ભારતમાં ટેલિવિઝનની સુવર્ણ જયંતી – અભિજિત વ્યાસ

[‘નવનીત સમર્પણ’ માર્ચ-2010 માંથી સાભાર.]

ટેલિવિઝન પણ આજના સમયમાં એક અનિવાર્ય માધ્યમ તરીકે ઊભરી આવ્યું છે. આપણે ત્યાં ટેલિવિઝનની શરૂઆત થઈ તે ઘટનાને આ વર્ષે પચાસ વર્ષ પૂર્ણ થાય છે, અને ભારતીય દૂરદર્શન તેની સ્થાપનાની સુવર્ણજયંતી ઊજવી રહ્યું છે ત્યારે અહીં આપણા દેશમાં ટેલિવિઝનના વિકાસના ઈતિહાસને જાણવો જરૂરી બને છે.

આપણે ત્યાં ટેલિવિઝન એક પ્રાયોગિક ધોરણે 15મી સપ્ટેમબર 1959ના રોજ દિલ્હીમાં શરૂ થયેલું. ત્યારે તેની રેન્જ માત્ર ચાલીસ કિલોમીટરની હતી. યુનેસ્કોના સહયોગથી શરૂ થયેલી આ પ્રસારણસેવા ત્યારે અઠવાડિયામાં ફક્ત બે દિવસ માટેની હતી. એ સમયે ફકત વીસ મિનિટનું પ્રસારણ થતું હતું. ટેલિવિઝન રાષ્ટ્રના ઘડતરમાં શું ભાગ ભજવી શકે તે જોવાના ઉદ્દેશથી આ પ્રસારણ શરૂ થયેલું. માત્ર શૈક્ષણિક કાર્યક્રમોનું જ તે સમયે પ્રસારણ થતું હતું. આવું બે વર્ષ ચાલ્યું જેનું પરિણામ પ્રોત્સાહક જોવા મળ્યું એટલે પ્રસારણની અવધિ વીસ મિનિટથી વધારીને 60 મિનિટની કરવામાં આવી. પણ તે છતાં તેનું પ્રસારણ તો અઠવાડિયામાં બે જ દિવસ થતું હતું. ખૂબ સારા પરિણામ છતાં આ પ્રકારનું પ્રસારણ રોજ કરવું જોઈએ તેવો નિર્ણય લેતાં સરકારને છ વર્ષ લાગ્યાં. અને 1965માં જ્યારે દરરોજ પ્રસારણ કરવું તેવું નક્કી કર્યું ત્યારે પણ તેની કોઈ નીતિ કે એજંડા સરકારે નક્કી કર્યો નહોતો. પરિણામે ત્યારે દેશમાં ટેલિવિઝન સેટનું નિર્માણ પણ થતું નહોતું. આ પ્રકારે કોઈ પણ જાતની દિશા વગર બીજાં સાત વર્ષ નીકળી ગયાં.

ત્યાર બાદ 1972માં મુંબઈમાં અને તેના રિલે પ્રસારણ સેન્ટરને પૂનામાં શરૂ કરવામાં આવ્યું. 1973માં શ્રીનગરમાં પણ પ્રસારણ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. અહીં પણ પ્રસારણનો સમય નિશ્ચિત હતો અને કાર્યક્રમ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. એટલે ખાસ કોઈ વિશિષ્ટ કાર્યક્રમોનું નિર્માણ થતું નહોતું. એટલે મુંબઈના ફિલ્મ-જગત ઉપર નિર્ભર રહેવું પડતું હતું. જૂની ફિલ્મો બતાવવી અને ફિલ્મોનાં ગીતોનું પ્રસારણ કરવું. પરિણામે દર્શકો તો મળ્યા પણ દિશા સ્પષ્ટ નહોતી. આ સમયમાં જ ટેલિવિઝન ઉપર સમાચારનું પ્રસારણ શરૂ કરવાનું નક્કી થયું અને તેના પરિણામે દિલ્હી અને મુંબઈના કેન્દ્ર ઉપરથી સમાચારનું પ્રસારણ શરૂ થયું. પણ આ સમાચાર આકાશવાણીના સમાચાર બરાબર હતા, કારણ કે તેમાં સમાચારનું પઠન થયું હતું. તેનાં દશ્ય-અહેવાલો જોવા મળતાં નહોતાં. આવા સંજોગોમાં ફિલ્મ ડિવિઝન પાસેથી મળતી દસ્તાવેજી ફિલ્મોથી કામ ચલાવવું પડતું હતું.

1967માં આપણા દેશમાં ઉપગ્રહની મદદથી શિક્ષણના પ્રસારનો એક પ્રસ્તાવ ત્યારની સરકારને આપેલો. પણ તેનો અમલ બહુ મોડો થયો. છેક 1975માં ભારતીય ટેલિવિઝને એક ‘સેટ’ કાર્યક્રમનું આયોજન કર્યું. આ ‘સેટ’ એટલે ‘સેટેલાઈટ ઈન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એક્સપરિમેન્ટ.’ આ પ્રયોગમાં ટેલિવિઝન-સ્ટેશનની જરૂરત નહોતી. પણ સીધું જ પ્રસારણ એક ડિશના મારફત ઝીલી શકાતું હતું. જેના આધારે આંધ્ર પ્રદેશ, બિહાર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓરિસા, રાજસ્થાન અને ગુજરાતનાં લગભગ 24 હજાર જેટલાં ગામડાંઓના પચાસ લાખ લોકોને કૃષિલક્ષી કાર્યક્રમો દર્શાવવામાં આવ્યા. આ બધા ટેલિવિઝન સેટ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત થતા હતા. સ્કૂલોમાં પણ ટેલિવિઝન સેટ લગાવવામાં આવેલા જેથી બધી ઉંમરના દર્શકોનું પ્રતિનિધિત્વ મળ્યું. અનેક અડચણો છતાં આ બધાં ગામડાંઓમાં શહેરથી વધુ દર્શકો મળ્યા. સ્કૂલમાં ટેલિવિઝન સેટ લગાવ્યા હોવાથી વિદ્યાર્થીઓની હાજરી પણ વધવા લાગી અને ટેલિવિઝનને ‘વિશ્વની બારી’ ગણવામાં આવ્યું. સૌથી વધુ દર્શકોમાં બાળકો હતાં જેની ઉંમર સાતથી બાર વર્ષની હતી. પણ આ પ્રકારના કાર્યક્રમોને 31 જુલાઈ, 1976ના રોજ બંધ કરવામાં આવ્યા. ત્યારની સરકારને ટેલિવિઝનના વિસ્તરણમાં ખાસ રસ ન હતો. એટલે અનેક ગામડાઓમાંનું જે એકમાત્ર શૈક્ષણિક અને મનોરંજનનું માધ્યમ હતું તે બંધ થયું.

1983ના વર્ષ દરમિયાન ફરી ટેલિવિઝનની અગત્યતાને સરકારે સ્વીકારી અને તેના વિસ્તરણની યોજના કરી. આ માટેનું નિમિત્ત હતું આપણે ત્યાં યોજાયેલો ખેલકૂદનો સમારોહ ‘એશિયાડ’. આ અવસરને કારણે ટેકનોલોજિકલ બાબતે અને કાર્યક્રમ અંગે સરકારે નીતિ ઘડી. જેને કારણે દેશમાં ટેલિવિઝનનું ઉત્પાદન વધ્યું. આપણું ટેલિવિઝન-પ્રસારણ જે શ્વેત-શ્યામ (બ્લેક એન્ડ વાઈટ) હતું તેને બદલે રંગીન થયું. દેશના મહત્તમ ભાગને આ ટેલિવિઝન-પ્રસારણથી સાંકળવો તેવું નક્કી થયું. ટેલિવિઝનની એક બીજી ચેનલ હોવી જોઈએ તેવું પણ સ્વીકારવામાં આવ્યું. અલબત્ત આ બીજી ચેનલ કેટલાય સમય સુધી ફકત ચાર મહાનગરો પૂરતી સીમિત રહી. ભારતીય દૂરદર્શનના રંગીન પ્રસારણના આરંભ માટેની ઉદ્દઘાટક ફિલ્મનું દિગ્દર્શન સત્યજિત રાયને સોંપવામાં આવ્યું. ટેલિવિઝનના આ વ્યાપને કારણે યુ.જી.સી. તરીકે ઓળખાતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કેટલાય શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરીને બપોરના સમયે તેનું પ્રસારણ કર્યું. જેણે ‘ઓપન યુનિવર્સિટી’નો આદર્શ પૂરો પાડ્યો. દેશની અનેક યુનિવર્સિટીઓએ તેના પરિણામે ઓડિયો-વિડિયો સેન્ટર શરૂ કર્યાં. અને તેના અનુસંધાને અનેક કાર્યક્રમોનું આયોજન થયું. દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીના માસ કૉમ્યુનિકેશન સેન્ટરે આમાં સૌથી વધુ યોગદાન આપ્યું. આ ઉપરાંત એન.સી.ઈ.આર.ટી. તરીકે ઓળખાતા નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગે પણ સ્કૂલો માટેના અનેક કાર્યક્રમોનું નિર્માણ કર્યું જે ‘ઈટીવી’ પ્રોગ્રામ તરીકે ઓળખાયા.

સેટેલાઈટ ઈન્સેટ-1બીથી રાષ્ટ્રીય ટેલિવિઝનની પ્રસારણ-ક્ષમતા વધી અને દેશના મહત્તમ ભાગમાં દૂરદર્શનના કાર્યક્રમો દેખાવા લાગ્યા અને આપણા દેશના બધા જ ભાગોને સાંસ્કૃતિક રીતે જોડવા લાગ્યા. આ સમયમાં જ પ્રાદેશિક ભાષામાં વધુ ને વધુ પ્રસારણની માગ થઈ. આપણા રાષ્ટ્રીય કાર્યક્રમો વિશે એમ કહેવાયું કે ટેલિવિઝન દ્વારા જો રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ કરવું હોય તો રાષ્ટ્રીય કાર્યક્રમોનો કોઈ વિકલ્પ નથી, (if Doordarshan is to help build national ethos, then there is no alternative of National Programme.) કારણ કે એના દ્વારા જ લોકોને પ્રભાવિત કરી શકાય છે. એ સમયમાં દૂરદર્શન એ એકમાત્ર માહિતી અને મનોરંજનનું માધ્યમ હતું. વધુ ને વધુ લોકો દૂરદર્શનના કાર્યક્રમો નિહાળવા લાગ્યા હતા. ટેલિવિઝનના કાર્યક્રમના લોકો ઉપરના પ્રભાવના સંદર્ભમાં પ્રસિદ્ધ માનસશાસ્ત્રી (psychologist) જ્યોર્જ ગ્રેબ્નર (George Grebner) કહે છે, ‘TV viewing fulfills the criteria of a ritual. It is the only medium that can bring to people things they otherwise would not select. No other medium reaches into every home or has the comparable, cradle-to-grave influence over what a society learns about itself.’

આપણા દેશમાં દૂરદર્શને જે ભાગ ભજવ્યો છે તેમાં રાષ્ટ્રીય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં નેતૃત્વરૂપ કાર્ય કર્યું છે અને તે ઉપરાંત રાષ્ટ્રીય એકતા, કૃષિશિક્ષણ, પ્રૌઢ-શિક્ષણ, કુટુંબ-નિયોજન અને તંદુરસ્તી પ્રત્યે જાગરૂકતા, સામાજિક અને આર્થિક બાબતોનાં ક્ષેત્રે ઉત્તમ કાર્ય કર્યું છે. આજે ભારતીય ટેલિવિઝન અને ખાસ કરીને ‘દૂરદર્શન’ને પચાસ વર્ષ થયાં છે ત્યારે તેનાં લેખાંજોખાં કરવાં ખાસ આવશ્યક છે. આજનું ‘દૂરદર્શન’ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું પ્રસારણ નેટવર્ક ધરાવે છે. આજે દૂરદર્શનની બધી મળીને કુલ 31 ચેનલો ઉપરથી પ્રસારણ થાય છે. આ ચેનલોમાં પ્રાદેશિક ભાષાની ચેનલો ઉપરાંત ‘દૂરદર્શન નેશનલ’ અને ‘દૂરદર્શન ન્યુઝ’ જેવી બે રાષ્ટ્રીય ચેનલોનો સમાવેશ થાય છે. આ ચેનલોનું પ્રસારણ કરવા માટે 1413 જેટલાં ટ્રાન્સમીટરો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 146 જેટલા દેશોમાં દૂરદર્શનનું પ્રસારણ થાય છે અને તેના કાર્યક્રમો જોવા મળે છે. દૂરદર્શન પાસે 66 જેટલા સ્ટુડિયોઝ છે જ્યાં કાર્યક્રમોનું નિર્માણ થાય છે. દુ:ખદ વાત એટલી જ છે કે આટલી સાધનસામગ્રી અને માતબર સ્ટાફ હોવા છતાં દૂરદર્શનના કાર્યક્રમોનું નિર્માણ એસ્થેટિકલી અને ટેક્નિકલી અત્યંત નબળું કે નિમ્નસ્તરનું હોય છે. આપણા ફોટોગ્રાફરો હજી પણ સ્ટુડિયો લાઈટિંગ કેવું કરવું જોઈએ તે કે એડિટર સંપાદન કેવું હોવું જોઈએ તે સમજતા નથી.

દૂરદર્શન ઉપર 1984માં સૌ પહેલી સોપ ઓપેરા તરીકે ઓળખાતી ધારાવાહિક શ્રેણી ‘હમલોગ’નું પ્રસારણ થયું અને મનોરંજનની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ. આ પછી તો અનેક શ્રેણીઓનું નિર્માણ થવા લાગ્યું. લોકોને ટેલિવિઝનનો ચસકો આ ધારાવાહિક શ્રેણીઓએ લગાડ્યો. ‘હમલોગ’ પછી ‘બુનિયાદ’ આવી. એ પછી તો આવી ધારાવાહિક શ્રેણીઓ અનેક જોવા મળી. જેમાં યાદ કરીએ તો અનેકને યાદ કરી શકાય. પણ આ બધામાં સૌથી પ્રભાવશાળી બે શ્રેણીઓને યાદ કરવી રહી તે ‘રામાયણ’ અને ‘મહાભારત’. આ શ્રેણીઓનો પ્રભાવ દર્શકો ઉપર અકલ્પ્ય હતો. બીજી ચેનલોની અનુપસ્થિતિમાં દૂરદર્શનની એકહથ્થુ સત્તામાં આવું બધું અનેક ગળચટ્ટું જોવા મળ્યું. લોકોને પણ એના સિવાયનો કોઈ વિકલ્પ નહોતો. આપણે ત્યાં તો એ સમયે મનોરંજનનું અન્ય કોઈ સસ્તું માધ્યમ નહોતું. એટલે લોકો ટેલિવિઝનના બંધાણી થઈ ગયા. અને ટેલિવિઝનને લોકો ‘ઈડિયટ બોક્સ’ તરીકે ઓળખવા લાગ્યા.

આ બધો સમય ટેલિવિઝનના ક્ષેત્રે દૂરદર્શનની એકહથ્થુ સત્તાના સમયનો છે. ચોક્કસપણે કેટલાક સંપૂર્ણ આર્થિક વળતર વગરના શૈક્ષણિક, લોકોપયોગી અને પ્રજાલક્ષી કાર્યક્રમો તેના દ્વારા લોકોને જોવા મળ્યા. પણ પછી ટેલિવિઝનના ક્ષેત્રમાં પણ સરકારે ખાનગી કંપનીઓને પ્રસારણના અધિકારો આપ્યા અને અનેક ચેનલોએ પોતાનું પ્રસારણ શરૂ કર્યું. જેના પરિણામે અનેક પ્રકારની માહિતી અને મનોરંજનનું પ્રસારણ કરતી ચેનલો જોવા મળવા લાગી. પ્રજાના દરેક વર્ગને અને ક્ષેત્રને અનુરૂપ કાર્યક્રમો જોવા મળવા લાગ્યા. આજે ત્રણસોથીયે વધુ ચેનલો આપણે ત્યાં જોવા મળે છે. અલબત્ત તેમાં ગુણવત્તાનું ધોરણ નહીંવત હોય છે. અનેક ચેનલો ફક્ત સમાચારો જ પ્રસારિત કરે છે અને તેમાં પણ તટસ્થતાનો અભાવ જોવા મળે છે. ટેલિવિઝનની કેટલીક ચેનલો અંધશ્રદ્ધા, હિંસા અને વહેમને પોષતી હોય છે જે સમાજ માટે હાનિકારક છે. આપણે ત્યાં ટેલિવિઝન ઉપર જાહેરાતોનો કેટલીક વખત અતિરેક જોવા મળે છે. તેમાં પણ આ દેશની સિત્તેર ટકા જેટલી વસ્તી હજી પણ નાનાં શહેરો અને ગ્રામપ્રદેશોમાં વસે છે. તેમાંનાં કેટલાંય સ્થળોના પાણીના પ્રશ્નો હજી આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ ઊકલ્યા નથી. તેમની સામે સોફટ ડ્રિન્ક્સ, શેમ્પૂ અને સાબુ તથા મિનરલ વોટરની જાહેરાતો આ લોકોની મશ્કરી સમાન છે.

પણ આ બધામાં કેટલીક ચેનલો ખરેખર પ્રશંસનીય કાર્ય કરે છે. આવી ચેનલો માહિતી આપવાથી માંડીને પ્રજાના અમુક ચોક્કસ વર્ગને શિક્ષિત પણ કરે છે અને જ્ઞાન પણ આપે છે. આવી ચેનલોમાં નેશનલ જોગ્રાફિક ચેનલ, એનિમલ પ્લેનેટ અને ડિસ્કવરી ચેનલને યાદ કરવી રહી. આ ચેનલોમાં વિજ્ઞાન, ઈતિહાસ, ટેકનોલોજી વગેરેને લગતા અનેક કાર્યક્રમો સાવ સામાન્ય માણસ પણ સમજી શકે તેવી રજૂઆતમાં જોવા મળે છે. હવે તેમાં પણ કેટલીક ચેનલોએ એના અંગ્રેજી કાર્યક્રમોનું હિન્દી રૂપાંતર કરેલું સાંભળવા મળે છે. જેને કારણે એ અનેક લોકો સુધી પહોંચે છે અને લોકોને જાણકારી મળે છે. આજે પણ સરકાર સંચાલિત દૂરદર્શન રાષ્ટ્રીય કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતીય સંગીત, આપણી નૃત્યશૈલી તથા અન્ય કલાના કાર્યક્રમો રજૂ કરે છે જે અન્ય બીજી કોઈ ચેનલો દ્વારા ઉપલબ્ધ નથી. આ ઉપરાંત કૃષિને લગતા તથા સામાજિક જાગૃતિને લગતા કાર્યક્રમો પણ માત્ર દૂરદર્શન દ્વારા જ લોકો સુધી પહોંચે છે. આ કાર્યક્રમો દ્વારા લોકશિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે જે એક આવકારદાયક કાર્ય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાને ગુરુજી – મીરા ભટ્ટ
જીવન જ્યોત જગાવો – અમૃત બાન્ટાઈવાળા Next »   

16 પ્રતિભાવો : ભારતમાં ટેલિવિઝનની સુવર્ણ જયંતી – અભિજિત વ્યાસ

 1. કલ્પેશ ડી. સોની says:

  ભક્તિમાર્ગના બધાજ સંપ્રદાયો ટેલીવિઝન જોવાની ના પાડે છે. કેટલાક સંસ્કૃતિપ્રેમીઓ પશ્ચિમની ભોગવાદી સંસ્કૃતિનો હુમલો ટેલીવિઝન દ્વારા થાય છે એમ જણાવીને ટી.વી. જોવાની ના કહે છે. ઘણાં-બધા સ્કોલર વિદ્યાર્થીઓએ ટી.વી. ને ઇડિયટ બોક્સનું ઉપનામ આપી દીધું છે. સેક્સ-હિંસા પ્રચૂર દૃશ્યો તેમજ બિનજરુરી ચીજ-વસ્તુઓ ખરીદવા મજબૂર કરતી જાહેરખબરોનો મારો માણસના જીવનનાં સુખ-શાંતિ હણી લે છે. સીરિયલોની થીમ વ્યક્તિ અને સમાજને ગેરમાર્ગે દોરનારી, ઘણે-ભાગે મૂલ્યોનો નાશ કરનારી હોય છે.

  રેડિઓ અને ટી.વી.માં મહત્વનો તફાવત એ છે કે તમે તમારું કામ કરતાં-કરતાં રેડિઓ સાંભળવાનો આનંદ માણી શકો છો. જ્યારે ટી.વી. જોતી વખતે તમામ કામ-કાજ પડતાં મૂકવા પડે છે. દિવસભર મેચ જોતા રહેવું, સરકારી ઑફિસોમાં કામકાજ ઠપ્પ કરી દેવું, ત્રણ-ત્રણ ફિલ્મો સળંગ જોવી વગેરે નકારાત્મક બાબતોની વચ્ચે ટી.વી.નો વિવેક્પૂર્ણ ઉપયોગ કરવાની આવડત હોય તો આપણાં માટે આશીર્વાદરુપ બની શકે છે.

 2. જગત દવે says:

  હું અને ટેલીવિઝન લગભગ સાથે જ મોટા થયા છીએ એટલે તેનાં અત્યાર સુધીનાં વિકાસનાં દરેક તબક્કાઓ થી હું વાકેફ છું…. એક બાળગોઠિયાની જેમ જ.

  તે હવે બહું પૈસાદાર થઈ ગયો છે…એટલે હંમેશા ચમક-દમક અને ઝાકઝમાળ માં જ જોવા મળે છે. તેનું આવું રૂપ જોઈને તેનો બહું મોટો મહિલા ચાહક વર્ગ થઈ ગયો છે…..એટલે એને પણ પ્રસિધ્ધિનો કેફ ચઢ્યો છે……એટલે જ હવે વિદેશી વરણાગીયાં-વેડા પણ કરતો થઈ ગયો છે. પંચાતીયો પણ બહું થઈ ગયો છે. કોઈ કોઈ વાર તેને ભારતીયતા યાદ આવે છે પણ તે ક્ષણિક ઉભરાની જેમ ક્યાં અદ્રશ્ય થઈ જાય છે સમજાતું નથી.

  પણ હું તેને બરોબર ઓળખું છું….જ્ઞાની બહું છે પણ તેનું જ્ઞાન સહદેવ જેવું છે. હું કોઈવાર આ બાબતે તેનો ઉધડો પણ લઊ છું તો તે કહે છે…….”યાર તને તો ખબર છે લોકો પુછે હું તો હું આવી વાતો કરું ને !!!!!!!! લોકો ને આવો જ ગમુ છું. જો તારી સાથે મળુ છું ત્યારે કેવી સરસ વાતો કરું છુ?”

  હવે તેની સાથે બહું લડાતું-ઝગડાતું પણ નથી…..કેમ કે હવે તે ‘ફેમીલીવાળો’ પણ થઈ ગયો છે. તેનું ફેમીલી પણ બહોળું છે.

  હવે તો તે મોટો બિઝનેસમેન પણ થઈ ગયો છે કોઈવાર ટપારુ તો કહે…..”યાર…..બિઝનેસ ચલાવવા આવું બધું કરવું પડે….તને ખબર છે હું કેટલા બધા લોકો ને રોજી આપુ છું” અને માળો એ વાતમાં સાચો પણ છે.

  તેની આવી હરકતો ને લીધે જ મોટા-ભાગનાં લોકો તેને વંઠી ગયેલો જ માને છે……અને ઘણાં ‘ઘરડાં’ લોકો તેનાંથી દુર રહેવાની વણમાગી સલાહો પણ આપતાં રહે છે.

  પણ અમે જ્યારે મળીએ ત્યારે ખુબ મજા કરીએ છીએ….એની પાસે જાણવા જેવું પણ બહું હોય છે…….માળો હવે દેશ-વિદેશમાં ફરતો થઈ ગયો છે ને!!!! કોઈવાર બાળપણની વાતો યાદ કરીએ……તો કોઈવાર તે બોલીવુડ-હોલીવુડની કલાસિક ફિલ્મો લેતો આવે છે……કોઈવાર જ્ઞાન-વિજ્ઞાનની વાતો કરે તો કોઈવાર વિશ્વનાં ઈતિહાસ વિષે એવી વાતો લઈ આવે કે મને એમ થાય કે નાહકનો લોકો તેને બદનામ કરે છે. કોઈવાર સમય હોય તો અમે સાથે બેસીને સ્પોર્ટસ ઈવેન્ટ પણ જોઈ નાંખીએ. કોઈવાર જ્યારે તે મારા બહુ જુના મિત્ર ‘રેડિયો’ ને પણ સાથે લેતો આવે ત્યારે અમારી ‘મહેફીલ’ જામે છે.

  મેં આગળ કહ્યું તેમ તે પંચાતીયો પણ બહું થઈ ગયો છે….. પણ કોઈવાર ભ્રષ્ટ રાજકારણીઓને, ઢોંગી-બાબાઓ ને, ગુનેહગારોને, દંભી બુધ્ધિમાનો ને જે રીતે ઊઘાડા પાડે છે ત્યારે તેનાં પર માન થઈ જાય છે અને લાગે છે કે તે આમ જ કામ કરતો રહેશે તો મારા ભારતમાં જરુર કોઈ ‘નવી સવાર’ ઊગશે.

  તેને હવે તો બાળકોને રમાડતાં પણ બહું સરસ આવડે છે…..મારા બાળકો ને બહું સરસ રમાડે છે. બાળકો પણ તેની પાછળ ‘કાકા-કાકા’ કરતાં ફર્યા કરે છે……પણ સાચુ કહું હું ને મારી ધર્મ-પત્ની બાળકો ને તેની સાથે બહું ઝાઝીવાર રમવા નથી દેતાં…..તેમને ભણવાનું પણ હોય ને.!!!!???. પણ મારા બાળકો તેનાં ‘ફેન’ થઈ ગયા છે. હા….વેકેશનમાં તેઓ જરુર તેની સાથે મજા કરી લે છે.

  બધા ભલે તેને વંઠી ગયેલો કહે પણ …….હું તેને બરોબર ઓળખું છું એટલે મારી સાથે તો સખણો રહે છે. ગમે તેમ તોય મારો ‘બાળ-ગોઠિયો’ છે અને સાચુ કહું તો……..મને મારા જુના મિત્રો ને છોડવા નથી ગમતાં.

  • જય પટેલ says:

   શ્રી જગતભાઈ

   આપના બાળપણનો ગોઠિયો ગમ્યો..!!

   …..પણ આજે આપનો ગોઠિયો રેટિંગના ચક્કરમાં સેન્સેશન નિયમીત પેદા કરે છે.
   મને તો સરકારી માઈબાપનો દૂરદર્શન ગોઠિયો જ ગમે….કોઈ સનસનાટી નહિ….રેટિંગના ચક્કરનું
   ચક્કર નહિ…..સ્ટિંગ ઓપરેશન નહિ અને સલમા સુલ્તાનનું હાસ્ય પણ નહિ..!!

  • Ashish Dave, Sunnyvale, Califronia says:

   LIked your analogy…

   Ashish Dave

 3. દુર-દર્શન નો ઇતિહાસ કે એક રાક્ષસ કેવી રીતે આપણી ઉપર હાવી થઇ ગયો તેનો ઇતિહાસ

  TV એ ઘણું આપ્યું છે તે સાચ્ચું પણ સામે જે લઇ લીધું છે તેનું પ્રમાણ વધારે છે

  દૂધપાક માં દૂધ સારું , ખાંડ સારી , એલૈચી સારી પણ જો એક ટીપું લીંબુ પડી ગયું તો ?

  હવે કોઈ એવી દલીલ ના કારસો કે એતો આપણી વિવેક બુદ્ધિ પર આધાર રાખે છે
  TV જોવા વાળા ઓ માં નાદાન બાળકો વધારે હોય છે
  જગત ભાઈ ની comments માં creativity છે

  • જગત દવે says:

   ધિરજભાઈઃ
   મારા ‘બાળ-ગોઠીયા’ને તમે ‘રાક્ષસ’ કીધો? તમે પણ લોકોની જેમ તેને ન ઓળખી શક્યા?
   તમારો પણ વાંક નથી……સહદેવ એટલે જ તો મહાભારતમાં ‘ફેમસ’ નથી. કોઈ તેને પુછતું જ નથી.
   દુઃખ થયું….. 🙁

   🙂 🙂 🙂

 4. nayan panchal says:

  સરસ માહિતીપ્રદ લેખ અને તેમાં જગતભાઈની કોમેન્ટે ઘણા બધા ચાંદ લગાવી દીધા.

  દરેક સિક્કાની બે બાજૂઓ હોય છે. આ લેખ જે માધ્યમ વડે વાંચુ છું તે પણ ગુણો અને અવગુણોનો ભંડાર છે. આજ કાલ નાના બાળકો પણ ઇન્ટરનેટ વાપરે છે. તેમને સાચી સમજ આપવી આપણી ફરજ છે.

  ખૂબ આભાર,
  નયન

 5. ટેલિવિજનની સુવર્ણ જયંતિની વાતથી જૂના વર્ષો યાદ આવી ગયા
  દૃરદર્શન જ એક માત્ર હોવાથી બધાને અ દરેક ઘટના યાદ હશે. “હમલોગ” અને બુનિયાદ”
  બંને સિરિયલો એવીને એવી યાદ છે. બ્લેક એન્ડ વાઈટ ટી.વીને ખુબ મજાથી જોતા હતા.
  જગતભાઈએ “બાળ ગોઠીઓ” કહ્ય્ં છે સાચી વાત છે. મનોરંજનનુ એક ઉમદા સાધન હ્તુ.
  અત્યારે વસ્તુનુ ખાસ મુલ્ય રહ્યું નથી. પરંતુ એ વખતે બ્લેક & વાઈટ ટી.વી પણ આનંદ આપતા
  કીર્તિદા

 6. MG Dumasia says:

  નેટ અને ટી. વી. સાથે મોટી થઇ રહેલી પેઢી આપણાં કરતાં ઘણી વધુ હોશિયાર છે.ગામડાંઓમાં જ્યાં ટી.વી. નથી(દુરદર્શન સિવાય),મતલબ બીજી ચેનલો નથી ત્યાં આ તફાવત તરત જ દેખાઇ આવે છે. એમજી.

 7. Dipti. says:

  ૧૯૮૪ થી ટીવી જોવાનું શરુ કર્યું હતું. ટોકિઝમાં આવતા સમાચાર તો ખરા જ . પણ ટીવીનો ઈતિહાસ , વિકાસ અને ફેલાવા વિશે વાંચવાનું ગમ્યું. માહિતિ સંકલન માટે અભિજિતભાઈને ધન્યવાદ.

 8. Jagruti Vaghela U.S.A. says:

  આપણો ટેલિવિઝનનો ઈતિહાસ જાણવા મળ્યો.’ હું તેને બરાબર ઓળખુ છુ એટલે મારી સાથે સખણો રહે છે ‘ શ્રી જગતભાઈની કોમેન્ટ ગમી.
  ટેલિવિઝન પાસેથી આપણે સારુ મેળવ્યુ ય છે અને ગુમાવ્યુ ય છે. જેમ કે પહેલા ઉનાળાના વેકેશનમા શેરીઓમા છોકરાવ ગિલ્લીડ્ંડા, લખોટીઓ રમતા તે, સાંજે જમી પરવારી મોડે સુધી લોકો ઓટલે બેઠા અલકમલક ની વાતો કરતા તે, શિયાળામા રાતે ચોકમા તાપણું અથવા સગડી ચેતાવીને કુંડાળુ વળી તાપવા બેસી જતા તે બધુ…..હા, તાપણું(fireplace) તો અત્યારે ય કરીએ છીએ પણ ઘરમાં ટીવી જોતા જોતા.
  સામે ટી.વી એ આપ્યુ છે ય ઘણું. મનોર્ંજન તો ભરપૂર પીરસે સાથે એવાએવા દેશોની અને સ્થળોની સેર કરાવે કે સ્વપ્નમાય ન જવાના હોઈએ. History channel, National Geographic, Food Network, Cartoon Network, Sportsnet, Science, Discovery
  વાહ ! શું નથી આપ્યુ. લખીએ એટલુ ઓછુ.
  રહી વાત બાળકોની તો તેમને પણ કેવા પ્રોગ્રામ્સ જોવા દેવા તે પેરન્ટે જ નક્કી કરવાનુ. મારા સનને કયા પ્રોગ્રામ્સ ન જોવા દેવા તે માટે અમેજ ધ્યાન રાખીએ છીએ. Each program has PG,PG 13, or R rating . You can put parental control. so when they turn on TV and the rating is under parental control that program won’t show up. It will ask for 4 digit code which you have given . It will show up only when you enter that code.

 9. જય પટેલ says:

  ભારતમાં દૂરદર્શનનો વ્યાપ રાષ્ટ્રીય સ્તરે એશિયન ગેમ્સ બાદ થયો.

  ૧૯૭૩ માં પીજ ટીવી સ્ટેશન દિલ્હી સાથે લિન્ક હતું. દિલ્હીના કાર્યક્રમો સાંજે ૬ વાગે શરૂ થતા અને
  પીજના કાર્યક્રમો ૭.૩૦ ગુજરાતી સમાચાર સાથે શરૂ થતા. સુશ્રી શોભા મોદી અને શ્રી એ.એ. મન્સુરીના
  હસમુખા ચહેરા અને ત્યારબાદનું ટ્રાન્ઝીશન સુશ્રી સલમા સુલ્તાનનો ગંભીર ચહેરો ભુલવો મુશ્કેલ છે..!!

  દેશમાં ખરા અર્થમાં ટીવીનું રાષ્ટ્રીય સ્તરે નેટવર્ક સ્થાપવાનો યશ સ્વ.શ્રી એચ.કે.એલ. ભગતને જાય છે.
  અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર પીજ ટીવીના કાર્યક્રમો તૈયાર કરતું. કોલેજમાંથી અમારી ટૂર સ્પેશ એપ્લિકેશન સેન્ટર
  ઈસરો અને ફિઝીકલ ટેસ્ટિંગ લેબોરેટરીની મુલાકાતે ગયેલી….ત્યાં શ્રી મન્સુરીભાઈને જોયેલા.
  અત્યંત સાદગી અને ચહેરા પરની નમ્રતા ચાડી ખાયા વગર ના રહેતી.

  ટેલિવીઝનના ખાનગીકરણની બારી ખુલતાં જ વિદેશી ઓપરેટરો અનિયંત્રીત…બેલગામ આવી ગયા.
  સરકારે ખાનગી ચેનલોનું નિયમન કરનારી ઓથોરિટી (વોચ ડૉગ)ની સ્થાપના આજદિન સુધી કરી નથી.
  રેટિંગના ચક્કરમાં સ્ટિંગ ઓપરેશન કરવું….સનસનાટી ફેલાવવી….૨૬/૧૧ ના હુમલા વેળાએ હોટલની
  બહારથી લાઈવ પ્રસારણ કરી આતંકવાદીઓના હાથ મજબૂત કરવા સુધીનું કાર્ય….આઘાતજનક છે.
  આની સામે ઈરાક વૉર વેળાએ અમેરિકામાં તાબૂતનો ફોટો પણ કોઈ પ્રસિધ્ધ કરતું નહોતું…સ્વૈચ્છિક મર્યાદા.

  પ્રસાર ભારતીની ઈમારત બીબીસી જેવા પ્લેટફોર્મ પર ઉભી કરવી જોઈએ.

 10. The history of idiot box is very slow and that is very good –here in us there 1000 channels (may be more than that) but all of them in general only serve soap operas —i like cnn –history channel –discovery channel –abc channel –cartoon network and Disney channel good for grand children –gujarati is only on tvasia –if some body knows pl forward any gujarati channel AVAILABLE in us —-by the way i have time for ReadGujarati.com since i do not waste my time on idiot box–but younger generation will not agree –i know that –they see American English channels –then talk in neither Gujarati nor English —-khichadi language —
  my daughter and son in law have made a rule to see only at night while taking dinner –however fancy serial may be they say TV should respect our timings –otherwise ignore them –no sky will fall down !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.