સુખ અંદરથી આવે છે – અવંતિકા ગુણવંત

[‘અભરે ભરી જિંદગી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

અસીમા ને શિખા કૉલેજમાં સાથે ભણતાં હતાં. અભ્યાસ પૂરો થયા પછી છૂટાં પડ્યાં તે છેક આજે મળ્યાં છે. લગભગ બત્રીસ વરસે. આ બત્રીસ વરસમાં તો ઘણું ઘણું બન્યું છે. બેઉ પરણ્યાં. સંતાનો થયાં. એમનાંય લગ્ન થયાં ને અલગ સંસાર રચાયા છે. બેઉ ખૂબ ઉમળકાથી એકબીજાને મળે છે ને ઉત્કટતાથી ખબરઅંતર પૂછે છે. શિખા બોલી :
‘મારે એક દીકરો છે. એ ડૉક્ટર છે ને મદ્રાસના દવાખાનામાં સર્વિસ કરે છે. દીકરી પરણી છે. એનો વર બૅન્કમાં છે. હાલ એ સૂરતમાં છે. તારે શું સંતાનો છે ?’
‘મારે દીકરો નથી, ચાર દીકરીઓ છે. ચારે પરણી છે ને સુખી છે.’ અસીમા બોલી.

અસીમાના મોં પર સુખ ને સંતોષની આભા જોઈને શિખાને થયું નક્કી એના જમાઈઓ ખૂબ પૈસાદાર હશે તેથી જ આટલા આનંદથી વાતો કરે છે. શિખાનો જમાઈ બૅન્કમાં નોકરી કરતો હતો, એણે પોતાનો ફલૅટ લીધો હતો, ધીરે ધીરે બધી સગવડો વસાવી હતી છતાં દીકરી મળે ત્યારે ફરિયાદ જ કરતી હોય, બબડતી હોય, ‘આ તે કંઈ જીવન છે ? પૈસો પૈસો કરીને બચત કરવી પડે છે. એક વસ્તુ વસાવવી હોય તો આખું વરસ કરકસર કરવી પડે છે, કંઈ કેટલાય ઠેકાણે કાપ મૂકો તો એક ચીજ ખરીદાય ! લોકો કેટલા એશારામથી જીવતા હોય છે. મને તો બજારમાં નીકળું ને સારી સારી વસ્તુઓ જોઉં ને જીવ બળી જાય છે. ટી.વી.માં જાહેરખબર જોઉં ને મન એવું ચચરે કે આ બધું હું ક્યારે વસાવીશ ?’

દીકરીને ઉદાસ થતી જુએ ને શિખાય ઉદાસ થઈ જાય. એને થાય શું કરું ને દીકરીને વસ્તુઓ અપાવી શકું. પણ એની પોતાની પાસે પૈસાની છૂટ ન હતી. ક્યાંથી હોય ? એનો પતિ મિલમાં નોકરી કરતો હતો. એણેય કરકસર કરીને જીવન ગબડાવે રાખ્યું હતું. ઊંડે ઊંડે એના મનમાંય અસંતોષ જ હતો. એ ઉંમરલાયક હતી તેથી બહાર બોલતી નહિ જ્યારે દીકરી અવારનવાર બોલી કાઢતી. અસીમાએ કહ્યું કે મારી દીકરીઓ સુખી છે ત્યારે શિખાને ઊંડાણમાં ઈર્ષા થઈ. અસીમાની ચારે દીકરીઓ સુખી ! ખાસ પૈસાદાર જમાઈઓ શોધ્યા હશે. અસીમા તો પહેલેથી પેક હતી. આમ વિચારીને એણે પૂછ્યું, ‘શું કરે છે તારા જમાઈઓ ?’
અસીમા બોલી : ‘મોટા જમાઈ એન્જિનિયર છે ને રેલ્વેમાં સર્વિસ કરે છે. રહેવા સરસ કવાર્ટર્સ મળે ને બીજી સગવડો છે. બે-પાંચ વરસ થાય ને બદલી થાય, નવાં નવાં શહેરો જોવા મળે. મારી મોટી તો બહુ ખુશ છે.’
અસીમાની વાત વચ્ચેથી કાપતા શિખા બોલી, ‘બદલી થાય એટલે છોકરાંઓનું ભણવાનું ના બગડે ? વારે વારે નિશાળો બદલવાની, વાતાવરણ બદલાય એટલે છોકરાઓને એડજસ્ટ થવાનીય મુશ્કેલી પડે !’
‘મારી મોટી તો કહે છે, છોકરાંઓને બધેય ફાવે છે. તેઓ તો નવા વાતાવરણમાં તરત ગોઠવાઈ જાય છે. નવા ભાઈબંધો મળે ને ખુશ થાય છે. તેમને ક્યાંય અજાણ્યું નથી લાગતું.’ અસીમાએ કહ્યું.

‘બીજા જમાઈ શું કરે છે ?’ શિખાએ પૂછ્યું.
‘બીજા જમાઈ ડૉક્ટર છે, એમનું માણસામાં દવાખાનું છે.’
‘ગામડામાં ? તારી છોકરીને ગામડામાં ગમે છે ?’ શિખાએ નવાઈથી પૂછ્યું.
‘હા, એનું ઘર મોટું છે ને ચારે બાજુ ખુલ્લી જગ્યા છે. મોટા મોટા ઝાડ છે. આખો દિવસ એવો સરસ છાંયડો રહે. ઝાડની ચારે બાજુ ગોળ ઓટલા બનાવ્યા છે. અમારી દીકરીને એક દીકરી છે, એ બંનેએ ત્યાં સરસ ગાર્ડન બનાવ્યો છે, નાના નાના ખડકો બનાવ્યા છે, એનાં પર જાતજાતના છોડવાઓ વાવ્યા છે. ક્યાંક માટીની કે પથ્થરની મૂર્તિઓ ઘડીને મૂકી છે, ક્યાંક ઝૂંપડી બનાવી છે તો ક્યાંક મંદિર. મારા જમાઈ રોગીઓને તપાસે અને રોગની દવા આપે. રોગીઓ દીકરીના બનાવેલા ગાર્ડનમાં બેસે ને એમનાં દુ:ખદરદ ભૂલી જાય. દીકરી એમના ખબરઅંતર પૂછે, એમની પીડા અને વ્યથાની વાત લાગણીથી સાંભળે. કોઈકને સાંત્વન આપે. કોઈકને હિંમત આપે. ગરીબ દરદીઓને ઘરમાંથી ખાવાપીવા આપે, દરદીઓ દીકરી જમાઈને એટલું માને છે કે દીકરી જમાઈને માણસા છોડીને, એમના દરદીઓને મૂકીને એક દિવસ માટેય શહેરમાં આવવાનું મન નથી થતું. એ માણસા જ એમનું જગત છે. એમની દુનિયા છે. એમને મળવાનું મન થાય ત્યારે હું ત્યાં જાઉં છું.’ અસીમા તો બોલે જાય છે.

ત્યાં શિખા બોલી, ‘તારા ત્રીજા જમાઈ શું કરે છે ?’
‘ત્રીજા જમાઈ ! એમને સિમેન્ટ ફેકટરી છે, મધ્યપ્રદેશમાં જમાઈ ત્યાં બાલાઘાટમાં જ રહે છે. દીકરી ક્યારેક બાલાઘાટમાં રહે, ક્યારેક એનાં સાસુ-સસરા ભોપાલ રહે છે ત્યાં રહે. એનો દીકરો ત્યાં નિશાળમાં ભણે છે.’ અસીમાએ કહ્યું.
‘બિચારીને, દીકરા ખાતર વરથી જુદા રહેવું પડે.’ શિખા બોલી.
‘એને તો એમાં કંઈ દુ:ખ નથી લાગતું. ધંધો હોય ત્યાં પુરુષે તો રહેવું પડે જ ને ! એનાં સાસુ-સસરા ઘરડાં છે. એમને ભોપાલ છોડવાનું ગમતું નથી. તેથી ઘરડાં માબાપનો ખ્યાલ રાખીને એમણે ભોપાલ ઘર ચાલુ રાખ્યું છે. એમને તકલીફ ના પડે માટે દીકરી મોટા ભાગે તો સાસુસસરા પાસે જ રહે છે.’ અસીમા બોલી.
‘તો એનો વર ત્યાં એકલો રહે ! એને તકલીફ ના પડે ?’ શિખાએ પૂછ્યું.
‘તકલીફ ? તકલીફ શાની ? તકલીફને તકલીફ માનો તો તમને અગવડ લાગે, ના ગમે. દુ:ખી થાઓ. પણ જમાઈને મહત્વાકાંક્ષા હતી પોતાની ફૅક્ટરી હોય. તો પછી એની કિંમત તો ચૂકવવી પડે ને ! કોઈ વસ્તુ તમને એમ જ નથી મળી જતી. પતિનાં સ્વપ્નાં સાકાર કરવામાં સાથ આપવાનો કઈ સ્ત્રીને ના ગમે ? મારી દીકરી તો એના પતિની સાથે હોય તોય ખુશ અને દૂર હોય તોય ખુશ. એ તો દરેક પળને ઉત્કટતાથી જીવે છે, તન્મયતાથી જીવે છે.’

‘ને તારી ચોથી દીકરી, એનો વર શું કરે છે ?’
‘ચોથીનો વર હમણાં એક ફર્મમાં હિસાબનીશ તરીકે નોકરી કરે છે.’
‘હમણાં એટલે ? પહેલાં એ બીજું કંઈ કરતા હતા ?’
‘હા, એ પરણી ત્યારે તો મોટો ધંધો હતો. લાખોનો કારોબાર હતો પરંતુ ધંધો છે નફોય થાય ને ખોટેય આવે. બે વરસ પહેલાં એમને બહુ મોટી ખોટ આવી. બંગલો વેચી નાંખવો પડ્યો. જાહોજલાલી જતી રહી છે. એને એક નાનો ત્રણ વરસનો છોકરો છે. એને મારી પાસે રાખું છું ને એ બેઉ જણ નોકરી કરે છે.’
‘અરેરે, એ દુ:ખી કહેવાય.’
‘દુ:ખી, દુ:ખી એટલે ? એની જિંદગી હાડમારીવાળી છે. એક રૂમ ને રસોડાના ઘરમાં રહે છે, જે કમાણી છે એમાંથી એ બે અને એના સાસુસસરા ને વિધવા ફઈજી એમ પાંચનું પૂરું કરવાનું તેથી હાથ તંગીમાં રહે પણ એવું તો ચાલે. જિંદગી છે.’ અસીમા જરાય ઉદાસ થયા વગર બોલી.
‘તારા ડૉક્ટર ને સિમેન્ટ ફૅકટરીવાળા જમાઈ પાસે તો પૈસો ઘણો હશે, એ મદદ ના કરે ?’ શિખાએ પૂછ્યું.
‘મદદ ? મદદ તો કરે પણ મારી એ નાનકડી મદદ સ્વીકારે એવી નથી. એ તો ખુમારીવાળી છે. જિંદગીમાં જે પડકાર આવે એને ઝીલી લે એવી છે. પુરુષાર્થમાં માનનારી છે.’ અસીમા ગૌરવથી બોલી.
‘બીજી ત્રણે બહેનોના પૈસા જોઈ એને મનમાં લાગે નહિ ?’ શિખાથી પૂછ્યા વગર ના રહેવાયું.
‘બીજાના પૈસા જોઈ એ શું કામ દુ:ખી થાય ? આર્થિક અસમાનતા તો હોય. પણ આપણે મનોમન સરખામણી શું કામ કરીએ ? ઓછા પૈસા એટલે દુ:ખ એવું કોણે કહ્યું ? અસીમાએ ભારપૂર્વક પૂછ્યું.
‘પૈસા ના હોય એટલે સાધન સગવડ ના હોય, મોજશોખ ના કરાય એટલે દુ:ખ જ ને !’ શિખા બોલી.
‘શિખા, જો એ વાત સાચી હોત તો ઝૂંપડામાં રહેનારા ગાંડા થઈ ગયા હોત, નાના ઘરમાં રહેનારે બીજાના બંગલા જોઈને આપઘાત કર્યા હોત. પગે ચાલનારા મોટર જોઈ જોઈને બેહાલ થઈ ગયા હોત. પણ એવું કશુંય નથી થતું. ઝૂંપડામાં રહેનાર ને મજૂરી કરનાર મોજથી જીવે છે, હસે છે, ખાય છે, પીએ છે ને આનંદ કરે છે, અરે મારી બહેન, સુખ તો અંદરથી આવે છે, બહારથી નહિ.’

શિખા અસીમાની વાત નવાઈ પામીને સાંભળ્યા કરે છે. એને થયું, સગી બહેનો તો સ્વાભાવિક રીતે જ એકબીજાની સરખામણી કરે. જેની પાસે પૈસા હોય એ સુખી ગણાય એના બદલે અસીમા તો સાવ જુદી વાત કરે છે. માણસને ઓછું મળ્યું હોય તોય સંતોષ કેવી રીતે મળે ? પોતાના ભાગ્યને ભાંડે નહિ ! એ બોલી, ‘અસીમા, તારી દીકરીઓ તો ગજબ કહેવાય. જેને જે મળ્યું છે તેનાથી સંતોષ છે. મોટા ઘરમાં રહેનારે સુખી ને નાના ઘરમાં રહેનારે સુખી, ગામ ગામ ફરવાનું મળે તેય સુખી. વર સાથે રહેવાનું મળે તોય સુખી ને વરથી દૂર રહેવું પડે તોય સુખી !’
‘હા, શિખા, મારી ચાર દીકરીઓમાં સરળતા કહે તો સરળતા કે ખુમારી કહે તો ખુમારી. એમને જે જીવન મળ્યું છે તેનાથી ખુશ છે. કદી કોઈએ ફરિયાદ નથી કરી કે આંસુ નથી સાર્યા. એ એની રીતે ગૌરવથી જીવે છે. મારે કોઈને કદીય શિખામણ કે સલાહસૂચન આપવા નથી પડ્યાં. હા, ક્યારેક જિંદગી કડવીય લાગી હશે ને એકાદ પળ ઉદાસ થઈ હશે. પણ એમણે એમની જાતે જ બધું સંભાળી લીધું છે. ચારેને પોતાનામાં ને જીવનમાં શ્રદ્ધા છે, રસ છે, તેથી એમની ઉદાસીનતા કે કડવાશ એકાદ ઘડી પળથી લાંબી ટકી નથી.’
‘ચારે દીકરીઓને આવી શી રીતે ઘડી ? તેં શું જાદુ કર્યો છે ?’ શિખાએ પૂછ્યું.
‘જાદુ ? જાદુ કશોય નહિ. બસ સારું વાચન. નાનપણથી ઉપદેશકથાઓ, બોધકથાઓ, ધાર્મિકકથાઓ કહી છે. ઉત્તમ સ્ત્રીપુરુષોના ગુણોની વાતો કરી છે. જીવન કેટલું મહાન છે, એને સારી રીતે જીવવું એ આપણા હાથમાં છે એનું સતત ભાન કરાવ્યું છે.’ અસીમા બોલે જાય છે, ‘જીવનમાં બધું ના પણ મળે, સમાધાન કરવું જ પડે. જે મળે એનાથી જીવવું, મોજથી જીવવું, કોઈ પણ ફરિયાદ વગર જીવવું એ પાઠ છોકરીઓને નાનપણથી ભણાવ્યા છે. અમારા ઘરમાં સંસ્કારની વાતો થતી, પૈસાની નહિ. પૈસો તો સાધન છે, એ ઓછો વધતો હોય તોય જીવતાં આવડવું જોઈએ. એવી વાતો અમે કાયમ કરતાં તેથી તો છોકરીઓને જેવી જિંદગી મળી તેને સાર્થક કરી છે.’

શિખાને થયું, અસીમાની વાત સાચી છે. મા તરીકે હું ઊણી ઊતરી, મેં મારી દીકરીને ભણાવી ખરી પણ પાયાનું જ્ઞાન ના આપ્યું તેથી મારી દીકરી દુ:ખી છે, મારી દીકરીમાં જીવન જીવવાની કળા નથી. શિખાને વિચારમાં પડેલી જોઈને અસીમાએ પૂછ્યું, ‘શું વિચારમાં પડી ગઈ ?’
‘કંઈ નહિ મારે મોડું થાય છે. હું જાઉં….’ કહીને શિખાએ રજા લીધી પણ મનમાં એણે નિર્ણય કર્યો. દીકરીને હું સાચી રીતે જીવતાં શીખવીશ. આ છોકરીઓના દાખલા આપીશ. અરે અભાવ અછતમાં જીવનારી છતાંય હસીને જીવનારી કેટકેટલી સ્ત્રીઓ છે તેમની વાત હું એને કહીશ. એનું મન તૈયાર કરીશ અને એને દુ:ખી લાગતી એની આ જ જિંદગી પછી તેને સુખી લાગશે, જીવનમાં બધે સુખ જ છે. માણસને જીવતાં આવડવું જોઈએ.

[કુલ પાન : 238. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન જ્યોત જગાવો – અમૃત બાન્ટાઈવાળા
થોડુંક વિચારીએ…. – તંત્રી Next »   

29 પ્રતિભાવો : સુખ અંદરથી આવે છે – અવંતિકા ગુણવંત

 1. જય પટેલ says:

  હંમેશાની જેમ સુશ્રી અવંતિકા ગુણવંતની પ્રસ્તુત વાર્તામાં પ્રેરણાત્મક સંદેશ જીવનની દિશા બદલનારો છે.

  જાદુ ? જાદુ કશોય નહિ. બસ સારૂ વાંચન.
  સારૂ વાંચન…..પુસ્તક માણસનું મિત્ર છે. જરૂરિયાતો જેટલી વધારો તેટલી ઓછી પડે..!!
  અસીમાએ ચારેય દિકરીઓને સાચા અર્થમાં દિક્ષા આપી છે. કપરા સમયમાં જજૂમવા નૈતિક બળના
  પાઠનું સિંચન ગળથૂથીમાંથી કર્યું છે.

  પ્રેરણાત્મક ચિંતન.
  આભાર.

 2. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  ખુબજ સરસ અને જિંદગીની સાચી જીવવાની રીત દર્શાવતી વાત. માણસ હંમેશા એમ વિચારે છે કે ખુબ પૈસો એટલે ઘણુ બધુ સુખ. પણ એ બાહ્ય અને ભૌતિક હોય છે. માણસ પાસે થોડા પૈસા હોય પણ તે વધારે સુખી અને સંતોષી હોય છે. મનુષ્ય સુખી થવા જરૂરીયાત વધારે છે અને એ વસ્તુના મળતા તે દુઃખી થાય છે અને જીવનભર આ ચક્રમા ફસાયા કરે છે અને જે સુખ અને આનંદ સંતોષમા મળે છે એની અવગણના કરે છે. પુસ્તક મનુષ્યનો સાચો મિત્ર બની રહે છે. જીવન ના અગત્યના નિર્ણય કરવાની ક્ષમતા આ પુસ્તકો માથી મળી રહે છે. માતાએ આપેલા સંસ્કારે દીકરીને જીવન જીવવાની સાચી રીત બતાવી તે સરાહનીય છે.
  અવંતિકાબેન ગુણવંત નો પ્રેરણા આપતો સુંદર લેખ.
  આભાર.

 3. DHIREN says:

  AMAZING STORY AND GIVING LESSONS TO LIVE THE LIFE……
  THE HEART OF THE STORY AND HEADING OF THE STORY…..HAPPINESS IS COMING FROM INSIDE…
  IS SO TOUCHING AND SPIRITUALISTIC IN MY OPINION.
  I CONGRATULATES FOR WRITING SUCH STORY AND PUBLISHING ON READ GUJARATI…
  DHIREN

 4. ખુબ જ સુંદર પ્રેરણાત્મક.

  સુખ આપણી અંદર જ હોય છે…ને આપણે સતત બહાર ફાંફા મારીએ છીએ.

 5. Jignesh Dekhtawala says:

  Worth Reading….and must say written in very effective way….

 6. trupti says:

  સરસ બોધ આપતી વાર્તા. પૈસોજ મારો પરમેશ્વર માનવા વાળામાટે આંખ ખોલતી કથા.

 7. Chintan says:

  “સારૂ વાંચન એતો મનનો ખોરાક છે” એ ઉક્તિને સિધ્ધ કરતી ખુબ સુંદર વાત. નિયમિત વિવિધ વિષયવાંચન જીવનમાં એક પ્રકારની તાજગી અને મુશ્કેલ સમયમાં પડકારો ઝીલવાની અદભૂત શક્તિ આપે છે.

  લેખિકાશ્રિ તેમજ મૃગેશભાઈનો ખુબ આભાર.

 8. Vipul Panchal says:

  Awesome story.

 9. nayan panchal says:

  ખૂબ જ સુંદર પ્રેરણાત્મક વાર્તા.
  આચાર્ય વિજય રત્નસુંદર સૂરિજી નુ એક વાક્ય યાદ આવી ગયુઃ

  જો તમારી પાસે રડવાના સો કારણો છો, તો હસવાના હજાર કારણો શોધી લેજો.

  ખૂબ આભાર,
  નયન

 10. Sunita Thakar (UK) says:

  પેહલા ના જમાના કરતા ઘણી વધારે ભૌતિક સુખ સગવડો હોવા છતા લોકો સાચા અર્થ મા સુખિ નથી કારણ કે વધારે ને વધારે પામવા ની દોડ મા એમણે મન ની શાન્તી ખોઈ નાખી છે. સુન્દર બોધદાયક વાર્તા.

 11. સુખ શોધ્યે તો નથી મળતું. એ તો સહજ હોય છે. સાચું સુખ માનવીના મનમાં વસે છે. હજારો ડોલરના ડુંગર પર બેસીને રોદણા રડતા વ્યક્તિ હોય છે. તો રોજનું લાવી રોજ ખાનારા સંતોષી જીવો પણ હોય છે. સુખ એ સંતોષનો પરિપાક છે.
  સંતોષી નર/નારી સદા સુખી.
  સુખ અને સંતોષ એ સિક્કાની બે બાજુ છે. પણ જો સંતોષની બાજુ વધુ ઊજળી હોય તો સુખની બાજુ પણ ચમકતી રહે.
  અવંતિકા બહેન હંમેશ કંઈ સંદેશ લઈને આવે.

 12. Ajay says:

  Ghanu sundar lakhan che. Jivan ma navu shikva male che.

  Thanks & Best Regards,
  Ajay

 13. Veena Dave. USA says:

  વાહ્ ખુબ સરસ.
  સમયને અનુરુપ વાર્તા લખવા અને અહિ વાચકોને આપવા બદલ અવંતિકાબેન તથા મૃગેશભાઈનો આભાર.
  સુખ અને દુખ મનના કારણો છે.

 14. Jagruti Vaghela U.S.A. says:

  very good story

 15. Jigna Bhavsar says:

  “લોકો કેટલા એશારામથી જીવતા હોય છે. મને તો બજારમાં નીકળું ને સારી સારી વસ્તુઓ જોઉં ને જીવ બળી જાય છે. ટી.વી.માં જાહેરખબર જોઉં ને મન એવું ચચરે કે આ બધું હું ક્યારે વસાવીશ ?”

  આજ કાલ થોડાક લોકો ઘરને ઘર બનાવવા માનતા નથી પણ દુકાન બનાવવા માંગે છે. જે બજાર માં હોય તે ઘર માં હોવું જોઈએ. અને બધું જોઈએ માં જે હોય તેને પણ માણવાનું ખોય નાખે છે.

  ક્યારેક કશે એવું કઈક વાંચેલુ કે જેટલી જરુરીયાત ઓછી તેટલું ઉચ્ચ જીવન.

  આવા સારા વિચારો ને ફરી યાદ અપાવવા માટે આભાર.

 16. Vaishali Maheshwari says:

  Very inspiring story.
  I read the following somewhere sometime ago.
  Just thought of sharing with all readers.

  Before you complain:

  Today before you say an unkind word –
  Think of someone who can’t speak.

  Before you complain about the taste of your food –
  Think of someone who has nothing to eat.

  Before you complain about your husband or wife –
  Think of someone who’s crying out to GOD for a companion.

  Today before you complain about life –
  Think of someone who went too early to heaven.

  Before you complain about your children –
  Think of someone who desires children but they’re barren.

  Before you argue about your dirty house, someone didn’t clean or sweep –
  Think of the people who are living in the streets.

  Before whining about the distance you drive –
  Think of someone who walks the same distance with their feet.

  And when you are tired and complain about your job –
  Think of the unemployed, the disabled, and those who wish they had your job.

  But before you think of pointing the finger or condemning another –
  Remember that not one of us is without sin and we all answer to one MAKER.

  And when depressing thoughts seem to get you down –
  Put a smile on your face and thank GOD you’re alive and still around.

  Before we complain, we should thank God for all that he has given us till now.
  Thank you Ms. Avantika Gunwant for this wonderful inspiring story.

 17. Rajni Gohil says:

  સંતોષી નર સદા સુખી એવાત અવંતિકાબેને ખુબ જ સુંદર રીતે રજુ કરી છે. આ વાર્તા વાંચીને તેમાંથી પ્રેરણા લઇને ઘણા લોકો સુખી થશે. . प्रत्यवायो न विध्यते । દુનિયામાં દુઃખનું અસ્તિત્વ જ નથી. દુઃખ એ તો આપણા વિચારોની પેદાશ છે. આપણા વિચારો જ આપણી દુનિયાનું ઘડતર કરે છે. દુઃખ તો આપણા ગુરુ છે. એક આખ ગુમાવીને એક માણસ નસીબને દોષ દઇ ને દુઃખમા બાકીની જીંદગી પસાર કરે છે. જ્યારે બીજો માણસ એક આંખ ગુમાવવા છતાં બચેલી એક આંખ માટે તે ભગવાનનો ઉપકાર માને છે કે એક આંખે પણ તે આખી દુનિયા જોઇ શકે છે અને હિંમત હાર્યા વગર સુખેથી બાકીની જીંદગી પસાર કરે છે.
  અવંતિકાબેનને ધન્યવાદ આપીને સાથે સાથે બીજા ઘણા લોકોને પણ આપણે આ વાર્તા વંચાવી/સંભળાવી ને તેમને પણ સુખની અનુભૂતિ કરાવીશું.

  I was complaining I have no shoes
  until I met a man who had no feet.

 18. Dr.Ekta.U.S.A. says:

  સુંદર લેખ્.

 19. Chi says:

  ખુબ જ સુન્દર લેખ્. આભાર્.

 20. હાય બાપ કરવા વાળાઓ માટે અવંતિકા,તમોએ પુરુ હ્દય ઠાલવ્યુ છે.તમારી પ્રેરણાત્મક આ વાર્તા વાંચી એવાઓએ પોતે સુઃખ લઇને બીજાઓને પણ સુઃખે થી જિવવા દેવા જોઇએ.શાસ્ત્રો ની આ વાત સમય ને અનુરુપ તમોએ ખુબજ સહેલાઇ થી અંદર થી સમજાઈ જાય તેમ બે સખિઓ વચ્ચે વહેચીને સૌ સામે પિરસ્યા બદલ આપણો ખુબ ખુબ આભાર.

 21. sima shah says:

  ખૂબ જ સુંદર લેખ …
  હમણાં જ કશેક વાંચ્યુ હતુ કે,
  જોઇતું બધુ મળી રહે તેનુ નામ સુખ ,
  અને જે મળે તેને જોઇતુ માનો તેનુ નામ સંતોષ.
  એટલે કે સુખી હોય તેને સંતોષ હોય એ જરુરી નથી, પણ સંતોષી હોય તે સુખી જરુરથી હોવાનો.
  જમાનાને અનુરુપ સુંદર પ્રેરણાત્મક વાર્તા આપવા બદલ મૃગેશ્ભાઇ અને અવંતિકાબેનનો ખૂબ ખૂબ આભાર
  સીમા

 22. Uma says:

  khub saras varta jivan ma ootarava ane samajava jevee chhe.thanks .

 23. hemant shah says:

  પ્રેરણાત્મક વાર્તા

 24. nirav says:

  km jane mane aapnu lakhan khub j game chhe.

 25. Ashish Dave, Sunnyvale, Califronia says:

  એ તો દરેક પળને ઉત્કટતાથી જીવે છે

  પૈસો તો સાધન છે

  Too good…

  Ashish Dave

 26. Chintal says:

  last two sentenses are realy useful in life……….જીવનમાં બધે સુખ જ છે. માણસને જીવતાં આવડવું જોઈએ.

 27. priya says:

  really nice story..

 28. Maithily says:

  ખૂબ જ સરળતા અને સહજતા થી એક નાની અમથી લાગતી પરંતુ ખૂબ જ મહત્વની વાત નું અંકન કર્યું છે .

  જીવનમાં બધે સુખ જ છે. માણસને જીવતાં આવડવું જોઈએ. — તદન સાચી વાત છે .

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.