તર્પણ – અશ્વિન વસાવડા

[બાયોલોજીમાં એમ.એસ.સી, પી.એચ.ડી કરીને 37 વર્ષ સુધી શિક્ષણક્ષેત્રે કૉલેજમાં સેવા આપ્યા બાદ નિવૃત્ત જીવન ગાળતા ડૉ. અશ્વિનભાઈની અનેક લઘુકથાઓ ‘કુમાર’, ‘અખંડ આનંદ’, ‘નવચેતન’, ‘નવનીત સમર્પણ’ જેવા સામાયિકોમાં સ્થાન પામી છે. તેમનો ‘કિટ્ટા’નામનો પ્રથમ લઘુકથાસંગ્રહ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા પસંદગી પામ્યો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના આ દ્વિતિય લઘુકથા સંગ્રહ ‘તર્પણ’માંથી કેટલીક કૃતિઓ આજે માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. અશ્વિનભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આ પુસ્તક મેળવવા માટે કે આપના પ્રતિભાવ માટે આપ તેમનો આ નંબર પર +91 9824000739 સંપર્ક કરી શકો છો.]

[1] વાડીનું વીલ

અમે ત્રણ ભાઈઓએ અમારી વાડીમાં કરેલા આનંદ, મસ્તી, તોફાનો મને આજે પણ ગઈકાલ જેટલાં જ યાદ છે. બાપુજી સાથે અમે ભાઈઓ વાડીએ જતા. ક્યારેક બા જમવાનું વાડીમાં લઈ આવતાં. બાપુજી અમારી પાસે થોડું સાફસૂફીનું કામ કરાવે અને પછી અમે છૂટા. પાકાં-કાચાં જામફળ, ચણીબોર, પપૈયાં તોડીતોડીને ખાઈએ. રજાઓમાં ભાઈબંધો પણ વાડીએ આવે, બાપુજી મકાઈડોડા ભઠ્ઠો કરી શેકી આપે. ટમેટાં, કાકડી પેટ ભરીને ખાઈએ. બા બાપુજી ઉપર ગુસ્સે પણ થાય, ‘રોજ વાડીએથી જે તે ખાઈને આવે છે તે ઘરે ભાણે બેસી સરખું જમતા પણ નથી.’ બાપુજી કૂવાનો પંપ ચાલુ કરે, કૂંડીમાં વહેતાં પાણીમાં સામ સામે પાણી ઉછાળતાં ન્હાવામાં તો કલાકો નીકળી જતા.

અમારા ત્રણેનાં લગ્ન પછી અમારા સંબંધોમાં તિરાડ પડવા લાગી અને પછી તો અમારે બોલવા-વ્યવહાર પણ ન રહ્યો. બાના અવસાન પછી બાપુજીએ ઘર અને મિલકતના ભાગ પાડી દીધા. અમે ત્રણે ભાઈઓ જુદા રહેવા લાગ્યા. બાપુજી વાડીમાં રહેવા લાગ્યા. અમે ત્રણે ભાઈઓએ વાડી વહેંચી ભાગ પાડી નાખવા ઘણી વાર કહેલું, પણ બાપુજી મક્કમ રહ્યા હતા, ‘મેં વાડીનું વીલ કર્યું છે.’

બાપુજી મૃત્યુ પામ્યા. વડીલનું વીલ શોધવા અમે ત્રણે ભાઈઓએ બાપુજીની પતરાંની જૂની બૅગનું તાળું તોડ્યું. અમે તવતવડા ભાઈઓને બાપુજીએ લખતાં-વાંચતા શીખવ્યું તે દેશી હિસાબની ચોપડીઓ, એકડેથી સો અંકો લખેલી અને શબ્દો લખેલી અમારા હસ્તાક્ષરોની જૂની નોટબુક્સ, અમને લઈ દીધેલાં કેટલાંક રમકડાં અને બાની ચૂંદડીમાં બાંધેલું કવર મળ્યું : વાડીનું વીલ.

આજે બાપુજીની પહેલી પુણ્યતિથિ હતી. અમે ત્રણે ભાઈઓએ આગળથી નક્કી નો’તું કર્યું…. છતાં વાડીના વીલમાં લખેલું હતું તે રીતે ત્રણે કુટુંબ સાથે વાડીએ આવી પહોંચ્યા. અમારાં બાળકોએ તોડીતોડી જામફળ ખાધાં, બોરડીમાંથી ચણીબોર તોડી ભાગ પાડી ચણીબોર ખાધાં, ટમેટાં ખાધાં. રતનબાપાએ કૂવાનો પંપ ચાલુ કરી દીધો. બાળકો કૂંડીના વહેતાં પાણીમાં પાણી ઉછાળતાં ઉછાળતાં નાહ્યાં. આ જોઈ પહેલાં મોટાભાઈ બાળકો સાથે ન્હાવા પડ્યા પછી અમે બે ભાઈઓ પણ ન્હાવામાં જોડાયા. વાડીના વીલમાં આ લખેલું હતું : ‘મારી પહેલી પુણ્યતિથિએ તમારાં બાળકોને વાડીએ લઈ જઈ તમે જે આનંદકિલ્લોલથી સાથે રમતા, ન્હાતા તેવું કરાવજો….. તે પછી વાડી વહેંચી ભાગ પાડજો.’ અમારે કોઈને કંઈ કહેવું ન પડ્યું. બાળકોએ જ સ્વયં અમે કરતા તે બધું કર્યું.

છૂટા પડ્યા ત્યારે મોટાભાઈનો નિર્ણય અમે પણ સ્વીકાર્યો, ‘વીલમાં ભલે લખ્યું, આપણે હમણાં વાડી વહેંચવી નથી.’

[2] પુણ્ય

ઘર પાસેના મંદિરે અમે રોજ રાત્રીના દર્શને જતાં. આજે સખત ઠંડી હતી. મેં સ્વેટર, બ્લેઝર, કાનટોપી ને શ્રીમતીએ પણ ગરમ કપડાં પહેર્યાં હતાં અને શાલ ઓઢી હતી, છતાં ઠંડી લાગતી હતી. મંદિરને ઓટલે રોજ એક માજી બેસેલાં રહેતાં. અમે ક્યારે ખાવાનું તો ક્યારે પૈસા આપતાં. આજે એ ઠંડીમાં ઠૂંઠવાતી કોથળો ઓઢી સૂતી હતી. શ્રીમતીને દયા આવી, ‘બિચારી ધ્રૂજે છે. આ શાલ એને ઓઢાડી દઉં ?’
‘અરે, ગાંડી થઈ છે ? આ શાલ તો હજુ હમણાં જ મનાલીથી ખરીદી છે.’
‘તો ઘરેથી ધાબળો લાવી આપીએ.’
મેં કહ્યું : ‘આવા લોકો તો ટાઢ-તડકાથી ટેવાયેલા હોય, તું આજે ધાબળો આપીશ તો કાલે ગુજરીમાં વેચી નાખશે.’

છતાં શ્રીમતીના આગ્રહથી ઘરેથી ધાબળો લાવી માજીને ઓઢાડ્યો. મોઢું પણ બહાર કાઢ્યા વિના ધ્રૂજતા અવાજે માજીએ કહ્યું : ‘ભગવાન તમારું ભલું કરે.’ બીજે દિવસે માજીને ધાબળો ઓઢી સૂતેલાં જોઈ શ્રીમતીએ સંતોષ વ્યક્ત કર્યો, ‘બિચારીને હૂંફ મળતી હશે.’ મંદિરના ચોકમાં બેઠેલા બીજાં દંપતી સાથે વાતોમાં શ્રીમતીએ કહ્યું : ‘હમણાં બે દિવસથી કેવી ઠંડી પડી છે ?’ અને પછી ઉમેર્યું, ‘બહાર ઓટલા ઉપર સૂતેલાં માજીની દયા આવી તે કાલે રાતે ઘરેથી પાછાં આવી ધાબળો ઓઢાડી ગયાં.’

ચારેક દિવસ પછી મંદિરે આવ્યાં ત્યારે માજીને અમે કોથળો ઓઢી બેસેલાં જોયાં.
મેં કહ્યું, ‘જોયું ? મેં તને કહ્યું હતું ને, ધાબળો વેચી નાખ્યો લાગે છે.’
શ્રીમતીએ ગુસ્સે થતાં માજીને કહ્યું : ‘ધાબળો વેચી નાખ્યો ને.’
‘ના….રે….ના બેન, તમારા જેવાની દયાથી બે ટંક પેટ ભરાય તેટલું મળી જાય છે, પછી મારે પૈસાને શું કરવા છે ?’
‘તો ધાબળો ક્યાં છે ?’
‘કાલે રાતે કાખમાં છોકરું તેડી એક ભિખારણ આવી હતી. બિચારા બંને ટાઢમાં થરથરતાં હતાં. મને દયા આવી અને ધાબળો એને આપી દીધો.’ થોડું અટક્યા પછી ઉમેર્યું, ‘તને વધારે પુણ્ય મળશે બેન.’

[3] દાનત

વીંટીની શોધમાં મોનિકાએ આખું ઘર જોઈ નાખ્યું. લગ્નની પહેલી વર્ષગાંઠની ભેટ આપેલી તેથી પહેલાં તો મને કહ્યું પણ નહીં, પણ શોધખોળના અંતે મળી જ નહીં, ત્યારે રડમસ બનતાં કહ્યું : ‘મારી વીંટી મુકાઈ ગઈ છે. બધે શોધ્યું પણ મળતી જ નથી.’ મેં મોનિકાને વીંટી શોધવામાં મદદ કરી. કબાટથી માંડી રસોડાની અભરાઈ સુધી બધે જ જોયું. ‘જવા દે હવે, ઘરમાં જ હશે. મળશે મળવી હશે ત્યારે.’
‘તમે લાભુબહેન ઉપર બહુ વિશ્વાસ રાખો છો ને એ મને બહુ પસંદ નથી. એ બાઈ ઘરનો ખૂણેખૂણો જાણે છે, આજે વીંટી ગઈ અને કાલે કંઈ બીજું જશે.’
‘અરે મોની, લાભુબહેન તો વર્ષોથી આ ઘરનું કામ કરે છે. કુટુંબી જેવા છે, જ્યારે બહારગામ જઈએ ત્યારે એ જ ઘર સાચવે છે. વીંટી તો શું લાખ રૂપિયા પડ્યા હોય તો પણ દાનત બગાડે તેવાં નથી.’

હું બૅન્કમાંથી થોડો મોડો ઘરે આવ્યો. આવતાંની સાથે જ રાજી થતાં મોનિકાએ કહ્યું : ‘વીંટી મળી ગઈ. કપડાં ધોતાં સાબુદાનીમાંથી લાભુબહેનને મળી.’
‘સારું થયું… મારે પણ આજે બૅન્કમાં શોધખોળ જ રહી. બપોરે ‘એકાઉન્ટ ક્લોઝ’ કરતાં દસ હજારનું એક બંડલ વધુ હતું. ફરી ફરી હિસાબ તપાસ્યો. એક પાર્ટીનું વધુ આવી ગયેલું. તેને ફોન કરી બોલાવી આપી દીધું.’
‘તમે એવા જ છો, હિસાબમાં દસ હજાર વધુ આવે છે તે જાહેર શું કામ કર્યું ? તમારી જગ્યાએ હું હોત તો જાહેર જ ન કરું.’
‘અને મોની, કદાચ તું લાભુબહેનની જગ્યાએ હોત તો પણ ને ?’

[4] મૃગજળ

અપનાઘર વૃદ્ધાશ્રમમાં સાથીઓ સાથે સવારની ચા પીતાં પરસુખરાય હસ્યા.
મનરંજનભાઈએ પૂછ્યું : ‘કેમ હસો છો ?’
પરસુખરાયે હસતાં હસતાં કહ્યું : ‘આજે સ્વપ્નું આવ્યું; દીકરો-વહુ અમેરિકાથી આવ્યાં તેની સાથે ખૂબ વાતો કરી, મારે માટે ‘રીસ્ટવૉચ’ ‘શૂટ’નું કાપડ અને બીજું ઘર ઉપયોગી પણ ઘણું લાવ્યાં, જીદ લઈને બેઠાં કે બાપુજી હવે તમારે એકલા રહેવાનું નથી. અમારી સાથે અમેરિકા આવવાનું છે.’
‘પછી તમે શું જવાબ આપ્યો ?’
‘માળું, જવાબ આપું એ પહેલાં આંખ ઊઘડી ગઈ.’
પરસુખરાય હસ્યા : ‘હા, ભાઈ ! સ્વપ્નાનું તો એવું છે કે ક્ષણિક મ્હાણીએ, ચિંતામુક્ત પણ થઈએ, ત્યાં આંખ ખૂલી જાય અને પાછું હતું તેનું તે.’

[5] આંચકો

નાની વાતમાં ઝઘડો થતાં પત્ની બે માસથી પિયર ચાલી ગઈ હતી. તે કહેતી હતી, ‘તમે તેડવા આવો.’ તે કહેતો હતો, ‘તું ચાલી ગઈ છે, તું આવતી રહે.’

તે ઑફિસેથી આવે ત્યારે, ‘પપ્પા, પપ્પા….’ કરતો મેઘ દોડી આવે. મોહિત તેને ‘મારો દી’કો કહેતાં તેડીને બકીઓ ભરે, ખોળામાં બેસાડી તેની સાથે કાલીકાલી ભાષામાં વાતો કરે. ચૉકલેટ, બિસ્કિટ જે લાવ્યો હોય તે આપે. આ રોજનો ક્રમ હતો. મેઘ વિના તેને ઘર ભેંકાર લાગતું હતું; તે ભાંગી પડ્યો હતો. તેના ‘ટેન્શન’માં વધારારૂપે આજે ઑફિસમાં સાહેબ સાથે તેને ઝઘડો થયો હતો. એક હિસાબી ગોટાળામાં સાહેબે પોતાનો બચાવ કરી તેને ખોટો સંડોવ્યો હતો. આજે ‘હેડઑફિસ’માંથી મોટાસાહેબ વિશેષ ‘ઈન્કવાયરી’ માટે આવેલા. તેને ‘મેમો’ આપ્યો હતો. ‘સસ્પેન્શન’ આવશે તેવું કહી ગયા હતા.

બેડરૂમમાં પલંગમાં પડ્યો તે રડી પડ્યો. ‘કુદરત પણ વાંક વિના મને જ અન્યાય કરે છે.’ આવેશમાં આવી તેણે આત્મહત્યાનો નિર્ણય કર્યો.
ચિઠ્ઠી ફોન પાસે મૂકી ખિન્ન હૃદયે તે બહાર નીકળ્યો.
દરવાજે આવ્યો ત્યાં તેણે કણસતું કૂતરું જોયું. ‘ઈલેક્ટ્રીક’ થાંભલાને અડતાં કૂતરીને વીજળીનો આંચકો લાગેલો. તેણે તેને મરતી જોઈ. પાછળ આવતાં બે ગલૂડિયાં માને સ્તનપાન કરવા ચોટ્યાં. છૂટાં પડ્યાં.

જાણે તેને વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ તે ચિત્કાર કરી પડ્યો.
આવતાં લોકોને થાંભલાથી દૂર રહેવા બૂમ પાડવા લાગ્યો. ‘બિચારી કમોતે મરી.’ ઘરમાંથી સફેદ લૂગડું લાવી કૂતરીને ઓઢાડ્યું. વિવશ ગલૂડિયાંને દૂધ પાયું. ભારે હૈયે તે ઘરમાં આવ્યો. અકળાયો; તેણે પત્નીને ફોન કર્યો, ‘કાલે તેડવા આવું છું.’

[કુલ પાન : 64. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પબ્લિકેશન, લાભ ચેમ્બર્સ, મ્યુ.કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 2232460 ઈ-મેઈલ : pravinprakashan@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous 3000 લેખોની વાચનયાત્રા – તંત્રી
ઘર – ઈલા આરબ મહેતા Next »   

14 પ્રતિભાવો : તર્પણ – અશ્વિન વસાવડા

 1. Kamakshi says:

  All the Articles are very good. They are related to current life situations.I like the first one most.

 2. ખુબ જ સુંદર…..બધી જ વાર્તાઓ સુંદર છે.

 3. જગત દવે says:

  [1] વાડીનું વીલ –

  ‘ગુગલ અર્થ’ (Google Earth) પરથી ભારતની જમીન અનેક નાના-નાના ખેતરો અને વાડીઓનાં ટુંકડાઓમાં વ્હેચાયેલી જોવા મળે છે.

  એક સંશોધન અનુસાર સમગ્ર ભારતની ન્યાય-પાલિકાઓમાં ચાલતા કેસનાં ૮૦% જેટલાં કેસ ફક્ત જમીનનાં વિવાદ ને લગતા છે.

  આવું વિલ અને દિલ અને ‘લીલી-વાડી’ વારસામાં છોડી જતાં વૃધ્ધો કેટલાં? હજુ કેટલાં ટુંકડાઓમાં વ્હેચાશે મારો દેશ.

  [2] પુણ્ય-

  જો એ ગરીબ માજીએ શાલ વ્હેચી પણ દિધી હોત તો હું તેને બીજી આપત……કારણકે…. ગરીબની બેઈમાની પણ ‘ગરીબ’ જ હોય છે……આપણાં સહુની બેઈમાની Income-Tax Dept. અને Swiss Banks વધારે જાણે છે.

  [3] દાનત

  મારા ઊપરનાં અભિપ્રાય ને સાચો ઠેરવતી વાત.

  [4] મૃગજળ

  વેદનાને છુપાવતા સપના અને હાસ્ય. લાંબી વાર્તાનો જાણે ટુંકસાર.

  [5] આંચકો:

  પ્રેમ અને સંવેદના એ જ જીવન છે. સૌથી ઊતમ રચના.

  મારા બાળપણની વાત……અમે બાળ-ગોઠીયાઓ એવાં ગલૂડીયાંઓ ને સહુથી વધુ લાડ કરતાં જેની માં મરી ગઈ હોય. મારી એ સંવેદનાઓ ક્યાં ગઈ ????

 4. ખુબ ઊંચા વિચારો
  ખુબ ઓછા શબ્દો માં અને ઓછા સમય માં
  આભાર અશ્વિનભાઈ
  આભાર મૃગેશભાઈ

 5. કલ્પેશ ડી. સોની says:

  હરિંદ્ર દવે એવું કહે છે, કે “મને ખબર પડે કે કોઈ મને છેતરી રહ્યું છે, તો હું ‘મને કાંઈ ખબર પડતી નથી’ એવો ભાવ ચહેરા પર લાવીને એ વ્યક્તિને મને છેતરવાનો આનંદ લેવા દઉં.”
  enjoy differences,
  enjoy loses,
  enjoy everything.

 6. RUPAL says:

  All the stories are very nice. Thank You Mrugeshbhai giving such nice stories on ReadGujarati.

 7. Dipti says:

  અણધાર્યો વળાંક, ચોટદાર અંત, થોડા શબ્દોમાં મોટી વાત, વિચાર મંથનમાંથી નવનીત મેળવવાની કેળવણી આ જ છે લાઘવનો વૈભવ. જુદા જુદા પ્રુષ્ઠ્ભુ સાથે પ્રેરણાદાયી વાર્તાઓ માટે લેખકશ્રીનો આભાર.

 8. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  બધીજ લઘુકથાઓ શ્રેષ્ઠ છે. થોડાકમા પણ કેટલુ બધુ કહી દીધુ. ખરેખર વિચાર કરતા મુકી દે એવી ચોટદાર વાત.
  આભાર.

 9. Preeti Dave says:

  નાની નાની પણ સરસ વારતા ઑ .ઍકદમ હદયસ્પશી….

 10. jayesh says:

  good article classic

 11. Krunal says:

  તમે ખરેખર જબરા!!!! આન્ખ મા આન્સુ લાવિ દીધા. I am tocuhed. really touched. Keep it up. such articals are required to repair our emotions.

 12. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Short but sweet … heart touching…

  Ashish Dave

 13. Vaibhav Dholakia says:

  એક્દમ હ્રદયસ્પર્શી ક્થાઑ

 14. RAJIV DHOLAKIA says:

  ખુબ જ હ્રદયસ્પર્શિ અને સુન્દર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.