- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

મોરારિબાપુની શિક્ષણસંહિતા – સં. રામેશ્વરદાસ હરિયાણી

[ પૂ.બાપુનાં વિધવિધ સ્થળે યોજાયેલાં વિશદ પ્રવચનોમાંથી શિક્ષણવિષયક વિચારોને અલગ તારવીને આદરણીય શ્રી રામેશ્વરદાસજીએ તાજેતરમાં આ ‘મોરારિબાપુની શિક્ષણસંહિતા’નામનું પુસ્તક તૈયાર કર્યું છે. શ્રી ભાગવત વિદ્યાપીઠ સંસ્થામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્રી રામેશ્વરદાસજી (સાણંદ, અમદાવાદ) હાલમાં કથાકાર તેમજ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426557959 અથવા આ સરનામે rameshwarhariyani@yahoo.in સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

॥ श्रीरामचन्द्रं शरणं प्रपद्ये ॥
॥ श्रीरामदूतं शरणं प्रपद्ये ॥

આ સાત્વિક સંમેલનના મંચ પર વિરાજમાન પૂજ્ય સીતારામબાપુ, આદરણીય દિલીપસિંહભાઈ, અન્ય સૌ વડીલો તેમજ આપ સૌ ભાઈબહેનો…..

શિક્ષકોની સાથે બેસવાનું હોય અને બોલવાનું હોય ત્યારે મને 1965-66નો સમય યાદ આવે જ્યારે હું શિક્ષક તરીકે જોડાયો અને આવા શિક્ષકો સાથે બેસવાનું આવે ત્યારે હું વારંવાર દોહરાવ્યા કરું છું કે,
वोही मुझे फ़िर याद आने लगे हैं
जिसे भुलने में जमाने लगे है
वो पास बैठे हैं फ़िर भी
हमें वो याद आने लगे हैं
મેં ઘણી વખત કહ્યું છે કે એક પ્રાથમિક શિક્ષક તરીકે હું રહ્યો છું અને પ્રાથમિક જ કામ કરું છું. પ્રાથમિક શાળા સાત ધોરણની હોય એમ હું રામાયણ પણ સાતકાંડનું ભણાવું છું, એટલે મારી આ કથા મારું પ્રાથમિક શિક્ષણ જ છે. એટલે આપ સૌ મને ગમો છો અને અહીં આવો છો એટલે આનંદ થાય છે.

શિક્ષક માટે ઘણું કહેવાયું અને કહેવાનું રહેશે, પણ જર્મની અને ઈંગ્લૅન્ડ જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં લડ્યા અને પછી જર્મનીનો સેનાપતિ પોતે પ્લેન લઈ જાતે લડવા ગયો ત્યારે એનું પ્લેન તોડી નાખવામાં આવ્યું. જર્મન સેનાપતિ યુદ્ધકેદી તરીકે પકડાયો એ પછી યુદ્ધના અને માનવતાના નિયમો પ્રમાણે બ્રિટનનો સરસેનાપતિ જર્મન સેનાપતિને મળવા જાય અને એના ખબરઅંતર પૂછે છે કે આપ તો મારા યુદ્ધકેદી છો, પણ માનવતાના નાતે હું આપની શું મદદ કરી શકું ? ત્યારે જર્મન સેનાપતિએ કહ્યું કે હું તમારો યુદ્ધકેદી છું અને તમે મને મદદ કરવા માંગતા હો તો મારી વિનંતી છે કે ડૉક્ટરના કહેવા પ્રમાણે મારો જમણો પગ જર્મની મોકલી આપશો. બ્રિટનના સરસેનાપતિએ કહ્યું કે ભલે, હું વ્યવસ્થા કરીશ. બેત્રણ દિવસ પછી બ્રિટિશ સરસેનાપતિ ખબર પૂછવા ગયા. એટલે જર્મન સેનાપતિએ કહ્યું કે ડૉક્ટરોએ ડાબો પગ કાપવો પડશે એવું પણ નિદાન કર્યું છે તો મારો ડાબો પગ પણ જર્મની મોકલી આપશો. વળી ત્રણ દિવસ પછી બ્રિટિશ સરસેનાપતિ જર્મન સેનાપતિને મળવા ગયા ત્યારે એણે કહ્યું કે ડૉક્ટરના કહેવા મુજબ મારો જમણો હાથ પણ કાપવો પડશે અને એમ થાય તો એ હાથ પણ મારા દેશમાં મોકલી આપશો. એટલે બ્રિટિશ સરસેનાપતિએ હસતાં હસતાં મજાક કરી કે આમ કટકે કટકે છટકી જવા તો નથી માગતા ને ? આ દષ્ટાંત આપી હું એટલું કહેવા માગું છું કે જર્મન સેનાપતિ કદાચ કટકે કટકે છટકી શકે, પણ મારા દેશનો શિક્ષક કોઈ દિવસ કટકે કટકે છટકી ન શકે, એ જે પણ ક્ષેત્રમાં હોય ત્યાં આખો ને આખો ઊતરે અને પાછો નીકળે અને આખો ને આખો નીકળી જાય એ જ સાચો શિક્ષક.

બીજાં ઘણાં ક્ષેત્રો એવાં છે, ખાસ કરીને રાજકીય ક્ષેત્રો – જેમાં માણસો આખેઆખા ઊતરતાય નથી અને એમાંથી નીકળે ત્યારે આખેઆખા નીકળતાય નથી. ઊંબાડિયાં મૂકીને નીકળે છે કે મારા પછી આવનારો શાંતિથી બેસી ન શકે. આજે સમાજમાં શિક્ષકનો મહિમા બધા જ કરે છે, પણ એ મહિમાને આપણે કેટલા યોગ્ય છીએ એ વિચારણા માંગી લે એવો પ્રશ્ન છે. હમણાં યોજાયેલી શિક્ષકોની ત્રણ દિવસની શિબિરમાં મેં જોયું છે અને આવા શિક્ષકોને અને આવો મહિમા ગાનારને મનોમન વંદન કર્યાં છે.

ઉત્તરપ્રદેશની સીમા પર આપણા એક વખતના પ્રધાનમંત્રી ચન્દ્રશેખરનું ગામ; ત્યાં હું ગયો ત્યારે ખાદી પહેરેલો એક શિક્ષક મને મળવા આવ્યો. મને એનામાં રસ પડ્યો. એણે મને એક અગત્યની વાત કરી કે હું વહેલો નિવૃત્ત થઈ ગયો એટલે હવે એક જ કામ કરું છું કે જ્યારે હું શિક્ષક હતો તે વખતના મારા જેટલા વિદ્યાર્થીઓ હતા એ સૌનાં ઘેર જઈને રોજ એક કલાક ભણાવું છું. વિદ્યાર્થીઓનાં મા-બાપ પાસે જઈને હું ભિક્ષા માગું છું કે તમારું બાળક મને એક કલાક આપો. મારે એને ભણાવવું છે. આજે આવા શિક્ષકો નથી એમ નહીં પણ બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળે છે. જેમ રડતા બાળકને જોઈ મા દોડતી એની પાસે પહોંચી જાય એમ શિક્ષણ વિના તરફડતા વિદ્યાર્થીને જોઈ શિક્ષક એની પાસે દોડી જવો જોઈએ. ઉપનિષદના ઋષિઓએ આવી રીતે જ બાળકોને ભણાવ્યાં છે. રાજાઓ તો પછી પોતાની જિજ્ઞાસા લઈને શીખવા ગયેલા. કઠોપનિષદનો નચિકેતા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

શિક્ષક પ્રવૃત્ત હોય કે નિવૃત્ત, પણ આપણે તો આપણી રીતે આપણા ક્ષેત્રમાં રહીશું તો શિક્ષણના મહિમાને જીવંત રાખી શકીશું. હમણાં અમદાવાદમાં હું કથા કરતો હતો ત્યારે મારી સામે એક પ્રશ્ન આવ્યો કે આટલી બધી કથાઓ થાય છે, આટલું મોટું આયોજન થાય છે, પણ લોકો જ્યાં છે ત્યાંના ત્યાં જ છે; કોઈ ફેર કેમ પડતો નથી ? ત્યારે મેં બહુ સ્પષ્ટ જવાબ આપ્યો કે લોકો જ્યાં છે ત્યાં જ રહ્યા છે. મારી કથાથી એ લોકોને મેં હેઠે તો નથી પડવા દીધા ને ? ભલે ઊંચે તો ન લઈ જઈ શક્યા, પણ જ્યાં છે ત્યાં કમ સે કમ ટકાવી તો રાખ્યા ને ! એમ શિક્ષકો શિક્ષણને ઊર્ધ્વગામી બનાવશે તો જ શિક્ષક અને શિક્ષણ બન્નેનો મહિમા ટકાવી શકાશે. ગામડાના ખેતરમાં કૂવો કરી પાણીનો પંપ કે મશીન મૂકીએ ત્યારે એ પંપમાં કેરોસીન કે ડીઝલ ન ચાલે પણ ક્રૂડ જ ચાલે. સમયાન્તરે સારો પાક થાય અને આપણે સગવડવાળા થઈએ પછી ટ્રૅકટર લઈએ તો એમાં ક્રૂડ ન ચાલે, પણ ડીઝલ કે જે જે વપરાતું હોય એ જ ચાલે. વળી પાછી ખેતી સારી થાય અને આપણે સધ્ધર થવા માંડીએ અને મારુતિ લઈએ તો એના માટે પેટ્રોલ જોઈએ. હું તો ઈચ્છું કે મારા બધા જ માસ્તરો પાસે મારુતિકાર હોય; કારણ કે હવે પગાર પણ બહુ સારા થયા છે. પણ હું ઈચ્છું કે મારો શિક્ષક સમૃદ્ધ નહીં પણ ભીતરથી પણ સમ્પદાવાન હોય એટલે એ વધારે સમૃદ્ધ થાય. ભૌતિક સમૃદ્ધિનો વિશ્વાસ ન કરાય પણ ભીતરની સંપદા કાયમ માટે વિશ્વસનીય બની શકે. અને એમ કરતાં કરતાં એ વ્યક્તિ હવાઈ જહાજ ઉડાવે એમાં પેલી મારુતિવાળું પેટ્રોલ ન ચાલે. એમાં તો સ્પેશ્યિલ ફ્યુઅલ આવે છે એ જ હવાઈ જહાજને ઉડાવી શકે. અને એમ કરતાં કરતાં રૉકેટ છોડવામાં આવે તો એમાં એરોપ્લેનવાળું ફ્યુઅલ ન ચાલે. એમાં તો હાઈડ્રોજનને લિક્વિડ કરીને જ બળતણ બનાવવું પડશે. ટૂંકમાં એટલું જ કહેવાનું કે જ્યાં ક્રૂડની જરૂર હોય ત્યાં ક્રૂડ, ડીઝલની જરૂર હોય ત્યાં ડીઝલ અને કોઈની પાત્રતા પેટ્રોલની હોય ત્યાં પેટ્રોલ…. આ રીતે કાર્ય થતું રહે તો એ કાર્યનો મહિમા વધતો હોય છે. આપણે તો શિક્ષકોના કર્તવ્યનો મહિમા વધતો રહે એવું કરવું રહ્યું.

એક બનેલો પ્રસંગ છે. મહુવામાં મેં ઘણી વાર કહ્યું છે કે મુંબઈમાં સમગ્ર એશિયાની પહેલા નંબરની કહી શકાય એવી મોટી ઝૂંપડપટ્ટી છે. એમાં આજથી વીસ વર્ષ પહેલાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને એક સર્વે કરાવ્યો કે આ ઝૂંપડપટ્ટીમાં જે છોકરાં ઊછરી રહ્યાં છે એ વીસ વર્ષ પછી કેવા થશે. મને લાગે છે કે આ કૉર્પોરેશનમાં શિક્ષણની વિચારસરણી ધરાવતો કોઈ કર્મચારી હોવો જોઈએ. એને જ આવો ઊંચો વિચાર સૂઝે. એક વર્ષ પછી રિપૉર્ટ તૈયાર થયો અને જાણવા મળ્યું કે આ છોકરા મોટા થયા પછી કાં તો દારૂના ધંધા કરશે, કાં તો ગુંડાગીરી કરશે કે પછી અનીતિનું કામ કરતા થઈ જશે. પણ વીસ વર્ષ પછી આ જ બાળકો જ્યારે મોટા થયાં અને એમના વ્યવસાયનો સર્વે કર્યો ત્યારે આશ્ચર્યથી ચકિત થઈ જવાય એવું પરિણામ જાણવા મળ્યું ! વીસ વર્ષ પહેલાં જે પંચાણું ટકા બાળકોએ કહેલું કે એ બધા અનૈતિક ધંધો કરવાનાં હતાં એને બદલે વીસ વર્ષ પછી એ યુવકો બન્યા ત્યારે એ પંચાણુંએ પંચાણું ટકા ખરેખર સારા વ્યવસાયમાં જોડાયા. વૈજ્ઞાનિકોની બુદ્ધિ આમાં ચક્કર ખાવા માંડી કે આવું બને જ કેમ ? પણ ફરતાં ફરતાં ઝૂંપડપટ્ટીના એક વયોવૃદ્ધ દ્વારા જાણવા મળ્યું કે 60 વર્ષના એક શિક્ષિકાબેન આ ઝૂંપડપટ્ટીમાં રહે છે અને પેલી સર્વે કમિટીવાળા મળે છે. અને જાણવા મળ્યું કે આ શિક્ષિકાબહેને ત્યાનાં બાળકોને કેવળ અને કેવળ પ્રેમ આપ્યો છે. અને આટલું સુંદર પરિણામ કેવળ પ્રેમથી આવ્યું છે. આટલું કહેતાં કહેતાં એ વયોવૃદ્ધ શિક્ષિકાબહેન રડી પડી. તો આપને હું એ કહેવા માગું છું કે પ્રેમમાં કેટલી બધી તાકાત છે ? શિક્ષક બીજું કંઈ ન કરે પણ પોતાના વિદ્યાર્થીને હૃદયનો પ્રેમ આપવા માંડે તે કેટલું મોટું પરિવર્તન લાવી શકે એનું આ જીવંત ઉદાહરણ છે.

આપણને જેના તરફ પ્રેમ હોય તેની સેવા કર્યા વગર આપણે રહી શકતા નથી અને સેવા કરવાનું શરૂ કરીએ ત્યારે ત્યાગ વગર સેવા પણ થઈ શકતી નથી. હમણાં અખિલ ભારતીય ઈન્ડિયન કૉમર્સની એક મિટિંગ જે મુંબઈમાં થઈ તેમાં મારે બોલવાનું હતું. મોટાભાગના શ્રોતાઓએ એવી જ કલ્પના કરેલી કે બાપુ કાં તો રામમંત્ર અથવા કૃષ્ણમંત્રની વાત કરશે પણ મારા મનમાં જે વસ્તુ ઉછાળા મારી રહી હતી એ એ જ હતી કે આ વિશ્વ માટે નવા યુગમાં પ્રવેશવાનો મિલેનિયમમંત્ર જો કોઈ હોય તો તે એક જ છે અને એ છે પ્રેમ. આ સિવાય કોઈ મહામંત્ર જગતભરની સમસ્યાનો ઉકેલ લાવી શકે એમ નથી. આજે થયું છે એવું કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાને ભૂલી ગયા છે. શિબિરમાં શિક્ષકોને હું ઘણી વાર કહેતો :
हम उन्हें वो हमें भूला बैठे
दोनों गुनहगार जहर खा बैठे
हमे बेसहारों का हौसला ही क्या
घर से निकले तो दरपे जा बैठे
જઈ જઈને આપણે જઈશું ક્યાં ? પ્રેમવિહોણું કોઈ સ્થળ નથી. અને માટે તો આખા વર્ષની મારી કથાઓ માટે મેં એક જાહેરાત કરી છે કે રામકથાનો હું કોઈપણ પ્રસંગ લઈશ પણ કેન્દ્રમાં તો એક જ વિચાર વહેતો હશે અને એ પ્રેમનો. પણ આવા પ્રેમ માટે પહેલી શરત છે કે શિક્ષક પ્રસન્ન હોવો જોઈએ. જો એ જ પ્રસન્ન નહીં હોય તો એ કોઈને પ્રેમ નહીં આપી શકે. હું વારંવાર કહું છું કે કેટલાકને તો યુગો થઈ ગયા, હસ્યા જ નથી. વડોદરામાં હું કથા કરતો હતો…. જોકે આ વાતને ઘણાં વર્ષો થયાં…. પણ ત્યારે એક ભણેલોગણેલો માણસ મારી જમણી તરફ બેસે એ એવું મોઢું ચડાવીને બેસે કે મને એમ થાય કે મારી કંઈ ભૂલ થાય છે ? આ માણસ આમ કેમ કરે છે ? બેત્રણ દિવસ મેં ઘણું સહન કર્યું પણ સાતમે દિવસે મને ખબર પડી – કોઈએ કહ્યું કે બાપુ, એ તો તમારો બહુ પ્રેમી છે પણ એનો ચહેરો જ એવો છે. ત્યારે મેં કહ્યું કે આવું પહેલેથી જ કીધું હોત તો હું સાત દિવસ સુધી દુ:ખી ન થયો હોત ને ? મારો કહેવાનો અર્થ એટલો જ કે શિક્ષકોનો ચહેરો આવો ન હોવો જોઈએ. શિક્ષકે કોઈ ફરિયાદ કરવી હોય તો મોં ચડાવીને કે ગુસ્સે થઈને નહીં પણ –
हाले गम उनको सुनाते जाइए
बस शर्त इतनी कि मुस्कुराते जाइए

માણસ પ્રસન્ન રહેવો જોઈએ. કોઈને યાદ કરવામાં કે કોઈને ફરિયાદ કરવામાં પુનરાવર્તન થાય તો ક્ષમા કરશો, પણ આ વાત હું કહ્યા વગર રહી શકતો નથી કે અમેરિકાનો એક માણસ સવારે દશ-અગિયાર વાગે બજારમાં નીકળ્યો, ત્યારે એને એક બીજો અમેરિકન સામો મળ્યો. જે સામો મળ્યો તે કારણ વગર પોતાની સામે હસ્યો એટલે પેલો માણસ ખુશ થયો. પછી એ આગળ ચાલીને કોઈ હોટલમાં જમવા ગયો. ત્યાં પણ પેલા વેઈટરે હસીને આવકાર્યા એટલે એ વધારે ખુશ થયો. એણે તો જમી રહ્યા પછી વેઈટરને ખુશ થઈને પાંચ ડૉલરની ટિપ આપી. એ માનવામાં ન આવે. આ અમેરિકાની વાત છે. જોકે અમેરિકામાં કોઈ ટિપબિપનો રિવાજ નથી. અમુક રિવાજો તો અહીંયાં જ છે, પણ પાંચ ડૉલરની ટિપ લેનાર અને આપનાર બન્ને વચ્ચે માત્રને માત્ર પ્રસન્નતાનો જ વ્યવહાર હતો. એટલે પેલાએ ટિપ લેવાનો ઈન્કાર ન કર્યો. ‘तेन त्येक्तेन भुग्जीथा:’ મકરન્દ દવેએ ગાયું છે કે ‘ગમતાનો કરીએ ગુલાલ’ એટલે કે આપણને જે ગમ્યું એને વહેંચતા ફરવાનું હોય. એટલે વેઈટર પણ ગમતાનો ગુલાલ કરવા નીકળી પડ્યો. એને થયું કે પાંચ ડૉલરમાંથી કોઈને હું એક ડૉલર આપું તો વળી કોકને પહેરવા માટે શર્ટ લઈ આપું, કોઈ ભિખારીને બે ડૉલર આપું અને આ રીતે હું સૌને પ્રસન્ન કરું. પ્રસન્નતા જ માણસને ઉદાર બનાવી શકે. પ્રસન્નતા વગરનો માણસ ઉદાર થઈ જ ન શકે. અમારે દોહાવલી રામાયણમાં એમ બન્યું છે કે આટલી જગ્યાએ માણસ પ્રસન્ન થવો જોઈએ : ‘रामहि सुमिरत रन भितर देत परत गुरुपाय.’ બસ, આટલી જગાએ માણસ પ્રસન્ન રહે તો એના જીવતરનો કંઈ અર્થ છે.

પહેલું છે : રામહિ સુમિરત. પરમાત્માને યાદ કરતી વખતે કે પછી એનું સ્મરણ કરતાં હૃદયમાં પ્રસન્નતા થવી જોઈએ. જલન માતરીને યાદ કરું. એ મને ક્યારેક કહે – બાપુ, હું બપોરની નમાઝ પઢતો હતો ત્યારે મારી આજુબાજુ કોઈ ન હતું. એટલે મને નમાઝ પઢવામાં ખૂબ આનંદ આવ્યો. પછી નમાઝ કરીને ઊઠ્યો ત્યારે બાજુનું બારણું માથામાં વાગ્યું અને મારું મગજ ગયું કે તારું ભજન કરતો હતો અને તેં મને માર્યો એટલે મારાથી ગઝલનો આ શેર લખાઈ ગયો :

પજવે શાને કારણે અલ્લાહ સીધો રે’ને,
શું છે મારું કામ રૂબરૂ આવીને કે’ને.

આવી ઘટના બને ત્યારે પણ પ્રસન્નતા છલકાવવી જોઈએ. કોઈને કંઈ આપવાનું આવે ત્યારે એ આપવાની પણ એક પ્રસન્નતા હોય. પ્રસન્નતા વગર કોઈને કંઈ આપવું પણ નહીં, કારણ કે એ આપનારને અને લેનારને બન્નેને નુકશાન કરે છે. આપણે કોઈને કશુંક આપીએ તો એનું કામ સરે. એની ખુશી હોય અને તો જ આપ્યાની પ્રસન્નતા મળે. સહી કર્યા વગરનો લાખ રૂપિયાનો ચેક દાનમાં આપીએ અને પછી પ્રસન્ન થઈએ અને મનોમન કહેતા રહીએ કે ભાઈ, આ તો મેં ગુપ્તદાન કર્યું છે એટલે મેં ચેકમાં સહી નથી કરી. સહી વગરનો ચેક બૅન્ક સ્વીકારે ? તો પછી આવા દાનનો કોઈ મહિમા નથી. અને આવું દાન કરનાર અને લેનાર ઉભય પક્ષે સાચી પ્રસન્નતાનો અનુભવ નથી થતો. रामहि सुमिरत रन भितर….

અમારે કથામાં પહેલાં જ્યારે વક્તા કથા કરતા ત્યારે વ્યાસગાદીની આગળના ભાગે એક તાસડો રાખવામાં આવે. અને જે કથામાં આવે તે એમાં રૂપિયા નાખે. ગામડાંની બહેનો કથામાં આવે ત્યારે સાથે તેનાં નાનાં બાળકોને લાવે અને પછી એ નાના નાના છોકરાને હાથે તે દશિયું અથવા પાંચિયું તાસડામાં નંખાવે. આ તાસડા આજે બંધ કરાવી દીધા, પણ મને એમ લાગે છે કે એક તાસડો નથી બંધ કરાવ્યો, પણ આપણા આખા સંસ્કાર બંધ કરાવી દીધા છે. કારણ કે તાસડામાં દશિયું પધરાવવું મહત્વનું નથી પણ બાળકમાં એક સંસ્કાર આવે તેની અંદર ત્યાગની ભાવના પ્રગટે. ધર્મમાં લક્ષ્મી વપરાય આવો એક ભાવ ત્યાં હતો. આજે આ ગુપ્તદાન આવતાં આ સંસ્કારો ચાલી ગયા છે.

કોઈ ભિખારીને એક ડૉલર ભીખમાં મળે એટલે ખુશ થઈ જાય. દુનિયામાં નાના નાના અહંકારો એટલા બધા છે કે પોતાનું કશું જ હોય અને બીજાનું ભીખમાં લઈને એ અહંકારી બને છે. જોકે બધા આવા નથી હોતા. કેટલાક પોતાની મગરૂરીમાં જીવે છે. એક સોસાયટીમાં કોઈ વૃદ્ધ ભિખારી નિયમિતપણે ભીખ માંગવા જતો. પણ છેલ્લા એકાદ મહિનાથી એ ત્યાં ફરક્યો ન હતો. સોસાયટીવાળાએ પૂછ્યું, ‘છેલ્લા મહિનાથી તું દેખાતો કેમ નથી ?’ ત્યારે પેલા ભિખારીએ કહ્યું, ‘મેં હમણાં જ મારી દીકરી પરણાવી અને જમાઈને આ સોસાયટી દાનમાં આપી દીધી. હવે મારાથી અહીં ન અવાય.’ આ દષ્ટાંતમાં એ જ વાત છે કે વૃદ્ધ ભિખારીએ સોસાયટીનું દાન કર્યું તે તેનો અહંકાર છે. આ રીતે દરેક જણ નાનામોટા અહંકાર ઊંચકીને ફરે છે. પણ સૂફી કહે છે તેમ અહંકાર છોડીને પોતાની મસ્તીમાં જીવે એ જ સાચું જીવે –
‘गेर मुमकिन है ये दुनिया अपनी मस्ती छोड दे
इसी लिए ये दिल तू ये बेकार मस्ती छोड दे.
આમ, શરૂઆતે કહ્યું તેમ ભિખારીને એક ડૉલર મળ્યો પણ સાથે સાથે આનંદ પણ મળ્યો અને અહંકાર પણ મળ્યો. પણ આનંદ રાખી અહંકાર ખંખેરી નાખે તો એ આનંદ પરમ આનંદ બની શકે. આજે એણે વિચાર્યું કે હવે ભીખ માંગવી નહીં પડે. આમાંથી હું મારું ખાવાનું ખરીદીશ અને બીજાને પણ ખવરાવીશ. આવો સંકલ્પ પૂરો કરી પોતાના ઝૂંપડામાં સૂવા જતો હતો ત્યારે તેણે ઠંડીમાં ઠૂંઠવાતું એક ગલૂડિયું જોયું. આજે એ બહુ પ્રસન્ન હતો એટલે ગલૂડિયાને તેડી પોતાની પાસે સુવડાવી દીધું. થયું એવું કે અડધી રાત્રે ઝૂંપડપટ્ટીમાં આગ લાગી એમાં પેલું ગલૂડિયું ભસવા માંડ્યું અને બધા જાગી ગયા. પરિણામે બચી ગયા. આ સત્ય ઘટના છે જે અમેરિકામાં બની. મજાની વાત તો એ છે કે બળીને ખાખ થઈ ગયેલી ઝૂંપડપટ્ટીમાંથી જે કાંઈ બચી ગયા હતા એમાં પેલા ભિખારીનો છોકરો વર્ષો પછી અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો. અને કોઈએ ઈન્ટરવ્યૂ લીધો ત્યારે એને પૂછવામાં આવ્યું કે તમે આટલા નાના ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ કેવી રીતે બની શક્યા ? ત્યારે તેણે હસીને કહ્યું કે મારી પ્રસન્નતા મેં વહેંચી અને પશુ-પ્રાણીને આશ્રય આપ્યો. એના મૂળમાં ડૉલરની નોટ હતી. આ મારી સફળતાનું રહસ્ય છે. ઝૂંપડપટ્ટીથી રાષ્ટ્રપતિ પદ સુધીની યાત્રાના મૂળમાં કોઈ હોય તો એક માણસની મુસ્કુરાહટ હતી. જે માણસ પ્રેમ કરશે એ અમુક સેવા કરશે. કારણ કે સાચો પ્રેમ સેવા કર્યા વગર રહી શકે જ નહીં અને પ્રેમ વગરની સેવા એ સેવા નહીં, પણ માત્ર કસરત કહેવાય. માને પોતાના બાળક ઉપર પ્રેમ હોય એટલે સૂકામાં સુવડાવી પોતે ભીનામાં સૂઈ જાય. એનો અર્થ એ થયો કે જ્યાં પ્રેમ છે ત્યાં સેવા છે અને જ્યાં સેવા છે ત્યાં ત્યાગ છે.

અને માટે જ એકવીસમી સદીમાં શિક્ષકોની આ પહેલી ફરજ છે કે પોતાના વિદ્યાર્થી ભાઈ-બહેનોને પોતાનાં સંતાનો ગણી તેને પ્રેમ આપે, સેવા કરે અને એ માટે ત્યાગ કરી બતાવે. કારણ કે જગતની બધી સમસ્યાઓનું સમાધાન માત્ર પ્રેમ છે. પ્રેમમાં ગજબની તાકાત છે. હમણાં જ કોઈએ કહ્યું કે આ મિલેનિયમ એટલે નવા વર્ષમાં સૌને કોઈક નવો નિયમ મળે. માટે જ માનસમાં કહેવાયું છે કે,
सब नर करे ही परस्पर प्रीति ।
ચાલો, શિક્ષક શિક્ષક વચ્ચે જો પ્રીત થાય અને સંબંધનો સેતુ બંધાય તોય ઘણું. નહીંતર કવિ ખુમાર બારાબંકી એમ કહે કે,
हटाये थे जो पथ्थर हमनें दोस्ती की राहों से
वही पथ्थर आज मेरे घर आने लगे हैं
એટલે કે મિત્રોના માર્ગમાંથી અડચણરૂપ બનતા પથ્થરોને અમે હટાવ્યા’તા એ જ મિત્રોએ એ જ પથ્થરોને અમારા ઘર પર ફેંકવાનું કામ કર્યું છે. આવું થાય ત્યારે દુ:ખ થાય. મારો કહેવાનો મતલબ એ છે કે શિક્ષક શિક્ષક વચ્ચે, શાળા શાળા વચ્ચે, સમાજ સમાજ વચ્ચે એમ એક રાષ્ટ્ર અને બીજા રાષ્ટ્ર વચ્ચે મૈત્રીનો મારગ રચાય, સંબંધોનો સેતુ રચાય તો એના જેવું બીજું રૂડું શું હોઈ શકે ? વિશેષ કંઈ ન કહેતાં દિલીપસિંહભાઈને મારે એક વાત જરૂર કહેવી છે કે રાજ્ય શિક્ષક સંઘ બે કે ત્રણ જણની કમિટી બનાવે જે એકદમ તટસ્થ હોય અને શ્રેષ્ઠ શિક્ષક-પસંદગી માટે એક આદર્શ આચારસંહિતા ઘડે. અને આમ સમગ્ર ગુજરાતમાં સર્વ રીતે જે શ્રેષ્ઠ લાગે એને દર વર્ષ અહીં લાવવા અને ચિત્રકૂટની પ્રસાદી તરીકે અમારે અહીંથી અને એમની સ્કૂલને પચ્ચીસ હજાર રૂપિયાથી સન્માનવા.

હમણાં રાષ્ટ્રકક્ષાએ એક સરસ્વતી ઍવોર્ડ જાહેર થયો, જેમાં આપણા વૈજ્ઞાનિક ડૉક્ટર કલામ સાહેબ, બીજા પાલખીવાળા સાહેબ અને એક ગવર્નર સાહેબની સાથે મારું પણ નામ વાંચી હું ચોંકી ગયો, કારણ કે આ ઍવોર્ડની પસંદગી થઈ તેની મને કશી જાણ કરવામાં આવી નહોતી કે મને પૂછવામાં પણ આવ્યું ન હતું. અને એ સમય તો હું પંપા સરોવર હતો. ત્યાં અખબાર દ્વારા મને જાણ થઈ એટલે હું તો વિચારમાં પડ્યો કે મને ઍવોર્ડ ? હું કોઈ ઍવોર્ડ સ્વીકારતો નથી. આમાં કોઈ અહંકાર નથી, પણ એક સંકલ્પ છે કે સ્વીકારવું હોય તો ઍવૉર્ડ નહીં પણ કોઈનું ઋણ સ્વીકારવું. હું તો ઋણસ્વીકાર કરું છું બાપ ! પણ તકલીફ એ વાતની થઈ છે કે હું જે સ્વીકારું છું તે સામેવાળાને પચતું નથી. કેટલાક પોતાનું ઊજળું દેખાય તે માટે અન્યનો ખોટે ખોટો ઉપયોગ કરતા હોય છે.

હમણાં અમે થોડા માણસો સાથે ગાડીમાં જતા હતા એમાં દેશ-વિદેશના માણસો પણ હતા અને કોઈ અજાણ્યા માણસે દોડતા આવીને મને કહ્યું, બાપુ, આપણે બન્ને સાથે મોરબીની કૉલેજમાં ભણેલા યાદ છે ? હું વિચારમાં પડ્યો કે વળી હું મોરબીમાં ક્યારે ભણ્યો ? મેટ્રિકમાં હું ત્રણ વર્ષ નાપાસ થયો અને આણે મને કૉલેજ સુધી પહોંચાડી દીધો ! કેટલાક ભાઈઓએ મને પૂછ્યું પણ ખરું કે તમારે ખુલાસો કરવો જોઈએ ને ! ત્યારે મેં કહ્યું કે ખુલાસો ન કરવાનો હોય; ઊલટાનું મને કૉલેજ સુધી પહોંચાડ્યો એટલે મારે એને માફ કરી દેવો જોઈએ. ખરેખર હમણાં હમણાં આવી બીમારી બહુ ફેલાવા માંડી છે. હમણાં જ મહુવામાં એક કાર્યક્રમ હતો. મારે એક વડીલનું સન્માન કરવાનું હતું. મેં જાહેરમાં કબૂલ કર્યું કે હું શિક્ષક હતો ત્યારે પગે ચાલીને તાલુકા શાળા નંબર 1માં ભણાવવા જતો અને ભૂખ લાગતી ત્યારે આ જ વડીલની હોટલમાં હું એક રૂપિયામાં રોટલા, શાક અને છાશ આરોગું. મેં એ પણ કબૂલ કર્યું કે જ્યારે મારી પાસે રૂપિયો ન હોય ત્યારે મને આ વડીલ ઉધાર આપતા અને કહેતા : ‘બાપુ, પગાર થાય ત્યારે આપજો પણ અત્યારે જમી લો.’ મારા પ્રવચન પછી જ્યારે એ બોલવા ઊભા થયા અને મારી કબૂલાત અને નિખાલસતા જોઈ એ વડીલ એ વાતે લહેરમાં આવી ગયા અને કહી દીધું કે બાપુ પાસે ટિકિટના પૈસા ન હતા ત્યારે બસનું ભાડું પણ મારી પાસેથી લઈ જતા. ખરેખર પોતાનું અજવાળું વધારવા લોકો બીજાનો ઉપયોગ કરતા હોય છે. આ પણ એક બીમારી કહેવાય. આ વખતે મારે એમને રોકવા પડ્યા અને કહેવું પડ્યું કે વડીલ, લક્ષ્મણરેખા ઓળંગો નહીં. કારણ કે એ વખતે તલગાજરડામાં બસ આવતી જ ન હતી. અને તમે હકીકત જાણ્યા વિના ફેંકો મા ! જોયું ને, લોકો અમારા માથામાં કેવું કેવું મારતા ફરે છે ? એકબે જણાએ એવું પણ કહ્યું કે બાપુ, તમે નવા ગામમાં નોરતામાં રમવા આવતા. અલ્યા ભાઈ, હું ક્યારે રમવા ગયો ? હવે મારી રૂબરૂમાં જ આવું કહેતા હોય તો મારી ગેરહાજરીમાં તો ભગવાન જાણે શું શું કહેતા હશે ? જોકે આવી બીમારી શિક્ષકોને પણ લાગુ પડતી હોય છે અને આ બાબતે એમનું પણ ઘણું યોગદાન હોય છે. એક શિક્ષક સાહેબ એમ કહેતા ફરે કે બાપુએ અને અમે મળીને લગભગ પાંચેક હજાર કપ ચા પીધી હશે ! અલ્યા ભાઈ ! પીધી તો પીધી, પણ આમાં જાહેરાત શું કામ કર્યા કરે છે ? ટૂંકમાં, લોકોને આમાં આનંદ આવે છે. એટલે મેં હમણાં કહ્યું તેમ ગુજરાતમાંથી સર્વશ્રેષ્ઠ શિક્ષકની પસંદગી દિલીપસિંહભાઈ અને એમની કમિટી કરે. અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આપણે એમનું સન્માન કરીએ. ગીતામાં પણ કહ્યું છે ને કે, ‘पत्र पुष्पं फलं तोयम’

આ રીતે જેટલું બની શકે તેટલું યોગ્યતાપ્રાપ્ત વ્યક્તિને આપીએ તોય એના સૂક્ષ્મ ઋણમાંથી મુક્ત થઈએ. ઍવૉર્ડ આપવો એ પણ ઋણમુક્તિ કહેવાય. જ્યારે મારું નામ જાહેર થયેલું જાણ્યું ત્યારે જવાબદાર વ્યક્તિને ફોન કરીને મેં કહ્યું કે સાહેબ, તમે કદર કરી એ મને ગમ્યું, પણ નાનોમોટો કોઈ ઍવૉર્ડ નહીં સ્વીકારવો એવું મારું વ્રત છે. એટલે આપ મને માફ કરશો. હું સ્વીકાર પણ નથી કરતો અને અસ્વીકાર પણ નથી કરતો. ઍવૉર્ડને હું વંદન કરું છું એટલે અવિવેક ન લાગે એ માટે આ ઍવૉર્ડ તમે અન્ય વ્યક્તિને અર્પણ કરો તો મને વધારે ખુશી થશે. એ વડીલે મારી આ વાત સ્વીકારી. આ એમની એક ઉદારતા જ કહેવાય.

થોડા સમય પહેલાં કલકત્તાથી એક કથામાં કેટલાક શેઠિયાઓ ભેગા થઈને મને કહે, ‘બાપુ, કલકત્તા એ ધર્મનગરી છે અને મુંબઈ એ અર્થનગરી છે.’ આટલું કહીને એ અટક્યા અને મને પૂછ્યું કે, ‘કામનગરી એટલે કઈ ?’ ત્યારે મેં કહ્યું કે દિલ્હી.’ આ વાત એમના ગળે ઊતરી ગઈ. કારણ કે હકીકત કોઈના ગળે ઉતારવાની હોય જ નહીં એ તો આપોઆપ ઊતરી જ જાય. આપણે કામનો અર્થ બીજો શું કામ માનીએ. અને દિલ્હીમાં બધાં જ રાષ્ટ્રોનાં કામો થતાં જ હોય છે ને, એટલે દિલ્હી જ કામનગરી કહેવાય ! પણ છેલ્લે મારે એમને કહેવું પડ્યું કે, તમને ગમે કે ના ગમે પણ મોક્ષનગરી તો મારું તલગાજરડું ગામ જ ! ભલે હું ગંગાજળ પીતો હોઉં; ગંગા માટે મારા મનમાં કેવો ભાવ છે તે હું જ સમજી શકું. છતાંય અમારો રૂપાવો (નદી) એ રૂપાવો જ ! ભલે એમાં પાણી ન હોય, પણ એનો શ્વાસ-સંબંધ થોડો ભુલાય ? મારો કહેવાનો અર્થ એટલો જ કે રૂપિયા કરતાં પદાર્થ મહત્વનો અને વસ્તુ કરતાં વ્યક્તિ મહત્વની છે. વસ્તુઓ ગમે તેટલી હોય પણ વ્યક્તિ જ ન હોય તો ? આમાં વ્યક્તિ તો મહત્વની છે જ પણ એના કરતાં જો મહત્વનું કોઈ હોય તો વિવેક છે અને વિવેક કરતાંય સત વધારે મહત્વનું છે. આવા જ કોઈ સતનું આચરણ કરનારો શિક્ષક જે નખ-શિખ જન્મજાત શિક્ષક હોય એનું સન્માન તો દેવતાઓ પણ કરતા હોય છે. આપણે એમનું સન્માન શું કરવાના ? પણ આપણા સંતોષ ખાતર તલગાજરડાની ભૂમિ પર પ્રાથમિક શાળાનો એક શિક્ષક ઊભો રહે એના શિક્ષકજીવનની વંદના થાય એનાથી રૂડું શું હોય ? અને એની પહેલી વંદના હું કરું. આપણે એને શાલ આપીએ, ચેક આપીએ એ બધું બરાબર છે. પણ સાધુચરિત શિક્ષક માટે કોઈ પણ રકમ હમેશાં નાની જ કહેવાય. પ્રાથમિક શાળાનો શિક્ષક જ નીચે બેસી શકે, બીજો નહીં બેસે. બીજાને બેસાડવા મુશ્કેલ પડે, કારણ કે ધૂળ સાથે એનો કોઈ સંબંધ નથી. જેમ ત્રાજવાનાં બે પલડાં હોય, એમાં ઊંચું પલડું એ કહેવાય કે જે હલકું હોય અને નીચું હોય એ ભારે હોય. અત્યારે અમે ઉપર બેઠા છીએ એટલે હળવા છીએ. ભારે તો તમે લોકો છો જે નીચે બેઠા છે. અને હું એક સાધુ તરીકે એટલું ઈચ્છું કે તમને તમારા ભારેપણાનું ભાન રહે.

વ્યાસપીઠ પરથી મારે એટલું જ કહેવું છે કે શિક્ષકનું સન્માન કરવું એ ઋષિતુલ્ય કર્મ છે. ઍવૉર્ડમાં રકમ આપવી એનું કશું મૂલ્ય નથી. માત્ર સંતોષ ખાતર એક પુષ્પ રૂપે અર્પણ કરાય; બાકી મૂલ્ય તો પેલા શિક્ષકમાં ધબકતી ચૈતસિક શિક્ષણચેતનાનું જ છે. આ દેશનો શિક્ષક ઈન્દ્રને જીતવા માટે પોતાનાં હાડકાં કાઢી આપે એનું સન્માન કરનારા આપણે કોણ ? ઘણાને એમ પણ થતું હશે કે બાપુ, પ્રાથમિક શાળાના શિક્ષકોથી જ આવી પહેલ શા માટે કરે છે ? તો મારે એટલું જ કહેવું છે કે હું પ્રાથમિક શાળાનો શિક્ષક હતો એટલે જ નથી કરતો અને એટલે હું સંકુચિત પણ નથી, પણ વાસ્તવિકતા એ જ છે કે પ્રાથમિક શાળાનો શિક્ષક જ સમગ્ર ઈમારતનો પાયો બની શકવાની ક્ષમતા ધરાવે છે. આપણી સામે ડૉક્ટર રાધાકૃષ્ણન જે એ સમયે સરમુખત્યારશાહી રશિયાના એમ્બેસેડર હતા. તેમની એક વાત કરું. રશિયાનો રાજા આપણા રાધાકૃષ્ણન સાથે મિટિંગ કરવાનું ટાળ્યા કરે. પણ એક વખત મોસ્કોમાં બન્ને ભેગા થઈ ગયા. ત્યારે એણે રાધાકૃષ્ણનનો જે અનુભવ થયો તેની ઈતિહાસે નોંધ લીધી છે. તેના સરમુખત્યારશાહે એટલું કહ્યું કે મને અહીંથી જલદી લઈ જાવ. જેને સ્પર્શ કરતાં મારા વિચારોમાં ફેરફાર થવા માંડે છે એ માણસ વધારે સમય મારી સાથે રહેશે તો મારા સમગ્ર વિચારોમાં પરિવર્તન આવી જશે. આ છે પ્રાથમિક શિક્ષકમાં રહેલી તાકાત. અને આ તાકાત આપણા સૌમાં પડેલી છે. જરૂર છે એને ખોલવાની. આજે એ તાકાતનું દર્શન કરવાનો સંકલ્પ લઈએ તોય ઘણું છે.

દુનિયાનો મોટામાં મોટો અને અતિલોકપ્રિય શિલ્પકાર માઈકલ ઍન્જેલો એક દિવસ આરસપહાણ શોધવા બજારમાં નીકળ્યો ત્યારે એની નજર રસ્તા ઉપર ધૂળ ખાઈ રહેલા આરસપહાણના એક ટુકડા ઉપર પડી. સામે જ આરસપહાણની દુકાન હતી. ત્યાં જઈને એણે વેપારીને પૂછ્યું કે પેલો આરસપહાણનો ટુકડો ત્યાં કોણે નાખી દીધો છે. ત્યારે વેપારીએ કહ્યું કે એ આરસપહાણ મારા માટે નકામો છે અને દુકાનમાં જગા રોકતો’તો એટલે મેં તેને ફેંકી દીધો છે, તારે જોઈએ તો લઈ જા. મારે એક પૈસોય એનો જોઈતો નથી. માઈકલે તરત જ એ મોટો પથ્થર ઘરે લઈ જવાની વ્યવસ્થા કરી. અને સમય જતાં એ જ પથ્થરમાંથી મિસ મેરી અને જિસસ એકબીજાને ભેટતાં હોય એવું મા-દીકરાનું શિલ્પ બનાવ્યું અને એ જ શિલ્પ દુનિયાની અમર કૃતિ બની ગઈ. કોઈએ માઈકલને પૂછ્યું કે તમે રસ્તા ઉપર રઝળતા પથ્થરને જ શા માટે પસંદ કર્યો. ત્યારે એણે કહ્યું કે પથ્થર કોઈ પણ હોય પણ એમાં સમાયેલો કોઈક આત્મા મને બોલાવતો હોય તો એ પથ્થર મારે મન મારા સ્નેહી જેવો છે. હું જ્યારે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એ ઓશિયાળા પથ્થરમાં બેઠેલી મિસ મેરી અને જિસસ જાણે મને સાદ પાડતાં હતાં કે તું મારી પાસે આવ, તું મારી પાસે આવ, તું મારી પાસે આવ.

બસ, આ રીતે જ દરેક શિક્ષકને વિદ્યાર્થીમાં પડેલી આવી ચેતનાનો પોકાર સંભળાય તો વાત બની જાય. થયું છે એવું કે વિદ્યાર્થીમાં પડેલી ચેતના શિક્ષકને પોકાર પાડી પાડીને બોલાવે છે કે તું મારી પાસે આવ, તું મારી પાસે આવ, તું મારી પાસે આવ પણ એ અવાજ મોટા ભાગના શિક્ષકોને સંભળાતો નથી. પરિણામે પેલા વિદ્યાર્થીમાં રહેલું કૌશલ્ય મૂર્તિમંત થતું નથી. આ કામ પ્રાઈમરી સ્કૂલનો શિક્ષક ચોક્કસ કરી શકે અને એવું કાર્ય સૌથી વધારે ને વધારે થાય એવી ભગવાનને પ્રાર્થના. પુન: એક વાર મનોરથ વ્યક્ત કરું કે શિક્ષકના ગૌરવનું સન્માન થતું રહે અને એ પણ આ તલગાજરડા જેવી મોક્ષનગરીમાં, એનાથી બીજું રૂડું શું હોય !

મારી તો એક જ પ્રાર્થના છે કે માણસ માણસ વચ્ચે પ્રેમનું સામ્રાજ્ય વિસ્તરે, એક શિક્ષક બીજા શિક્ષકને મળે તો એકબીજાથી ભાગી ન જાય પણ સ્મિત સાથે એકબીજાને મળે એવું વાતાવરણ પ્રત્યેક સ્કૂલમાં ઊભું થાય અને જૂના સમયમાં જે કાર્યક્ષેત્ર શિક્ષકનું હતું – એ શિક્ષણ સિવાય આરોગ્ય, સમાજ, પારિવારિક અને નાની મોટી અનેક સમસ્યાઓનું સમાધાન શિક્ષક દ્વારા જ થતું – એવું ગૌરવ પુન:સ્થાપિત થાય. એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને શિક્ષકને કેન્દ્રમાં રાખી આવા સમારંભો થાય એ બહુ મોટી વાત છે. એમાંથી જ કંઈક અલૌકિક વસ્તુ પકડાઈ જાય તો સમારંભ સાર્થક થાય. જીગર મુરાદાબાદીનો એક શેર છે :
युं तो बहोत से आँसु हैं आँखों में जिगर
बह जाये सो मोती है रह जाये वो दाना है
આમ તો આંખમાં વિવિધ સ્વરૂપે આંસુઓ નીકળતાં હોય છે. એક ફિલ્મનું ગીત છે ને ! –
हजारो तरत के यह होते हैं आँसु
अगर दिल में गम है तो रोते हैं आँसु
खुशी में भी आँखे भिगोते हैँ आँसु

આમ આંખમાંથી નીકળતાં આંસુ જો વહી જાય તો મોતી બને છે. રહી જાય તો વેડફાઈ જાય છે. એ જ રીતે આવા શૈક્ષણિક સમારંભોથી જે અંદરથી વીંધાઈ જાય છે એ મોતી રૂપે પ્રગટે છે અને રહી જાય એ વેડફાઈ જાય છે.
જય સીયારામ. ધન્યવાદ.

(ચિત્રકૂટ ઍવૉર્ડ, તલગાજરડા, તા.17-01-2000)

[કુલ પાન : 304. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : શ્રી સીતારામ સેવા ટ્રસ્ટ, મહુવા. જિ. ભાવનગર. અથવા શ્રી રામેશ્વરદાસ હરિયાણી. 14, હરેકૃષ્ણ સોસાયટી, વિરમગામ હાઈવે, તા. સાણંદ. જિ. અમદાવાદ-382110. મોબાઈલ : +91 9426557959. ઈ-મેઈલ : rameshwarhariyani@yahoo.in ]