સંવેદના – કીર્તિ પરીખ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે કીર્તિબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kirtidasp@rediffmail.com અથવા આ નંબર પર +971 50 1364530 સંપર્ક કરી શકો છો. ]

આજે એમની વાત કરવી છે. એમની ઓળખ તો વળી શું આપવી ? ‘મૂઠી ઉંચેરા માનવી’ જ કહો ને ! 78 વર્ષની વયે પણ એમની યાદશક્તિ ગજબની હતી. ઉંમરને કારણે શરીર ક્ષીણ બન્યું હતું અને આંખો પણ ઝાંખપ અનુભવતી પરંતુ તેમ છતાં, એમના રોમરોમમાંથી ખુમારી ટપકતી હતી. નદીના પ્રવાહ જેવી વેગવંતી એમની વાણી હતી. એમની દરેક વાતમાં જુસ્સો વર્તાતો હતો. દુનિયાની દષ્ટિએ કહેવાતી સફળતા એમને જીવનમાં ન મળી હોવા છતાં ક્યારેય અફસોસ થયો હોય તેવું તેમણે કદી અનુભવ્યું નહોતું. જીવનને તેઓ ઝીંદાદિલીથી જ લેતાં. તેઓ અસફળતાનો સ્વીકાર કરી જાણતાં.

જીવનભર માત્ર ગુજરાન ચાલી શકે એટલું જ કમાયા હતાં. ભૌતિક ચીજવસ્તુઓમાં એમને ખાસ કોઈ રસ નહોતો. પોતાની સાથે માત્ર બે-જોડી કપડાં રાખતાં. ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવી લેતાં. તેઓ ભણેલા માત્ર બે-ચોપડી પરંતુ તેમને દરેક ક્ષેત્ર વિશે જાણવાની રુચિ હતી. તેમની પાસે અનેક વિષયોની જાણકારી રહેતી. મકાનોના બાંધકામથી લઈને શેરબજાર અને ખેલકૂદથી લઈને રાજનીતિ અને ફિલ્મો સુધીના વિષયમાં એમની સૂઝ ગજબની હતી. ફલૉપ ફિલ્મમાંથી પણ કોઈક સંદેશો તારવીને ક્યારેક અમને સૌને સમજાવતાં ત્યારે આશ્ચર્યથી અમારી આંખો પહોળી થઈ જતી ! આ ઉંમરે પણ એમને નવું નવું શિખવાની ધૂન લાગેલી રહેતી. કોઈક અમારા જેવું મળે એટલે તરત એને સૉફટવેર અને ઈન્ટરનેટ વિશે નાની-મોટી બાબતો પૂછી લે. બહારના કયા દેશમાં કયું ચલણ ચાલે છે તે ચપટીમાં કહી આપે. કોઈને એવું લાગે કે જાણે એમણે કેટલાંય દેશોની મુસાફરી કરી હશે. પરંતુ હકિકતે તેઓ કાઠિયાવાડના એમના નાનકડા ગામમાંથી કદીયે બહાર નીકળ્યાં નથી. કોઈને પ્રિય કે અપ્રિય થવામાં તેઓ કદી પડતાં નહીં. પોતાની આગવી જીવનશૈલીમાં જ તેઓ રચ્યાંપચ્યાં રહેતાં.

તેમની વધુ એક ખાસિયત એ હતી કે તેઓ હાજરજવાબી હતાં. અમે સૌ કુટુંબના સભ્યો સાથે બેઠા હોઈએ ત્યારે વારે-પ્રસંગે નિર્દોષ મજાક પણ કરી લેતાં. વાતોડિયાં તો એ ગજબના. એકવાર અમે બધાં જમીને રાત્રે બેઠા હતાં. એ દિવસે એમના નાનાભાઈ એટલે કે મનુભાઈ પણ મુંબઈથી આવેલા. મનુભાઈ સ્વભાવે ખૂબ ઓછાબોલાં. કંઈક અગત્યની વાત હોય તો જ મોં ખોલે. પરંતુ એ દિવસે તો બંને વાદે ચઢ્યાં. વાત જન્મતારીખની હતી.
મનુભાઈ કહે : ‘મારી જન્મસાલ 1924 છે અને તમારી મોટાભાઈ 1922 છે.’
તેઓ તુરંત જ બોલ્યા : ‘ના….ના….. મારી જન્મતારીખ તો બચપણથી મને યાદ છે. તે 1924 જ છે.’
‘ભાઈ, પણ હું નાનો છું તો મારી 1924 હોય ને ? તમારી કેવી રીતે હોઈ શકે ?’ મનુભાઈ બોલ્યાં.
તેઓ ખડખડાટ હસીને બોલ્યાં : ‘તો પછી તું મોટો હોઈશ ! માબાપ આપણને બે વર્ષનાં છોડીને ગુજરી ગયેલાં એટલે જન્મતારીખોનો હિસાબ આપણને શું ખબર ?’ – બસ, આવી રીતે તેઓ સૌની સાથે હસીમજાક કરીને વાતાવરણને ગૂંજતું રાખતાં.

તેમણે ક્યારેક કોઈ પૂજાપાઠ નહોતા કર્યાં. જપ-તપની કોઈ ઈચ્છા તેમને નહોતી. તેમ છતાં અમે જોયેલું કે એમની અંદર જે ઈશ્વર પ્રત્યેની દ્રઢ નિષ્ઠા હતી તે મંદિર જનારા લોકો કરતાં પણ સવિશેષ હતી. ક્યારેક કોઈને સંગાથ આપવા તેઓ મંદિરે પણ જતાં પરંતુ તેઓ ખાસ કોઈ જતું ન હોય એવા નાના મંદિરોએ જવાનું પસંદ કરતા. એવા મંદિરોમાં તેઓ પોતાની સ્થિતિ મુજબ કંઈક આપતાં. એમનું વ્યક્તિત્વ આ રીતે સાવ અલગ હતું. દુનિયા પાસે માણસને તોલવાનું ત્રાજવું એટલે ફકત પૈસા અને અમીરી. એમના ત્રાજવા સાવ નોખાં હતાં. એમનામાં દિલની અમિરાત જોવાની કલા સિદ્ધ હતી. તેઓ કહેતા કે આપણે આપણી સામેની વ્યક્તિને બરાબર સમજવો હશે તો આપણાં તોલમાપ બદલવા પડશે અને પરંપરાગત ચાલી આવતી વિચારસરણીને અટકાવવી પડશે. જો આમ થશે તો જ દેશમાં ક્રાંતિનો રણકો સંભળાશે.

તેમણે અમને કહેલો તેમના જીવનનો એક પ્રસંગ તો ક્યારેય ભૂલી શકાય તેમ નથી. કદાચ એમના પૂર્ણ વ્યક્તિત્વનું પ્રતિબિંબ આપણને આ પ્રસંગમાંથી મળશે. શિયાળાના એ દિવસો હતાં. ખૂબ કાતિલ ઠંડી હતી. ઠંડીથી બચવાના બે જ ઉપાય હતાં. એક તો ‘ચાની પ્યાલી’ અને બીજો કોલસાની સગડી. અમે બધાં કૂંડાળું વળીને સગડી પર હાથ શેકી રહ્યાં હતાં અને તેઓ અમારાથી થોડેક દૂર ધાબળો ઓઢીને, માથે વાંદરાટોપી પહેરીને આરામ ખુરશીમાં બેઠા હતાં. સૌ ગરમી લેવાં સગડીની લગોલગ એટલાં નજીક બેઠેલાં કે હાથ શેકવાની અંદરોઅંદર ઝપાઝપી ચાલતી હતી. એટલામાં કોઈએ દરવાજાની સાંકળ ખખડાવી. આટલી ઠંડીમાં દરવાજો ખોલવા કોણ ઊભું થાય ? કોઈને ઊઠવાની ઈચ્છા નહોતી. અમે બધાં માથું નમાવીને સગડીમાં હાથ શેકી રહ્યાં હતાં. કોઈ ન ઊઠ્યું એટલે તેઓ જાતે ઊઠયાં. એમને ઊઠતાં જોઈને પણ કોઈ ન હાલ્યું. આંખોએ ઝાંખપ હોવા છતાં તેઓ ધીમે ધીમે દરવાજા તરફ ગયા. દરવાજે દુકાનનો નોકર ચાવી આપવા આવેલો. તેઓ ચાવી લઈને પાછા આવ્યાં. તેઓ અમારા બધા પર થોડાં ધૂંધવાયેલા હતાં. છોકરીઓ તો ઠીક અંધારામાં ન જાય પરંતુ બે યુવાન પૌત્રો પણ ન ઊઠ્યાં એટલે તેઓ નારાજ થતાં બોલ્યાં :
‘સોળ વર્ષની ઉંમરના થઈનેય આ છોકરાંઓ બારણું ખોલવાં જતાં નથી તે જીવનમાં આગળ ઉપર શું કરશે ? તમને ખબર છે ? દશ-બાર વર્ષની ઉંમરે તો હું એકલો મારી દાદીને લારીમાં સ્મશાન લઈ ગયેલો અને મેં એકલાં એ એમનાં અગ્નિસંસ્કાર કરેલાં.’ – અમે બધાં તેમની વાત સાંભળીને ચમક્યાં. આ વાત તો એમણે અમને ક્યારેય કરી નહોતી. અમે બધાંએ એમને આ વાત જણાવવા વિનંતી કરી. શિયાળાની રાતની ઠંડીમાં આખું ગામ થરથરતું હતું. બધે સોપો પડી ગયો હતો. એમણે જરા ધાબળો ઊંચો કરી, સરખો ઓઢીને વાંદરાટોપી સહેજ નીચે તરફ ખેંચી અને વાતની શરૂઆત કરી.

‘એ સમયે મારી ઉંમર ચાર વર્ષ અને નાના મનુભાઈની ઉંમર બે વર્ષની. માબાપ તો અમને નાની ઉંમરમાં અનાથદશામાં જ છોડીને સ્વર્ગે સિધાવી ગયાં હતાં. એમને એમનો ચહેરોય યાદ નથી કે નથી અમારી પાસે એમનો કોઈ ફોટો. હવે અમને બંને ભાઈઓને રાખે કોણ એ મોટો સવાલ હતો. પૂનામાં રહેતા એક માસી મારા નાનાભાઈને લઈ ગયાં અને મહેસાણામાં રહેતા મારા દાદી મને લઈ ગયાં. નાની ઉંમરમાં તો ‘દાદી’ શું ને ‘બા’ શું ? હું તો દાદીને પણ બા કહીને જ બોલાવતો.

બાએ છઠ્ઠાવર્ષે મને સ્કૂલમાં ભણવા મૂક્યો. હું બે વર્ષ ભણ્યો. આખી જિંદગીમાં માત્ર બે ધોરણ જ ભણ્યો. આઠ વર્ષનો થયો ત્યારે બા માંદા પડ્યાં. બાને ટી.બી થયેલો. એ જમાનામાં ટી.બી જીવલેણ રોગ ગણાતો. બા બિચારી પહેલેથી જ ગરીબ હતી. આજુબાજુનાં કામ કરતી ત્યારે અમારું જીવન ચાલતું. એને બિમારી આવી એટલે રહી સહી બચત પણ વપરાઈ ગઈ. આઠ વર્ષની ઉંમરમાં તો મને કયું કામ આવડે ? એ વખતે મને કોથળા ગણીને તેની થપ્પી મારવાનું કામ મળ્યું. એ સમયે ગુજરાતમાં જીન ચાલતાં. મારે રૂની ગાંસડીઓ ભેગી કરવાની અને તેને સંકેલીને થપ્પી મારી એક બાજુ ગોઠવી દેવાની. આ કામમાંથી થોડાં ઘણાં પૈસા મળેલાં. એમાંથી મેં એક લારી ખરીદેલી, જેથી લારી ચલાવીને થોડું વધુ કામ કરી શકાય.

વખત જતાં બે વર્ષ પછી બાનું અવસાન થયું. ટી.બી. એ વખતે એટલો ચેપી રોગ ગણાતો કે લોકો તેના નામ માત્રથી ડરતાં અને ટી.બી.ના દર્દીથી માઈલો દૂર રહેતાં. અમે ગરીબ હતાં. અમારી તો કોણ ખબર પૂછે ? બા ગુજરી ગયાં ત્યારે કોઈ મદદમાં ન આવ્યું. આવા કપરા સમયે પડોશી જરૂર આવશે એવી આશા જાગેલી, પરંતુ કોઈ ડોકાયું સુદ્ધાં નહીં. મને પાક્કો ખ્યાલ નથી પરંતુ એ સમયે મારી ઉંમર કદાચ દશ કે અગિયાર વર્ષની હતી. મારી સામે મૃતદેહ પડેલો અને હું ટૂંટિયું વાળીને બેઠો હતો. કોઈક તો આવશે એ આશામાં બે-ત્રણ કલાક પસાર થઈ ગયાં. પરંતુ કોઈને દયા ન આવી. નાની ઉંમરમાં મેં ઘણી કપરી પરિસ્થિતિ જોઈ હતી એટલે સાવ તો ભાંગી નહોતો પડ્યો પરંતુ શું કરવું તે મને સમજાતું નહોતું. વિચારો કરતો હું ઊભો થયો. દરવાજો ખોલીને એક આશાએ જોયું કે કોઈ આવે છે ખરું ? પરંતુ પાડોશીઓનાં બારણાં સજ્જડ બંધ હતાં. એકાએક મારી નજર ત્યાં પડેલી લારી પર પડી. મારી બાળબુદ્ધિમાં ચમકારો થયો. હું બહાર ગયો. લારી પાસે બે મિનિટ ઊભો રહ્યો. પછી લારીને થોડી સાફ કરી. બે લોટા પાણીથી ધોઈ પણ ખરી. બાનો સાડલો લાવીને પાથર્યો. અંદર જઈને બાનો મૃતદેહ ઊંચકી લાવીને લારીમાં સુવાડ્યો. ટી.બી.ને લીધે બાનું શરીર એટલું દુર્બળ થઈ ગયું હતું કે ઊંચકવામાં કોઈ મુશ્કેલી ન પડી. મૃતદેહ પર એમનો જ બીજો સાડલો ઓઢાડી દીધો અને તુરંત જ લારી લઈને રોડ પર નીકળી પડ્યો. એ વખતે પાડોશીઓના દરવાજા ઘડી બે ઘડી ખૂલ્યાં અને પાછાં બંધ થયાં. આટલી નાની ઉંમરમાં સ્મશાનનો રસ્તો તો ક્યાંથી ખબર હોય ? લોકોને પૂછતાં પૂછતાં સ્મશાન સુધી પહોંચ્યો. બાને એકલે હાથે મેં અગ્નિદાહ આપ્યો.

થોડીવાર બાની સળગતી ચિતા સામે બેઠો. ઊભો થતો હતો ત્યાં જ કોઈએ મારા ખભે હાથ મૂક્યો. એ મસાણિયો હતો જેણે બાની ચિતા પર લાકડાં ગોઠવી આપેલાં. એ બોલ્યા : ‘બેટા, બેસી રહે. દેહનો પૂર્ણપણે દાહ થાય, પછી અસ્થિ લઈ જજે. સિદ્ધપુર જઈને વિસર્જન કરજે જેથી આત્માને શાંતિ મળે.’ પરંતુ હું ત્યાં બેસી ન રહ્યો કારણ કે બા તો ચાલ્યા ગતા હતાં. મારી પાસે સિદ્ધપુર જવાના પૈસા નહોતા. બસ, એમની યાદ મારા રોમેરોમમાં હતી. હું ઘેર આવી ગયો. ઘરમાં પ્રવેશતાં જ મારી હિંમતે મારો સાથ છોડી દીધો અને મારી અંદરનો બાળક બહાર નીકળી આવ્યો. તે દિવસે હું ખૂબ રડ્યો. બાને યાદ કરીને પોક મૂકીને રડ્યો. એટલું બધું રડ્યો કે એટલું તો મારી આખી જિંદગીમાં હું ક્યારેય નથી રડ્યો. મારું રડવાનું ચાલુ જ રહ્યું કારણ કે આસપાસમાં આંસુ લૂછનાર કોઈ નહોતું.’ વાત કરતાં કરતાં એમનો ચહેરો ગમગીન બની ગયો હતો. દુ:ખની લાગણી એમની આંખોમાં છલકાઈ રહી હતી. ધોતિયાંથી આંખમાં આવેલાં આંસુ લૂછતાં તેઓ બોલ્યાં : ‘એ વખતે એટલું દુ:ખ નહોતું થયું જેટલું અત્યારે યાદ કરતાં થઈ આવે છે. આમ તો કોઈ મૃતક વ્યક્તિની સ્મૃતિ માણસને રડાવતી નથી પરંતુ પરિસ્થિતિ અને તે સાથે જોડાયેલી ઘટનાઓ તેને રડાવી જાય છે. ઈશ્વરે આપણને જે વિસ્મૃતિની ભેટ આપી છે એને લીધે સ્વજન તો સમય જતાં ભુલાઈ જાય છે પણ ઘટનાઓ હૃદયનાં કોઈ ખૂણામાં પડેલી રહે છે અને સમયે સમયે આપણને રડાવી જાય છે.’

અમારામાંથી કોઈ બોલ્યું :
‘દાદા, તમને તે વખતે લોકો ઉપર ગુસ્સો ન આવ્યો ?’
‘ના બેટા….. લોકોનો શું દોષ ?’ તેઓ આછું સ્મિત કરતાં બોલ્યાં, ‘લોકો પર ક્યા કારણે ગુસ્સો કરું ? સદીઓથી લોકોની માનસિકતા એક જ છે. ભૂત-ભવિષ્ય-વર્તમાન – ત્રણેય કાળમાં માણસના માનસમાં કોઈ ફેર પડ્યો નથી બેટા. જો કોઈ સાધનસંપન્ન પરિવારમાં આવું થયું હોત તો લોકો દોડીને હમદર્દી બતાવવા માટે એકઠાં થઈ જાત. પરંતુ ગરીબોનો બેલી કોણ ? મને કોણ સાથ આપે ? પણ ખેર, એ સમયમાં હું ખૂબ શીખ્યો. મારામાં હિંમત આવી, સૂઝ પ્રગટી અને લોકોને પારખવાની શક્તિ પેદા થઈ. એટલે જ કહું છું કે ક્યારેય વિપરિત પરિસ્થિતિઓથી ગભરાશો નહીં. જીવનમાં નાસીપાસ થશો નહિ. આ પ્રકારના સંજોગો માણસની સંવેદનાને જગાડે છે. એ સંવેદના જ જીવન જીવવાના કામમાં આવે છે. બાકી તો દરેકે પોતાના સમય પર આ દુનિયા છોડીને ચાલ્યા જવાનું છે….. કોઈક વેદના લઈને અથવા કોઈક સંવેદના લઈને….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાલને કરીએ વહાલ – રતિલાલ બોરીસાગર
કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ ઓઝા Next »   

30 પ્રતિભાવો : સંવેદના – કીર્તિ પરીખ

 1. Gopal Shah says:

  વાહ…. શુ વાત છે….. મને આ ૬૫ મુ વર્ષ જાય છે પરંતુ હજુ પણ મારૂ ધર – મારી પત્ની, મારા છોકરા – મારૂ…મારૂ…. આ વડીલે તો જાણે મારુ અસ્તીત્વ ઝંજોડી ને મુકી દીધુ…. આટલુ સાદાઈ થી જીવન જીવવાની પણ હિંમ્ત જોઈએ…. આ સદ પુરૂષ ને મારા શત-શત પ્રણામ…

 2. Veena Dave.USA says:

  સરસ સંવેદના.

 3. સુંદર સંવેદના સભર વાર્તા.

 4. Manisha says:

  Vedana ,.. Samvenda j tau aapne aapna hova pana thi jivta rakhe chhe….

  Sunder Varta..

 5. kumar says:

  ખરેખર સુંદર વાર્તા

 6. મને લાગે છે થોડા સમય માટે તકનિકી ખરાબી આવી હશે આગળની કોમેંટ ધ્યાને ન લેશો. હકિકતમાં તે હાંસિયામાં દેખાય છે પણ “પ્રથમ પાનું” પર નથી!
  કીર્તિદબહેનની આ વાર્તા સરસ છે.
  આ લેખનાં લેખિકાનું નામ “કીર્તિદા પરીખ” હોવું જોઇએ. એમના બ્લોગ પર આ નામ છે રીડ ગુજરાતી પર આ એમની ત્રીજી કૃતિ પ્રકાશિત થાય છે. હમેશ “કીર્તિ” નામ જ હોય છે અને લેખિકાબહેન તરફથી કોઇ સુધારો આવતો નથી. !???

 7. Sunita Thakar (UK) says:

  અદભૂત વ્યક્તિવ અને ગજબ ની હિમ્મત! આટલી સરસ ક્રુતિ માટે આભાર.

 8. nayan panchal says:

  હ્રદયને હચમચાવી નાખતી વાર્તા. હું ધારું છું કે આ એક સત્યકથા છે.

  પોતાના દાદીને એકલેહાથે અગ્નિદાહ આપવાવાળી વાત અને પછી લોકો વિશે કરેલી વાત વાંચીને ફરી એકવાર જોકરના વાક્યો યાદ આવી ગયા,” You see, their morals, their code, it’s a bad joke. Dropped at the first sign of trouble. They’re only as good as the world allows them to be.”

  લેખિકાનો ખૂબ આભાર, સરસ વાર્તા.
  નયન

 9. trupti says:

  હ્રદય ને હચમચાવી નાખતી વાર્તા. કીર્તિદાબેન પરીખ ખુબખુબ અભિનંદન આટલી સરસ વાર્તા આપવા બદલ.

  “જો કોઈ સાધનસંપન્ન પરિવારમાં આવું થયું હોત તો લોકો દોડીને હમદર્દી બતાવવા માટે એકઠાં થઈ જાત. પરંતુ ગરીબોનો બેલી કોણ?” આ વાક્ય દિલને બહુ છુઈ ગયુ.

 10. Ami Patel says:

  કિર્તિદા બેન આન્ખ્મા આન્સુ લાવિ દિધા

 11. Ami Patel says:

  I dont know how you all type so nicely in gujarati. I am having hard time. any tips from anybody?

  • DIPTI says:

   BEFORE you start typing click on show keyboard. so it will tell you what to type for which gujarati letter. initially it will hard but gradually you will get idea that it goes as sound and sometimes it requires capital letters.
   and you will get used too it.
   i don’t have typing speed but i can right my opinion and that’s it.
   હવે આ રીતે પ્રયત્ન કરી જુઓ.

  • Tushar says:

   keyboard ની માથાકૂટ ના કરવી હોય તો,

   આ લિંક પર ક્લિક કરો તો Google ની નવી બારી ખુલશે.

   http://www.google.com/transliterate/indic/GUJARATI

   તેમાં ડાબી બાજુ ઉપર ક્લિક કરી ને ગુજરાતી ‘select’ કરો. આમાં ગુજરાતી type કરવાનું એટલું સહેલું છે, કે તમને તકલીફ ના બદલે મજા આવશે.

   નવી બારી “window ” માં type કરેલું ગુજરાતી લખાણ ‘cut’ કરીને અહી comment વિભાગ માં ‘પસ્તે ‘ કરી શકાય.

   આશા રાખું છું કે આ માહિતી તમને મદદરૂપ થશે.

 12. Dr. Vijaliwala I. K. says:

  Respected Kirtiben,

  Congratulations. I am much pleased to see you achieving new heights every time. “Samvedana” is a good story. Please keep it up.

  Dr. Vijaliwala

 13. Dr.Ekta.U.S.A. says:

  ખુબજ સરસ વાર્ત્તા.

 14. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  “બાકી તો દરેકે પોતાના સમય પર આ દુનિયા છોડીને ચાલ્યા જવાનું છે….. કોઈક વેદના લઈને અથવા કોઈક સંવેદના લઈને….’”

  અતિ સુંદર કિર્તીદા બહેન. તમે જે વાત કરી એ વેદના અમે પણ અનુભવી. માણસ જયારે એકલો થઈ જાય છે ત્યારે અંદર એક એવી શક્તિનો ઉદભવ થાય છે કે જે એને હિમંત આપે છે અને મનોબળ મજબુત કરે છે. આજ જોમ મા એ જીવી જાય છે. અને જે બોધપાઠ શીખે છે તે જીંદગી ભર યાદ રહે છે. આજ અનુભવ આવનારી પેઢીને માર્ગદર્શન આપે છે.

  અમે પણ અમારી દાદી ને “બા” કહીને જ બોલાવીએ છીએ. વાર્તામા જે ગામની તમે વાત કરી તે “સિદ્ધપુર” એ અમારુ ગામ. સિદ્ધપુર ને ૩૩ કરોડ દેવી દેવતાઓ નુ મોસાળ કહ્યુ છે. સિદ્ધપુર મા અહી સરસ્વતી નદી વહે છે. કહેવાય છે કે તમે ૪ ધામની જાત્રા કરો પણ છેલ્લે તમારે સિદ્ધપુર ની જાત્રા કરવીજ રહ્યી. સરસ્વતી નદીમા સ્નાન કરો તોજ તમારી ૪ ધામની જાત્રા પુરી થઈ કહેવાય. પેલી કહેવત છેને “સસ્તુ ભાડુ ને સિદ્ધપુરની જાત્રા”

  પિતૃગયા કાશીમા છે તો માતૃગયા સિદ્ધપુરમા છે. માતૃ શ્રાધ્ધ માત્ર આ એક જ સ્થળે થઈ શકે છે. અહી એક રુદ્રમાળ છે જે મૂળરાજ સોલંકીએ બનાવ્યો હતો. તે અગિયાર માળનો હતો અને તેના ટોચ પરથી જુઓ તો પાટણ ગામની પણિયારી દેખાતી. આ રુદ્રમાળને અલ્લાઉદ્દીન ખિલજીએ તોપના ભડાકાથી ઉડાવ્યો હતો. આજે ફક્ત તેનો એક જ માળ રહ્યો છે. આ ઐતિહાસિક ઇમારત હવે પુરાતત્વ વિભાગ હેઠળ આવે છે.

  મને ખુબજ ગર્વ છે કે હુ આવા ઐતિહાસિક અને આધાત્મિક ભુમિથી જોડાયેલો છુ.

  • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

   સિદ્ધપુર ના રુદ્રમાળ વિષે એક દંતકથા પ્રખ્યાત છે તે રિડગુજરાતી ના એક સાહિત્ય “ભડલીવાક્યો – સં. જેઠાલાલ ત્રિવેદી” મા વર્ણવેલી છે જેની લીંક વાચકમિત્ર માટે મુકુ છુ.
   http://www.readgujarati.com/sahitya/?p=1642
   *****************************
   ગુજરાતમાં મારવાડના જોશી ઉધડ(હુદડ)નું નામ ખૂબ લોકજીભે ચઢેલું છે. આ ઉધડ જોશીએ ગુર્જરેશ્વર સિદ્ધરાજને સિદ્ધપુર (શ્રીસ્થળ)માં તેણે બંધાવેલા રુદ્રમહાલય (રુદ્રમાળ)નું ખાતમુહૂર્ત કાઢી આપ્યું હતું તેવી દંતકથા પ્રચલિત છે. શેષનાગના માથા ઉપર ખીંટી વાગે તેવું મુહૂર્ત ઉધડ જોશીએ રાજાને આપેલું હતું. પણ બીજા ઈર્ષાળુ બ્રાહ્મણોની શીખવણીથી રાજાએ ખાતમુહૂર્તની ખીંટી શેષનાગના માથે વાગી છે કે નહિ તેની ખાતરી કરી આપવા ઉધડજોશીને આગ્રહ કર્યો. રાજાનો અતિ આગ્રહ જોઈ ઉધડ જોશીએ ખાતમુહૂર્તની ધરતીમાં ખોડેલી ખીંટી ખેંચવાનું રાજાને કહ્યું. ખીંટી ખેંચતા જ ધરતીમાંથી લોહીની ધારા ફૂટી.

   આ ચમત્કાર જોઈ રાજા તથા બીજા બ્રાહ્મણો ચકિત થઈ ગયા. નારાજ થયેલા ઉધડે રાજાને ખીંટી ફરી ધરતીમાં દાબી દેવાનું કહ્યું. રાજાએ તે પ્રમાણે ખીંટી પુન: દબાવી દીધી પણ શેષનાગ આગળ સરકી જવાથી તે ખીંટી શેષનાગના માથાને બદલે પૂંછડી પર બેઠી. આ રીતે રાજાની હઠથી જોશીએ આપેલું શ્રેષ્ઠ મુહૂર્ત હાથથી ગયું અને તેથી રુદ્રમાળનો વિધર્મીઓને હાથે નાશ થયો.

 15. urmila says:

  તુષારભાઈ -આ ગુજરાતી લખવાની માહિતી આપી , તે માટે આપનો ખુબ ખુબ આભાર. બહુજ સરળતાથી ગુજરાતીમાં લખી શકાય છે. દીપ્તિબહેન તો ખુશ થયા હશે પણ મને તો હવે ગુજરતીમાં લખવાની મજા આવી જશે

 16. urmila says:

  ‘ ઈશ્વરે આપણને જે વિસ્મૃતિની ભેટ આપી છે એને લીધે સ્વજન તો સમય જતાં ભુલાઈ જાય છે પણ ઘટનાઓ હૃદયનાં કોઈ ખૂણામાં પડેલી રહે છે અને સમયે સમયે આપણને રડાવી જાય છે.’

  સાવ સાચી વાત છે –

 17. Sonali says:

  very touchy and very true

 18. Khyati says:

  very touching story… I had tears in my eyes while reading the story….
  some people live their lives with so much simplicity yet so much strength..
  they are the heroes of daily life.

 19. જય પટેલ says:

  સંવેદનાના અમી પ્રગટાવતી વાર્તા.

  સુશ્રી કિર્તીદા પરીખના પરીચિત વર્તુળ આધારિત સત્યઘટના હોઈ શકે.
  સાદાઈના પાઠનો સંદેશો વાર્તામાંથી ગ્રહણ કરી શકાય.
  સંકટની ઘડી એ સુવર્ણ તક છે સ્વંયને રિ-ફોર્મ કરવાની.

  Eventually Austerity prevail.

 20. govind shah says:

  VERY EXCELLENT & THOUGHT PROVOKING STORY & GOOD LESSON FOR NEW GENERATION.- GOVIND SHAH

 21. nirmal says:

  kirtiben
  very nice ..
  very touchy….
  like ture story…
  કીર્તિબેન પહેલા બે વાર્તા તમારી રીડ્ગુજરાતિ પર વાચેલ છે.
  કંઈક નવુ જ લખો છો એવુ લાગેછે.
  નવી વાર્તાઓ આપતા રહેશો.

 22. સંવેદનશીલ લેખિકાની સંવેદનશીલ કલમે વેદના/સંવેદના જગાવતી વાર્તા કે જાણે મૂઠી ઊંચેરા માનવીની જીવન કહાણી.
  અભિનંદન કિર્તીદાબહેન!

 23. Ashish Dave, Sunnyvale, Califronia says:

  As always… too good…

  Ashish Dave

 24. ashvin says:

  ખરેખર સવેદના સભર વાર્તા છે …..

 25. Zakir Patel says:

  ઘનિ સરસ વાર્તા, મજા આવિ ગઈ.

 26. himaxi vyas says:

  ખરેખર ખુબ જ સરસ વાર્તા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.