રાજુ – લતા હિરાણી

[ ઈ.સ. 1998માં અમદાવાદમાં લાયન્સ કલબ દ્વારા ‘રેનબસેરા’ નામની એક સંસ્થાની રચના કરવામાં આવી. આ સંસ્થામાં રેલ્વે પ્લેટફોર્મ પર રહેતાં ગરીબ, નિરાધાર અને રસ્તે રઝળતાં બાળકોને પ્રેમસમજાવટથી લાવીને રાખવામાં આવ્યાં. તેમને માટે ભોજન, વસ્ત્રો અને દિનચર્યાંના જરૂરી સાધનો ઉપરાંત પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. ભવિષ્યમાં તેઓ સ્વર્નિભર બની શકે એ માટે વકૃત્વ, સંગીત, લેખન જેવી કલાઓ શીખવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં. આ તમામ શેરીબાળકોનું જીવન વેદનાથી ભરેલું હતું. એમની આપવીતી કાળજુ કંપાવનારી હતી. તેઓ રસ્તે જે મળે એ ખાઈ લેતાં, ફાટેલાં કપડાં પહેરીને મજૂરી કરતાં પડી રહેતાં. કેટલાંય બાળકો ઘરેથી ભાગીને આવેલાં હતાં. જીવનનો આ વિકટ માર્ગ અપનાવવાના તેમની પાસે નિશ્ચિત કારણો હતાં. દરેક બાળકનું જીવન જાણે કે એક-એક નવલકથાનું પ્રકરણ બને તેવું હતું. સાહિત્યકાર લતાબેને તેમની પાસે જઈને આ સંવેદનાઓને ઝીલવાનો પ્રયાસ કર્યો અને પરિણામે એક પુસ્તક તૈયાર થયું, જેનું નામ અપાયું : ‘ઘરથી દૂર એક ઘર’. દરેક બાળકને એમ પૂછવામાં આવ્યું કે : ‘બેટા ? તું અહીં રેલ્વે પ્લેટફોર્મ પર કેવી રીતે આવ્યો ?’ અને જવાબમાં શરૂ થઈ એક કહાની. અહીં આવી જ એક રાજુ નામના બાળકની આપવીતી રજૂ કરવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લતાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે lata.hirani55@gmail.com અથવા આ નંબર +91 79 26750563 પર સંપર્ક કરી શકો છો. (પુસ્તક વેચાણ માટે ઉપલબ્ધ નથી.) – તંત્રી.]

આજે સવારથી ઘરમાં જે ચર્ચાઓ થઈ રહી હતી ને બહારના માણસોની ઘર જોવા માટે અવરજવર થતી હતી તેના પરથી રાજુને એટલું સમજાયું કે આપણું ઘર વેચવાનું છે.
‘મા, આ ઘર વેચીશું તો રહેશું ક્યાં ?’ આટલી ધમાલમાં યે રાજુ માને આ સવાલ પૂછ્યા વગર ન રહી શક્યો.
‘જહન્નમની ખાડીમાં. જા, તારું કામ કર.’ માએ ચિડાઈને જવાબ આપ્યો. રાજુ માની ચીડ પામી ઘરની બહાર નીકળી ગયો.

મા-બાપને જે ચિંતા હોય તે, રાજુની ચિંતા એ હતી કે પોતાના દોસ્તોથી તે વિખૂટો પડી જતો હતો. તેને વિચાર આવ્યો કે સંજુ, ટીનુને પણ સાથે લઈ જઈએ તો કેવું ? પણ આ પ્રસ્તાવ મા પાસે મૂકવાની તેની હિંમત ન થઈ. વળી સંજુ, ટીનુનાં મા-બાપ પણ તેઓને મોકલવા તૈયાર થાય ખરાં ? હજુ આ વિચાર આગળ ચાલે ત્યાં તો તેણે સંજુની બૂમ સાંભળી. તે સીધો તે તરફ દોડ્યો.
‘સંજુ તને ખબર છે અમારે હવે અહીં નથી રહેવાનું ?’
‘જા જા, તારું ઘર તો અહીં જ છે.’
‘પણ એ ઘર બાપુ વેચી દે છે.’ રાજુનું વાક્ય પૂરું થાય એ પહેલાં ટીનું પણ આવી પહોંચ્યો.
‘એ ય રાજુ, તારે દાવ દેવાનો બાકી છે…..’
‘પણ મારું ઘર…..’
‘એ ઘર ને બર બધું પછી. તું પહેલાં લખોટીઓ કાઢ.’ ટિનુએ તેને ખેંચ્યો.
‘ઊભો રહે, હું ઘરેથી લઈ આવું.’ પળવારમાં તો રાજુ ઘર છોડવાનો અને તેની સાથે સંકળાયેલો દોસ્તોને છોડવાનો વિષાદ ભૂલી લખોટીમય બની ગયો.

ઘરમાં પગ મૂકતાં જ મા તાડૂકી, ‘શું છે ?’
‘મારી લખોટીઓ…..’
‘અત્યારે કંઈ જ નહીં મળે. તને કહ્યુંને જા, બહાર જા.’
રાજુ વીલે મોંએ બહાર નીકળી ગયો. તેને થયું કે અત્યારે બાપુ ઘરમાં હોત તો લખોટીઓ જરૂર મળી જાત. તેના દોસ્તો સમજી ગયા. અચાનક ટીનુને યાદ આવ્યું.
‘રાજુ, મારી મા કહેતી હતી કે તમે આ ઘર છોડી બીજે રહેવા જવાનો છો. સાચે જ ?’
‘એ તો હું ક્યારનો કહું છું. મારી વાત જ તમે સાંભળતા નથી.’ રાજુ થોડો અકળાઈ ગયો.
‘તમે કેમ જાવ છો ?’ સંજુએ વાત આગળ વધારી.
‘મને નથી ખબર. પણ તમે મારી સાથે આવશો ?’ રાજુએ પોતાનો વિચાર મિત્રો સમક્ષ મૂક્યો.
‘પણ જવાનું છે ક્યાં ?’ સંજુએ પૂછ્યું.
એ તો રાજુનેય ખબર નહોતી. તે ચૂપ રહ્યો.
‘કંઈ નહીં રાજુ, તું અહીં અમારી સાથે રમવા આવતો રહેજે.’
સંજુ, ટીનુની સમસ્યા તો જાણે ઉકલી ગઈ પણ હવે રાજુ માટે એક નવી મૂંઝવણ શરૂ થઈ. નવી જગ્યાએથી અહીં રમવા આવી શકાશે કે નહીં ?

બીજા દિવસે સામાન બાંધવાનું શરૂ થઈ ગયું. બાપુએ રાજુને કહ્યું,
‘તારી વસ્તુઓ આ થેલીમાં ભરી લે.’
‘બાપુ, આપણે અહીંથી ક્યાં રહેવા જવાનું છે ?’
‘મામાને ઘેર.’
‘પણ કેમ ?’
‘મામાનું ઘર મોટું છે ને ! આપણે સમાઈ જઈશું.’
હજુ વાત આગળ ચાલે તે પહેલાં સમાન ફેરવવા લારી આવી ગઈ. બાપુ તેની વ્યવસ્થામાં પડી ગયા. રાજુને ખબર હતી કે મામાનું ઘર કંઈ એવડું મોટું તો નહોતું. અહીં એક રૂમ હતો, ત્યાં બે રૂમ હતા. બસ એટલું જ. પણ ચર્ચાને અવકાશ જ ક્યાં હતો ? થેલી લઈને તેણે પોતાની વસ્તુઓ એકઠી કરી. થોડીક લખોટીઓ, બે-ચાર રંગીન ચોકના ટુકડાં, રસ્તામાંથી જડેલાં જૂનાં ગોગલ્સ, ગયે વરસે મેળામાંથી બાપુએ અપાવેલું મોઢેથી વગાડવાનું નાનકડું વાજું, પેન્સિલ અને બે-ચાર ફાટેલી ચોપડીઓ. તેનાં કપડાં માએ બધાનાં કપડાં સાથે પોટલામાં બાંધી દીધાં હતાં.

બપોર થતાં થતાં તો જવાની તૈયારી થઈ ગઈ. ઘરવખરી લારીમાં ભરાઈ ગઈ. બાપુ સાઈકલ પર લારીની સાથે જવા નીકળ્યા અને મા રાજુની સાથે બે પતરાની પેટી અને બે પોટલાં લઈ રિક્ષામાં બેઠી. મામાનું ઘર કહેવાય એ જ શહેરમાં, પણ ખાસ્સું દૂર હતું. ચાલીના બધા લોકો આ પરિવારને વિદાય આપવા એકઠા થઈ ગયા હતા. રાજુની આંખો જરાક ભીની થઈ પણ સંજુને ટીનુ માટે આમ નવી જગ્યાએ રહેવા જવું એ આનંદનો વિષય હતો. રિક્ષાના પાછલા ભાગની બારીમાંથી બેય હાથ બહાર કાઢીને રાજુ બેઠો અને પકડાય ત્યાં સુધી સંજુ, ટીનુએ તેના હાથ પકડી રાખ્યા.

મામાને ઘરે શરૂઆતમાં તો રાજુને સારું લાગ્યું. મામાના બે દીકરા જતીન અને લલિત લગભગ તેની ઉંમરના જ હતા. તે બંનેની સાથે રમ્યા કરતો. મામીની અકળામણ ક્યારેક વરતાઈ જતી પણ રાજુને તેની સાથે બહુ નિસ્બત નહોતી. મા સવારે ઊઠીને મામીને ઘરના કામમાં મદદ કરાવતી ને નવ વાગતાં નોકરી પર જતી રહેતી. મા હૉસ્પિટલમાં આયા તરીકે નોકરી કરતી હતી. બાપુ મિલમાં જતા. પણ બદલી ભરતા; આથી કામ મળે ત્યારે કામ પર, નહીં તો ટિફિન લઈને પાછા ઘેર આવી જતા. જ્યારે આવું થતું ત્યારે રાજુને મજા આવી જતી. કેમ કે રાજુને સવારની નિશાળ હતી. બાર વાગે તે ઘેર આવી જતો. બાપુ ઘેર હોય ત્યારે બપોરના નિરાંતે વાર્તાઓ સાંભળવી તેને બહુ ગમતી. બાપુને ઊંઘવું હોય પણ રાજુ શાનો ઊંઘવા દે ? અને બાપુની પાસે પણ વાર્તાઓનો ખજાનો. ચોરની વાર્તા હોય ને શાહુકારની વાર્તાયે હોય. રાજકુમારની હોય ને ભિખારીની યે હોય. બાપુની વાર્તાના રાજકુમારનું નામ ગમે તે હોય. જીવનના રાજકુમારનું નામ તો રાજુ જ. સૌ પ્રથમ રાજુને રાજકુમારના સિંહાસને આરૂઢ કરીને પછી જ વાર્તા આગળ ચાલે. રાજુ પણ પછી આખી રાત સપનામાં પરીઓના દેશમાં જ મહાલે. બધી વાર્તાઓ પૂરી થાય એટલે છેલ્લે ભેંસ અને ચકલીની વાતથી પૂર્ણાહૂતિ થાય.

‘રોજ ચકલી ભેંસ પર ચરકે એટલે એક દિવસ ભેંસ કહે : ‘આજે તો હું તારા પર ચરકીશ.’ અને રાજુ હસી હસીને બેવડો વળી જાય. આ વાત તે કેટલાંય વર્ષોથી સાંભળતો આવ્યો હતો અને તોયે છેલ્લે એ તો ખરી જ. એકવાર તો આમ જ ખડખડાટ હસતો હતો અને અચાનક બપોરના સમયે મા આવી ગઈ. તેને અચાનક આવેલી જોઈને બાપુ ડઘાઈ ગયા. માએ એકવાર ગુસ્સામાં બાપુ સામે જોયું ને પછી રાજુને એક લાફો મારી દીધો. રાજુને પોતાના વાંકગુનાની સમજ ન પડી. બાપુ બિચારા ઊઠીને બહાર જતા રહ્યા. મા અને મામી ક્યાંય સુધી બાપુ વિષે ન બોલવાનું બોલતા રહ્યાં ને રાજુ રડતાં રડતાં ઊંઘી ગયો. એ પછી ઘણા દિવસ સુધી બાપુ સવારે ટિફિન લઈને નીકળતા અને પછી છેક સાંજે જ પાછા ફરતા.

એક સવારે બાપુ ટિફિન લઈને નીકળ્યા. સાંજ થતાં રાજુ બાપુની વાટ જોવા લાગ્યો. તેણે નક્કી કરી રાખ્યું હતું કે ભલે સાંજ પડી ગઈ હોય પણ વાર્તા સાંભળવી જ. જતીન સાથે તેનો ઝઘડો થઈ ગયો હતો. તે રમવા જવાને બદલે ઓટલે બેસી રહ્યો. ત્યાં તો બાપુની સાથે કામ કરતા એક ભાઈ દોડતા આવ્યા. મામીને કહે, ‘જલદી ચાલો, મણિલાલને અકસ્માત થઈ ગયો છે. હૉસ્પિટલમાં છે.’ મામી ગભરાઈ ગયાં. કંઈ આગળ પૂછે તે પહેલાં જ પેલા ભાઈએ વાત કરી કે મિલના ઝાંપામાંથી બહાર નીકળી હજુ માંડ દસ ફૂટ છેટે ગયા હશે ત્યાં જ એક ખટારાવાળાએ તેમને હડફેટમાં લઈ લીધા. મા હજુ નોકરી પરથી આવી નહોતી. મામા અને મામી સાથે રાજુ પણ દોડ્યો. રિક્ષા કરી બધાં હૉસ્પિટલમાં પહોંચ્યાં. ખાટલામાં બાપુ સૂતા હતા. બાપુ પરીઓની વાર્તા કહેતા ત્યારે પરીઓના ઉજળા દૂધ જેવા સફેદ વસ્ત્રોનો ઉલ્લેખ કરવાનું ચૂકતા નહીં. અત્યારે બાપુના આખા શરીરે પાટાઓ હતા ઉજળા દૂધ જેવા પણ એમાં ચારેબાજુ લોહીના મોટા મોટા ધાબાઓ ઊપસી આવ્યા હતા. રાજુ ડઘાઈ ગયો. બાપુને અડવા ગયો પણ હાથ પાછો ખેંચી લીધો. ‘ક્યાંક દુખાય તો !’ એટલામાં જ મા આવી પહોંચી. માએ ઠૂઠવો મૂક્યો. ચારે બાજુ કલ્પાંત થવા માંડ્યું. મામીએ તેને બાપુ પાસે બેસાડી પોક મૂકી,
‘રે, આ નાના ભાણેજડાની યે દયા નો ખાધી. તમે તો મોટાં ગામતરાં કીધાં…..’
મામા રડતાં રડતાં તેને બરડે હાથ ફેરવતા બોલ્યા,
‘દીકરા, તારે માથેથી છતર ગિયું. હવે તારા બાપુ પાછા નહીં આવે.’

રાજુ ધ્રૂસકે ધૂસકે રડી પડ્યો. બાપુને વળગી પડ્યો. તેને સમજાઈ ગયું કે પરીઓની વાર્તા કહેનાર બાપુ તેના રાજકુમારને એકલો છોડી અજાણ્યા મુલકમાં ચાલ્યા ગયા હતા. મરણ એટલે શું એ ન સમજાય એટલો તે નાનો નહોતો. રડતાં રડતાં તેને યાદ આવી પેલી ચકલી ને ભેંસની વાત ને તે હીબકે ચડી ગયો. રોજ માની આજુબાજુ સગાંસંબંધીઓ એકઠાં થતાં ને રોક્કળ ચાલ્યા કરતી. રાજુ ક્યારેક મા પાસે બેસતો. મા બરડે હાથ ફેરવતી પણ રાજુને લાગતું કે બાપુનો હાથ કંઈક જુદો જ હતો. એમનું હેત કંઈક અનોખું જ હતું. મા પાસેથી એવી હૂંફ તેને મળતી નહીં. ક્યારેક તે એવું પણ અનુભવતો કે જાણે મા ક્યારે આ દિવસો પૂરા થાય ને ક્યારે નોકરી પર જવાય તેની રાહ જુએ છે. ક્યારેક મા ખોટેખોટું રડતી હોય ને એવું પણ એને લાગતું. તેને પોતાને તો ક્યારેક એકલો હોય ત્યારે જ રડવું આવતું. મોટેભાગે તે બહાર ઓટલા પર સૂનમૂન બેસી રહેતો અને જતાં આવતાં લોકોને જોયા કરતો.

ધીમે ધીમે એ દિવસો યે પૂરા થયા ને મા પાછી કામ પર લાગી ગઈ. હવે રાજુને વાર્તા કહેનાર કોઈ જ રહ્યું નહોતું. માને ક્યારેક તે કહેતો પણ મોટેભાગે એક જ જવાબ મળતો :
‘થાકી ગઈ છું. આજે નહીં.’
હવે તેણે આ વિષે કહેવાનું જ બંધ કરી દીધું હતું. સૂતી વખતે તેને બાપુની ચકલી ને ભેંસ અચૂક યાદ આવતાં. અને ખૂણા પર તગતગી રહેલું આંસુ ફરી અંદર સમાવી આંખો ક્યારેક બિડાઈ જતી તેને ખબર રહેતી નહીં. આમ મહિનાઓ વીતી ગયા અને એક દિવસ સાંજે જેમ બાપુ પાછા નહોતા આવ્યા એમ જ મા પાછી ના આવી. ન કોઈએ ઠૂઠવો મૂક્યો, ન પોક. રડારોળને બદલે ગુસપુસ થતી રહી : ‘રાજુની મા ભાગી ગઈ.’
મામાએ તેના બરડે હાથ મૂક્યો : ‘અભાગિયા, તારી માને તારી દયાયે ન આવી.’
મામીએ બળાપો કાઢ્યો : ‘અક્કરમી, તારાં કરમ જ ફૂટેલાં છે.’ ચકલી હવે ભેંસના પોદળા નીચે સાવ દટાઈ ગઈ હતી. પાંખો યે ફફડાવી શકે એમ નહોતી. મા ગઈ તે ગઈ. ક્યાં ગઈ, કોની સાથે ગઈ, કોઈને કંઈ જ ખબર નહોતી. રાજુને માની ખાસ યાદ પણ આવતી નહોતી. સાંજે તો તે મામાની સાથે જમવા બેસતો પણ બપોરે જો નિશાળે આવતાં મોડું થતું તો મામી જતીન-લલિતને જમાડી ઊંઘી જતાં. રસોડામાં કંઈ જ ખાવાનું બચ્યું ન હોય. મામીની સાથે, હવે જતીન અને લલિતનો મિજાજ પણ સાતમા આસમાને રહેતો. ઘરકામમાં મામીને મદદ કરાવવાથી શરૂ થયેલી વાત હવે ઢસરડા સુધી પહોંચી ગઈ હતી. દિવસના ભાગે જમવાનું લગભગ માંડી વાળવું પડતું. સાંજે મામાની સાથે બેસવાનો હક ક્યારે છીનવાઈ ગયો તેની રાજુને ખબર ન રહી. બધા જમી રહે પછી વધે એ ખાઈને વાસણ સાફ કરીને તેણે સુવાનું રહેતું. આ બધામાં તેને બાપુ ખૂબ યાદ આવતા. મામીની હાક અને મારના ડરથી ફફડતા રહેતા જીવને બાપુના સ્પર્શની, બાપુની વાર્તાઓની યાદ એ જ એકમાત્ર હૂંફ હતી.

એક દિવસ રાજુને કોણ જાણે શું સૂઝ્યું કે પોતાનું ફાટેલું પેન્ટ બદલીને થોડીકવાર ‘કોઈ જોતું તો નથી ને !’ ખાતરી કરીને જતીનનું નવું પેન્ટ પહેરી લીધું. નવું પેન્ટ પહેરતાં જ ઘડીભર પોતે કેટલો મોટો ગુનો કર્યો છે એ વાત વીસરી ગયો. હળવેકથી પોતાની થેલી ઉતારીને એમાંથી સંભાળીને પેલું વાજું કાઢી વગાડ્યું. આવડાક ઘરમાં વાજું વાગે ને સંભળાયા વગર રહે ખરું ? બાજુના રૂમમાંથી જતીન તરત દોડતો આવ્યો. પોતાનું પેન્ટ રાજુએ પહેરેલું જોઈ તેનો પિત્તો ઊછળ્યો. મુક્કા અને લાતોથી સજા આપવી શરૂ કરી દીધી. અવાજ સાંભળી મામી પણ પહોંચી ગયા. રાજુને પાઠ ભણાવવા જતીન પૂરતો નહોતો. બંનેએ મળીને મહિનાઓથી સંઘરી રાખેલ ચીડ કાઢી. રાજુને બચાવ કરવાનો કોઈ મોકો જ ન હતો. માર મારવાથી સંતોષ ન થયો તે જતીને રાજુનું વાજું આંચકીને બારીમાંથી બહાર ગટરમાં નાખી દીધું. રાજુ માટે આ સહેવું મુશ્કેલ હતું. તે એકદમ રડતો બંધ થઈ ગયો. તેની આંખોમાં ખુન્નસ વ્યાપી ગયું. રાજુના આ પરિવર્તનથી જતીન અને મામી થોડાક ડઘાઈ ગયાં. મારવાનું બંધ કરી તેને ઓરડામાં પૂરી ચાલ્યા ગયા. સાંજે મામા આવ્યા. તેને બહાર કાઢવામાં આવ્યો. મામાની સમક્ષ તેના ગુનાનું વર્ણન થયું. પુરાવામાં પેલું પેન્ટ પણ ફાડીને રજૂ કરવામાં આવ્યું. સાથે સાથે બીજા કેટલાય આરોપોનો ઢગલો. પણ રાજુ જાણે બહેરો બની ગયો હતો. કંઈ જ બોલ્યા વગર તે ચુપચાપ ઊભો રહ્યો. મામાએ તેની ચુપકી જોઈને જ કદાચ માર્યો તો નહીં પણ ધમકી આપી, હવે આવું કરે તો ઘરમાંથી કાઢી મૂકવાની.

રાત્રે રાજુ પોતાની ગોદડી પર સૂવા ગયો. તેને બાપુ યાદ આવ્યા. તેને થયું, બાપુની વાર્તામાં કેમ ક્યારેય રાક્ષસી નહોતી આવી ? મધરાત સુધી તે સૂઈ ન શક્યો. ચારેબાજુ નીરવ શાંતિ પ્રસરી ગઈ ત્યારે તે ઊઠ્યો. બહાર નીકળી, ગટરમાં હાથ નાખી વાજું શોધ્યું. શર્ટની બાંયથી લૂછી સાફ કર્યું. ખિસ્સામાં મૂક્યું અને પાછળ એક પણ વાર નજર કર્યા વગર ઘર છોડીને ચાલતો થઈ ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું યે એકવાર વહુ જ હતી ને ! – હરિશ્ચંદ્ર
એક નહીં, અનેક બારી જોઈએ – વિનોબા ભાવે Next »   

57 પ્રતિભાવો : રાજુ – લતા હિરાણી

 1. લતાબેનની સરસ સાચી વાર્તા. આવા તો કેટલાય રાજુઓના સપનાઓ ઊગ્યા પહેલાં જ આથમી જતા હશે?!

  એવા કારમા સંજોગોમાં વિખૂટા થઈ જતા બચપણને ફરી પાછા સપના સાથે સેતૂ બાંધતી ‘રેન બસેરા’ ને લાખો સલામ.

  બચપણ એટલે એવું સ્વપ્ન કે કદી ય વિસરી ન શકાય.
  રાજુની વાત પરથી મને મારી થોડી પંક્તિઓ ટાંકવાનું મન થયું છે તો સાદર રજુ કરૂં છું

  એ વરસાદના પાણીમાં કાગળની હોડીનું તરણ
  કોઈ મને આપો ક્યાંક ખોવાયેલ મારૂં બચપણ

  કબડ્ડી, ગિલ્લીદંડા, લંગડી, સાતતાળી ને સંતાકૂકડી
  ને મને હજુ ય યાદ છે ઢીંગલા ઢીંગલીનું સગપણ

  કેવી હતી સખી સહિયારા અને દોસ્તોની વળગણ
  કનુ-મનુ,સીતા-ગીતા અને ક્યાં ખોવાયો રંગીલો રમણ?

  કેટલી મજા હતી રમવાની લડવાની ને જમવાની !!
  મ્હોંમાં આજે ય લાવે પાણી કાચી કેરી ને ખાંડનું જમણ

  મેળે જવું અને મહાલવું ને બેસવું એ ચકડોળમાં
  બાએ કરેલ બધી વાર્તાઓનું હજુ ય મને સ્મરણ

  કોઈ મને આપો ક્યાંક ખોવાયેલ મારૂં બચપણ
  કેમ હવે મને ખોખલું લાગે આ દરેક સગપણ?

  ‘રેન બસેરા’ સંસ્થાનું સરનામું પણ આપવું જોઈતું હતું.

 2. hardik says:

  આ વાર્તા વાંચી ને ભગવાન ને આભાર.

  કહેવાય છે કે દુઃખ વર્ષૉ નું અને સુઃખ સેકંડો નું.
  આ વાર્તા એ તો પ્રૉબ્લેમ ને બૉટમલેસ બનાવી દિધાં.

 3. nayan panchal says:

  ખૂબ હ્રદયસ્પર્શી વાર્તા. વધુ તો શું લખવુ તેની સમજ નથી પડતી.

  રાજૂ જેવા લોકોને પ્રભુ સાચવી લે એવી પ્રાર્થના.
  આભાર,

  નયન

 4. હ્રદય સ્પર્શી વાર્તા.

  ચાની લારી પર કામ કરતા કહેવાતા ટેણી પણ આવી જ કોઇ કથાનો ભાગ હશે.

 5. Milin Shah says:

  Terrible….

  I don’t understand one thing in this world: Why people like Raju, someone who has never done anything wrong in their life have to suffer? Why is there so much of pain in this world? This is just one example of a kid. There is an entire book of similar incidents by the author. Does these kind of things force you to believe in something we call destiny? Or is there anything else which can describe or explain why people have to suffer without their own faults. Readers !! Please give me your comments and thought on this.

  • Lata Hirani says:

   ‘કર્મના સિદ્ધાંત’ને યાદ કરો. એમાંથી જવાબ જડશે.

   લતા હિરાણી

   • Veena Dave. USA says:

    કમૅનો સિધ્ધાત કે ગયા જન્મના કર્મોનૂ ફળ એ દ્વારા એક આસ્વાસન જરુર મળે છે.

    • hardik says:

     ખુબ સરસ લતાબેન,

     કર્મ નૉ સિધ્ધાંત. એટલે ગયૉ જન્મ કે પહેલા નૉ જન્મ નું ફળ એમ નથી.
     પરંતુ આપની વાત સાચી છે, તે આશ્વાસન આપે છે.

     કર્મ ના ફળ ભૉગવવા માટે લાયક હૉવું જરુરી છે. એટલે જ બહુ ઑછાં મહાવીર, રામ કે બુદ્ધ્ બની શકે છે.

 6. trupti says:

  રાજુની કથની વાંચી રૂવાડા ઉભા થઈ ગયા. આવા તો કેટલાએ રાજુ ઓ હસે જેની આપણને ખબર પણ નહીં હોય. જ્યારે આપણને કોઈ વાત તો અસંતોષ થાય ત્યારે આપણે આપણા નસીબને અને ભગવાનને કોશીયે છીએ, પણ આવા હૃદયસ્પ્ર્ષી પ્રસંગો વાંચી આપણને એમ નથી લાગતુ કે ભગવાને આપણને ઘણુબધુ માંગ્યા વગર આપી દીધુ છે અને આપણે કેટલા નસીબદાર છીએ?
  લતા બહેન હિરાણી નો આવો સરસ માહિતીસભર લેખ આપવા બદલ આભાર. તમારા પુસ્તક માના બીજા પ્રસંગો વાંચવા માટે મન આતુર છે. મ્રુગેસભાઈ એ લેખના શરૂઆતમાજ પુસ્તક not for sale છે નુ લેબલ લગાવી દીધુ છે, પણ લેખિકા બહેન ને વિનંતી કે તમારાઆ અનુભવોથી સભર લેખો દુનીયા સુધી પહોંચાડે જેથી વાચક મિત્રો પણ જરૂર પડે જરૂરીયાતમંદો ને મદદ કરી શકે.

  • Lata Hirani says:

   આ બધી વાર્તાઓ મારા બ્લોગ પર મુકવા વિચારું છું. ધીમે ધીમે થશે. ખુબ ખુબ આભાર

   • Veena Dave. USA says:

    સરસ બ્લોગ.
    અમદાવાદના હોસ્પિટ્લની વાત વાચી હૈયુ દ્રવી ઉઠ્યુ.

 7. કલ્પેશ ડી. સોની says:

  મારી માનસિક સ્થિતિ પણ નયનભાઈ જેવી જ છે. ઈશ્વર રાજુને સહૃદયી માણસોને નિમિત્ત બનાવીને જ સાચવશે ને!

 8. કરુણ કથા

  રાજુ ઘણુ સહન કરે છે પણ વિલન કોણ છે?

  ટ્રક ડ્રાઈવર ? રાજુ ની મા? મામી ? મામા ? કે જતીન ?

 9. જીતેન્દ્ર તન્ના says:

  લતા બહેન હિરાણી નો આવો સરસ લેખ આપવા બદલ આભાર.

  કદાચ કોઇપણ માણસને ખરાબ થવું ગમતુ નહિ જ હોય પરંતુ પરિસ્થિતિ એને ક્યાય ને ક્યાય પહોચાડી દેતી હશે.

 10. kirtida says:

  લતાબેન
  ખુબ સરસ જીવંત વાર્તા. એક ક્ષણ પણ એવુ ન લાગ્યુ કે વાર્તા વાંચી રહ્યા છે. રાજુ જાણે આપણને સામે બેસીને કહી રહ્યો છે.
  તમારી રજૂઆત ઋદય ને સ્પર્ષી જાય તેવી છે. રેનબસેરા જેવી સંસ્થાઓ અનેક રાજુને આશ્રો આપે છે.
  આગળ પણ “”ઘર થી દૂર એક ઘર “” પુસ્તક માથી આ પ્રકારના લેખ મળશે તો આનંદ થાશે.
  કીર્તિદા

 11. જગત દવે says:

  કોમ્પ્યુટરનાં લિસ્સા screen પર બરછટ જીંદગીની આ વાર્તા વાંચતા આપણા સહુંને તકલીફ થાય તે સ્વભાવિક છે. ભારત અને વિશ્વનાં અનેક દેશોમાં કરોડો લોકો આ પ્રકારની જીંદગી જીવવા માટે મજબુર છે. મોટાભાગની સમસ્યાઓનાં મૂળમાં ભ્રષ્ટ રાજકીય વ્યવસ્થા જવાબદાર હોય છે. દક્ષિણ અમેરીકા, આફ્રિકા, રશિયા, ચીન, દક્ષિણ એશિયા અને ખાડી પ્રદેશનાં ઘણાં દેશો માં લોકો અત્યંત દારુણ પરિસ્થિતીમાં જીવે છે. આજે Human Rights નો ઝંડો ફેલાવતા વિકસીત દેશોનાં હાથ કરોડો માનવીઓ તથા પ્રાણીઓની (ઓસ્ટ્રેલીયા, અમેરીકા, બ્રિટન) કત્લેઆમથી ખરડાયેલા છે. તેમની સમૃધ્ધિનાં મૂળમાં પણ આ શોષણવ્યવસ્થા જ રહેલી છે. માનવ-જાતે એક શોષણ આધારિત સમાજની રચના કરી છે.

  આપણાં બધા જ લોકોની ‘મખમલી’ જીંદગી જાણ્યે અજાણ્યે આજ શોષણ વ્યવસ્થા નો એક ભાગ છે અને આપણે તેને ‘પ્રગતિ’ જેવું રુપાળુ નામ પણ આપ્યુ છે.

  ૧. તમે ક્યારેય તમારો બંગલો/ ઘર બનાવનાર મજુરોને તમારા ઘરનાં ‘વાસ્તા’માં બોલાવ્યા છે અને જાહેરમાં તેમનો આભાર વ્યક્ત કર્યો છે?
  ૨. ક્યારેય તમારા ઘર પર કામ કરતા ઘરઘાટી કે કામવાળી બાઈ ને હક રજાઓ, બોનસ, પ્રોવીડંડ ફંડ, ગ્રેચ્યુઈટી આપ્યા છે?
  ૩. તમારા બ્રાન્ડેડ જીન્સ, ટી-શર્ટ બાંગ્લાદેશની કલ્પી ન શકાય તેવી ગરીબ વસ્તીમાં બને છે તે ખબર છે? તે રોજનાં ૫ ડોલર પણ નથી કમાતા ખબર છે? તાજેતરમાં જ એવી એક સિવણ-ફેક્ટરીમાં ૧૦૦ જેટલાં લોકો આગ લાગતા ભુંજાઈ ગયા.
  ૪. આલ્સ્ફાટનાં પહોળા, લીસ્સા રસ્તાઓ, બ્રીજીસ પર દોડતી તમારી કાર ખરેખરતો લાખો ગરીબ મજુરોની છાતી પરથી દોડી રહી છે તે ખબર છે?
  ૫. આપણાં તથા અનેક દેશોમાં બાળકો દુધ વગર ટળવળે છે અને યુરોપનાં એક દેશમાં લાખો ગેલન દુધ ખેતરોમાં ઢોળી નખાય છે કા. કે. ઉત્પાદકો ને તેનો ભાવ ‘યોગ્ય’ નથી લાગતો.
  ૬. આપણાં દ્વારા ઉપયોગમાં લેવાતી લગભગ દરેક ‘લક્ઝરી’ પાછળ આવી જ ખડબચડી ‘વાર્તાઓ’ રહેલી છે.

  માટે જ જ્યારે ક્યારેય કોઈ સમાજ સેવાનું અથવા દાન કાર્ય કરવા માટે હાથ લંબાય તો એ ધ્યાન રાખવું કે સાથે સાથે આપણો ‘અહમ’ ઊંચો ન થાય. કારણ કે તે સેવા અથવા દાન એ આપણે જાણે અજાણ્યે કરેલા આવા શોષણ ને આપેલું તર્પણ છે.

  યાદ રહે……આવી જીંદગીઓ ‘નસીબ’ નહી પણ દુનિયાભરમાં ચાલતી ભ્રષ્ટ રાજકીય અરાજકતાનું પરિણામ છે. સંપતિનું અસમાન વિતરણ કરતી મૂડી વ્યવસ્થાનું પરિણામ છે.

  • Chirag says:

   જગત ભાઈ,

   જ્યારે હું ૨૦૦૬ માં ભારત આવ્યો ત્યારે અમારી સોસાયટિ માં નવા અપાર્ટસમેન્ટસ બંધાતા હતા… હુ એક બપોરે ત્યાંથિ પસાર થતો હતો – મે જોયુ કે એક ૨ વર્ષનુ બાળક એની બહેન ના ખોળા માં બેસી ને રડી રહ્ય હતુ – મેં એ ને જઈ ને ચોકલેટ આપી – અને એ બાળક સાથે થોડિ વાત કરી – એની બહેન ને ચોકલેટ આપી – અને પુછ્યુ કે તમારો આ ભાઈ કેમ રડે છે? એ ને ભુખ લાગી છે? તો એ છોકરી મને કહે કે ના મોટા ભાઈ એને માં પાસે જવુ છે અને માં જોઈએ છે… પણ માં તો કામ પછે – જો એની સાથે બેસે તો કામ કોણ કરશે અને પૈસા કોણ લાવશે? મે એની માં પાસે જઈ ને કહ્યુ તો એ કહે હશે શેઠ હમણાં ચુપ થૈ જાશે – અને રાત્રે લઈશ – અત્યારે મારે બહુ કામ છે…. મે એ બેન પાસે થી ઈંટો લઈ લીધી અને કહયુ તમારે તો પૈસાથી કામ છે – જાઓ તમે તમારા બાળક ને લો અને હુ તમારી જગ્યાએ ઈંટો ઉચકુ છુ – મારે કાંઈ ખાસ કામ નથી – એ મારી સામુ જોઈ રહ્યા – મે મારૂ શર્ટ કાઢ્યુ અને એક બાજુ મુકી – એમનિ ઈંટો લઈ આખો દીવસ કામ કર્યુ… સાંજે Rs. 55 એમને આપી – મારા પાકીટ માં થી બધા કાઢિ એમને આપી હુ ચાલતો થયો…. મન બહુ ખુશ હતુ કે મેં એક બાળક ને એની માં સાથે આખો દીવસ વિતાવા દીધો…. એ રાત્રે મને જે ઊંધ આવી છે એ તો મારી ૩૨ વર્ષ ની જીદગી મા નથી આવી…. કાશ હુ આવી મદદ બધાને કરી શકું.

   • Milin Shah says:

    Chiragbhai,

    One in a million people would have done what you’ve done. Many would have just offered money but by putting yourself into the shoes of the worker lady you’ve made an excellent example which describe you as an empathic person. Hats off to you and your job. My appreciation is nothing because the satisfaction you had after helping her is beyond horizon. Hope everyone would think like you and hope we would see a day when we have to struggle to find such stories in a reality.

   • Nimesh says:

    ચિરાગ ભાઈ,
    તમારા જેવા માણસો થકી આ જગત ટકી રહ્યુ છે.
    હુ તમને ખરા હ્રદય થી સલામ કરુ છુ.

    નિમ્સ

  • Lata Hirani says:

   અહમ ઊંચો ન થાય એ માટે આપણી સંસ્કૃતિમા> સરસ કહ્યું છે.. ‘જમણો હાથ આપે એ ડાબા હાથને ખબર ન પડે.’

 12. Nimesh says:

  એક કહેવત છે કે
  “બાપ મરો પણ માં ન મરો”
  પણ રાજુ ના માટે આ વિરુધ્ધ છે.
  રૈનબસેરા ને મારા વંદન કે જે ઘણા રાજુ નો આધાર છે.
  લેખિકા અને મ્રુગેશ ભાઈ નો ધન્યવાદ.

  ધન્યવાદ.
  નિમ્સ

 13. Lata Hirani says:

  ખુબ ખુબ આભાર સૌનો. અને મૃગેશભાઇનો તો ખરો જ્.

 14. લતાબહેનને મારા હાર્દિક અભિનંદન! ખાસ તો એટલા માટે કે લાયન્સ ક્લબની સેવા પ્રવૃતિની ઝાંખી કરાવી. ૩૭ વર્ષથી લાયન્સ ક્લબના સભ્ય હોવાને નાતે આવી અનેક મૂક સેવાકીય પ્રવૃતિઓનો સાક્ષી છું. ધન્યવાદ! લતાબહેન, તમારી કલમ હૃદયદ્રાવક છે.

 15. I do not have proper words to express any thing –so much beautiful writing with a real story –it is if RAJU is telling this story —
  i also fully agree with જગત દવે –in fact if you consider your maid servant as a family member –and give her some facilities –such a પુન્ય you will not get from any temple or trust –we go to India for 4 months but our maid servant is fixed –she is keeping our house neat and clean –when we go there is no dust and a clean house–
  simply writing a good article or comments is not enough –one should start from home and help at least those persons who makes our life enjoyable –i very much like their real smile rather than accept artificial smile from relatives who are always very critical from behind when we are away !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 16. Moxesh Shah says:

  “મા બરડે હાથ ફેરવતી પણ રાજુને લાગતું કે બાપુનો હાથ કંઈક જુદો જ હતો. એમનું હેત કંઈક અનોખું જ હતું. મા પાસેથી એવી હૂંફ તેને મળતી નહીં.”

  ‘અભાગિયા, તારી માને તારી દયાયે ન આવી.’

  સમાજ ની આ કરુણ, કડવી અને સત્ય વાસ્તવીકતા છે. મા અને પિતા ના હેત મા ભેદ રાખી હમેશા એક જ તરફી વિચારતા (બધી જ વાતે નારીવાદ નો ઝન્ડો ફરકાવતા) સૌ માટે આ સત્ય ઘટના આખ ખોલનારી બને તેવી પ્રભુ ને પ્રાર્થના.

  મૃગેશભાઇ,
  હમેશા માટે નારી ને શોશીત, પીડીત, બીચારી બતાવી લોકોની ભાવનાઓ સાથે રમત કરતી નાટ્કીય વાર્તાઓ ને બદલે આવી સત્ય ઘટનાઓ વધુ ના મૂકી શકાય?

  મોક્ષેશ શાહ.

  • Jagruti Vaghela U.S.A. says:

   મોક્ષેશભાઈ,
   તમારી વાત સાથે ૧૦૦ % સ્ંમત છુ કે
   નારીને શોશીત, પિડિત બિચારી બતાવી લોકોની ભાવનાઓ સાથે રમત કરતી નાટ્કિય વાર્તાઓ ને બદલે આવી સત્યઘટનાઓ મુકવી જોઈએ.

   • જાગૃતિ !
    તમારી વાત સાચી છે,સત્ય વાતો થી માણસના હૈયામાં સંભળાય તેવી,સમજાય તેવી એક અજાયબી ઉત્પન થાય છે, “રુદન” “આધાત” સ્તબ્ધ થઇ જવું”.

 17. Mehul Mehta says:

  વર્ષો પહેલા (કદાચ ૧૯૯૭) દરમ્યાન માનનીય હીમાંશીબેન શેલત નૂ નાનકડુ પુસ્તક “પ્લેટ્ફોર્મ નં ૪” વાંચી ને વડોદરા રેલ્વે સ્ટેશન નાં છેલ્લા પ્લેટ્ફોર્મ પર દર ગુરુ-શુક્ર એ ત્યાં જીવતા બાળકો સાથે બે કલાક સમય વીતાવવાન્ં શરુ કર્યુ હતુ.
  આ પુસ્તક માં પણ કદાચ રાજુ ઘર છોડી પ્લેટ્ફોર્મ પર સમાઈ જશે. એક મહત્વ ની વાતઃ આ અસમાનતા મીટાવવી શક્ય નથી પરતું આગળ વધતી રોકવામાં દરેક જણ ફાળો આપી શકે!

 18. શ્રીમાન ધિરજભાઇ ઠક્કર

  આ આખી વાતમા મને સમય નો વાંક લાગે છે.
  બધા પાત્રો પોતાની રીતે સાચા છે.

  ઘણી જગ્યા એ આવુ પણ બની શકે. ક્યાક આવી મા મામા અને મામી જેવા સમ્બન્ધો હોય તો ક્યાક એનથી ઉલ્ટુ પણ હોઇ શકે.

  મને લાગે છે . કે જેણે આ વચ્યો હસે એ તો આ મા મામા અને મામી જેવુ નહી કરે.

 19. Veena Dave. USA says:

  કરુણ વાત.
  ‘રેનબસેરા’ નુ સરનામુ શક્ય હોય તો અહિ આપશો.

 20. Satish says:

  લતાબેન,

  તમારા બ્લોગ નુ એડ્સ?

  આભાર

  સતિશ

 21. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  પૂજ્ય લતાબેન,

  આપે લખેલ રાજુની કથની અત્યંત કરુણ અને હ્ર્દયસ્પર્શી છે. વાંચી ને ખરેખર રુવાડા ઊભા થઈ ગયા. તો વિચાર કરો કે કથાનાયક રાજુ જેના પર આટઆટલુ વિત્યુ અને સહન કર્યુ તે બાળક ની મનોદશા કેવી હશે.

  તમે કર્મ ના સિધ્ધાંત ની જે વાત કરી તે સાચેજ વિચાર માંગી લે છે. રાજુ જે એક ફ્ક્ત નાનુ બાળક છે જે હજી પોતાનુ બાળપણ જીવી રહ્યો છે. જે મનથી ખુબ જ પવિત્ર છે. જેને કોઈ દિવસ કોઇનુ ખરાબ કર્યુ નથી અને કોઇ નુ ખરાબ વિચાર્યુ નથી તો પછી તેને કેમ આટલુ બધુ સહન કરવુ પડ્યુ. કદાચ રાજુના આ સંચિત કર્મ નુ ફળ હશે. વાર્તાના અંતે રાજુ ઘર છોડી ચાલ્યો જાય છે તો અનુમાન લગાવુ છુ કે તેને “રેનબસેરા” મા આશ્રય મળ્યો હશે અને ત્યાના અનુકુળ અને પ્રેમાળ વાતાવરણ અને મદદ થી જરુર એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતો માનવી બન્યો હશે.

  “રેનબસેરા” ની જેવીજ મુંબઈ મા એક સંસ્થા છે જેનુ નામ છે “આમચી ખોલી”. આ સંસ્થાને “સ્નેહસદન” નામની “NGO” તરફથી પણ સહયોગ મળે છે. આ સંસ્થા મુંબઈ ના છત્રપતિ શિવાજી ટર્મીનસ(CST) સ્ટેશના પ્લેટફોર્મ નં ૧૮ ની બાજુમા આવેલી છે. મે આ સંસ્થાની આજથી ૧૦ વર્ષ પહેલા એક વાર મુલાકાત લીધી હતી અને રાજુ જેવા ઘણા બાળકોને મળ્યો હતો. જ્યારે તેમને મળ્યા અને એમની જોડે વાત કરી ત્યારે ખબર પડી કે કેટલી યાતના અને દુઃખ સહન કર્યા પછી તેઓ અહીં પહોચ્યા હતા. એ આખો દિવસ મે એમની સાથે વિતાવ્યો હત્તો.

  “આમચી ખોલી” વિષે વધુ માહિતી તમે આ વેબસાઈટ પર મેળવી શકો છો.
  http://www.afea-sneha.org/snehasadanEN.html

  ખુબ ખુબ આભાર તમારો લતાબેન. બીજી વાર્તા માટે રાહ જોઇ રહ્યા છીએ.

  – ચેતન ટાટારીયા

 22. Jagruti Vaghela U.S.A. says:

  ખૂબજ કરુણ વાત . આવા નિરાધાર બાળકો માટે રેનબસેરા જેવી સંસ્થાઓને સલામ
  મ્ંદિરોમા દાન પૂન્ય કરવા કરતા આવી સંસ્થાઓને દાન આપવુ જોઈએ.

  રેનબસેરાનુ સરનાનુ આપવા વિન્ંતિ.

 23. Vaishali Maheshwari says:

  Truly heart-touching and very well-written real story. May almighty God shower his blessings upon little children like Raju.

  ‘રેનબસેરા’ in Ahmedabad by Lion’s Club is doing an excellent job by giving shelter and support to such needy children. Like some other readers, I would also appreciate if you could give ‘રેનબસેરા’ ‘s address here.

  Thank you Ms. Lata Hirani. I will also be eager to read more real-life stories from your booklet.

 24. જય પટેલ says:

  સામાજિક વિષમતાનો ભોગ બનતા રાજુની હ્રદયસ્પર્શિ સત્યઘટના પર આધારિત વાર્તા.

  રાજુની માએ નાતરૂં કર્યુ જે સમાજના નિમ્ન સ્તરમાં સામાન્ય છે તેનો ભોગ સ્વાભાવિક રીતે
  રાજુ બન્યો. ઘણી વાર બાળકોને કુદરત સાથ આપતી નથી…ગઈકાલે જ વલ્ર્ડ ન્યુઝમાં ચીલીના
  ધરતીકંપ વિષેના ન્યુઝ હતા જેમાં ત્રણ બાળકો કલ્પાંત કરતાં બતાવ્યાં…આ ત્રણેય ભુલકાંના
  માતા-પિતા ધરતીકંપનો ભોગ બની મૃત્ય પામ્યા હતાં. સૌથી નાના બાળકનું કલ્પાંત અસહનીય હતું.

  શ્રી હીરાલાલ ઠક્કર લિખીત કર્મનો સિધ્ધાંત….પુસ્તક વાંચવા વાચક મિત્રોને ભલામણ.
  દરેક આપત્તિ તક છે….પણ બહુ ઓછા લોકો આપત્તિને તકમાં ફેરવી લાભ લઈ શકે છે.

  • Gopal Shah says:

   શ્રી જય ભાઈ,
   શુ તમને ઘણી વાર એવો પ્રશ્ન નથી થતો કે કુદરત આટલુ બધુ નિર્દયિ શા માટે હોય છે કે બને છે? એક બાળક ના રૂદને તો કોઈને પણ પીગળાવી દે – તો કુદરત ને શા માટે આવુ નહી થતુ હોય? મારી તો ઈશ્વરને પ્રાથના છે કે તારે જે સજા આપવી હોય – કુઃકર્મો બદલ એ આજે ભવે આપી દે – બીજો ભવ હોય તો સારે થી શરૂ કરાવજે…. આવી આફતો માં કુદરત જો બાળક ને પણ એ ના માં-બાપ સાથે બોલાવી લે તો હા દુઃખ જરૂર થાય પરંતુ એ બાળકનુ રૂદન સાંભળી ને જે થાય તે ના કરતા તો ઓછું.

   • જય પટેલ says:

    શ્રી ગોપાલકાકા

    આપનો પ્રશ્ન મને ઝંકૃત કરી ગયો. ગઈ કાલે ચીલીના બાળકોનું રૂદન હજીયે
    મારી આંખો સમક્ષ તરવરે છે. ધણા સમયથી દૂનિયા આખીમાં ધરતીકંપનું પ્રમાણ
    અચાનક રહસ્યમય રીતે વધી ગયું છે.

    કુદરતની ગતિમાં કશુંય ઈમ-બેલેંસ નથી.
    માનવ જાત જે રીતે કુદરતના સ્ત્રોતોનું અનિયંત્રીત દોહન કરે છે તેથી પૃથ્વીના પટમાં
    હલચલ થાય છે. માનવ વસ્તિના વિસ્ફોટ સાથે કોલસો…ખનીજ…તેલ…ગેસ વગેરે પેટાળમાંથી
    ૨૪ કલાક કાઢવામાં આવે છે તેથી પેટાળમાં પોલાણ સર્જાતાં પૃથ્વીના પટની પ્લૉટોમિક પ્લેટસ
    કેવિટી પ્રમાણે એડજસ્ટ થાય છે અને તેનો ભોગ નિર્દોષ માનવીઓ બને છે.
    ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે કેલિફોર્નિયાના મોટા ભાગના કૂવા તેલથી ફરીથી
    ભર્યા બાદ ત્યાં હવે કંપન જૂજ થાય છે.

    કુદરતી સ્ત્રોતનું દહન ઓછું થાય તે વિશ્વ માટે કલ્યાણકારી છે અને તે માટે
    માનવ જાતે ગ્રીન ટેકનોલોજીના શરણે જવું પડશે.

    આપણાથી બની શકે તો જરૂરતમંદ વ્યક્તિઓને સહાય આંખો નીચી ઢાળી મદદ કરવી.

 25. આ એક રાજુ નથિ આવા હજારો રાજુઓ આપણિ આસપાસ મા છે ….તેને બદલવા માટે આપણે બદલાવુ પડ્સે આખા સમાજ ને જાગ્રુત થૈ અસમાનતા દુર કરવિ પડસે….

 26. Mital Parmar says:

  ખુબ સરસ વાર્તા

 27. Gopal Shah says:

  આવા એક રાજુ ને હું ઓળખું છું. ફર્ક માત્ર નામ નો છે…. અને આજે એ “રાજુ” અમારી સોસાયટી ની બહાર પાન નો ગલ્લો ઉભો કરી ને બેઠો છે…. મેં એને પુછ્યુ હતુ એક વાર કે તારા ગલ્લામાં તારા બાપુજી નો ફોટો છે પણ તારા માતાજી નો નથી તો કહે ગોપાલ કાકા, જ્યારે બાપુ ગયા ત્યારે હું ૬ -૭ વર્ષનો હતો – અને પછી જે મારો હાલ થયો છે એ આજે પણ વિચાર આવતા આંખો ભરાઈ આવે છે…. બધાએ મારી ને – કડવા વચનો સંભળાવી ને – ખાવા-પીવા નુ ના આપી ને – ટાઠ – તળકો કે વરસાદ માં માથે છત નહિ અને એવા માં મારી માં બિજા હારે નાસી ગઈ મને મધ રાતે માસા ને ધરે મુકી ને…. ૭ વર્ષ થી અહી કેમ નો આયો એ મારૂ મન જાણે છે કાકા… આજે બાપુ ના અને તમારા બધા ના આશિર્વાદે અહી પગ ઉપર ઉભો છુ…. એટલે રોજ સાંજે ૭ વાગે દુકાન બંધ કરી – ઘરે જાઊ અને મારા છોકરા ને મારી છાતી એ ચાંપુછુ…. મારી ઘરવાળી પણ સારી છે કાકા કે મને સાચવી ને રાખે છે…. બહુ નથિ મળતુ પણ જે આવે છે એમાંથિ ત્રણે જણ સુખે થી ખાઈ-પી ને રહિયે છે…. આજે બાપુ ને ગયે ૨૨ વર્ષ થયા પણ આજે પણ કોઈ વાર એમ થાય કે બાપુ માથે હાથ ફેરવે છે….

 28. કલ્પેશ ડી. સોની says:

  ચિરાગભાઈ,
  માણસ બીજાને ધન આપે છે એ પ્રેમની શરુઆત છે, મન આપે એટલે કે બીજાની સમસ્યા ઉકેલવામાં રસ લે એ પ્રેમની વૃદ્ધિ છે. પરંતુ માણસ બીજાને તન આપે એટલે કે મુશ્કેલી દૂર કરવા કામે લાગે એ પ્રેમની તીવ્રતા છે. મજૂર બહેન એટલે કે એક મા અને એના પુત્રનું મિલન કરાવી આપવામાં આપ તનથી જોડાયા ત્યારે આપે શું કર્યું ખબર છે? ગરીબ-ધનિક, ભણેલા-અભણ, ગામડીયા-શહેરી, સભ્ય-અસભ્ય, ઉચ્ચ-નીચ જેવા સામાજિક ભેદભાવો મીટાવી દીધા. દેવોએ આકાશમાંથી આપના પર પુષ્પવર્ષા કરી હશે. તે સમયે આપના હૃદયમાં બિરાજેલો ભગવાન અત્યંત ખુશ થયો હશે, ખરું ને! એક કપ આઈસક્રીમ ખાઈએ તો એક વાર આનંદ મળે. પરંતુ આ ઘટનાને આપ જેટલી વાર યાદ કરશો તેટલી વાર આનંદ આપશે. આપે મને જીતી લીધો.

  • Chirag says:

   શ્રી કલ્પેશ ભાઈ,

   ભગવાન ખુશ થયો હશે નહી એ હુ નથી જાણતો – મારા પર કોઈ પુષ્પ વર્ષા થઈ હશે કે નહી એ પણ નથી જાણતો અને નથી જાણવા માગતો પરંતુ હા – એ દિવસે મને ઊંધ ઘણી સારી આવી હતી – હું ભગવાન, ઈશ્વર એ બધા મા નથી માનતો – પરંતુ એ દીવસે ના જાણે કેમ એ બાળક નુ રૂદન મને ત્યાં ખેચી ગયુ અને એ પછી જે થયુ એ કેમ થયુ કે મેં શા માટે જે કાંઈ કર્યુ એ કેમ કર્યુ તે પણ મને નથી ખબર – કદાચ મારે ભગવાન ને બતાવવુ હશે કે તુ સાંભળે કે ના સાંભળે પણ મેં સાંભળ્યુ અને જોયુ અને એ પછી મે આવુ કર્યુ…. અને મને એ વાત નો ઘણો આનંદ છે કે મેં એક બાળક ને એની માં સાથે એક દીવસ પસાર કરવા દીધો….

 29. Ashish Dave, Sunnyvale, Califronia says:

  ખુબ જ સુંદર રજુઆત… આંખો ભીની થયા વગર લેખ પુરો કરવો અશક્ય હ્તો…

  Looking forward for more such stories… Education is the ONLY answer for many of such problems… Einstine once said… It is every man’s obligation to put back into the world at least the equivalent of what he takes out of it.

  Ashish Dave

 30. Sandhya Bhatt says:

  લતાબેનની સમસંવેદના અનુકરણીય છે. ‘ બધા ભારતીયો મારા ભાઈ-બહેન છે.’ એવું આપણે કહીએ છીએ ખરા, પણ આપણૅ એવું વર્તતા નથી, તેને શું કહીશું?

  • Chirag says:

   સંધ્યા બેન,

   જો બધા ભારતીયો મારા ભાઈ બહેન હોય તો – બધા લગ્ન કોની સાથે કરશે? હા…હા…હા….

   મને યાદ છે કે જ્યારે હુ નાનો હતો અને શાળા માં આ પ્રતિજ્ઞા બોલવા મા આવતી ત્યારે ગલભગ બધા છોકર ઓ ચુપ થઈ જતા – અમને અમારા સાહેબ ત્યારે ખુબ વઢતા તો અમે નક્કી કર્યુ કે હવે પછી આવુ બોલવુ – કે એક ને છોડી ને બધા મારા ભાઈ-બહેન છે…. હા…હા…હા…. જુના દીવસો યાદ આવી ગયા….

   • જય પટેલ says:

    શ્રી ચિરાગભાઈ

    ભારે કરી…..એકને છોડીને…!!!
    મઝા પડી.
    આભાર.

 31. Parimal says:

  Dear all,

  I also want to share one inccident happend with me before one year.

  One evening after my busy routine me and my friend were relaxing ourself near ring road in Rajkot. There a boy came and requested us to polish our shoes by him. We refused for that but that boy has not stopped requesting us. Then I asked him why he was so eager and found that he has not eaten a single thing since that morning. Suddenly I gave some money to my friend and informed him to buy some food for that boy and during that I asked the boy about his family and education. He gave me all details that his father was suffered with T.B. and not able to work and his mother used to do household works in nearby area. He also told me that he was willing to study but now due to such situation he was not able to study. At the time of departing with that boy I gave him some rs. from my pocket money. After the boy left I was thinking that when I go home that day will ask my father for the pocket money, as I have spent most of my pocket that time. On the return to the home suddenly my friend remember that he need money so we stopped @ nearby ATM. I entered that ATM booth first and was totally surprised………as I show a 100 rs. currency note totaly new laid on the groud floor of the ATM booth. And suddenly remeber that good thought that “Give one rs. to needy God will give u 100 times of that…..” I was so excited that tears comes into my eyes and that time my friend also comes there………….When he knew that he told me that God has given you the return of your Goodness at a moment……….I also request all the readers of Readgujarti.com to just go for such type of Devine Investment during your life. Though I have not expected any return at the time of helping that boy but God was sure about this and approached me immedietly……..

 32. dhaval mewada says:

  ખુ બ સરસ વાત .. ધવલ

 33. Sonali says:

  Part of life……Very touchy….

 34. લતાજી,
  આપના “રેનબસેરા” માં અને આપણી આજુબાજુ જીવાતા જીવન માં આવાં તો કેટલાંય રાજુઓ હશે, રસ્તે રજળતી વાર્તાઓ જેવાં,
  કોઈ માં નો લાડકવાયો રાજકુમાર કે કોઈ બાપ નો લાડકવાયો રાજકુમાર. પણ એથી આપ્‍ણને શું ?
  સ્વ. ગુરૂદત ની ફિલ્મ “પ્યાસા”નુ જાણીતું ગીત યાદ આવી ગયુ

  “યે મહેલોં યે તખ્તોં યે તાજો
  કીં દૂનીયાં, યે ઈન્સાં કે દૂશમન સમાજોકી દૂનીયાં….
  યે દોલત કે ભુખે રવાજોં કી દૂનીયાં… યે દૂનીયા અગર મીલ ભી જાયે તો ક્યા હૈ….(૧)
  હર એક જિસ્મ ઘાયલ હર એક રૂહ પ્યાસી..
  નિગાહો મે ઉલ્ઝન દિલો મે ઉદાસી
  યે દૂનિયા હૈ યા આલમે બદહવાસી …. યે દૂનીયા અગર મીલ ભી જાયે તો ક્યા હૈ…(૨)
  યહાં એક ખિલૌના હૈ ઈન્સાં કી હસ્તી
  યે બસ્તી હૈ મુર્દા પરસ્તો કી બસ્તી
  યહાં પરતો જીવનસે હૈ મૌત સસ્તી ….યે દૂનીયા અગર મીલ ભી જાયે તો ક્યા હૈ…(૩)”

  વાર્તા વાંચી ને અસ્વસ્થ જવાયુ.

 35. Lata Hirani says:

  સૌ પ્રથમ તો સહુ વાચકોને મારી સંવેદનામાં સહભાગી બનવા બદલ સલામ.

  એ વાતનો ખૂબ આનંદ અને ગૌરવ છે કે આ વાર્તા (સત્ય ઘટના) કેટલા બધા લોકોના હૃદય સુધી પહોંચી.

  આ માટે તો રીડગુજરાતી અને મૃગેશભાઇનો આભાર માનવો જ રહ્યૉ. કેટલો વિશાળ એમનો વાચકવર્ગ છે !! આટલી બધી કોમેન્ટ્સ !!

  વાચકોને ખાસ જણાવવાનું કે માત્ર લખવાનું જ નહિ પણ આવા બાળકો સાથે, એમના સારા ભવિષ્ય માટૅ પૂરા ત્રણ વર્ષ કામ કામ કર્યુ છે.

  સંસ્થાનું સરનામું ઘણાએ માંગ્યુ છે પણ અફસોસ.. સંસ્થા આ બાળકોની જેમ હવે ખોવાઇ ગઇ…

 36. Rajesh Joshi says:

  ‘I am speechless’ after reading this true story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.