એક નહીં, અનેક બારી જોઈએ – વિનોબા ભાવે

[ આજથી શરૂ થતી ધોરણ-10 (SSC) અને ધોરણ-12(HSC)ની પરીક્ષાના સૌ વિદ્યાર્થીમિત્રોને શુભકામનાઓ. પ્રસ્તુત છે ભાષા-શિક્ષણના માધ્યમ પર વિનોબાજીના વિચારો રજૂ કરતા પુસ્તક ‘શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’માંથી એક લેખ સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

ઘણા લોકોને એમ લાગે છે કે અંગ્રેજી વગર શિક્ષણ અધૂરું રહી જશે, કારણ કે દુનિયાને માટે તે એક ‘વિન્ડો’ – બારી છે. આ વાતમાં કાંઈક તથ્ય છે, તેની ના નહીં. પરંતુ મારું કહેવું એમ છે કે તે ‘એક’ બારી છે. બુદ્ધિશાળી લોકો પોતાના ઘરમાં માત્ર એક બારી નથી રાખતા, ચારે દિશામાં અલગ અલગ બારી રાખે છે. ત્યારે ચારેય બાજુનું દર્શન થાય છે. એક જ બારી હંમેશા એક જ બાજુનું દર્શન કરાવશે. અને તે એકાંગી દર્શન હશે. એવી રીતે તમે જો માત્ર અંગ્રેજીની એક જ બારી રાખશો, તો સર્વાંગી દર્શન નહીં થાય, એક જ અંગનું દર્શન થશે. માત્ર અંગ્રેજી ભાષા દ્વારા જ આપણે દુનિયાને જોઈશું, તો આપણને તદ્દન એકાંગી દર્શન થશે. તે સમ્યક ને સાચું દર્શન નહીં હોય, ખોટું ને અધૂરું દર્શન હશે. આપણે અંગ્રેજી ભાષાને આધીન થઈ જઈશું અને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનો આપણને મોકો નહીં મળે.

તેથી હું તો એમ કહીશ કે આપણે ઓછામાં ઓછી આઠ બારી રાખવી પડશે. માત્ર અંગ્રેજી જ નહીં, દુનિયાની ઓછામાં ઓછી આઠ ભાષા આપણે શીખવી પડશે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ યુરોપની, ચીની અને જાપાની એ બે દૂર પૂર્વની, અને એક અરબી ઈરાનથી સીરિયા સુધીના વિસ્તાર માટે. ત્યારે દુનિયાનું સમ્યક દર્શન થશે. એ વાત સાચી છે કે આપણે ત્યાં અંગ્રેજીના શિક્ષણની સગવડ ઘણી સારી છે, એટલે અંગ્રેજી શીખનારા વધારે નીકળશે, બીજી ભાષાના ઓછા નીકળશે. પરંતુ આ આઠ ભાષાના ઉત્તમ જાણકાર આપણે ત્યાં હોવા જોઈએ. તો જ ઠીક ચાલશે. નહીં તો જાણ્યે-અજાણ્યે આપણે ઈંગ્લેન્ડ-અમેરિકા તરફ ઢળી જઈશું. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, તોયે આપણું ચિંતન એકાંગી બનશે.

એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે કે આપણે જો હંમેશાં અંગ્રેજી ભાષા જ વાંચતાં રહીએ, તો તેમની માહિતી, ખબરો વગેરે આપણા ઉપર આક્રમણ કરતી રહેશે અને રશિયામાં, જર્મનીમાં, જાપાનમાં શું ચાલી રહ્યું છે, તેની આપણને ઝાઝી ખબર જ નહીં પડે, અને પડશે તોયે અંગ્રેજી ભાષા દ્વારા જ પડશે, એટલે તે ‘વન-સાઈડેડ’ અથવા ‘પ્રીજ્યુડાઈસ્ડ’ હશે. અમે જેલમાં હતા ત્યારે ઘણા લોકો એક પુસ્તક વાચતાં. તેનું નામ હતું ‘ઈનસાઈડ એશિયા’. તેમાં આખાયે એશિયાની માહિતી આપી હતી. ઈંગ્લેન્ડ-અમેરિકાના લોકોની એક આદત છે. પંદર-વીસ દિવસમાં જુદા જુદા દેશોમાં ઘૂમી વળવું અને તેના વિશે પુસ્તક લખી નાખવું. એવી રીતે આ પુસ્તક પણ પ્રકાશિત થયેલું. એ ઘણું વખણાયું હતું. જેલમાં ઘણા લોકો તે વાંચતા. તે વાંચીને જેલના મારા સાથીઓ કહેવા લાગ્યા કે ઘણું સુંદર પુસ્તક છે, પણ હિંદુસ્તાન વિશે તેમાં જે લખ્યું છે, તે ખોટું છે. મેં કહ્યું, ભાઈ ! બીજા લોકો પણ આ જ કહેશે. ચીનવાળા કહેશે કે બાકી બધું બરાબર છે, પણ ચીન વિશે જે લખ્યું છે, તે ખોટું છે. અને એવું જ જાપાની પણ કહેશે. તમને હિંદુસ્તાની પરિસ્થિતિનો ખ્યાલ છે, તેથી તમને ખબર પડી કે હિંદુસ્તાનની જાણકારી એ પુસ્તકમાં બરાબર નથી. ચીન, જાપાન, હિંદી-ચીન વગેરે વિશે તમે જાણતા નથી, તેથી તેમના વિશે જે લખ્યું છે તેને તમે બરાબર માની લો છો.

આને સંસ્કૃતમાં કાલિદાસે ‘પરપ્રત્યયનેય બુદ્ધિ’ કહી છે. જે બીજાની બુદ્ધિથી વિચારે છે, પોતાનું દિમાગ ચલાવતો નથી. તેની પ્રતીતિ ઉધાર છે, આત્મપ્રતીતિ નથી. અંગ્રેજ લોકો ચીન, રશિયા, જાપાન, બધાયના વિશે લખશે. દરેક વિષયમાં તેઓ લખે છે, અને આપણે વાંચતા રહીએ છીએ અને માનીએ છીએ કે તે બધું બરાબર છે. પણ આમાં આપણે ધોખામાં રહીએ છીએ. અંગ્રેજી મારફત ચીનનું, જાપાનનું, રશિયાનું જ્ઞાન મેળવીશું, તો આપણી આંખ ઉપર એક પરદો રહેશે, જેને લીધે આપણે બરાબર જોઈ નહીં શકીએ. વળી, અંગ્રેજી મારફત ચીનનું જ્ઞાન મેળવીએ છીએ, તો તેમાં આપણે ચીનને પણ ભારે અન્યાય કરીએ છીએ. તેને આપણે અંગ્રેજોની નજરે જ જોઈએ છીએ, આપણી પોતાની નજરે નહીં.

તેથી આવડા મોટા ભારત દેશ માટે એક જ બારી રાખવામાં હું જોખમ જોઉં છું. એ ખોટું છે. એક બારીથી કામ નહીં ચાલે, અનેક બારી જોઈશે. અને અંગ્રેજોએ સર્વે કર્યો તેવો સ્વયં પુરુષાર્થ આપણે પણ કરવો પડશે. આપણે દુનિયા ખૂંદવી પડશે. સગી આંખે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. અંગ્રેજોએ પુરુષાર્થ કરીને જે જ્ઞાન-સંચય કર્યો છે, તેનો તે જ્ઞાન-સંચય નહીં ચાલે. અંગ્રેજોએ જેમ જ્ઞાન આપ્યું છે, તેમ કેટલુંક અજ્ઞાન પણ આપ્યું છે, અને કેટલુંક વિપરીત જ્ઞાન પણ આપ્યું છે. તે આપણ કામનું નથી. આપણે જાતે પુરુષાર્થ કરીને સાચું જ્ઞાન મેળવવું પડશે. અને તે માટે માત્ર અંગ્રેજીની એક જ બારી નહીં ચાલે. દુનિયાનું સમ્યક દર્શન કરવા બીજી બારીઓ પણ આપણને જોઈશે. અંગ્રેજીની બારી અનેક બારીઓમાંની એક બારી બને, તે ચાલે; પરંતુ તે જ આખી દુનિયાને જોવા-અનુભવવા માટે એકમાત્ર બારી હોય, તે ન ચાલે. જ્યાં જ્યાંથી જ્ઞાન મળતું હોય, તે આપણે લેવું જોઈએ. અંગ્રેજી મારફત પણ જ્ઞાન મળતું હશે, તે આપણે જરૂર લઈશું, પરંતુ તે દ્વારા આપણી આંખ ઉપર કોઈ પરદો નહીં આવવા દઈએ.

બીજી વિચારવાની વાત એ છે કે લોકના મનમાં એવો ખોટો ખ્યાલ છે કે અંગ્રેજી આવડ્યું એટલે દુનિયાભરમાં સહેલાઈથી ફરી શકાશે. અંગ્રેજી દુનિયા આખીની ભાષા છે, એ નર્યો ભ્રમ છે. એ સાવ ભૂલભરેલી માન્યતા છે. દુનિયા અંગ્રેજી કરતાં ઘણી મોટી છે. દુનિયામાં ઘણા પ્રદેશો છે, જ્યાં અંગ્રેજીના આધારે કામ નહીં ચાલે. આપણા સતીશકુમાર અને મેનન દુનિયા આખીની પગપાળા યાત્રા કરી આવ્યા. એમને કેટલાયે દેશો અને પ્રદેશો એવા મળ્યા, જ્યાં કોઈ અંગ્રેજી જાણતું નહોતું. ત્યાં એમને દુભાષિયો રાખવો પડ્યો. એના આધારે જેમતેમ કામ ચાલ્યું. મતલબ કે અંગ્રેજી આવડ્યું તો દુનિયાભરમાં જઈ શકીએ છીએ, એવું નથી. માત્ર અંગ્રેજી મારફત આખી દુનિયા સાથે સંપર્ક રાખી શકાશે, એવું માનવું બિલકુલ મૃગજળ સમાન છે. ચીનમાં જઈ અંગ્રેજી બોલી જુઓ કે કેવો તમાશો થાય છે ! રશિયામાં અંગ્રેજી બોલીને તમાશો જુઓ ! હા, તમે જો મોટાં-મોટાં શહેરોમાં જઈને ત્યાં મોટી મોટી હોટલોમાં રહીને પાછા આવશો, તો કદાચ તમને ત્યાં અંગ્રેજી જાણનારા-બોલનારા મળી આવશે. પરંતુ રશિયામાં જઈને તમારે ત્યાંના સમાજનું જ્ઞાન મેળવવું હોય, ત્યાંના સમાજ સાથે પ્રેમ-સંબંધ કેળવવો હોય, તો તેમાં અંગ્રેજી તમને કશા ખપમાં નહીં આવે.

ચીન અને હિંદુસ્તાન મળીને અડધી દુનિયા થઈ જાય છે. ચીન સાથે આપણે અંગ્રેજી દ્વારા સંબંધ નહીં રાખી શકીએ. આપણે ચીની ભાષા શીખવી પડશે અને તે લોકોએ હિંદી શીખવી પડશે. ત્યારે આપણા વચ્ચે સંબંધ કેળવાશે. આપણે રશિયા સાથે પત્ર-વ્યવહાર કરવાનો થશે, તો શું અંગ્રેજીમાં કરીશું ? ચાઉ-એન-લાઈ અહીં આવ્યા હતા. તેઓ એક શબ્દ પણ અંગ્રેજીમાં ન બોલ્યા. બધું ચીની ભાષામાં જ બોલ્યા. ત્યાં સુધી કે એમણે હિંદુસ્તાનને જે સંદેશ આપ્યો, તે પણ ચીનીમાં જ આપ્યો. રશિયાના બુલ્ગાનિને પણ અહીં અંગ્રેજીમાં વ્યાખ્યાન નહોતું આપ્યું. એટલા વાસ્તે સમજવું જોઈએ કે અંગ્રેજીનું સ્થાન ભલે દુનિયામાં મોટું હોય, પરંતુ દુનિયા અંગ્રેજી કરતાંયે ઘણી મોટી છે. હજી એક વાત છે સમજવાની. ઘણા માને છે કે અંગ્રેજી આવડ્યું એટલે વિજ્ઞાન આવડી જશે. આ ખ્યાલ પણ ખોટો છે. કેટલુંક વિજ્ઞાન એવું છે, જેને માટે જર્મન શીખવું પડશે. એ વિજ્ઞાનનો વિકાસ જર્મન ભાષામાં થયો છે, અંગ્રેજીમાં નહીં. કેટલુંક વિજ્ઞાન એવું છે, જેનો વિકાસ રશિયન ભાષામાં કે જાપાની ભાષામાં થયો છે, અંગ્રેજીમાં નહીં, તેથી અંગ્રેજી એટલે વિજ્ઞાન એવું સમીકરણ ન બનાવી શકાય. જુદા જુદા વિજ્ઞાન માટે જુદી જુદી ભાષા શીખવી પડશે.

બધું જ જ્ઞાન કાંઈ અંગ્રેજીમાં થોડું પડ્યું છે ? આપણે તો જ્યાં-જ્યાં જ્ઞાન હોય, ત્યાં-ત્યાંથી તે મેળવવું જ રહ્યું. અને તેને માટે જે ભાષામાં તે જ્ઞાન હોય, તે ભાષા પણ આપણે શીખવી જોઈએ. અને દુનિયામાં બધા એવું જ કરતા હોય છે. બહારના લોકો ભારે પરિશ્રમ કરીને અનેક ભાષાઓ શીખે છે. આજે પણ કેવળ જ્ઞાનને માટે સંસ્કૃત જેવી અઘરી ભાષાનું અધ્યયન ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, જર્મની વગેરે અનેક દેશોમાં ચાલી રહ્યું છે. આ બહુ મોટી વાત છે. સંસ્કૃત જેવી અઘરી ભાષાનું અધ્યયન કરવું કાંઈ સહેલું છે ? છતાં કેટલી મહેનત કરીને તેઓ તેનુંયે અધ્યયન કરે છે ! કેમ કે સંસ્કૃત ભાષામાં જે જ્ઞાન છે, તે એમને મેળવવું છે. સંસ્કૃત અતિ પ્રાચીન ભાષા છે. તેમાં પુષ્કળ સાહિત્ય છે, ખાસ કરીને આધ્યાત્મિક સાહિત્ય. તેથી તેનું અધ્યયન જુદા જુદા દેશોમાં થઈ રહ્યું છે અને મને ખાતરી છે કે તે હજીયે વધતું રહેવાનું છે. મને એવી શ્રદ્ધા છે કે ભવિષ્યમાં લોકો એ જ ભાષા વધુ શીખશે, જે ભાષા દુનિયામાં પ્રેમ અને શાંતિની સ્થાપના કરી શકશે. જે ભાષા મારફત શાંતિ અને પ્રેમનો પ્રચાર-પ્રસાર થશે, એ જ ભાષા દુનિયાના લોકો શીખશે.

ટૂંકમાં, આપણે અંગ્રેજીના ઉચિત સ્થાન વિશે સ્વસ્થતાથી વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. વિદેશની ભાષાઓમાં અંગ્રેજી સાથે આપણો વધારે સંપર્ક રહ્યો છે, તેથી આપણે ત્યાં વધારે લોકો અંગ્રેજી જ શીખશે. પરંતુ તેની સાથે સાથે જરૂરિયાત મુજબ દુનિયાની બીજી ભાષાઓ પણ આપણે શીખવી પડશે. દુનિયાના સમ્યક દર્શન માટે અને વિવિધ જ્ઞાન મેળવવા માટે અંગ્રેજી ઉપરાંત બીજી વિદેશી ભાષાઓ પણ આપણે શીખવી પડશે. માત્ર અંગ્રેજીને જ વળગી રહ્યે નહીં ચાલે. અંગ્રેજીની એક બારી ખરી, પણ આપણા ઘરમાં એક નહીં, અનેક બારી જોઈએ.

[કુલ પાન : 40. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજમાતાની વાડીમાં, હુજરાત પાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રાજુ – લતા હિરાણી
બાલને કરીએ વહાલ – રતિલાલ બોરીસાગર Next »   

24 પ્રતિભાવો : એક નહીં, અનેક બારી જોઈએ – વિનોબા ભાવે

 1. nayan panchal says:

  આપણી સંસ્કૃતિ કહે છે એમ અમને દસે દિશાઓમાંથી જ્ઞાન પ્રાપ્ત થાઓ. આજે અંગ્રેજી સિવાય જાપાનીઝ, જર્મન અને ચાઈનીઝ ભાષાની સારી બોલબાલા છે.

  આભાર,
  નયન

  જો કે મને એક અશક્ય એવો વિચાર આવે છે કે જો આખી દુનિયામાં એક જ ભાષા હોય તો?

  • કુણાલ says:

   હા, અને એક સમયે જ્યારે ભારતમાં ઉદારીકરણ નહોતું થયું અથવા એની શરૂઆત થયેલી ત્યારે કોરિયન ભાષા જાણનારાઓને પણ ઘણો ફાયદો થતો હતો…

   પણ તમારો બીજો વિચાર વૈશ્વિક એકતાને ધ્યાનમાં રાખીને જોઈએ તો કંઈક અંશે બરાબર લાગી શકે…

   પણ તે છતાં વૈવિધ્યમાં જે ગુણ છે તે નરા એકાકીપણાંમાં ન હોઈ શકે … અને એટલે જ ઈશ્વરે આટઆટલાં વિવિધ જીવ બનાવ્યાં અને અન્ય પણ અનેક પ્રકારે વૈવિધ્ય ફેલાવ્યું છે… 🙂

  • જગત દવે says:

   નયનભાઈઃ

   આખી દુનિયામાં એક જ ભાષાના અનેક પ્રયત્નો થયા છે અને ચાલુ જ છે. તેને World Auxiliary Language(WAL) થી ઓળખાય છે.

   બાકી ‘ગુગલદેવ’ નાં શરણે જશો તો વધારે જાણકારી મળશે.

 2. કુણાલ says:

  ખુબ જ ઉત્તમ લેખ અને ખુબ્બ જ અર્થપૂર્ણ વાત … કંઈ કેટલાયે વર્ષોથી આપણે માત્ર અંગ્રેજીને જ આટલું મહત્વ આપતાં આવ્યા છીએ …

  ત્યાં સુધી કે આપણે ત્યાંથી કોઈ એવાં દેશોમાં જાય કે જ્યાંની પ્રથમ ભાષા (માતૃભાષા) અંગ્રેજી નથી તો લોકોની વાતો આવી હોય્,

  ” અરે સાંભળ્યું, પેલા ભાઈ તો ફલાણી જગ્યા એ જઈ રહ્યાં છે.”
  ” લે, ત્યાં શું દાટ્યું છે, અમેરિકા કે ઈંગ્લેન્ડ જાય તો કંઈ કામનું.”

  આટલી હદે જ્યારે અન્ય પ્રદેશ અને પ્રજાને અને આડકતરી રીતે સંસ્કૃતિની અવગણના થતી હોય તો પૂછવું જ શું… !!

  અને આ વાતની સાથે એક બીજી વાત પણ યાદ આવી અને તે એ કે અન્ય પ્રદેશ તો શું આપણે તો આપણાં દેશમાંની જ અન્ય પ્રદેશની સંસ્કૃતિની અવહેલના કરતાં હોઈએ છીએ… સાઉથ-ઈન્ડિયન્સ તો આવાં અને પંજાબીઓ તો આવાં અને પૂર્વોત્તર રાજ્યોનું તો અસ્તિત્વ પણ છે ક નહિ તે ઘણાં લોકોને માટે નવાઈનો પ્રશ્ન છે… !

  પણ મેં મારા જાત- અનુભવે જોયું છે કે જે પ્રદેશમાં હોઈએ ત્યાંની સંસ્કૃતિને માણવી હોય અને ત્યાંના લોકોને પ્રિય થઈને રહેવું હોય તો ત્યાંની ભાષાને જાણવી ખુબ જ સહેલો અને ઉત્તમ રસ્તો છે… હું પોત ૫ ભાષાઓ જાણું છું અને અત્યારે છઠ્ઠી શીખી રહ્યો છું.. હૈદરાબાદમાં ૨ વર્ષોથી રહું છું તો તેલુગુ પર હાથ અજમાવી રહ્યો છું…

  અને હું પણ નવી નવી ભાષાઓ શીખવાની તરફેણ કરતો આવ્યો છું .. હા, કોઈ એમ કહી શકે કે આ તો પોતપોતાના રસની વાત છે પણ જે લોકો તસ્દી લઈને વ્યાવસાયિક પાસાને મજબૂત બનાવવા માટે અંગ્રેજી સાથે ઘરોબો કેળવતાં હોય તો અન્ય ભાષાઓ પણ જો શીખવામાં આવે તો અંતે તો લાભ જ થાય છે… કહેવત છે ને કે, શીખેલું ક્યારેય એળે નથી જતું … !

 3. Jyotindra Khandwalla says:

  વિનોબાજીનું ચિંતન અને મનન કાલબાહ્ય રહ્યું છે. પ્રસ્તુત અંગ્રેજી ઉપરનો તેમનો અભિપ્રાય કઈ સાલમાં લખાયો છે તે લેખથી જાણવા મળતું નથી. પરંતુ વર્તમાન સમયમાં અંગ્રેજી શિક્ષણ માટેના ગાડરિયા પ્રવાહને આપણા શિક્ષણવિદો અને વિદ્વાનો અટકાવી શકયા નથી તે વાસ્તવિકતાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આજે ઈન્ટરનેટ ના વ્યાપના કારણે પણ અંગ્રેજી ભાષાનું શિક્ષણ અનિવાર્ય બન્યું છે.

 4. જગત દવે says:

  ખુબ જ મૌલિક વિચાર.

  આજે આપણે બધું જ અમેરીકન નજરથી જોતાં થઈ ગયા છીએ. ટી. વી. ચેનલોનાં મોટાભાગનાં શો અમેરીકન શો ની સીધી ઊઠાંતરી જેવા જ હોય છે. બાળકોની ચેનલો પર આવતી સિરીયલો પણ આશ્ચર્ય-જનક શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દેખાડી રહી છે. ન્યુઝ ચેનલો, અખબારો એ પણ અમેરીકન આંચળો જ ઓઢી લીધો છે.

  કરણ-જોહરો અને યશ-રાજો પણ આજકાલ બધાં ભારતીયો ને અમેરીકન કે બ્રિટીશ NRI માની ને movies બનાવતા થઈ ગયા છે. ભારતીય પરિપેક્ષ્ય ને લઈ ને વિદેશીઓ ‘સ્લમ-ડોગ’ જેવી movie બનાવે છે અને તેને ઓસ્કાર તો જાણે ભારતની મજાક હોય તેવું લાગે છે. અન્ય દિગ્દર્શકો ગાળા-ગાળી કરતાં ગામડાનાં પાત્રો લઈ ને વાસ્તવિકતા દેખાડતા હોવાનો દાવો કરે છે.

  ઉદારીકરણનાં સમયમાં હું પણ આ ‘ઉદારીકરણ’ ઉદારપણે જોઈ રહ્યો છુ એ આશા સાથે કે ક્યારેક આમ જ ભારતીયકરણ પણ દેખાશે. 🙂

  • કુણાલ says:

   ટીવી અને મિડિયાનું અમેરિકીકરણ એ સાચે જ ગંભીર બાબત બની રહી છે…

   અને ખાસ તો જે વિદ્યાર્થીઓ છે, એમના માટે આ બાબત અને આ લેખમાં જણાવેલ બાબત બંને સમજવી અને એને જીવનમાં ઉતારવી ખુબ જ જરૂરી છે… માત્ર એક બારીની જગ્યાએ અનેક બારી બનાવવી અને એને ઉઘાડી રાખવાનું બીડું ઝડપવાની તાતી જરૂરીયાત હવે વર્તાઈ રહી છે કારણ કે, આવનારા વર્ષોમાં ચીન અને ભારતે સાથે મળીને જ વૈશ્વિક અર્થતંત્રને બળ આપવાનું છે અને એને માટેના પગલાં કહી શકીએ એટલી હદે ભારતીયોએ ચીનમાં જઈને પોતપોતાના ધંધા-વ્યવસાયના કેન્દ્રો શરુ કરી દીધાં છે.

   અહિં વાત અંગ્રેજીને ઓછું આંકવાની નથી પણ અન્ય ભાષાઓને અપનાવીને પોતાનાં જ અસ્ત્ર-શસ્ત્રને ચમકાવવાની વાત છે…

 5. Hemal Kiri says:

  “માત્ર અંગ્રેજીને જ વળગી રહ્યે નહીં ચાલે.” વાત તો સાચી છે.પણ અંગ્રેજી ભાષા એટલે આંતરરાષટ્રીય ભાષા એ પણ નકારી શકાય નહિ.પણ સાથે સાથે એ વાત પણ એટલી જ સચોટ છે લેખકની કે તમે જો માત્ર અંગ્રેજીની એક જ બારી રાખશો, તો સર્વાંગી દર્શન નહીં થાય, એક જ અંગનું દર્શન થશે.

  આ ખરેખર વિચારવા જેવો મુદદો છે!!!!!!!!!!!!!!

 6. Sunita Thakar (UK) says:

  ખુબજ સરસ અને સાચુ. મે આજે નેશનલ લાઈબ્રરી ઓફ ઇન્ડીઆ ની ઓફિસિયલ વેબ સાઇટ ની મુલાકાત લીધી જે પેહલા english મા છે અને ફોન્ટ download કર્યા પછી હિન્દી મા આવે છે. Cant our national library deparment manage the site for hindi without downloading the fonts for hindi? જરુરી નથી કે દરેક પર્સન માટે આ પ્રક્રીયા easy હોય. મૃગેશભાઈ નો ખુબ ખુબ આભાર કે તેમણે આ site ને userfriendly બનાવી છે જે ખરા અર્થ મા ગુજરાતી site છે.

 7. Chirag says:

  શ્રી અમીતાભ બચ્ચન ની નમખ-હલાલ નો એક ડાયલોગ યાદ આવી ગયો…
  I can talk English, I can walk English and I can laugh English because English is very funny language….

 8. dipti says:

  ગુજરાતીના સાપેક્ષમાં અંગ્રેજી વિષે ઘણું લખાય છે પણ વિનોબાજીએ વરસો પહેલાં કેટલી વાસ્તવિક અને વૈશ્વિકકક્ષાની વાત કહી છે.?
  અહીં યુ.એસ.માં અમે ત્રણ ભાષા બોલી શકીએ છીએ તે જાણી બધાંને નવાઈ લાગે છે.

 9. dipti says:

  I have read one novel from my daughter’s school library named ANAHITA WHICH IS WRITTEN BY AMERICAN AUTHOR BUT STORY TAKES PLACE IN IRAN. in which father-daughter are asking riddles to each other every time while working.once father asked” what is the strongest bond to keep our culture live?” and the answer was
  LANGUAGE.

 10. અદભુત, વાચવાની બહુ મજા આવી….

 11. Chetan Tataria(ચેતન ટાટારીયા) says:

  ખુબજ સરસ લેખ. ઘણુ બધુ ચિંતન અને મનન માંગી લે તેવો લેખ.

  મારો જાત અનુભવ કહુ તો જ્યારે પ્રથમ વખત હુ જ્યારે જર્મની ગયો તો અનુભવ્યુ કે જે દેશમા હોઈએ એની પ્રાદેશિક ભાષા ન જાણતા હોઇ એ તો કેટલી મુશ્કેલી પડે છે. મને જે સરનામુ આપ્યુ હતુ ત્યા હુ લગભગ સાંજે ૫ વાગે પહોચ્યો. ડીસેમ્બર મહિનો હતો એટલે અંધારુ જલ્દી થઈ ગયુ હતુ, એરપોર્ટ થી ટેક્ષી લીધી અને સરનામુ બતાવ્યુ. ટેક્ષી વાળાએ મને ભુલથી બીજા મકાન આગળ ઉતાર્યો. મારી પાસે જે ચાવી હતી તેનાથી એપાર્ટમેન્ટ નો દરવાજો ખુલતો નહતો. થોડી વાર રાહ જોયા પછી એક યુવાન આવ્યો જે અંદર જઈ રહ્યો હતો. તેને અંગ્રેજી મા પુછયુ તો એણે “sorry” કહ્યુ અને જવાબ જર્મન મા આપ્યો જે મને સમજાયુ નહી. રવિવાર હોવાથી બધીજ દુકાન બંધ હતી અને રસ્તા પર કોઇ ચકલુય જોવા મળે નહી. તાપમાન લગભગ ૦’ સે. થી પણ નીચે હતુ. જો હવે કોઈ મદદ માટે ના મળ્યુતો રાત બહાર રસ્તા પર વિતાવવી પડશે એ વિચારથી શરીરમાં કંપારી છુટી ગઈ. સદભાગ્યે એક જર્મન સ્ત્રી તેના બાળક સાથે ત્યાંથી પસાર થઈ. તે અંગ્રેજી જાણતી હતી. તેને મને મદદ કરી અને કહ્યુ તમે જે મકાન જોઇ રહ્યા છો તે આ બે-ત્રણ મકાન માંથી એક હોવુ જોઇએ. એક મકાનના નામની તક્તિમા એક ભારતીયનુ નામ વાચ્યુ ત્યારે જીવમા જીવ આવ્યો. ડોર બેલ દબાવતા તેઓ નીચે આવ્યા અને મને મારા એપાર્ટમેન્ટ પાસે લઈ ગયા. તે દિવસે લાગ્યુકે જે દેશમા જાઓ ત્યાની સ્થાનિક ભાષા જરુર શિખી લેવી જોઇએ.

  • કલ્પેશ says:

   સરસ વાત.
   હું પણ થોડા સમય માટે ઇઝરાયલ ગયો હતો અને બેસિક હિબ્રુ ફ્રેઝબુક લઇ ગયો હતો.

   લોકોને “શલોમ” (સલામ), બોકેર તોવ (ગુડ મોર્નિંગ), તોદા (થેંક્યુ) અને રોજિંદા વપરાતા વાક્યોમા વાત કરવાનો પ્રયાસ કરતો.
   લોકો ખુશ થઇને એટલુ બધુ બોલતા ત્યારે હુ હિબ્રુમા કહેતો – મને થોડુ જ આવડે છે.

   એક ટેક્સી ડ્રાઇવર મળ્યો જેણે મને – “મેરે મનકી ગંગા ઔર તેરે મનકી જમનાકા બોલ રાધા બોલ” જેમ આવડે એમ સંભળાવ્યુ.
   એક અરબ માણસ મળ્યો જેણે અમિતાભની ફિલ્મનુ એક ગીત ગાયુ જેમા બેક્ગ્રાઉન્ડ અરબી પ્રકારનુ સંગીત છે એક વિડિયો લાઇબ્રેરીમા જુના સમયની અમિતાભ, રાજ કપુર્, દેવાનંદની કેસેટો રાખેલી જોઇ.

   બીચ પર રખડતા થોડા યહુદી લોકો મને પૂછ્તા “કૈસે હો ભાઇસાહબ”, “નમસ્તે” વગેરે.
   કારણ ઘણા બધા લોકો ભારત આવે છે, ઘણા ૬-૭ મહિના રહે છે, કેરળ/રાજસ્થાન/મુંબઇ/ગોવા બધે રહે છે અને થોડુ ઘણુ વાતચીત કરતા શિખી જાય છે.

   મને લાગે છે કે ભાષા/ખોરાક/સંગીત લોકોને એકબીજાની નજીક લાવે છે (જો પુર્વગ્રહ મનમાથી કાઢી નાખીએ તો).

   એક વિચિત્ર વાતઃ ફ્રેન્ચ/અંગ્રેજ/જર્મન વગેરે લોકો આપણા વેદ/ઉપનિષદ વગેરેનો અનુવાદ કરે અને એમાથી શિખવાનો પ્રયાસ કરે . અને આપણે?

   • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

    સરસ અનુભવ. મે પણ પછી થોડા રોજિંદા વપરાતા શબ્દો શિખ્યા. જેમ કે
    “ગુડ ડે” –> “ગુટન ટેગ” -> “guten Tag”
    “ગુડ મોર્નીંગ” –> “ગુટન મોર્ગન -> “guten Morgen”
    “થેંક યુ” -> “ડાંક્” –> “danke”
    “સ્ટ્રીટ” –> “સ્ટ્રાસે” –> “Straße”
    “સનડે” –> “સોનટાગ” –> “Sonntag”
    “મન્ડે” –> “મોનટાગ” –> “Montag”
    “બાય” –> “ચ્યુસ્સ” –> “Tschüss”

    • Hasmukh Patel says:

     Hello Chetan Tataria,

     Nice to know that u have some connection with Germany. I am in Munich. My name is Hasmukh Patel. Let me know where u r.

     Thanks,
     Hasmukh

     • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

      શ્રી હસમુખ ભાઈ,

      સંપર્ક માટે આભાર. જાણીને આનંદ થયો તે તમે મ્યુનિચ મા છો. હું હાલમા જર્મની નથી. આજથી ૫ વર્ષ પહેલા ૩ મહિના માટે ફ્રેંકફર્ટ આવ્યો હતો કંપનીના કામાર્થે.

      ફરી આવીશ તો જરુરથી તમને સંપર્ક કરીશ.

      આવજો.
      આભાર.

 12. જય પટેલ says:

  અંગ્રેજોએ જેમ જ્ઞાન આપ્યું છે તેમ અજ્ઞાન પણ આપ્યું છે.

  શ્રી વિનોબાજી ક્યા અજ્ઞાનનો દિશા નિર્દેશ કરી રહ્યા છે તે ખબર નહિ.
  સમગ્ર વિશ્વનું ડિ-કોલોનાઈઝેન થયા બાદ જોઈએ છીએ કે આઝાદી વેળાએ આપણી લિડરશીપ
  ભારત જેવા વિવિધતા અને અનેક સંસ્કૃતિવાળા દેશનું સુચારૂ સંચાલન કરવા સક્ષમ હતી ?
  અંગેજોએ જે કંઈ વારસામાં આપ્યું તે સીધેસીધું સહજ સ્વીકારી લીધું તેનું ભારતીયકરણ કરવાનો
  પ્રયાસ કે વિચારસુધ્ધાં ક્યારેય કર્યો નહિ.

  આપણા ગુજરાતની સ્વર્ણિમ જયંતિની ઉજવણી જોરશોરથી કરવાની તૈયારીઓ થઈ રહી છે પણ
  આપણા ગુજરાતમાં જ અનેક કાયદાઓ આજે પણ મુંબઈ એક્ટથી ચાલે છે..!!

  અંગેજી સિવાયની બીજી વિદેશી ભાષાઓનાં પ્રયોગો ભારત જેવા બહુભાષીય દેશના હિતમાં નથી.
  અમેરિકા વિશ્વ આખા સાથે વેપાર-વાણિજ્ય કરે છે પણ અમેરિકનો ભાગ્યેજ વિદેશી ભાષા શીખે છે.
  જાપાન…જર્મની…ચીનનો વિદેશી વ્યાપાર જાણિતો છે. આ બધા દેશોનું અંગ્રેજી જ્ઞાન મર્યાદિત છે.

  ભારતે વારસાગત અંગ્રેજી રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યુ કારણ કે આપણો દેશ બહુભાષીય છે.

 13. Dr.Ekta.U.S.A. says:

  ખુબજ સરસ લેખ્.
  મારિ ફ્ક્ત એક જ વિનંતિ છે,કે આ લેખ જો દરેક ગુજરાતિ મા-બાપ વાંચિ શકે અને સમજિ શકે તો ગુજરાત નિ નવિ પેઢિ ના માથા પર થિ ઘણો બોજો ઉત્ રિ જાય્.
  અત્યારે જે રિતે મા -બાપ બાળકો પર અંગેજિ મિડિયમ નુ દબાણ કરે છે તે ઉત્ રિ જાય્.

 14. kk says:

  A nice article…it’s not talking to reduce burden or doesn’t consider to learn new language is a burden…it’s suggesting to know world as a whole through learning many languages as a part of a life…

 15. urvi says:

  story of raju is realy heart touching. i loved this one. how child take decision and the surrounding atmosphere of it.
  the story of i am also a bride one time is excellent. i think i m not so lucky to have such sweet mother in law. if in life any mother inlaw adopts such attitude no one should complain that forgain countries are better then india. one nice and thoughful story.

 16. Ashish Dave, Sunnyvale, Califronia says:

  આજના સમયમાં આ જ લેખ કદાચ ભાવેજી એ થોડો જુદો લખ્યો હોત. Software Industry would have never made it to India without our knowledge of English.

  જ્ઞાન તો દરેક દિશા માથી લેવુ. જ્ઞાન લેવુ મહત્વનુ છે… માધ્યમ નહી. જ્યાં એક ભાષા શિખતા બાર વાગી જાય છે ત્યા કેટલી ભાષા શિખી શકાય અને કેટલો સમય સુધી યાદ પણ રાખી શકાય? એક જમાનામા મારુ કચ્છી ઉપર પ્રભુત્વ હતુ પણ હવે નથી..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.