વાત્સલ્યની દીક્ષા – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

પ્રિય સૌમિલ ! રાતના બાર વાગી ગયા છે. શિયાળો શરૂ થયો છે. હવામાં ઠંડક છે. તું તારા નાના પલંગમાં તારો રાત્રીપોશાક પહેરી ટૂંટિયું વાળી સૂતો છે. હું આસ્તેથી તને ઓઢાડું છું. તારા વિખરાયેલા વાળને અને આંસુથી ઓગરાળા પડેલા તારા કોમળ ગાલને ચંદ્રકિરણો ચૂમી રહ્યાં છે. આખા દિવસની નાની નાની અનેકવિધ પ્રવૃત્તિઓને સંકેલી હું સૂવા માટે જઈ રહી છું, પરંતુ અત્યારે મારું ચિત્ત શાંત નથી. તારાં ડૂસકાં અને ગાલ પર ઊઠેલા શોળ મને અસ્વસ્થ કરી રહ્યા છે. તારા પપ્પા રોજની માફક પુસ્તક વાંચતા સૂઈ ગયા છે. પાસેનો ટેબલલેમ્પ બુઝાવ્યો નથી. તને આવી રીતે મારવા માટે કદાચ એમને પણ દુ:ખ થયું હશે, પણ હું તો તારી મા છું. ખાધાપીધા વગર તું સૂઈ ગયો. કદાચ ઊંઘમાં આજે બનેલો બનાવ તું ભૂલી પણ ગયો હશે અને સવારે ઊઠતાની સાથે જ પપ્પાના ખોળામાં તું વહાલથી બેસી જશે, પણ બેટા સૌમિલ, મને એમ થાય છે કે અમે કેટલી વાર ભૂલી જઈએ છીએ કે તું હજી છ વર્ષનો માસુમ બાળક છે !

અમારે તારી પાસેથી જેમ બને તેમ જલદી તારું શૈશવ લઈ તને પુખ્ત ઉંમરનો માણસ બનાવી દેવો છે. સંસ્કારી રીતભાત, સ્વચ્છતા, નિયમિતતા તને શીખવી દેવાં છે. તારું ચાંચલ્ય લઈ તને ઠરેલ બનાવવો છે. પંખીની પાંખોની માફક ઊડતા, ફફડતા તારા પગને સ્થિર કરવા છે. બધી ચીજોને અડકવાની, સ્પર્શીને એને બરાબર જોવાની-જાણવાની તારી એ જિજ્ઞાસાને અમારે અટકાવી તને સલામતી આપવી છે. તારાં મગજ અને કલ્પનાને એક બીબામાં ઢાળી દેવાં છે, એટલે જ તો સૌમુ ! અમારા આ પ્રયાસમાં તારા પર કેટલીય વાર નિરર્થક ગુસ્સો કરીએ છીએ.

કોઈ કોઈ વખત અકારણ તને મારીને અમારી સત્તા અને પ્રભાવ તને બતાવતાં હોઈએ છીએ. અમે એમ જ માનીએ છીએ કે અમે જે કરીએ છીએ એ તારા હિત માટે છે, તને શીખવવા માટે જ છે. એ બહાના હેઠળ અમે કેટલીક વખત બહારની દુનિયા પરનો રોષ, અમારી નિરાશાઓ, જીવનના સંઘર્ષોનું પરિણામ તારા પર ઠાલવતાં હોઈએ છીએ, પણ એ બધું તું ક્યાંથી સમજે ? એક રીતે સારું જ છે કે એ તું નથી સમજતો – માટે જ તો તું એ બધું ભૂલી જઈ, પ્રેમપૂર્વક આવેગથી અમને વળગી પડે છે ! દીકરા ! શું કરીએ ? અમે પણ લાચાર છીએ.

તું મને તારા હાથની એક આંગળી બીજા હાથની આંગળીઓમાં સંતાડી કહે છે : ‘મમ્મી, મારી એક આંગળી ખોવાઈ ગઈ ! તું શોધી કાઢ !’
હું જાણી જોઈને કહું છું, ‘મને ખબર નથી પડતી.’ તું મલકાઈ જાય છે. ‘મમ્મી હું તને શીખવીશ.’ એમ કહી મારા હાથની આંગળી તારી નાજુક આંગળીઓમાંથી સંતાડવાનો પ્રયત્ન કરે છે.
‘મમ્મી, મેં તને શીખવ્યું ને !’ આનંદથી તું કહે છે.
‘હા, ભાઈ હા, તું તો મને એટલું બધું શીખવે છે !’ હું તને વહાલથી ભેટું છું. મારી ભાણેજ અનન્યાને સામાન્ય જ્ઞાનના કેટલાક પ્રશ્નોના જવાબ મેં શોધી આપ્યા ત્યારે એણે પણ એમ જ કહ્યું હતું : ‘મેં તમને કેટલું બધું શીખવ્યું !’

હું પણ એમ જ કહું કે બાળકો પાસેથી આપણે ઘણું શીખવાનું છે. જો ઘડીભર મોટાઓ બાળકો કરતાં ચડિયાતા છે એવું મિથ્યાભિમાન ભૂલી જાય તો દત્તાત્રેયની માફક આપણે પણ બાળકોને ગુરુ તરીકે સ્વીકારવા જ પડે. ખરું પૂછો તો બાળકોમાં જીવનની મુશ્કેલીઓને ભૂલી જઈને સુખ પ્રાપ્ત કરવાની અગાધ શક્તિ હોય છે. લોહીના કૅન્સરની જીવલેણ બીમારીમાં પોતાની વર્ષગાંઠ ઊજવવાનું કે દિવાળીમાં ફોડવાના ફટાકડાની યાદી બનાવવાનું તો બાળક જ કરી શકે. એ જ મૃત્યુનો વિચાર કર્યા વગર મહોલ્લાના કૂતરાના ગલૂડિયાઓને યાદ કરી શકે. સામાન્ય રીતે આપણે કાર્ય સહેતુક કરતાં હોઈએ છીએ. પહેલાં પરિણામનો વિચાર કરીએ છીએ, ત્યારે બાળક માટે કાર્ય જ મહત્વનું છે. કાર્ય કરવામાં જ એને રસ છે. રંગીન ચાકથી કાગળ પર અવનવા રંગો કરવા પૂરતો જ એને રસ હોય છે. ચિત્ર કેવું થશે એની એને મુદ્દલે પડી નથી હોતી. પ્રત્યેક ક્રિયામાંથી આનંદ અનુભવવાની શક્તિ એનામાં ગજબ હોય છે. નાહતા નાહતા સાબુનું ફીણ એ જોયા જ કરે છે. ફૂંક મારવાથી દૂધ ઉપર ફીણ કે મલાઈ હાલી ઊઠે છે એમાં એને કોઈ ચમત્કાર દેખાય છે. રંગબેરંગી કાગળના ટુકડા, લખોટીઓ, પેન્સિલના નાના ટુકડાઓ એવી નજીવી અને નિર્જીવ વસ્તુઓ સાથે રમતાં રમતાં બાળકો કલાકો પસાર કરી શકે છે. એમને મન જીવન સાહસ છે. એમને મન જ્યાં જુઓ ત્યાં વિસ્મય છે.

બાળકોના રાગ, દ્વેષ, ક્રોધ ક્ષણિક હોય છે. મને બરાબર યાદ છે. થોડા દિવસ પહેલાં પ્રશાંત અને પ્રણવનો ઝઘડો થયેલો. પ્રશાંતનો પતંગ પ્રણવે ફાડી નાખેલો. બન્ને વચ્ચે ઝઘડો થયો. બન્ને રડ્યા. પ્રશાંત મને કહે, ‘હવે હું કોઈ દિવસ પ્રણવ સાથે રમવાનો નથી. મને એ જરા પણ ગમતો નથી.’ પણ બીજે દિવસે સાંજે બહારથી હું ઘેર આવી ત્યારે બન્ને અત્યંત આત્મીયતાથી સાથે ખાતા ખાતા રમતા હતા ! મેં પૂછ્યું :
‘પ્રશાંત, તું ગઈકાલે તો કહેતો હતો કે હવે હું પ્રણવ સાથે કોઈ દિવસ રમવાનો જ નથી !’
‘હા, પણ એ તો ગઈકાલે કહ્યું હતું ને !’ પ્રશાંતે ચીડાઈને મને જવાબ આપ્યો. મારો પ્રશ્ન જ એને નકામો લાગ્યો. ગઈકાલની વાત આજે યાદ રાખવાની હોય ? આજ અને અત્યારની ક્ષણમાં જ તેઓ જીવે છે. ન્યાત-જાત, ઊંચ-નીચ, ગરીબ-તવંગરના ભેદ ભૂલી સમાનતાની વાતો મોટાઓ તો ખોટી જ કરતા હોય છે !

સૌમિલને અમારા માળીનો છોકરો મનોજ ખૂબ જ ગમે છે. અમારા મિત્રોના અને સગાઓનાં બાળકો કરતાં મનોજ એને વિશેષ ગમે છે. કારણ કે એ કુશળતાથી સંતાકુકડી રમી શકે છે. પતંગ ઉડાડી શકે છે. એ રેવાબાઈ પાસે અપૂર્વ રસથી વાર્તા સાંભળે છે. સામાજિક દરજ્જાની એને મન કોઈ વિસાત નથી. પ્રાંતભેદ કે ભાષાભેદ એને બહુ નડતો નથી. બહુ જ સહેલાઈથી એ બીજી ભાષા સમજી જાય છે.

બાળકની કલ્પનામાં તાજગી અને મૌલિકતા હોય છે. કુદરતે શૈશવને આપેલી આ બક્ષિસને લીધે જ વાંકાચૂંકા, ચળકતા કે રંગીન પથ્થરમાં – લાકડીમાં અને ઘાસના તણખલામાં એને ખૂબ રસ પડે છે. રોજની સામાન્ય ઘટનાઓમાં અને પરિચિત વસ્તુઓમાં નિતનવું સૌંદર્ય જોવાની બાળકમાં દષ્ટિ હોય છે. એક પછી એક આવતાં સમુદ્રનાં મોજાંને બાળક બે મિત્રોને કુસ્તી કરતા હોય એવા કલ્પે છે, તો કોઈક વખત ઘાસ પર પડતા વરસાદને જોઈને એ કહે છે કે વરસાદ તો ઘાસના વાળ ધૂએ છે ! કાદવના ગંદા ખાબોચિયા પરથી તેલ લઈને જતી ટ્રકમાંથી થોડાંક તેલનાં ટીપાં પડેલાં. એના પર સૂરજનાં કિરણો પડતાં હતાં એ જોઈ સૌમુ હર્ષથી નાચી ઊઠ્યો : ‘જો, જો, મમ્મી ! આકાશમાંથી મેઘધનુષ અહીં રમવા આવ્યું છે.’ આ માત્ર શબ્દોની રમત નથી, પરંતુ એક અનોખી કાવ્યાત્મક દષ્ટિનું જ પરિણામ અને પરિપાક છે.

બાળકોમાં વિનોદવૃત્તિ પણ સારા પ્રમાણમાં હોય છે. એમાં કટાક્ષ કે દંશ નથી હોતા, પણ મોટે ભાગે સત્ય અને નિખાલસતા જ હોય છે. ઘણી વખત બાળકો એવું બોલતાં હોય છે કે વડીલો મુશ્કેલીમાં અને કઢંગી સ્થિતિમાં મુકાઈ જાય. બાળમંદિરમાં ભણતી ત્રણ-ચાર વર્ષની ઍવાને પૂછવામાં આવ્યું કે, ‘મોટી થઈને તું શું થવા માગે છે ?’
એણે સરળતાથી જવાબ આપ્યો : ‘મમ્મી.’
વાત પર ઢાંકપિછોડો કરતાં કે શિષ્ટાચારનો દંભ કરતાં એમને આવડતું હોતું નથી. ઘરે મહેમાન આવ્યા હતા. સુનીલની મમ્મીને એ બહુ પસંદ નહોતું એટલે રસોઈ કરતાં એ બોલી : ‘ઓ ભગવાન, આવા ચીટકુ મહેમાનો ક્યાંથી ટપકી પડે છે ? એમનાથી તું બચાવે તો સારું !’… રાતે જમવાનો સમય થયો. સુનીલના પિતાએ મહેમાન સમક્ષ પુત્રની આવડત બતાવતાં કહ્યું : ‘સુનીલ, જમતાં પહેલાં ભગવાનની પ્રાર્થના કરી લો.’ એ કંઈ બોલ્યો નહિ. એના પિતાએ ફરીથી આગ્રહ કરતાં કહ્યું, ‘મમ્મી પ્રાર્થના કરે છે એમ તું કર.’ એટલે આંખ બંધ કરી હાથ જોડી પ્રાર્થના કરતો હોય એમ એ બોલ્યો : ‘ભગવાન, ચિટકુ મહેમાનોથી તું બચાવે તો સારું !’

બાળકોના આ ગુણગાનથી તમે એમ ના માની લેતાં કે બાળકો આ પૃથ્વી પર આવેલા નાના ફિરસ્તાઓ છે. ખરું પૂછો તો તેઓ પરિસ્થિતિનો લાભ ઉઠાવનારાં હોય છે. આપણી નબળાઈ એ જાણે છે અને એનો લાભ ઉઠાવે છે. માનવસ્વભાવના તેઓ જાણકાર હોય છે અને આપણને બરાબર માપી લે છે. શાળામાં જતી વખતે માંદા પડતા એમને આવડે છે. મહેમાનો ઘરે આવ્યા હોય ત્યારે મીઠાઈના ત્રણ-ચાર કટકા સિફતથી મોંમાં મૂકી દે છે. ક્યારે રડવું, ક્યારે જીદ કરી મનપસંદ ચીજ લેવી એની સરસ આવડત એમનામાં હોય છે ! પરંતુ એક વાત નક્કી છે કે માતાપિતા, પુસ્તકો, શિક્ષકો અને સમાજ પાસેથી આપણે ઉછીના લીધેલા જીવન પ્રત્યેના વિચારો છોડી દઈએ અને એમને સતત ફાસ્ટ ટ્રેનના પાટા પર દેખાદેખી દોડાવતાં ન રહીએ તો બાળકને ઉછેરવાનો સાચો આનંદ માણી શકીશું. એટલું જ નહીં, પણ આપણે બાળકની જિજ્ઞાસા, તાજગી અને પ્રફુલ્લતા કેળવીએ તો જીવન વધુ સુખદ અને આનંદમય જરૂર બને. આનંદની આજની ક્ષણને આપણે ગઈકાલની મુશ્કેલીઓથી અને આવતી કાલની ચિંતાથી ભરી નહીં દઈએ.

બાળક પાસેથી આટલું પ્રાપ્ત કરવા માટે આપણે આપણા મનનાં દ્વાર ખુલ્લાં રાખવા પડશે અને આપણે જ બાળકને બધું શીખવીએ છીએ એ ભ્રમમાંથી મુક્ત થવું પડશે. સાચે જ બાળક વાત્સલ્યની દીક્ષા આપી આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાક્ષરનો સાક્ષાત્કાર – સાક્ષર ઠક્કર
આમ આદમીની વાત – સંકલિત Next »   

15 પ્રતિભાવો : વાત્સલ્યની દીક્ષા – જયવતી કાજી

 1. nayan panchal says:

  સાચે જ બાળક વાત્સલ્યની દીક્ષા આપી આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. કેટલી સાચી વાત !! ક્યાંક વાંચ્યુ હતુ કે બાળકના જન્મની સાથે જ માતાપિતાનો જન્મ થાય છે અને પછી બંને સાથે મોટા થાય છે.

  બાળકો જે રીતે બિંદાસ જીવન જીવે છે, જે રીતે નાની નાની વાતમાંથી આનંદ શોધી લે છે તે અનુકરણીય છે. પરંતુ આજકાલના બાળકો પણ બહુ જલ્દી મોટા થઈ જતા હોય છે એવુ નથી લાગતું !!!

  સરસ લેખ,
  આભાર.

 2. ખુબ જ સુંદર વાત.

  બાળકના મનને સમજી ને વર્તીને એજ વાત્સલ્યની સાચી દીક્ષા.

 3. જોરદાર

  મજા પડી ગઈ

 4. trupti says:

  જયવંતી બહેન,

  તમે તો વાચકોને તેમનું પોતાનું તેમજ તેમના પોતાના બાળકો નું પણ બાળપણ યાદ કરાવી દીધું. જે પ્રમાણે તમે લેખના બાળકને ચિત્ર્યો છે અને જેમ તેની મમ્મી લાગણી ને પ્રેમ બાળક પર વરસાવે છે તે વાંચી ને મને મારી દિકરી નું બાળપણ યાદ આવી ગયુ અને બાળક મા મને તેના દર્શન થયા. સુંદર લેખ આપવા બદલ આપને અભિનંદન. તમને તો ઘણી વાર વાચ્યા છે અને લાડ-વાડી મુંબઈ મા સાભ્ળ્યા પણ છે.

 5. જગત દવે says:

  હું તો………મારી ૧ વર્ષની અને ૭ વર્ષની દિકરીઓનાં બાળપણ ને અને ભોળપણને ભરપૂર માણી રહ્યો છું.

  તેમના દ્રારા હું મને વધારે ને વધારે ઓળખવાનો પ્રયાસ કરતો જાઉ છું. મારા બાળકો અને મારામાં રહેલો બાળક મને જીવંત રાખે છે.

  જીવન જીવ્ય, સહ્ય, ભવ્ય, ક્વ્ય અને ધન્ય લાગે છે.

 6. jatin maru says:

  khub j saras lekh chhe. ajaanta j aapne aapna baalko sathe kevo durvyavahar karta hoiye chhiye, jo jarak aapni angat samasyao ane gharsano bhuli ne baalak ni andar dokiyu kariye to ketli pavitrata ane nirmalta saampde 6. aavo saras lekh lakhi ne dhyan kechva badal aabhaar.

 7. Veena Dave. USA says:

  ખુબ સરસ લેખ્.
  લેખ વાંચતા આંખમાં આંસુ ઉભરાયા.
  કેટ્લા સરસ અને ચોટદાર વાક્યો લેખમાં છે.
  ઘરડા મા-બાપને યુવાન સંતાનો હેરાન કરે તેની સમાજ નોંધ લે છે તેવી જ રીતે બાળકોને મારતા મા-બાપની નોંધ માટે મા. જયવતીબેનને સલામ. આપ મારા પ્રિય લેખકો પૈકીના એક લેખક . આપના અખંડ આનંદમા આવતા લેખ ખુબ સરસ હોય છે.

 8. Viren Shah says:

  જયવતીબહેનના બધા જ લેખો ખુબ જ સારા હોય છે. આ લેખ વાંચવાની પણ ઘણી જ મજા આવી.

 9. Rajni Gohil says:

  બાળકો સાથે તેમના જેવા થઇને રમીએ તો કેટલો આનંદ પામી શકાય છે તે આપણા બધાનો અનુભવ હશે. પણ એમાંથી આપણે શું શીખ્યા છીએ? બાળકો પાસેથી સહજ રીતે કેટ્લી બધી વાતો શીખી શકાય છે તે જયવતીબેને આપણને ખૂબ જ સરસ શબ્દોમાં સમજાવ્યું છે. અત્યારથી જ બાળકો પાસેથી શીખવાની શરૂઆત કરી દઇએ અને તે રીતે જયવતીબેનને અભિનંદન આપીએ એ વધુ ઉચિત ગણાશે.

 10. Mitali says:

  Truly a wonderful article to read in the moarning. Very good.

 11. Ramesh Desai. USA says:

  ખુબ મજા પઙી ગઈ.લેખકને ખુબ આભાર.

 12. Gopal Shah says:

  વાહ બહુ સરસ લેખ…. મારો દિકરો જ્યારે મારી અઢિવર્ષની પૌત્રીપર ગુસ્સો કરે ત્યારે હંમેશા કહુ છું કે તુ ૩૨ વર્ષનો છે અને મારી ઢિંગલિ અઢિ વર્ષની – તુ એનિ પાસે ૩૨ વર્ષ ના વ્યક્તી નિ સમજ હોય તેમ વર્તે છે…. એ ને થોડુ સમજાય કે આવી ધમાલ-મસ્તી ના થાય… જો આપણે આવી આશા રાખીયે તો પછી આપણે પોતે કેમ એ બાળક જેવુ નથિ વિચારતા? હુ અને કહુ કે અમે તમને ત્રણ ને મોટા કર્યા – પણ કોઈ પણ દિવસ હાથ નથિ ઉઠાયો – ખાલિ આંખો નિ બિક…. મારવાથિ બાળક નફ્ફ્ટ બની જાય અને પછિ ગણકારે નહી…. એને બાળક બની ને સમજાવુજોઈએ… નહી કે મોટા માણસની જેમ… જો તમે બાળક ને મિત્ર બની સમજાવશો તો તે જલદી સમજશે અને જો મોટા થઈ ને સમજાવા જાશો તો એ કદાચ નહી સમજી શકે…. બાળકો નો દ્રષ્ટિ કોણ બહુ જુદો અને સાવ સાધારણ હોય છે…. પણ ઘણી વખત આપડે “મોટા” લોકો એને નથિ જોઈ શકતા….

 13. જય પટેલ says:

  બાળકોના મનોવિજ્ઞાન પર ઉંડાણપૂર્વકનું મનોમંથન કરતો અભ્યાસપૂર્ણ લેખ.

  બાળકોની નિર્દોષતા…કુતુહલતા ઝીનવી લેવી કદાચ દૂનિયાનો સૌથી મોટો અપરાધ હશે ( અનરેકગનાઈઝડ ).
  આજે દરેક ક્ષેત્રમાં હોડ લાગી છે….રીસોર્સીસ ઓછા અને માનવીઓનો મહાસાગર.
  ફૂલ જેવા બાળકો પર મા-બાપ….સ્કૂલ…સમાજ વગેરેનું અસહનિય દબાણ હોય છે….લેખિકાએ કહ્યું તેમ
  મા-બાપને ઉતાવળ છે બાળકોને જલ્દી મોટા કરવાની…જેથી હોડમાં પાછા ના પડી જાય…!!

  આજનો માહોલ જ એવો છે કે બાળક ક્યારે તેનું બાળપણ ગુમાવી કિશોર બને અને પછી યુવક બને તેનો
  અહેસાસ પણ થતો નથી.

  …..આવો એવો સમાજ રચીએ જ્યાં બાળકો તેમની નિર્દોષતાના સ્વર્ગમાં મુકત મને મહાલે….અને
  આપણી પર અખુટ વ્હાલ વરસાવે.

 14. shwetal says:

  I can just say this is brilliant article. glad to read it

 15. jagruti shah says:

  આજ મા જિવો બાલક પાસેથિ ઘનુ શિખવનુ ચ્હે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.