સાક્ષરનો સાક્ષાત્કાર – સાક્ષર ઠક્કર
[ રમૂજ, હાસ્ય, વ્યંગ અને કટાક્ષની સાવ અલગ રીતે અનુભૂતિ કરાવે તેવી એક યુવા કલમનો આજે રસ માણીએ. શ્રી સાક્ષરભાઈ મૂળે વડોદરાના રહેવાસી છે, વિદ્યાનગરમાં એન્જિનિયરિંગ કર્યા બાદ હાલમાં ન્યુયોર્ક ખાતે ‘માસ્ટર્સ ઈન કોમ્પ્યુટર સાયન્સ’ ભણી રહ્યાં છે. તેઓ સાહિત્યક્ષેત્રમાં ખૂબ આગળ વધે તેવી તેમને શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : saksharhere@gmail.com ]
[1] પહેલી ચા ઢોળવા પાછળનું લૉજિક
તમે જોયું હશે કે ચાની કીટલીવાળા સવારની પહેલી ચા રસ્તા પર ઢોળી દે છે. આ પહેલી ચાને ‘જગ-ડખા’ની ચા પણ કહેવામાં આવે છે. આનું રહસ્ય હવે તમે જાણો….
બહુ વખત પહેલાંની વાત છે. માતા પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં. ભગવાન શંકરના પુત્ર ગણપતિ બારણે ઊભા હતાં. એમની સાથે શંકર ભગવાનની બોલાચાલી થતાં વાતવાતમાં શંકર ભગવાને ગણપતિનું મસ્તક કાપી નાખ્યું. માતા પાર્વતીએ આ વાત જાણી ત્યારે તેમને ભગવાન શંકર પર ક્રોધ ઊપજ્યો. એમણે માર્ગમાં જે પહેલું આવે એનું મસ્તક લાવવાનો આદેશ આપ્યો. આ પત્નીઓની આદેશ આપવાની પ્રથા એ સમયથી ચાલી આવે છે… જોયું ! ભલે ને પતિ ભગવાન શંકર કેમ ન હોય !
હવે આપણા ઈન્ટરેસ્ટની વાત શરૂ થાય છે.
બૉસનો ઑર્ડર હતો એટલે ભગવાન શંકર તો નીકળ્યા ત્રિશુળ લઈને. માર્ગમાં જે પહેલું નીકળે એનું મસ્તક લેવાનું હતું. ચાલતાં ચાલતાં એમના મનમાં પાર્વતીજીના ગુસ્સા વિશે વિચારો ચાલતાં હતાં. એટલે એ વિચારોને લીધે તેમની દષ્ટિ માર્ગ પર નહોતી. એ માર્ગ પર બે નિર્દોષ દેડકાં (દેડકાંઓ હંમેશા નિર્દોષ જ હોય છે…. કોઈ દિવસ તમને દેડકો કરડ્યો છે ?) રમતા હતાં. એમને મહાદેવના પગની લાત વાગી અને તેઓ દૂર ફેંકાઈ ગયા. બંનેના માથામાં બેઠો માર પડ્યો. (માર બેઠો જ કેમ હોય છે, કોઈને ખ્યાલ હશે ?) અને તેમનું માથું દુ:ખવા લાગ્યું. બંને મહાદેવને રોકવા માટે જોરથી બૂમો પાડવા લાગ્યા :
‘અન્યાય…. ઘોર અન્યાય…. ઘોર અન્યાય…..’
શંકર ભગવાનને થયું : ‘યાર ! આજે કોનું મોઢું જોયું’તું સવાર-સવારમાં ? એક તો ઘેર અન્યાય કરીને આવ્યો, પત્નીનું ટેન્શન અને એમાં આ બીજો અન્યાય કરી નાખ્યો.’ ભગવાન રોકાયા.
‘હે પ્રભો ! તમે લાત મારી ને અમારું માથું દુ:ખે છે, કંઈક ઉપચાર કરો, નહીં તો અમારી આખી પેઢીને માથું દુ:ખશે.’ દેડાકો બોલ્યાં.
‘હે દેડકાઓ…. ચિંતા ન કરો. જાઓ…. હું તમને વરદાન આપું છું કે….(ભગવાન શંકર વરદાન આપવામાં ચેમ્પિયન હતાં. સૌથી વધારે વરદાન આપવાનો રેકોર્ડ એમના નામે છે. એમને ‘મહાદેવ’ કહેવાય છે એનું એક કારણ એ પણ છે.) દરેક ચા વાળો પહેલી ચા તમને પાશે… જેથી તમારી આવનારી દરેક પેઢીમાંથી કોઈને માથાનો દુ:ખાવો નહીં થાય.’
‘પણ અમે તો મોટાભાગનો સમય જમીનની અંદર જ શીતનિંદ્રામાં હોઈએ છીએ, તેનું શું ?’ બંને દેડકાઓએ પ્રશ્ન કર્યો.
‘ચિંતા ન કરો…’ ભગવાન શંકરે મલકીને કહ્યું, ‘ચા વાળો પહેલી ચા જમીન પર જ ઢોળશે અને તેથી તમે શીતનિંદ્રામાં જમીનની અંદર હશો તો પણ ચા મેળવી શકશો.
‘થેંક્યું ભગવાન…. પણ, એક્સ્ક્યુઝ મી…. તથાસ્તુ તો બોલો….!’ એક દેડકાથી બોલી પડાયું.
‘તથાસ્તુ’ ભગવાન બોલ્યા.
બસ, એ દિવસથી ચા વાળો પહેલી ચા જમીન પર ઢોળે છે અને હા, એ પેલા બે દેડકાઓનું નામ હતું : ‘જગ’ અને ‘ડખો’. એટલે પહેલી ચા ને ‘જગ-ડખા’ની ચા કહે છે. (નોંધ : વાર્તામાં આવતા ‘અમુક’ પાત્રો અને તમામ ઘટનાઓ કાલ્પનિક છે. તેમની કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ, દેડકા કે ઘટના સાથે સમાનતા થતી હોય તો તેને માત્ર એક સંયોગ ગણવો !)
[2] કીડી અને ગોળ
એક કીડી હતી. એનું નામ ઝીણી હતું. (હા, એ લોકોમાં એવા જ બધા નામો હોય !). તે એક ‘ગોળલાવો લિમિટેડ’ કંપનીમાં કામ કરતી હતી. કંપનીના નામમાં જ ફક્ત લિમિટેડ હતું, બાકી ત્યાં કામ તો અનલિમિટેડ હતું. બધી કામદાર કીડીઓ બિચારી ગોળના મોટા મોટા રવાઓ ઊંચકીને થાકી જતી. એક દિવસની વાત છે. ઝીણી કામ પર ગઈ ત્યારે એ જ્યાં રહેતી હતી ત્યાંના ગૃહિણીથી દાળમાં ગોળ નાંખવા જતા મોટો રવો બહાર પડી ગયો. ઝીણીને એ મોટા ગોળના રવાને લાવવાનું એસાઈન્મેન્ટ સોંપવામાં આવ્યું. આટલું મોટું કામ કેવી રીતે થશે ? એમ વિચારીને તે ગોળની નજીક ગઈ. ત્યાં એ ગોળ બોલ્યો, ‘તું આટલો મોટો રવો નહિ લઈ જઈ શકે…..’ ઝીણીનો કૉન્ફીડન્સ તો આ સાંભળીને સાવ ડાઉન થઈ ગયો. એણે ખૂબ પ્રયત્ન કર્યો પણ એનાથી ગોળનો રવો સહેજ પણ ખસ્યો નહીં. આખો દિવસ મહેનત કરી પણ કંઈ વળ્યું નહિ.
સાંજે રિપોર્ટિંગમાં ઝીણીના બૉસે એની પાસે સબ્મીશન માંગ્યું. ઝીણી પાસે તો કંઈ હતું નહિ ! બૉસે ઝીણીને ધમકી આપતાં કહ્યું : ‘હમણાં મંદી ચાલે છે અને આપણી કંપનીના બૉર્ડ ઑફ ડિરેક્ટરોએ ખર્ચ ઘટાડવા માટે ‘લૅ-ઑફ’ આપવાનું વિચાર્યું છે. તો કાલથી જો કામ બરાબર નહિ થાય તો તું બ્લેક લિસ્ટમાં આવી જઈશ.’ આ સાંભળીને ઝીણી ટેન્શનમાં આવી ગઈ. એ ઘરે જઈને રાત્રે બરાબર ઊંઘી ના શકી. સતત એ વિચારવા માંડી કે શું કરું તો ‘લૅ-ઑફ’માંથી બચી જઉં ? અને એને એક ઉપાય સુઝ્યો. તેણે એ ઉપાય બીજે દિવસે અજમાવ્યો. એ ધીમે ધીમે ગોળના ટુકડા કરીને ગોળ લઈ જવા માંડી અને બે-ત્રણ દિવસમાં તો બધું કામ જોતજોતામાં પૂરું થઈ ગયું. છેવટે ગોળનું અભિમાન ચકનાચૂર થઈ ગયું.
બોધ : મંદીના સમયમાં ‘લૅ-ઑફ’ના ડરને લીધે કામદારોના કામની ગુણવત્તા સૌથી ઉચ્ચસ્તરે જોવા મળે છે.
[3] પગલુછણિયાની આત્મકથા
ક્યારેક જીવનનો અર્થ શોધવામાં ઘણું મોડું થઈ જાય છે, મારે પણ એમ જ થયું.
મારો જન્મ એક કારખાનામાં થયો હતો. જન્મબાદ મને મારો આકાર અને માપ જોઈને લાગ્યું કે મારો ઉપયોગ કોઈ નાના બાળકને ઠંડીમાંથી બચાવવા માટે નાના ચોરસા તરીકે થશે. એ જ હોશમાં હું એક ‘સસ્તાં પ્રોવિઝન સ્ટોર’માં ગયો. એક દિવસ બે સ્ત્રીઓ આવીને મને ત્યાંથી ખરીદી ગઈ. હું એકદમ ખુશ હતો. મને થયું કે મારું જીવન સાર્થક થઈ ગયું. મારો જન્મ કોઈ બાળકની ઠંડીથી બચાવવા થયો છે એને હું બરાબર કરી શકીશ. મને એમના ઘરે લઈ જવામાં આવ્યો અને દિવાનખંડના ઓરડાની બહાર નાંખવામાં આવ્યો. પહેલાં તો મને થયું કે એ લોકોના હાથમાંથી હું ભૂલથી પડી ગયો હોઈશ, પણ જ્યારે મારી પર પગ લૂછવામાં આવ્યા ત્યારે મને મારા જીવનનો સાચો અર્થ સમજાયો. હું દુ:ખી થઈ ગયો પણ પછી થયું કે આમ દુ:ખી થવાથી થોડું ચાલે ? ગમે તેમ તોય હું ગંદકી તો સાફ કરું જ છું ને ! ભલે ને મને એટલું માન ન મળે. દિવસે દિવસે જેમ જેમ મારો ઉપયોગ વધવા માંડ્યો તેમ તેમ મારી પર ગંદકીના થર જામવા માંડ્યા.
એક દિવસ એક સ્ત્રી ઘર સાફ કરતી કરતી મારી પાસે આવી અને મને થયું કે હાશ ! હવે મને પણ સાફ કરવામાં આવશે, અને થયું પણ એવું જ. પરંતુ મને સાફ કરવાની જે રીત હતી તે મને અનુકૂળ ન આવી. એણે મને ઊંચકીને દિવાલ સાથે અફાળ્યો. (એ પણ ઘરની બહારની દિવાલ કે જ્યાં સિમેન્ટ ઉપસેલો હોય છે.) એ પછી મારા શરીરના એ હાલ થયાં એનું વર્ણન થાય એમ નથી. ત્યારપછી, જ્યારે જ્યારે મને સાફ કરવામાં આવે ત્યારે મને ઘણું દર્દ થતું. આ જ મારા જીવનની કરુણતા હતી. જ્યારે સાફ કરવામાં આવે ત્યારે મારવામાં આવે અને એ સિવાયના બાકીના સમયે મારી પર ગંદકી કરવામાં આવે.
એક દિવસ મારી માલકણ બહારથી ઘરમાં આવી અને થેલીમાંથી મારા જેવા જ એક બીજા પગલુછણિયાને મૂકીને મને નાખ્યો કચરાની ટોપલીમાં ! મંગુભંગી મને બીજા કચરા સાથે લઈ જતો હતો અને એને એક મને જોઈને એક વિચાર આવ્યો. એ થોભ્યો. એણે મને પાણીથી અને સાબુથી સરસ સાફ કર્યો. એ પછી બરાબર સુકવીને મને એના બાળક પર ઓઢાડી દીધો. ત્યારે મને થયું કે ગરીબો જે સુખ આપી શકે છે એ અમીરો નહીં આપી શકે. આખરે મારું જીવન સાર્થક થયું. પહેલાં કપરા દિવસો વિતાવ્યાં બાદ હવે હું સરસ જીવન વિતાવું છું. પરંતુ જે દિવસે મને જૂના ઘરમાંથી કાઢવામાં આવ્યો હતો તે દિવસની વાત યાદ કરીને મને અત્યારે પેલા બીજા પગલુછણિયાની ભારે ચિંતા થાય છે. એને જ્યારે મારી પાસે ઘરમાં લાવવામાં આવ્યો હતો ત્યારે એણે મને પૂછ્યું હતું કે, ‘નાનું બાળક ક્યાં છે ?’ અને હું એને કંઈક જવાબ આપું એ પહેલાં તો મને કચરાની ટોપલીમાં પધરાવી દેવાયો હતો.
નોંધ : આ સંસારચક્ર આમ જ ચાલ્યા કરશે. પગલુછણિયા બદલાયા કરશે પણ માણસ નહિ બદલાય.
[4] રીંછ અને બે મિત્રો
બે મિત્રો હતા. એમનું નામ છગન અને મગન. કામ તો કંઈ હતું નહીં, તે જંગલમાં ફરવા નીકળ્યા’તા. ચાલતાં ચાલતાં એમણે રસ્તામાં જોયું તો એક રીંછ પડેલું હતું. પહેલાં તો બંને જણ ગભરાઈ ગયા. પરંતુ એ પછી છગને હિંમત કરી અને તે ધીમા પગલે રીંછની નજીક ગયો. ધ્યાનથી જોયું તો હજી પણ રીંછ તો પડેલું જ હતું. એણે એના ધબકારા તપાસવા માટે એની છાતી પર હાથ મૂક્યો કે તરત રીંછે એનો હાથ પકડી લીધો. આ જોઈને મગન ગભરાઈને ઝાડ પર ચઢી ગયો.
આ બાજુ છગનને લઈને રીંછ ગુફામાં જતો રહ્યો. થોડીવાર સુધી મગન ઝાડ પર બેસી રહ્યો. એટલામાં ગુફામાંથી લોહી નીકળતું જોઈ એ દુ:ખી થઈને ઘેર જતો રહ્યો. એણે છગનનો પાનનો ગલ્લો લઈ લીધો અને પોતે ચલાવવા માંડ્યો. એક દિવસ આ રીતે મગન પાનનાં ગલ્લે બેઠો હતો ત્યાં છગન આવી પહોંચ્યો ! એણે મગનને ફેંટ પકડીને બહાર કાઢ્યો અને કીધું, ‘આવ ગદ્દાર, તને મજા ચખાડું છું….’ એમ કહી એણે એને મારવાનું શરૂ કર્યું. અચાનક છગનના મગજમાં કેમિકલ લોચો થયો અને એને ગાંધીબાપુ દેખાયા. ગાંધીબાપુએ કીધું કે બેટા, મારવું સહેલું છે, માફ કરવું અઘરું છે. ત્યાં વળી મગનના મગજમાં પણ કેમિકલ લોચો થયો. એને પણ ગાંધીબાપુ દેખાયા ! ગાંધીબાપુએ એને કીધું કે માફી માગ, માફી માંગવી અઘરી છે લાફા મારવા કરતાં… આમ, મગને માફી માંગી અને છગને એને માફ કરી દીધો. એ પછી બંને દોસ્ત બનીને રહ્યા. ખાધુ, પીધું ને મોજ કરી.
બોધ : રામાયણનો વાલી વધ વાળો એપીસોડ જોયા બાદ તરત ‘લગે રહો મુન્નાભાઈ’ જોતાં જોતાં રીંછ વાળી વાર્તા લખવી નહીં.
[5] સામેવાળા માસી
જેમના કારનામાંઓથી આખી સોસાયટી ત્રાસી છે,
…….એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.
સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની,
સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે.
……એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.
અડધો કચરો આગળવાળાને ત્યાં અને અડધો કચરો પાછળ,
પણ એમની પોતાની સૌથી ચકચકિત અગાસી છે.
……એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.
કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ,
એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.
‘મોંઘા હૈ, થોડા વાજબી બોલો’ , ‘પોન્ચમેં દો, વરના હેંડો’;
હિન્દી તો એમ બોલે જાણે જન્મથી હિન્દીભાષી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.
[6] ચા પ્રેમીની કવિતા
(રાગ – હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ – ‘મરીઝ’)
હું ક્યાં કહું છું આપની બા હોવી જોઈએ,
પણ મળવા તમને આવું તો ચા હોવી જોઈએ.
ચા એકલી થી તો મને ચાલતું નથી ;
શીરો ખાવા મળે એ માટે કથા હોવી જોઈએ.
મારા જેવા માટે તો ચા અમૃત જ તો છે;
પંચામૃતમાં ચા ઉમેરવાની પ્રથા હોવી જોઈએ.
ઓફીસમાં કામ વચ્ચે તો બહુ ટાઈમ ના મળે;
ચા પીવા માટે સ્પેશિયલ રજા હોવી જોઈએ.
દિવસમાં એક પીવો ત્યાં સુધી તો ઠીક છે ‘સાક્ષર’
બાટલા ચડાવવા પડે એવી ટેવ ના હોવી જોઈએ.
[7] સ્વાઈન ફલુની કવિતા
હે પ્રભુ; તમારે સાંભળવા માં થોડી ભૂલ થઇ લાગે છે;
H1N1 આપી દીધો; પણ લોકો તો એચ-૧(વિઝા) માગે છે.
તમે નાનપણથી જ આવી રીતે confuse કરો છો;
‘મેં નહિ માખન ખાયો’ જેવા વાક્યો use કરો છો.
ભૂકંપ, પૂર, પ્રદુષણ ને રમખાણ વિનાનાં જગમાં જ અવતાર લેતા ફાવ્યું છે;
કોઈ દિવસ માણસ બની ને સ્વાઇન ફ્લુથી બચવા માસ્ક લગાવ્યું છે?
ઉપરથી બસ એક નજર મારી ને વિચારતા હશો કે, “બધું છો થાય” .
આવા બધામાં માણસ બનો તો ખબર પડે, કેટલા વીસે સો થાય !!
આ તો તમે સાંભળો છો એટલે થયું તમારા ધ્યાનમાં લાવું;
ચાલો હવે દોષારોપણ મૂકુ ને કામની વાત પર આવું.
શાળા નોકરી બધું બંધ છે અને આટલા બધા લોકો બીમાર;
આ સવાઇન ફ્લુથી હવે તમે જ બચાવી શકશો, વરાહાવતાર.
[8] સાક્ષર કે સલમાનખાન ?
આપણે ત્યાં સુભાષિત છે કે :
સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુ:ખ
ખીજ્યું કરડે પિંડીએ, રીઝ્યું ચાટે મુખ.
એ પરથી એક નવું સુભાષિત :
સોબત કરતાં પુસ્તકની બે બાજુનું માન :
વાંચો તો બનો “સાક્ષર”, ને ઊંચકો તો સલમાન-ખાન.
એક્દમ જોરદાર હાસ્ય-કલમ , મજા આવી ગઈ.
ખાસ કરી ને ->
હું ક્યાં કહું છું આપની બા હોવી જોઈએ,
પણ મળવા તમને આવું તો ચા હોવી જોઈએ
-મીતલ.
તુ ભાઈ મીતલ બૉસ્ટન વાળૉ છે? ઃ)
ચા એ તૉ ભાવનગર માં હતા ત્યારે માઈ અને તગારી ની ચા યાદ કરાવી દિધી સાથે લક્ષ્મી વાળા ના પાપડી ગાંઠીયા અને પપૈયાનુ કચૂમ્બર્ વહેલી સવાર ના.
સહ્કારી હાટ પડખેની લક્ષ્મીની દુકાન્ ? ઇ તો જેણે ગાંઠીયા અને પપૈયાની કચૂમ્બર ખાધી હોય એ ના ભુલી શકે. ભાઈ તમે તો મને ભાવનગરની રવિવાની ચા, ગાંઠીયા અને કચૂમ્બર સભર સવાર યાદ કરાવી .Thanks.
પ્રશ્ન બીજાને અને જવાબ કોઇ બીજાનો જ એવુ થયુ છે તો માફ કરશો.
બેન,
તમે રવિવાર ની ચા, ગાંઠિયા અને કચુંબર (મોં માં પાણી આવી ગયું) યાદ કરી ને જવાબ આપ્યો તો એમાં ખોટું શું લગાડવાનું હોઈ?
એ બહાને અમને પણ જુના દિવસો તાજા થયા.
કેમ બરોબર ને હાર્દિક?
-મીતલ
એકદમ સાચું ભઈલા મિતલ અને વીણાબેન.
આજે થોડા દુર છે પણ ભાવનગર ના સુવર્ણ દિવસૉ હજી પણ આપણા મન માં તાજા છે, જાણી ને આનંદ થયૉ.
ભઈલા હાર્દિક,
બોસ્ટન વાળો તો ગઈ કાલે થયો, પણ મૂળ તો વેરાવળ નો.
આજે જ્યારે પણ સવારે ઉઠી ને ચા જાતે બનાવી ને પીવું છું ત્યારે ધીરુભાઈ ની ચા અને માઈ ની ચા યાદ આવ્યા વિના ના રહે.
સાથે જ, તાગારી ની ચા રાત્રે અને લક્ષ્મી ના ગાંઠિયા-જલેબી તો ખૂબ યાદ આવે.
ખરેખર, આપણી હોસ્ટેલ યાદ આવી ગઈ.
-મીતલ
મ્રુગેશભાઇ,
મારી અમુક રચનાઓનુ સન્કલન કરી અહીં પ્રકાશિત કરવા બદલ ખુબ ખુબ આભાર. 🙂
– સાક્ષર
શ્રી સાક્ષરભાઈ,
સરસ હાસ્યથી ભરપૂર લખ્યુ છે. વાંચવાની મઝા આવી. આ રીતે હસાવતા રહેજો.
આભાર્.
સાક્ષરભાઈ,
મને એ જાણવુ છે કે અમેરિકનો તમારા નામનુ ઉચ્ચારણ કઈ રીતે કરે છે ???
નયન
શિખવાડ્યા વગર “સકશાર” અને ટુકડા પાડીને શીખવાડીએ કે “સાક” + “શર”
તો “સાક્શાર”
🙂
તમારો બ્લોગ બહુ ખતરનાક છે ભાઈ, લખતા રહેજો.
જવાબ આપવા બદલ આભાર,
નયન
Sakshar…. it was great reading your creation. Keep it up…
અમારી પ્રિય કલમ છે!
મજા પડી ગઇ!
મજા પડી ગઈ, પણ…
શિર્ષકમાં ‘હા હોવી જોઇએ’ અને ગઝલમાં ‘બા હોવી જોઇએ’ એવું કેમ?
કઈક જુદી અને એટલે વાંચવી ગમે તેવી કલમ
સાક્ષરભાઈ મજા આવી ગઈ, એકદમ ઓરિજીનલ, વિવિધતાથી ભરપૂર હાસ્યરચનાઓ. પંચલાઈનો પણ ખૂબ સરસ.
મંદીના સમયની એક નોન-વેજ જોક યાદ આવી ગઈ.
પોલ્ટ્રી ફાર્મના માલિકે દરેક મરઘીને સૂચના આપી દીધી કે જો રોજના બે ઇંડા નહીં આપો તો કપાઈ જવુ પડશે. બીજા દિવસે માલિકે જોયુ તો એક ને છોડીને દરેકે બે-બે ઇંડા મૂક્યા હતા. માલિકે પૂછ્યુ કે તે કેમ એક જ ઇંડુ આપ્યુ. સામેથી જવાબ મળ્યો,” આ પણ ઘણી મુશ્કેલીથી આપ્યુ છે, હું તો મરઘો છું”
લખતા રહેજો સાક્ષરભાઈ,
નયન
હા હા હા….. Terror of laying off 🙂
સુંદર હાસ્યથી તરબતર સંકલન.
સાક્ષરભાઇ લખતાં રહે તેવી શુભેચ્છાઓ.
અરે, મૃગેશભાઈ – સાક્ષરના બ્લોગનું URL તો આપો!! જુઓ: http://saksharthakkar.wordpress.com
સમબ્લોગીને રીડ ગુજરાતી, પર દેખી આજ રે
વાંચ્યા પછી જો હાસ્ય ન વેરે, સકલ લોક તેને નીંદે રે !
(નરસિઁહ મહેતાની ક્ષમા યાચના સાથે)
ભાઇશ્રેી સાક્ષરને અભિનંદન !
બહુજ સુંદર રચનાઓ. ખાસકરી ને પગલુછણીયા ની આત્મકથા નુ વાક્ય, ‘ ગરીબો જે સુખ આપી શકે છે એ અમીરો નહીં આપી શકે. આખરે મારું જીવન સાર્થક થયું.’ દિલ ને ખુબ છુઈ ગયુ. સાક્ષરભાઈ આવુજ સરસ લખતા રહો અને તમારી કેરીયર મા પણ ઉત્તરોઉત્તર પ્રગતી કરતા રહો એવી પ્રભુ ને પ્રાથના.
કોનો આભાર મા ન વો?……બ હુ જ સ ર સ્……..
very fresh and healthy article………..keep it up………..
સાક્ષરભાઈ,
પગલુછણિયાની આત્મકથા, સામેવાળા માસી, ચા પ્રેમીની કવિતા અને સ્વાઈન ફલુની કવિતા એ ખરેખર મજા કરાવી. તમારી સૂઝ અને લખાણ / રજૂઆત બહુ પસંદ આવ્યા.
આવી કૃતિઓ આપના તરફ થી વારંવાર વાંચવા મળે એવી આશા.
નિગમ
Hi!
Khub j Maja aavi……Khub J Saras Lekho chhe badha….Khas Kari ne je Bracket ma lakhava ni style sauthi sari chhe
રામાયણનો વાલી વધ વાળો એપીસોડ જોયા બાદ તરત ‘લગે રહો મુન્નાભાઈ’ જોતાં જોતાં રીંછ વાળી વાર્તા લખવી નહીં.
ખુબ જ સરસ . . .
The Beauty lies in debugging the gujju bugs without changing the original code.
😀 😀
ખૂબ સરસ . બહુજ મજા આવી .
હાસ્ય સભર વાતો. દરેક પ્રસંગમાં વિવિધતા .
પરંતું પગલુછણિયાની આત્મકાથએ હાસ્ય સાથે હલચલ મચાવી.
સાક્ષરભાઈનો આભાર્.
મૃગેશભાઈ આપનો આભાર્ .
કીર્તિદા
ખૂબ સુંદર રચનાઓ.
અતિ યુવાન સાક્ષરભાઈની રચનાઓ વાંચી અતિ પ્રાચીન ‘પંચતંત્ર’ની કથાઓ યાદ આવી ગઈ.
આજના સમયની આવી સુંદર મૌલિક રચનાઓ આપનાર સાક્ષરભાઈ જો લેખન પ્રવૃત્તિ ચાલુ રાખશે તો સાહિત્ય જગતમાં સફળતા પામશે એ નિઃશંક છે. એમને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છા.
વાહ..ખુબ સુંદર રચનાઓ.
khub j saras articles khas kari ne paglunhayia ni atma katha
Thakkar saheb tamara ma future na kakasaheb kalelkar na darshan thay che..
very nice and different.
Awesome….made my morning…
Very different…. Very enjoyable…. Had a great time reading them all….
Thank you,
Are, Aa To Baap Teva Beta Ane Vad Teva Teta Jevo Ghat Chhe!!!!!
His Father, Harishbhai Our Family Friend, Quite Learned & Jolly.
Badhai Ho Badhai!!!!
fine enjoy, ALL THE BEST.
સાક્ષરભાઈ, દોસ્ત…ખુબ જ મજા પડી ગઈ.હું દાહોદમાંથી દર શનિવારે પ્રકાશિત થતું ”વોઈસ ઓફ દાહોદ” નામે સકારાત્મક સાપ્તાહિક આમ જ મારા મનના સંતોષ માટે ચાલવું છું. મને તમારી ચા-કીડી- પંચાતિયન માશી અરે…દરેક રચના દિલથી ગમી છે, દોસ્ત. મારી કોલમ ”ડોકિયું” દાહોદભરમાં છેલ્લા ૧૮ વર્ષથી સારી લોકચાહના ધરાવે છે.તો એક રીક્વેસ્ટ કરું કે અહી દર્શાવેલ તમારી રચનાઓમાંથી, મારા વાચકોને કૈક નવું વાચવા મળે તેવા શુભાશયથી મારા ”વોઈસ ઓફ દાહોદ” માં લઇ શકું? આ પેપર કઈ મારા માટે ઉપાર્જનનું સાધન નથી..બસ શોખથી તે ચાલે તે માટે દાહોદવાસીઓ તને જાહેરાત આપી સહયોગ આપે છે.એટલે હું તમને ”રીડ ગુજરાતી” ઉપરથી લીધેલી રચનાઓ બદલ કઈ આપી નહિ શકું. જો ”હા” કહેશો તો આભાર.મને મારા ઈમેઈલ ઉપર જવાબ આપી શકશો.? છેલ્લે ફરી મનદુરસ્ત લખી વહેતું કરવા બદલ ગુજરાતીઓ વતી આભાર. અને હા, તમે મારું સાપ્તાહિક http://www.dahod.com ઉપર જોઈ શકશો, જે દર શનિવારે અપડેટ થઇ જ જાય છે.sachindahod@gmail.com
Congratulations to a writer who is a graduate from my BVM College of Engineering. Very Funny. Please keep writing. Thanks
સાક્ષરભાઇ,
તમે તો મજા કરવિ દિધિ.હસિ ને પેટ દુખિ ગયુ.ખુબજ મજા અવિ.
મને અવિ મજા શાહ્બુદ્દિન રાઠોડ ના જોક્સ વાંચિ ને આવે છે.પણ તમારિ રચના પણ ખુબ સરસ છે.
આભાર્.
Amazing!!!! હસી હસીને પેટ દુખી ગયુ!!!!!!! સાક્ષરભાઇ આમ જ લખતા રહો.
આભાર
Too good. Keep cranking…
Ashish Dave
સાક્ષરભાઇ, મજા આવી…ખૂબ સરસ….
બધું જ સરસ.
ખાસ કરીને પહેલી વાર્તાની નોંધ, બીજી વાર્તાનો બોધ, પગલુછણિયાંની આત્મકથા, અને રીંછવાળી વાર્તાનો બોધ બહુ સરસ હતો.
‘મોંઘા હૈ, થોડા વાજબી બોલો’ , ‘પોન્ચમેં દો, વરના હેંડો’;
હિન્દી તો એમ બોલે જાણે જન્મથી હિન્દીભાષી છે.
ખરેખર જોરદાર. 😀
khub maja aavi sunder
khub maja aavi. hu hamsh vicharti hati k chah wado sha mate chah dhodto hase pan have saari rite samzai gayu k aani pachad dedkao nu rahasya chupaye hatu:)