ચૂંટેલી બાળવાર્તાઓ – રમણલાલ સોની

[‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] મિયાં-બીબી

રહીમભાઈ શેઠના દીકરાની શાદી હતી. દેશપરદેશથી કેટલાયે મહેમાનો પધાર્યા હતા. ભારે જલસો થયો. પણ શેઠ પોતાના ગરીબ પડોશી કડુમિયાંને જલસામાં નિમંત્રણ આપવાનું ભૂલી ગયા. શાદી ધામધૂમથી પતી ગઈ. કડુમિયાં બીબીને કહે : ‘આવડો મોટો રહીમભાઈ શેઠ, એના દીકરાની શાદી અને પડોશીનું મોં ગળ્યું ન થાય એ કેવી વાત ?’
બીબી કહે : ‘તો હું મોં ગળ્યું કરાવું !’
મિયાં કહે : ‘ક્યાં ? અહીં કે તહીં ?’
બીબી કહે : ‘તહીં !’ એમ કહી તેણે મિયાંના હાથમાં ઝાડુ પકડાવી દઈ કહ્યું : ‘મિયાં, હવે તમે થાઓ ગુસ્સે અને ઝાડુ લઈ મને મારવા દોડો ! જુઓ, હું માથાના વાળ છૂટા મેલી ઘરમાંથી ભાગું છું….એક-દો-તીન !’ બોલતાં બોલતામાં તો બીબીના ઢંગ ફરી ગયા. મોંમાથી ચીસ નીકળી ગઈ : ‘બચાવો ! બચાવો ! મિયાં મને મારી નાખે છે !’

મિયાંને બીબીની વાત પર બહુ વિશ્વાસ. બીબીની પાછળ એણે ઝાડું લઈ દોટ મૂકી : ‘ઊભી રહે, આજે તારી ખેર નથી. ટીપીટીપીને તારો રોટલો ન કરી નાખું તો મારું નામ કડુમિયાં નહિ !’ રહીમભાઈ શેઠ પોતાના બંગલાની ચોપાડમાં ખુરશી નાખી બેઠા હતા. કડુમિયાંની બીબી ‘મરી ગઈ ! મરી ગઈ !’ એવી ચીસો પાડતી એમના ઘરમાં ઘૂસી ગઈ અને પાછળ ઝાડુ લઈને દોડી આવતા કડુમિયાં શેઠના હાથમાં પકડાઈ ગયાં. મિયાં કહે : ‘છોડો મને ! આજે કાં બીબી નહિ, કાં હું નહિ !’
મિયાંના ખભે હાથ મૂકી શેઠે કહ્યું : ‘બીબીની કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દો, મિયાં, તમે સમજદાર માણસ છો !’
મિયાંએ દાંત ભીંસી કહ્યું : ‘નહિ, એણે મારો જીવ ખાઈ નાખ્યો છે, આજે હું એને ખાઈ નાખીશ.’
શેઠે કહ્યું : ‘તમે મારા ઘરમાં ઘૂસી બીબીને મારો, તો ગામમાં મારી આબરૂનું શું ? લોકો કહેશે કે રહીમભાઈના ઘરમાં બીબીને માર પડ્યો !’
મિયાં કહે : ‘પણ બીબી મારી છે !’
શેઠ કહે : ‘પણ ઘર મારું છે ને !’

મિયાંએ નરમ થઈ જઈ કહ્યું : ‘ખરું, ઘર તમારું અને હું….’
‘તમે મારા ઘરમાં મહેમાન ! બેસો આ ખુરશીમાં !’
મિયાં કહે : ‘નહિ, આજે મારું મન કડવું થઈ ગયું છે !’
શેઠ હસીને કહે : ‘તો હું મીઠું કરી દઈશ.’ તરત હુકમ કરી એમણે ઘરમાંથી મિષ્ટાન્નનો થાળ મંગાવ્યો અને મીઠાઈનો એક ટુકડો મિયાંના મોંમાં મૂકી કહ્યું : ‘બેસો, નિરાંતે જમો !’ મિયાંએ ઊંહું ! ઊંહું ! કરી કોળિયો પેટમાં ઉતારી દઈ કહ્યું : ‘આજે હું બીબીનું માથું ભાંગ્યા વિના રહેવાનો નથી. એવી દાઝ ચડે છે – માફ કરો, મને ખાવાનું કહેશો નહિ !’ શેઠે મીઠાઈનો બીજો એક મોટો ટુકડો મિયાંના મોંમાં ઓરી દીધો. મિયાંએ ગટ દઈને એ પેટમાં ઉતારી દીધો.

અંદરથી બીબી બોલી : ‘તો ન ખાશો ! હું ખાનારી બેઠી છું.’
મિયાં છંછેડાયા. તેમણે ગર્જના કરી : ‘જોઈ ન હોય તો મોટી ખાનારી ! હું તારા માટે એક ટુકડોયે રાખવાનો નથી. તું ખાજે રસ્તાની ધૂળ !’
બીબીએ ઘરમાંથી કહ્યું : ‘રહીમભાઈના ઘરમાં તમે મીઠાઈ ખાશો ને હું કંઈ ધૂળ ખાવાની નથી.’ ત્યાં તો રહીમભાઈ શેઠે કડુમિયાંની બીબીને મીઠાઈનો થાળ ધરવા નોકરને હુકમ કરી દીધો.
બીબી કહે : ‘બળ્યું, આવા કલેશમાં મીઠાઈ કેમ કરી ગળે ઊતરે ?’
શેઠે કહ્યું : ‘શું થાય ? આવા કજિયા તો ચાલ્યા કરે, એમાં મન બાળવું નહિ. મિયાં નિરાંતે જમે છે, તમેય જમો !’ મિયાં અને બીબી બંનેએ થાળ ખલાસ કર્યો. શેઠે મિયાંને કહ્યું :
‘બોલો, હવે મોં ગળ્યું થયું ને ?’
મિયાંએ કહ્યું : ‘બરાબર ગળ્યું થયું ! આટલું બધું ગળ્યું થશે એવું ધાર્યું નહોતું.’ આ સાંભળી શેઠ વિચારમાં પડી ગયા.

હવે મિયાંએ વિદાય માગી. શેઠ કહે : ‘મિયાં, મારે તમને શિખામણનો એક બોલ કહેવાનો છે !’
મિયાંએ કહ્યું : ‘એક શા માટે ? અમે બે છીએ, માટે બે બોલ કહો !’
શેઠે હસીને કહ્યું : ‘ભલે, તો બે શિખામણ આપું. પહેલી શિખામણ એ કે ઘરમાં વાસણ કોઈ વાર ખખડેય ખરાં !’
મિયાંએ કહ્યું : ‘હાસ્તો ! હાસ્તો ! આપણે સૌ ઠીકરાં જેવાં છીએ, એટલે ખખડીએ જ ને !’
શેઠે કહ્યું : ‘તમે સમજુ છો, મિયાં, તરત સમજી ગયા ! હવે મારી બીજી શિખામણ એ કે ઘરના કંકાસનો ઢોલ બહાર ન પીટવો.’
મિયાંએ કહ્યું : ‘મેં એક શિખામણ લીધી. આ બીજી શિખામણ તમારે બીબીને દેવાની ! ઘરમાંથી બહાર પહેલો પગ એણે દીધેલો.’
બીબીએ કહ્યું : ‘પણ તમે હાથમાં ઝાડુ લીધું ત્યારે ને ?’
મિયાં કહે : ‘તો હવે તું ઝાડું લે !’
બીબીએ હાથમાં ઝાડુ લઈ કહ્યું : ‘લેવું જ પડશે, એ વિના તમે સીધા ચાલવાના નથી. ચાલો, થાઓ આગળ !’ મિયાં હવે ડાહ્યા થઈ ગયા હતા. નીચું મોં કરી ચાલવા લાગ્યા. રહીમભાઈને કંઈ બોલવાનું થઈ આવ્યું એટલે એમણે કહ્યું : ‘રહો, મારે તમને જરી કહેવું છે.’
તરત મિયાંએ કહ્યું : ‘શેઠજી, આપે બે શિખામણ દેવાની હતી તે દેવાઈ ગઈ, હવે ત્રીજી શિખામણ દેવાની હોય તો તે અમારે તમને દેવાની છે.’

શેઠને ખોટું લાગ્યું. કહે : ‘મેં તમારો કજિયો પતાવ્યો, એ ગુનો થયો એટલે શિખામણ લેવી પડશે.’
મિયાંએ કહ્યું : ‘આપે અમારો કજિયો પતાવ્યો એવું આપ માનો છો. એ આપની ભૂલ છે. કારણ અમારી વચ્ચે કોઈ કજિયો કદી હતો જ નહિ.’ શેઠની નવાઈનો પાર ન રહ્યો. કહે : ‘બીબી મરી ગઈ ! મરી ગઈ ! કરતી આવી – તમે ઝાડુ લઈને એને મારવા દોડ્યા હતા – મેં નજરોનજર જોયું એ ખોટું ? પછી મેં તમને મીઠાઈ ખવડાવી તમારો કજિયો પતાવ્યો – એ ખોટું ?’
મિયાંએ કહ્યું : ‘મીઠાઈ ખવડાવી એ સાચું, કજિયો પતાવ્યો એ ખોટું ! ગળ્યું મોં કરવા જ અમે અહીં આવેલાં ! વાત એમ છે કે આપે દીકરાની શાદી કરી, મોટો જલસો કર્યો, પણ ગરીબ પડોશીનું મોં ગળ્યું કરાવવાનું આપ ભૂલી ગયા હતા, તેથી આપને ત્યાં મીઠાઈ ખાવા આ રીતે અમારે આવવું પડ્યું ! અમારા અવિનય માટે અમને માફ કરજો, શેઠજી ! બાકી અમારી વચ્ચે કદી કજિયો હતો જ નહિ !’
બીબીએ કહ્યું : ‘અને કદી થશે પણ નહિ ! અમને ગરીબને એવો કજિયો પાલવે નહિ !’

રહીમભાઈ ઉદાર દિલના આદમી હતા. તેમણે તરત પોતાની ભૂલનો સ્વીકાર કરી કહ્યું, ‘તમારી આ શિખામણ હું કદી નહિ ભૂલું ! હું આને ખુદાની કરામત સમજું છું. અભણની આંખે એ કુરાનની શરિયત વંચાવે છે અને ફકીરના હાથે સામ્રાજ્યોનાં દાન કરાવે છે !’ આ વખતે મિયાં અને બીબી બેઉએ સાથે ઝૂકીને શેઠને સલામ ભરી.
.

[2] મન, મન, શું ખાઉં ?

એક હતો વાણિયો ને એક હતી વાણિયણ. વાણિયો રાત-દિવસ માથે કરી કામ કરે અને પાઈ પાઈ કરી પૈસા ભેગા કરે. પૂરું ધરાઈને ખાય પણ નહિ. આથી શરીરે એ ખૂબ દૂબળો હતો. વાણિયણનું આથી ઊલટું હતું. એનું શરીર એવું હતું કે એના સામા પલડામાં ચાર વાણિયા બેસાડીએ તોયે વાણિયણનું પલ્લું નીચું રહે. એને રોજ ચાર વાર ખાવા જોઈએ. વાણિયો એવું સમજે કે આજે ભેગું કરો, ઘડપણમાં નિરાંતે ખાશું ! વાણિયણ એવું સમજે કે કાલ કડવી ને આજ મીઠી ! કાલ ભૂંડી ને આજ રૂડી !

લૂખુંસૂકું જે મળ્યું તે ખાઈને વાણિયો દુકાને જાય તે રાત પડ્યે ઘેર આવે. વાણિયણ આખો દિવસ ઘરમાં રહે ને મનભાવતું રાંધીને ખાય ! ખાઈને ઘડી આરામ કરે, આરામ કરીને ઊઠે એટલે વળી બીજું મનભાવતું રાંધીને ખાય ! કોઈ કોઈ વાર પડોશીઓ વાણિયાને કહેતા કે તમે તો કંઈ ખાતા નથી, પણ તમારી વાણિયણ રોજ લાડુ-લાપશી ખાય છે ! પણ વાણિયો આ વાત કાને ધરે નહિ. પરંતુ આવું ઘણી વાર સાંભળ્યું ત્યારે એક દિવસ વાણિયાને થયું કે આજે હું મારી આંખે જોઉં. તેણે સ્ત્રીને કહ્યું : ‘આજે હું બહારગામ ઉઘરાણીએ જાઉં છું. બે દિવસે આવીશ.’ આમ કહી એ ઘરમાંથી નીકળી ગયો. પણ એ ક્યાંય ગયો નહિ. વાણિયણની નજર ચૂકવી એ પાછો ઘરમાં આવી ગયો ને રસોડામાં માળિયું હતું તેમાં સંતાઈ શું થાય છે તે જોવા લાગ્યો.

વાણિયણ રસોડામાં આવી ચૂલા સામે બેઠી. કહે : ‘ચૂલા રે ચૂલા ! શું ખાઉં ?’
ચૂલાની વતી પછી પોતે જ બોલી : ‘ખા ને તારું મન કહે તે !’
વાણિયણ કહે : ‘મન, મન, શું ખાઉં ?’
મનની વતી પછી પોતે જ બોલી : ‘ખા ને પેલી શેરડી ! મલકા કાકાના ખેતરમાંથી તાજા બે સાંઠા આવ્યા છે તે શું કરવાના છે ?’ વાણિયણે શેરડી છોલી તેનાં પતીકાંના ચાવીને કૂચા કરી નાખ્યા. શેરડી ખવાઈ રહ્યા પછી વાણિયણ કહે : ‘ચૂલા રે ચૂલા ! શું ખાઉં ? ભૂખે મારો જીવ જાય છે !’
ચૂલાની વતી પછી પોતે જ બોલી : ‘ખા ને તારું મન કહે તે !’
વાણિયણ કહે : ‘મન, મન, શું ખાઉં ?’
મનની વતી પછી પોતે જ બોલી : ‘ખા ને ઘીના લચપચતા લાડવા ! વાણિયાને આવું કશું ભાવતું નથી, પણ તું શું કરવા ભૂખે મરે છે ?’ વાણિયણે ઝટઝટ ઘી-ગોળ વગેરે કાઢીને બે મોટા લાડવા બનાવી કાઢ્યા, અને ઘડીકમાં બંને લાડુ એ ઝાપટી ગઈ. માળિયામાંથી વાણિયો આ જોઈ હબકી ગયો. મનમાં કહે : ‘હું તો આ લાડુનું ચોથિયું યે ખાઈ ન શકું !’ લાડુ ખાધા પછી વાણિયણ કહે : ‘મારી જરા ભૂલ થઈ ! બેને બદલે મારે ચાર બનાવવા જોઈતા હતા !’

ખાધા પછી વાણિયણે થોડી વાર હિંડોળા ખાટ પર આરામ કર્યો. આરામ પૂરો થયો કે એ ઊભી થઈ પાછી રસોડામાં આવી. કહે : ‘આ ભૂખ મૂઈ પાછી આવી ! ભલે ને આવી ! એ છે તો હું જીવું છું, નહિ તો ક્યારની મરી ગઈ હોત ! વાણિયો તો કદી ચોપડામાંથી ઊંચો આવતો નથી. નથી ખાવામાં સમજતો, નથી ખવડાવવામાં સમજતો – વૈતરું કરી મરે છે ! તે છો ને કરતો વૈતરું !’
પછી કહે : ‘ચૂલા રે ચૂલા ! હું શું ખાઉં ?’
ચૂલાની વતી પછી પોતે જ બોલી : ‘ખા ને તારું મન કહે તે !’
વાણિયણ કહે : ‘મન, મન, શું ખાઉં ?’
મન વતી પછી પોતે જ બોલી : ‘ખા ને ખીચડી ! પાશેરમાં દોઢ પાશેર ઘી ! વાણિયાને આવું કશું ભાવતું નથી, પણ તું તો ખા !’ વાણિયણે ઘીમાં લસબસતી ખીચડી મોટા મોટા કોળિયા કરીને ખાધી – થાળી પણ ચાટીને સાફ કરી નાખી. માળિયામાં ભરાયેલો વાણિયો કહે :
‘બાપ રે, બે દિવસનો ભૂખ્યો હોઉં તો યે મારાથી આટલી થાળી ચટાય નહિ !’

હવે વાણિયણ હાશ કરી હિંડોળા ખાટ પર જઈને પોઢી. જરા લેટી ન લેટી ત્યાં આળસ મરડી બગાસું ખાઈ બેઠી થઈ ગઈ ને રસોડામાં આવી ઊભી. કહે : ‘મૂઈ આ ભૂખ પાછી આવી ! આવી તો ભલે આવી, મારી મા ! તું છે, તો મને જીવવું ગમે છે. બાકી વાણિયાને તો એ ભલો ને એનો ચોપડો ભલો ! ચોપડો જરી આઘો મેલી એ શીરોવસાણું ખાય તો કેવું ! પણ ના, એને એવું નથી ભાવતું. શું થાય ?’
પછી કહે : ‘ચૂલા રે ચૂલા ! હું શું ખાઉં ?’
ચૂલાની વતી પછી પોતે જ બોલી : ‘ખા ને તારું મન કહે તે !’
વાણિયણ કહે : ‘મન, મન, શું ખાઉં ?’
મન વતી પછી પોતે જ બોલી : ‘ખા ને બાપ, મોવડાંના ફૂલ જેવી ફક્કડ ધાણી !’ વાણિયણે તરત જ મકાઈની ધાણી શેકી કાઢી મસાલેદાર કરી ખાવા માંડી. ખાતાં ખાતાં કહે : ‘ધાણી કંઈ ચીજ છે.’ વાણિયાને તો આ નથી ભાવતું ! એનું તે કંઈ જીવતર છે ! એ તો હું ડાહી તે લક્ષ્મીનો ઉપયોગ કરી એને રાજી રાખું છું, નહિ તો મા લક્ષ્મી ક્યારનીયે ઘરમાંથી પગ કરી ગઈ હોત ! હું જાણું તો, મા લક્ષ્મીને બંધાઈ રહેવું ગમતું નથી !’

માળિયામાં ભરાયેલા વાણિયાએ આ શબ્દો બરાબર સાંભળ્યા. ધાણી ખાધા પછી વાણિયણ પાછી હિંડોળા ખાટ પર જઈને પોઢી. દરમિયાન વાણિયો માળિયા પરથી ઊતરી ઘરમાં બહાર નીકળી ગયો ને થોડી વાર પછી એણે બારણું ખખડાવ્યું. કોઈ આવ્યું છે સમજી વાણિયણે બારણું ઉઘાડ્યું. તો સામે વાણિયો ! એ બોલી પડી : ‘અરે તમે ? તમે તો બે દિવસ માટે ઉઘરાણીએ ગયા હતા ને ?’
વાણિયાએ કહ્યું : ‘ગયો હતો, પણ રસ્તામાં અપશુકન થયા – બે સાપ આડા ઊતર્યા એટલે પાછો આવ્યો !’
વાણિયણે કહ્યું : ‘હેં ! એકસાથે બે સાપ ?’
‘હા, મલકા કાકાની વાડીની શેરડીના સાંઠા જેવા લાંબા ને તગડા ! એની આંખો જોઈ હોય તો જાણે મોટા મોટા બે લાડવા ! અને સરરર કરતા એવા ચાલે એવા ચાલે જાણે ખીચડીમાં ઘીનો રેલો !’

હવે વાણિયણ સમજી ગઈ કે વાણિયો વાત જાણી ગયો છે. એટલે તેણે પૂછ્યું : ‘તમે આ વાત કેમ કરી જાણી ?’
વાણિયાએ કહ્યું : ‘તેં ફોડી ધાણી, ને મેં વાત જાણી !’
વાણિયણ ખડખડાટ હસી પડી. કહે : ‘ત્યારે તો આ વખતે તમારી ઘરાકી ફળી !’ પછી કહે, ‘તમે ભૂખ્યા હશો. પહેલાં જમી લો, પછી બીજી વાત !’ ઝટઝટ એણે શીરો શેકી નાખ્યો, વાણિયાને જમવા બેસાડી દીધો ને આગ્રહ કરી કરીને એને જમાડ્યો. આજે વાણિયો ખૂબ સંતોષથી જમ્યો.
હવે વાણિયણે કહ્યું : ‘આટલું જોયા જાણ્યા પછી તમને મારા પર ગુસ્સો નથી આવતો ? સાચું કહેજો હોં !’
વાણિયાએ કહ્યું : ‘સાચું કહું છું, તેં આજે મારી આંખો ઉઘાડી છે. કમાવું શા માટે અને જીવવું શા માટે તે આજે તેં મને શીખવ્યું છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous થોર અભ્યારણ્યની મુલાકાતે – સૃજના કાલે
માનવસેવા એ જ પ્રભુકૃપા ! – બંસરી પટેલ Next »   

8 પ્રતિભાવો : ચૂંટેલી બાળવાર્તાઓ – રમણલાલ સોની

 1. trupti says:

  બેવ બાળવાર્તા સરસ.

  ૧. પહેલો સગો તે પાડોસી. સીધી આંગળી એ ધિ ન નીકળે ત્યારે આંગળી તેડી કરવી પડે.
  ૨. કાલ ની લાય માં આજ ન ખરાબ કરાય માણસે કમાવા પાછળ એટલુ પણ ન ભાગવુ જોઈએ કે જેથી આજની મઝા પણ ન લઈ સકાય. અગર પુત સુપુત તો ધન સગ્રહ ક્યું ઔર અગર પુત કુપુત તો ભી ધન સંગ્રક ક્યું? અર્થાત. જો તમારો પુત્ર સુપુત્ર સાગીત થાય તો તે તેના જોગ નું કમાઈ લેશે, માટે તેને માટે ધન સંગ્રહ કરવાની જરૂર નથી. અને અગર જો તમારો પુત જો કપુત પાકે તો ધન તમારી પાસે ગમે તેટલુ> હોય તો એ ધન શું કામનુ? મનુષ્યે પાછલી જીંદગી માટે જોગવાઈ કરવી જોઈએ પણ વર્તમાન ના ભોગે નહીં.

  • જિજ્ઞેશ શનિશ્વરા says:

   અગર પુત સુપુત તો ધન સગ્રહ ક્યું ઔર અગર પુત કુપુત તો ભી ધન સંગ્રક ક્યું?
   વાહ, તૃપ્તિબેન. ખુબ સરસ.

 2. i remember both stories of my childhood –the message of first still i remember —-and i liked very much second story also — i must have heard from my grandpa and uncle till i became 12 years old —i used to hear after dinner and then only go for sleep —-but this new generation is not interested in these stuff—values are fast changing

 3. Vaishali Maheshwari says:

  Nice children’s stories.

  [1] મિયાં-બીબી
  ખુદાની કરામત સમજું છું – અભણની આંખે એ કુરાનની શરિયત વંચાવે છે અને ફકીરના હાથે સામ્રાજ્યોનાં દાન કરાવે છે !

  [2] મન, મન, શું ખાઉં ?
  કાલ કડવી ને આજ મીઠી ! કાલ ભૂંડી ને આજ રૂડી !

  Thank you Mr. Ramanlal Soni…

 4. MG Dumasia says:

  ફક્ત બાળકોની વાર્તા જ નથી પરંતુ બાઈબલમાં ને કુરાનમાં પડોશી સાથે કેવો વ્યવહાર રાખવો તેનું સચોટ માર્ગદર્શન પણ છે.વાર્તા ભલે બાળકો માટે છે.શીખવાનું અમને મોટાઓને છે.
  -એમ.જી.

 5. jayesh says:

  dono story saras che

 6. Darshan Bhatt says:

  these stories led me to my child hood when i used to read a lot of stories. please include othe lot more stories like Miyan Fuski and Chhako and Mako etc.

 7. shachi says:

  મને મજા આવિ. સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.