ટૂંકી દષ્ટિ એવાં તો આડાં આવે છે કે મારા જેવા બેત્રણ પેઢી સુધી કામ કર્યા કરે તો પણ એમનામાં સામાજિક પરિવર્તન આવે કે કેમ તે શંકા છે. ખેડૂતોમાં કામ કરું છું ત્યાં પણ આપસઆપસના ઝઘડા અને ખટપટનો પાર નથી. આવો આ ગ્રામસમાજ સુધારવામાં તો પેઢીઓ નહીં પણ જુગ લાગશે એમ કોઈ વાર તો થઈ આવે છે.’

આ વાત સાંભળી તેઓના અંતરના ઊંડાણમાંથી એક ધીર-ગંભીર અવાજ મને સંભળાયો : ‘રતિભાઈ, જો હું અત્યારે તમારા જેવડો જુવાન હોત તો આ લોકભારતીના કેમ્પસને છોડીને ગામડાંની ગીચ વસ્તીમાં રહેવા ચાલ્યો જાત અને ગામડાંની કાયાપલટ કરવામાં સીધી રીતે ગૂંથાઈ જાત. વરસો ને પેઢીઓ લાગે તો શું ? આ એંસી વરસ જૂનું ખોખલું શરીર મારા મનનું કહ્યું કરતું નથી. નહીંતર તમને ગામડામાં કામ કરતાં કરતાં આવતી નિરાશા કેમ ખંખેરવી તે હું કરી બતાવત.’ તેમની પ્રેરણાદાયિની આવી અંતિમ ઈચ્છાએ મારા ક્ષુબ્ધ ચિત્તને શાંતિ આપી.

[2] વેરાયેલા મોતીમાંથી – આત્મારામ શર્મા

પૂ.નાનાભાઈ આંબલા લોકશાળાના સડક પરના મકાનમાં રહેતા હતા. હું પણ તેઓના મકાનની બાજુના મકાનમાં રહેતો હતો. તે વખતે અમે સવારના 4 વાગે જાગી જતા. નાનાભાઈ પ્રાર્થના, ધ્યાન ઈત્યાદિથી પરવારીને કાંતવા બેસે તે વખતે મારે શ્રીમદ ભાગવતના સંસ્કૃત શ્લોકોનું પારાયણ કરવું અને પછી તેઓ ગુજરાતીમાં લોકભાગવત લખાવે તે મારે લખવું અને પ્રસંગોની ચર્ચાઓ પણ છણાતી.

એક દિવસ હું તેઓના રૂમમાં પ્રવેશ કરું છું અને જોઉં છું તો નાનાભાઈ બારણાની પાછળ નજર કરીને તાલી પાડતા અને મોઢેથી ‘સીત…સીત…’ એમ બોલતા જોયા. મેં પૂછ્યું કે, ‘નાનાભાઈ, શું છે ?’ ત્યારે તેઓ કહે : ‘પેલો વીંછી જાય.’ એ વીંછી નાનાભાઈના પગે ડંખીને ભાગ્યો જતો હતો, એની ખબર તો મને પાછળથી પડી. મને આવેલો જાણીને કહે, ‘ચાલો, આપણે આપણું કામ શરૂ કરીએ. તેઓએ યરવડાચક્ર ખોલ્યું અને હંમેશની પેઠે કાંતવા બેસી ગયા. મેં ભાગવતની પોથીમાંથી પાનાં કાઢ્યાં અને શ્લોકો વાંચવાનું શરૂ કર્યું. મને યાદ છે કે ત્રણ શ્લોક પૂરા થતાં પ્રકરણ બદલાતું હતું, તેથી અટક્યો. અને તે અંગે વાત કરવા નાનાભાઈની સામે જોયું, તો મોઢા પર પરસેવો બાઝેલો જોયો, પણ તેઓ બિલકુલ સ્વસ્થતાથી મને ગુજરાતીમાં લખાવવા માંડ્યા. ત્રણેય શ્લોકનો સારાંશ લખાઈ ગયો. અને મેં આગળના શ્લોકો વાંચવા પાનાં ઉપાડ્યાં, પણ વચ્ચે જ મેં પૂછ્યું કે, ‘નાનાભાઈ, તમને આજે આટલો બધો પરસેવો કેમ વળ્યો છે ?’ તેઓ કહે (પગ બતાવીને) ‘અહીં વીંછી ડંખ્યો છે.’ મેં પૂછ્યું, ‘વીંછી ચડ્યો છે ?’ તો કહે, ‘હા.’ હું તરત જ પાનાં મૂકીને બહાર દોડ્યો, ગૌશાળાની જગ્યાએ. ત્યારે લોકશાળા હતી અને દવાઓ પણ ત્યાં જ રહેતી એટલે એક ભાઈને દવા લાવવા દોડાવ્યા અને હું નાનાભાઈ પાસે ગયો. તેઓ મને કહે, ‘ચાલો, આપણે આગળ ચલાવો.’

મારા મનમાં ડંખેલા વીંછીને સીત સીત કરીને ચાલ્યા જવા દેવાની નાનાભાઈમાં અહિંસા કે જીવદયા કે પછી ‘प्रकृति यान्ति भूतानि’ નો ભાવ જાગ્યો. તેઓ અસ્વસ્થ હશે તેમ માનીને મેં બંધ રાખવા કહ્યું. ત્યારે કહે, ‘આપણે આપણું કામ ચાલુ કરો. એટલે તેમાં મન રહેશે, વેદના ભુલાઈ જશે.’ તેઓના આગ્રહથી મેં વાંચવાનું શરૂ કર્યું. પહેલાંની જ પેઠે અમે તે ઉપર થોડી ચર્ચા પણ કરી અને તેઓ મને લખાવવા માંડ્યા. થોડી વારે દવા આવી. તેઓએ પગ લંબાવ્યો. દવા મુકાઈ ગઈ. એટલે કહે ‘પત્યું ?’ અને બીજી જ પળે અમારું લખવાનું ચાલ્યું. ન પ્રાસ તૂટ્યો, ન દુ:ખની લાગણી તેઓના અવાજમાં દેખાઈ કે ન વિક્ષેપ આવ્યો. લખવાનું પૂરું કર્યું એટલે મેં પૂછ્યું : ‘નાનાભાઈ, વીંછીની પીડામાં આપ સ્વસ્થતા જાળવી શકો છો. એ કેવી રીતે મનને ગોઠવો છો ? તેઓએ કહ્યું : ‘આ ગુરુપ્રસાદી છે. યોગના અભ્યાસથી આમ થઈ શકે. શરીરના એ ભાગમાંથી મનને ખેંચી લઈએ એટલે પગની વેદનાનો સંદેશો મગજને પહોંચે જ નહીં. તમે જુઓ છો ને કે આપણા કામમાં જરાય ડખલ નથી પડી. આનો ચીવટથી અભ્યાસ કરીએ એટલે તે કળા હાથમાં આવી જાય.’

આ પછી ચલાળામાં હીરજી મિસ્ત્રીની મેડી પરથી નાનાભાઈ પડી ગયેલા અને પીઠના હાડકાંમાં સખર માર પડેલો. ડોળીમાં નાખી મોટરમાં ચલાળાથી અમરેલી, ત્યાંથી લાઠી થઈને ભાવનગર પહોંચાડેલા. રસ્તામાં તેઓએ હડદોલા સહન કરવામાં, અને ઘરે ગયા પછી વેદના સહન કરવામાં યોગવિદ્યાનો જ સહારો લીધેલો. પગનું હાડકું ખસી ગયા પછીયે એ જ રીતે તેઓ શરીરથી અળગા થઈ શકતા હતા. એક વર્ષ તો હું તેઓની નજીકમાં રહ્યો હતો ત્યારે હસતાંફરતાં તેઓ આવી ઘણીયે વાતો (પોતાના અનુભવની સરાણે ચડાવેલી) મને કહેતા. નાનાભાઈના જીવનમાં આવાં તો ઘણાંયે મોતી વેરાયેલાં છે. મને અમૂલ્ય મોતી લાધ્યું. તેમાંનો આ નાનકડો પ્રસંગ વિનમ્ર ભાવે અહીં રજૂ કર્યો છે.

[3] વિદ્યાર્થીઓના નાનાભાઈ – યોગેન્દ્ર વિ. ભટ્ટ

ત્યારે એક છાત્રાલયમાં મદદનીશ ગૃહપતિ તરીકે હું કામ કરતો હતો. એક વાર રાત્રે નાનાભાઈએ મને અચાનક ઘરે બોલાવ્યો. મને જરા નવાઈ તો લાગી પણ તરત ગયો. વાત આમ બનેલી. છાત્રાલયના એક વિદ્યાર્થીને રસોડે વેળાસર જાણ નહીં કરવાથી રાત્રે દૂધ નહીં મળી શકેલું. પોતાને દૂધ નહીં મળ્યાની ફરિયાદ કરવા બીજા કોઈને મળ્યા સિવાય તે સીધો નાનાભાઈ પાસે ગયો ! નાનાભાઈ તેને સાંભળવા તૈયાર થયા. પણ નાનાભાઈ સાથે તે એવી રીતે વાત કરવા લાગ્યો કે નાનાભાઈએ તેને અટકાવ્યો. વિદ્યાર્થીને તેમણે કહ્યું કે, ‘હું તમારી સાથે હવે કશી જ વાત કરવા નથી માગતો. તમે જો મારી સાથે આવી ઉદ્ધતાઈથી વાત કરો છો તો રસોડાના વ્યવસ્થાપક સાથે તો તમે કોણ જાણે કેવી રીતે વાતો કરી હશે ! જાઓ. હવે હું એક શબ્દ પણ બોલવા કે સાંભળવા તૈયાર નથી.’

આટલી વાત કર્યા પછી નાનાભાઈ મને કહે, ‘તને તો એટલા માટે બોલાવ્યો છે કે એ વિદ્યાર્થીને આપણે ભૂખ્યો કે દૂધ વગરનો નથી રાખવો. તું એને જે કાંઈ ખાવું-પીવું હોય તેની વ્યવસ્થા કરી આપ. તેની રીતભાત મને બિલકુલ ન ગમી એથી મેં અહીંથી તો એને રવાના જ કર્યો છે પણ હવે તેને ખવરાવવા-પિવરાવવા માટે જે કરવું ઘટે તે કરજે. એ આજ ભૂખ્યો તો ન સૂવો જોઈએ. રીતભાત માટે એને જે સમજાવવું ઘટે તે સમજાવજે.’ પાછળથી તપાસ કરી ત્યારે જાણ થઈ કે રસોડે પણ વિવેકથી ન વર્તવાને કારણે જ તે વિદ્યાર્થીને મુશ્કેલી ઊભી થઈ હતી. વિદ્યાર્થીને સમજાવીને બધી વાત કરી ત્યારે તેને પણ નવાઈ લાગી. જેમણે તેને સાંભળવાની પણ ના પાડી હતી એ જ પાછા તેની આવી કાળજી ને ચિંતા રાખે છે એ સુખદ હકીકતે તેને ઢીલો કરેલો.

[4] હિમાલય – જ્યોતિભાઈ દેસાઈ

નાનાભાઈના જીવનનું છેલ્લું વર્ષ. ઘસાતા જતા હતા. તે વાતની જાણ થયે મળવા આવનાર વધતા રહ્યા. ભાવનગરના મહારાજા સાહેબ ખાસ મળવા આવ્યા. હું હાજર. નાનાભાઈ કહે, ‘જ્યોતિભાઈ, આપણા મહારાજા સાહેબને ગૌશાળામાં રસ ઘણો છે. તેમને તે બતાવો.’ બધું બતાવ્યું. મહારાજા સાહેબે રસપૂર્વક ખાસ્સો એક કલાક ગૌશાળામાં ગાળ્યો અને પાછા અમે સૌ નાનાભાઈ પાસે આવ્યા.

મહારાજા સાહેબને મનમાં કાંઈક વિશેષ કરવાનું હતું. નાનાભાઈની કોઈક ઈચ્છા હોય તો મારે તે પૂરી કરવી જોઈએ તેવી તેમની કલ્પના હતી. તેઓ એમ સમજ્યા કે નાનાભાઈને ગૌશાળા માટે કાંઈક દાન આપીએ તો તેમની ઈચ્છા પૂર્ણ થશે. તેથી તેમણે નાનાભાઈને કહ્યું : ‘નાનાભાઈ, આપની જે ઈચ્છા હોય તે કહો. મારે તે પૂરી કરવી છે. મારો એ ધર્મ હું માનું છું. હું ખાસ તમને આથી જ મળવા આવ્યો છું. કહો, ગૌશાળાનું કાંઈ વિશેષ કરવાનું છે ?’

ઘડીક મહારાજા સાહેબ સમક્ષ જોયું. અમારા સૌના ઉપર નજર ફેરવી. શાંત સ્થિર અવાજ આવ્યો. એનું વર્ણન કેવી રીતે કરું ?
‘મહારાજા સાહેબ, હું ગરીબ બ્રાહ્મણનો પુત્ર. આપના રાજ્યમાં જિંદગી આખી ગાળી સુખી થયો છું. એ….ઈને આટલી લીલી વાડીઓ થઈ….(આંખમાંથી આંસુઓ વહેવા માંડ્યાં) મૂળશંકર અને મનુભાઈ જેવા ધીકતા કમાતા દીકરા પ્રાપ્ત થયા ! આથી વધુ શું મળે તેમ ઈચ્છું ? (પવિત્ર જળની ધારા વહે જાય, સૌની આંખ ભીની થાય પણ હજી બાકી હતું !) આપના રાજ્યમાં મારા જેવા એક્કેએક ગરીબને આવું સુખ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપો મહારાજ !’ નાનાભાઈની વાત પર મહારાજા સાહેબ પણ શી રીતે આંસુ વહાવવાનું રોકી શકે. કોણ પાવન ન થાય ?
આ નાનાભાઈ !
ગમે તેટલા ઘાવ કરો ને ! અડગ ! નર્યો પથ્થર ! ભાવનગરના કે દુનિયાના મહારાજા નાનાભાઈને શું આપી શકે ?

[5] સ્વમાની વૃત્તિ – ‘સાધના’માંથી અનુદિત

મુંબઈમાં ભણતા તે વેળા તેઓ એક શેઠની પેઢીમાં રહેતા અને તેમને ઘેર જમવા જતા. એક દહાડો તેમના ભાણમાં શાક પિરસાયેલું શેઠાણીએ જોયું. તુરત તેઓ તપી ઊઠતાં, ‘આટલું બધું શાક પિરસાય ? પછી શેઠને માટે રહેતું નથી !’ નાનાભાઈને એથી ખૂબ જ માઠું લાગ્યું, પણ ભણવું હતું તેથી જમ્યા વિના છૂટકો નહોતો. છતાં જ્યાં સુધી ત્યાં રહ્યાં ત્યાં સુધી મીઠામાં દાબીને રોટલી ખાધા સિવાય બીજું કશુંય ખાધું નહિ. વર્ષો પછી એ જ શેઠને ત્યાં તેઓ બાળકોને ભણાવવા જતા. જ્યારે એ બદલ શેઠાણીએ રૂ. 150 તેમને આપવા માંડ્યા ત્યારે નમ્રતાપૂર્વક તેનો અસ્વીકાર કરી કહ્યું : ‘તમે મારા નબળા દિવસોમાં મુંબઈમાં મને આશરો આપ્યો છે એટલે આ રકમ હું લેવાનો નથી.’ અને શબ્દો પણ તેમણે શુદ્ધ ભાવનાથી જ ઉચ્ચારેલા, કેવળ દેખાવ ખાતર નહિ. કૉલેજમાં ભણતા ત્યારે તેઓ કાયમ એક જોડી કપડાંથી ચલાવતા, પરંતુ સારાં પુસ્તકો દામ ખર્ચીને પણ અવશ્ય ખરીદતા.

[6] ન મમ – મૃદુલા પ્ર. મહેતા

ભાવનગરમાં દક્ષિણામૂર્તિનાં મકાનોની શરૂઆત કરી તે પહેલાં કૂવો બાંધવાનો હતો. તે માટે તળાજાથી એક પાણીકળાને બોલાવ્યો હતો. તે કિસ્સો ‘ઘડતર અને ચણતર’માં પૂ. નાનાભાઈએ નોંધ્યો છે. તે કિસ્સાનો માર્મિક ભાગ અહીં ઉતારું છું.

‘પાણીકળો જતાં-આવતાંનું ભાડું પણ લીધા વગર આવ્યો હતો, તે જ રીતે પગે ચાલીને તળાજા પહોંચી ગયો. જ્યાં પાણીકળાએ ખીલી મારી હતી ત્યાં કૂવો ખોદવાનું શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં પાણી નીકળ્યું. પાણી ચાખી જોયું તો મીઠું લાગ્યું એટલે પાણીકળાને બોલાવ્યો. તેણે નાળિયેર સાકર વગેરે મંગાવીને ત્યાં વધેર્યાં, અમને પ્રસાદી આપી અને સવા રૂપિયો અમારી પાસેથી માગીને હરિજનોને વહેંચવા માટે અમને પાછો આપ્યો. પાણીકળાને પાણી નીકળ્યું તેની ખુશાલીમાં કાંઈક આપવાની અમે ઘણી મહેનત કરી, પણ તેણે તો કંઈ પણ લેવાની મુદ્દલ ના પાડી. તે કહે, ભાઈ ! જે દહાડે પાણી કળવા માટે હું કાંઈ પણ સામા પાસેથી લઉં તે દહાડે આ મારી વિદ્યા વહી જાય એમ મારા ગુરુએ મને કહ્યું છે. લોકોને કૂવા જોઈ આપવા એ તો પરોપકારનું જ કામ છે અને આ વિદ્યા તો મને મારા ગુરુએ આપેલી વિદ્યા છે; મારા પોતાનામાં કાંઈ શક્તિ નથી. એટલું કહીને પહેલા વખતની માફક આજે પણ તે કશુંય લીધા વગર પગપાળો ચાલીને પાછો તળાજા પહોંચી ગયો.’

આ પ્રસંગ અંગે ટિપ્પણ કરતાં નાનાભાઈ લખે છે, ‘આ પાણીકળાએ મને વિચાર કરતો કરી મૂક્યો. આ પાણીકળાની વિદ્યા સાચી કે મારી વિદ્યા સાચી ? આ પાણીકળો સાચો ત્યાગમૂર્તિ કે કૉલેજ છોડીને કીર્તિ ખાટનારો હું સાચો ત્યાગમૂર્તિ ? હજી આજેય આટલાં વર્ષો પછી પણ આ પાણીકળા આગળ મસ્તક નમે છે, અને આપણા દેશનાં ભલાંભોળાં સાદાં ગ્રામવાસીઓ પાસે ગુરુગમની જે ચાવી હતી તે ચાવી આપણે ગુમાવી બેઠા છીએ એ વાતની ભોંઠપ પણ મને આવે છે.’

[કુલ પાન : 444. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘડપણ કોણે મોકલ્યું ? – નરસિંહ મહેતા
મોરારિબાપુની શિક્ષણસંહિતા – સં. રામેશ્વરદાસ હરિયાણી Next »   

5 પ્રતિભાવો : અર્વાચીન અગસ્ત્ય (ભાગ-2) – સં. ભરત ના. ભટ્ટ

 1. bhinde says:

  આ પાણીકળા ની વાર્તા માટે આ ચોપડી જરુર થી ખરિદિશ.

 2. Veena Dave. USA says:

  આજે તો બે અમૂલ્ય લેખ વાંચવા મળ્યા. મઝા જ મઝા થઈ ગઈ.
  મારા વતન ભાવનગરને અને તેના મહાન વ્યક્તિઓને મારા શત શત વંદન.

 3. nayan panchal says:

  દરેકે દરેક પ્રસંગમાંથી આપણે પણ કંઈક ગ્રહણ કરી શકીએ એમ છે. મને બીજો પ્રસંગ સવિશેષ ગમ્યો.

  વ્હાલા વાચકો, તમને વિનંતી કે આવા લેખો પર પણ અભિપ્રાયો આપો તો મૃગેશભાઈને આવા લેખો આપવાનો ઉત્સાહ રહે.

  આભાર,
  નયન

  • Bhavesh Jani says:

   બરાબર વાત તમારિ નયનભાઇ,

   બિજો પ્રસં મરા દાદા મને કહેતા. તેઓ નાનાભાઈ ને સાથે ભાવનગરમાં દક્ષિણામૂર્તિમાં હતા. We are indebted to Shree Nanabhai for the pionerring work in the educaiton field. The concept of Homeschooling was initiated by him. I appreciate Bharatbhai for gathering information about his noble father.

   Not only as a native Bhavnagari, but as a common citizen, my all respect to persons like Nanabhai, who had foresight and vision.

   Thanks,
   Bhavesh Jani

 4. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Thanks for sharing such a brilliant incidences.

  My uncle Shri Ashwinbhai Bhatt who retired from Shamaldas being an English professor has told me his interacts with Nanabhai many times when I was a student in Bhavnagar.

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.