- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

માનવસેવા એ જ પ્રભુકૃપા ! – બંસરી પટેલ

[ પ્રસ્તુત લેખ ‘ભૂમિપુત્ર’ સામાયિક (માર્ચ, 2003)માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખની શરૂઆતમાં ‘ભૂમિપુત્ર’ના એક લેખિકા હરવિલાસ બેન લખે છે કે : ‘અવારનવાર ઘણા પૂછતા હોય છે કે અમે સંસારમાં રહીનેય અમારી ઘર-ગૃહસ્થી સંભાળતાં-સંભાળતાં શું કરી શકીએ ? નિવૃત્ત થયેલા તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલાં ભાઈ-બહેનો પૂછતાં હોય છે, અમે હવે મુક્ત છીએ, અમે સમાજ માટે થોડું ઘણું શું કરી શકીએ ? આવા સવાલોનો જવાબ કદાચ નીચેના લેખમાંથી સાંપડી રહે. ખરે જ કાંઈક કરી છૂટવાની ઈચ્છા ધરાવનારાઓને આમાંથી પ્રેરણા મળશે.]

સાંતાક્રુઝ ઍરપોર્ટ પાસેના રસ્તા પર લોકોની ભીડ જામી છે. ટોળાના લોકો અંદરઅંદર ફકત વાતો જ કરી રહ્યાં છે. ત્યાં રસ્તા પરથી એક ઑટૉરિક્ષા પસાર થઈ. તેમાં બેઠેલી બે સન્નારીઓ અને એક ભાઈએ રિક્ષા અટકાવી અને કુતૂહલવશ લોકોના ટોળામાંથી માર્ગ કરતાં શું થયું છે, તે જોવા ઊભાં રહ્યાં. જોયું તો લગભગ 27-28 વર્ષની એક યુવતી ઘવાયેલી હાલતમાં બેભાન જેવી પડી હતી. બંને પગો પર સખત ઈજા થઈ હતી. પૂરવેગથી ઘસી આવતી ટ્રકે તેને જમીન પર પટકી હતી અને આ યુવતીને લોહીલુહાણ દશામાં છોડી ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. ઊભેલા લોકો ‘અરે ! બિચારી !’ જેવા ઉદ્દગારો કાઢી ફક્ત મૌખિક સહાનુભૂતિ દાખવતાં હતાં. યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવા કોઈ તૈયાર ન હતું. ‘પોલીસના લફરામાં નકામું કોણ પડે !’

ઑટૉરિક્ષામાંથી ઊતરેલાં એક બહેનથી ન રહેવાયું. તેમણે તરત જ યુવતીને હાજીઅલી ઑર્થોપેડિક મેડિકલ સેન્ટરમાં દાખલ કરી. ત્યાં યોગ્ય સારવાર શરૂ થઈ ગઈ. યુવતી સાથે વાતચીત કરતાં ખબર પડી કે તેની અપરમા તેને ખૂબ જ ત્રાસ આપતી હતી. ઘરમાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકી હતી. ત્યાં આ અકસ્માત થયો. પેલાં સન્નારીનું હૃદય કકળી ઊઠ્યું. આ યુવતીને પગભર કરવા શું કરવું ? બે રીતે તેને પગભર કરવાની હતી. તેને ફરીથી ચાલતી કરવાની હતી અને આર્થિક રીતે પણ પગભર કરવાની હતી. તો જ તે શાંતિથી, સ્વતંત્ર રીતે જીવી શકશે. ખૂબ વિચાર કરી તેને માટે એક ટેલિફોન બૂથ ઊભું કરવાનો નિર્ણય કર્યો. તે માટેની કામગીરી શરૂ કરી દીધી. યોગ્ય સહીસિક્કા કરાવી, કાયદેસર કાગળિયાં તૈયાર કર્યાં. લાકડાનું ટેલિફોન બૂથ તો ઊભું થયું, પરંતુ દરેક સામાજિક સેવાના કાર્યમાં થાય છે તેમ અહીં પણ વિરોધ શરૂ થયો. ત્યાંના સરકારી કાર્યકર્તાની સહાયથી બધું સફળતાથી પાર પડ્યું. બે મહિના પહેલાં બૂથની ઉદ્દઘાટનવિધિ અપંગ દૂરધ્વનિકેન્દ્રના વિભાગપ્રમુખ અનિલ પરબના હસ્તે કરવામાં આવી. અપંગ યુવતીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. હાજર રહેલાં સૌ લાગણીશીલ બની ગયાં. આજે તે યુવતી આર્થિક રીતે પગભર થઈ ગઈ છે. બૅન્કમાં તેના નામનું જુદું ખાતું પણ ખોલાવવામાં આવ્યું છે.

આ અપંગ યુવતી તે મધુરી ચોરગે અને તેને જીવતદાન આપી, તેનામાં આત્મવિશ્વાસ જગાડનારી સન્નારી તે પ્રતિભાબહેન દત્તાણી. પ્રતિભાબહેને તેમનું નામ સાર્થક કર્યું છે. બાહ્ય અને આંતરિક રીતે પ્રતિભા સંપન્ન એવાં આ બહેનમાં એવું શું છે કે જેથી તેઓ સામાન્ય ગૃહિણીઓથી જુદાં પડી જાય છે ? દાનવૃત્તિ અને પરોપકાર કરવાના સંસ્કાર માતાપિતા તરફથી વારસામાં મળ્યા તે હોઈ શકે. ખૂબ શ્રીમંત કહી શકાય તેવા કુટુંબમાં ઈ.સ. 1933માં જન્મ થયો હતો. પિતા રૂઢિચુસ્ત તેથી શાળામાં ભણવા ન મૂકતાં દીકરીને ઘરમાં જ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી. પિતાનો વિચિત્ર પણ કડક નિયમ કે દીકરીએ રસોડામાં પગ જ નહિ મૂકવાનો. એટલે રાંધણકળાનો બહુ અનુભવ નહીં. છતાં એક નવાઈ લાગે તેવી વાત છે. આજે ઘણી પંચતારક હોટલમાં રાંધણકળાને લગતી એક હરીફાઈ યોજવામાં આવે છે. એક મોટા ટેબલ ઉપર રસોઈને લગતી સામગ્રી ગોઠવવામાં આવે છે. આ સામગ્રી કપડાથી ઢાંકી દીધી હોય છે. હરીફોએ આવરણ હઠાવ્યા પછી ફકત 45 મિનિટમાં, એ જ સામગ્રીનો ઉપયોગ કરી કોઈ પણ વાનગી બનાવવાની હોય છે. આ હરીફાઈ આંતરરાષ્ટ્રીય સ્તર પર યોજવામાં આવે છે. પ્રતિભાબહેન આવી હરિફાઈમાં અનેક વાર વિજેતા નીવડ્યાં છે.

પ્રતિભાબહેનને સામાજિક સેવા કરવાની પ્રેરણા પણ આવી એક હરીફાઈમાં ભાગ લેતાં મળી હતી. હોટલોમાં પુષ્કળ ભોજનનો વ્યય થતો જોઈને તેમણે વધેલા આ ભોજન દ્વારા ભૂખ્યાની આંતરડી ઠારવાના કાર્યથી સેવાનો શુભારંભ કર્યો. પછી તો હોટલો ઉપરાંત લગ્નના ભોજન સમારંભોમાં જઈ, વધેલી ભોજનસામગ્રી જરૂરિયાતમંદોને પહોંચાડવાનું શરૂ કર્યું. ભગવાનમાં શ્રદ્ધા ખરી, પરંતુ ભગવાનને નામે થતાં છપ્પનભોગ વગેરેમાં થતા ખોરાકના વ્યયથી મન ખિન્ન થઈ જતું. પરંતુ સુખદ આશ્ચર્ય સાથે, મંદિરના પૂજારીઓનો સરસ સહકાર મળ્યો. ભગવાનને ધરાવવામાં આવેલાં ફળફળાદિ, મીઠાઈ વગેરે ગરીબ, અનાથ, ફૂટપાથ ઉપર રહેતાં બાળકોને માટે મળવા માંડ્યાં. એટલે શુભ પ્રસંગોએ થતા જમણવારો, હોટલો અને મંદિરો તરફથી નિયમિત ભોજનસામગ્રી મળતી ગઈ. મુંબઈના કેટલાક જાણીતા કેટરર્સે પ્રતિભાબહેનની પોતાના સુપરવાઈઝર તરીકે નિમણૂક કરી છે. લગ્ન માટે બનતી વાનગીઓ સ્વાદમાં, દેખાવમાં આકર્ષક બને તેનું તેઓ માર્ગદર્શન આપે છે. આ રીતે પ્રતિભાબહેનનું કામ વધુ ને વધુ સરળ બનતું ગયું છે.

અનાથાશ્રમોની મુલાકાત દરમિયાન ખબર પડી કે બાળકો માટે દૂધની વ્યવસ્થા કરવાની મુશ્કેલી હતી. પ્રતિભાબહેને શરૂઆતમાં પોતાના અંગત ખર્ચે દૂધના ડબ્બા આપવાની શરૂઆત કરી. ત્યાર બાદ દાતાઓ અને દૂધના પાઉડર બનાવતી કંપનીઓના સહકારથી આ કામ પણ સરળ બન્યું. અમુક નિ:સંતાન દંપતીઓએ પ્રતિભાબહેનનો સંપર્ક કરી, અનાથ બાળકને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમને યોગ્ય માર્ગદર્શન આપી, અનાથાશ્રમમાંથી બાળકોને દત્તક લેવાની વ્યવસ્થા કરી આપી. આ રીતે એમની સહાયથી છ અનાથ બાળકોને પ્રેમાળ માતાપિતા મળ્યાં છે અને નિ:સંતાન માતાપિતાને સંતાનપ્રાપ્તિ થઈ છે. અનાથ બાળકોને ફક્ત ભોજન ખવડાવવામાં જ પ્રતિભાબહેનને સંતોષ નથી. આ બાળકોનો એક જન્મદિવસ નક્કી કરી, તે પણ ઊજવવામાં આવે છે. આશ્રમના સંચાલકોની રજા લઈ દીવાળી જેવા પર્વોએ આતશબાજી, ફટાકડા વગેરેની મોજ પણ બાળકોને કરાવે છે. બાળકોની સેવા કરતાં પ્રતિભાબહેન વૃદ્ધોને પણ ભૂલ્યાં નથી. વૃદ્ધોની સમસ્યાઓથી તેઓ અજાણ નથી. સાંતાક્રુઝના એક વૃદ્ધાશ્રમમાં નિયમિત જઈ, વૃદ્ધોને કંપની આપે છે. તેમને માટે શીરો, ઉપમા જેવી વાનગીઓ લઈ જઈ, તેમની સ્વાદવૃત્તિ સંતોષે છે.

નિર્દોષ ભૂલકાંઓને મદદ કરવામાં, તેમને હસતાં જોવામાં પ્રતિભાબહેનને કોઈ અનેરો આનંદ મળે છે. શાળામાં ભણતાં બાળકોને ગણવેશની, બૂટ-મોજાં, પુસ્તકોની જરૂર હોય તો પૂરી પાડે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ દરજીઓને સીલાઈખર્ચ આપી ગણવેશ સીવડાવે છે અને બાળકોને પૂરા પાડે છે. એક કાંકરે કેટલાં ફળો પાડી શકે છે ! સાડી સેન્ટરો અને મિલોમાંથી નકામા કાપડના ટુકડા લાવી, દરજી પાસે તેમાંથી બાળોતિયાં સીવડાવી અનાથાશ્રમોને પહોંચાડે છે. આપણા મનમાં જરૂર વિચાર આવે કે આ બધાં કામ માટે સમય, શક્તિ અને પૈસા ક્યાંથી મળતાં હશે ? સમાજમાં ઘણા લોકો એવા છે કે તેમનામાં બીજાને મદદ કરવાની ઉચ્ચ ભાવના છે, પરંતુ પૈસા ક્યાં આપવા, કોનો વિશ્વાસ કરવો તેની સમજ પડતી નથી. તેવા અનેક દાતાઓની મદદ પ્રતિભાબહેનને મળે છે. તેમાં ફક્ત સાધનસંપન્ન જ નહિ, સામાન્ય મધ્યમ વર્ગના દાતાઓ પણ યથાશક્તિ મદદ કરે છે.

પ્રતિભાબહેનનાં પોતાનાં બાળકો મોટાં થઈ ગયાં છે. પતિ તરફથી સંપૂર્ણ સહકાર મળે છે. તેઓ એક પછી એક પ્રોજેક્ટ સંજોગો પ્રમાણે હાથ ધરે છે અને તે પૂરો કરે છે. મોટે ભાગે બધાં કામ એકલા હાથે કરે છે. કોઈ વાર ભોજન બનાવવામાં બીજાં બહેનોની મદદ લે છે. બાકી, કોઈ કામ કરવામાં તેઓ શરમ અનુભવતાં નથી. કપડાંના પોટલાં ઊંચકવાના હોય, ભોજનનાં તપેલાં લેવાનાં હોય તો વિના સંકોચ શરમ બધું કામ કરે. શિયાળામાં ધાબળા વહેંચવાનું કાર્ય ફક્ત મુંબઈમાં જ નહિ પરંતુ રાજસ્થાન, ગુજરાત અને હૈદરાબાદમાં કરે છે. ઘણી વાર તો પોતે બીજાં શહેરોની મુલાકાત લઈ, ત્યાંના જરૂરિયાતમંદોને મદદ કરે છે.

ઉનાળામાં તેમનાં મુખ્ય બે કામ છે. રાજસ્થાન અને ગુજરાતના પાણીની અછતવાળા પ્રદેશોમાં પરબની વ્યવસ્થા કરે છે. ઠંડા પાણીની અનેક પરબો ‘હાઈવે’ પર પ્રતિભાબહેનની પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે. આમાં તરસ્યાને પાણી મળે છે અને માટલું સાચવનાર કોઈ વિધવાને આર્થિક સહાય મળે છે. પરબ માટેની આર્થિક સહાય મુંબઈના અનેક દાતાઓ તરફથી મળતી રહે છે. ઉનાળા દરમિયાન બીજી સેવા તે વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમોને કેરીના રસની લિજ્જત કરાવવાની છે. વલસાડમાં તેમના ભાઈની કેરીની વાડીઓ છે ત્યાંથી અને બીજાં શહેરોમાંથી કેરી મુંબઈ મંગાવે છે. બીજી થોડી બહેનોની મદદ લઈ, કેરીનો રસ કાઢે છે અને સંસ્થાઓને પહોંચાડે છે. આ મીઠા રસની મોજ માણતાં વૃદ્ધો અને અનાથ બાળકોના મુખ ઉપર આનંદ અને સુખની કેવી સુરખી છવાઈ જતી હશે !

કોઈ પણ સામાજિક કાર્યકર્તાને થાય એવા અનેક કડવા-મીઠા અનુભવો પ્રતિભાબહેનને પણ થયા છે, પરંતુ સુખદ અનુભવોમાંથી તેમણે સતત પ્રેરણા અને આનંદ લીધો છે અને દુ:ખદ અનુભવો તરફ ‘આંખ આડા કાન’ કર્યા છે. અપમાનના ઘૂંટડા તેઓ ગળી જાય છે. તો જ સેવાનાં આવાં સુંદર કાર્યો તેમને માટે શક્ય બન્યાં છે. કોઈ એક સામાજિક સેવા સંસ્થા સાથે નહિ સંકળાયેલાં પ્રતિભાબહેન પોતે જ એક હરતી-ફરતી જીવંત સંસ્થા છે.