પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]

[અ]  જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ

વર્ષ વીતી રહ્યું છે. ઋતુ બદલાઈ રહી છે. વર્ષભરની તાજગી ભરી શકાય એવા દિવસો આપણે માણ્યાં છે પરંતુ આ નવા તાજગીસભર દિવસોમાં પણ આપણી સવાર તાજગીભરી રીતે શરૂ થાય છે ખરી ? આપણે તાજગીભરી રીતે સવારે ઊંઘમાંથી જાગી, ઊઠીએ છીએ, ખરા ? શિયાળાના દિવસો ગયા. કોઈકે લખ્યું છે કે, શિયાળાની ઠંડીમાં સવારે હૂંફાળી પથારી છોડીને બહાર નીકળવું એ દેણામાંથી બહાર નીકળવ જેટલું કપરું છે. ઊંઘની વાત, સાવ નાનકડી કે નજીવી લાગતી હોવા છતાં માણસના આખા દિવસની પ્રવૃત્તિ ઉપર એની ઘણી મોટી અસર રહે છે.

સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઊંઘમાંથી જાગવાની વાત તો સાવ સાદીસીધી છે પરંતુ ન્યુરો ફિઝિયોલૉજીના નિષ્ણાત મિલ્ટન ડી. લુચીના મત પ્રમાણે જાગૃત થવાની પ્રક્રિયા અટપટી અને ખાસ અભ્યાસ કરવા જેવી પ્રક્રિયા છે. ખરેખર તો આપણે ઊંઘમાં કેમ સરી પડીએ છીએ અથવા તો એમાંથી કઈ રીતે જાગૃત થઈએ છીએ એ વિશે ઘણું ઓછું જાણીએ છીએ. હજુ આધુનિક વિજ્ઞાન ઊંઘનાં અને જાગૃત થવાનાં રહસ્યો ઉકેલવા પ્રયત્ન કરી રહ્યું છે. ઊંઘનાં લાંબા કલાકોમાં સમય વિષે આપણને કોઈ ખ્યાલ રહેતો નથી. ક્યારેક સમયનો ખ્યાલ સતત રહે તો ઊંઘ જ આવતી નથી. ક્યારેક જાગ્યા પછી ફરી પાછા સૂઈ જવાની ઈચ્છા થાય છે અને એ રીતે સૂઈને જાગ્યા પછી માત્ર થોડી પળોનું ઝોકું લીધું છે એમ આપણને લાગે ત્યારે ખાસ્સી એકાદ કલાકની ઊંઘ આપણે ખેંચી કાઢી હોય છે. ક્યારેક જાગતી વખતે મન પ્રફુલ્લ હોય છે તો ક્યારેક તે પાછું ભાગે છે. આમ ઊંઘનો પ્રદેશ અજાયબ પ્રદેશ છે. કેટલાક માણસો રાત્રે દસ વાગે સૂઈને સવારે આઠ-નવ વાગે જાગે તો પણ તેમને સુસ્તીનો અનુભવ થાય છે. ખરેખર એમ ન થવું જોઈએ. માણસ મોડેથી સૂવે કે વહેલા સૂએ પૂરતી ઊંઘ લઈને જાગ્યા પછી તેને સ્ફૂર્તિનો અનુભવ ન થાય તો ક્યાંક કશી ખામી છે એમ માનવું જોઈએ અને એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આ ક્ષેત્રના નિષ્ણાતોએ ઊંઘમાંથી જાગ્યા પછી વહેલામાં વહેલી સ્ફૂર્તિ કઈ રીતે મેળવી શકાય એની કેટલીક રીતો બતાવી છે. તમે જાગો અને તમારો દિવસ શરૂ થાય ત્યારે તે સ્ફૂર્તિથી શરૂ થવો જોઈએ. ઊંઘ પૂરતી લેવી જોઈએ : જે માણસ અધૂરી ઊંઘે જાગે છે તે સ્ફૂર્તિથી જાગી શકતો નથી. એ જ રીતે જે માણસ વધારે પડતી ઊંઘ લે છે તે પણ આળસુ અને ચીડિયો બની જાય છે. માણસે કેટલી ઊંઘ લેવી જોઈએ એના વિષે કોઈ ખાસ નિયમ નથી. કેટલાક માણસોને નવ કલાકની ઊંઘ જોઈએ છે જ્યારે બીજા કેટલાકને ચાર કે પાંચ કલાકની ઊંઘ જ પૂરતી થઈ પડે છે. સામાન્ય માણસને સાતથી સાડા સાત કલાકની ઊંઘ પૂરતી થઈ પડે છે. જેટલી ઊંઘ માણસને થાક ઉતારીને તાજગી આપી શકે એટલા કલાકની ઊંઘ એના માટે જરૂરી છે એમ માનવું.

કુદરતના ચક્રને વફાદાર રહો : આપણા શરીરમાં શક્તિની વધઘટ થયા કરે છે અને એ માટે એક ચોક્કસ ચક્ર હોય છે. જો એને અનુરૂપ આપણે કામ કરવાનું અને ઊંઘવાનું ગોઠવીએ તો દિવસભર વધારે સ્ફૂર્તિથી કામ કરી શકીએ. શરીરમાં જ્યારે શક્તિ ઊભરાતી હોય ત્યારે ઊંઘવાનો પ્રયત્ન કરીએ કે, થાકી ગયા હોઈએ ત્યારે ઉત્તેજિત કરે તેવાં પીણાં, તમાકુ કે એવી કોઈ વસ્તુઓ દ્વારા જાગૃત રહીને કામ કરવાનો પ્રયત્ન કરીએ તો તેમાં પૂરી સફળતા મળતી નથી. અસાધારણ સંજોગોમાં માણસે ગમે તે કરવું પડે, પરંતુ સામાન્ય સંજોગોમાં શક્તિના કુદરતી ચક્રને વફાદાર રહીને જીવવું જોઈએ. આમ કરવા માટે ઊંઘના અને કામના કલાકોનું આયોજન કરવું જોઈએ. દિવસભર તાજગીથી કામ કરવા ઈચ્છનાર વ્યક્તિ, ગમે ત્યારે સૂઈ શકે નહીં. એ જ રીતે કોઈક દિવસ ખૂબ વધારે ઊંઘ તો કોઈક દિવસ ખૂબ ઓછી ઊંઘ લેવાની ટેવ પણ નુકશાનકારક છે.

શરીરને ધીમે ધીમે જાગૃત કરો : સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે જાગતાવેંત જ આપણું મગજ જાગી જાય છે. પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. ઊંઘતી વખતે તેમ જ જાગતી વખતે મગજ એ ક્રિયામાં ધીરે ધીરે સરે છે. માણસ ઊંઘે છે ત્યારે અમુક સમય સુધી મગજ જાગૃત રહે છે. આપણે ઈલેક્ટ્રિક પંખો બંધ કરીએ પછી પણ તે અમુક સમય સુધી ચાલતો રહે છે એવી આ વાત છે. આપણે જાગૃત થઈએ ત્યારે પણ આવું બને છે અને આપણું મગજ જ્યાં સુધી સ્ફૂર્તિમાં ન આવે ત્યાં સુધી આપણે સ્ફૂર્તિ અનુભવી શકતા નથી.

મગજને જાગૃત કરવા માટેની કેટલીક વૈજ્ઞાનિક રીત છે. તમારી ઊંઘ ઊડતી હોય અને તમે જાગૃત અવસ્થામાં આવતા હો ત્યારે જમણા હાથની પહેલી આંગળી બે-ત્રણ વખત હલાવો. અને કેટલી વાર તે હલાવી એની બરાબર ગણતરી કરો. એક પછી એક બધી જ આંગળીઓ એ રીતે હલાવો અને દરેક વખતે એની ગણતરી કરતા રહો. તમારા મગજનું ધ્યાન આ ક્રિયામાં પરોવાતાં તમને તંદ્રામાંથી જાગૃતિની સપાટી પર એ ઝડપથી લઈ આવે છે. આટલું કર્યા પછી તમે ઊંડા શ્વાસ લો. હાથ અને પગ ઊંચા કરીને હલાવો, સ્ટ્રેસ આપો. હવે શરીર જાગૃત થઈ ગયું હશે. ધીમેથી પથારી છોડીને ઊભા થઈ જાઓ. પથારી છોડીને ઊભા થયા પછી પણ થોડી વાર સાદી અને હળવી કસરત કરો અથવા તો થોડાં ડગલાં ચાલો તો વધારે સારું.

મનને તાજગી મળે એવી પ્રવૃત્તિથી દિવસ શરૂ કરો : જાગીને એકધારી પ્રવૃત્તિ કરનારને રોજની એકની એક પ્રવૃત્તિથી કંટાળો આવે છે. એવું ન બને એટલે સવારની પ્રવૃત્તિમાં અમુક સમયે થોડોક ફેરફાર કરતા રહેવું જોઈએ. સવારના નાસ્તામાં, વાચનમાં, કે કામ ઉપર જવાના રસ્તા બાબતમાં થોડો ફેરફાર કરવો જોઈએ. એવો ફેરફાર રોજેરોજ કરવો જરૂરી નથી પરંતુ અમુક સમયાંતરે ક્યારેક એવો ફેરફાર કરવો જોઈએ.

જાગવાનું તમને ગમી જાય એ રીતે જાગો : કોઈએ લખ્યું છે, ‘Most of us spand a lifetime going to sleep when we are not sleepy and getting up when we are’ આપણે જ્યારે ઊંઘમાં નથી હોતાં ત્યારે ઊંઘવા જઈએ છીએ અને જ્યારે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે ઊઠી જઈએ છીએ. જીવનભર આમ જ ચાલતું રહે છે અને એના પરિણામે સવાર તાજગીભરી રહેતી નથી. કેટલીક વાર આની પાછળ માનસિક કારણો હોય છે. ઊંઘવાના સમયે ઊંઘ આવતી નથી અને જાગવાના સમયે સ્ફૂર્તિથી જાગી શકાતું નથી. અઘરા કે અણગમતા કામનો બોજો આ માટે કારણભૂત હોઈ શકે છે. ઊંઘતી વેળાએ બીજા દિવસના કોઈક ગમતા સારા કામનો વિચાર કરો અને જાગતી વખતે પણ એવા જ કોઈક આનંદદાયક કામનો વિચાર કરો. અને બની શકે તો ઘરનાં લોકો સાથે, બાલ-બચ્ચાં સાથે થોડો આનંદ કરી લો.

સવારમાં જાગીને કોઈક મનપસંદ પ્રવૃત્તિ કરવાથી મનનો કંટાળો ચાલ્યો જાય છે અને દિવસની શુભ શરૂઆત થઈ જાય છે. જાગવાથી ભાગવાનો કોઈ અર્થ નથી. તાજગીપૂર્ણ દિવસ શરૂ કરવા માટેનાં આ તો થોડાં સૂચનો છે.
.

[બ] જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો

કેટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે.

[1] કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પરંતુ થોડું મન દઈને વાંચતાં સમજાય છે કે એમાં જીવનને સુખી બનાવવાનું રહસ્ય સમાયેલું છે. માણસ જો દલપતરામ કહે છે એમ વર્તે તો પોતે સુખી રહી શકે છે અને બીજાઓ પણ સુખી રહી શકે છે. વળી, આ પંક્તિઓમાં જીવનની, કુદરતની, દુનિયાની જે વિશાળતા અને વિવિધતા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. આપણે તો એનો એક સાવ સામાન્ય એવો નાનકડો ભાગ છીએ. જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.
કવિ શ્રી દલપતરામની પંક્તિઓ આ મુજબ છે :

જેને જેવો ભાવ, તેને તેવી કવિતા છે એમાં,
બેસીને જુઓ આ બડાભાગના બહારને
ગમે ત્યાં ગમ્મત કરો, ન ગમે તે નિંદશોમાં
રાખજો તે જગા બીજા રમનારને.

[2] એક વાર ઈસુ યહૂદીઓના લત્તામાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા. એથી કોઈએ એમને પૂછ્યું : ‘આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો ? તેમના પર ગુસ્સો કેમ કરતા નથી ?’
ઈસુએ કહ્યું : ‘મારી પાસે જે (મૂડી) હોય તેમાંથી જ હું વાપરી શકું ને !’

[3] એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા, ‘મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’

મુલ્લાએ કહ્યું, ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે.

[4] ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુના એક નાનકડા ગામડામાંથી બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓના જુલમથી બચીને અમેરિકા આવીને વસેલા અને પોતાની રીતે વિશિષ્ટ અને સુખી જીવન જીવતા ડૉ. પાપાડેરોસને રોબર્ટ કુલહેમે પૂછ્યું : ‘ડૉ. પાપાડેરોસ જીવનનો અર્થ શું ?’

ડૉ. પાપાડોરેસે પોતાના પાકીટમાંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસો કાઢીને બતાવ્યો અને કહ્યું, ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હું જ્યારે નાનકડો છોકરો હતો, ત્યારે રસ્તા પરથી આ ટુકડો મને મળ્યો હતો. તરત જ મેં એનાથી રમવાનું શરૂ કર્યું હતું. એને તડકામાં રાખીને સૂર્યના પ્રકાશને અંધારી જગ્યાઓમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. સૂર્યનું અજવાળું જ્યાં પહોંચી ન શકે એવા અંધારા, અગોચર ખૂણાઓને આ અરીસાના ટુકડાથી પ્રકાશ ફેંકીને અજવાળવામાં મને અનહદ આનંદ મળતો હતો. હું મોટો થયો ત્યારે મારી એ રમતનો મને જુદો જ અર્થ સમજાયો. હું પોતે જાણે કોઈક મોટા અરીસાનો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે, એની મને ખબર નહોતી, પણ એના એક ટુકડા તરીકે મારું કાર્ય હું જાણી શક્યો હતો. મારું કામ અંધારી, અગોચર જગ્યાઓમાં સત્ય, સહાનુભૂતિ, સમજણ અને જ્ઞાનનો ઉજાસ પહોંચાડવાનું હતું. અને, મારું જોઈને કદાચ બીજા પણ એવું જ કામ કરે, એમ માનીને હું એ ચાલુ રાખું છું.’

[5] ઝેન ગુરુ ગેત્સુએ પોતાના શિષ્યો માટે આ મુજબ શિખામણ લખી હતી :

(1) એકાંત અંધારા ઓરડામાં પણ, સામે કોઈ માનવંત મહેમાન હોય એ રીતે વર્તન કરો.

(2) માણસ બહારથી ભોટ દેખાતો હોય છતાં એવો ન પણ હોય. ઘણી વાર બહારના અંચળા નીચે પોતાનું ડહાપણ તેણે છુપાવી રાખ્યું હોય એવું પણ બને. એટલે કોઈનું મૂલ્યાંકન તેના બાહ્ય દેખાવ પરથી કરશો નહીં.

(3) સદગુણો શિસ્તનો પરિપાક છે; એ કાંઈ વરસાદ કે બરફની જેમ આકાશમાંથી કોઈ ઉપર વરસતા નથી.

(4) નમ્રતા સદગુણોનો પાયો છે. તમે તમારી જાતની જાહેરાત કરો તે કરતાં તમારા પાડોશીઓને તમે કોણ છો એ શોધી કાઢવા દો.

(5) ઉમદા પુરુષો ક્યાંય ઘૂસવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ ઓછું બોલે છે અને તેમના શબ્દો બહુ જ કીમતી હોય છે.

(6) ઉદ્યમી શિષ્ય માટે દરેક દિવસ ભાગ્યશાળી જ હોય છે. તેને ક્યારેય વીતી ગયેલા સમય માટે અફસોસ કરવો પડતો નથી.

(7) તમારી ગરીબી તમારો મોંઘો ખજાનો છે. સુંવાળા જીવનની સગવડોના બદલામાં તેને વેચશો નહીં.

[6] પ્રાર્થના-1

હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ. બીજી વ્યક્તિઓના જીવનને ઠીકઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો અપાવ. બીજાના દુ:ખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ, બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુ:ખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ. ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ. માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ. અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.

[7] પ્રાર્થના-2

હે પરમકૃપાળુ પરમાત્મા,
તારા દિવ્ય શાણપણથી તું મારી મદદ કર. તું સર્વશક્તિમાન છે. હું પ્રાર્થના કરું છું કે, મારામાં તારી શક્તિ પ્રેરી મને કામ કરવા તું સમર્થ બનાવ. હું કશું જાણતો નથી પણ તું તો સર્વજ્ઞ છે. સર્વ રહસ્યોને જાણે છે. હે પ્રભુ, હું જે કાર્ય હાથ ઉપર લઈ રહ્યો છું એ જો મારા મનુષ્ય તરીકેના ધર્મ, જીવન અને ભવિષ્ય માટે શુભ હોય તો તેને મારા માટે સરળ બનાવજે. મને એમાં સમૃદ્ધિ આપજે. પરંતુ જો એ મનુષ્ય તરીકેના મારા ધર્મ, જીવન અને ભવિષ્ય માટે અશુભ હોય તો મારાથી એને દૂર રાખજે અને મારા માટે જે શુભ હોય એ મને બતાવજે.

[8] છેલ્લે…..

થોમસ કાર્લાઈલની એક વાત :
તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એ વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉષ્મા – કુન્દનિકા કાપડીઆ
વિચારમંથન – સંકલિત Next »   

13 પ્રતિભાવો : પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

 1. Bhalchandra, USA says:

  M. Mankad’s each and every article is worth reading. Please keep writing and God bless you many years, Mankadsaheb to write them.

 2. કલ્પેશ ડી. સોની says:

  સ્વપ્ન આવવું એ નબળી ઊંઘની નિશાની છે. નિદ્રા (માથે મિંડુ ન આવે, લખવામાં કે બોલવામાં)નું આધ્યાત્મિક મહત્વ પણ છે. સ્વપ્નરહિત નિદ્રા(ગાઢનિદ્રા) માંથી જાગ્યા બાદ આપણને અનુભવ થાય છે કે ‘હું સુખથી સુતો હતો, મને કોઈ સભાનતા ન હતી.’ સર્વસ્વનો ત્યાગ કર્યા પછી પણ આપણે આનંદમાં રહી શકીએ છીએ- આ વાત આપણને ઊંઘ શીખવાડે છે. આ જ વાતને આપણે વ્યવહાર કરતી વખતે યાદ રાખવાની છે. બીજું કે થાકેલું શરીર અને કંટાળેલું મન સારી ઊંઘ લીધા પછી તાજગી અનુભવે છે. એક સુંદર કલ્પના છે કે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે ભગવાન આપણાં હાથ-પગ દાબે છે, આપણને હાથથી પંપાળીને આપણાં થાક-કંટાળાને દૂર કરે છે.

 3. sima shah says:

  મોહમ્મદ માંકડ સાહેબના દરેક લેખ ખરેખર ખૂબ જ સરસ, વાંચીને વીચારવા લાયક હોય છે.
  સંદેશની રવિવારની પૂર્તિમાં સૌથી પહેલુ મારે એમનુ કેલીડોસ્કોપ વાંચી જવાનું….
  આભાર મૃગેશભાઈ
  સીમા

 4. Chintan says:

  ખુબ સુંદર વાત.

 5. Sunita Thakar(UK) says:

  જો મનન અને મન્થન કરીએ તો જીવન ને એક નવી દિશા મા લઈ જનાર ઉપયોગી લેખ. શ્રી મોહમ્મદભાઈ માંકડ એ સાચા મોતી વીણી ને આ લેખ મા મુક્યા છે. આભાર.

 6. Veena Dave.USA says:

  વાહ્ ખુબ સરસ લેખ્.

 7. Jagruti Vaghela U.S.A. says:

  ખુબજ સુંદર. લેખ વાંચી મન પ્રફુલિત થઈ ગયુ.

 8. Chirag says:

  વાહ મોહમ્દભાઈ – વાહ…. ખરેખર મજા આવી અને વિચારતો કરી મુક્યો….
  ખુદા હાફીસ…

  આભાર.

  • Dipti says:

   સાચો શબ્દ ” ખુદા હાફિઝ ” છે, ભૂલ કાઢવા નહી,પણ ભાષાની વેબ સાઈટ પર ભાષા માટે લખું છું.

 9. Dipti says:

  (1) એકાંત અંધારા ઓરડામાં પણ, સામે કોઈ માનવંત મહેમાન હોય એ રીતે વર્તન કરો——બહુ જ સૂચક .

 10. Jigna Bhavsar says:

  ખુબ સરસ.

  “તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એ વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.”

 11. Savinay says:

  Your each and every article is best and very practical.I always read “Kelidoscope” from Sandesh.You are really great…Please keep writing and God bless you many years. I thanks to Readgujarati….& I request… please add more article of Mankadsaheb

 12. Ashish Dave, Sunnyvale, Califronia says:

  પ્રાર્થના-૧ જીવનમા ઊતારીયેતો પછી કોઈ ધરમ ધ્યાન જાપ તપ જાત્રાની જરુર ન પડે…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.