મોટું જુઠાણું – કનુભાઈ રાવલ

[‘હાસ્ય-કથામાળા’માંથી બાળવાર્તા સાભાર.]

મિથિલાના રાજા શિવસિંહ. એમનો એક રાજકુંવર. એનું નામ વિરેન્દ્ર. ત્યાંના દીવાનનો એક પુત્ર. એનું નામ રાજેશ. એ ગામના વેપારીને પણ એક પુત્ર. એનું નામ મહેશ. આ ત્રણેય ભાઈબંધો આખો દિવસ સાથે ને સાથે. ફરવા જાય તો પણ સાથે.

એક વાર બધા સાથે બેઠા હતા રાજેશને તુક્કો સૂઝ્યો. તે બોલ્યો :
‘આપણે કશુંક નવું કરીએ. એક રમત રમીએ. એમાં દરેક જણે ખોટી વાત કહેવાની.’
‘બરાબર છે, પણ જે આ વાત જૂઠી છે એમ કહે તે એક હજાર રૂપિયા આપે !’ મહેશ બોલ્યો.
‘શરત મંજૂર છે.’ રાજકુમાર વિરેન્દ્રએ કહ્યું. ત્રણેય મહેલની અગાશી પર બેઠા. સરસ પવન આવતો હતો. રાજેશે પોતાની વાત શરૂ કરી. તેણે કહ્યું, ‘આજથી સો વર્ષ પહેલાંની વાત છે. મારા પિતાજી અહીંના રાજા હતા. તે સમયે શિવસિંહ પાસે ખાવાનું અનાજ નહોતું. તેઓ ખૂબ ગરીબ, રસ્તે રખડતા ભિખારી એટલે મારા પિતાજીએ એમને નોકરીએ રાખ્યા.’
વાત સાંભળતાં જ રાજકુમારનો મિજાજ ગયો. તે ગુસ્સે થયો. એણે રાજેશને એક તમાચો લગાવ્યો અને બોલ્યો : ‘તું ખોટો છે. તારા પિતાજી ક્યારે રાજા હતા વળી ?’
‘લાવો રાજકુમાર 1000 રૂ. તમે શરત પ્રમાણે વાત ખોટી છે એમ બોલી ગયા ને !’ રાજેશે કહ્યું. રાજકુમારે શરત પ્રમાણે 1000રૂ. આપવા પડ્યા.

હવે મહેશનો વારો હતો. એણે પોતાની વાત શરૂ કરી.
‘ઘણા વર્ષો પહેલાં રાજા મારા પિતા પાસે ભીખ માંગવા આવ્યા હતા…..’
બસ ! રાજકુમાર સાંભળી ન શક્યો. એનો મિજાજ ગયો. ગુસ્સાથી લાલચોળ થઈને તેણે મહેશને બે ચાર લપડાક લગાવી અને બોલ્યો : ‘મોઢું સંભાળીને વાત કરજે, નહિ તો જાનથી મારી નાખીશ. તારા પિતા પાસે મારા પિતાજી ભીખ માંગે ? ખોટી વાત…..’
‘એ જ તો શરત હતી ને કુમાર ! તમે મારી વાતને જૂઠી કહી. તો લાવો હવે હજાર રૂપિયા !’ મહેશ બોલ્યો. રાજકુમાર વિરેન્દ્રએ શરત મુજબ પૈસા આપવા પડ્યા. હવે વારો રાજકુમારનો હતો. તે ખૂબ ગુસ્સે થયેલો હતો અને તેની તબિયત પણ બરાબર નહોતી. તે બોલ્યો : ‘હું આવતીકાલે મારી વાત કહીશ.’

બધા પોતાને ઘેર ગયા. વિરેન્દ્ર મહેલમાં આવ્યો. પણ એને ચેન પડતું નહોતું. કાલે નવી વાત કહેવાની છે અને બંને મિત્રો તો હરાવી ગયા હતાં ! એક-એક હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. વિરેન્દ્રને ગોનુઝા યાદ આવ્યા. ગોનૂઝા નગરના ચાલાક અને બુદ્ધિશાળી વ્યક્તિ. ભલભલાને હરાવી દે. વિરેન્દ્ર ગોનૂઝાની ઘરે ગયો. ગોનૂઝાએ વિરેન્દ્રને જોયો અને તરત પારખી ગયો. વિરેન્દ્રએ શરતની વાત કરી અને વિનંતી કરતાં કહ્યું : ‘ગોનુકાકા, તમારા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બંને હરાવી ગયા છે અને હવે આપણે તેમને હરાવવા છે.’ ગોનુઝાએ કુમાર સામે જોયું.
તેઓ હસ્યા અને બોલ્યા : ‘અરે આ તો સામાન્ય વાત છે. કાલે વેશ બદલીને હું આવીશ. તમારા મિત્રોને કહેજો કે મારા બદલે આ મિત્ર વાત કહેશે અને પછી હું બંનેને ઠેકાણે લાવીશ.

બીજો દિવસ થયો. રાત્રિના મહેલની અગાશી પર બધા મિત્રો બેઠા હતા. વિરેન્દ્રની સાથે ગોનૂઝા વેશ પલટો કરીને આવ્યા. એમણે વેશ પલટો એવો સરસ કરેલો કે સાથે રહેનાર પણ ઓળખે નહિ. ગોનુઝાએ બધાને નમસ્કાર કર્યા. વિરેન્દ્ર બોલ્યો : ‘આ મારા મિત્ર છે. બહારગામથી આવ્યા છે. મારાબદલે તેઓ વાર્તા કહેશે.’ ગોનુઝાએ રાજેશ અને મહેશની સામે જોયું અને તેઓ બોલ્યા : ‘આજે આપણે એમ કરીએ કે એક હજારને બદલે બે હજાર નક્કી કરીએ. તમે હારી જાઓ તો તમારે બે હજાર રૂપિયા આપવાના.’ એમ કહીને ગોનૂઝાએ કહ્યું : ‘બોલો શરત મંજૂર છે તો શરૂ કરીએ ?’
‘હા, વાતની શરૂઆત કરો.’ મહેશ અને રાજેશ બોલ્યા. રાજકુમાર બેઠો બેઠો જોતો હતો. આજે બરાબર બદલો લેવાનો હતો અને રૂપિયા પણ પાછા મેળવવાના હતા.

ગોનૂઝાએ વાતની શરૂઆત કરી.
‘મારા પિતા પાસે એક ઘોડો હતો. એટલો ઊંચો કે વાત ન પૂછો. 10 ફૂટ ઊંચાઈ. એવો કે હાથી એને જોઈને નાસી જાય. સફેદ શંખ જેવો હૃષ્ટપુષ્ટ ઘોડો. ઘર પાસે એક મોટું તોતિંગ ઝાડ હતું. એની નીચે પિતાજી ઘોડો બાંધતાં. એક દિવસે ઘોડાએ વડના ટેટા ખાધા. થોડાંક દિવસ થયા ને ઘોડાના પેટમાં વડ ઊગ્યો ! વડ ખૂબ મોટો. ત્રણ માઈલ સુધીનો એનો ઘેરાવો. મારા પિતાજીએ વડ પર માટી નખાવી અને પછી તો કહેવાનું જ શું હોય ! ત્રણ માઈલનું સુંદર ખેતર બની ગયું. આ ખેતરમાં ખેડ કરીને વાવણી કરી.

એક વાર દૂકાળ પડ્યો. ભયંકર દૂકાળ. લોકો ભૂખે મરે. વરસાદનું નામ નિશાન નહિ. લોકો પાણી વિના ટળવળે. ક્યારેક બે ચાર માઈલ વરસાદના ઝાપટાં પડે. લોકો દાણા વિના ટળવળતાં હતાં. વાણિયો અને દીવાન પણ ભૂખે મરતાં હતાં. ભૂખ તો એવી સખત કે… બિચારા ચાલી પણ નહોતા શકતાં. આ બાજુ મારા પિતાએ ખેતરમાં ઘઉં વાવ્યા. ખેતર તો એવું સરસ કે કાચું સોનું પાકે. દુકાળમાં કોઈ ઠેકાણે વરસાદ ન થાય પણ અમારા ખેતરમાં માંગ્યા મેહ વરસે. ખેતરમાં ઘઉં ખૂબ પાક્યા. એ પછી ઘઉંની કાપણી થઈ તો એક લાખ મણ ઘઉં થયા. વાણિયો અને દીવાન આવ્યા. દુકાળ હતો. ઘરમાં અનાજનો એક દાણો નહિ. બંનેના છોકરાં ભૂખે મરતાં હતાં. બંને કકળાટ કરવા લાગ્યા. પોક મૂકીને રડવા બેઠા. મારા પિતાને દયા આવી. તેઓએ વાણિયાને બે હજાર મણ ઘઉં આપ્યા. આ અંગે લેખ થયા. દીવાને તથા વાણિયાએ તેના પર સહીઓ કરી છે. આ લેખ મારી પાસે છે. હજી સુધી આ ઘઉં પાછા આપ્યા નથી. હવે તો વર્ષ પણ સારું છે અને વરસાદ પણ સારો થાય છે. પણ મારું લેણું તેઓ આપતાં નથી.’

‘આ વાત ખોટી છે….. તદ્દન ઉપજાવી કાઢેલી છે.’ રાજેશ અને મહેશ બૂમ પાડીને બોલ્યા.
‘જો આ વાત ખોટી હોય તો બંને બે હજાર આપો અને સાચી હોય તો લેણાંનાં ઘઉં આપો.’ ગોનુઝા બોલ્યાં. શરત તો થઈ જ હતી. બંને મિત્રો શું બોલે ? રાજેશ અને મહેશે બે હજાર રૂપિયા આપવા પડ્યા. રાજકુમાર તો ખુશખુશાલ થઈ ગયો, ગોનુઝાને ભેટી પડ્યો અને બોલ્યો : ‘કાકા, આજે તમે મારી લાજ રાખી.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous થોડુંક વિચારીએ…. – તંત્રી
તણખલાં – સંકલિત Next »   

11 પ્રતિભાવો : મોટું જુઠાણું – કનુભાઈ રાવલ

 1. જોરદાર

  આજે જ બાલ સભા માં આ વાર્તા કહીશ

 2. nayan panchal says:

  બુધ્ધિનુ બળ દર્શાવતી સુંદર વાર્તા.
  આભાર,

  નયન

 3. jignesh says:

  જે કામ બળથી ન થાય તે કળથી થાય.

 4. gita darji says:

  કળ આગળ બળ પાણી ભરે.

 5. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  બાળસાહિત્ય અને તેમા બળ કરતા બુધ્ધિ ચઢે. સારો બોધપાઠ.
  પણ જુઠાણુ બોલવાની શરત અને તેમા પણ પૈસા લગાવાની શરત….બાળસાહિત્ય માટે થોડુક અયોગ્ય લાગ્યુ. થોડીક સકારાત્માક વાત કરી બુધ્ધિનુ બળ બતાવ્યુ હોત તો યોગ્ય લાગત.

 6. Veena Dave. USA says:

  ઠીક વાત.

 7. nirav says:

  this story is copy from another , i read it in my school time. but i like it.

 8. Trupti says:

  Good Story. this story teach us good things.

 9. shaktisinh says:

  sacha arth ma juthu a koinu sagunathi tha tu

 10. Umang Soni says:

  ખુબ સુન્દર ક્રુતિ બનાવિ ચ્હે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.