ઘર – ઈલા આરબ મહેતા

[આદરણીય ધીરુબહેન પટેલ દ્વારા સંપાદિત ‘ઈલા આરબ મહેતાનો વાર્તાવૈભવ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ગ્રીષ્મઋતુના પ્રારંભમાં ગામ બહારની એ નાનકડી દુનિયામાં સારી એવી દોડધામ મચી હતી. માળો બાંધવાની, ઈંડાં મૂકવાની ને બચ્ચાં ઉછેરવાની કેવડી મોટી જવાબદારી પેલાં નાનાં પંખીઓ પર આવી પડી હતી ! બખોલમાં માળો બાંધનારાં નાનાં નાનાં પંખીઓ હાંફળાંફાંફળાં વડ, પીપળ ને બાવળ પર ફરતાં હતાં. કંસારો ‘ટૂક ટૂક’ કરતો ઘટાઓમાં લપાઈ જતો, વળી ઉપરની ડાળીએ ચડી જતો. એને એવી બખોલ શોધવી હતી, જ્યાં ડાળીઓ બહુ મજબૂત ન હોય. કદાચ પેલી બિલાડીઓ ચોરપગલે ઉપર ચડી જાય તો ?

માથા પર પંખા આકારની ટોપી ને બદામી રંગના શરીર પર કાળા ધોળા પટ્ટાઓવાળા વરણાગી વાઘા પહેરેલા હૂડહૂડ નરે તો માદા સમક્ષ નૃત્ય કરવાનું ક્યારનુંય આરંભી દીધું હતું. ડાળ પર બેઠેલો એક કાળો જંગલી કાગડો એક આંખે બહુ રસપૂર્વક આ નૃત્ય નિહાળી રહ્યો હતો. હૂડહૂડના નાચમાં એને રસ હતો એથીય વધારે તો પેલો નર માટીમાંથી એકાદ મોટું રસદાર અળસિયું ખેંચી કાઢી માદાને ક્યારે ભેટ આપે તેની એ રાહ જોઈ બેઠો હતો. ઝૂ….મ કરતાંકને નીચે ઊતરી આવી એ ખેંચી જતાં વાર કેટલી ?

રાત ટૂંકી થઈ ગઈ હતી. સવાર વહેલી પડતાંમાં તો વડ, પીપળ, બાવળ, પલાશ, ખીજડિયો સહુ મધુર કલબલાટથી ગાજી ઊઠતાં. બાવળના વૃક્ષ પર રાતવાસો કરતા તેતરના એક ટોળાએ ‘કિલાંક ઑકલાક’ બોલતાં બોલતાં ઊડવા માંડ્યું. એકાદ ખોવાઈ ગયેલી માદાએ ટોળામાંના પોતાના સાથીદારને શોધી કાઢ્યો ને ટિક-ટિક કરતી એની પાસે ઊડી ગઈ. રંગરંગના વરરાજાના લેબાસમાં નરપંખીઓ શોભતાં હતાં. ટિટોડીનો ગુલાબી કોટ ને ગાયબગલાનો પીળો કોટ, કંસારાનો લાલ લાલ ટપકાંવાળો પીળો કોટ – કોઈ જાણે કાળજીપૂર્વક નાના નાના વરરાજાઓને શણગારતું હતું. કોઈ શણગાર વગરના વળી પોતાના મધુર કંઠથી જીવનસાથીને આમંત્રી રહ્યા હતા. દૈયડ ને ચંડુલ મધુર સુરાવલિ છેડી શરણાઈ વગાડતાં હતાં. નર ચંડુલ તો વચ્ચે વચ્ચે કાબર, કાગડા ને તેતરના અવાજની એવી સરસ નકલ કરતો હતો ! હવામાંથી કશુંક કંઈ ઘૂમરાતું આવ્યું ને એકદમ કોકિલનો કંઠ ખૂલી ગયો. કુ….ઉ……ઉ…. ઝાડના ઘટાટોપમાં નર ક્યાંક દેખાતો ન હતો. માત્ર અવાજના આધારે પેલી માદાને ખેંચાઈ આવવાનું હતું… કુ….ઉ….. નરપંખીના અવાજમાં જાણે આરત ઘૂંટાઈ ઘૂંટાઈને રેડાતી હતી.

એણે ઉપર જોયું. ઝાડની ઘટામાં ક્યાં છુપાયાં હતાં બધાં ! દૈયડ, કંસારો, પીળક કોયલ – કોને ખબર ? પણ એમના મધુર ટહુકારે જાણે નવી સૃષ્ટિનાં દ્વાર ખોલી આપ્યાં હતાં. પૂર્વ દિશામાંથી ફૂટતા તેજના ફુવારા જેવી જ આ તેજોમય ધ્વનિસૃષ્ટિ હતી. ગામની સીમમાં એક બાજુ ખુલ્લાં ખેતરો પથરાયેલાં હતાં, તો એક બાજુ તળાવ હતું. તળાવની પાળે પાળે અનેક વૃક્ષો પોતાની ગોદમાં કલબલિયો પંખી-સમૂહ સાચવતાં ઊભાં હતાં. તળાવમાં રૂપેરી માછલીઓ દોડતી હતી. હાથમાંના દૂરબીન વડે એ વારંવાર જોતો હતો. સાંઠીકડાં લાવી માળો રચવા મંડી પડેલું કાગડાદંપતી, નીચેની ડાળે એમને રસપૂર્વક નિહાળતું પીળક-દંપતી, કાબર, પોપટ, તેતર. લીલાં વૃક્ષો, નીલું આકાશ, સોનેરી તડકો, વિવિધ રંગ ને ભાતભાતનાં પંખીઓ, તળાવમાં દોડતી રૂપેરી માછલીઓ, સફેદ બગલાં ને કાળો કાગડો. આ રંગ ને સૂરોની દુનિયા વચ્ચે એ ઘૂમતો, હાથમાં દૂરબીન લઈને. એ આ બધાંને ખૂબ ખૂબ ચાહતો હતો.

તળાવ પર વસતાં પેલાં કાદવિયાં પંખીઓ શરૂમાં એનાથી થોડો ભય પામ્યાં હતાં. પછી તેઓ એને ઓળખી ગયાં હતાં. કુ….ઉ…ઉ નરકોયલના ટહુકારના જવાબમાં એણે પણ સામે ટહુકાર કરેલો. પછી નરકોયલ અને બધાં પંખીઓ જાણી ગયાં હતાં કે એ માણસ છે – પણ વૃક્ષ જેવો. એ ઊંડે ઊંડે ઊતરતો, ઊંચો વધતો પણ બીજા માણસોની માફક દોડધામ નહોતો કરતો. ચંડુલના અવાજને એ પીતો. બળદની પાછળ પાછળ ચાલતો ગાયબગલો, બળદના પગના ધક્કાથી ઘાસ હલે ને એમાંથી ખડમાંકડી કે જીવાત ઊડે તે પટ દઈને ચાંચમાં પકડતો, એ પણ એ રસપૂર્વક જોતો. ‘અલ્યા, ઈ ઝાડ સામું જોઈ જોઈને ઈય ઝાડ જેવો થઈ ગયો છે’ – એમ કોઈએ કહ્યું ત્યારે એ ખુશ થયો હતો. એને વૃક્ષ જ થવું હતું, ધરતીમાં ઊંડા ઊંડાં મૂળિયાં ફેલાવી શીળી છાયા કરતું વૃક્ષ.

એટલામાં કોઈક જીપ આવી. માથે મોટી હૅટ, કોથળા જેવી પાટલૂન ને બે હોઠ વચ્ચે જાડી સિગાર ચગળતો એક માણસ જીપમાંથી નીચે ઊતર્યો. ઉપર કોકિલનો ટહુકો થયો. પણ એણે ન તો ઉપર જોયું, ન વળતો ટહુકો કર્યો. એની જીપની ઘરેરાટી હજુ બંધ પડી ન હતી. હાથમાંના કાગળિયાંઓ ખોલી એ ખુલ્લાં ખેતરો વચ્ચે ઊભો હતો. તળાવની પાળ પરના એક વૃક્ષ પર સાવ નીચી ડાળીએ બેસી લીલુડા રંગનો નાનકડો દરજીડો લાંબી પૂંછડી હલાવતો ટૂ…વી….ટૂ….વી…. કરતો હતો. એક બાજ ઝાડ પર ચકરાવા લેવા માંડ્યું ને વૃક્ષ પર થોડીવાર ધાંધલ મચી ગઈ. પેલા માણસે કંટાળાથી વૃક્ષ તરફ જોયું, હાથમાંના નકશાઓ પર જોયું ને પછી નકશામાંના એક વૃક્ષ પર ચોકડી મૂકી દીધી.
****

ગ્રીષ્મ ઋતુ અર્ધી વીતી ગઈ. ઘણાંખરાં પક્ષીઓના માળામાં માદાઓ ઈંડાં સેવવા બેસી ગઈ હતી. બખોલમાં માળા બાંધેલાં પંખીઓનાં નાનાં બચ્ચાંઓ બહાર ડોકાઈ લેતાં હતાં. એમના સતત ઉઘાડા મોંમાં જીવજંતુ મૂકવા માબાપ દોડધામ કરતાં હતાં. ક્યાંક વળી ઊડવાની તાલીમ અપાતી હતી. કાદવિયાં પક્ષીઓએ પણ જમીન પર નાનાં દર કરીને કે ઘાસની વચ્ચે માળા બાંધ્યા હતા. બગલાઓ છેક ઝાડ પરની ટોચે ઈંડાં મૂકી આવ્યાં હતાં.

‘વરસાદ પહેલાં અહીં પાકો રસ્તો થઈ જવો જોઈએ.’ પેલા હેટવાળાનો હુકમ હતો.
ધડધડ કરતી મોટી લૉરીઓ ગામને પાદર આવી ઊભી રહી. ગામ તરફની તળાવની પાળ ખોદાવા લાગી. પથ્થર, રેતી, ડામર સીમમાં પથરાવા લાગ્યાં. ઘરરર… એક મોટું રોલર ફરવા લાગ્યું. કાદવિયાં પક્ષીઓ ઊડી ઊડીને આઘાં ભાગવા લાગ્યાં. કિલચિયાં, ઘોમડી જળકૂકડી ને ડૂબકી તળાવની સામેની પાળ તરફ સંતાવા લાગ્યાં. ટિટોડીઓએ ભયંકર બુમરાણ મચાવ્યું તોય એમનો માળો ઘડીકમાં જીપના ટાયર નીચે છૂંદાઈ ગયો. ધડામ…. એક દિવસ શીમળાનું વૃક્ષ ધરાશાયી થયું. પછી બાવળ, પછી લીમડો.
ગામને પાદર મોટું કારખાનું નખાઈ રહ્યું છે.
વૃક્ષો કપાતાં જાય છે તેમ તેમ પંખીઓ હવે વડલામાં ભરાતાં જાય છે. લક્કડખોદ બીજે ઊડી નીકળ્યાં છે. તેતર, કંસારો, પીળક સહુ વ્યાકુળ હતાં. અરે, હજુ તો બચ્ચાં ઈંડાંમાંથી જન્મ્યાંય ન હતાં. વર્ષાઋતુ આવતાં જે જીવડાંઓ ફૂટી નીકળવાનાં હતાં તે ખવડાવીને તો એમને મોટાં કરવાનાં હતાં. જંગલી કાગડો કોં….કોં…. કરતો પોતાના રુદનથી દિશાઓને ભરી દેવા લાગ્યો. બાજ અને ઘુવડની સામે લડાય, આ શત્રુ કોણ હતો ?

વડ ને પીપળાની ઊંચેરી ડાળીઓ પર, પાંદડાંઓ વચ્ચે કે બખોલોમાં બધાં લપાઈને બેઠાં હતાં. દરજીડાનું ગાયન બંધ પડ્યું હતું. હજુ તો એણે માળોય બાંધ્યો ન હતો. થોડા દિવસ પર એ જોઈ આવેલો. શીમળાના ઝાડ પરનાં સુંદર ફૂલો હવે ફૂટવાની તૈયારીમાં હતાં. અંદરનું રૂ કાઢી, એમાંથી દોરો બનાવી એણે તો હજુ માળો સીવવાનો હતો ! ઋષિકુમારોના સંવાદી સામગાન સાથે ચાલતા યજ્ઞમાં જાણે પિશાચો ઉપસ્થિત થયા હતા. યજ્ઞોમાં હાડકાંઓનો વરસાદ વરસ્યો હતો ને પિશાચોના અટ્ટહાસ્ય જેવું કારખાનાનું ભૂંગળું ભક….ભક…. કરતું હતું.

આકાશને ભરી દેતું પંખીઓનું એ ટોળું આવતું હતું. ગુલાબી બદન, કાળાં માથાં ને કાળાં ગળાંવાળાં વૈયાં (ચકલાં-પક્ષીઓ), લાંબો પ્રવાસ ખેડી શરદઋતુ વિતાવવા આવતાં હતાં. આ વર્ષે થોડાં વહેલાં હતાં. દિવાળીઘોડો, માખીમાર ને ફ્લૅમિંગો હવે પછી આવવાનાં હતાં.
ગામ નજીક છે.
આટલામાં જ વૃક્ષો, ખેતરો, જળાશય, પેલો વૃક્ષ જેવો માણસ….
પણ વૈયાં (પક્ષીઓ) રઘવાયાં થયાં. સૂઝ ન પડી કાંઈ.
ભક…ભક….ઉ…. ભૂંગળાનો અવાજ આવતો હતો. મૃત્યુના શતસહસ્ત્ર બાહુઓ જેવી ધુમાડાની લકીરો ઊંચે ચડતી જતી હતી. એ અટકી પડ્યાં. એ સરકારી નિશાળમાં ભણ્યાં ન હતાં. સરકારી નિયમ મુજબનું લગાડેલું સાવધાનીનું પાટિયું એ બધાં વાંચી શકે એમ ન હતાં.
‘ઔદ્યોગિક ક્ષેત્ર…… હવા પ્રદૂષિત.’
કશી લીલોતરી નજરે ચડતી ન હતી. એમણે કંઠ ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ દાહક વેદના ઊપડી ગળામાં…. ગૂંગળામણ થવા લાગી.

હવામાં પ્રદૂષણ વધી જાય છે ત્યારે ત્યારે ભયસૂચક ભૂંગળું વગાડવામાં આવે છે. ગામલોકો પાસે ઑક્સિજન-માસ્ક છે. કારખાનાને લીધે સંપત્તિ વધી છે. કોઈ કોઈ લોકોનાં ઘર સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે. પણ કોયલના ટહુકાનો વળતો સાદ આપનાર એ જણ… એ ક્યાં માણસ હતો ? એને તો ખુલ્લાં ખેતર, ગાતાં પંખી જોઈતાં હતાં. બારી બહાર એ જોતો હતો. ઉત્તરનો પવન એને સ્પર્શ્યો ને દૂર એક કાળું વાદળ ઊડતું જણાયું. ‘અરે ! વૈયાં ! આવી પહોંચ્યાં !’ એ આનંદિત થઈ ગયો. સેંકડો માઈલનો પ્રવાસ કેવળ અંત:શક્તિથી કરતાં આ પંખીઓ જોવા એ બહાર દોડ્યો.
ભૂં…..ઉ……..ભયનું ભૂંગળું વાગવા લાગ્યું. અત્યારે ગામ બહાર જવામાં સલામતી ન હતી. પણ તોય એ દોડ્યો. પ્રદૂષણની પરવા વગર. ઠંડી હવા એને વીંટળાઈ વળી. પણ એ હવામાં ઝેર હતું. એનો જીવ ગૂંગળાવા લાગ્યો. એ જમીન પર ઢળી પડ્યો. કારખાનામાંથી નીકળી બે-ત્રણ માણસો ગામ તરફ જતા હતા. તેઓ ત્યાં આવ્યા. એકે પોતાનો ઑક્સિજનમાસ્ક કાઢી એના મોં પર લગાડ્યો. શુદ્ધ હવા ફેફસામાં ભરાવા લાગી. જરા વારે એ જાગૃત થયો.
‘અત્યારે ઑક્સિજન-માસ્ક વગર ‘ઈન્ડસ્ટ્રીયલ ઝોન’ તરફ જવું એ ઘણું મૂર્ખાઈભરેલું કહેવાય.’ એકે ઠપકાના સૂરે કહ્યું.
‘વૈયાં……’ એ બોલી ન શક્યો. લથડતા પગે એ ગામ તરફ પાછો ગયો.

વૈયાંનાં ગળાં બળતાં હતાં. એ મંદપણે ઊડતાં, લથડતાં આવ્યાં. તળાવનાં પાણી પર ઝળૂંબી રહ્યાં. શીળું જળ પીને તેમણે તરસ છિપાવવાની કોશિશ કરી, પણ તરસ છીપવાને બદલે દાહ વધ્યો. એક પછી એક તેમના દેહ તળાવમાં ફંગોળાયા, એ જોવા ત્યાં કોઈ હાજર નહોતું. માત્ર તળાવને કાંઠે એક પાટિયું સૂરજના તડકામાં ઝગારા મારતું હતું : ‘પાણી પીવું નહિ, દૂષિત છે.’ પણ પેલી માછલીઓની જેમ વૈયાં પણ બિચારાં એ પાટિયું વાંચવામાં મોડાં પડ્યાં !

[કુલ પાન : 272. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તર્પણ – અશ્વિન વસાવડા
હાસ્યફુવારા – સંકલિત Next »   

24 પ્રતિભાવો : ઘર – ઈલા આરબ મહેતા

 1. ખુબ સુંદર…..

  કપાતા વૃક્ષો અને રચાતી ઇમારતોના જંગલની અસર ક્યાં-ક્યાં પડે છે એનું સંવેદના સભર વર્ણન.

 2. Uday Trivedi says:

  ખુબ અસરકારક રજુઆત ! માનવ સમાજ ના વિકાસ માટે પ્રકૃતિ અને નૈસર્ગિક સંપદાનો નાશ જરુરી છે ? શુ એવા ઉપાયો ન વિચારી શકાય જેનાથી આપણી પ્રગતી પ્રકૃતિને સાચવીને થઈ શકે, ન કે તેના સંતુલનને નુકશાન પહોચાડીને. આખરે પ્રાકૃતિક સંતુલન બગાડીને માનવ પોતાનો જ વિનાશ નથી નોતરી રહ્યો ?

 3. જગત દવે says:

  માનવ-જાતે પ્રકૃતિ ને ભુલીને ‘પ્રગતિ’ની વાટ પકડી છે…… પણ ઈશ્વરે પૃથ્વીની રચના બહુ જ ચતુરતાપુર્વક કરી છે. અનેક પ્રાણી અને પક્ષીઓ ની સમગ્ર જાતિ વિનાશની કગાર પર ઉભી છે…….એક પ્રાણી કે જંતુની જાતિનો સમગ્ર પ્રૃથ્વી પરથી વિનાશ કુદરતે રચેલી જીવન વ્યવસ્થાની કડીમાં બહુ મોડું ગાબડું પાડે છે જે આજે અદ્રશ્ય છે પણ એ ધીરે ધીરે તે માનવ-જાત સુધી લંબાશે…….આ પ્રક્રિયા હજારો વર્ષની હોય છે……..અને કુદરતે માનવીને યાદદાશ્ત અને દ્રષ્ટી બંને ટુંકી આપી છે…….કુદરત સામે માંડેલો આ જંગ કુદરત જ જીતશે.

  માનવ-જાતનું અંકરાતીયાપણું હવે મૃત્યુ-દંડની સજા પામેલા કેદી જેવું થયું છે જેને તેનાં મૃત્યુ પહેલાં બધી જ ‘મોજ’ કરી લેવી છે.

  પ્રકૃતિ-પ્રેમીઓને વિચારતા કરી મુકે તેવી વાર્તા.

 4. hardik says:

  ખુબ સરસ વાર્તા. “અવતાર” મુવી માં પણ આવૉ જ સરસ સંદેશ છે..
  ના’વી ના લૉકૉ વૃક્ષૉ ને માતા સમાન માનતા હતાં.

  જેમ્સ કેમેરૉને મુવી માસ્ટર પીસ તૉ નથી બનાવી પણ અદભુત જરુર બનાવી છે.

 5. કલ્પેશ ડી. સોની says:

  હમણાં મારા ઘરથી ધાબા પર જવા માટેની નીસરણીનાં પગથિયા પર પારેવા(dove, not pigeon)એ માળો બાંધ્યો. છે છેલ્લી ઘડીએ પારેવું તપાસ કરવા નીકળ્યું હતું કે ઘર ક્યાં બાંધવું. મહેનત કરીને પારેવાએ માળો બાંધ્યો ત્યાં તો કલબલીયા પક્ષીઓએ માળો વેર-વિખેર કરી નાંખ્યો. ફરી બે જ દિવસમાં થોડાં તણખલાં મૂક્યાં ના મૂક્યાં ત્યાં તો માદાએ માળામાં બે ઈંડા મૂકી દીધા. બંને જણાં વારાફરતી સેવવાનું કામ કરવા લાગ્યા. રાખોડી રંગનાં કલબલીયા પક્ષીઓ ચાર-પાંચની સંખ્યામાં કૂદતાં-કૂદતાં આવે અને પરેવાને ચાંચ મારીને ભગાડવાની કોશીશ કરે. લાગ મળે તો ઈંડા ખાઈ જવાય. અઠવાડીયામાં તો બે નાજુક બચ્ચાં જન્મ્યા. બાળકોને તો માળો બંધાયો ત્યારથી જ ધાબા પર રમવા જવાનું બંધ થઈ ગયું હતું. જેવાતેવા નાના માળામાં બચ્ચાંને બેસવાની માંડ જગ્યા હોય ત્યાં મા-બાપ ક્યાંથી બેસી શકે? એટલે બંને જણાં(મા-બાપ) પાસેના ઝાડ પર રાતભર બેસી રહે. દિવસે પાછાં આવીને બંને જણાં બચ્ચાઓને ખવડાવે અને બોલતાં શીખવાડે. થોડાં દિવસ પછી તેઓની ઊડવાની તાલીમ શરુ થશે એમ લાગે છે. આ ફકરાની છેલ્લી લીટી લખતા પહેલાં બચ્ચાઓને જોઈ આવ્યો. કાંઈ નવું તો બન્યું નથી ને ! એ માટે.
  મારાં ઘરની આસપાસનું વાતાવરણ કુદરતી છે. જીવજંતુ ખાવા માટે કાચીંડા તેમજ સાપ ફરતા જ હોય. ખિસકોલી, ચકલી સાથે મળીને ચણ ચણતા હોય. કાબર, પોપટ, કાગડા પોતપોતાનો ભાગ લઈ જાય. અમારા વાડામાં જામફળ, પપૈયા, ચીકૂ, જામ્બુ વગેરે ઘણાં ફળો થાય. વાંદરાઓની સેના પણ આવે. કિંગફીશર જેવા પ્રવાસી પક્ષીઓ પણ જોવા મળે. મોર પણ આવે. ચિત્તો ભૂલથી આવી ગયો હતો એ તો જાણીતું છે. ઊનાળામાં ધાબે સૂતો હોઉં ત્યારે સવારે બરાબર છ વાગે બુલબુલ પાળી પર બેસીને ટહુકા કરીને મને જગાડે. એને ભાવતું કેળુ ખવડાવું તો ખુશ થઈ જાય. નવાઈ લાગે એવું એક ઝાડ પણ મારા ઘરની સામે છે જે લીલુંછમ હોય ત્યારે એની એક પણ ડાળ દેખાય નહિ. એના પર લાલચટક ફુલો આવે ત્યારે એક પણ પાન ન જોવા મળે. અને પાનખરમાં માત્ર ડાળીઓ જ હોય. ખુબ મજાની વનસ્પતિ તેમજ પક્ષી સૃષ્ટિ રચી છે, ઈશ્વરે!

  • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

   માનનીય કલ્પેશ ભાઈ,

   ખુબજ સુંદર પ્રતિભાવ. તમારા આસપાસના વાતાવરણનુ ખુબ સુંદર ચિત્ર રજુ કર્યુ. કદાચ આજ તફાવત હોઈ શકે એક સામાન્ય મારા જેવા વાચક અને એક તમારા જેવા એક લેખકની નજરમા, જે આજુબાજુના વાતાવરણ ને અલગ નજરે જોઈ અને માણી શકે છે. તમારા ઘરના આસપાસના કુદરતી વાતાવરણ જે વર્ણન કર્યુ તે ખુબ ગમ્યુ. આવુજ કઈક વાતાવરણ મારા ગામનુ હતુ જ્યારે હુ શાળામા ભણતો હતો. આજથી ૨૫ વર્ષ પહેલા જ્યારે મુંબઈથી હુ મારે ગામ જતો ત્યારે આવીજ કઈક લાગણીનો અનુભવ હું કરતો. ખાસ કરી ને ઉનાળાના વેકેશન મા અમારે ગામ જતા. મારા ગામ મા રેલ્વે નહતી. ત્યા જવા માટે અમારે એક ગામના સ્ટેશન પર ઉતરી ત્યાથી બળદગાડુ કે પગપાળા જવુ પડતુ. પગપાળા જવાની મજાજ કઈ ઓર હતી. ખેતરો અને વાડીઓ ખુંદતા અમે ઘરે જતા. અમારા ઘરની પાસેજ એક રામજી મંદિર હતુ. સવાર સાંજ ની આરતી વખતે અમે ત્યા પહોચી જતા. “રામચંદ્ર કૃપાળુ ભજમન…” આરતી ગાતા. ઘરની પાસેજ એક કુવો હતો. જરુર પડે તો એમાથી પાણી ખેચતા. સાંજે વાળુ જલ્દી કરી લેતા કેમકે એ વખતે ગામમા વીજળી નહતી. ફાનસ અને કેરોસીન ના દીવડા વાપરતા. રાતે ખુલ્લા આકાશની નીચે તારાઓ ગણતા અને વહેલા સુઈ જતા. સવારે ૫ વાગેતો એની મેળે આંખ ખુલી જાય. અને પંખીઓનો કલશોર સાંભળવા મળે. છાપરે મોર પણ આવતા તો વાંદરા પણ કુદાકુદ કરતા. હવાડે નહાવા અને કપડા ધોવા જતા. એક મોટુ તળાવ હતુ. ત્યા આંબાની વાડીઓ પણ હતી.
   પણ તો હવે ત્યા પણ આધુનીકરણ થવા લાગ્યુ છે. આજે પણ એ શૈશવના આ સંસ્મરણો તાજા થાય ત્યારે ખુબ આનંદ આપે છે. આજના આ શહેરની દોડધામમા આવુ જીવન કયાક ખોવાઈ ગયુ છે અને ફરી કદાચ આવુ જીવન જીવવા પણ નહી મળે.

   • કલ્પેશ ડી. સોની says:

    માનનીય ચેતનભાઈ,
    આપે જે ગ્રામ્યજીવનનું વર્ણન લખ્યું એ જ ભારતીય સંસ્કૃતિનું તપોવન કક્ષાનું વિદ્યાર્થીજીવન છે. આપણે ફોર્મલ એજ્યુકેશન લઈએ છીએ એની સદંતર બાદબાકી બ્રહ્મચર્યાશ્રમમાં હોય છે. આપે વર્ણવેલ જીવન વિદ્યાર્થી લગ્ન કરતા પૂર્વે જીવે એટલે એટલે એને સ્નાતકની પદવી મળી જાય. મોબાઈલ યુનિવર્સિટી જેવા ગુરુજી સાથે બાળકો બાગમાં જાય એટલે બોટની(વનસ્પતિશાસ્ત્ર)નો અભ્યાસ થઈ જાય. રાત્રે તારા ગણવાની રમત શરુ થાય એટલે એસ્ટ્રોલોજી(ખગોળશાસ્ત્ર)નો અભ્યાસ થઈ જાય. આ રીતે બાળકને ખબર ના પડતાં એ સર્વ વિદ્યાઓમાં પારંગત થઈ જાય. તપોવનમાં લખવા-વાંચવાનું તો હોય જ નહિ. શિક્ષણ આથી બોજો ન લાગતું. ‘ઓપન યોર બુક્સ’ નહિ પણ ‘ઓપન યોર માઈંડ’ નું શિક્ષણ હતું. ખરેખર આપ એ જીવન જીવ્યા એટલે ભાગ્યશાળી તો ખરા જ!

  • Jignesh Dekhtawala says:

   ખૂબ સરસ લખ્યુ છે, કલ્પેશભાઈ. તમારા ઘરે આવીને રહેવાનુ મન થઈ ગયુ….. ઃ)

   • કલ્પેશ ડી. સોની says:

    જીગ્નેશભાઈ, આપને મારે ત્યાં આવવાનું ભાવભર્યું આમંત્રણ !

  • જગત દવે says:

   કલ્પેશભાઈઃ

   આપ અને આપનું કુટુંબ ભાગ્યશાળી છે (ખાસ કરી ને બાળકો) મારું બાળપણ આવા જ નૈસર્ગિક વાતાવરણમાં થયું છે.

   સવારે કબુતર અને કાગડા અમારા ઊપર ચાલવા લાગે ત્યારે જ ઊંઘ ઉડે. (મોં સુધી ચાદર ઓઢી હોય એટલે પક્ષીઓ ને ડર નહી લાગતો હોય)

   એક કાબર, પોપટ અને કાગડો દરરોજ જમવાનાં સમયે રસોડામાં આવી જતાં અને ઠંડી ભાખરી કે રોટલી આપીએ તો નારાજ થઈ જતાં. પોપટ તો ગુસ્સે જ થઈ જતો……અને તેને તો પાછું પાણી પણ આપવાનું જેથી એ તેમાં બોળી ને રોટલી ખાય. (પોપટને આ આદત હોય છે)

   બાવળની શિંગો, ગુલમહોરનાં ફુલો, પીપરનાં પાન, લીંબોળી, થોરની એક જાતમાં થતાં ફળો, કેરડાં, ચણી બોર એ બધું જ બાળપણમાં ખુબ ખાધું છે.

   હવે…..’મેગી’ પાછળ અને વિડીઓ ગેઈમ પાછળ દોડતાં છોકરાંઓ ની દયા કેમ ન આવે કહો???

   ઈ-પત્રઃ ja_bha@yahoo.co.in

   • કલ્પેશ ડી. સોની says:

    જગતભાઈ,
    ગુલમહોરનાં ફુલો અને સુરજમુખીનાં ફુલનો અંદરનો ટોપરા જેવો ભાગ ખાધો છે પણ, તમે તો ઘણી હિંમત કરી કહેવાય. મેં, તમે લખ્યા એ ફળો જોયા છે પણ ખાવાની હિંમત કરી નથી. તમને કોઈએ કહ્યું હશે, ‘કે ખાઈ શકાય, વાંધો નહિ.’ મને તો મિત્રોએ બહુ ડરાવ્યો હતો, કે આ ‘ફળો ખાઈએ તો મરી જવાય.’ પક્ષીઓની વાતો બહુ ગમી. હું એક વર્ષનો હતો ત્યારે બારી આગળ ઊભો રહી, પુરી હાથમાં લઈને ખાતો હતો. એક કાગડો ઝુંટવીને પુરી લઈ ગયો. હું રડવા લાગ્યો. શું થયું એ મને ખબર જ ન હતી. કાગડો પણ વિચારતો હશે ને, કે ‘આની સાથે તો નીપટી લેવાશે !’ આપણે પક્ષીઓની નજીક જઈએ તો તેઓની ભાષા પણ સમજી શકીએ. તેઓને કુદરતી પરિવર્તનોનું જ્ઞાન હોય છે. ખરેખર મજાનું પક્ષી-વિશ્વ છે. આજના બાળકો તો ‘ઝૂ’ માં તેઓને જોઈને રાજી થાય છે.

    • Jagruti Vaghela U.S.A. says:

     માનનીય શ્રી કલ્પેશભાઈ
     આપના આસપાસના વાતાવરણનુ ખૂબજ સરસ વર્ણન કર્યુ છે. અમે પણ અગાશીમા પારેવાને ચણવા જાર વેરતા અને પચાસ જેટલા પારેવા ચણવા આવી જતા. સાથે કાબરો અને ખીસકોલીઓ પણ આવતી.
     એક હસવા જેવી વાત યાદ આવી ગઈ તે લખુ છુ. એકવાર મારી મમ્મી રોટલી બનાવી રહી હતી ત્યારે ઉપરના રુમની બારી (ઘરનાચોકમા પડતી હતી) માથી એક વાંદરો ઘુસી ગયો અને દાદરો ઉતરીને નીચે રસોડામા આવી રોટ્લીની થપ્પી લઈને ભાગી ગયો. મારી મમ્મી તો એવી બી ગઈ કે હાંફળી ફાંફળી ઘરની બહાર નીકળી ગઈ અને બૂમો પડવા લાગી. અજુબાજુના પડોશીઓ આવી ગયા. અમે જ્યારે સ્કૂલેથી ઘરે આવ્યા ત્યારે આ વાત જાણી અને ખૂબ હસ્યા. અને ત્યાર પછી ઉપરના રુમની બારી હ્ંમેશા બ્ંધ જ રાખતા. કેટલા મજાના હતા એ બધા દીવસો !
     માનનીય શ્રી જગતભાઈ સાચુ જ લખ્યુ છે કે ‘ મેગી અને વીડીઓ ગેઇમ પાછળ દોડતાં છોકરાંઓની દયા કેમ ન આવે? ‘

     • કલ્પેશ ડી.સોની says:

      માનનીય જાગૃતિબહેન,
      પારેવાને ચણ નાંખવા અને વાંદરો રોટલી લઈ ગયો એ બે ઘટના વચ્ચે ફર્ક છે. પહેલી વાત આપણને સ્વીકાર્ય બને છે પણ બીજી સ્વીકારવી મુશ્કેલ લાગે છે. કારણ છે આપણી ‘મરજી’. મહારાષ્ટ્રનાં મહાન સંત એકનાથનાં રસોડામાંથી કૂતરું રોટલી લઈને ભાગ્યું તો સંત એની પાછળ ભાગ્યા- હાથમાં ઘીની વાટકી લઈને! સજ્જનોને જીવન બોજ કેમ લાગે છે? પોતાની મરજી મુજબની સજ્જનતા આચરવી છે, માટે. આપણી મરજી વિરુદ્ધ કંઈ બને એટલે આપણે બેબાકળા બની જઈએ છીએ. ‘આપવું’ એ આપણો સ્વભાવ છે કે આત્મસંતોષ માત્ર? એની કસોટી ભગવાન ક્ષણભરમાં કરી લે છે, આવા વાંદરાઓને મોકલીને. બીજાની મરજીનો સહર્ષ સ્વીકાર કરવાની સતત પ્રેક્ટીસ માટે જ લગ્નજીવન છે. ‘બીજા’ની મરજીમાં ભગવાનની મરજી જોવી એનું જ નામ અધ્યાત્મ. પછી જીવનમાંથી ફરિયાદો ચાલી જાય છે. અમુક ઘટના કેમ બની એનું રહસ્ય જાણી શકાય છે. નક્કી એમાં ભગવાનનો પ્રેમ જ હશે. સોરી, તમે મને હસાવ્યો પણ મેં આપને બોર કરી નાંખ્યા.

 6. Dipti says:

  ગ્લોબલ વોર્મિંગની મોટી મોટી કવાયતોમાં વંચાવવા જેવી વાર્તા. લોકો હવે જાગે છે જ્યારે ઈલાજીએ કેટલી સંવેદનાત્મક રીતે સમગ્ર વાત વણી લીધી છે?
  લેખિકા, સંપદિકા અને એડિટરશ્રીનો આભાર.

 7. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  ઈલા આરબ મહેતાનો વાર્તા વૈભવ. ખરેખર વૈભવશાળી અને સંવેદનાત્મક વાર્તા.
  હજી પણ મનુષ્ય નહી જાગે તો તેને આગળ ખુબ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે.

 8. Sunita Thakar (UK) says:

  લેખ વાચતા વાચતા જાણે કુદરત ના ખોળે પહોચી જવાયુ. School મા ભણતી ત્યારે રીષેશ મા એક મોટા વડ નીચે નાસ્તો કરવા જતા અને વડ પર રહેતી ખિસકોલીઓ હાથ માથી મમરા અને બીજો નાસ્તો ખાવા આવતી. આજે પણ એ દીવસો યાદ આવે છે. પેહલા જે પક્ષીઓ ઘર ના આંગણે કિલ્લોલ કરતા એમને જોવા માટે હવે zoo મા જવુ પડે છે.

 9. ઝાડ ને કાપી રોડ બનાવાય છે તે ખોટું તો છે અને આવી વાર્તા વાંચ્યા બાદ તો ઝાડ કાપનાર વિલન લાગે જ
  પણ એ રોડ પર ગાડી ચલાવનાર પણ આપણે જ છીએ. (લગ્ન પહેલા એવા વિચારો બહુ આવતા કે ‘એની’ સાથે long drive પર જઈએ ને અલકમલક ની વાતો કરીએ) અને હવે આવા સુંદર લેખ વાંચી ને એવો વિચાર આવે કે આવી long drive કેટલાય પક્ષીઓ, માળાઓ ના ભોગે થતી હશે

  તો શું કરવું ? આદિમાનવ ની જેમ રહેવું પ્રકૃતિ ની સાથે કે પછી ભૌતિક સુખ સગવડ ભોગવવી પક્ષીઓ ને માળાઓ ના ભોગે ?

  જંગલ સાફ કરીને બિલ્ડીંગ બનાવનાર પાછો bed room માં જંગલ નું wallpaper મુકવાનું ભૂલતો નથી

  • જગત દવે says:

   ધીરજભાઈઃ

   સહ-અસ્તિત્વ શક્ય છે. એક-બીજાનાં અસ્તિત્વનું સન્માન કેવી રીતે કરવું એ આપણાં વૈદિક ધર્મમાં સમજાવ્યું છે અને એવા જીવનનું વર્ણન પણ કર્યું છે. અન્ય મહાન સભ્યતાઓ એ પણ વિશ્વમાં સહ-અસ્તિત્વ ને મહત્વ આપ્યું જ હતું.
   અને આધુનિક યુગમાં એ પ્રકારનું જીવન જીવવાનો સફળ પ્રયત્ન કરનાર બે મહાનુભાવોનાં નામ મને યાદ આવે છે.
   ૧. થોરો અને
   ૨. ગાંધીજી

   મને ડર લાગે છે કે…… આ વિષયાંતર તો નથી ને? આ અભિપ્રાય પર ‘અભિપ્રાય’ કે વિચાર પ્રગટ કરવાનું મન થાય તો ઈ-મેઈલ કરશો.

   email: ja_bha@yahoo.co.in

   • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

    માનનીય જગતભાઈ,

    તમને આ પ્રતિભાવ પર મે ઇ-મેઇલ કર્યો છે. આશા છે કે તમને ઇ-મેઇલ મળ્યો હશે. તમારા જવાબ ની રાહ જોઇશ.

 10. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Nice artilcle…

  This is what our children need to learn to respect the nature:

  -Teach your children to throw their garbage in the trash can instead of on the ground. Inform them that the trash destroys the plants and can pose a hazard to animals that might eat it. Tell your kids if a trash can isn’t available to put it in their pockets or hold on to it until they can find one.

  -Educate your children on the effects that feeding wild animals can have on the environment. Feeding wild animals entices them to invade campsites or homes, putting them at risk for capture or killing by angry or scared people. It also teaches animals that it is easier to beg for food from humans than it is to catch their own.

  -Inform your children about staying on trails when hiking or going for a walk. Walking off trail crushes plants and flowers native to the area and may ruin the den of wild animals. Staying on the trail also protects your children by lessening the likelihood that they will get lost or bitten by a snake, insect or wild animal.

  -Talk to your children about the damage that picking plants or flowers can have on nature. Plants that they pick may drop seeds in different areas, causing them to grow in another area. The transplanted foliage may not be native to the area and can overpower the ones that need to grow there to sustain the local habitat.

  -Help your children to understand the affects of removing an animal from his home. Animals set up home in an area where they can find food and provide natural benefits to the environment, such as keeping the insect population under control. In order to show respect for nature the animals must remain where you find them do benefit the ecosystem.

 11. Chintal says:

  ખરેખર પક્ષઑનુ ઍટલુ સરસ વણન ક્યુ છ્ કે એક ક્ષણ માટે આપ્ણએ કુદરત ના ખોળે પહોચી ગયા હોઇઍ………………
  ખૂબ જ સુદર્

 12. Rachana says:

  વાર્તા વાંચી..માણી..સાથે પ્રતિભવો પણ….કેવુ અદભુત કહેવાય..એક વાર્તા દ્વારા સર્જક વાંચકના મન ની અંદર છુપાયેલા પ્રક્રુતિપ્રેમ ને બહાર લાવવામા સફળ થયો છે તેમા કોઈ બેમત નથી….મને પ્રક્રુતિનુ હંમેશા વળગણ રહ્યુ છે.હુ ભૌતિક સાધનો વગર રહી શકુ પરન્તુ પ્રક્રુતિ વગર ….જરાય નહિ.

 13. Sandeep Kutchhi says:

  માનનિયે ઇલા બહેન અને કલ્પેશ ભાઇ,

  simply superb piece of write up and great comments from kalpeshbhai. reading this piece of article made me nostalgic. though i have not lived in small village or town i started missing those things by reading this article.

  Thank you,
  Sandeep

 14. VANDANA says:

  ખરેખર હવે તો આપ્ણે ગ્લોબલ વોર્મિન્ગ માટે વિચર્વુજ જોઇએ નહિતો આ પ્રક્રુતિ નો આસ્વાદ ફક્ત બુક્સ વાચિનેજ માણ્વો પડ્સે.

  in this case i am quite lucky b’cos in my native place, i have all the above mentioned natural things which i can enjoy atleast once in quarter. but in mumbai it is just impossible.

  thanks ilaben, to give us such a beautifull & thoughtfull article.

  vandana.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.