સાને ગુરુજી – મીરા ભટ્ટ

[ નવી પેઢીને ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓની માહિતી મળે તે હેતુથી વડોદરાના ‘જનજાગૃતિ અભિયાન’ સંસ્થા દ્વારા મીરાબેન ભટ્ટની કલમે ‘યાદ કરો કુરબાની’ નામે બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના ભાગ-1માંથી આજે શ્રી સાને ગુરુજીનું જીવનદર્શન અહીં કરીએ. અન્ય તમામ ચરિત્રોની યાદી આ લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિ માટે લેખના અંતે આપેલ સરનામે આપ સંપર્ક કરી શકો છો.]

‘બાબા, મને ‘શામુની મા’ જેવી મા ક્યારે મળે ?’ – તેવીસ વર્ષનો એક તરુણ વિનોબાજીને પૂછે છે. એના જવાબમાં વિનોબાજી કહે છે કે – તું જ્યારે શામુ જેવો બનીશ ત્યારે તને શામુની મા જેવી મા મળશે. કોણ છે આ શામુ, ને કેવી છે એની મા ? – આ બંને જીવતાં પાત્રો નથી, પરંતુ એક પુસ્તકનાં બે પાત્રો છે. પરંતુ મહારાષ્ટ્રના અનેક યુવાનોનાં દિલોમાં શામુની માએ અદ્દભુત સ્થાન મેળવી લીધું છે. આમ, પુસ્તકનાં પાત્રોને જીવંત બનાવી ઘેર ઘેર પહોંચાડનાર લેખકનું નામ છે, સાને ગુરુજી. એમનું હુલામણું નામ ‘શ્યામ’.

આ ‘સાને’ તો એમની અટક. ‘ગુરુજી’ એમનું ઉપનામ. પરંતુ એમનું આખું નામ છે, પાંડુરંગ સદાશિવ સાને. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના એક ગામડામાં સાધારણ સ્થિતિના કુટુંબમાં એમનો જન્મ 1899ની 24મી ડિસેમ્બરે થયો. ધર્મપરાયણ તથા કોમળ સ્વભાવની મા પાસે પાંડુરંગનું નાનપણથી જ ભક્તિભાવવાળું ઘડતર થયું. નાનપણમાં મા કાનમાં અને કાંડામાં ઘરેણાં પહેરાવતી. એક વાર નિશાળમાં મોટા શિક્ષક પરીક્ષા લેવા આવ્યા. પાંડુરંગના દાગીના જોઈ પૂછ્યું, ‘દાગીના કોણ પહેરે ?’
‘બહેનો.’
‘લોકો તને દાગીનાથી ઓળખે તે ગમે, કે સદવર્તનથી ?’
‘સદવર્તનથી’ પાંડુરંગે જવાબ આપ્યો. બસ, તે દિવસથી દાગીના છૂટી ગયા અને સદગુણો કેળવવાનું કામ શરૂ થયું. પછી તો મેટ્રિક-ગ્રેજ્યુએટ થઈ શાળાના શિક્ષક બન્યા. પોતાને નાનપણથી જ સાહિત્યનો શોખ. એટલે વિદ્યાર્થીઓ માટે ‘છાત્રાલય’ નામનું હસ્તલિખિત દૈનિક શરૂ કર્યું. એક વાર મુંબઈ જવાનું થયું તો ચોપાટી પર ગાંધીજીનું ભાષણ સાંભળ્યું. ગાંધીજીના શબ્દો એમના અંતરમાં આરપાર ઊતરી ગયા. ગાંધીજીમાં એમને ભારતનાં તપ અને વૈરાગ્ય દેખાયાં ! જાણે હરતીફરતી, જીવતી-જાગતી ગીતા ! સત્ય અને પ્રેમનો સાક્ષાત અવતાર ! એમની દેશદાઝ તો જાણે ભડભડતી આગ !

બસ, ગાંધીજી હૈયામાં વસી ગયા અને પછી તો ગાંધીજીએ જ એમના જીવનનું સુકાન જાણે હાથમાં લઈ લીધું. બાપુનો પડ્યો બોલ ઝીલી લેતા થયા. 1930માં કૉંગ્રેસે સમગ્ર દેશ સામે પૂર્ણ સ્વરાજની હાકલ કરી, પછી તો આ થનગનતા યુવાનનો આત્મા નોકરીએ ઝાલ્યો રહે ? જોડાઈ ગયા, ગાંધીબાપુની સેનામાં ! ભારત જેટલા મોટા દેશની આઝાદી મેળવવાની હતી ! કાંઈ નાનીસૂની સેના ચાલે ? વળી આ તો ગાંધીબાપુની સેના ! એના સૈનિકના હાથમાં બંદૂક-તલવાર નહીં, ચરખો હોય ! એ જમાનામાં તો ખાદીનો પોષાક જ ‘રાષ્ટ્રીય પોષાક’ ગણાતો. બસ, સૈનિકના વેશમાં સજધજ થઈને આ સૈનિક નીકળી પડ્યો સૈનિકોની ખોજમાં. ગામેગામ ફરીને સભાઓ ગજવે. એની જોશીલી વાણી સાંભળી જુવાનોનાં હૈયાં હાથમાં શેનાં રહે ? નવા નવા સૈનિકોની ભરતી કરી આઝાદીના પહેલા પાઠ ભણાવે – દેશ આઝાદ કરવો હોય તો, પારકા દેશની ચીજો ન વપરાય ! પરદેશી ચીજો તો બાળવા માટે. ચાલો, મિલના કપડાંની હોળી કરવા !…… આવા પડકાર પછી જુવાનો હાથમાં રહે ? સૌ પોતપોતાનાં ખમીશ ઉતારી આગમાં ફેંકે ! આઝાદી સામે વળી કપડાંની કીંમતના સોદા થાય ? – ભડ ભડ સળગે હોળી અને સાથે સળગે વિદેશી ચીજોનો મોહ !

પણ અંગ્રેજ રાજના ગોરા સાહેબો આવું કેમ ચલાવી લે ! ઝટ હાજર થઈ જાય અને નેતાજીની ધરપકડ કરી લે. સૈનિકો પણ હોંશે હોંશે જેલમાં જાય. હવે તો પાંડુરંગ યુવાનોનો ‘ગુરુજી’ બની ગયો હતો. 1930ની લડતમાં નાશિક જેલમાં ગયા. ત્યાં માત્ર સાડા ત્રણ દિવસમાં એમણે ‘श्यामची आई’ નામનું એવું પુસ્તક લખ્યું જે ભારતભરમાં ઉત્તમ સાહિત્યિક કૃતિ રૂપે વખણાયું. એના પરથી ફિલ્મ પણ ઊતરી. ગુજરાતી ભાષામાં પણ ‘શામુની મા’ રૂપે છપાયું. પહેલી વાર જેલની સજા ભોગવીને બહાર નીકળ્યા ત્યાં સાંભળ્યું કે અંગ્રેજોએ સરદાર ભગતસિંહને ફાંસીની સજા કરી. બસ, હવે તો જુસ્સો બમણો થયો. મોટી મોટી સભાઓ ભરવા લાગ્યા. 1932માં તો ધરપકડ થયા બાદ બે વર્ષની લાંબી સજા થઈ અને ‘ગુરુજી’ પહોંચી ગયા મહારાષ્ટ્રની ધુળિયા જેલમાં.

પરંતુ જેલની આ સજા તો ‘ગુરુજી’ માટે જિંદગીની મોટી મહેફિલ મળ્યા જેવી બની ગઈ ! આ તે જેલ કે મંદિર ! જેલમાં જઈને જોયું તો દેશના મોટા મોટા ધુરંધર નેતાઓ પણ પોતાની સાથે કારાવાસની સજા ભોગવવા આવેલા. જમનાલાલ બજાજ, વિનોબા જેવા અનેક નેતાઓને એક સાથે રાખ્યા હતા. તેમાંય ‘વિનોબા’માં તો ગુરુજીને જાણે બીજા ગાંધી મળી ગયા. જેલ તો જાણે આશ્રમ બની ગયો. પોતાના પ્રત્યક્ષ આચરણ દ્વારા જીવનના મૂળભૂત પાઠો શીખવનારા આચાર્યો વચ્ચે જાણે ગુરુકુળમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આઝાદી, ખાદી, દેશસેવા, અસ્પૃશ્યતા-નિવારણ જેવા વિષયોની ચર્ચા તો થાય જ, જીવનના ઊંડા, ઉમદા હેતુઓની પણ વાતો થાય. ખૂબીની વાત તો આ કે બધી સારી સારી વાતો પોતાની નોંધપોથીમાં ઉતારી લે. તેમાં વળી દર અઠવાડિયે વિનોબાજી સૌ કેદીઓ સમક્ષ ગીતા અંગેનાં પ્રવચનો આપે તેવું નક્કી થયું. ગુરુજીને તો જાણે ગોળનું ગાડું મળી ગયું. વિનોબાજી બોલતા જાય અને એ બોલના શબ્દો ગુરુજીની ડાયરીમાં નોંધતા જાય ! ઈશ્વરની કેવી મોટી કૃપા ! ગુરુજીનો કેવડો મોટો પાડ, કે વિનોબાએ કહેલી એ ગીતા એમની નોંધપોથીમાં ઊતરી અને એના પરથી લોકોને વિનોબાનું ‘ગીતા પ્રવચનો’ નામનું એવું પુસ્તક મળ્યું, જે દુનિયાની અનેક ભાષાઓમાં ઊતરી કરોડો લોકો સુધી પહોંચ્યું. ગુરુજીના અક્ષર મોતીના દાણા જેવા ! એમના અંતરમાંથી કવિતાઓની ધાર છૂટે. આઝાદીના કામમાં થોડી પણ ફુરસદ મળે તો એમનો શબ્દયજ્ઞ ચાલતો. 1937માં એમનું ‘ભારતીય સંસ્કૃતિ’ નામનું પુસ્તક બહાર પડ્યું, જેની પાછળ લોકો ઘેલા બન્યા. આ વર્ષો દરમ્યાન, એમનો ‘पत्री’ નામનો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો. અનેક પુસ્તકોના અનુવાદો પણ થયા. નવલકથાઓ પણ લખી. એમણે ‘આંતરભારતી’ નામે સંસ્થા શરૂ કરી.

1942માં ફરી પાછા ધુળિયા જેલમાં જ જવાનું થયું. ત્યાં પણ એમની સાહિત્ય-સાધના થઈ ! ભારતને આવા મહાપુરુષોનો જેલવાસ ખૂબ ફળ્યો છે. જેલમાં ફુરસદ મળી તો કાંઈક લખાયું, બાકી સભા-સરઘસ, સત્યાગ્રહ અને ગામફેરીમાં હાથમાં કલમ લેવાની ફુરસદ કોને હતી ! ગાંધીજીની વાતોમાં ‘અસ્પૃશ્યતા-નિવારણ’નું મોટું સ્થાન હતું. ગુરુજીના હૃદયમાં આ આભડછેટ કાંટાની જેમ ખૂંચી ગયેલી. મહારાષ્ટ્રના પ્રખ્યાત પંઢરપુરના મંદિરમાં હરિજનોને પ્રવેશ મળે તે માટે એમણે આમરણ ઉપવાસ આદર્યા. ત્યાર બાદ ગાંધીજીનું એક મહારાષ્ટ્રી યુવાનને હાથે ખૂન થયું એના પ્રાયશ્ચિત રૂપે વળી પાછા એકવીસ દિવસના ઉપવાસ કર્યા. કોમવાદ દૂર કરવો અને હરિજનોને ન્યાય આપવો આ એમના ધ્રૂવનિશાન હતાં. એમનું હૃદય ફૂલ સમું કોમળ ! ભારે સંવેદનશીલ ! કોઈનું દુ:ખ એ સહી ન શકે. હરિજનો પર જે અત્યાચારો થતા તેની વાતો જાણીને એમની આંખોમાંથી લોહીનાં આંસુ ઝરતાં. હૈયું કેમે કર્યું ઝાલ્યું ઝલાય નહીં, ત્યારે વિનોબાજીને લાંબા પત્રો લખતા. આ પત્રોનું પણ પુસ્તક પ્રગટ થયું છે. પરંતુ વિનોબાજી એમની ગાંધીપ્રેરિત પ્રવૃતિઓમાં ગળાડૂબ રહેતા. એમના જાતજાતના પ્રયોગો ચાલે, તેમાં બધા પત્રોનો જવાબ વાળી ન શકતા. એક એવો ગાળો આવ્યો કે ગુરુજીના અંતરમાં કરુણાનો એવો પ્રબળ ઝંઝાવાત જાગ્યો કે એ પોતાની જાતને સંભાળી ન શક્યા. બીજી બાજુ વિનોબાનો કોઈ પત્ર નહોતો. આખરે દિલ-દિમાગ વશમાં ન રહ્યાં અને લાગણીઓના પૂરમાં તણાઈ, નિરાશના કૂવામાં ડૂબીને ઊંઘની ગોળીઓ ગળી ગયા. અને સવારે સૌએ જાણ્યું કે સૌના લાડીલા ગુરુજી હવે આ જગતમાં નથી.

આવો શાણો માણસ આપઘાત કરે એની નવાઈ લાગે. પરંતુ માણસ માણસાઈ મૂકી દે એ જ એમના માટે અસહ્ય બનતું. એમના અંતિમ પત્રમાં લખેલું કે, ‘ભગવાનનો સંદેશો મને આવ્યો છે. અંતરના અવાજને મારે સાંભળવો જોઈએ. ઊંઘની ગોળીઓ લઈને સૂઈ જાઉં છું. કદાચ આ મારી ચિરનિદ્રા બને અને એમાંથી હું ન ઊઠું. મહારાષ્ટ્રને મારો આ જ સંદેશ છે કે ‘લોકશાહી સમાજવાદ’નું ચિત્ર સામે રાખજો. ભારતમાં રક્તપાત વિના સમાજવાદ આવે એવું કરજો !’ આ હકીકત જાણી ત્યારે વિનોબાજીને પણ થયું કે – કામની ધૂનમાં જવાબ આપવાનું હું ચૂક્યો, તે મારી ભૂલ હતી. એમને મળવા બોલાવી લીધા હોત તો કદાચ આવું ન બનત !

ગુરુજીએ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર માટે ‘આંતર ભારતી’ સંસ્થાની સ્થાપના કરી, कथालोक દ્વારા ચારિત્ર્ય-ઘડતરનું કામ કર્યું. તેમનામાં સાહિત્યિક પ્રતિભા તો હતી જ. 1930ની જેલમાં તમિલ ભાષા શીખ્યા. पत्री નામે એમનો કાવ્યસંગ્રહ બહાર પડ્યો છે. તદુપરાંત ‘ભારતીય સંસ્કૃતિ’ નામે, ચાર દિવસમાં લખાયેલા પુસ્તકમાં ઉપનિષદોનું સુંદર ભાષ્ય છે. 1948માં ‘સાધના’ સાપ્તાહિક શરૂ કરી પ્રજાજીવનનું ઘડતર કર્યું. તેઓને બાપુ પર અનહદ પ્રેમ ! આમે ય અત્યંત ભાવનાશીલ સ્વભાવ અને તેમાં સામે બાપુ જેવું વ્યક્તિત્વ ! પરસ્પર પ્રેમના સાગર વહે ! આવા બાપુ શહીદ થયા, તે પણ મહારાષ્ટ્રના એક હિંદુના હાથે – આ ઘટનાથી તેમને ભારોભાર દુ:ખ થયું અને તેના પ્રાયશ્ચિત રૂપે આત્મશુદ્ધિ કાજે એકવીસ દિવસના ઉપવાસ પણ કર્યા.

વિનોબાજી એમને ‘મહારાષ્ટ્રના સંત’ કહેતા. કોઈ એમને ‘માતૃહૃદયી’ આંસુના કવિ, ભાવનામૂર્તિ રૂપે પણ આલેખતા. 1950ની 11મી જૂને મુંબઈમાં સામે ચાલીને મૃત્યુને આમંત્રી જીવન સમાપ્ત કર્યું. એમનામાં રહેલી મૃદુતા, માંગલ્ય, કર્મશીલતા, ભાવુકતા અને સમર્પિતતાને યાદ કરી પ્રેરણા મેળવીએ ! ‘શામુની મા’ ગુજરાતી ભાષામાં પણ ઊતરી છે. એ ‘માતા’ને વાંચી-સમજીને પ્રણામ કરી આપણે પણ ‘શામુ’ જેવા ઊજળા થવાનું પરાક્રમ કરીએ.

[ આ પુસ્તકમાં વર્ણવાયેલા ચરિત્રો : ગાંધીજી, લોકમાન્ય ટીળક, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબંધુ એન્ડ્રુઝ, ભગિની નિવેદિતા, ડૉ. એની બેસન્ટ, મૅડમ કામા, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, બાદશાહ ખાન, અરવિંદ ઘોષ, ઠક્કરબાપા, આચાર્ય કૃપાલાણી, સરદાર પટેલ, વિનોબા ભાવે, કસ્તુરબા, મિસ સ્લેડ, શાંતિદાસ, જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, રાજેન્દ્રપ્રસાદ, સરોજિની નાયડુ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, મૌલાના અબુલ કલામ આઝાદ, યુસુફ મહેરઅલી, મહાદેવભાઈ દેસાઈ, જમનાલાલ બજાજ, રામમનોહર લોહિયા, કાકા કાલેલકર, જયપ્રકાશ નારાયણ, પ્રભાવતીદેવી, દાદા ધર્માધિકારી, સાને ગુરુજી, મોરારજીભાઈ દેસાઈ, ગણેશ વાસુદેવ માવળંકર, સ્વામી આનંદ, સયાજીરાવ ગાયકવાડ, રવિશંકર મહારાજ, મણિબહેન પટેલ, ઢેબરભાઈ, મગનલાલ ગાંધી, ભક્તિબા, ઝવેરચંદ મેઘાણી, ગંગાબા, અબ્બાસ તૈયબજી, પુષ્પાબહેન મહેતા, બબલભાઈ, જુગતરામ દવે, મુનિસંતબાલજી, કાશીબહેન મહેતા, નાનાભાઈ ભટ્ટ, વીર આત્મરામ, વજુભાઈ શાહ, લલ્લુભાઈ-અમુલખભાઈ-કેશુભાઈ, વસંત-રજબ, વિનોદ કિનારીવાલા, અડાસના શહીદો, દિલખુશભાઈ દીવાનજી, ઈશ્વરભાઈ દેસાઈ, પુરાણી બંધુઓ, બાળુભાઈ મહેતા, બળવંતભાઈ મહેતા, મોહનભાઈ પંડ્યા, ઉમાશંકર જોશી, રસિકભાઈ શાહ, ચુનીભાઈ શાહ, અંબાલાલ ગાંધી, શશિકાન્ત ત્રિવેદી, મનુભાઈ પટેલ]

[કુલ પાન : 152 + 124. કિંમત : (ભાગ-1 અને ભાગ-2ની સંયુક્ત) રૂ. 100. પ્રાપ્તિસ્થાન : જનજાગૃતિ અભિયાન, મનહરભાઈ શાહ, c/o ઉપાસના, 31 રાજસ્તંભ સોસાયટી, પોલો ગ્રાઉન્ડ પાસે, વડોદરા. ફોન : +91 265 2434630. મોબાઈલ : +91 9427837672.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિચારમંથન – સંકલિત
ભારતમાં ટેલિવિઝનની સુવર્ણ જયંતી – અભિજિત વ્યાસ Next »   

7 પ્રતિભાવો : સાને ગુરુજી – મીરા ભટ્ટ

 1. કલ્પેશ ડી. સોની says:

  આઝાદીની ચળવળના ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ, દેશભક્તોની કાર્યશૈલી જુદી-જુદી રહી. ગાંધીજીના પ્રભાવમાં બીજા બધાં એ રીતે વિસરાઈ ગયા, જેમ સૂર્યના પ્રકાશમાં અન્ય તારલાઓ ! ગાંધીજીએ અહિંસાનો રસ્તો અપનાવ્યો. કેટલાક ક્રાંતિકારીઓએ સામી લડત આપી તો ઘણાં-બધાં છૂપાઈને પણ લડ્યા. ગાંધીજી સાથે જોડાઈ ગયેલા વિનોબાજી, મહાદેવભાઈ, કિશોર મશરુવાળા, સાનેજી વગેરે એવા મહાન વ્યક્તિત્વો છે જેના વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. આદરણીય મીરાબેનનાં બે પુસ્તકો એ ખામી દૂર કરવામાં મદદરુપ થશે.
  મહાન સાને ગુરુજીએ જીવન ટૂંકાવ્યું એ જાણીને આઘાત-આશ્ચર્ય થયું.

 2. જગત દવે says:

  આ વાંચ્યા બાદ આપણી સંસદ જુઓ, મહારાષ્ટ્રનાં આજનાં નેતાઓ ને જુઓ અને જીવ બાળો……….મારા ભારત ને આવા વિરલાઓ ફરી ક્યારેય મળશે????

 3. hardik says:

  શ્રી મ્રુગેશભાઈ,

  એક વિચાર છે.આઝાદી ની ચળવળ કેવી હતી તેની ક્રૉનીકલ ગુજરાતી અનુવાદ કરી ને જૉ આપ લેખ સિકવલ ધ્વારા પ્રકાશિત કરી શકૉ અથવા આપ અને રીડગુજરતીના વાંચકૉ તેની ક્રોનીકલ ના પુસ્તકૉ ની વિગત આપી શકૉ તો ખુબ ખુબ આભાર.

 4. Nimesh says:

  મ્રુગેશ ભાઇ ને
  “શામ ચી આઈ” ગુજરાતી માં “શામુ ની માં”
  લેખ માટે વિનંતી.

  સાને ગુરુજી ને વંદન અને લેખિકા નો આભાર
  નિમ્સ

 5. Rajni Gohil says:

  જનની જણ તો ભક્ત જણ; કાં દાતા કાં શૂર, નહી તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. સાને ગુરુજી શૂરવીર હતા, દેશભક્ત હતા અને દાતા પણ હતા. આપણા જેવા માટે ઉચ્ચ સાહિત્ય દ્રારા વિધ્યાદાન પણ કર્યું છે. એમની માતાને કેટલો આનંદ થયો હશે?
  આપણે પણ એમના જીવનમાંથી પ્રેરણા લઇ “શૂર”, “ભક્ત” કે “દાતા” તરીકે સમાજને “કંઇક” આપી આપણું જીવન પણ સાર્થક કરીએ. પ્રેરણાદાયક લેખ બદલ આભાર.

 6. nayan panchal says:

  આજની ભૌતિકવાદી પેઢીમાં દેશદાઝની ભાવના પ્રબળ કરવા માટે આવા વધુ પુસ્તકોની જરૂર છે. આજની જ સંદેશ પૂર્તિમાં કામીકાઝી મિશન વિશે જે લેખ છે તે ખાસ વાંચવા જેવો.

  સફારી વાળા હર્ષલ પબ્લિકેશન્સે “વિશ્વવિગ્રહની યાદગાર યુધ્ધકથાઓ” અને “મોસાદના જાસૂસી મિશનો”ના જે પુસ્તકો બહાર પાડ્યા છે તેમાં પણ પાને પાને દેશ માટે લોકો કેટલુ બલિદાન આપે છે તે જણાઈ આવે છે.

  આવા વધુ લેખો આપતા રહેજો, મૃગેશભાઈ.
  નયન

 7. Dipti. says:

  થોડા સમય પહેલાં શામુની માં મુવી વિષે , તે શાળાઓમાં બતાવવામાં આવતું હતું અને તેનો વિદ્યાર્થી પર કેવો પ્રભાવ પડેલો તે વિષે વાંચ્યું હતું.જેમાં સને ગુરુજી વિષે થોડી માહિતી હતી. પણ અ લેખથી તેમની સંપૂર્ણ પ્રતિભાના દર્શન થયાં. હવે તો પુસ્તક પ્રાપ્ય હોવાથી , મૃગેશભાઈ, સમયાંતરે વિવિધ વીરલાઓના જીવનદર્શન કરાવતા રહેજો એવી વિનંતી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.