દાનની ગરિમા – મૃગેશ શાહ

ગત સપ્તાહે ‘કલાના અનન્ય ઉપાસક’ લેખ અંતર્ગત આપણે કશ્યપભાઈ વિશે વાત કરી હતી. મને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે રીડગુજરાતીના સૌ વાચકોએ ભેગા મળીને આપેલા યોગદાનથી આજે તેઓ પોતાનું નવું કોમ્પ્યુટર મેળવી શક્યા છે. માત્ર એટલું જ નહિ, તેમના કાર્યને અનુરૂપ થાય એવું ખૂબ સારી શ્રેણીનું કોમ્પ્યુટર તેમને પ્રાપ્ત થયું છે. લેખના અનુસંધાનમાં માત્ર ત્રણ જ દિવસમાં વાચકમિત્રોએ મદદનો જે ધોધ વહાવ્યો છે તે માટે હું સૌ વાચકમિત્રોનો આભારી છું. કશ્યપભાઈએ વિશેષરૂપે સૌનો આભાર માન્યો છે અને પોતાની સર્જનશક્તિને સોળે કળાએ ખીલવીને આપણને સૌને ઉત્તમ સાહિત્ય પૂરું પાડવાની દિશામાં પ્રથમ પગલું ભરવાનું શરૂ કરી દીધું છે.

આ ‘યોગદાન’ વિષયના સંદર્ભમાં કેટલીક વાતો વહેંચવાનું મન થાય છે. અગાઉના લેખમાં જણાવ્યા પ્રમાણે ‘રીડગુજરાતી’ માટે આ ત્રીજો અનુભવ હતો. આ પહેલાં, બે-ત્રણ વર્ષ અગાઉ, એક વિદ્યાર્થીનીને આ રીતે કોમ્પ્યુટર આપવામાં નિમિત્ત બન્યાનો લ્હાવો મળ્યો હતો. એ પછી એક વૃદ્ધાશ્રમમાં રેફ્રિજરેટરની સહાય પહોંચાડવામાં મદદરૂપ થવાની તક પ્રાપ્ત થઈ હતી. આજે કશ્યપભાઈને પત્રપુષ્પં રૂપે તેમની શબ્દસાધનામાં ઉપયોગી બનવાનું થયું તેથી આનંદ બેવડાયો છે – આ તમામ પ્રવૃત્તિઓ પાછળ હેતુ માત્ર એટલો કે વાંચન આપણા જીવનમાં ક્રિયાન્વિત બને. સારા વિચારોને અમલમાં મૂકવાની તક પ્રાપ્ત થાય. આપણી સામાજિક જવાબદારી પ્રત્યે આપણે સભાન બનીએ. સારા લેખો દ્વારા સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવાની આપણે સરસ મજાની વાતો કરીએ પણ જ્યારે એવો કોઈ વ્યક્તિ આપણી નજરમાં આવે અને તેને સહાય કરવાનું ચૂકાઈ જાય તો ? વાંચન, ચિંતન અને મનન પછીનો એક તબક્કો આચરણનો હોય છે. ‘રીડગુજરાતી’ દ્વારા આ રીતે વાંચન સક્રિય આચરણમાં પરિણમે તે માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.

આપ સૌ જાણો છો કે રીડગુજરાતીની તમામ પ્રવૃત્તિઓ આપ સૌના યોગદાન અને અરસપરસના સહકારથી ચાલે છે. વર્ષ દરમિયાન વાચકોની નાની-મોટી આર્થિક સહાય પ્રાપ્ત થતી રહે છે અને તેમાંથી જ હાર્ડવેર, સોફટવેર, ઈન્ટરનેટ અને પુસ્તકોની ખરીદીનો ખર્ચ નીકળતો રહે છે. સૌ વાચકો એક પરિવારની જેમ લાગણીથી જોડાયેલા છે તેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ પોતાની ટૂંકી આવકમાંથી ‘રીડગુજરાતી માટે કંઈક આપું’ એવા ભાવ સાથે પોતાનું યોગદાન આપવા ઈચ્છતો હોય છે. વિદેશમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ પોતાની બચતમાંથી ‘અમને કંઈક આપવું છે’ એવો ભાવ દર્શાવતો પત્ર લખતા હોય છે. વળી, રીડગુજરાતી માટે બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો આજીવન ખર્ચ કૅલિફોર્નિયામાં ભણતી એક વિદ્યાર્થીની પોતાની પાર્ટટાઈમ આવકમાંથી પૂરો પાડે છે ! કોઈ પણ સૂચના વગર યથાશક્તિ અનેક વાચકમિત્રો પોતાની મેળે પોતાનું યોગદાન મોકલી આપતા હોય છે. રીડગુજરાતી માટે સૌના તરફથી આટલી સહાય મળતી હોય તો સ્વાભાવિક છે કે રીડગુજરાતી પણ કોઈકને મદદરૂપ થવાની પોતાની ફરજ નિભાવે. ‘સૌને જમાડીને જમવું’ એવા સંસ્કાર તો આપણને પહેલા ધોરણથી આપવામાં આવે છે ને ? એથી જ મનમાં ઘણીવાર એમ થાય છે કે વર્ષમાં એવા કોઈક એક પરિવારને બનતી સહાય કરવી.

હવે વાત જો કોઈને સહાય કરવાની હોય તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી બને છે. મારા મનમાં આ બાબતે કેટલાક મુદ્દાઓ છે જે અહીં નોંધવા ઉચિત સમજું છું :

[1] સૌથી પહેલું તો એ કે દાન મેળવનાર અને દાન આપનારની વચ્ચે પરસ્પર આત્મીયતાનો સંબંધ હોવો જોઈએ. લેનાર વ્યક્તિ નીચો છે અને આપનાર વ્યક્તિ મોટો છે એવા ભ્રમથી દાન ન અપાવવું જોઈએ. આ જગતમાં સૌ કોઈ દાની છે. આપણે કોઈને આર્થિક રીતે સહાય કરતા હોઈએ પણ એ વ્યક્તિ જગતને કોઈક અન્ય રીતે સહાય કરતો હશે. એમ પણ બની શકે કે એ વ્યક્તિએ અન્ય ક્ષેત્રમાં કરેલી સેવા સામે આપણી સહાય તો તલભાર પણ ન હોય !

[2] દાન આપવા-લેવાની બાબતમાં બંને પક્ષનું ગૌરવ સચવાવું જોઈએ. જેમ એવોર્ડ લેનાર વ્યક્તિ તો સન્માનિત થાય છે પણ આપનાર સંસ્થાયે તે વ્યક્તિને સન્માનિત કરીને ગૌરવ અનુભવે છે એ રીતે દાનના ક્ષેત્રમાં પણ થવું જોઈએ. આપનાર વ્યક્તિના હૃદયમાં ‘મને આપવાની તક મળી’ એવો શુદ્ધભાવ જાગવો જોઈએ અને લેનાર વ્યક્તિના હૃદયમાં કૃતજ્ઞતા પ્રગટવી જોઈએ.

[3] યજ્ઞ કાર્ય જો બરાબર થાય તો જેમ વાતાવરણને પવિત્ર કરે છે, યજમાન અને પુરોહિતને આનંદિત કરે છે તેમ દાન આપનાર-લેનાર – સૌ કોઈ આનંદિત થાય એ જ સાચું દાન.

[4] જેમ શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે અયોગ્ય દિશામાં ગતિ કરે ત્યારે આપણે તેને ‘અંધશ્રદ્ધા’ અને ‘અંધવિશ્વાસ’ એવા નામ આપ્યાં છે, એ રીતે દાન પણ જ્યારે અયોગ્ય રીતે, અયોગ્ય વ્યક્તિના હાથમાં જાય ત્યારે તે ‘અંધદાન’ બને છે. એ પ્રકારનું દાન સમાજને ખૂબ હાનિ પહોંચાડે છે અને પછી આપણને આપવામાંથી વિશ્વાસ ઊઠી જાય છે. આથી જ લેનાર વ્યક્તિ સાથે સીધો સંપર્ક હોવો જરૂરી છે. આમ કરવાથી આપનારને સંતોષ થાય છે અને તેને આ રીતે સહાય કરતા રહેવાનો વિશ્વાસ વધે છે. એ સાથે દાન મેળવનાર વ્યક્તિ પણ પોતાની જવાબદારી પ્રત્યે સભાન બને છે.

[5] જ્યાં જરૂરત હોય ત્યાં રોકડ સ્વરૂપમાં દાન ઠીક છે. પરંતુ આદર્શ રીતે તો દાન વસ્તુના સ્વરૂપમાં હોય તો વધારે યોગ્ય છે. શારીરિક બીમારી કે કોઈ એવા પ્રસંગે રોકડ સહાય સ્વાભાવિક છે. પરંતુ તે પછી વ્યક્તિને આર્થિક રીતે સદ્ધર કરવા માટે રોજગારીના સાધનો પૂરા પાડી શકાતા હોય તો તે ઉત્તમોત્તમ છે. ટૂંકમાં, કોઈને જીવનોપયોગી વસ્તુ, કલા માટે કે રોજગારીના સાધનો પૂરાં પાડવાનું કામ એક પ્રકારની સમાજ સેવા જ છે.

[6] દાન આપનાર વ્યક્તિએ જે ચીજવસ્તુ માટે દાન આપ્યું હોય તે વસ્તુનું બીલ મેળવવાનો વિવેકપૂર્વક આગ્રહ રાખવો જોઈએ. આજે ડિજિટલ યુગ છે, તેથી શક્ય હોય તો તે ચીજવસ્તુના ફોટોગ્રાફ પણ મેળવવા જોઈએ. આ રીતે સામે પક્ષે, દાન મેળવનાર વ્યક્તિએ પણ કોઈ માંગે કે ન માંગે, જે તે ચીજવસ્તુના બીલની નકલ પોતાના દાતાને સમયસર પહોંચાડવી જોઈએ. સમાજનું વાતાવરણ શુદ્ધ રાખવામાં આ બધી નાની બાબતો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

[7] દાન આપવા પાછળ કોઈ પણ પ્રકારની લાંબાગાળાની ગણતરીઓ કે હેતુ હોવા ન જોઈએ. ગણતરીથી થાય તેને સોદા કહેવાય, દાન નહીં. ‘હું રૂ. 2000 આપું તો મારો લેખ રીડગુજરાતી પર છપાય’ એવા ભ્રમમાં રહીને કદી આપવું નહિ. ફલાણાને મેં આટલી સહાય કરી હતી એટલે એણે હવે મારું આટલું કામ કરવું જોઈએ – એવી ચાલાકીથી કરેલા સોદાઓ ક્યારેય દાનની ગરિમાને આંબી શકતા નથી. બુદ્ધિપૂર્વકના આયોજનોથી આપવાનો આનંદ પામી શકાતો નથી.

[8] યોગદાન માત્ર ધનથી જ કરી શકાય એવું પણ કંઈ નથી. પોતાની ક્ષમતા અનુસાર કોઈ પણ પ્રકારની સહાય એ દાન જ છે. કોઈને બે સારા શબ્દો સંભળાવવા એ પણ દાન છે અને સમાજ પ્રત્યે જે હંમેશા સદભાવના રાખે છે તે પણ નિત્ય દાની છે. સૃષ્ટિના તમામ તત્વો આ રીતે નિત્ય દાની છે કારણ કે તે આપણને સતત આપતાં રહે છે.

ટૂંકમાં સૌનું ગૌરવ સચવાય, સૌ આનંદિત થાય અને જરાય ભાર વગર સહજ રીતે કોઈને મદદરૂપ થઈ શકાય તેને ખરા અર્થમાં દાન કહી શકાય.

સૌ દાતાઓ સાથેના અંગત વાર્તાલાપમાં ઉપરોક્ત ઘણા મુદ્દાઓ પર વિસ્તારથી વાતચીત કરવાનો મોકો મળ્યો અને સૌ આ દાનની ગરિમા સાચવીને મદદરૂપ થયા તેથી વિશેષ આનંદ અનુભવાયો. કેટલાક વાચકોની એવી પણ વિનંતી હતી કે ‘રીડગુજરાતી’ પર કાયમી ધોરણે એવી સુવિધા ઊભી કરવામાં આવે જેમાં તેઓ નિયમિત યોગદાન આપતા રહે અને તે યોગ્ય પરિવારો સુધી પહોંચતું રહે. તેમના સદભાવને વંદન પરંતુ એ પ્રકારનું કોઈ નિશ્ચિત આયોજન કરવાની જરૂરિયાત લાગતી નથી. ‘રીડગુજરાતી’ના નામે કોઈ સંસ્થા, મંડળ કે ટ્રસ્ટ આપણે ઊભાં કરવા નથી. ગામડામાં વડને ઓટલે બેઠા હોઈએ એમ સૌ સાથે મળીને કંઈક સારું વાંચીએ અને આપણા ધ્યાનમાં આવે તે જરૂરિયાતમંદ વ્યક્તિને ભેગા મળીને આપણી યથાશક્તિ નાનકડી સહાય કરીએ, એટલું પૂરતું છે.

ફરી એકવાર, આ સદકાર્યને સફળ બનાવવા માટે સૌ વાચકમિત્રોનો હૃદયપૂર્વક આભાર અને કશ્યપભાઈને શુભેચ્છાઓ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક પત્ર…..એક જવાબ – ડૉ. ચારૂતા ગણાત્રા
સ્વભાવનો સ્વભાવ – મધુકાન્ત જોષી Next »   

22 પ્રતિભાવો : દાનની ગરિમા – મૃગેશ શાહ

 1. Neha says:

  મ્રુગેશભાઈ, તમે થોડા માં ઘણું કહયું છે. “લેનાર વ્યક્તિ નીચો છે અને આપનાર વ્યક્તિ મોટો છે એવા ભ્રમથી દાન ન અપાવવું જોઈએ”. —-એક્દમ સાચિ વાત છે.

 2. HEMANT SHAH says:

  ખરેખર એક્દમ સાચી અને સુનદર વાત કહિ આભાર ૨ ૪ ૫ ૬ ૮ મુદા તો ખરેખર સાચા અને સરસ જ આભાર

 3. Chintan says:

  ખુબ સરસ અને સાત્વિક વિચારો રજૂ કર્યા મૃગેશભાઈ. વાંચીને ઘણુ સારૂ લાગ્યુ અને દાનનો સાચો અર્થ સમજાયો.

 4. kirtida says:

  મૃગેશભાઈ
  આપની સુંદર ભાવના અને રીડગુજરાતી ના માધ્યમ દારા જે આપ કરી રહ્યાં છો. એ આભાર ને વ્યકત કરવા શબ્દો ખૂટી પડે છે. આપના આ યજ્ઞને રીડગુજરાતી ફેમિલિ દ્વારા જરૂર આગળ વધારી શકાશે. આપની સાથે આ વાચક ગણને વિશ્વાસનો
  એવો નાતો સાંપડ્યો છે કે જે અતૂટ છે. પછી એ લેખક હોય કે પ્રતિભાવ આપનારા એકબીજા સાથે એવા જોડાયેલા લાગે છે.
  જાણે વષોથી જાણતાં હોય. ખૂબ સરળતાથી જે સ્પષ્ટ વાત કરી છે .. આનંદ અનુભવાય છે. આપ્ના દરેક કાર્યેને સફળતા મળે એવી પ્રાર્થના.

 5. કશ્યપભાઈ says:

  પ્રિય મૃગેશભાઈ તેમજ readgujarati.com ના વાચકમિત્રો,

  તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે પાંચ વર્ષ કાર્ય કર્યા બાદ વક્તા, લેખક અને પુસ્તક-પ્રકાશક તરીકે કાર્ય કરી રહ્યો હતો ત્યારે readgujarati.com ના તંત્રી મૃગેશભાઈ, આપના સંપર્કમાં આવ્યો. આપે મારા લેખો આપની વેબસાઈટ પર મૂક્યા અને એ લેખોના વાચકોએ આપેલા પ્રતિભાવો મને વંચાવ્યા. તેનાથી ઉત્સાહિત થઈને હું કોમ્પ્યુટર શીખ્યો, સાયબર કાફેમાં જઈને ઈમેલ એકાઉન્ટ ખોલાવીને આવેલા પત્રો વાંચતા-મોકલતા શીખ્યો તેમજ વેબસાઈટ જોતો થયો. આપે જોયું કે હવે મને એક સારા કોમ્પ્યુટરની જરુર છે તો તે અંગેની જાણ આપે આપની વેબસાઈટના વાચકોને કરી. વિશ્વભરમાંથી ઘણાં વાચકોએ એક પરિવારના સભ્યને જ સહકાર આપતા હોય એ સહજતાથી જરુરી રકમ મોકલી આપી. મૃગેશભાઈ, આપ તેમજ આપના વાચકોએ પરસ્પરનો પ્રેમ અને વિશ્વાસ જીત્યા છે કારણ કે કોઈ વાચકે મારી પાસે કોઈ પુરાવા માંગ્યા નહિ કે કોઈ ચકાસણી કરી નહિ. હું સમજુ છું કે આથી મારી જવાબદારી વધી જાય છે. હું મૃગેશભાઈ, આપનો તેમજ આપના વાચકોનો આભારી છું.
  આપનો જ

  કશ્યપ

  • જગત દવે says:

   શ્રીકશ્યપભાઈઃ

   ઈશ્વર ક્રુપાથી આપનાં કાર્ય ને ઝળહળતી સફળતા મળે અને એ સફળતા ની સફરમાં આપ અન્યની સફળતામાં પણ સહભાગી બનો તેવી શુભેચ્છાઓ.

 6. Shailesh Pujara says:

  “કેટલાક વાચકોની એવી પણ વિનંતી હતી કે ‘રીડગુજરાતી’ પર કાયમી ધોરણે એવી સુવિધા ઊભી કરવામાં આવે જેમાં તેઓ નિયમિત યોગદાન આપતા રહે અને તે યોગ્ય પરિવારો સુધી પહોંચતું રહે. તેમના સદભાવને વંદન પરંતુ એ પ્રકારનું કોઈ નિશ્ચિત આયોજન કરવાની જરૂરિયાત લાગતી નથી. ‘રીડગુજરાતી’ના નામે કોઈ સંસ્થા, મંડળ કે ટ્રસ્ટ આપણે ઊભાં કરવા નથી. ગામડામાં વડને ઓટલે બેઠા હોઈએ એમ સૌ સાથે મળીને કંઈક સારું વાંચીએ અને આપણા ધ્યાનમાં આવે તે જરૂરિયાતમંદ વ્યક્તિને ભેગા મળીને આપણી યથાશક્તિ નાનકડી સહાય કરીએ, એટલું પૂરતું છે.”

  તમારી આ ભાવના મને ગમી. મારો અનૂભવ છે કે સારુ કામ કરવા સંસ્થા બનાવવા ની જરૂરત નથી હોતી. તેમ કરવા માં ઉદૅશ થી ચલિત થઇ જવાય છે.

 7. Nigam says:

  મા. મૃગેશભાઈ,
  તમારો આ પ્રયાસ અને રીડગુજરાતી ના વાચકો નો પ્રતીસાદ ખરેખર અનુમોદના ને પાત્ર છે. આપના આ પ્રયાસ અને રીડગુજરાતીના વાચકોના સહયોગ ના ખુબજ મીઠા ફળ આપને, મા. કશ્યપભાઈને અને સહુ વાંચન રસીકો ને મળતા રહે એવી હાર્દિક શુભેચ્છાઓ.
  નિગમ

 8. એક સેવાનું ઉમદા કાર્ય પાર પડ્યું તેમાં રી.ગુ.ના વાચકોનો ભાવ અને સંચાલકની નિષ્ઠા કદરને પાત્ર ચ્હે. સહુને હાર્દિક અભિનંદન!

 9. Dr.Ekta.U.S.A. says:

  શ્રિ.મ્રુગેશ્ ભાઈ,
  તમે લખેલા બધા મુદ્દા ખરેખર ધ્યાન મા રાખવા જેવા છે. અને જરુરિ પણ છે.

  મારા મતે તો દાન શબ્દ નો અથૅ પોતાના સમજિ ને કોઇ જરુરત મંદ વ્યક્તિ ને મદદ કરવિ..
  આભાર્.

 10. Veena Dave. USA says:

  શ્રી મૃગેશભાઈ, સરસ કાયૅ અને સરસ લેખ.

 11. Ramesh Desai. USA says:

  Dear Mrugeshbhai, Congratulations for your article. God Bless You and your work. Thanks.

 12. જગત દવે says:

  શ્રીમૃગેશભાઈઃ

  થોડા અન્ય મુદ્દાઓઃ

  ૧. દાન હંમેશા ઉતમનું હોય…….જ્યારે વસ્તુનાં સ્વરુપમાં અપાય ત્યારે ખાસ……..ઉદાહરણ આપુ તો…હું જે ચોખા ધરમાં ખાઉં છું તેનાથી ઉતરતી કક્ષાનાં ચોખાનું જો દાન આપું તો તે દાન યોગ્ય ન કહેવાય. આ બાબતનું વરવુ સ્વરુપ મે કચ્છનાં ભુકંપ સમયે અનુભવ્યું છે કે જ્યારે ઘણાં લોકોએ/સંસ્થાઓએ રીતસર તેમનાં ઘરોનાં ઊકરડાને ત્યાં ઠાલવ્યો હતો.

  ૨. દાન લેનાર ક્ષોભમાં ન મુકાય તેનું ધ્યાન રાખવું એ દાન આપનારની ફરજ છે. દાન અને ભેંટ આ બંનેમાં અંતર છે પણ ભેંટ પણ એક પ્રકારનું દાન જ ગણાય. આપણાં સમાજમાં ભેંટમાં પણ વસૂલ કરવાની લાલચ જોવા મળે છે…..ઊદાહરણ તરીકે મંદિર કે ધાર્મિક ભોજન-શાળામાં સહ-પરીવાર ‘પ્રસાદ’ લીધા પછી ભેંટ સ્વરુપે એટલી નજીવી રકમ અપાય કે તેટલી રકમમાં તો કોઈ રસ્તાની લારી પર પણ ન જમાડે. આવી જ પ્રથા આપણે ત્યાં લગ્ન કે અન્ય સામાજીક ઉજવણીઓ પ્રસંગે ચાલે છે. આ બાબતમાં તો બધાં જ એક બીજા ને છેતરતાં હોય તેવો ઘાટ થાય છે. હું કોઈ નાં લગ્ન પ્રસંગમાં સહકુટુંબ જમી ને બેઘડક રુપિયા ૫૧/- નુ કવર આપી આવું અને તે જ રીતે તે જ પ્રમાણે તેઓ મારા ઘરનાં પ્રસંગે પણ મારી સાથે આવું જ કરે. અને આવા પ્રસંગે મેળવનારને થતો ક્ષોભ કદાચ આપણે સહુએ અનુભવ્યો જ હશે.

  ૩. દાન એ ખરેખર તો સમાજે તમારી પ્રગતિમાં કે ખુશીમાં કે સમૃધ્ધિમાં ભજવેલા ભાગ નું ઋણ ઉતારવા માટે કરેલી પ્રતિક્રિયા છે. માટે દાન આપનાર નાં મનમાં ક્યાંય પણ અહમ પેદા ન થવો જોઈએ. કારણકે માણસ એક સામાજીક પ્રાણી છે એટલે તે જે કાંઈ મેળવે છે તેમાં સમાજનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો હોવાનો જ. માટે જ તમારું અસ્તિત્વ પ્રગટ ન થાય તે રીતે કરેલું દાન ઊતમ ગણાય છે. જેમાં મેળવનાર અને આપનાર બંને ભાર-મુક્ત હોવાની લાગણી અનુભવે છે.

  • Mayur Kotecha says:

   Shri Jagatbhai,

   I am very much fond your replies which are so thoughtful and invaluable. Though I do not know you personally I can imagine you as a person with deep spirutual, social and human psychology knowledge. I am in my early 20s and see myself to learning much from you.

   Thanks,

   Mayur Kotecha

 13. jayshri naik says:

  ભાઈ,શ્રી

 14. jayshri naik says:

  ખુબ સરસ લેખ દાન આપતા પહેલા વિચારો નહ્હિ. આપો પચૈ યાદ રાખો નહી.

 15. Rajni Gohil says:

  મૃગેશભઇએ દાન વિશે ખુબજ સુંદર સમજણ આપી છે તેના પરથી નીચે જણાવેલ વિચાર લખ્યો છે.

  આપણે ભગવાને આપેલા શરીરથી અને ભગવાને આપણને આપેલી શક્તિથી ધન/લક્ષ્મી પ્રાપ્ત કરીએ છીએ અને પછી એના માલિક તરીકે વર્તીએ છીએ. ખરી રીતે તો લક્ષ્મીના માલિક ભગવાન જ છે. આપણે તો ફક્ત એના વહિવટકર્તા ગણાઇએ. આ અર્થમાં – ईदं न ममः कृष्णापस्तु (આ મારું નથી કૃષ્ણભગવાનનું છે તે હું તને આપુ છું.) કહીને જુના જમાનામાં સાચા અર્થમાં દાન અપાતું હતું. લેનારને ભગવાનની પ્રસાદિરૂપે અપાતું. – ગુપ્તદાન. આમાં અહંકાર ન આવે અને લેનારમાં ન્યુનતાભાવ ન આવે એ ખુબ જ અગત્યનું હતું. આજે દાન કરી કીર્તિ પ્રાપ્ત કરવાનું અને સાથે પુણ્ય મેળવાની ઇચ્છાથી દાન કરાય છે. એક ચેક બે વખત કેવી રીતે વટાવી શકાય?

  ઉપર જણાવ્યું તેમ જ્યારે ભગવાનની મદદથી પ્રાપ્ત કરેલુ ધન આપણે બીજાને આપીએ છીએ ત્યારે આપણામાં અહંકાર ન આવે અને લેનારમાં ન્યુનતાભાવ ન આવે એ ખુબ જ અગત્યનું છે. આ માટે બીજામાં પણ ભગવાન વસેલો જ છે આ ભાવ સાથે અપાવું જોઇએ. શું આપણે આપણા ભાઇ કે બહેનને (પાછું ન લેવાની ઇચ્છાથી) મદદ કરીએ એને દાન કહેવાય? આપણે પ્રેમ અથવા ફરજ સમજીને આપીએ છીએ. સાચા અર્થમા તે દાન કહેવડાવવાને યોગ્ય ન ગણાય. તો પછી આપણે તેને (દાન) માટે “પ્રેમ-ભાવ સમર્પણ” કે એવો કોઇ શબ્દ પ્રયોગ કરીએ તો સોનામાં સુગંધ ન ભળે ? આનાથી આપણામાં દાન આપુ છું તે અહંકારને તિલાંજલી આપી શકાય.

  લેનારમાં ન્યુનતાભાવ ન આવે તે માટે આપણે ઉપર જણાવેલા ભાવથી આપીએ. પણ તેમને (દાતા) પ્રેમ-ભાવ સમર્પણ કરનારના નામો ન અપાય પણ ભગવાનની પ્રસાદિ છે તેમ કહીને અપાય. પણ (દાન) યોગ્ય વ્યકતિને અપાયું છે અને અપાયું છે અને બીજી કોઇ રીતે દુરુપયોગ નથી થયો તે પણ ઘણું જ અગત્યનું છે. આ માટે લેનારને નામ ન અપાય પણ આપનારને લેનારની વિગતો અપાય. અથવા તો આપનારને જરુર જણાય તો આનો વહિવટ કરનાર – (અહીં મૃગેશભઈ) પાસેથી વિગતો મેળવી શકે. લેનારને પણ એવી સમજ સાથે અપાય કે આ વસ્તુ (કે પૈસા) ના ઉપયોગ વડે તું પ્રગતિ કરી શકે અને ભવિષ્યમાં તક મળ્યે બીજાને નાની મોટી મદદ કરી મદદરૂપ બની શકશે એવી ઇચ્છાથી અપાયું છે. જનસેવા એ જ પ્રભુ સેવા છે. લેનારને વધુ ઉત્સાહથી કામ કરવાનું બળ અને પ્રેરણા મળે.

  આપણી દરેક ક્રિયા પાછળ રહેલા અપણા ભાવનું જ મહત્વ હોય છે. મા છોકરાને મારે છે તે ઇજા પહોંચાડવા નથી મારતી પણ છોકરો ડર રાખી સુધરે એ ભાવ હોય છે. જ્યારે લુંટારો તેને મારી પૈસા કે વસ્તુ લઇ લે છે તેમાં લુંટારો પોતાનો સ્વાર્થ જુએ છે. છોકરાના હાથ પગ ભાંગે તેની તે પરવા નથી કરતો.

  રીડગુજરાતીડોટકોમના વાંચકો પણ અ વિચાર પર મંતવ્ય રજુ કરી શકે.

 16. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Well said Mrugeshbhai… equally well thought full comments

 17. vaishali says:

  મ્રુગેશભઈ કેંમછો?
  દાન વિશે તમારો લેખ વાચ્યો. ખુબ સરસ લખ્યુ છે.
  મને એમ લાગેછે કે તમારા જેવા મહાન વિચારો ધરવતા વ્યક્તિઓ થીજ આ દુનિયા ટકીરહી છે.
  દાનમ વિરસ્ય ભુશાણમ. એ ન્યાયે તમે તો ઘર બેઠા જ્ઞાન નુ દાન કરો છો. તેથી તમેતો ખરેખર મહાન છો.
  ગુપ્તદાનજ ખરેખર ઉતમ દાન ગણાય. જે વ્યક્તી દાન નો મહિમા સમજે છે તે જીવને ધન્ય બનવી શકેછે.
  તમાર આ ઉત્તમ કર્ય થકી અન્ય ને પ્રેરણા મળે એવી શુભ કામના.

  વૈશાલી ઉપાધ્યાય.
  દમન.

 18. vasusoni says:

  મુગ્રસભઐઇ;;દાન વિશ ગમિઉ. હઆ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.