- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ચાંદનીની ઠંડક – સંત પુનિત

[પુનિત પ્રકાશન દ્વારા પ્રકાશિત ‘ચાંદનીની ઠંડક’ (આવૃત્તિવર્ષ : 1986)માંથી સાભાર.]

[1] એગ્રીપીનસની સ્થિતપ્રજ્ઞતા

જુલમી રોમન સમ્રાટ નીરોના સમયમાં એગ્રીપીનસ નામે એક વીર પુરુષ થઈ ગયો. તેના ઉપર અનેક આફતો આવી છતાં તે કદી પણ ડગ્યો નહિ, કદીય નિરાશ થયો નહિ. તેના નીડર અને ન્યાયપ્રિય સ્વભાવને લીધે શાસક વર્ગ સાથે તેને ઘણી વાર ઘર્ષણમાં આવવું પડતું. પરંતુ સત્યનો માર્ગ તેણે કદી છોડ્યો નહિ. દુ:ખ તો તેને રમતરૂપ લાગતું હતું. જ્યારે જ્યારે તેના ઉપર કોઈ દુ:ખ આવી પડતું ત્યારે તે ઈશ્વરનો આભાર માનતો. તેનાં ગુણગાન ગાતો. તે કહેતો કે, તેની કસોટી કરવા જ પરમકૃપાળુ પરમાત્માએ તેના ઉપર આવું દુ:ખ મોકલ્યું છે.

એક વાર પોતાના મિત્રો સાથે તે જમવા બેસતો હતો. આજે તેને કકડીને ભૂખ લાગી હતી. એક મિત્રે કહ્યું : ‘એગ્રીપીનસ, આજે ઘણે દિવસે તને નિરાંતે જમવા મળ્યું, નહિ ?’
એગ્રીપીનસ હસીને બોલ્યો : ‘હું તો હંમેશાં નિરાંતે જ જમું છું. સાચું કહું તો, ઈશ્વરની ઈચ્છાને આધીન થવામાં જે સુખ મળે છે તેવું બીજે ક્યાંય મળતું નથી.’

મિત્રો સાથેની વાતચીત પૂરી કરીને જ્યાં જમવાની તૈયારી કરે છે ત્યાં જ બારણું ઊઘડ્યું. ને સમ્રાટ નીરોનો અમલદાર વૉરંટ સાથે અંદર આવ્યો. વાત અટકી પડી. મિત્રોના ચહેરા ઉપર ભય અને ગ્લાનિ છવાઈ ગયા. પણ એગ્રીપીનસ તો સંપૂર્ણ સ્વસ્થ હતો.
‘એગ્રીપીનસ !’ અમલદારનો સત્તાવાહી કર્કશ અવાજ આવ્યો, ‘તને સમ્રાટ નીરોએ સજા કરી છે.’
‘શેની ? મૃત્યુની કે દેશનિકાલની ?’
‘દેશનિકાલની !’
‘ચાલો, એટલું ઠીક થયું. પણ હા, તમે જરા રાહ જોશો ? હું આ મિત્રો સાથે આટલું ભોજન કરી લઉં !’

[2] મહત્તાનું મહત્વ

‘મહાશય, માનવીના તનને જેમ ખોરાક પુષ્ટ કરે છે તેમ, માનવીના મનને કયી વસ્તુ પુષ્ટ કરતી હશે ?’ એક જિજ્ઞાસુએ એક મનોવૈજ્ઞાનિકની ઑફિસમાં દાખલ થતાં વેંત સીધો પ્રશ્ન પૂછ્યો.
‘ભાઈ !’ એ મનોવૈજ્ઞાનિકે આગંતુક સ્નેહીનો સત્કાર કરતાં કહ્યું : ‘તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. આ પ્રશ્નના ઉત્તર પાછળ સફળતાનું સરોવર છલકાઈ રહ્યું છે.’
‘સફળતાનું સરોવર ?’
‘હા, સફળતાનું સરોવર. ભાઈ, આ દુનિયા જાતજાતના અને ભાતભાતના લોકોથી ભરેલી છે. એમાં જુદી જુદી પ્રકૃતિના માણસો વસે છે. સૌના મિજાજ અલગ હોય છે, સૌના શોખ જુદા હોય છે. જીવન જીવવાની સૌની રીત પણ આગવી હોય છે.’
‘તો તો પછી મહાશય, આ સૌના મનને પુષ્ટ કરનારા પૌષ્ટિક પદાર્થો ય જુદા જ હોવા જોઈએ ને ?’
‘ના, મનોવિજ્ઞાનક્ષેત્રે તો આ સૌ માટેની રામબાણ દવા એક જ છે. એ દવાનું નામ છે : ‘મહત્તા’ ’.
‘મહત્તા ?’
‘હા, મહત્તા. દરેક માનવીના મનમાં, સ્વયંવરની સુંદરીની માફક, મહત્તા રમી રહી હોય છે. વડાપ્રધાનથી માંડીને નાના પટાવાળા સુધી સૌ કોઈ, અંતરને છાને ખૂણે પણ, મહત્તાની મહેચ્છા સેવી રહ્યા હોય છે. માનવીની આ નાડ છે. આ નાડ જે પારખે છે એ એની પાસેથી ધાર્યું કામ કઢાવી શકે છે.’

‘એટલે, કોઈ પણ માણસ પાસેથી આપણે કંઈ કામ કઢાવવું હોય તો, શું એનાં ખૂબ જ વખાણ કરવા માંડવા ?’
‘ના, વખાણમાંથી ખુશામતની લપસણી ભૂમિ પર લપસતા વાર લાગતી નથી. સમજદાર માણસ ખુશામત ને પ્રશંસાનો ભેદ તરત પામી જાય છે. એટલે પ્રશંસાને બદલે ખુશામત કરવા જતાં પાસા પોબાર પડવાને બદલે અવળા પડે છે અને જીતમાં આવનારી બાજી હારમાં પરિણમે છે.’ મનોવૈજ્ઞાનિકે પ્રશંસા અને ખુશામત વચ્ચેની વાતની ભેદરેખા સમજાવતાં કહ્યું.
‘તો પછી એમની સાથે કેવી રીતે વર્તવું ?’
‘માનવીને સુયોગ્ય મહત્તા આપો. માનવી મહત્તાનો ભૂખ્યો છે.’ મનોવૈજ્ઞાનિક બોલ્યા : ‘સામા માણસને મહત્વ આપશો એટલે તમારું કામ હોંશથી કરશે.’
‘મહત્તા ન મળે તો શું માનવી મૃત્યુ પામે છે ?’
‘ના, મૃત્યુ નથી પામતો. પણ મહત્તા એના હૈયામાં જે પ્રેરણા આપે છે એ જાદુઈ કામ કરી જાય છે. માનવીને મહત્વ આપવાથી એનો ઉત્સાહ બેવડાય છે, એની કાર્યક્ષમતા વધે છે. ઘણા માલિકો માનવીના મનની આ નબળાઈ પામી ગયા હોય છે. પોતાના નોકરોને અપૂરતો પગાર આપી, અર્ધભૂખ્યા રાખી, માત્ર એને મહત્વ આપીને જ પોતાનું કામ ખૂબ જ સફળતાપૂર્વક પાર પડાવે છે. હવે એ જ નોકરને પૂરતો પગાર મળતો હોય, ભરપેટ ભોજન મળતું હોય, છતાં કંઈ જ મહત્વ મળતું ન હોય તો એના અંતરમાં અસંતોષની આગ સળગતી હોય છે.’

મહત્તાને સમજાવનારા એ મહાન મનોવૈજ્ઞાનિક હતા એડલર.

[3] સાચને આંચ નહિ !

મહાત્મા કબીરનો જન્મ એક વણકરના ઘરમાં થયો હતો. પોતે વણવામાં ખૂબ પ્રવીણ હતા. જ્યારે એ કાપડ વણવા બેસતા ત્યારે દરેક તાણેવાણે રામનામનું રટણ કરતા. જેના તાણાવાણામાં રામનામ વણાયાં હોય એ કાપડ અને એનો પહેરનારો પણ કેવાં ભાગ્યશાળી હોય !

એકવાર મહાત્મા કબીર બેઠાં બેઠાં રૂ પીંજી રહ્યા હતા.
એમની પાસે જ પીંજાયેલો રૂનો મોટો ઢગલો ખડકાયેલો હતો. ત્યાં તો ઓચિંતો એક માણસ દોડતો દોડતો આવી પહોંચ્યો. એના મુખ પર ખૂબ જ ગભરાટ છવાયેલો હતો. કબીરજીને વિનંતિ કરતાં એ બોલ્યો : ‘કબીરસાહેબ, મને બચાવી લ્યો. હું નિરપરાધી છું. સિપાઈઓ કોઈ ચોરની જગ્યાએ મને પકડવા પાછળ પડ્યા છે. કૃપા કરી ક્યાંક છુપાવી દો, નહીંતર હું નિર્દોષ માર્યો જઈશ.’
આગંતુક સામે કબીરજીએ વેધક દષ્ટિથી જોયું. એના મુખ પર છવાયેલા નિર્દોષતાના ભાવો જોઈ, એને સૂચના આપતાં કહ્યું : ‘ભાઈ, આ રૂના ઢગલામાં ઝટ છૂપાઈ જા.’ આગંતુકને આદેશ આપી કબીરજી તો પાછા રૂ પીંજવામાં તલ્લીન બની ગયા.

થોડી જ વારમાં ત્રણ સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા.
કબીરને પ્રણામ કરી સવિનય પૂછ્યું : ‘અહીં કોઈ ચોર તો નથી આવ્યો ને !’
કબીરજીએ સહજભાવથી ઉત્તર આપતાં કહ્યું : ‘ચોર તો રૂના ઢગલામાં છુપાયો છે.’
કબીરજીનો જવાબ સાંભળી, સિપાઈઓ મનમાં સમજ્યા કે કબીરજી એમની મીઠી મશ્કરી કરે છે. ચોર આ બાજુ આવ્યો જ નહિ હોય. આજુબાજુ ઉપરછલ્લી તપાસ કરી, સિપાઈઓ ચાલ્યા ગયા.
સિપાઈઓના ગયા પછી થોડીવારે પેલો આગંતુક રૂના ઢગલામાંથી આસ્તે રહીને બહાર નીકળ્યો. કપડાં ને શરીર પર ચોંટેલું રૂ બંને હાથે ખંખેરતાં કબીરજી પાસે આવીને રોષભર્યે સ્વરે કહ્યું : ‘કબીરજી, આપના પર વિશ્વાસ મૂકી, હું અહીં શરણે આવ્યો; પણ સિપાઈઓ તપાસ કરવા આવ્યા ત્યારે આપે મને પકડાવવાનો ત્રાગડો રચ્યો. આવું તે થતું હશે ! એ તો મારું નસીબ એટલું પાધરું કે હું જે જગ્યાએ સંતાયો હતો ત્યાં તપાસ કર્યા વિના જ સિપાઈઓ ચાલ્યા ગયા; નહીંતર મારે તો આજે કારાગૃહના સળિયા ગણવા જવું પડત ને !’

મંદ મંદ હાસ્ય કરતાં કબીરજી બોલ્યા : ‘ભાઈ, ખરી વાત એ છે કે, હું સાચું બોલ્યો એટલે જ તને આંચ આવી નહિ. હું જો સાચું ન બોલ્યો હોત તો સિપાઈઓ આ રૂના ઢગલાને પણ ફેંદી વળત, ને તું પકડાઈ જાત. ભાઈ, સાચને કદી આંચ ના આવે. સત્ય કહેનારાનું અહિત કદાપિ કોઈ કરી શકતું નથી.’ કબીરજીનો ખુલાસો સાંભળી, પેલો આગંતુક રાજી થતો થતો ઘેર ગયો. કબીરજી તો ફરી પાછા રૂ પીંજવામાં એકાગ્ર બની ગયા.

[4] મહાપુરુષની મહાનતા

‘એય, મારો દરજી ક્યાં ગયો ?’ આધેડ ગૃહસ્થે બૂમ મારી. હાંફળાંફાંફળાં થતા એકવડિયા બાંધાના એક સજ્જન અંદરના ઓરડામાંથી બહાર દોડી આવ્યા. પેલા ગૃહસ્થે એમના હાથમાં કોટ પકડાવી દઈ આજ્ઞા કરી :
‘આ બટન બધાં તૂટી ગયાં છે. અત્યારે ને અત્યારે સાંધી લાવ !’
પેલા સજ્જન તરત જ બાજુના રૂમમાં ગયા.
કોટને બનતી ત્વરાએ બટન ટાંકી, કોટ પાછો આપી ગયા.
થોડી વાર થઈ હશે ત્યાં પેલા સદગૃહસ્થે ફરી આજ્ઞા કરી : ‘અરે, પેલો ધોબી ક્યાં ગયો ?’ આજ્ઞાના સ્વર કાન સાથે અથડાતાં, પેલા સજ્જન સેવામાં સવિનય હાજર થયા. એમને બીજી આજ્ઞા અપાઈ :
‘આ મારી શાલ કેટલી બધી મેલી છે ! તું સાવ બેદરકાર બની ગયો છે. જા, અત્યારે ને અત્યારે ધોઈ આવ.’ સજ્જન બાથરૂમમાં જઈને શાલ ધોવા બેસી ગયા. થોડી વાર પછી એમણે શાલ વરંડાના તાર પર સુકવી દીધી.

ત્યાં ફરી આજ્ઞા થઈ : ‘અરે ! તારા કોઈ કામમાં ભલીવાર નથી. ગાદલા પર ઓછાડ આમ પથરાય ! કેટલી બધી કરચલીઓ પડી છે એના પર ! ચાલ, અત્યારે ને અત્યારે પથારી ખંખેરી નાખી, સરસ રીતે ઓછાડ પાથરી નાખ !’ પેલા સજ્જન સ્ફૂર્તિથી કામે લાગી ગયા. ગાદલા પરનો ઓછાડ ઝાપટીને સરસ રીતે પાથરી દીધો. એ ઓરડાનો કચરોય વાળી-ઝૂડી, ઓરડાને અરીસા જેવો ચોખ્ખોચટ બનાવી દીધો. આમ શેઠ અને નોકરનો આ ખેલ આખો દિવસ ચાલતો રહ્યો. આગંતુકો આ દશ્ય નિહાળતા ત્યારે અચંબાનો પાર ન રહેતો. આધેડ વયના સદગૃહસ્થને પેલા સજ્જન ગુરુદેવ તરીકે સન્માનતા. એમનો પડ્યો બોલ ઝીલવા દર પળે તૈયાર રહેતા. એ સજ્જનના આમંત્રણથી જ એ આધેડ વયના ગૃહસ્થ જોહાનિસબર્ગ આવ્યા હતા ને એમને ત્યાં એમની અંગત સરભરા નીચે શેઠાઈનો આ નિર્દોષ આનંદ માણી રહ્યા હતા. સજ્જને સ્વેચ્છાએ નોકરનું પદ સ્વીકાર્યું હતું. સદગૃહસ્થ શેઠ તરીકે વર્તન કરી, નિર્દોષ આનંદ માણી રહ્યા હતા. પેલા સજ્જનને પણ એ આનંદની અનુભૂતિમાં ભાગીદાર બનાવી રહ્યા હતા.

આધેડવયના સદગૃહસ્થ હતા ગોપાળકૃષ્ણ ગોખલે.
અને તે સજ્જન હતા મહાત્મા ગાંધીજી.

[5] મહાનુભાવને મહેનતાણું

મહાત્મા ટોલ્સ્ટૉય મહાનલેખક હતા.
મોટા જમીનદાર હોવા છતાં સાવ સાદાઈપૂર્વક રહેતા હતા. એક વખત મુસાફરીમાં સાદા પહેરવેશમાં સ્ટેશનના પ્લેટફોર્મ પર આમથી તેમ આંટા મારી રહ્યા હતા. એટલામાં એક ઉમરાવ કુટુંબની બાઈનું તેમના પર ધ્યાન ગયું. એ બાઈને એક પત્ર પોસ્ટ કરવાનો હતો. ટોલ્સ્ટોયને કૂલી માની, તેમને બોલાવી, એ પત્ર સ્ટેશન બહારની પત્રપેટીમાં પોસ્ટ કરી દેવાનું કહ્યું, અને સાથે સાથે મહેનતાણાનો એક નાનો સિક્કો પણ હાથમાં મૂકી દીધો.

ટોલ્સ્ટૉયે તો સિક્કો ખિસ્સામાં નાખી દીધો અને પત્ર પોસ્ટ કરી આવ્યા. થોડા વખતમાં બાઈનો પતિ ત્યાં આવી પહોંચ્યો. બહુ જ આદરપૂર્વક ટૉલ્સ્ટૉય સાથે વાતચીત કરી અને પત્નીને એમની ઓળખાણ આપી. આ હકીકત જાણતાં પત્નીની શરમનો પાર ન રહ્યો. ટૉલ્સ્ટૉયને કહ્યું : ‘મારી ભૂલ માટે ક્ષમા માગું છું, પણ મહેરબાની કરી મારો આપેલો પેલો સિક્કો પાછો આપી દો.’ ટૉલ્સ્ટૉયે હસતાં હસતાં કહ્યું : ‘એ પુરસ્કારની રકમ તો મારી ગણાય, પાછી આપવાની ન હોય.’

[6] પ્રારંભ કે પૂર્ણાહુતિ ?

ખૂબ ધામધૂમથી યુનિવર્સિટીનો શતાબ્દિ-મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. જૂના અને નવા વિદ્યાર્થીઓ ઊલટભેર ભાગ લઈ રહ્યા હતા. કેટલાક ઉદ્યોગપતિ, પ્રોફેસર, ઈજનેર, ડોક્ટર ને ઍડવોકેટ બની, ઝળહળતી કારકિર્દી જમાવી બેઠા હતા. છતાં, આ જ યુનિવર્સિટીના પોતે વિદ્યાર્થી હોય, મુગ્ધ યૌવનને ઉંબરે આવીને ઊભા હોય એવો ઉત્સાહ એમનામાંય વ્યાપી ગયો હતો. કુલપતિને પ્રમુખસ્થાને આ કાર્યક્રમનો આરંભ થયો હતો. ઉપકુલપતિ, પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો અને ઑફિસ સ્ટાફના માણસો પણ આ શાનદાર મેળાવડામાં ઉમંગપૂર્વક ભાગ લઈ રહ્યા હતા. સમાજના પ્રતિષ્ઠિત માણસોને પણ ખાસ નિમંત્રવામાં આવ્યા હતા. સમારંભના કાર્યક્રમો ચાલી રહ્યા હતા ત્યારે સભાગૃહમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી. નાની એવી ટાંકણી પડે તોપણ અવાજ સાંભળી શકાય એવું નીરવ વાતાવરણ પથરાઈ ગયું હતું.

શુષ્ક પ્રવચનો પતી ગયાં હતાં. આભાર-પ્રતિઆભારનું નાટક ભજવાઈ ગયું હતું. અત્યારે તો ચારેય બાજુ મનોરંજન કાર્યક્રમ રસની છોળો ઉડાડી રહ્યો હતો. કાર્યક્રમમાં દશ મિનિટનો વિરામ જાહેર થયો. કંટાળેલા સભાજનો થોડા હળવા થવા બહાર નીકળ્યા. કેટલાક તો ત્યાં ખુરશી પર ચીટકી રહ્યા. નવરાશની આ પળોનો સદુપયોગ કરવા આધેડ વયના એક સજ્જને પોતાની પાસે બેઠેલા યુવાનને પૂછ્યું :
‘કેમ બહાર નથી જવું ?’
યુવાને વિનયપૂર્વક કહ્યું : ‘ના જી, મને ધૂમ્રપાનની આદત નથી. ચા-કૉફીના વ્યસનથી વેગળો રહ્યો છું. બહાર જવા-આવવામાં જ દશ મિનિટ વીતી જાય. અહીં પાછા ફરતાં મોડું થાય તો ખૂબ જ રસપ્રદ કાર્યક્રમ જોવાની તક હાથમાંથી સરકી જાય તેમ છે.’
એ પ્રૌઢ સજ્જને સ્નેહાળ સ્મિત કરતાં કહ્યું : ‘ભાઈ, મને તમારો સ્વભાવ ખૂબ જ ગમી ગયો. મારા અને તમારા સ્વભાવમાં મળતાપણું છે. મનેય આવી નાહક દોડધામ નથી ગમતી. રસપૂર્વક કાર્યક્રમ માણવાની જ મજા આવે છે.’

માત્ર ત્રણ જ મિનિટમાં આ પ્રૌઢ અને યુવાન વચ્ચે મૈત્રીસંબંધ બંધાઈ ગયા. પેલા પ્રૌઢે યુવાનમાં રસ લેતાં પૂછ્યું :
‘ભાઈ, તમે શું કરો છો ?’
‘સાહેબ, ખગોળશાસ્ત્રનો અભ્યાસ મેં આ જ વર્ષે પૂરો કર્યો છે. ખગોળશાસ્ત્રને મુખ્ય વિષય તરીકે લઈ, મેં પ્રથમ વર્ગ સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી છે.’ આટલું બોલતાં બોલતાં તો યુવાનની આંખમાં અનેરી ચમક આવી ગઈ. મોઢા પર અભિમાનની આભા ચમકી ઊઠી. પેલા પ્રૌઢ સજ્જન તરત જ બોલી ઊઠ્યા :
‘ભાઈ, તમે તો મારા કરતાં ખૂબ જ નસીબદાર છો. મેં તો ખગોળશાસ્ત્રના અભ્યાસનો માત્ર આરંભ જ કર્યો છે. હજી તો મારે ખૂબ લાંબી મજલ કાપવાની બાકી છે. આપણે ધારીએ છીએ એટલો આ વિષય સહેલો નથી. હું એમાં જેમ જેમ ઊંડો ઊતરતો જાઉં છું તેમ તેમ એનું ઊંડાણ વધતું જ જાય છે. આ જન્મમાં એનો તાગ લઈ શકાશે કે નહિ એની પણ મને તો ખબર નથી. ઘણી વાર તો વિચાર આવે છે કે આ અભ્યાસક્રમ તો સાત જન્મેય પૂરો થાય એમ નથી.’

પેલા યુવાનને જ્યારે ખબર પડી કે મારી બાજુમાં બેઠેલા પ્રૌઢ ગૃહસ્થ બીજા કોઈ નહિ પણ વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી આર્થર કલાર્ક છે ત્યારે એનું મસ્તક શરમથી નીચું ઢળી ગયું.