એક પત્ર…..એક જવાબ – ડૉ. ચારૂતા ગણાત્રા

[વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર એવા ચારૂતાબેનની (રાજકોટ) કૃતિઓ જનકલ્યાણ સહિત અન્ય અનેક સાહિત્યિક સામાયિકોમાં સ્થાન પામતી રહે છે. તાજેતરમાં તેમની આ કૃતિઓ ‘સ્પંદન’ નામના પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આજે માણીએ તેમાંથી એક વાર્તા. આપ તેમનો આ સરનામે dr_charuta81@rediffmail.com અથવા આ નંબર પર +91 281 2467109 સંપર્ક કરી શકો છો.]

પ્રિય માનસી,
Picture 105સંબોધન વાંચી તમને આશ્ચર્ય જરૂર થશે. મારા અક્ષર પરથી તો કદાચ તમે મને ઓળખી શક્યા હશો. હા, હું જતીન છું. જે આજથી દસ વર્ષ પહેલાં તમારો પતિ હતો. હવે તો આપણે બંને એકબીજા માટે અજાણી વ્યક્તિઓ જ કહેવાઈએ. તમને સંબોધન ‘પ્રિય માનસી’નું કર્યું છે એ બદલ પણ માફી ચાહું છું. ભૂતકાળના પતિ તરીકે ફક્ત એક જ અપેક્ષા રાખું છું કે મારો પત્ર તમે પૂરો વાંચશો….

માનસી, આપણા લવમેરેજ હતાં તે તો તમને યાદ હશે. સગાઈ પછી એકબીજાને સમજવાની શરૂઆત કરનાર બે અજાણી વ્યક્તિઓ જેવું આપણે નહોતું બન્યું. આપણી સગાઈ થઈ ત્યારે પણ આપણે એકબીજાને સારી રીતે જ જાણતા હતા. કહે છે કે સગાઈથી લગ્ન સુધીનો સમય સુવર્ણકાળ કહેવાય. પણ આપણા બંનેના જીવનમાં તો પ્રથમ પરિચયથી સગાઈ સુધીનો અને સગાઈથી લગ્ન સુધીનો એમ બે સુવર્ણકાળ આવ્યા. આ દરમિયાન આપણે કલ્પનાઓમાં પણ જીવતા અને સાથોસાથ વાસ્તવિક જીવનમાં પણ જીવતા. કેટલા ધામધૂમથી આપણા લગ્ન થયા હતા…. હજી પણ મને યાદ છે, એ ડાન્સ પાર્ટી, આપણા લગ્ન પછીનું જમણ, રીસેપ્શન… જાણે આપણા લગ્નમાં આખું ગામ ઊમટી પડ્યું હતું… અને આપણે બંને પણ કેટલા ખુશ હતાં…..

આપણા લગ્ન પછી પણ દિવસો સુધી લોકો એ આપણા લગ્નની ધામધૂમ વાગોળી હતી. લગ્ન પછી આપણે ફરવા ગયા ત્યારના તારા ઉદ્દગાર પણ બરોબર યાદ છે માનસી. તેં… સોરી તમે મને કહ્યું હતું, ‘જતીન, બંધ આંખે કરેલ સુખી જીવનની કલ્પનાઓ આજે સાકાર થઈ ગઈ છે… ‘સુખ’ નામનું પતંગિયું-રંગબેરંગી પતંગિયું આજે આપણી પાસે છે. આપણે તેને ક્યારેય ક્યાંય નહીં ઊડવા દઈએ.’ સુંદર જીવનની મધુર કલ્પનાઓમાંથી કદાચ એક ઝાટકે જ આપણે બહાર આવી ગયા હતા. મને હજી યાદ છે માનસી કે તમારી બહેન દીપિકા અને મારી બહેન સુલભા – બંનેએ આપણી કાનભંભેરણી કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. હું ઑફિસથી કામકાજને કારણે મોડો આવું તો દીપિકા તમને મારા વિરુદ્ધ કહેતી. જો કે તમને આ બાબતોથી કોઈ ખાસ ફરક ન પડતો.

કારણ કે આપણા સબંધોના પાયામાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હતો. અને તે દિવસે જ્યારે તમે વરસાદમાં ફસાવાને કારણે તમારી સહેલી જ્યોતિના ઘરે રોકાયા અને તેમનો ભાઈ તમને ઘરે મૂકવા આવ્યો ત્યારે તમે એને હસીને આવજો કહેલું અને એ દિવસે આપણા ઘરમાં મહાભારત રચાઈ ગયું હતું. પહેલી વખત મેં તમારી ઉપર અવિશ્વાસ કર્યો… અને ત્યાર પછી તો સુલભાદીદીની વાતથી મારું મગજ ભમી જતું ! હું તમારી ઉપર વાતે વાતે અવિશ્વાસ કરવા લાગ્યો. મારા દરેક અવિશ્વાસને તમે મધુરતાથી વિશ્વાસમાં ફેરવવા મથતા… અને તે દિવસે તો…… ઓહ ! એ ભૂલનું પ્રાયશ્ચિત હું આજે પણ કરું છું…. તે દિવસે ફરી મેં તમને જ્યોતિના ભાઈ અભિલાષ સાથે જોયા. તમે અભિલાષનાં ખભે હાથ મૂકી ઘરે આવતા હતા… અને હું શું…. શું બોલી ગયો. મારી પત્ની પર મેં શંકા કરી હતી. હકીકતે તે દિવસે બજારમાંથી ફરતા તમે સ્કૂટર સાથે અથડાઈ ગયા હતા અને સારું એવું વાગ્યું હતું. અભિલાષે તમને ત્યાં રસ્તા ઉપર કણસતા જોઈ સારવાર માટે તમને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. એ પછી તમે તેમનો ખભાનો સહારો લઈને લંગડાતી ચાલે ઘરમાં પ્રવેશ્યા… તમારા હાથપગના ડ્રેસિંગ અને પાટાપીંડી અવગણી હું તમારા ઉપર તાડૂક્યો…. જે મારી જિંદગીની સૌથી મોટી અક્ષમ્ય ભૂલ હતી.

એ ભૂલની સજા મને મળી… મળવી જ જોઈતી હતી… સુખ નામનું પતંગિયું ઊડી ગયું. આપણે બંને અલગ થઈ ગયાં. હા માનસી, છુટાછેડા નામનું એ તીર આપણા સુખી જીવનને વીંધી ગયું. અને હું સ્વીકારું છું કે એ તીર આપણા જીવનમાં આવ્યું એ મારી જ ભૂલ હતી. ખેર ! કડવા ભૂતકાળની યાદોને કારણે તમારું જીવન હું કડવું કરવા નથી માગતો. મૃત્યુ પહેલાં માનવીને તેના જીવન દરમિયાન કરેલ ભૂલો દેખાય છે એવું કહેવાય છે. હું તો વર્ષોથી આ બાબતે પ્રાયશ્ચિત કરું છું… જીવનના છેલ્લા દિવસોમાં મને મારી ભૂલો ફરી ફરીને યાદ આવે છે. અને સાથે એક ઈચ્છા એવી પણ થાય છે કે તમને રૂબરૂ મળીને માફી માગું. હું અત્યારે મારા જૂના ઘરે જ છું, જ્યાં એક વખત આપણે બંનેએ સ્વપ્નોનો મધુર સંસાર રચ્યો હતો…. પણ આપણે છુટા પડ્યા એ હું ઈશ્વર પર નહીં ઢોળું કારણ કે મારી ભૂલે આપણે છુટા પડ્યા હતા. તમારી એકલતાને પૂરવા પછી તો અભિલાષે તમારી સાથે લગ્ન પણ કર્યાં.

મારા મનનું ભૂત ધીમે ધીમે ઊતરતું ગયું. સુલભાદીદીના તો લગ્ન પણ થઈ ગયા. હું એકલો પડી ગયો હતો.. હવે હું ફક્ત યાદોના સહારે જ જીવન વિતાવી દેવા માગતો હતો…. મારી ભૂલોનું પ્રાયશ્ચિત કરવામાં… પણ માનસી, આજે શરીર હવે અશક્ત બની ગયું છે. તમને ફક્ત એક વખત મળવાની ઈચ્છા છે.. આશા છે, તમે તથા અભિલાષ મને મળવા…. મને છેલ્લી વખત મળવા જરૂર આવશો….

તમારી પ્રતિક્ષામાં.
લિ.
જતીન.

‘આ લે માનસી, તારો પત્ર આવ્યો છે….’ અભિલાષે માનસીને પત્ર આપ્યો.
‘કોનો પત્ર આવ્યો છે ? તે પણ મારા નામે ? મમ્મી-પપ્પા સાથે તો હમણાં જ વાત કરી. જ્યોતિ-દીપિકા ક્યારેક પત્ર ન લખે… તો પછી… વાંચ્યો તમે પત્ર ? કોનો પત્ર છે ?’ માનસી બોલી.
‘જતીનનો પત્ર છે માનસી. મેં પત્ર વાંચ્યો. તે તને… આપણને બંનેને મળવા માગે છે….’
‘તમે તો બધું જાણો છો, અભિલાષ. પત્ર વાંચીને ફાડી જ નાખવો હતો ને… લાવો, હું ફાડી નાખું છું. મારે જતીન સાથે વળી શું સંબંધ !’ અને માનસી એ પત્ર ફાડવા હાથમાં લીધો.
‘માનસી ! પત્ર વાંચી તો લે.. જતીન તારી માફી માગે છે…’ અભિલાષ માનસીને સમજાવતાં બોલ્યો.
‘બધું જાણવા છતાં !… જતીનને કારણે તો….’ છેવટે માનસીએ પત્ર વાંચવો શરૂ કર્યો. પત્ર વાંચવો પૂરો કર્યો ત્યારે માનસીની આંખો ભીની બની હતી. હવે તે નરમાશથી બોલી, ‘શું કરશું અભિલાષ ? પત્રનો જવાબ લખી નાખું છું કે મેં તને માફ કર્યો છે. મળવા જવાનું તો કેટલી હદે યોગ્ય ગણાશે ?’
‘માનસી, તે આપણને બંનેને મળવા માગે છે. પત્ર વાંચ્યા પછી મને લાગે છે કે તેની પાસે જીવનમાં બહુ દિવસો જમા નથી. પત્રનો જવાબ લખવાને બદલે આપણે ત્યાં રૂબરૂ જ જવું જોઈએ.’ અભિલાષે માનસીને સમજાવી.

તે દિવસે સાંજે જ અભિલાષ અને માનસી જતીનને મળવા ગયા. અભિલાષનાં કહેવાથી માનસીએ જતીનને ભાવતો ગાજરનો હલવો તથા ઈડલી-સાંભાર અને ચટણી બનાવીને સાથે લીધા હતાં. ઘર નજીક આવતું હતું તેમ તેમ માનસીના મનની દ્વિધા વધતી જતી હતી. જતીન સાથે શું વાત કરવી ? ઘર કેવું હશે ? આંગણામાં બગીચો એવો ને એવો હશે કે નહીં ? વગેરે અનેક પ્રશ્નોથી મુંઝાતી માનસી ગાડીમાં ચુપચાપ બેઠી હતી. ગાડીને બ્રેક લાગી એટલે માનસીના વિચારોની શ્રુંખલા તૂટી. તે અભિલાષ સાથે ઘર સામે જઈ ઊભી રહી.

પહેલી વખત જ્યારે તે આ ઘરમાં આવી હતી તે દ્રશ્ય તેને યાદ આવ્યું પણ જૂની યાદ ખંખેરી તેણે ડોરબેલ વગાડી. દરવાજો ખુલે ત્યાં સુધીમાં તેણે બહાર નજર કરી. આંગણામાં તેણે જે રીતે ફેરફાર કર્યા હતા તે યથાવત હતું. બગીચો પણ સુંદર માવજત પામેલો હતો. ગુલાબ-મોગરો-પારિજાતનાં ફૂલો આંગણું મહેકાવતાં હતાં. માનસીને એક ક્ષણ માટે વિચાર આવી ગયો કે જતીને તો બીજા લગ્ન નથી કર્યાં તેમ લખ્યું હતું… તો પછી… શું બધું જતીન જાતે કરતો હશે ? તેને તો બગીચો બિલકુલ નહોતો ગમતો….. માનસી ફરી ડોરબેલ વગાડવા જતી હતી ત્યાં દરવાજો ખુલ્યો. જતીને જ દરવાજો ખોલ્યો હતો.
‘આવો અભિલાષ… આવો માનસી…. હું તમારી જ રાહ જોતો હતો… આવો બેસો….’
‘જતીન ! તમારું શરીર તો ખુબ નબળું પડી ગયું છે. તબિયત તો બરોબર છે ને ?’ અભિલાષે વાતની શરૂઆત કરતાં કહ્યું.
‘અભિલાષ, આજથી દસ વર્ષ પહેલાં કરેલી ભૂલનું પરિણામ તો ભોગવવાનું જ હતું ને ! કોઈ નિર્દોષ વ્યક્તિને વિના કારણે દુભવી એ શું નાનો અપરાધ છે ? ખેર, આજે તમે મારી વિનંતીને માન આપીને આવ્યા એ બદલ હું તમારો આભારી છું.’ અને જતીને માનસી સામે જોયું. માનસી કંઈ બોલી નહીં.
અભિલાષે કહ્યું : ‘માનસી, તું જતીન માટે કંઈક લાવી છો….’ અને માનસી ઝબકી ગઈ.
‘હં…..હા, હું રસોડામાંથી ડિશ લઈ આવું….’ કહી માનસી ઊભી થઈ અને ક્ષણાર્ધ અટકીને જતીન સામે જોયું.
‘માનસી, રસોડામાં તમે હંમેશા રાખતા હતા ત્યાં ડાબી બાજુ કબાટમાં જ ડિશો પડી છે… કાચની ડિશો..’ જતીન બોલ્યો.

માનસીએ રસોડામાં જઈને જોયું તો કબાટમાં વ્યવસ્થિત રીતે ડિશો પડી હતી. માનસીને ફરી વિચાર આવ્યો કે, ‘આ તો મારી ગોઠવણી પ્રમાણે જ બધું પડ્યું છે.’ તે ડિશો લઈને બહાર આવી અને ટેબલ પર ઈડલી, સાંભાર, ગાજરનો હલવો વગેરે લઈ પીરસીને અભિલાષ અને જતીનને જમવા બોલાવ્યા. ટેબલ પર બધા જમવા બેઠાં. પણ વાતાવરણમાં ચૂપકીદી હતી. આખરે જતીને જ મૌન તોડ્યું :
‘માનસી, ઘરનાં ખૂણેખૂણામાં ગોઠવાયેલ તમારી પસંદગીની વસ્તુઓ જોઈ તમને નવાઈ તો લાગતી હશે. પણ હકીકત એ છે કે આ બધી યાદ જ મારા જીવવાનો સહારો બની રહી છે. જિંદગીની સૌથી મોટી ભૂલને હું ક્યારેય નહીં ભૂલી શકું.’
‘જતીન, ભૂલ તો થતાં થઈ ગઈ. પણ હવે જૂની વાતો ભૂલી જવી જોઈએ. મેં તમને માફ કરી દીધા છે. તમે પણ તમારી જાતને અપરાધી માનવાનું છોડી જિંદગી નવેસરથી શરૂ કરો. હજી મોડું થયું ન કહેવાય.’ માનસી બોલી.
‘માનસી, સુખ નામનું પતંગિયું મારા જીવનમાંથી ઊડ્યા પછી પાછું આવ્યું જ નથી…. હકીકતે મેં એ પતંગિયાને ક્યારેય નથી ઈચ્છ્યું. બાય ધ વે…. મને માફ કરવા બદલ આભાર. અને આજના ભોજન બદલ પણ આભાર.’ જતીન બોલ્યો.

જમી લીધા પછી જતીન અંદર જઈ થોડા કાગળ સાથે બહાર આવ્યો.
‘અભિલાષ, આ કાગળ લો….’
‘શું છે આ કાગળમાં ?’ અભિલાષે પૂછ્યું.
‘અભિલાષ, હું અને માનસી છુટ્ટા પડ્યા પછી થોડા વખતમાં જ મને ખબર પડી કે મને બ્લડ કેન્સર છે. ડૉક્ટરોએ હવે તો છેલ્લો એક-બે મહિનાનો સમય આપી દીધો છે. આ મારું વીલ છે. મારે આગળ પાછળ બીજું કોઈ નથી. હું બધી સંપત્તિ માનસીના નામે કરી દેવા માગું છું અને સાથે એક નાનકડી વિનંતી પણ છે….’ જતીનની વાત સાંભળી માનસી તથા અભિલાષ સ્તબ્ધ બની ગયાં.
‘તમારી જે ઈચ્છા હોય તે કહો… અને અમે તમને કંઈ નહીં થવા દઈએ. બીજા કોઈ ડૉક્ટરની સારવાર પણ કરાવીએ….’ અભિલાષ બોલ્યો.
‘અભિલાષ, ડૉક્ટરો પાસે દોડાદોડીનો હવે કોઈ અર્થ નથી. હું મારો અંત જાણું છું. મારી ઈચ્છા એવી છે કે મારા મૃત્યુ પછી તમે મારા અંતિમ સંસ્કાર કરો અને મારી રાખ અહીં બગીચામાં જ છાંટી દેજો. હું મર્યા પછી પણ અહીં જ રહેવા માગું છું…..’ જતીનની વાત સાંભળી માનસીની આંખો ફરી ભીની બની ગઈ.
‘માનસી, મારા માટે તો એટલું જ બસ છે કે તમે મને અહીં મળવા આવ્યા અને અભિલાષે તમને અહીં લાવીને એક સારા પતિ હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાગળ તમે સંભાળો… આજની સાંજ સારી રીતે પસાર થઈ એની યાદગીરી સાથે હું શાંતિથી મરી શકીશ.’ જતીને પોતાની વાત પૂરી કરી.

થોડીવાર વાતો કર્યા બાદ ભારે હૈયે માનસી તથા અભિલાષે ત્યાંથી વિદાય લીધી. એ પછીના પંદરેક દિવસોમાં જ માનસીને ફોન પર ખબર મળ્યા કે હૉસ્પિટલમાં જતીનનું મૃત્યુ થયું છે. તે પોતાની જાતને રોકી ન શકતાં રડી પડી. અભિલાષને વાતનો અંદાજ આવી ગયો, તે સમજી ગયો. જતીનની અંતિમ ઈચ્છા પ્રમાણે જતીનનાં અંતિમ સંસ્કાર અભિલાષે કર્યા અને તેની બધી રાખ બગીચામાં છાંટી દીધી…. અભિલાષ અને માનસી હજુ ક્યારેક જતીનનાં ઘરે જાય છે… બગીચામાં બેસે છે…. બગીચો અનેક ફૂલોથી મહેંકે છે…. કદાચ જતીનની સુક્ષ્મ હાજરીથી જ બગીચો વધુ મહેંકતો હશે….!

[કુલ પાન : 128. કિંમત રૂ. 88. પ્રાપ્તિસ્થાન : ભરાડ ફાઉન્ડેશન, સરસ્વતી કોમ્પ્લેક્ષ, ધર્મેન્દ્ર કૉલેજ સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ-380001. ફોન : +91 9979908322.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનસિક શાંતિના ઉપાયો – સ્વામી શિવાનંદ સરસ્વતી
દાનની ગરિમા – મૃગેશ શાહ Next »   

30 પ્રતિભાવો : એક પત્ર…..એક જવાબ – ડૉ. ચારૂતા ગણાત્રા

 1. સુંદર હ્રદયસ્પર્શી વાર્તા.

 2. Balkrishna A. Shah says:

  વાત વાતમાં પત્ની ઉપર શંકા કરતા પતિ દેવોએ સમજવા જેવું

 3. nayan panchal says:

  વાર્તા હ્રદયસ્પર્શી છે.

  કહે છે ને કે અતિશય પ્રેમ શંકાને આમંત્રણ આપે છે. પ્રેમ ગુમાવી દેવાના ભયમાં વ્યક્તિ નાના બાળકની જેમ અસલામતીની ભાવનાથી પીડાવા માંડે છે. જો થોડીક ધીરજ રાખવામાં આવે તો…

  આ ટુંકી વાર્તાની એક નબળાઈ એ છે કે પાત્રોમાં ઉંડાણ નથી. માનસી-અભિલાષને white અને જતીનને શરૂઆતમાં black દર્શાવ્યા છે. જીવનમાં બધુ બ્લેક એન્ડ વ્હાઈટ નથી હોતુ, બધુ સાલુ ગ્રે હોય છે. જો કે પ્રેમ એવો કોમ્પલિકેટેડ વિષય છે કે કદાચ નવલકથા પણ તેને સંપૂર્ણ્પણે દર્શાવી ન શકે, બિચારી ટૂંકી વાર્તાનુ શું ગજું!

  આભાર,
  નયન

  • dr charuta ganatra says:

   when you are positive, you can see everything white in life otherwise everything is black. so be positive…( not boold group.. 🙂 kidding) try to see positive aspect of life. never have a grey feling.
   thanks for reading and comments.
   dr. charuta ganatra

   • trupti says:

    ચારૂતા બહેન,

    તમારા સકારાત્મક હોવા ના વિચારો ગમ્યા, પણ જીદગી મા તમે જે પ્રમાણે વાર્તા મા દર્શાવ્યુ છે એટલુ સહેલાઈથી બધુ નથી બનતુ.કારણ સાફ છે કે ભગવાન ને છોડી ને બધાજ મનુષ્યો પછી એ ભલે ગમે તેટલા મોટા સાધુ મહાત્મા પણ કેમ ન હોય આટલા ઉદાર નથીજ હોતા અને સ્પેસીયલી પોતાની પરણેલી વ્યક્તિ જોડેનો સવાલ હોય ત્યારે તો નહીંજ.(એટકીસ્ટ આજના જમાનામા) તમારુ લખાણ જોકે સરસ છે પણ હાલ ની વાર્તા વાત્સવિકતા થી ઘણી દુર છે. આ મારો અભિપ્રાય છે ને એ કોઈને બંધનકર્તા નથી. આશા રાખુ છુ કે મારા અભિપ્રાય ને પોસીટીવલી તમે લેશો.

    • dr charuta ganatra says:

     તમારી વાત સાચી કે જીવન મા બધુ સહેલુ નથી જ હોતુ. પણ આ૫ણે હકરત્મક થવાનો તો પ્રયત્ન કરી જ શકીયે. બસ્
     વાર્તા ના માધ્યમ થી આ વાત જ કહેવા માગુ છુ.
     આભાર્

 4. Chintan says:

  સુંદર હ્રદયસ્પર્શિ વાર્તા છે. પાત્રોની માવજત ખુબ સરસ થયેલી છે. દરેક પાત્રને સરસ રીતે રજુ કરેલ છે ખાસ કરીને જતીન.
  આભાર.

 5. કુણાલ says:

  સુંદર વાર્તા ….

 6. બધું ફટાફટ પતી ગયું યાર
  લવ, સગાઇ, લગ્ન, શંકા, છૂટાછેડા, પશ્ચાતાપ, માફી, મૃત્યુ, યાદો

  લેખિકા બહેને ટૂંકી વાર્તા માં આખી હિન્દી ફિલ્મ પૂરી કરી નાખી

  • dr charuta ganatra says:

   many a times we feel, ‘i have a lot of time in my life.’ but when life plays a game and everything collapse like anything, we find, ‘really life is too short…’ so never be late to express positive emotions and never be too early to express negetive emotions to your beloved.
   that is the motive, i want to convey..
   thanks for reading. and comments.
   dr.charuta ganatra

 7. Kailash Bhatt says:

  Very shallow story.

 8. dhwani says:

  something is missing , may be sentiments. there is no sentiment in story. one couple is going through somuch trouble but I as a reader not able to feel.

 9. jatin r.maru says:

  Fantastic love triangle! this story is really commendable.

 10. rita jhaveri says:

  વારતા તો સરસ્સ .
  આપણે એવી અભિલાશા રાખીએ કે માનસી જેવુ કોઇને ના થાય , અને થાય તો અભિલાશ મળી જાય.
  (સાચો સ લખાયો નથી.)
  રીટા ઝવેરી.

 11. Chirag says:

  રાજેશ ખન્ના નુ કોઇ મુવિ જોતા હોય તેમ લાગ્યું. ખાલિ ગાયનો ન હતા….

 12. જય પટેલ says:

  આપ કી કસમ….ફિલ્મ આંખો સમક્ષ સ્ક્રીન થઈ.

  સૌ પ્રથમ તો ડૉ. ચારૂલતાબેનને વિનંતી.
  રિપ્લાય આપવાની આપની સભ્યતા પ્રશંસનીય છે પણ પ્રતિભાવ
  આપની માતૃભાષા ગુજરાતીમાં આપ્યો હોત તો આપ આપના મનોભાવો વધુ સારી રીતે વ્યકત કરી
  શક્યા હોત. રીડ ગુજરાતી પર હવે તો મોટા ભાગના વાચકો આપણી લાખેણી ગુજરાતીમાં જ વિચારો
  વહેંચે છે અને તે રીતે વાચકો માતૃભાષાના સંવર્ધનના અભિયાનમાં સહયોગી બને છે.

  પ્રસ્તુત વાર્તામાં જતીનનું વ્યક્તિત્વ સંવેદનશીલ ( પત્ની ગુમાવ્યા બાદ ) છે પણ જો આવી જ
  સંવેદનશીલતા મૂળ સ્વભાવમાં હોત તો જીવન પૂરબહારમાં ખીલ્યું હોત.
  જીવન તો ગંગાના પ્રવાહ જેવું છે જેને સપાટ પ્રદેશો….ઉંચા-નીચા….આડા-અવળા પ્રદેશોમાંથી પસાર
  થવું પડે છે પણ સાગર જેવા ગહન પ્રેમીને મળવા અધુરી બનેલી ગંગા તો તેની મસ્તીમાં….નિજાનંદમાં
  વહે જ જાય છે તેમ જીવન મહામોલું છે કોઈ એક ભુલને પકડી રાખી આંસુ સારે રાખવાની ક્રિયા નિરર્થક છે.

  જીવન તો ત્યારે સોળે કળાએ ખીલી ઉઠે જ્યારે ભુલમાંથી પદાર્થપાઠ શીખી જીવનને શણગારીએ.

  • dr charuta ganatra says:

   જય ભાઈ, ગુજરાતી મા લખવાનુ મને પણ ગમે, અને હુ તો ગુજરાતી ની જ હિમાયતી ખરી.. પણ આ વેબ સાઈટ પર મને ગુજરાતી લખવુ ઓછુ ફાવતુ. વાર્તા વાંચી પ્રતિભાવ બદલ આભાર પણ મારુ નામ સુધારી લેશો તો ગમશે. મારુ નામ ચારુતા છે.

   • જય પટેલ says:

    સુશ્રી ચારૂતાબેન

    આપનો પ્રત્યત્તર ગુજરાતીમાં વાંચી આનંદ થયો. આપના નામમાં ગોથું ખાઈ ગયા બદલ ક્ષમા કરશો.
    .આભાર.

 13. Vaishali Maheshwari says:

  Very nice emotional story.
  Trust and understanding is the base of every relation.
  It should stay the same forever.

  Thank you Dr. Charuta Ganatra.

 14. I LIKED THIS ARTICLE –THE MESSAGE IS SHORT AND CLEAR SPECIFIC –REALLY LIFE IS VERY SHORT AND WHEN I SEE MYSELF 60 YEARS OLD — I SAW SO MANY UPS AND DOWNS –BUT I CORRECTED IN
  MY FAMILY — I HAD TO STRUGGLE IN GUJARAT SO MIGRATED TO BOMBAY AS MY MRS ADVISED IN 80S –SETTLED IN THERE
  GAVE GOOD EDUCATION TO MY TWO DAUGHTERS DESPITE OF RESISTANCE OF MY RELATIVES & PARENTS –BOTH ARE IN US –ONE PHD AND ANOTHER SOFTWARE PROFESSIONAL AND SUPPORTS
  IN THEIR FAMILY –FOR GROWING GRAND CHILDREN —–
  HAD I HEARD OF MY FRIENDS –RELATIVES –AND IN GENERAL SOCIETY I HAD NOT GIVEN MY MONEY AND SPENT IN DAUGHTERS EDUCATION AND SENT THEM IN US —I AM MUCH THANKFUL TO MY WIFE WHOSE ADVISE IS STILL VERY PRACTICAL AND I RESPECT HER –SHE LEFT DOING JOB AND CONCENTRATED ONLY IN FAMILY –THAT IS A GREAT –WITHOUT HER GUIDANCEI DO NOT THINK ANY THING WOULD BEEN SO NICE—
  PREVIOUSLY I HAD VERY LOW OPINION FOR GIRLS WITH WHOM I WAS STUDYING –THEY ALWAYS DOING SHORT CUT –WERE COPYING MY ANSWERS AND GOT THEIR EDUCATION –SO I WAS THINKING THEM OF LESS INTELLIGENCE —BUT NO I WAS WRONG –AND ALL ARE NOT SAME —THEY ARE ALSO
  VERY NICE –WITH EVEN HIGHER INTELLIGENCE PROVIDED GIVEN CHANCE AND EXCELLENT SUPPORTS FROM PARENTS —–
  IN FACT WE WERE ON THE POINT OF DI VERSING OUR LIFE –BUT I CHANGED MY DECISION AND LEFT
  GUJARAT -AND ALL FRIENDS AND RELATIVES WHO WERE VERY CRITICAL OF MY WIFE ONE DAY—-
  AND NOW ALL OF SUDDEN THEY APPRECIATE HER AND MY DAUGHTERS AND SAYS THAT WE HAVE
  NEVER TOLD LIKE THAT —- SOCIETY ONLY SEES –WHO IS SUCCESSFUL IN LIFE —–ALL OTHER THINGS ARE THEN LEFT BEHIND
  MY EYES WERE FILLED IN TEARS WHILE READING THIS TRAGIC END —
  AND CONGRATS TO THE WRITER THAT SEE HER SELF HAS REPLIED TO THE FEED BACK — A VERY NOBLE APPROACH —WHICH I AM SEEING FIRST TIME IN MY LIFE –MAY GOD GIVE HER MORE STRENGTH TO WRITE SUCH BEAUTIFUL ARTICLES —

  • ReadGujarati Reader says:

   Comments are appreciated but I think you should know this. It can save you from trouble when communicating on internet. Typing everything in CAPS (in uppercase) is considered shouting and angry response.

   • i fully agree -i wrote in morning –again went through the story in evening –my feedback occupied so much space –i was not feeling good –now i will write my feedback –if any like this –thanks for drawing my attention –else u could have written in my personal email –i do not mind –and this is not a space for sharing so much personal –that i understood now –so sorry and will not be repeated in future–bye

  • dr charuta ganatra says:

   યોગેશ્ભાઈ તમારી વાત વાચી મારી આંખ પણ ભીની બની ગઈ. તમારી શુભેચ્છા બદલ આભાર્.
   ચારુતા.

 15. Madhavi says:

  The story is great. It taught me a lesson that where there is love there is faith & forgiveness.Thanks a lot for such a story. Hope u will write such more story in future/

 16. dr charuta ganatra says:

  મ્રુગેશ્ભાઈ તમે તો વાંચકો સાથે વાત કરવાની સગવડ કરી દીધી. આભાર્.
  ચારુતા

 17. Ashish Dave, Sunnyvale, Califronia says:

  સુન્દર વાર્તા… મજા આવી ગઈ. વિશ્વાસે વહાણો ચાલે… મને કૉઈ પ્રેમ કેરશે તેના કરતા મારો કોઈ વિશ્વાસ કરેશે તે મને વધારે ગમશે…

 18. BHUMIKA says:

  VERY NICE STORY

 19. Parag says:

  સુન્દર વાર્તા. જતિન નુ પાત્ર ખુબ જ સરસ. પોતનેી ભુલ સ્વિકારવેી એ બૌ મોટેી વાત કેવાય્.

 20. JyoTi says:

  wel ,story is nice…but i can not understand that in love marriage…how one can go like this..i mean lady left her husband and never came back to see even is he alive or not and live with that Abhilash….Love is Beautiful….they needed one good conversation…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.