મહારાજના મુખેથી અને બીજી વાતો – સં. મગનભાઈ જો. પટેલ

[ જેમને મૂકસેવક રવિશંકર મહારાજ વિશે જાણવું હોય અને તેમના જીવનપ્રસંગો માણવા હોય તેમણે આ પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું આ સંપાદનમાં સમાયેલું છે. મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે આ પુસ્તકમાં અનેક રસપ્રદ ઘટનાઓ વર્ણવી છે. આમાંથી આજે માણીએ કેટલાક પ્રસંગો સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સુખી જીવન

એક વાર હું કચ્છમાં ગયો હતો. ફરતો ફરતો એક દિવસ કંડલા ગયો. એક શ્રીમંત મિત્રને ત્યાં ઊતર્યો હતો. સાંજના મને એ બંદર બતાવવા લઈ ગયા. રસ્તે મોટાં મોટાં મકાનો જોતા જોતા અમે જતા હતા, ત્યાં કમ્પાઉન્ડમાં ઘાસના પૂળાનાં બેત્રણ ઝૂંપડાં નજરે પડ્યાં. આવી ભવ્ય મહેલાતોમાં આ ઝૂંપડાં તે વળી કોનાં હશે, એ જાણવાની મને ઈચ્છા થઈ. અમે એ તરફ વળ્યા. બારણે જઈ ડોકિયું કર્યું તો અંદર પચીસેક વર્ષનો એક જુવાન મજૂર અને તેની સ્ત્રી બેઠાં હતાં. ચૂલા ઉપર માટીના વાસણમાં કંઈક રંધાતું હતું અને બંને પતિપત્ની બટાટા સમારતાં હસતાં હસતાં વાતો કરતાં હતાં. અમે એકાએક ત્યાં જઈને ઊભા રહ્યા એટલે એ જરા શરમાઈ ગયાં. છતાં મેં પૂછ્યું : ‘તમે ક્યાંનાં છો ?’

પુરુષ શરમાઈ ગયો હતો એટલે એ ન બોલ્યો, પણ સ્ત્રીએ કહ્યું : ‘કાઠિયાવાડનાં છીએ ને અહીં મજૂરી કરવા આવ્યાં છીએ.’
‘આ ઝૂંપડાનું ભાડું શું આપો છો ?’
‘મહિને આઠ આના.’
‘રોજની મજૂરીનું શું મળે છે ?’
‘મને બે રૂપિયા ને એમને (પતિને) અઢી રૂપિયા.’
આટલી વાત કરી અમે આગળ ચાલ્યા.

થોડેક દૂર ગયા કે પેલા શ્રીમંત મિત્રે મને ઊભો રાખીને કહ્યું : ‘મહારાજ, એક વાત કહું ? આ બે જણ જેવું સુખ મારે ત્યાં નથી. અમે બે જણે કોઈ દિવસ આટલી શાંતિથી ને આટલા આનંદથી સાથે બેસીને વાતો કરી હોય એવું યાદ આવતું નથી. આખો દિવસ તાર, ટેલિફોન ને ટપાલની ધમાલ ને ધમાલ. શાંતિનું નામોનિશાન ન મળે. ચિંતાનો પાર નહિ. રાત્રે નિરાંતે ઊંઘ પણ ન આવે. જ્યારે આ બે મજૂર પતિપત્ની રોજના સાડાચાર રૂપિયા કમાય છે. એમાંથી રૂપિયા-બે રૂપિયાનું ખાતાં હશે ને બાકીના ઓશીકે મૂકી સૂઈ જતાં હશે. એમને નથી તાર, ટેલિફોન કે ટપાલની ચિંતા કે નથી ભાવ ચડે-ઊતરે એની ચિંતા. આખો દિવસ કામ કરવું ને સાંજે ખાઈપી ભગવાનનું નામ લઈ સૂઈ જવું. કેવું સુખી જીવન !’
‘તો તમે એમના જેવા થઈ જાઓને !’ મેં હસીને કહ્યું.
‘મહારાજ, એવું સુખ ગમે છે ખરું, પણ એમના જેવા થવાની હિંમત ચાલતી નથી !’ શ્રીમંત મિત્રે કહ્યું.

[2] વૃદ્ધાવસ્થાનું ડહાપણ

સૉક્રેટિસ ગ્રીસનો મોટો તત્વજ્ઞાની થઈ ગયો. ભારે વાતોડિયો. આખો દિવસ નગરમાં ફરવું, લોકો સાથે જાતજાતની વાતો કરવી ને વાતો કરતાં કરતાં પ્રશ્નોત્તરીથી લોકોને સાચા જ્ઞાનનું ભાન કરાવવું, એ એનું કામ. એક દિવસ શહેરમાં ફરતો હતો ત્યાં તેને એક યુવાન મળ્યો. યુવાને એને નમસ્કાર કરી પૂછ્યું :
‘આપ મારે ત્યાં પધારશો ?’
‘જરૂર, શા માટે નહિ ?’ સૉક્રૅટિસે કહ્યું.

યુવાન સૉક્રૅટિસને પોતાને ત્યાં લઈ ગયો. ખૂબ આદરપૂર્વક એને ખુરશી મૂકી બેસાડ્યો. સામે એક ખાટલા ઉપર ગોદડું પાથરી પોતાના વૃદ્ધ પિતાને બેસાડ્યા. પછી પિતાને સૉક્રૅટિસનો અને સૉક્રૅટિસને પિતાનો એમ બંનેને એકબીજાનો પરિચય કરાવ્યો. આટલો વિધિ પતાવી એ પોતાને કામે ગયો. આદત પ્રમાણે સૉક્રૅટિસે તો વાતો શરૂ કરી. વૃદ્ધને એમણે બાળપણથી તે વૃદ્ધાવસ્થા પર્યંતની ઘણી વાતો પૂછી નાખી વૃદ્ધે પોતાના જીવનની ઘણી વાતો સૉક્રૅટિસને કહી. સૉક્રૅટિસે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું : ‘તમારું આજ સુધીનું જીવન તો બહુ સારી રીતે ગયંુ કહેવાય. પણ હવે ઘડપણમાં કેવી રીતે જીવો છો એ જરા કહેશો ?’

ડોસાએ કહ્યું : ‘આખી જિંદગી સુધી જે કંઈ માલ-મિલકત, કીર્તિ વગેરે પેદા કર્યું તે છોકરાને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાંને રમાડું છું. એના કામમાં જરાયે આડે આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તોપણ કંઈ બોલતો નથી. પણ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવોનો નિચોડ ઠાલવું છું. પણ પછી મારી સલાહ પ્રમાણે એ ચાલે છે કે નહિ એ જોતો નથી. મારા કહ્યા પ્રમાણે એ કરે એવો આગ્રહ પણ રાખતો નથી. ફરી ભૂલ કરે તો ટોકતો પણ નથી. અને ફરીથી સલાહ માટે આવે તો એની એ વાતો ફરીથી કહું છું.’

વૃદ્ધની વાતો સાંભળી સૉક્રૅટિસને બહુ આનંદ થયો. એણે કહ્યું : ‘ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું !’

[3] આચરણ વગરનો ઉપદેશ

ભરૂચ જિલ્લાના એક પાટીદાર ગૃહસ્થ મારા જૂના સ્નેહી. ફરતો ફરતો હું એમના ગામમાં ગયો. રાત્રે ભોજન પછી સભા થઈ. સભામાં પાટીદારો તથા ભીલ વગેરે બધા જ આવ્યા હતા. ભાષણને અંતે મેં ચા, બીડી, દારૂ વગેરે વ્યસનો છોડવા કહ્યું. પાંચેક મિનિટ સુધી કોઈ કંઈ બોલ્યું જ નહિ. બધા સૂનમૂન બેસી રહ્યા. એટલે મારા સ્નેહી ગૃહસ્થે ઊભા થઈ કહ્યું : ‘અલ્યા, આપણે ત્યાં મહારાજ પધાર્યા છે ત્યારે તમે બીજું કંઈ ન કરી શકો તો બીડીઓ તો છોડો. એમાં તમારે શું ગુમાવવાનું છે ? લો, બીડીઓ છોડવાની પ્રતિજ્ઞા લો.’

સભામાં જરા દૂર બેઠેલો એક જુવાન ઊભો થઈને બોલ્યો : ‘કાકા, તમે પણ પાન છોડવાની પ્રતિજ્ઞા લો ને ત્યારે !’ આખી સભા હસી પડી. આ ગૃહસ્થને પાનનું જબરું વ્યસન. આખો દિવસ મોઢું હાલતું જ હોય. અને વ્યસનો તો બધાં જ સરખાં. અમુક વ્યસન સારું ને અમુક ખરાબ એવું નથી. હવે પેલા ગૃહસ્થ પાનનું વ્યસન ન છોડે ને બીજાઓને વ્યસનત્યાગની શિખામણ આપે તો એની અસર થાય ખરી ? આપણે બીજાને સુધારવા હોય તો પ્રથમ આપણે સુધરવું પડશે. આપણે ઊંઘતા હોઈએ ને બીજાને જાગવાનું કહીએ એ કેમ બને ? આચરણ વગરનો ઉપદેશ ફોગટ છે.

[4] આ તે કાંઈ કેળવણી કહેવાય ?

એક દિવસ મારે બહેનોની કૉલેજમાં જવાનું થયું. 20-22 વર્ષ સુધીની બહેનો ત્યાં ભણતી હતી. મને એમનું છાત્રાલય બતાવવા લઈ ગયા. ત્યાં મેં જોયું તો રસોઈયો એમને રસોઈ કરી આપતો હતો; કપડાં ધોબીને આપવામાં આવતાં હતાં; નજીકની ઈસ્પિતાલમાં એમની દવા થતી હતી. બહેનોને કશું કામ જાતે કરવાનું નહીં. એમની સૂવાની પથારી પણ નોકર કરી આપતા. એમને તો માત્ર ભણવાનું. અંગ્રેજી ચીપીચીપીને બોલી જાણે. આ બધું જોઈ હું વિચારમાં પડ્યો. મને થયું : આમાં કેળવણી ક્યાં ? આમાં બહેનોને શાની કેળવણી મળે ? વિદ્યાર્થી અવસ્થામાં, જુવાનીમાં બધાં કામ નોકર પાસે કરાવવા ટેવાયેલી આ બહેનોને અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે લગ્ન કરવાનું થાય, ત્યારે જે ઘેર નોકરચાકર હોય તેવું જ ઘર શોધવું પડે ને ? પછી જેની સાથે લગ્ન કરવાનું છે એ માણસ ચારિત્ર્યશીલ છે કે નહીં એ ન જોવાય; એને ઘેર રસોઈયો છે કે નહીં, મોટર છે કે નહીં, નોકર છે કે નહીં – આ બધી ગણતરીથી જ વરની પસંદગી થાય. છોકરીઓને શિક્ષણકાળમાં જ આવી પરાશ્રયની ટેવો પડે એ શું તાલીમ કહેવાય ? આ જ બાળાઓ જ્યારે માતાઓ બનશે ત્યારે પોતાનાં બાળકોને કેવી તાલીમ આપશે ?

આજે નાની નાની દેખાતી છોકરીઓ ભવિષ્યની ગૃહિણીઓ છે. ગૃહિણી તરીકે એમણે જે કામ કરવાનાં છે, તે કામના સંસ્કાર પહેલેથી એમને મળવા જોઈએ. તો જ એ ગૃહિણીપદને શોભાવી શકશે. અક્ષરજ્ઞાનની સાથે સાથે મહેનતનાં કામો કરવાની તત્પરતા અને ઉત્તમ ચારિત્ર્યનો સુમેળ નહીં સધાયો હોય, તો કેવળ અક્ષરજ્ઞાન એમને ભારરૂપ થઈ પડશે. અક્ષરજ્ઞાન, શારીરિક શ્રમ અને ચારિત્ર્યઘડતર એ ત્રિવિધ પાયા ઉપર આપણી કેળવણીનું મંડાણ થવું જોઈએ.

[5] તાકાત વધારવાની ગુરુચાવી

ડૉક્ટરો કહે છે કે, માણસે રોજનો અમુક કેલેરી ખોરાક લેવો જોઈએ. એથી ઓછો લે તો શરીર સારું ન રહે. વિનોબાજી પાસે એક દિવસ ડૉક્ટરો આવ્યા. તપાસ કરતાં લાગ્યું કે, એમને આખા દિવસના ખોરાકમાંથી માત્ર 1100 કૅલેરી જ મળે છે, જે બહુ ઓછી ગણાય. છતાં વિનોબાજીનું સ્વાસ્થ્ય ઘણું સારું હતું. રોજ 10-15 માઈલની મુસાફરી પણ કરતા. આ જોઈ ડૉક્ટરોને આશ્ચર્ય થયું. એમણે વિનોબાજીને કહ્યું : ‘તમે અમારા શાસ્ત્રને જૂઠું પાડો છો.’ ત્યારે વિનોબાજીએ કહ્યું : ‘ખોરાકમાંથી મને મળે છે એ ઉપરાંત બીજી ઘણી કૅલેરી મને મળે છે એની તમને ક્યાં ખબર છે ? હું રોજ ખુલ્લા આકાશમાં ને શુદ્ધ હવામાં ફરું છું. વેદ, ઉપનિષદ, ગીતા વગેરે ધાર્મિક સાહિત્યનું અધ્યયન કરું છું તથા પવિત્ર વિચારોનું ચિંતન કરું છું. એ બધામાંથી મને જેટલી કૅલેરી મળે છે એની ગણતરી તમારા શાસ્ત્રમાં આવે છે ?’ ડૉકટરો શું જવાબ આપે ?

માણસ એકલા ખોરાકથી નથી જીવતો. પવિત્ર વિચારો એ પણ ખોરાક છે. લોકો આજે સ્થૂળ શરીરને પોષવા ને એને મજબૂત કરવા જે તે ખાય છે. પણ એથી શું તાકાત વધવાની છે ? ઈશ્વરે આપણને સૌને તાકાત આપીને જ મોકલ્યા છે. એ તાકાત આપણે જેમ જેમ ખરચતા જઈએ તેમ તેમ ઈશ્વર આપણામાં નવી તાકાત પૂરતો જાય. સિલકમાં હોય એ તાકાત ન વાપરીએ અને બીજી વધારે મેળવવા જે તે ખાઈએ તો કદાચ એથી તાકાત વધે ખરી, પણ તે બુદ્ધિને ભ્રષ્ટ કરશે. રોજ પવિત્ર ઉત્પાદક કામ કરી આપણી બધી શક્તિ ઈશ્વરને અર્પણ કરવી અને એ રીતે રોજ એની પાસેથી નવી શક્તિ મેળવવી એ જ તાકાત વધારવાની ગુરુચાવી છે.

[6] ભારતની સંસ્કૃતિનું પ્રતીક

સાબરકાંઠાના એક ગામડાંની આ ઘટના છે. ભૂદાન નિમિત્તે મારે ત્યાં જવાનું થયું હતું. સભા પૂરી થવા આવી હતી એટલામાં એક ડોશી આવ્યાં : ‘અમે તો ગરીબ રહ્યાં. શું આલીએ ?’ એવું કંઈક મનમાં બબડતાં હતાં. શરૂ શરૂમાં તો મને લાગ્યું કે એ કંઈક માગવા આવ્યાં છે. પણ પાછળથી ખબર પડી કે એ માગાવા નહીં પણ આપવા આવ્યાં છે. મારી પાસે આવીને એમણે કહ્યું : ‘મા’રાજ, તમને આલવા જેવું મારી પાહે કાંઈ નથી. આ દહ બકરીઓ સે. એમાંથી એક દૂઝણી બકરી આલું તો લેશો ?’
‘કેમ નહીં ? વિનોબાજીના આ યજ્ઞમાં તો બકરીનું દાન પણ અમે સ્વીકારીએ છીએ. એ બકરી હું કંઈ સાથે તો નથી લઈ જવાનો. અહીંના જ કોઈ લાયક માણસને આપણે આપીશું. તો તમે કહો તેને આપી દઈએ.’ મેં કહ્યું.
‘મેં તો બકરી તમને દાનમાં આલી દીધી. હવે તમતમારે જેને આલવી હોય તેને આલી દ્યો.’
‘પણ હું તો ગામમાં કોઈને ઓળખતો નથી, એટલે તમે જ કોક લાયક માણસ શોધી કાઢો.’

થોડી વાર વિચાર કરી ડોશી બોલ્યાં : ‘મા’રાજ, અમારા ગામમાં એક ભંગીનો સોકરો સે. એકલો સે બચારો. ઈને આલો તો ?’ મેં એ હરિજનના છોકરાને બોલાવડાવ્યો. એને ખબર પડી ગઈ હશે, એટલે એ હસતો હસતો આવ્યો. મેં એને કહ્યું : ‘આ માજી તને એક બકરી આલે છે. તું એને પાલવીશ ?’ એણે ખુશીથી હા પાડી. બકરી તેને આપવામાં આવી. એના આનંદનો પાર નહોતો.

બપોરે ભોજન કરી હું કાંતતો હતો ત્યાં એ ડોશી ફરીથી આવ્યાં. બોલ્યાં : ‘મા’રાજ, હું એકલી સું. મારે બે ઘર સે. એકમાં હું રહું સું ને બીજામાં બકરીઓ રાખું સું. બકરીઓ તો વાડામાંય રહી શકે. તો આ મારું બીજું ઘર સે તે પણ દાનમાં લઈ લ્યો.’ ઘડીભર તો હું ડોશીની સામે તાકી જ રહ્યો. બીજા માટે ત્યાગની આ વૃત્તિ જોઈ મને બહુ આનંદ થયો. પછી મેં એમને કહ્યું : ‘માજી, તમારા ગામમાં કોઈ ઘર વગરનો માણસ છે ?’
થોડી વાર વિચાર કરી ડોશીએ કહ્યું : ‘હા મા’રાજ, એક રાવણિયો છે. જો ઈને આલશો તો બહુ રાજી થશે.’
મેં રાવણિયાને બોલાવડાવ્યો. એને પૂછ્યું :
‘તમારી પાસે ઘર નથી કે ?’
‘નથી મા’રાજ’ એણે કહ્યું.
‘તો કેમ બાંધતા નથી ?’
‘બાંધું તો ખરો મા’રાજ, પણ કોઈ ગભાણની જમીન આલતું નથી.’
‘આ ડોશીમા તમને રહેવા ઘર આપે તો તે લેશો ?’
‘શું કામ નહીં લઉં ?’ ખુશીમાં આવી એણે કહ્યું.
‘પણ ઘર જરા ઠીકઠાક કરવાનું છે.’
‘એ તો કરી લઈશ, બાપજી.’
‘પણ જો, એક શરત છે. આ ડોશીમા જીવે ત્યાં સુધી તારે એમની સેવા કરવી પડશે !’ મેં હસતાં હસતાં કહ્યું.

સેવા કરવાની વાત સાંભળી પાસે બેઠેલાં ડોશી તરત બોલી ઊઠ્યાં : ‘ના ના, મા’રાજ ! સેવા કરાવવા હું ઈને ઘર નથી આલતી. ઈની પાહે નથી ને મારી પાહે એક વધારાનું પડ્યું સે એટલે હું ઈને આલું સું. મારે એની પાહે સેવા નથી કરાવવી. મારી તો તમને અરજ સે કે એવું લખીને આપો કે હું મરી જઉં પશી પણ એ ઘર ઈની પાહેથી કોઈ લઈ ન લે !’ ડોશીની આ વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. મને થયું : આ ડોશી નથી બોલતાં પણ ડોશીના મોઢે ભારતની ત્યાગ પ્રધાન સંસ્કૃતિ બોલી રહી છે.

[કુલ પાન : 264. કિંમત રૂ. 140. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય પરિષદ. ગોવર્ધનભવન, નદીકિનારે, ‘ટાઈમ્સ’ પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ-380009. ફોન : +91 79 26576371. ઈ-મેઈલ : gspamd@vsnl.net ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનવસેવા એ જ પ્રભુકૃપા ! – બંસરી પટેલ
તાવ – પૂજા તત્સત્ Next »   

18 પ્રતિભાવો : મહારાજના મુખેથી અને બીજી વાતો – સં. મગનભાઈ જો. પટેલ

 1. Falguni says:

  બહુ જ સરસ લેખ.

 2. Chintan says:

  ઉત્તમ વિચાર પ્રેરક વાતો. આપણી ભારતીય સંસ્કૃતિના વિચક્ષણ માનવોને અને તેમના વિચારોને મળવા માટે વાંચવા જેવુ પુસ્તક લાગે છે. લેખકશ્રિ તેમજ મૃગેશભાઈનો ખુબ આભાર.

 3. harikrishna patel says:

  મજા પડિ ગઈ.પહેલિ વાર્તા ખુબ જ ગમિ.

 4. કલ્પેશ સોની says:

  રવિશંકર મહારાજે ગામડાઓમાં થતું અસમર્થોનું શોષણ અટકાવ્યું અને ગુનાઈત કૃત્યો કરતા નાના માણસોને પ્રેમથી પોતાના કરી સારા માર્ગે વાળ્યા. આ વાતો ‘માણસાઈના દીવા’ -ઝવેરચંદ મેઘાણીએ સરસ લખી છે, જેની યાદ આજનો લેખ વાંચીને આવી ગઈ.

 5. nayan panchal says:

  દરેક વાર્તામાં ભારતીયતાની ઝલક છલકાઈ આવે છે. ખરેખર, સાચુ ભારત ગામડામાં જ વસે છે. આજની અમારી પેઢીને ગઈ પેઢીના માણસોની આવી કથા સાંભળીને નવાઈ ન લાગે તો જ નવાઈ(ખાસ કરીને છેલ્લી વાત).

  અંતરિયાળ ગામડાના જીવનની અનૂભુતિ કરાવતુ પુસ્તક “તત્વમસિ” (લે. ધ્રુવ ભટ્ટ) વાંચવા જેવુ છે. આ પુસ્તક વાંચતી વખતે એક અવર્ણનીય અનુભવ થયો હતો. મૃગેશભાઈની ક્રોસવર્ડવાળા રણજીતભાઈની મુલાકાત વાળા લેખમાં તેના વિશે વાંચ્યુ હતુ.

  આભાર,
  નયન

 6. Akash says:

  ખુબ જ સરસ સન્કલન્..સુન્દર વાર્તાઓ..

 7. Gopal Shah says:

  વાહ…. સવાર માં જ જાણે ગંગા સ્નાન થઈ ગયું. કેટલા ઉમદા અને પવિત્ર વિચારો….
  ૧. મારા મત મુજબ એ ઝુપડી માં રહેતા એ મજુરો ખુબ અમીર છે…. કારણ કે શ્રીમંતા કેટલુ છે માં નહી પરંતુ કેટલા વગર આંનંદ મા રહી શકાય તેમા છે…. ગરીબ લોકો ની ઝુપડી માં નથિ હોતા રાંચ-રચિલા કે નથી હોતા મોટા મોભાદાર અને કિમતી સાધનો પણ એ ગરીબ બે ફીકર આખિ રાત અનુ ઝુપડુ ખુલ્લુ રાખિ ને સુઈ શકે છે…. જ્યારે આપણે આપણા આલીશાન મકાનો માં આટલી સગવડો હોવા છતા, દરવાજા બંધ કરી – તાળા મારી ને સુતા હોયે છે…. અને એ માં પણ રાત્રે ચોકિદાર તો જોઈએ. હવે તમે કહો કે કોણ શ્રીમંત અને કોણ ગરીબ?
  ૨. અનુભવ ના ફુલ ખુબ મોડા આવે છે… ને એટલે જ એ જાણે કુદરત હોય કે માનવ – જવાની હોય ત્યારે બધું રંગીન લાગે છે!

  ૩. ડાહિ સાસરે ના જાય અને ગાંડી ને સિખામણ આપે…. (એવી કાંઇ કેવત છે…)

  ૪. આતે કેવી વિધ્યાલય છે જ્યાં સ્ત્રીયો ને માંયકાંગલી બનાવવા માં આવે છે? આવી સુવીધા ઓ જો આપત હોય તો દરેક વિદ્યાર્થિ ના ૧૦૦ માં થી ૧૦૦૦% માર્ક્સ આવાજોઈયે….

  ૫.આપણા માણસો નુ પણ ખુબ છે…. આખી જીંદગી મહેનત કરી ને કમાય છે કે સારૂ ખાવા મળે – સારૂ સ્વાસ્થ રહે – અને પાછલી જીંદગી માં નથી સારુ ખાવા મળતુ કે નથી સારુ સ્વાસ્થ રહેતુ…. અને આખિ જીંદગી નિ કમાઈ બિજા ને આપી ને અલવીદા…..

  ૬. આવા ડોશી ને મારા સત-સત પ્રણામ…. વાહ શું ઉપદેશ આપ્યો છે…. દાન કેવી રીતે કરવું એ કોઈ આમની પાસે થી શીખે…. હવે તમે મને કહો કે આમાં કોણ અમીર / શ્રિમંત અને કોણ ગરીબ???

 8. Preeti Dave says:

  નાની વાતો ઘણુ શીખવી જાય છે….. કદાચ ચરિત્ર ધડતર આમ જ થતુ હોય છે.

 9. Veena Dave. USA says:

  સરસ સરસ. આભાર શ્રી મૃગેશભાઈ.
  ૪. આજની મા અને યુવતિઓએ વાચવા અને સમજવા જેવિ બાબત.
  ૬. ડોશીમા ને સેલ્યુટ.

 10. જય પટેલ says:

  ડોશીમાના ત્યાગની પરાકાષ્ઠા જોઈને તો મહાદાની કર્ણ પણ ભોંઠપ અનુભવે…!!!

  આપણે ગુજરાતીઓએ ધન્યતા અનુભવવી જોઈએ કે
  આપણા ગુજરાત રાજ્યનો શુભારંભ મૂકસેવક શ્રી રવિશંકર દાદાના સ્વહસ્તે થયો.

  ધન્ય ધન્ય ધરા ગૂર્જર.

  • Chirag says:

   જય ભાઈ,
   મહાદાનિ, મહાવીર – કર્ણ ના દાનને કોણ નથી જાણતુ? મ્રુત્યુ ના મુખ આસે આવી ને પણ એને દાનની લાજ રાખી…. કવચ અને કુંડળ આપીને…. આવા દાનવીરો ખુબ અસાધારણ હોય છે…. અને સાચુ કહુ તો મારું પ્રિય પાત્ર કર્ણ છે….. કારણકે એમણે આખી જીંદગી કોઈ પણ વાંકે – કોઈ પણ ગુનાહ બદલ સજા ભોગવી અને અંતે વિરગતિ ને પામ્યા…. મિત્રનુ રૂણ ઉતારવા માટે – રાજગાદી, રાજ્ય, પરીવાર, સુખ – સંપત્તિ – અને માં નો પણ ત્યાગ કર્યો…. એ નાથી મોટું શું દાન હોઈ શકે? આ ડોશિમાં એ પણ એમની યથા શક્તી કરતા પણ વધારે દાન કર્યુ છે…. એ માટે તેમને શત-શત પ્રણામ… એ મને ખરેખર પ્રેરણા આપે તેવુ કામ કર્યુ છે…. પણ કર્ણ ના દાન આગળ સ્વયંમ વિશંભર પોતાની સરખામણી ના કરે…. શ્રી ક્રિષ્ણ ના એવા આશિર્વાદ છે એ મહા દાની ને….

   • જય પટેલ says:

    શ્રી ચિરાગભાઈ

    કર્ણનું ઉદાહરણ સાપેક્ષતાના અર્થમાં લઈશું તો કદાચ વધારે ઉચિત ગણાશે.
    કોઈ પણ વ્યક્તિના દાનને કર્ણ સાથે સરખાવવાનો અનાયાસ પ્રયાસ
    યુગ યુગથી થતો જ રહ્યો છે. કર્ણના દાનને પણ કદી ઓછું આંકી ના શકાય.

    સામાન્ય રીતે ભૌતિક સાધનો…..વૈભવમાં રત વ્યક્તિનું દાન અને
    ડોશીમા જેવા આર્થિક રીતે અત્યંત કંગાળ પણ હદયની ઉદારતાથી ધનવાન જેવી
    વ્યક્તિના દાન વચ્ચે ફર્ક છે…..ભાવ બંન્નેનો કદાચ સરખો હોય તો પણ.
    આર્થિક કંગાળની આવતી કાલ પર જ પ્રશ્ન ચિન્હ છે અને તોય દાન માટે ભાવ બતાવે છે.
    હદયના આ ભાવનો જોટો જગમાં જડવો મુશ્કેલ છે.

    મૃત્યનો ભય ક્ષત્રિય યોધ્ધા…મહારથીને હોય ?
    કર્ણ મહાદાની ( દૂર્યોધનનું ધન ) ખરો પણ મિત્રતાના આંચળા હેઠળ અસત્યનો પક્ષ લઈ
    સત્યને પરાજિત કરવા યુધ્ધે ચઢ્યો.

    કર્ણ….અસત્યનો રક્ષક હોવાથી આપે જોયું હશે આપણા ગુજરાતમાં કર્ણ નામ જૂજ છે.
    આભાર.

    • nayan panchal says:

     કર્ણ વિશેની ચર્ચા ચાલે છે એટલા માટે હું ઝંપલાવ્યા વિના નથી રહી શકતો.

     “કર્ણ મહાદાની ( દૂર્યોધનનું ધન ) ખરો પણ મિત્રતાના આંચળા હેઠળ અસત્યનો પક્ષ લઈ સત્યને પરાજિત કરવા યુધ્ધે ચઢ્યો.”

     કર્ણને પણ યુધ્ધના પરિણામ વિશે ખાતરી જ હતી. તે પોતે પણ જાણતો હતો કે સત્ય તેના પક્ષે નથી અને તેમનો પરાજય નક્કી છે.

     રહી વાત કર્ણ નામની, તો તે હવે અપભ્રંશ થઈને કરણ બની ગયુ છે.

     આભાર,
     નયન

 11. જોરદાર વાત
  દરેક વ્યક્તિ પોતાની આવક નો ૧૦ % ભાગ દાન આપે તો દેશ ના ઘણા પ્રશ્નો હલ થઇ જાય

  • જગત દવે says:

   ધીરજભાઈઃ

   ભારતનાં લોકોની આવકનાં ૩૦ થી ૫૦% વિવિધ વેરાનાં સ્વરુપે દેશનાં પ્રશ્નો હલ કરવાનાં બહાને લેવાય જ છે…. માટે એમ કહો કે સરકાર અને પ્રજા જો ૧૦% પ્રમાણિક થઈ જાય તો દેશ નાં ઘણા પ્રશ્નો હલ થઇ જાય.

   🙂

 12. S Patel says:

  આ બધ કદાચ હાલના પાઠય પુસ્તકમાં પણ હશે પણ એ બાળકોને કેળવણીના પાઠ તરીકે ભણાવનારા શિક્ષકો કેટલા? English medium education ના ચકકરમાં આજનુ બાળપણ આ બધા સંસ્કારોથી દુર થઈ રહ્યુ છે. અહીં અમેરિકામાં આવ્યા પછી અહીં જ જ્ન્મેલા કે નાના હોય ત્યારે જ અહીં આવી ગયા હોય તેવા લોકોને જોઈને થાય છે કે કાલે કદાચ આ લોકો એ દેશમાં પાછા જઈને આપણી જ સંસ્ક્રુતિ આપણને શીખવાડી પડશે. Hats off to the parents and grand parents in USA who have taught our tradition and culture to their children. આપણો વારસો જાળવી રાખ્યો છે.

  When I am comparing them with their generation in India sometimes I am feeling really very bad. Thank you to owner of these Guajrati blogs which is reminding us and spreading our traditions. Keep it up!!

 13. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Gandhian in a true sense….

 14. Vaishali Maheshwari says:

  All the six incidences described are very thoughtful and inspirational.

  [1] સુખી જીવન
  નથી તાર, ટેલિફોન કે ટપાલની ચિંતા કે નથી ભાવ ચડે-ઊતરે એની ચિંતા. આખો દિવસ કામ કરવું ને સાંજે ખાઈપી ભગવાનનું નામ લઈ સૂઈ જવું. કેવું સુખી જીવન !’

  [2] વૃદ્ધાવસ્થાનું ડહાપણ
  એના કામમાં જરાયે આડે આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તોપણ કંઈ બોલતો નથી. પણ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવોનો નિચોડ ઠાલવું છું. પણ પછી મારી સલાહ પ્રમાણે એ ચાલે છે કે નહિ એ જોતો નથી. મારા કહ્યા પ્રમાણે એ કરે એવો આગ્રહ પણ રાખતો નથી. ફરી ભૂલ કરે તો ટોકતો પણ નથી.

  [3] આચરણ વગરનો ઉપદેશ
  આપણે બીજાને સુધારવા હોય તો પ્રથમ આપણે સુધરવું પડશે. આપણે ઊંઘતા હોઈએ ને બીજાને જાગવાનું કહીએ એ કેમ બને ? આચરણ વગરનો ઉપદેશ ફોગટ છે.

  [4] આ તે કાંઈ કેળવણી કહેવાય ?
  અક્ષરજ્ઞાનની સાથે સાથે મહેનતનાં કામો કરવાની તત્પરતા અને ઉત્તમ ચારિત્ર્યનો સુમેળ નહીં સધાયો હોય, તો કેવળ અક્ષરજ્ઞાન એમને ભારરૂપ થઈ પડશે. અક્ષરજ્ઞાન, શારીરિક શ્રમ અને ચારિત્ર્યઘડતર એ ત્રિવિધ પાયા ઉપર આપણી કેળવણીનું મંડાણ થવું જોઈએ.

  [5] તાકાત વધારવાની ગુરુચાવી
  રોજ પવિત્ર ઉત્પાદક કામ કરી આપણી બધી શક્તિ ઈશ્વરને અર્પણ કરવી અને એ રીતે રોજ એની પાસેથી નવી શક્તિ મેળવવી એ જ તાકાત વધારવાની ગુરુચાવી છે.

  [6] ભારતની સંસ્કૃતિનું પ્રતીક
  આ ડોશી નથી બોલતાં પણ ડોશીના મોઢે ભારતની ત્યાગ પ્રધાન સંસ્કૃતિ બોલી રહી છે.

  Thank you for sharing this !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.