વિચારમંથન – સંકલિત

[1] નિશા-અનુપમાને સલામ ! – રજની દવે

21મી સદીમાં આપણને સહજ રીતે એમ જ લાગે કે હવે તો જૂનાં સામાજિક દૂષણોએ વિદાય લીધી છે. પરંતુ નવા જમાનાની ઝાકમઝોળની લાલચ ઘણાને ભ્રષ્ટ કરી રહી છે. લગ્નમાં હવે ટૂ વ્હિલર, ફોર વ્હિલર, ટી.વી. વીડીયો, ફ્રિઝ વગેરે વરપક્ષ તરફથી માંગવામાં આવી રહ્યાં છે. આમ તો નાની મોટી ભેટો તો આપવાનો રિવાજ ચાલુ જ છે પરંતુ જ્યારે બેફામ માંગણીઓ કરવામાં આવે છે ત્યારે કન્યા પક્ષના ધબકારા વધી જાય છે.

આ બાબતે 2003માં બનેલા બે-ત્રણ કિસ્સા યાદ કરવા જેવા છે. નિશા શર્મા એક ઈજનેર બાપની દીકરી સૉફટવૅર ઈજનેરીના છેલ્લા વર્ષમાં ભણતી હતી. 21મા વર્ષે લગ્ન લેવાયાં. મુનશી સાથે લગ્ન ગોઠવાયા. ઈજનેર બાપે ઘણી બધી ભેટ ચીજો જમાઈ તેમજ તેના મોટાભાઈ માટે ખરીદી હતી. પરંતુ લગ્ન સમયે સાસુમાએ વરરાજાના મોટાભાઈ માટે કાર અને 12 લાખ રોકડા માંગ્યા. નિશા અગ્નિની સાક્ષીએ બેઠી હતી પરંતુ સાસુની ખોટી માંગે તેના મગજમાં ગુસ્સાનો અગ્નિ પ્રગટાવ્યો. તેણે જાતે જ પોલીસને ફોન કરીને બોલાવી અને વરરાજાને જેલના સળિયા ગણતો કર્યો.

અનુપમાની પણ એવી જ કહાની છે. અનુપમાએ દહેજની માંગણીને વશ ન થતાં સી.આર.પી.ની હાજરીમાં લગ્નમંડપનો ત્યાગ કર્યો. એક અન્ય છોકરીના લગ્નમાં જાન ચાર કલાક મોડી આવી અને આવ્યા પછી ચાલુ ભેટો ઉપરાંત 8 લાખ રોકડા માંગ્યા. તેણે પણ લગ્નની ચોરીનો ત્યાગ કર્યો. આજે નિશા અને અનુપમાની હિંમત જોઈને ઘણા બધા પ્રેરણા લેશે તેવું લાગે છે. જે પ્રેમ ખાતર નહીં પણ પૈસા ખાતર લગ્ન માટે તૈયાર થાય તેવાને લીલા તોરણે જાકરો મળે તેવું વાતાવરણ સર્જવાની જરૂર છે. નિશા-અનુપમા તેમજ અન્ય સાહસ કરવાવાળી યુવતીઓને સલામ કરીએ. (‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)

[2] કોણ શિક્ષિત, કોણ અભણ – સુરેશ પરીખ

પચીસેક વર્ષ પરની વાત છે. ત્યારે મેં કૉલેજમાંથી બે વર્ષની કપાત પગાર રજા લઈને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સાથેનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ કરી ગ્રામ ટેકનોલોજી સંસ્થાનું કામ સંભાળ્યું હતું. મારા એક પ્રવાસમાં ધરમપુરના આદિવાસી વિસ્તારમાં ગયો અને રાત કાંતિભાઈ શાહ સાથે પિંડવળ રોકાયો. સવારે ફરવા જતાં એક સ્થાનિક લુહારને ત્યાં જવાનું થયું. ભાંગ્યું-તૂટ્યું ઝૂંપડું. એક નામમાત્રની લુહારભઠ્ઠી, થોડાંક લુહારી કામનાં સાધનો. એ ત્યાં શું કામકાજ કરે તેની માહિતી મેળવી. એનાં સાધનો વડે કેટલી મુશ્કેલીથી કામ કરાય છે તે જોયું અને બે-ચાર લુહારી સાધન વસાવે તો કામની સરળતા, સુઘડતા અને ઝડપ વધે તે હું એને સમજાવતો હતો. જવાબમાં કહે કે : ‘બધી ખબર છે પણ બીજાં સાધનો ખરીદવા જેટલા પૈસાની સગવડ થતી નથી.’ મેં કહ્યું કે, ‘હું વલસાડ જાઉં છું. મારી સાથે આવે તો તને સાધનો અપાવું.’ તેને ભરોસો ન પડ્યો પણ કાંતિભાઈની વાતથી એને વિશ્વાસ બેઠો અને તેને લઈ વલસાડ ગયો.

એક દુકાને ગયા ને મેં દુકાનદારને કેટલાંક સાધનો કાઢવા-બીલ બનાવવા કહ્યું. આદિવાસી લુહાર પાસે રસીદ પર અંગુઠો પડાવી સાધનો આપ્યાં. કહે કે આના પૈસા કેટલી મુદ્દતે ચૂકવવાના છે ? મેં કહ્યું કે આ તો ગુજરાત સરકારની સંસ્થા તરફથી ભેટ છે. આ દરમિયાન એ દુકાનમાં જોતો રહે અને મેં પૂછ્યું કે હજી કાંઈ લેવું છે તો બીજાં બે સાધનો પસંદ કર્યાં. આપ્યાં. હજી કાંઈ જોઈએ તો લઈ લ્યે. તો કહે, ના આટલું બસ છે. એને બસ સ્ટેન્ડ પર મૂક્યો. જમવાના અને બસ ભાડાના પૈસા આપ્યા ને છૂટા પડતાં એ આભારની વાત તો ન કહે પણ એની આંખો આનંદ-આભારથી ભરેલી અનુભવાઈ.

ઉપર્યુક્ત ભૂમિકાએ આપણા ભણેલા-સવર્ણો-ઊજળિયાતને બે ત્રણ સવાલ પૂછવાનું મન થાય કે આ લુહારને ખબર હતી કે એને શું જોઈએ છે અને એ સિવાયનું મફત મળતું હોય તો પણ લેવાની ઈચ્છા-તૈયારી નથી. તો આપણામાંના કેટલાકને ખબર છે કે તેમને શું જોઈએ છે અને તે સિવાય મફત મળતું હોય તોય જતું કરવાની વલણ-વૃત્તિ-સમજણ કેટલા પાસે છે ? આપણે તો પ્રદર્શનમાં જઈએ તો સ્ટોલ પરથી મળતી મફત પત્રિકાઓ પણ જરૂર ન હોય તોય લઈ લઈએ કે પસ્તીમાં અપાશે. પુસ્તક વગેરે નાની મોટી વસ્તુઓ પણ મફત મેળવવાની જ ઈચ્છા કરીએ છીએ. ત્યારે થાય કે કોણ અભણ અને કોણ શિક્ષિત ?

[3] મરણ – રમેશ સવાણી

કેટલાય મહિનાઓ પછી વતનમાં જવાનું થયું. ઘરેથી પત્ર આવ્યો કે દાદાનો પગ ભાંગી ગયો છે એટલે…. મનમાં થયું : ‘સારું થયું પગ ભાંગ્યો. હવે દાદા શાંતિથી બેસશે. માથું ફાડી નાખે તેવો તડકો હોય કે કડકડતી ઠંડી. દાદા કામ કરતા જ હોય. થાકે જ નહીં. આટલી ઉંમરે શી જરૂર હતી સખત કામ કરવાની ? મા દીકરાને નવડાવે તેમ દાદા રોજ ભેંસોને ધમારે. ભેંસને વાળવા ગયા અને પડી ગયા. પગ ભાંગી ગયો….’
ઘરે પહોંચ્યો.
દાદાની સારવાર કરી રહેલ ડૉકટરને મેં પૂછ્યું : ‘દાદાને સારું થઈ જશે ?’
ડૉક્ટર કંઈ બોલે તે પહેલાં પિતાજીએ કહ્યું : ‘હવે સારું થશે ઉપર જશે ત્યારે !’
મને આંચકો લાગ્યો. પિતાજી ડૉક્ટરને લઈને બહાર ગયા ત્યારે દાદાએ કહ્યું : ‘દીકરા શું કહું ? કોને કહું ? તારી બા ય પૂરો રોટલો ખાવા આપતી નથી. હું ઝટ મરું એની જ સૌ રાહ જોઈ રહ્યા છે……’

થોડા દિવસ પછી, ઑફિસમાં હું એકલો બેઠો હતો ત્યારે એક સ્નેહીએ આવીને મારા મોંમાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો. મેં પૂછ્યું : ‘શું છે ? શેની ખુશી છે ?’
‘આજે હું દાદા બન્યો છું.’
મીઠાઈ મારે ગળે જ અટકી ગઈ. (‘ગુજરાતી લઘુકથાસંચય’માંથી સાભાર.)

[4] સાચી ગંગા – અજ્ઞાત

મહારાષ્ટ્રના મહાન સંત એકનાથની મહત્તા દિવસે દિવસે વધતી જતી હતી. તેઓ સંસ્કૃત ગ્રંથો વાંચવાને બદલે મરાઠી ભાષામાં લોકોને સમજાય એવી સરળ ભાષામાં ધર્મોપદેશ કરતા હતા. આથી તે જમાનાના મહાન પંડિતો અને સંસ્કૃત વિદ્વાનોની સભામાં લોકોની હાજરી ઓછી થવા લાગી. આ લોકોએ કથાવાર્તાને પોતાના જીવનનું સાધન બનાવ્યું હતું. ધર્મકથાઓ વટાવીને દાન મેળવવાનો તેમણે એક કીમિયો શોધી કાઢ્યો હતો. એમનાથી સંત એકનાથની લોકપ્રિયતા પછી કેમ સહન થાય ? અંતે તેમનાથી કશું જ ન બન્યું એટલે નિંદાનો આશ્રય લીધો.

તેમણે સંત એકનાથની નિંદા શરૂ કરી :
‘એકનાથ પાખંડી છે ! એકનાથ સંસ્કૃતનું અપમાન કરે છે ! એ માણસ લોકોને અવળે રસ્તે લઈ જાય છે !’ પણ એકનાથે કશો જ એમના તરફ તિરસ્કાર દર્શાવ્યો નહીં. અપૂર્વ દઢતાથી તેમણે આ બધું સહન કર્યું. એક દિવસ એમના શિષ્યોએ એનું કારણ પૂછ્યું. એકનાથે કહ્યું : ‘મારા નિંદકો તો મારા પૂજ્ય છે. એમના ચરણમાં મારું મસ્તક નમે છે. મારાં પાપોને તેઓ નિંદા કરીને ધૂએ છે. મારે તો ઘેર બેઠાં ગંગા જેવી વાત છે. એમના પર મારે ગુસ્સો કરવાનો હોય ? એમના વિના મારાં પાપો પછી કોણ ધૂએ !’ (‘અખંડ આનંદ’માંથી સાભાર)

[5] ઉદ્યમશીલતાની ટેવ – સંત પુનિત

ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ સાતમાનાં મહારાણી એલેકઝાન્ડ્રા વિશાળ બ્રિટિશ સામ્રાજ્યના સમ્રાટની મહારાણી હતાં, છતાં તેઓ ઉદ્યમમાં માનતાં હતાં. તેઓ કદી નવરાં બેસી ન રહેતાં. પોતાને હાથે પહેરણો સીવતાં અને જરૂરવાળા ગરીબ લોકોને વહેંચતાં. રાજમહેલનાં ઐશ્વર્ય અને અખૂટ સંપત્તિમાં આળોટવાનું જેને મળ્યું હતું તેવાં એલેકઝાન્ડ્રામાં આવી ઉદ્યમશીલતા તો જાણે તેમના જીવન સાથે વણાઈ ગઈ હતી. તેઓ એડવર્ડ સાતમા સાથે પરણ્યાં નહોતાં અને કુંવારાં હતાં ત્યારે પણ આ રીતે પહેરણો હાથે સીવતાં અને સીવીને તૈયાર કરેલાં પહેરણો ગરીબોને વહેંચી દેતાં. મહારાણી બન્યાં પછી પણ આ ક્રમ સતત જાળવી રાખ્યો હતો. પણ પછી તેમણે આ ક્રમ જાળવી રાખ્યો એ બીજા કેટલાકને પસંદ નહોતું.

એક દિવસ કોઈએ તેમને પૂછ્યું પણ ખરું : ‘તમારે બીજાં ઘણાં અગત્યનાં કામો કરવાનાં હોય છે. એને અવગણી પહેરણો સીવવાનો આ સમય કઈ રીતે કાઢો છો ? મહારાણી હોવા છતાં આવું હલકું કામ શા માટે કરો છો ?’
એલેકઝાન્ડ્રાએ આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું : ‘પહેરણો સીવવાના કામને હું રાજ્યના અગત્યનાં કામો જેટલું જ મહત્વનું ગણું છું. હવે પ્રશ્ન એ રહ્યો કે આ માટેનો સમય હું કેમ કરીને મેળવું છું. જેવો મને થોડોક પણ ફાજલ સમય મળે છે કે તરત પહેરણો સીવવા બેસી જાઉં છું. રાતે પણ મારા પતિ જ્યારે પુસ્તક વાંચતા હોય ત્યારે હું તે સાંભળતી જાઉં છું અને સાથે સાથે પહેરણો સીવવાનું કામ પણ ચાલુ રાખું છું. એટલું જ નહિ, વંચાતા એ પુસ્તકના વિષય અંગે અમે બંને સહચર્ચા પણ કરીએ છીએ. દરમિયાન મારા હાથ તો પહેરણો સીવવામાં જ જોડાયેલા રહે છે ! અને તમે સમજી લો કે, જો કોઈ પણ વ્યક્તિ ઉદ્યમશીલતાની ટેવ પાડે તો તે ગમે ત્યાંથી, ગમે તે રીતે, ગમે તેટલો સમય જરૂર કાઢી શકે છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ
સાને ગુરુજી – મીરા ભટ્ટ Next »   

25 પ્રતિભાવો : વિચારમંથન – સંકલિત

 1. કલ્પેશ ડી. સોની says:

  નિશા-અનુપમા : દહેજપ્રથા સદંતર નાબૂદ થવી જોઈએ. લગ્નસંસ્થા ખતમ થઈ રહી છે, તેના પર જે ફટકા પડી રહ્યા છે તેમાં દહેજપ્રથા એક ફટકો જ છે. સાથે-સાથે એક વિચાર એ પણ આવે છે કે મા-બાપો વારસાના એક્સરખા ભાગ પાડીને દીકરા-દીકરીઓને વહેંચે છે કે પછી . . .
  સાચી ગંગા : મહારાષ્ટ્રના મહાન સંત એકનાથની જેમ આપણે પણ આપણી ટીકા શાંતિથી સ્વીકારવી જોઈએ. મરાઠી ભાષામાં એક કહેવત છે કે निंदकाचे घर असावे सिझारी. એટલે કે આપણા ઘરની બાજુમાં જ આપણી નિંદા કરનારનું ઘર હોવું જોઈએ. તેની ટીકા-નિંદા આપણને આપણા વર્તન પ્રત્યે સભાન રાખે છે તેમજ આપણને ક્યારેય અભિમાની થવા દેતી નથી. આપણી પ્રગતિ સતત ચાલુ જ રહે છે. આપણને એકવાર પ્રશંસા સાંભળવાની ટેવ પડી ગઈ કે પછી આપણાં પતનના દિવસો શરુ થયા જ સમજો.

 2. ખુબ જ સુંદર સંકલન

 3. nayan panchal says:

  નિશા શર્માનો કિસ્સો મિડિયામાં ઘણો ચમક્યો હતો. આ કિસ્સા પછી ઘણા મૂરતિયાઓએ તેને પરણવાની તૈયારી પણ બતાવી હતી. અન્ય કિસ્સાઓ પણ સરસ.

  આભાર,
  નયન

 4. જગત દવે says:

  ઉદ્યમશીલતાની ટેવ – સંત પુનિત:

  શ્રમનો મહિમા ગાતો એક સરસ લેખ વાંચવાનું મન હોય તો નીચે આપેલ લીંક પર ક્લીક કરોઃ

  http://www.divyabhaskar.co.in/2010/02/08/100208123927_work_culture_will_bring_wealthness.html

  • hardik says:

   Wealthness?

   આજે ઓક્સ્ફર્ડ વાળા ગાંડા થઈ જશે.

   • જગત દવે says:

    હાર્દિકભાઈઃ

    આ ગુજરાતી દૈનિકની લીંક છે તેમાં આપ English ને ન શોધો તે જ આપના હિતમાં છે.

    મે આ શબ્દને ગુગલ કર્યો તો મને આશ્ચર્યજનક પરિણામો મળ્યા જે નીચે મુજબ છે.

    તો એમ કહી શકીયે કે ‘ઓક્સ્ફર્ડ વાળા’ ને ગાંડા થવાનાં ૨૯૪૦૦૦ કારણો નેટ પર મોજુદ છે. 🙂

    Results 11 – 20 of about 294,000 for Wealthness. (0.22 seconds)

  • Ashish Dave, Sunnyvale, Califronia says:

   Thanks for sharing. I do read Gunvantbhai on a regular basis.

   Ashish Dave

 5. આપણામાંના કેટલાકને ખબર છે કે તેમને શું જોઈએ છે અને તે સિવાય મફત મળતું હોય તોય જતું કરવાની વલણ-વૃત્તિ-સમજણ કેટલા પાસે છે ?

  ખૂબ જ ઓછા લોકો પાસે હશે…. લાવ લાવ કરવાની વૃત્તિ જેટલી શિક્ષિતોમાં છે એટલી ગામડાઓમાં નથી, જરૂર પૂરતું જ વાપરવું એ જ એમનો મુદ્રાલેખ હોય છે.

  જો કોઈ પણ વ્યક્તિ ઉદ્યમશીલતાની ટેવ પાડે તો તે ગમે ત્યાંથી, ગમે તે રીતે, ગમે તેટલો સમય જરૂર કાઢી શકે છે.’…. ખૂબ સાચી અને સરળ વાત

  મારા નિંદકો તો મારા પૂજ્ય છે. ….. આ તો સાચા સંત જ કહી શકે.

  ખૂબ સરસ સંકલન મૃગેશભાઈ !!

 6. Chintan says:

  સતત કાર્યશીલ રહીને સમાજ ઉપયોગી પ્રદાન કેમ થઈ શકે તેની ખુબ સરસ વાત રજૂ થઈ છે.
  આભાર મૃગેશભાઈ.

 7. trupti says:

  ૧. લગન ને જ એક ultimate ન સમજવુ અને દિકરી ઓને એવી તાલીમ આપો જેથી કરી ને તે કોઈની પણ ઓસીયાળી રહ્યા વગર પોતાનુ જીવન સ્વમાનભેર જીવી શકે. દહેજ આપવુ એ દહેજ લીધા કરતા વધારે સંગીન ગુનો છે. indirectly, આતો દિકરીઓ નુ વંહેચાણજ ગણાય.
  ૨. મફતનુ મળે તે ઘર ભેગુ કે પેટ ભેગુ કરવાની ઘણાની વ્રુતિ હોય છે એમાથી ગામડા ના લોકો/ગરીબ પણ બાકાત નથી. પણ પૈસાવાળા અને ભણેલી વ્યક્તિમા એ વધુ દેખાય છે. ઓફિસની પાર્ટી છે, પિવા નુ ખાવાનુ મફત મા છે એટલે ખવાય એટલુ ખાઈ લો અને પિવાય એટલુ પિ લો કાલ કોણે દિઠી છે? મફતની લેવાની વ્રુતિપર થી તાજેતરમા જ અમારા મકાનમા બનેલો પ્રસંગ યાદ આવ્યો.
  ધુળેટી નિમિત્તે અમે જમણવારનુ આયોજન ક્રર્યુ હતુ અને તેમા સોસાયટી ના બધાજ સદસ્યો ને વગર કોઈ અનુદાન વગરનુ આમંત્રણ આપવામા આવ્યુ હતુ અને મહેમાનદીઠ રૂ.૧૭૫/- ઠરાવવા મા આવ્યા હતા. દરેક હાજર રહેનાર મેબર ને કુપન ફાળવવમા આવી હતી જેથી કરી ને કેટરર્સ ને પૈસા ચુકવતી વખતે ગણતરી ની કોઈ ભુલ ન થાય. એક મેંબર મોટુ ટિફીન લઈ ને આવ્યા અને બધી વાનગીઓ ભરવા માંડ્યા. જયારે તેમને કુપન માટે પુછવા મા આવ્યુ ત્યારે તેમને તેમના ઘરના ૩ સદસ્યની કુપન મારી આગળથી મેળવી લીધી અને કેટરર્સ ને ફકત એકજ કુપન આપી. . તેમનુ તેમ કરવા નુ કારણ ઘરમા દિકરી-જમાઈ અને દોહિત્રીઓ નુ હાજર હોવુ. જો તેઓ નીચે જમવા આવે તો દિકરી-જમાઈ ના રૂ.૩૫૦ ભરવા પડે, દોહિત્રીઓ તો નાની એટલે મા-બાપ જોડે જમી સકે. માટે ટીફીન મા ભરી ને તેઓ ને માટે લઈ ગયા. કેટરરર્સ ના માણસે સવાલ ક્રર્યો એટલે બીજી એક કુપન આપી અને પોતે અને તેમની ૨ દોહીત્રીઓ નીચે જમી ગઈ. એવુ નથી કે તમને નિર્ધારીત રકમ ભરવાની ત્રેવડ નહતી પણ વ્રુતિ….. રહે છે તે ઘરનીજ બજાર કિંમત ૨.૫૦ કરોડ રૂ છે, હોંડા સીટી ગાડી છે પણ મફ્તનુ જ્યાં મળતુ હોય ત્યાં પૈસા શું કરવા ખર્ચવા?
  ૩.ઘરડા ગાડા વાળે વાળા દિવસો હવે ગયા!!!!!!!
  ૪.જયારે આપણે એક આંગળી કોઈ તરફ ચીંધીયે છી ત્યારે, બીજી ૪ આંગળી આપણા પોતાના તરફ ચીંધાતી હોય છે.
  ૫.કોઈ કામ મોટૂ કે નાનુ કે ખરાબ નથી હોતુ પણ કઈ નીયતથી ક્રર્યુ છે તે મહત્વનુ હોય છે.

  • hardik says:

   તૃપ્તીબેન,

   આપની કૉમેન્ટ્સ ખુબ સરસ. આભાર

  • Ashish Dave, Sunnyvale, Califronia says:

   મફતનુ ક્યારેય કોઈને પચતુ નથી. ઊપર બધો હીસાબ બરાબર થઈ જ જતો હોઈ છે. Agree with all your comments…

   Ashish Dave

 8. જગત દવે says:

  તૃપ્તિબેનઃ

  બધા જ અભિપ્રાયો એકદમ સચોટ.તમારી સોસાયટીનાં ‘મફતલાલ’ ને જ્યારે તક મળે ત્યારે એ બાબતનું ભાન કરાવવાનું યાદ રાખજો.

  તમે વર્ણન કર્યુ છે તેવા વરવા દ્રશ્યો મને અહિં ગલ્ફમાં પણ ભારતીય મેળાવડાઓમાં ઘણીવાર જોવા મળે છે જે ધણાં જ ધૃણાસ્પદ હોય છે. ધણીવાર તો એવું લાગે કે ભારતીયોનાં લોહીમાં જ અનૈતિકતા અને દંભ પેસી ગયા છે.

  ગરીબ અથવા અભણ લોકોની વૃતિ મફતનાં ભોજન કે અમુક સામાન્ય રકમની છેતરપીંડી જેટલી જ હોય છે પણ અમીરો અથવા ખાધે પીધે સુખી લોકો ની વૃતિ દેશને ભયાનક નુકશાન પહોંચાડી રહી છે.

  મારા વ્યવસાય (HR & Administration) ને કારણે પણ મને આવા ધણાં સારા-નરસા અનુભવો થયા છે. સમય મળ્યે જરૂર લખીશ.

  • trupti says:

   જગતભાઈ,

   આભાર. હું એક એમ.ન.સી. મા એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ માં છેલ્લા ૧૭ વરસથી કાર્યરત છુ. અમારી કંપની નીં ઓફિસો ગ્લોબલી ૫૦ દેશો મા છે અને અમારા ક્લાયંટૉ પણ વિદેસીઓ છે આ માટે થઈને અમારા ટેકનિકલ સ્ટાફને દેસ માં તથા વિદેસમા કામ અર્થે વારંવાર જવુ પડતુ હોય છે અને તે માટે કંપની તેમને અમુક ભથ્થાઓ આપે છે જે જરુરત કરતા ઘણા વધારે હોયછે છતા આમ તેમ થી ખોટા વાઉચરો બનાવી પૈસા બનાવવાની તક તેઓ ચુકતા નથી તેમા ડાયરેક્ટર લેવલના લોકો પણ આવી જાય એટલે જ કહ્યુ છે કે, સંસ્કાર અને પ્રમાણિકતા નો ઈજારો ખાલી ધનવાન ને ભણેલાનો નથી હોતો, મારા મતે ગરિબ અને અભણ લોકો વધુ પ્રમાણિક હોય છે.

 9. Jagruti Vaghela U.S.A. says:

  ૧ નિશા, અનુપમાની હિંમત ને દાદ દેવી પડે. એટલે જ છોકરીઓએ સ્વાવલંબી બનવુ જોઇએ.

  ૨ મફતિયુ મેળવવાની વૃત્તિ ગરીબ કરતા પૈસાવાળાઓમા વધુ જોવા મળે છે.

  ૩ ‘ દિકરા શું કહું?, તારી બા ય પૂરો રોટલો ખાવા આપતી નથી’ વાંચી યાદ આવ્યુ કે ગઈકાલના ‘ઊષ્મા’ લેખ માટે આપેલી કોમેન્ટ્મા
  વિણાબહેને લખ્યુ છે કે પોતાના સ્ંતાનો પાસે વધુ પડતી અપેક્ષા રાખતા વૃધ્ધોએ પોતાના સાસુ સસરાને કેવીરીતે રાખ્યા હતા તે
  તપાસવાનુ. જવાબ આમા મળી જાય છે.

  ૪ સરસ સંકલન.

  ૫ વાહિયાત ટીવી સિરિયલો જોતી અને કિટ્ટિ પાર્ટિઓમા રાચતી નારીઓએ કંઇક શિખવા જેવુ.

 10. Dipti says:

  અને તમે સમજી લો કે, જો કોઈ પણ વ્યક્તિ ઉદ્યમશીલતાની ટેવ પાડે તો તે ગમે ત્યાંથી, ગમે તે રીતે, ગમે તેટલો સમય જરૂર કાઢી શકે છે.’———–અને અહીં તો એક વાર રીડ ગુજરાતી પર બેઠા પછી ઘરમાં કામ બાકી હોય અને બીજા દિવસ પર મુલતવી રહે તેવું હોય તો એમ જ થાય કે હજુ વધુ વાંચીએ. કામ તો આખી જીંદગી રહેવાનુ છે.
  આ સંકલન સાથે બધાંએ બીજા કેવા હોય છે એ જ લખ્યું છે, આમાંથી કોઈ વાત પોતાને કેટલી સ્પર્શે છે એ તો કહો.

 11. Veena Dave.USA says:

  સરસ લેખ્.
  બાળપણથી સાથે ઉછરેલા, ભણેલા, મિત્રોમાંથી પ્રેમી બનેલા છોકરો-છોકરી લગ્નમંડપમા બેઠા પછી છોકરાના મા-બાપ દહેજની માંગણી કરે અને છોકરી મંડપમાંથી ઉભી થઈને લગ્ન કરવાની ના પાડે એવુ પણ બને છે. હવે તો મા-બાપ દિકરાને ડોક્ટર્/ ઇજનેર બનાવ્યા પછી વધુ લાલચૂ બની ગયા છે. વહુ પણ સારા પગારવાળી નોકરી કરતી જ જોઇએ. કેમ એવુ? છોકરીને જે મા-બાપે ભણાવી એનો વિચાર છોકરાના મા-બાપ કરતા જ નથી.
  ૨. મફતિયુ પડાવીને ઘણા પૈસાદાર બન્યા હશે.
  ૩. ૪. ૫. ખુબ સરસ્.

 12. Mital Parmar says:

  ખુબ સરસ…….

 13. Rajni Gohil says:

  હિંમતે મર્દા તો મદદે ખુદા. આ ઉક્તિને યથાર્થ ઠરાવતી નિશા-આનુપમાની હિંમત જોઇને ઘણા પ્રેરણા લેશે. હિંમત સાથે ફક્ત હકારાત્મક વિચારો અવશ્ય સફળતા અપાવે. આવી હિંમત દાખવી લાંચરૂશ્વત કે એવા બીજા દુષણો શા માટે ન દૂર કરી શકાય?
  મફતમાં લેવાની ઇચ્છા ઘણા અનર્થોનું મૂળ છે. સંયમિત મન અને દ્રઢ નિર્ધારથી આ બદીમાથી જરૂર બહાર આવી શકાય. હકિકતમાં તો આપણે જે આપીએ છીએ તે અનેક ઘણું કરી ભગવાન એમના સમયે અને એમની રીતે પાછું આપે છે. આ દ્રષ્ટિએ મફતમાં લીધેલું ક્ષણિક ફાયદો બતાવતું હોય પણ તે ખોટનો સોદો બની રહે છે. મફતનું લઇશ નહીં એ આપણે અત્યારથી આચરણમાં મુકી આવતી પેઢીને આ બદીમાથી જરૂર ઉગારી શકીએ.

  શ્રમ વગરનું ખાવું એ ઘણી રીતે નુકશાન કારક બની રહે છે. જનસેવા એજ પ્રભુ સેવા છે. બીજાના શ્રમનું આપણે ખાઇએ ત્યારે પ્રભુસેવાનો લાભ તેને ફાળે જાય છે અને આપણા નામે શ્રમનું દેવું વધી જાય છે. શ્રમને અભાવે ભૂખ ન લાગવી, મેદસ્વીતા વગેરે શારીરિક ગેરલાભ આપણને મળે છે. એક બુઝુર્ગ સંત બાગકામ કર્યા વગર જમતા ન હતા. એક દિવસ એમના શિષ્યોએ સાધનો સંતાડી દીધાં. તે દિવસે સંતે ભોજન લીધું ન હતું. શ્રમનો મહિમા ગાતા આવા તો ઘણા ઉદાહરણો મળી રહે. પણ શ્રમ કરવાનું ન ચૂકવા માટે આ એક જ ઉદાહરણ પુરતું છે.

  આપણે બીજાની નિંદા કરી બીજાના પાપ ધોવાની વાત નિંદા કરનારા ક્યારે સમજશે? સંત એકનાથજીએ સરસ મઝાનું ઉદાહરણ પુરું પાડ્યું છે.

  મહારાણી એલેકઝાન્ડ્રાનું ઉદાહરણ ખૂબ જ ધ્યાન ખેંચે એવું છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે. શ્રમનો મહિમા બતાવી સમાજનું ઋણ ચૂકવાની મહારાણી એલેકઝાન્ડ્રાની ધગશ દાદ માંગી લે તેવી છે. અને સાથે સાથે સમયનો સદઉપયોગ કેટલી કૂનેહથી કરી સમયના અભાવનું બહાનું કાઢનારને સણસણતો જવાબ આપી દીધો છે. આલ્બર્ટ આઇનસ્ટાઇનને પણ રોજના ૨૪ કલાક જ મળતા હતા એ ન ભૂલવું જોઇએ.

  આવા સુંદર ઉદાહરણરૂપ સંકલનો દર અઠવાડિયે વાંચવા મળે અને તેમાંથી પ્રેરણા લઇ આપણા જીવનમાં સુગંધ ભરવાનું ન ચુકીએ તો દુનિયા કેટલી રળિયામણી બની જાય !

 14. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  વિચારમંથન ખરેખર વિચાર માંગી લે તેવા છે. દહેજ જેવી કુપ્રથા તો બીજી કોઇજ નથી. લગ્ન મંડપથી જાન પાછી વાળવી એતો હિંમતનુ કામ તો છેજ. પણ લગ્ન થઈ ગયા પછી દહેજની માગણી કરવી અને જ્યારે કન્યાના મા-બાપ ન આપી શકે ત્યારે વહુને સળગાવી દેવાના કિસ્સા પણ અખબાર મા પ્રકાશિત થયા છે. બિહારમા તો રીતસરની બોલી લગાવાય છે. છોકરો જેટલો વધારે ભણેલો એટલી દહેજની રકમ વધારે આર્થિક રીતે સધ્ધર નો હોય એવા મા-બાપતો દિકરી ને પરણાવવા દેવુજ કરવુ પડે. પણ એક જ આશા કે એમ કરતાય જો મારી દિકરીને સારુ ઘર મળે અને ત્યા સુખેથી રહે.
  પણ અમારી જ્ઞાતિમા તો કંકુ અને કન્યા આપી ને વિદાય કરે તોપણ ચાલે. કન્યાના મા-બાપ તેમની શક્તિ પ્રમાણે આપે. જ્યા સુધી કન્યા લગ્ન કરી ઘરે આવે અને આણુ બતાવે ત્યારે જાણ થાય કે શુ લઈને આવ્યા. મને એ પ્રથાની માટે ગર્વ છે મારી જ્ઞાતિ પર.

  બાકીના બધાજ સંકલન ખુબજ સરસ. ઘણુ બધુ શિખવા અને સમજવા જેવુ.

  • trupti says:

   ચેતનભાઈ,

   દહેજનુ દુષણ વધત-ઘટતે અંશે બધેજ છે. કોઈ એને વાંકડાનુ નામ આપે કે કોઈ દહેજ નુ તમે બિહારની વાત કરી પણ આ દુષણ સાઉથ ના રાજ્યમા પણ છે. ખાસકરી ને કેરલામાં અને તેમા પણ ઈસાઈ સમાજ મા વધારે, છોકરી ના મા-બાપ બિચારા આખી જીદગી છોકરીઓ નુ દહેજ એકઠુ કર્યા કરે અને છોકરાવાળા જાણે છોકરો વહેંચવા કાઢ્યો હોય તેમ તેની બોલી લગાવે જેટલો છોકરો ભણેલો તેટલો તેનો ભાવ વધારે!!!!!!!! જ્યાં સુધી આપવાવાળા પોતાનો અભિગમ નહીં બદલે ત્યાં સુધી આ ચાલ્યા જ કરવાનું. ઉપક્રુત કિસ્સામા જેમઆઆ અનુપમા અને નિશા એ જેવી હિંમત દાખવી તેવી હિંમત જો બધિજ દિકરીઓ દાખવે તો મજાલછે કોઈની કે તે દહેજની માંગણી કરી શકે?
   તમે જેમ તમારિ ન્યાત નો દાખલો આપ્યો તેમ અમારી ન્ત્યાત મા પણ તમારા જેવો જ રિવાજ છે અને આણુ બતાવવાનુ અને પ્રદશન કરવાનો રિવાજ નથી. અમારી ન્યાતે પોતાના લિખીત બાયલોસ બનાવ્યા છે, અને તની હેઠળ મા-બાપે પોતાની કન્યા કંકુ અને ચોખા સાથે જ વાળાવવાની હોય છે. કોઈ જાતની આપલે અને માંગણી ને સ્થાન નથી. લગન નો ખર્ચ પણ અડધો-અડધો ભોગવવાનો હોય છે. વરના પિતા ક્ન્યા ને પલ્લાની અમુક રકમ ક્ન્યા ને લગ્ન ના દિવસે આપે છે અને તે તેનુ સ્ત્રિધન ગણાય છે. પલ્લાની રકમ પણ ન્યાત ના બાયલોસ પ્રમાણે હોય છે. લગ્ન એ બે અત્માનુ મિલન છે, બે પરિવારનુ મિલન એ અને તેમા પૈસા અને બીજી બધી મટિરીલીએસ્ટ્ક વસ્તુ ઓ ને સ્થાન ન હોવુ જોઈએ.

   • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

    તૃપ્તિબહેન,

    તમારા પ્રતિભાવ અને આપેલ પુરક માહિતી માટે આભાર. તમારી વાત ખરેખર સાચી છે. લગ્ન જેવી પવિત્ર સંસ્થામા પૈસા જેવી ભૌતિક વસ્તુને સ્થાન ન હોવુ જોઈએ. હું તો ઘણી વખત વિચારુ કે આટલી બધી જંગી દહેજની રકમ લઈને એ પતિ-પત્ની વચ્ચે શુ પ્રેમ અને આત્મીયતા ના સંબધો પ્રસ્થાપિત થતા હશે? અને દહેજ લીધેલ એજ કુટુંબમા જ્યારે દીકરી-રત્ન નો જન્મ થતો હશે તો કદાચ પહેલી ચિંતા એ નવા બનેલ પિતાને દહેજ આપવાનીજ થતી હશે. કેટલો કમનસીબ હશે એ પિતા જે પુત્રી ના જન્મનો આનંદ પણ નહી માણી શકતો હોય.

 15. manish says:

  વિચારમંથન ખરેખર વિચાર માંગી લે તેવા છે.

 16. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Thought provoking…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.