પ્રેમ કરવાની કલા – સુરેશ પરીખ

[‘વિચારવલોણું’ના સ્થાપક આદરણીય શ્રી સુરેશભાઈના (વલ્લભ વિદ્યાનગર) પુસ્તક ‘મન હોય તો માળવે જવાય’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9726366704. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

દુનિયામાં સૌથી શક્તિશાળી શું છે ? એનો જવાબ એક જ શબ્દથી આપી શકાય – પ્રેમ. આટલા વિશાળ અર્થમાં ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ કરીએ તો એરીક ફ્રોમનું પુસ્તક ‘પ્રેમ કરવાની કલા’ આ અંગે વિસ્તૃત સમજણ આપે છે. લેખક ખૂબ સુંદર, સચોટ અને સ્પષ્ટ રીતે સમજાવે છે કે પોતાના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ વિના પ્રેમ સમજવો-આચરવો લગભગ અશક્ય છે. નમ્રતા, હિંમત, શ્રદ્ધા, શિસ્ત વગેરે ગુણો વિના પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો નિરર્થક છે. જે વાતાવરણમાં – જે સમાજમાં આ ગુણ જવલ્લે જ હોય ત્યાં પ્રેમ કરવાની કલા સાધ્ય કરવી એટલી જ મુશ્કેલ બની રહેવા સંભવ છે.

આપણામાંના મોટાભાગના એ ભ્રમમાં હોય છે કે પ્રેમ કરવો – થઈ જવો – અનુભવવો એ નસીબની વાત છે. પરંતુ ખરેખર તો ‘પ્રેમ કરવો’ એ એક કલા છે. અને સંગીત, સુથારીકામ, ઈજનેરી, ચિત્રકામ વગેરે અનેક કલાઓ માફક પ્રેમ પણ એક સાધના-તપ માંગી લે છે. પ્રેમ કરવાની કલાને સિદ્ધ કરવા માટે કેટલીક આવશ્યક વિગતો સૈદ્ધાંતિક રીતે સમજી લઈને, તેને જીવનમાં રોજ-બરોજના વ્યવહારોમાં સક્રિય-રચનાત્મક-જીવંત રીતે વણી લેવી જોઈએ. આપણી એ કલા સિદ્ધ કરવાની ઝંખના કેટલી તીવ્ર છે તેના પર આપણા પ્રયત્નની સફળતાનો આધાર રહેશે.

પ્રેમની કલા સાધ્ય કરવામાં બે-ત્રણ ગેરસમજ નડતરરૂપ બને છે. દરેક વસ્તુને વિનિમયાર્થે મૂલવીને જીવનના બધા વ્યવહારોમાં સોદાબાજી કરવામાં મશગૂલ રહેલા એવા આપણે સૌ ‘જીવંત વ્યક્તિઓ’ને પણ સોદાબાજીની વસ્તુ ગણી લઈએ છીએ. એટલે પછી પોતાની લાયકાત, મર્યાદા વગેરે સમજી લઈને તે/તેણી સામેનું પ્રેમપાત્ર શક્ય એટલું ઉપયોગી, સારું મેળવવા પ્રયત્નશીલ બને છે. ‘પ્રેમ કરવા’ કરતાં ‘પ્રેમ મેળવવા’ તરફ આપણા સૌનું લક્ષ્ય વધુ રહે છે. એટલે પ્રેમ મેળવવા માટે જરૂરી માની લીધેલું એવું વ્યક્તિત્વ દેખાડવામાં (કેળવવામાં નહીં) સતત કાળજી રાખીએ છીએ. આ પ્રક્રિયામાં વ્યક્તિ નમ્ર, શક્તિશાળી, પૈસાદાર, રીતભાતમાં સુંદર, વાતચીત કરવામાં આકર્ષક દેખાવા ખાસ પ્રયત્નો કરે છે. વળી, પ્રેમની બાબતમાં બીજી ભૂલ એ કરાય છે કે પ્રેમમાં ‘યોગ્ય પાત્ર’ મેળવવાનો પ્રશ્ન સૌ માની લ્યે છે અને ‘પ્રેમ કરવાની શક્તિ’ જ મુખ્ય સવાલ છે એ તરફ પૂરતું ધ્યાન નથી અપાતું. પરિણામે આપણે એમ માનીએ છીએ કે પ્રેમ કરવાનું બહુ સહેલું-સરળ છે. પરંતુ ખરી મુશ્કેલી તો પ્રેમ કરવા યોગ્ય પાત્ર મેળવવાની છે. સત્ય હકીકત આનાથી સાવ વિરુદ્ધની છે. પ્રેમ કરવાની કલા સિદ્ધ કરનારને ‘પાત્ર’નો પ્રશ્ન નડતો જ નથી.

વળી, પ્રેમમાં પડવાનો અનુભવ થયા બાદ બંને જણ વધુ ને વધુ નિકટ આવતા જાય છે. એકબીજાને વધુ નજીકથી જુએ-ઓળખે છે. પ્રથમ સંપર્કની નવીનતા-આકર્ષતા ઘટતી જાય અને લગભગ ‘અતિપરિચયાત અવજ્ઞાની’ પરિસ્થિતિએ વાત પહોંચે છે. આમ ‘પ્રેમમાં પડવું’ ને ‘પ્રેમમાં ટકવું’ વચ્ચેનો ફેર ધ્યાનમાં નથી આવતો. મોટેભાગે કાળક્રમે પ્રથમ મિલનની મધુરતા અદશ્ય થતી જાય છે. અને અન્યોન્ય છૂટા પડવાની ઈચ્છા જોર પકડતી જાય છે. એટલે જ જીવનમાં બીજા કોઈ પણ ક્ષેત્રમાં મળે તેના કરતાં પ્રેમના ક્ષેત્રમાં વધુ નિષ્ફળતાઓ મળતી રહે છે. છતાંય પ્રેમ વિના ચાલતું નથી. એટલે શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે આપણે પ્રેમ વિષે સ્પષ્ટ રીતે સમજી લઈએ કે એ એક કલા છે. એ કલાનું શાસ્ત્ર જાણી લઈ નિષ્ઠાપૂર્વક પ્રામાણિક અમલ જીવનના હરેક ક્ષેત્રમાં કરવા માંડીએ તો ફક્ત આપણે માટે જ નહીં પરંતુ આપણા સંપર્કમાં આવતા સૌ માટે પણ વધુ સુખમય જીવન મળી રહેશે.

પ્રેમ એક કલા છે એ સ્વીકારી લઈએ તો પછી એને સિદ્ધ કરવા માટે કેટલીક સૈદ્ધાંતિક સ્પષ્ટતા કરી લેવી જોઈએ. પશુઓમાં પ્રેમ એક વૃત્તિ તરીકે રહેલો છે. પશુઓથી માનવ થોડો જુદો પડે છે. એ પ્રેમની વૃત્તિને સહજ સંસ્કારી શક્યો છે. સમસ્ત સૃષ્ટિના અસ્તિત્વથી અલગ એવા પોતાના અસ્તિત્વની અનુભૂતિ એને થઈ ચૂકી છે. અને એટલે અંશે એની વિશિષ્ટતા, એકલતાની અનુભૂતિ, એને માટે અનિવાર્ય બની ચૂકી છે. આ એકલતા એને મૂંઝવે છે. આ જુદાપણાનો એને ડર છે અને કોઈક બીજી વ્યક્તિ સાથે એકાત્મભાવ અનુભવવામાં આ એકલતાનો ઈલાજ એને દેખાય છે. અને બીજાઓ સાથે પ્રેમ સંબંધ બાંધવામાં-અનુભવવામાં એને પોતાનું જીવન વધુ સુખી લાગે છે. પોતે એકલો નથી પરંતુ સમૂહનો એક ભાગ છે. એના જેવા બીજા ઘણા બધા છે જેની સાથે એ પોતાપણું અનુભવી શકે, એ હકીકત એને માટે આશ્વાસનરૂપ બને છે. અને એટલે જ આપણે કોઈ પ્રજા કે સંસ્થાના સભ્ય બનીએ છીએ. જ્ઞાતિને નામે, પ્રદેશ, રાજ્ય, રાષ્ટ્ર કે અન્ય આદર્શો કે વિચારસરણીને નામે આપણે ભેગા થઈએ છીએ તેની પાછળ પણ પરાયાપણા-એકલવાયાપણાની ચિંતા દૂર કરી, કંઈક સ્થિર, સલામતીભર્યું અસ્તિત્વ અનુભવવાનો જ પ્રયાસ હોય છે.

એકલતા દૂર કરવાનો બીજો સામૂહિક પ્રયત્ન થાય છે એક સરખી જીવનપદ્ધતિમાં. આપણા કામના કલાકો, કામની યંત્રવતતા, આનંદ પ્રમોદના એક સરખા રસ્તા અને કાર્યક્રમો માણવા વગેરેમાં પણ કોઈ સંગઠન, મંડળો, વિચાર-વર્તુળોને નામે એક સરખાપણું લાવતા હોઈએ છીએ. અને આપણે સૌ એક છીએ એવી લાગણીમાં રાચતા હોઈએ છીએ. અને આમ ટોળાનો એક ભાગ બની રહેવાનો પ્રયત્ન કરતાં કરતાં પણ લગભગ આપણા વ્યક્તિત્વનું અસ્તિત્વ ટકાવી રાખવાનો સંતોષ પણ આપણને જોઈતો હોય છે. પરિણામે આચાર-વિચારનું બીજાઓ સાથેનું સરખાપણું એ આકસ્મિક છે એવું માનવા-મનાવવા આપણે ઉત્સુક હોઈએ છીએ. ખરું જોતાં એકાત્મભાવ અનુભવવાનો ઉત્તમ રસ્તો છે સર્જનાત્મક પ્રવૃત્તિ અપનાવવી. એક ચિત્રકાર પોતાના ચિત્ર સાથે, માળી પોતાનાં ફૂલછોડ સાથે અને ખેડૂત ખેતરો સાથે જે આત્મીયતા અનુભવે છે તેમાં એ એકલતાને દૂર કરે છે અને સ્વસ્થ, સમત્વયુક્ત જીવનનો આનંદ મેળવે છે.

આ એકાત્મભાવ વ્યક્તિ સાથે અનુભવવાના પ્રયાસરૂપે પ્રેમ કરવો એ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ બની રહે છે. આ પ્રેમના અનેક પ્રકારો હોઈ શકે. જેવા કે પતિ-પત્નીના સંબંધો, ભાઈ-બેનના સંબંધો, માતૃપ્રેમ, પિતૃપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, ઈશ્વરપ્રેમ. આ બધા પ્રેમસંબંધોના કેટલાક સર્વ સામાન્ય ગુણો અને કેટલાંક વિશિષ્ટ લક્ષણો જોઈ શકાય છે. દા..ત, પોતાનું બાળક જેવું હોય તેવું પણ માતા એને પ્રેમ કરતી હોય છે. બાળકનું ‘હોવાપણું’ પ્રેમ કરવા માટેનું પૂરતું કારણ બની શકે છે. એથી ઊલટું, પિતાના વિચારો-સમજણ-આદર્શ મુજબનો વિકાસ બાળક દેખાડે તો જ પિતા એને ચાહી શકે છે અને એટલે જ બાળક પિતા કરતાં માતા સાથે નિખાલસ રીતે વર્તી શકે છે. પતિ-પત્નીના સંબંધો પ્રેમને એકાદ વ્યક્તિ પૂરતો મર્યાદિત બનાવી દે છે. સામી વ્યક્તિ સાથે એકાત્મભાવ અનુભવવાની એટલી બધી તીવ્ર ઈચ્છા રહે છે કે એકબીજામાં શરીરનું જુદાપણું અસહ્ય બની જાય છે. એકબીજામાં સમાઈ જવાની તીવ્ર આકાંક્ષા સંભોગમાં પરિણમે છે. પરંતુ છેવટે તો, પતિ કે પત્ની પ્રત્યેનો પ્રેમ સાચો પ્રેમ હોય તો કદી પણ એ એકાદ વ્યક્તિ પૂરતો સીમિત રહે નહીં અને એકમાંથી અનેક સુધી પહોંચે જ છે.

કોઈપણ પ્રકારના પ્રેમમાં કેટલાંક સર્વભાવ લક્ષણ તપાસીએ તો પ્રેમ એટલે સહન કરવું, ત્યાગ કરવો વગેરે. પ્રેમપાત્ર માટે ત્યાગવામાં પણ ભોગવવાનો આનંદ મળે છે. કોઈક કવિએ સાચે જ કહ્યું છે કે :

આપવું, આપવું વીરતાથી બધું….
આપતાં આત્મનું કાંઈ ન ખૂટે.
સિંધુ આપી બધું ખાલી પોતે થતો,
તોય પાછો ગગન ગાજી ઊઠે.

પ્રેમપાત્રના હિત માટે જાગૃતિ, એના વિકાસ માટેની કાળજીભરી ચિંતા સહજ રીતે રહેતી હોય છે. વખતસર પાણી પાવાની કાળજી ન લઉં તો મારા ફૂલ-છોડ પ્રત્યેના પ્રેમનો દાવો કોણ માનશે ? બાળકને નવડાવવામાં, જમાડવામાં લેવાતી કાળજીમાં માતૃપ્રેમની અભિવ્યક્તિ દેખા દે છે. આ બધા પાછળ પોતાના પ્રેમપાત્ર માટેની ચિંતા, એની ક્ષેમકુશળતા માટેની પોતાની જવાબદારી સ્વીકૃત છે. પણ જે પ્રેમ આદરયુક્ત નથી તે વહેલેમોડે આધિપત્ય ભોગવવાની હદે પહોંચી જાય છે. અન્યોન્ય સદભાવ, વિશ્વાસ, માન વિના અન્યોન્ય પ્રેમની કલ્પના કરવી નિરર્થક છે. મારા પ્રેમપાત્ર અને મારી વચ્ચે કોઈ આંતર પડદો ટકી શકે નહીં. એ જેવું હોય તેવું મારા પ્રેમને પાત્ર બની રહે છે. એકબીજાથી ખાનગી એવું કશું રહેતું નથી. ‘બે દેહમાં એક આત્મા’ની સ્થિતિ પ્રાપ્ત થાય છે. બંને એક બને છે. અને છતાં પોતાનું સ્વતંત્ર વિશિષ્ટ વ્યક્તિત્વ જાળવી રાખી શકે છે. બીજી વ્યક્તિની મારે જરૂર છે એટલે હું એને ચાહું છું એમ નહીં, પણ હું એને ચાહું છું એટલે મને એની જરૂર છે. આવો વિશાળ ઉદાત્ત પ્રેમ સામી વ્યક્તિમાં પણ પ્રેમ જન્માવ્યા સિવાય રહી શકે નહીં.

પ્રેમ અંગે આટલી સૈદ્ધાંતિક ભૂમિકા સ્પષ્ટ થયા બાદ આપણે એથી વધુ મુશ્કેલ પ્રશ્ન પર આવીએ કે આ પ્રેમને જીવનના દરેક ક્ષેત્રમાં રોજિંદા વ્યવહારમાં કેવી રીતે અમલમાં મૂકવો ? જેમ પાણીમાં પડ્યા સિવાય તરવાનું શીખવું મુશ્કેલ છે તેમ પ્રેમ કર્યા સિવાય ‘પ્રેમ કરવાની કળા’ સાધ્ય કરવી પણ મુશ્કેલ છે. અલબત્ત, પ્રેમ કરવા માટેનાં જરૂરી એવાં આપણાં વલણ, વૃત્તિ, અભિગમ વિષે થોડીક ચર્ચા-વિચારણા કરી શકાય કે જે પ્રેમની અનુભૂતિ થવામાં મદદરૂપ થાય. બાકી પ્રેમ એ એટલો તો અંગત-વિશિષ્ટ અનુભવ છે કે તે દરેક જણે પોતાની રીતે પોતા પૂરતો મેળવી લેવાનો રહે છે.

કોઈપણ કળા સાધ્ય કરવા તેમાં દિલચસ્પી હોવી જોઈશે. તો પછી કળાસિદ્ધિ માટેના આનુષાંગિક ગુણ કેળવવાના સજાગ-સભાન પ્રયત્નો કરીશું. અને તો પછી ઊંઘવું, ઊઠવું, ખાવું, રમવું વગેરે દિવસભરની દરેક પ્રવૃત્તિમાં વિવેકપૂર્વક, પ્રમાણસર અને નિયમિત રહેવાની ટેવ પડશે અને પરિણામે કોઈપણ વસ્તુ કુશળતાપૂર્વક કરવા માટેની આવશ્યક એવી શિસ્તબદ્ધતા આવશે. મન ફાવે તેમ, અનુકૂળતા મુજબ વર્તવું વગેરે શોખની કક્ષા સુધી બરાબર રહે. પરંતુ ઉચ્ચ કક્ષાએ કળાને હસ્તગત કરવામાં વિશેષ પ્રયત્ન, ચોવીસે કલાકનો શિસ્તબદ્ધ વ્યવહાર હોવો અનિવાર્ય ગણાય. એટલે જીવનની અણગમતી વાસ્તવિકતાઓથી દૂર ભાગવાને હિસાબે ગોઠવાતાં એલફેલ વાચન, ગપસપ વગેરે પ્રવૃત્તિ પર પણ કાપ મૂકવો જોઈશે. અને આ બધું કોઈ બહારથી લાદેલી શિસ્તના રૂપમાં ન સ્વીકારતાં એને જીવનવ્યવહારના સ્વાભાવિક સ્વરૂપ તરીકે સહજભાવે વણી લેવું જોઈશે જેથી એનો ભાર-કંટાળો ન લાગે. એટલું જ નહિ, એના અભાવમાં કાંઈક મઝાની વસ્તુ ગુમાવતા હોઈએ તેવું લાગે.

બીજી ખાસ વસ્તુ એ છે કે વર્તમાનમાં જ જીવવાની ટેવ પાડવી જોઈશે. જે ક્ષણે જે કામ કરતા હોઈએ તેને સંપૂર્ણ ધ્યાન સાથે કરવાની ટેવ પ્રયત્નપૂર્વક કેળવવી જરૂરી છે. આપણે જીવનમાં પેપર વાંચવું, વાતો કરવી, ચા-નાસ્તો પતાવવો વગેરે ઘણાં કામ એક સાથે કરવા ટેવાયા છીએ. પરિણામે જે કાંઈ કામ કરીએ તેની પાછળ જ સંપૂર્ણ ધ્યાન આપવાને ટેવાયા નથી. સમગ્ર ધ્યાન આપીને દરેક કાર્ય કરવા માટે પોતાની જાત જોડે બેસવાની ટેવ પાડવી જોઈએ. એકાંતમાં કાંઈ પણ કર્યા સિવાય પોતાની જાતનું અવલોકન કરવું, વિચારતા-તપાસતા બેસી રહેવું. શરૂઆતમાં કદાચ મુશ્કેલ પણ લાગે પરંતુ સવારે-રાત્રે પાંચ-પંદર મિનિટની ધ્યાન પ્રાર્થના વગેરે મદદરૂપ થાય ખરાં. સામાન્ય રીતે એકાંત સહન ન કરવાની શક્તિમાંથી આપણે બીજા માણસો સાથેના સંબંધ-નિકટતા ખોળતા રહીએ છીએ. પરંતુ વિચારીએ તો ખરા કે જે પોતાની જાતને ‘કંપની’ નથી આપી શકતો તે બીજાને શું કંપની આપવાનો ?

ત્રીજી વસ્તુ જોઈશે લાંબા ગાળા સુધી સતત પ્રયત્ન કરવાની ધીરજ. કોઈપણ કલાસિદ્ધિ માટે સહેલા, સીધા, ટૂંકા, જલદી પરિણામ લાવે એવા રસ્તા નથી. અને આજના ‘ઈન્સ્ટન્ટ યુગ’માં પ્રેમકળા પણ તુર્ત જ શીખી લેવાની અધીરતા રહે છે. પરંતુ સિદ્ધિ લાંબા ગાળાનો ધીરજપૂર્વક સભાન પુરુષાર્થ માગી લે છે. વળી, આપણે આપણી જાત પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ. આપણને ક્યારે, શા માટે, શેનાથી ચીઢ ચઢે છે, અકળાઈએ કે આનંદ પામીએ છીએ વગેરે અંગે પૂરતો ખ્યાલ રહે તો આપોઆપ દરેક ક્રિયા ધ્યાનપૂર્વક કરવાની ક્ષમતા વધે. આ જાતની સંવેદનશીલતા તંદુરસ્ત શરીર-મન સિવાય શક્ય નહીં બને.

વળી વસ્તુ, વ્યક્તિ, બનાવો વગેરેને નિરપેક્ષ રીતે જોવાની ટેવ પાડવી જોઈએ. સામાન્ય રીતે આપણી આસપાસ બનતા બનાવો ને આપણા સંપર્કમાં આવતી વ્યક્તિઓને તેના જે તે સ્વરૂપમાં જોવાને બદલે આપણા આગ્રહ, ઈચ્છા, ગમા-અણગમા, ટેવો, પૂર્વગ્રહ વગેરેના સંદર્ભમાં મૂલવીએ છીએ. આપણે જે જોયું-અનુભવ્યું તે જ સાચું એવું આગ્રહી વલણ નિરપેક્ષ અવલોકન માટે ઘાતક બની રહેવાનું. ખાસ કરીને પ્રેમ સંબંધમાં સામી વ્યક્તિ વિષે આપણા મનમાં એક અપેક્ષિત સ્વરૂપ રહે છે એના કરતાં જુદા ભાવો, વર્તણૂક જોતાં આપણે અસ્વસ્થ બની જઈએ છીએ. આપણે નમ્રતા કેળવી શકીએ, બુદ્ધિપૂર્વક, પૂર્વગ્રહમુક્ત રીતે વિચારી શકીએ તો નિરપેક્ષ અવલોકન વધુ સારી રીતે કરી શકાશે. અને તો આપણા રસ, જરૂરિયાત, આશા-અપેક્ષા વગેરેથી પર થઈને સામી વ્યક્તિના વ્યવહારને નિરપેક્ષ રીતે મૂલવવાની ક્ષમતા કેળવાશે.

માતાને બાળકના કલ્યાણ વિષે ચિંતા છે. પરિણામે દિવસભરના શ્રમ પછી રાત્રે એટલી ગાઢ નિદ્રા હોય છે કે ઢોલ નગારાંનો અવાજ પણ નિદ્રામાં ખલેલ પહોંચાડી શકે નહીં. અને તેમ છતાં બાળકના સહેજ ઉંહકારના અવાજથી પણ એ જાગી જાય છે અને બાળકના ક્ષેમકુશળની ખાતરી કર્યા બાદ જ પાછું સૂવાનું શરૂ કરે છે. કળાસિદ્ધિ માટે આપણે આવા ચિંતિત ન હોઈએ ત્યાં સુધી સિદ્ધિ શક્ય નથી.

છેલ્લે, પ્રેમ કરવા માટેની પૂર્વશરત – આસ્થા હોવી. આ આસ્થા એટલે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રભુમાં માન્યતા નહીં પરંતુ આસ્થા એ આપણી માન્યતા કે વિશ્વાસમાં રહેલી નિશ્ચયાત્મકતા અને દઢતાનો સંકેત છે. આવી આસ્થાનાં મૂળ વ્યક્તિની પોતાની વૈચારિક અથવા ભાવનામય અનુભૂતિમાં રહેલાં હોય છે. બીજી વ્યક્તિમાં આસ્થા હોવી એનો અર્થ છે એનાં પાયાનાં વલણોની, એના વ્યક્તિત્વના સહભાગની, એના પ્રેમની વિશ્વસનીયતા અને અસંદિગ્ધતા અંગે ખાતરી હોવી. અને આ જાતની આસ્થા સામી વ્યક્તિમાં ત્યારે જ રાખી શકીએ કે જ્યારે આપણામાં આત્મવિશ્વાસ હોય. પ્રેમસંબંધ કેળવવામાં-વિકસાવવામાં પોતાના પ્રેમમાં શ્રદ્ધા, બીજામાં પ્રેમ ઉત્પન્ન કરવાની શક્તિ અને એ અંગેનો અટલ વિશ્વાસ અગત્યનાં અંગો છે.

અત્યાર સુધીની વિચારણા પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પ્રેમ કરવાની કળા સિદ્ધિ કરનારાના સંબંધો, વ્યવહાર, વૃત્તિ અને વલણ અંગત જીવન પૂરતાં જ મર્યાદિત રહી શકે નહીં. જો એનો પ્રેમ એક વ્યક્તિ કે સમૂહ પૂરતો જ મર્યાદિત રહે, જો એનો પ્રેમ અન્ય વ્યક્તિઓથી વધુ અળગો-વધુ પરાયો બનાવે તો સમજવું કે તે જેને પ્રેમ તરીકે ઓળખાવે છે તે વાસ્તવમાં તો મોહ જ છે, આસક્તિ છે. એકાદ વ્યક્તિ સાથેનો પણ સાચો પ્રેમ મને વધુ સ્વતંત્ર, સુખી અને શક્તિશાળી બનાવશે અને હું એકમાંથી અનેક અને છેવટે સમગ્ર માનવજાત અને વિશ્વના સર્વે ચેતનવંતો સાથે પ્રેમસંબંધ અનુભવીશ.

પરંતુ આજે આપણા સામાજિક, રાજકીય, આર્થિક વગેરે ક્ષેત્રો માનવતાના પાયા પર ગોઠવાયેલ નથી. અને પરિણામે જીવનના દરેક કાર્યક્ષેત્રમાં, હરકોઈ પ્રવૃત્તિઓમાં પરાયાપણું, બિનસલામતી અનુભવે છે. દરેક જણ ‘સબ સબકી સમાલો, મૈં મેરી ફોડતા હું’ વૃત્તિથી વર્તે છે. આ જાતની પરિસ્થિતિમાં પ્રેમ કરવાની કલા સિદ્ધ કરવાના પ્રયત્નો સફળ થઈ શકવાની શક્યતા નહીવત જ રહેવાની. જો આપણે ઈચ્છતા હોઈએ કે સમાજમાં દરેક વ્યક્તિ પોતપોતાની મર્યાદાઓ વચ્ચે પણ પ્રેમ અનુભવવાની, વિકસાવવાની અનુકૂળતા મેળવી શકે તો એ માટે એવા સમાજની રચના કરવી જોઈએ કે જેમાં કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનો સ્વાર્થ સાધવાના સાધનરૂપે નહીં ગણે. અન્યોન્ય સહકાર અને પરસ્પર સદભાવની લાગણીઓ દઢ બનાવે એવી રચનાત્મક-સર્જનાત્મક પ્રવૃત્તિઓ ગોઠવી શકવાની સગવડ-પ્રેરણા સહજ મળી રહેવી જોઈએ. પ્રેમાળ-રચનાત્મક-વલણવૃત્તિઓ દરેક માનવીના અંતરમાં પડેલી જ છે. જરૂર છે ફક્ત અનુકૂળ સામાજિક માળખાની કે જેમાં આ વૃત્તિઓ આપમેળે ઉપર તરી આવે. આ માટે અર્થપ્રધાન અને સ્વાર્થને જ કેન્દ્રમાં રાખી થતી સૌ પ્રવૃત્તિઓને બદલે માનવીય મૂલ્ય આધારિત કાર્ય-પ્રવૃત્તિ યોજના ગોઠવવી જોઈશે. મનુષ્ય સાધન નહીં પણ સાધ્ય છે એ ધ્યાનમાં રાખવું જોઈશે. ટૂંકમાં, અહિંસક, શોષણમુક્ત, સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું જોઈશે. તેમાં માનવી સમાજનું એક સક્રિય અને જવાબદાર અંગ બની શકશે. પોતાની આંતરિક આવશ્યકતાઓ વ્યક્ત કરવા પણ શક્તિમાન બની રહેશે. પછી પ્રેમ એ એક વ્યક્તિગત અપવાદરૂપે કેળવવાનો ગુણ નહીં બની રહે પરંતુ માનવજીવનના બધા વ્યવહાર તથા પ્રવૃત્તિઓનું પ્રેરક અને અસરકારક પીઠબળ બની રહેશે.

[કુલ પાન : 88. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : શ્રી જયંત ઓઝા. 1, જાનકી એપાર્ટમેન્ટ. નૂતન કલબની બાજુમાં, નાનાબજાર, વલ્લભવિદ્યાનગર. ગુજરાત.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું તો લગ્ન કરવાની જ નથી….! – ભેજેન્દ્ર પટેલ
રહસ્યમય વૃક્ષો – દીપક જગતાપ Next »   

9 પ્રતિભાવો : પ્રેમ કરવાની કલા – સુરેશ પરીખ

 1. સુંદર અને સાચી વાત. અધિકારની ભાવના જ સંબંધોમાં ખટાશ લાવે છે.

 2. કલ્પેશ says:

  સુરેશભાઇનો આગળ લખેલ લેખ પણ એટલો જ ગહન અને સાથે સાથે સરળ શબ્દોમા છે.
  આભાર સુરેશભાઇ અને મૃગેશભાઇ.

  આપવું, આપવું વીરતાથી બધું….
  આપતાં આત્મનું કાંઈ ન ખૂટે.
  સિંધુ આપી બધું ખાલી પોતે થતો,
  તોય પાછો ગગન ગાજી ઊઠે.

  વાહ. શુ ગહનતા છે આ લાઇનોમાં?

 3. જગત દવે says:

  શ્રીકૃષ્ણ અને રાધા નાં યુગલ સ્વરુપને ભજતાં આ દેશમાં યુવક-યુવતી જો સાથે દેખાય તો તેને હંમેશા વિકૃત જ કેમ માની લેવાય છે? બગીચાઓમાં ડંડો લઈને ફરતો માણસ, યુગલને જોઈને કતરાતાં લોકો ઘરે જઈ ને ‘રાધે ગોવિંદ’ ની ધુન પર તાળીઓ પાડે, દિવા પેટાવે, ફુલોથી નવાજે એનાથી વધારે મોટો દંભ શું હોય શકે?

  પ્રેમ કરવાની કલા ને વાંચવા કરતાં પ્રેમમાં કરવામાં વધારે મજા છે. પ્રેમીની પીડા વ્યકત કરતી એક સરસ પંક્તિ જે ગઈકાલથી જ મારા મનમાં ગુંજી રહી છે તે પ્રેમી વાંચકો ને અર્પણઃ

  औंस नयन कि उनके, मेरी लगी को बुझाये ना

  तन-मन भिगोदें आके ऐसी घटा कोई छायें ना

  मोहे बहा ले जाये एसी लहर कोई आए ना

  पडी नदीयां के किनारे मैं प्यासी….माई री

  मै कासे कहुं पीर अपने जीया की.

 4. Chintan says:

  પ્રેમ નામના કલા તત્વના ઘણા બધા પાસા રજૂ કર્યા છે. શાશ્વત પ્રેમને સમજવો અને તેને આચરણમા મુકવો તે વાત લગ્ન કર્યા પછી હવે ધીરે ધીરે સમજાવા લાગી છે. લેખકશ્રિએ ખુબ સુંદર રીતે વિચાર રજૂ કર્યા છે.

  જગતભાઈ..આપની પંક્તિઓ પણ ખુબ મજાની છે.
  વસંત ઋતુના આગમન સમયે પ્રેમ નિબંધ આપવા બદલ મૃગેશભાઈનો ખુબ ખુબ આભાર.

 5. nayan panchal says:

  પ્રેમ પર એક ચિંતનીય લેખ.

  જો કે લેખકની પ્રથમ લાઈન સાથે હું સંમત નથી. દુનિયામાં સૌથી શક્તિશાળી પ્રેમ નથી, પરંતુ સમય છે. જો સમય સાથ ન આપે તો ગમે તેવો પ્રેમ પણ વિકસી શકતો નથી, આગળ વધી શકતો નથી.

  પ્રેમ કરવો એટલે યોગ્ય પાત્ર મેળવવુ એમ નહિ, પરંતુ પાત્ર સાથે યોગ્ય પ્રેમસંબંધ વિકસાવવો. પ્રેમમાં પડવુ તો બહુ આસાન વાત છે, એટલે જ લોકો વારંવાર પ્રેમમાં પડ્યા કરે છે. પરંતુ પ્રેમને ટકાવી રાખવો, નિભાવવો લેખકે કહ્યુ તેમ એક કલા છે, તે દરેકને હસ્તગત નથી હોતી. જેમને આ કલા સાધ્ય છે તેઓ પ્રેમમાં વારંવાર નથી પડતા.

  પોતાના સંતાનોને માતા બિનશરતી પ્રેમ કરતી હોય છે. પ્રેમીઓ વચ્ચે મોટાભાગે બિનશરતી પ્રેમ જોવા નથી મળતો. જો બેમાંથી એકની પણ અપેક્ષાઓ ન સંતોષાતી હોય તો પ્રેમનુ તળિયુ દેખાવા માંડે છે. જો તમારો પ્રેમ નિઃસ્વાર્થ હશે, જો બંને પ્રેમી પોતાના કરતા પહેલા પ્રિય પાત્રની ખુશીનો વિચાર કરશે તો પ્રેમ વધશે જ.

  જો તમે એમ વિચારીને પ્રેમમાં પડો છો કે હું પછી તેને બદલી નાખીશ, તો તમારી ભૂલ છે. તમે તેમને તેઓ જે છે તે બદલ જ સ્વીકારી શકતા હો તો જ પ્રેમમાં આગળ વધો. તમે પણ તમારા અસલ સ્વરૂપે જ તેમની સામે જાઓ. સામેવાળાને ઇમ્પ્રેસ કરવા તમારા અસલ ચહેરા પર મ્હોરો લગાવીને જશો તો સામેવાળો કદાચ ઇમ્પ્રેસ તો થઈ જશે પરંતુ એક સમય પછી જ્યારે તમે મ્હોરું ઉતારશો તો..
  મારું તો એવુ માનવુ છે કે તમારે ઇરાદાપૂર્વક તમારી નબળી બાજૂ સામે લાવવી જોઈએ જેથી તેમને પણ તમારા સ્વભાવની નબળાઈઓ ખબર પડે.
  ઘણા લોકો પ્રેમમાં ઝંપલાવી દે છે અને પછી તેઓ બહાર નીકળવા માગે છે, પરંતુ નીકળી શકતા નથી. જો તેઓ બહાર આવી જાય તો પણ ક્યાં તો પોતાને અથવા/અને સામેવાળા પાત્રને તકલીફ આપીને બહાર આવે છે.

  અમુક પરોપકારીઓ પોતાની ખુશીને બીજી પાયરીએ રાખીને સહાનુભૂતિની ભાવનાથી પ્રેમસંબંધમાં પ્રવેશે છે, તેને ટકાવી રાખે છે. જ્યા સુધી તમે પોતે દિલથી ખુશ ન રહી શકો ત્યાં સુધી સામેવાળાને તમે દિલથી ખુશી ન આપી શકો. અન્યને ખુશ રાખવા માટે સૌપ્રથમ તમારે ખુશ રહેવુ જરૂરી છે.

  પ્રેમમાં માલિકીભાવ ન હોવો જોઇએ. જો તમે પ્રેમને બાંધીને રાખશો તો તે છૂટવા મથશે. પ્રેમને મુક્ત રાખી દો, જો પ્રેમ સાચો હશે, સામેવાળુ પાત્ર લાગણીશીલ હશે તો તમારી પાસે જ રહેશે. પ્રેમમાં ધીરજ પણ ખૂબ જરૂરી છે. ઘણી પ્રેમકથાઓ માત્ર અને માત્ર ધીરજના અભાવે અધૂરી રહી જતી હોય છે.

  તમારી પ્રેમની ઈમારત શેના પાયા પર રચાયેલી છે તે સૌથી મહત્વનુ છે. જો તેના પાયામાં આકર્ષણ, ગણતરી હશે તો તેનુ આયુષ્ય પણ અલ્પજીવી જ હશે. પણ જો તેના પાયામાં વિશ્વાસ, આદર, એકબીજાને સુખી જોવાની વૃતિ હશે તો તે નાના-મોટા તોફાનો સામે પણ ટકી જશે.

  પોતાની જાત જોડે બેસો. વસ્તુ, વ્યક્તિ, બનાવો વગેરેને નિરપેક્ષ રીતે જુઓ. તમે પરકાયા પ્રવેશ કરીને સ્થિતીને મૂલવો. સામેવાળા પ્રત્યેની અડધી ફરિયાદો ઓછી થઈ જશે.

  ભગવાન, આપ સૌ પર પ્રેમની વર્ષા કરે એવી પ્રાર્થના.

  નયન

 6. Bhalchandra, USA says:

  Mr. Suresh Parikh has written an excellent article about art and skill of love. Such articles must be read more than once to understand, appreciate and incorporate in daily life. I agree with author’s reasonings that love is much complex emotion and without sacrifice, understanding, discipline and patience, it can not be experienced in its true sense. When I read such articles, I feel proud to be a Gujarati medium educated American professor, which is not so common in US of A.

 7. Alap says:

  આ એક સુન્દર લેખ છે….
  ઘણુ શીખવી જાય છે….

  જગતભાઈએ સાચુ જ કહ્યુ છે કે આ દેશના વડીલો દંભી છે. વૃંદવનમાં રાસ રમતા રાધા અને ક્રિશ્ન નો તેમને કોઇ વાંધો નથી પણ કોલેજના યુવાન યુવતીઓમાં તેમને રાધા અને ક્રિશ્નના દર્શન નથી થતા…

  હું કોલેજમાં ફરતા દરેક મોહાન્ધ યુવક યુવતિઓની વાત નથી કરતો પણ દરેક વ્યક્તિને શંકાના દાયરામાં શું કામ જોવી જોઇએ

  ધન્યવાદ

 8. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Just one true love can make up for many things that we lack… Very nice article and brilliant comments by all of you.

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.