- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

થોર અભ્યારણ્યની મુલાકાતે – સૃજના કાલે

[નવોદિત યુવા હિન્દીભાષી સર્જક સૃજનાબેન (અમદાવાદ) વ્યવસાયે હાલમાં સોફટવેર એન્જિનિયર તરીકે એક કંપનીમાં ફરજ બજાવી રહ્યાં છે. વાંચન-લેખન અને ચિત્રકામનાં તેઓ શોખીન છે. તાજેતરમાં તેમણે લીધેલી ‘થોર અભ્યારણ્ય’ની મુલાકાતના હિન્દી લેખનો આ અનુવાદ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે srijanakale@gmail.com સંપર્ક કરી શકો છો. (અનુવાદ : મૃગેશ શાહ).]

આજની વ્યસ્ત અને દોડધામભરી જિંદગીમાં જો આપણે ખરેખર કશુંક ઈચ્છીએ છીએ તો તે છે મનની શાંતિ, નિરાંત અને આંતરિક પ્રસન્નતા. આ બધી દુર્લભ વસ્તુઓનો એક જ સ્ત્રોત છે અને તે છે – પ્રકૃતિ. પ્રકૃતિની ગોદમાં જ આપણને પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકે. પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ આપણી નજીકમાં જ આવી એક જગ્યા છે ‘થોર’. કેટલીક સહેલીઓ જોડે મને હમણાં થોડા દિવસ પહેલાં ત્યાં જવાનો અવસર પ્રાપ્ત થયો.

‘થોર’ અમદાવાદ શહેરની ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આશરે 40 કિ.મી.ના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું નાનકડું ગામ છે. એની ગોદમાં વસી છે પ્રકૃતિની એક સુંદર તસ્વીર એટલે કે ‘થોર તળાવ પક્ષી અભ્યારણ્ય.’ 1912માં બનેલું આ તળાવ લગભગ 7 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. તેની આસપાસ કાદવથી લથપથ કિનારાઓ અને લીલાં ગાઢ જંગલો ફેલાયેલાં છે. વળી, છીછરું તળાવ હોવાને લીધે પ્રવાસી પંખીઓ માટે આ આદર્શ સ્થળ બન્યું છે. 1988માં ‘વન્યજીવ સંરક્ષણ’ના કાયદા હેઠળ આ સ્થળને ‘અભ્યારણ્ય’નો દરજ્જો આપવામાં આવ્યો છે. પક્ષીપ્રેમી લોકો માટે આ ઉત્તમ સ્થાન છે કારણ કે છીછરા પાણીને લીધે અહીં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ ભ્રમણ કરતાં નજરે પડે છે અને અભ્યાસુઓને તેમની ગતિવિધિઓનો અભ્યાસ કરવાની તક સાંપડે છે.

‘ગ્રેટ વ્હાઈટ પેલિકન્સ’, ‘ફ્લેમિંગોસ’, ‘વૉટરફાઉલ’, ‘મૅલડર્સ’ અને અનેકોની સંખ્યામાં ‘ગ્રેય્લેગ ગીસ’, ‘સારસ ક્રેન્સ’, ‘ફ્લિકૅચર’ અથવા ‘અઉરશિયાં કર્લૂજ’ અને અનેક દુર્લભ અથવા તો વિલુપ્ત થવા જઈ રહેલાં પક્ષીઓ પણ અહીં નજરે ચઢે છે. થોરની મુલાકાત લેવા માટે નવેમ્બરથી માર્ચ સુધીનો સમયગાળો સૌથી ઉત્તમ છે. આ જગ્યાનો ખરો આનંદ મેળવવા અને આગંતુક પંખીઓના દર્શનનો લ્હાવો લેવા માટે અહીં પરોઢ થતા પહેલાં પહોંચી જવું વધુ યોગ્ય છે. કારણ કે સૂર્યોદય પછી ખોરાકની ખોજમાં આ પક્ષીઓ ઊંચે આકાશમાં ઊડી જતાં હોય છે. જો કે અમુક કારણસર અમે ત્યાં વહેલી સવારે નહોતા પહોંચી શક્યા પરંતુ જ્યારે અમે સાંકડા રસ્તાઓ પસાર કરીને આ તળાવની નજીક પહોંચ્યા ત્યારે એમ લાગ્યું કે જાણે કોઈક નવી જ દુનિયામાં પગ મૂકી દીધો છે ! ન કોઈ ઘોંઘાટ, ન પ્રદૂષણ અને ચારે તરફ ફક્ત ખુલ્લા ખેતરો, પ્રાકૃતિક વાતાવરણ અને ઠંડા પવનની લહેરો.

જ્યારે અમારી ગાડી અભ્યારણ્યના દરવાજા પાસે આવેલા રસ્તા પર પહોંચી ત્યારે અમે ત્યાં સારસ પક્ષીઓના ઝૂંડને રસ્તામાં આરામથી ટહેલતા જોયા. તેઓ જાણે કે અમારું સ્વાગત કરવા માટે દરવાજે આવી પહોંચ્યા હતા ! રસ્તાની પાસે જ નહેર હોવાને કારણે આ ઝૂંડ ત્યાં ભેગું થયું હતું. અમારી અવરજવરથી એમને વિક્ષેપ ન પહોંચે તેથી અમે ગાડી દૂર ઊભી રાખીને ચાલતા જ પ્રવેશ કરવાનું નક્કી કર્યું. એથી સદભાગ્યે અમને સારસને નજીકથી જોવાનો મોકો મળ્યો અને તેમની વિવિધ મુદ્રાઓ અમે ક્લિક કરી શક્યા.

ત્યાંથી આગળ વધીને અમે સીધા તળાવ કિનારે પહોંચ્યા. તળાવની ચારે તરફ ઊંચી માટીની દિવાલો બંધાયેલી હતી. પરંતુ ત્યાં ઢાળ હોવાને લીધે કેટલીક જગ્યાએથી સરકીને નીચે તળાવ તરફ જઈ શકાતું હતું. તળાવથી થોડે દૂર બેસવાની સુવિધા પણ હતી, જેથી થાકેલા લોકો ત્યાં છાંયડામાં વિશ્રામ કરી શકે અને દૂરથી ઊડતા પક્ષીઓ અને તળાવના સૌંદર્યને માણી શકે. અમે સૌ તળાવની સેર કરતાં કરતાં વિવિધ પ્રકારના પક્ષીઓનો અભ્યાસ કરવામાં વ્યસ્ત થઈ ગયાં. અભ્યારણ્યમાં પ્રવેશતાં પહેલાં અમને એક પુસ્તિકા આપવામાં આવી હતી, જેમાં ત્યાંના પક્ષીઓની તસ્વીરો, એમના નામ અને વિવરણ દર્શાવ્યા હતાં. તેના ઉપયોગથી પક્ષીઓ ઓળખવામાં ખૂબ સરળતા રહી. જો કે અમે થોડાક મોડા પહોંચ્યા હતાં તેથી કેટલાક પક્ષીઓ છાંયડો અને ઠંડક મેળવવા તળાવમાં આવેલા નાનક્ડા ટાપુઓ પર જઈને બેઠાં હતાં, પણ તેમ છતાં અમે કેમેરાથી તેમના ઘણા ફોટોગ્રાફ્સ લઈ શક્યા. અભ્યારણ્યના કર્મચારીઓ તરફથી ત્યાં એક બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ બસ સૌ પ્રવાસીઓને તળાવની આસપાસના વિસ્તાર અને ખેતરોમાં બેઠેલા પક્ષીઓના ઝૂંડ સુધી લઈ જઈ રહી હતી. પરંતુ અમને તો જાતે જ ફરીને પક્ષી-દર્શન કરવું હતું એથી અમે પગપાળા યાત્રા જ મુનાસિબ માની. વૃક્ષોથી આચ્છાદિત શાંત અને સ્વચ્છ વાતાવરણમાં અદ્દભુત શાંતિ પ્રવર્તતી હતી. પરંતુ માણસને એવી શાંતિ ક્યાં પચે છે ? કેટલાક લોકો ત્યાં પણ મનોરંજનના સાધનોથી થોડાક સમય માટે પોતાને મુક્ત નહોતા કરી શકતા.

પ્રવાસીઓની કેટલીક વર્તણૂંક મને અયોગ્ય લાગી. ઘણા લોકો પોતાના વિશાળ પરિવાર સાથે ત્યાં આવ્યા હતાં અને પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિનો આસ્વાદ કરવાને બદલે ખેલકૂદ અને ધમાલ-મસ્તી કરીને ઘોંઘાટ કરવામાં મશગૂલ હતાં. કેટલાક લોકો મોટેથી ગીતો વગાડવામાં ગૌરવ અનુભવતાં હતાં ! જરાક સમજપૂર્વક વિચારીએ તો આ બધી પ્રવૃત્તિઓ તો આપણે આપણી ઘરે પણ કરી શકીએ છીએ. આ પ્રદેશ તો આ મૂંગા પક્ષીઓ માટે છે કે જે કેવળ પ્રેમ અને શાંતિની જ ભાષા સમજે છે. આ પ્રકારના અવાજ અને ઘોંઘાટથી તેઓ ગભરાઈને દૂર ચાલ્યાં જાય છે. મારું તો માનવું છે કે ઈશ્વરે જે ચીજ, જે જગ્યા, જે હેતુથી બનાવી છે એનું મહત્વ આપણે જાળવી રાખવું જોઈએ. જો એમ કરવામાં આવશે તો જ પર્યાવરણનું સંતુલન બની રહેશે. ત્યાં આવેલા સૌ પ્રવાસીને તો અમે સમજાવી ન શક્યાં પરંતુ અમે કોઈ પણ પ્રકારના અવાજ વિના, શાંતિથી, હળવેથી, તમામ સુંદર પક્ષીઓ અને તેમની મીઠી બોલીનો મધુર આનંદ માણીને તૃપ્તિ અનુભવી.

આશરે ચાર થી પાંચ કલાક અમે આ અભ્યારણ્યમાં ઘૂમ્યા. ત્યાં ફેલાયેલી હરિયાળીને આંખોમાં અને કેમેરામાં કેદ કરી લીધી ! ત્યાંથી પાછા ફરતાં અમે આ અભ્યારણ્યની નજીકના સમયમાં જ ફરીથી મુલાકાત લેવાનો મનોમન પાક્કો નિર્ધાર કરી લીધો. એ એટલા માટે કે સૂર્યની પહેલી કિરણની સાથે ગૂંજતા પક્ષીઓનો અવાજ, પાણીમાં પ્રતિબિંબિત થતી પરોઢની લાલિમા અને તેમાં ઝળહળતાં આસપાસની હરિયાળીના સુંદર દશ્યોથી અમારી શિથિલ જીવનશૈલીને અમે ઊર્જાવાન કરી શકીએ. પ્રકૃતિની આ ભેટ હકીકતે માણસો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે અને એ પ્રેરણાને મેં નીચેની કેટલીક પંક્તિઓમાં અભિવ્યક્ત કરવાની કોશિશ કરી છે :

धर्म ना कोई मेरा,
ना कोई है डेरा
प्रेम और अमन की छाँव जहाँ पर,
वही बसेरा मेरा

आज़ादी ही शान है मेरी,
उसी में बसी जान है मेरी,
जकड़ों ना ज़ंजीरो में यूँ मुझे,
छीनो ना मुझसे अस्तित्व मेरा

सरहदें ना मेरी कोई
ना किसी से बैर मेरा
मैं हूँ दूत अहिंसा के पथ का
“अमन की आशा” ही संदेश है मेरा

[અન્ય ફોટોગ્રાફ્સ]